થીજેલી ક્ષણ (પ્રકરણ-૨)

02 April, 2024 06:07 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

સવારે જેલમાંથી છૂટીને પોતે સીધો વસ્તીમાં પહોંચ્યો. પોતે કંઈ વસ્તીનો દાદો નહોતો કે મારાં પગલાં પડતાં રહેનારાઓમાં ફફડાટ વ્યાપી જાય. બલકે ભાગ્યે જ મને કોઈએ ઓળખ્યો. પાડોશીઓ બદલાઈ ગયેલા.

ઇલસ્ટ્રેશન

હં, હવે ઘર રહેવાલાયક લાગે છે ખરું!

તેણે રૂમમાં નજર દોડાવી.

સવારે જેલમાંથી છૂટીને પોતે સીધો વસ્તીમાં પહોંચ્યો. પોતે કંઈ વસ્તીનો દાદો નહોતો કે મારાં પગલાં પડતાં રહેનારાઓમાં ફફડાટ વ્યાપી જાય. બલકે ભાગ્યે જ મને કોઈએ ઓળખ્યો. પાડોશીઓ બદલાઈ ગયેલા. મને જેમની પહેચાન હતી એમાંના મોટા ભાગના હાઉસિંગના મકાનમાં રહેવા જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું.

બંધ ખોલીનું તાળું પોતે મુઠ્ઠીના મારથી તોડ્યું એથી બાજુવાળા ચાચા ચોંકેલા. ત્યારે પાછળથી કોઈક કહેતું સંભળાયું ઃ ચિંતા મત કરો ચાચા, યે આપકા પડોશી હી હૈ... જેલ સે છૂટ ગયા લગતા હૈ.

‘જેલ’ શબ્દ જ ધ્રુજાવી દેનારો છે. માથાભારે કેદીઓની ગંદી હરકતો, લાગવગિયાઓની સાઠગાંઠથી ભારે પડતી મજૂરી... કંઈકેટલુ ક્ષણાર્ધમાં તરવરી ઊઠ્યું. તે સ્મૃતિઓને ખંખેરતો હોય એમ માથું ખંખેરી પોતે ઘરમાં દાખલ થયેલો.

બહાર પેલા બોલનારના અવાજમાં થડકો નહોતો ને સાંભળનારનેય એ ખાસ અજુગતું નહીં લાગ્યું હોય. પોલીસ કે જેલની વસ્તીમાં કોને નવાઈ છે! કદાચ આ એક જ વસ્તુ નથી બદલાઈ.

ખેર, વરસોથી બંધ પડેલા ઘરને પહેલાં તો સફાઈની જરૂર છે.

ચાર આદમી બોલાવીને ઘર ચોખ્ખું કરાવડાવ્યું, ઉપરની ટાંકીમાં પાણી ભર્યું... અત્યારે, ભીંતકબાટના અરીસામાં જોતાં તેની કીકીમાં ચમક ઊપસી, ભીતર સળવળાટ થયો - આમાં તો ચોરખાનું પણ છેને. એમાં કદાચ કૅશ પડી હોય!

ઉત્તેજનાભેર તેણે કપડાંની થપ્પી હટાવીને ચોરખાનું ખોલ્યું. હાથ ફંફોસતાં થોડીઘણી કૅશ સાથે એક કવર નીકળ્યું.

આ વળી શું! અંદરની સામગ્રી નિહાળતાં ધક્કો જેવો લાગ્યો ઃ ન હોય! રામબાણ હથિયાર મારી પાસે હતું ને હું વરસો જેલમાં રહ્યો? ન સહેવાના જુલમ સહ્યા?

જાત પર ગુસ્સો ચડ્યો ઃ મને કેમ આ યાદ ન રહ્યું! ભીતર ધૂંધવાટ ફેલાયો. નહીં, હવે તો ૧૨ વરસના કારાવાસની એક-એક ક્ષણ વસૂલવી રહી! 

lll

‘જ્યોતિ કલશ છલકે...’

પ્રભાતનાં સોનેરી કિરણો પથરાયાં. ગામના ઘરની મેડીએ પૅસેજના કઠેડા પર હાથ ટેકવી ઊભાં રહેલાં યામિનીબહેન અદૃશ્યને તાકી રહ્યાં.

ઘડીકમાં આંગણું સજીવન થઈ ઊઠ્યું. ઓટલે બેસી બાવળનું દાંતણ ઘસતા શ્વશૂરજી, જમણે ગોમતી ગાયને દોહતાં સાસુમા, બાજુના આંગણે તુલસીક્યારામાં જળનો અભિષેક કરતી રાધા, હીંચકે બેસી ટ્રાન્ઝિસ્ટર પર જૂનાં ગીતો સાંભળી પત્નીને નિહાળતા આનંદભાઈ.

એવામાં પાછળથી આવી સત્યજિત યામિનીને ભીંસી દે છે ઃ આમ મને એકલો મૂકીને ક્યાં ચાલ્યાં રાણી?

‘ઉફ્ફ સત્ય તમને તો ધરવ જ નથી...’ યામિનીનું સુખ ઊઘડ્યું પછી મેંશના ટપકા જેવું તેને ટકોરી લીધું, ‘મારી ઉજાગરાભીની આંખો જોઈ મા આડું જોઈ હસી લે છે, રાધાભાભી મશ્કરી માંડે છે ને બાપુજી સામે થવાની તો મારી હિંમત જ નથી થતી.’

‘અને આનંદ? મારો ભાઈબંધ શું કહે છે?’

બે મિત્રોનો જીવ એક.

‘યામિની, તું મારા માવતરની આંતરડી ઠારીશ એની તો મને ખાતરી છે... આ ઉપરાંત પણ એક સંબંધ છે જેને તારે નિભાવવો રહ્યો - મિત્ર સાથેનો, મૈત્રીનો સંબંધ.’

લગ્ન પહેલાં છોકરાછોકરી મળે, ગામડાગામમાં તો એ ત્યારેય અજુગતું ગણાતું, પણ સદ્ભાગ્યે યામિનીનાં માવતર ઉદાર મતવાદી હતાં. પરિણામે સત્યનું ઉમળકાભેર સ્વાગત થતું. યામિનીને એહસાસ થતો ગયો કે જેની સાથે સાત ભવના સંબંધે બંધાવાનું છે એ જુવાન કેવળ શરીરથી જ દેખાવડો નથી, તેનું મન પણ સુંદર છે, હૈયું પ્યારથી છલોછલ છે! ક્યારેક તેના મિત્ર સાથે આવે અને એ બેઉ જ વાતોમાં એવા ડૂબી જાય કે યામિનીને થાય, આમાં મારું સ્થાન ક્યાં!

‘આ સવાલ મને પણ થતો.’

એક વાર આનંદ-સત્યજિત સાથે યામિનીના ઘરે આવેલી રાધાએ તેને સમજાવેલું ઃ પણ વરસદહાડાના અમારા સ્નેહજીવનમાં એટલું સમજી છું કે પતિ તો દૂધ જેવો હોય. પત્નીને જો સાકરની જેમ ભળી જતાં આવડે તો ગળપણને દૂધમાંથી કોણ અળગું કરી શક્યું છે? બાકી તેમની મૈત્રી નિર્મળ છે. તારે એમાં મિત્રની રૂએ ભળવાનું છે, બસ!

યામિનીની સમજબારી ખૂલી ગઈ. મિત્રતાના સંબંધને સાચવવા પર ભાર મૂકતા મંગેતરને તે કહેતી - તમારા દરેક સુખને, દરેક સંબંધને જાળવવાની જવાબદારી મારી... આમાં દંભ નહોતો, બનાવટ યામિનીના સ્વભાવમાં જ ક્યાં હતી?

સાંભળીને સત્યજિત કેવા

મ્હોરી ઊઠતા!

અને આજે તો લગ્નને મહિનો થવાનો તોય પતિદેવનો હનીમૂન-મૂડ છૂટતો નથી! પાછા પૂછે છે કે મારો ભાઈબંધ શું કહે છે?

યામિની ગરદન ટટ્ટાર કરી વળ ચડાવતી, ‘આનંદભાઈ કાલે જ રાધાભાભીને કહેતા હતા કે સત્યને જલદી મુંબઈ રવાના કરવો પડશે - તો જ બિચારી યામિની મટકું મારી શકશે!’

હસવું દાબીને ડિંગો દેખાડતી તે સરકી જતી...

એ સુખ સરકી જતું હોય એમ પાત્રો અદૃશ્ય બન્યાં ને સૂનું આંગણું યામિનીબહેનને ભોંકાયું.

આવતી કાલે નીમા પહેલી વાર ગામ આવવાની... ઓહ, સત્યજિત, તમે, મા-બાપુજી, આનંદભાઈ-રાધાભાભી હોત તો આ અવસરની રોનક જ જુદી હોત! રાધાએ દાંડી પીટી હોત...

અને યામિનીબહેનને વળી આંગણામાં થાળ વગાડતી રાધા દેખાઈ...

‘સાંભળો... સાંભળો! આખું ફળિયું સાંભળે... દેવકોરકાકીની યામિનીવહુએ દીકરો જણ્યો!’

અત્તુના જન્મે રાધાભાભીએ ગામ ઘેલું કર્યું હતું. અત્તુનું તો નામ પણ આનંદભાઈએ આપ્યું - જેની કોઈ તુલના નહીં એવો મારો અતુલ્ય!

તેમને ત્યાં સંતાનના આગમનના ખુશખબર મળ્યા તો ખરા, પણ ટક્યા નહીં... પાંચમા મહિને રાધાને મિસકૅરેજ થતાં એ સુખ તેમનાથી સદાય માટે રિસાઈ ગયું. સત્યજિત-યામિનીએ તો ત્યાં સુધી વિચારેલું કે બીજું સંતાન કરીને જન્મથી જ આનંદભાઈ-રાધાભાભીને સોંપી દઈએ. નસીબજોગ એય બન્યું નહીં.

સુખના રિસાવાની એ શરૂઆત હશે?

સાસુ-સસરા ગયાં, પિયરમાં માવતરે ગામતરું કર્યું. ટૂંકી માંદગીમાં રાધાની શ્વાસડોર તૂટી એ આઘાત તો અકલ્પ્ય-અસહ્ય હતો.

ક્રિયાપાણી પતતાં સત્યએ મુંબઈ ગયા વિના છૂટકો નહોતો, પણ અતુલ્યની સ્કૂલના ભોગેય યામિની ગામ રહી એનો વાંકદેખ્યાને અપચો થાય. જીવીડોશી જેવાં પંચાતિયાં પાછાં ઘરે આવી યામિનીને સમજાવવામાં પોતાની ફરજ માને ઃ આનંદ-સત્યજિત વચ્ચે વયભેદ હોત તો તેને તારો દિયર કે જેઠ મારી ભોજાઈનો સંબંધ માન્ય ગણાત, પણ ઘરભંગ થયેલા આદમી જોડે આ તું કઈ દોસ્તી નિભાવી રહી છે? અને કોની દોસ્તી - સત્યજિતની કે તારી?

તેમનું બિટ્વીન ધ લાઇન્સ ખળભળાવી દેનારું હતું. યામિનીએ સંયમ ગુમાવ્યો નહીં.

‘અત્યારે તો હું કેવળ માનવધર્મ નિભાવી રહી છું જીવીમા.’

યામિનીના જવાબે ડોશીને ચૂપ કરી દીધાં. આ બધું સત્યથી છૂપું નહોતું. તેની ઇચ્છા તો નોકરી છોડી મિત્ર પાસે આવી વસવાની હતી. જોકે આનંદે એવું થવા ન દીધું. એટલે સત્યજજિત પણ અડી બેઠો - તો પછી તું અમારી સાથે મુંબઈ ચાલ!

અને આનંદભાઈ આવ્યા પણ ખરા....

યામિનીબહેને કડી સાંધી ઃ

વર્સોવાનો અમારો ફ્લૅટ મોકળાશવાળો હતો. આનંદભાઈનો મોટા ભાગનો સમય અત્તુ સાથે વીતે. એ ન હોય ત્યારે ઘરમાં બેસવાને બદલે નજીકની લાઇબ્રેરીમાં જાય, મૉલમાં ફરી આવે, બહુ કંટાળે ત્યારે રસોડામાં આવી જાય - તું બહાર નીકળ યામિની, આજની રસોઈ હું બનાવવાનો!

પછી તો રસોઈઘરની જે દુર્દશા થઈ હોય! યામિનીબહેનના ચહેરા પર સ્મિત ફરકી ગયું છતાં પોતે તેમને રોકતી-ટોકતી નહીં.

મુંબઈમાં ઘર જેવું જ હતું છતાં પ્રવૃત્તિ વિના એક તબક્કે આનંદ કંટાળ્યો. રાધાના જવાનું દુ:ખ તો રહેવાનું, પણ એના આઘાતમાંથી તે સર્વાઇવ થઈ ચૂકેલો: ઃ મને ઘરે જવા દે સત્ય... ખેતી મારું ગમતું કામ છે. એકલું લાગે કે ઇચ્છા થશે ત્યારે આવી જઈશ!

અને રાધાભાભી ગયાના પછીની એ દિવાળીએ આનંદભાઈ મુંબઈ જ હતા... યામિનીબહેને સાંભર્યું ઃ અતુલ્ય ત્યારે દસમા ધોરણમાં. નવા વરસની ઉજવણીની બપોરે ગામથી ખબર આવ્યા. ન્યાતના મોભી દેવશંકરભાઈનો દેહાંત થયો, જે પાછા કુટુંબી પણ થાય એટલે તેમની સ્મશાનયાત્રામાં જવું તો પડે જ... તેમનાં દીકરી-જમાઈ લંડનથી આવવાનાં હોવાથી તેમની રાહ જોવાના હતા એટલે અંતિમયાત્રામાં પહોંચવાનો અમને સમય પણ હતો. સત્યને છુટ્ટી મળે એમ નહોતું અને અતુલ્યને ટ્યુશન્સ એટલે ફ્લાઇટ-બસ-ટ્રેનની તપાસ કરી એવું ગોઠવ્યું કે શુક્રની પરોઢની અમદાવાદની ટ્રેન પકડી અમે બપોરે ત્રણ વાગ્યે અમદાવાદ ઊતરીએ ને ત્યાંથી જામનગરની ટૅક્સી કરી લઈએ તો રાતે ૧૨ સુધીમાં ઘરભેગાં થઈ શનિની સવારે દેવશંકરભાઈની સ્મશાનયાત્રા નીકળે એ પહેલાં અંતિમ દર્શન થઈ શકે.

એ રીતે અમે અમદાવાદ તો સડસડાટ પહોંચી ગયાં... એ સમયે સ્માર્ટફોન હતા નહીં, ઉબર કે ઓલા યુગને હજી વાર હતી. સ્ટેશનના ટૅક્સી-સ્ટૅન્ડ પરથી જ ગાડી કરવાની હતી. ત્યાં ઊભેલા ચારેક ટૅક્સી-ડ્રાઇવરમાં એક ભારે મીઠાબોલો નીકળ્યો ઃ ભાડું તમે આપશો એ લઈ લઈશ, સાહેબ. તમારાં બન્નેનાં સફેદ વસ્ત્રો પરથી ધારી લઉં કે તમે કોઈકના બેસણા કે અંતિમયાત્રામાં જવાનાં - લો, સાચું પડ્યુંને! ત્યારે તો વધુ રોકાવાનાં પણ નહીં હો - તમને મારું ડ્રાઇવિંગ

ગમે તો રિટર્નમાં પણ રાખજો. એ

મારું બોનસ!

ઊંચા-પહોળા કદકાઠી, ત્રીસ-બત્રીસની વય અને બિહારી છાંટવાળી ગુજરાતી બોલી. નામ પણ યાદ રહી જાય એવું - સુખદેવ!

રવિવારની અમારી રિટર્ન ટિકિટ જામનગરથી જ હતી, પણ એ બધું અજાણ્યા આદમીને કહેવાનું ન હોય... આનંદભાઈએ વનવે સવારીનું ઠેરવ્યું. સુખદેવ વાતોડિયો હતો ને ચબરાક પણ લાગ્યો. આનંદ આગળ બેઠો, યામિની પાછળ એમાં સમજી ગયેલો કે બેઉ પતિ-પત્ની નથી.

અને એ સફરની શરૂઆત તો સારી જ હતી... પણ અમદાવાદ છૂટ્યાના કલાકમાં વાતાવરણ વાદળછાયું બનતું ગયું અને રાજકોટ પહોંચતાં સુધીમાં તો ચોમાસું બેઠું હોય એમ ધોધમાર વરસાદ જામ્યો. એક તબક્કે ટૅક્સી પણ ડચકાં ખાતી ઊભી રહી ગઈ.

આકાશમાં ચમકી જતી વીજળી, સાંબેલાધાર વરસાદ, ચારે તરફ નિર્જનતા. સુખદેવની નજર વધુ તેજ નીકળી ઃ સાહેબ, જુઓ પેલું મકાન દેખાય... તમે ત્યાં પોરો ખાઓ, હું મિકેનિકને ખોળું કે પછી તમને બીજી સવારીમાં બેસાડી દઉં...

છૂટકો ક્યાં હતો? સુખદેવે ડિકીમાંથી છત્રી કાઢી આપી, તોય મકાન સુધી પહોંચતાં યામિની-આનંદ અડધાંપડધાં ભીંજાઈ ગયેલાં.

ના, બેઠા ઘાટનું એક ઓરડાનું મકાન કોઈનું ઘર કે સરાઈ નહોતી, આંગણવાડી હતી. સદ્ભાગ્યે

ઓસરીમાં લાઇટ હતી, પણ દરવાજે તાળું હતું. ક્લાસ છૂટ્યા પછી અહીં કોણ રહેતું હોય!

સુખદેવે બેધડકપણે તાળું તોડીને દરવાજો ખોલી નાખ્યો - આવો સાહેબ, ચિંતા ન કરો. આપણે ક્યાં વિદ્યા ચોરી જવાના છીએ!

એક કબાટ, વર્ગશિક્ષકનાં ટેબલ-ખુરસી સિવાય ઓરડામાં ઝાઝું રાચરચીલું નહોતું. આનંદે ખૂણામાં સામાન મૂક્યો. યામિનીએ ઝટ પાથરણાં પાથર્યાં. વાછંટને લીધે દરવાજો ઠેલી આનંદે બારી ઉઘાડી.

‘મુંબઈ ખબર તો કરી દો કે અમે અણધાર્યાં ફસાયાં છીએ...‘

નોકિયાનો ફોન લાગ્યો નહીં, આનંદે મેસેજ કરી દીધો. એની થોડી વારમાં સુખદેવ ચાનો જગ, થોડાં મૅગેઝિન લઈને આવ્યો ઃ રાત અહીં જ કાઢવી પડશે સાહેબ... આગળ રસ્તો બંધ છે એટલે સવારી બદલવાનો પણ મતલબ નથી... સવાર સુધીમાં મારી ટૅક્સી પણ ટકાટક થઈ જશે.

તેણે સ્ટીલના પ્યાલામાં ચા કાઢતાં યામિનીએ કહેવું પડ્યું ઃ મને નહીં. હું ચા નથી પીતી.

પોતે રાધાભાભી પાછળ ચા મૂકી છે એવું કહી આનંદભાઈનો જખમ શું કામ કુરેદવો!

‘અરે એમ તે કાંઈ ચાલે! થોડી તો પીવી જ પડશે. ગરમાટો રહેશે.’

સુખદેવ આટલો આગ્રહ શા માટે કરે છે! નાસ્તાના ડબ્બામાંથી થેપલાં કાઢતી યામિની કતરાઈ, આનંદની ભ્રમર તંગ થઈ એટલે ગાલાવેલું મલકી યામિનીએ ધરેલાં થેપલાં લઈ સુખદેવે જતાં-જતાં આનંદને ઇશારો કર્યો - આ મૅગેઝિન્સ વાંચજો, ટાઇમપાસ થશે.

બારણું ઠેલી તે નીકળ્યો.

ચા-નાસ્તા દરમ્યાન યામિની-આનંદ વચ્ચે અહીંતહીંની વાતો થતી રહી એમાં યામિનીએ બેચાર વાર બગાસાં ખાધાં એટલે આનંદે સૂચવ્યું ઃ તું અહીં લંબાવી દે યામિની, હું થોડી વાર પરસાળમાં મૅગેઝિન વાંચીશ.

‘પરસાળમાં વાછંટ લાગશે આનંદભાઈ.’ બૅગમાંથી શાલ કાઢી તેણે આનંદને આપી, પોતે દુપટ્ટો ઓઢ્યો, ‘એના કરતાં સામી બાજુ તરફ પાથરણું કરી દઉં છું - તમતમારે લાઇટ ચાલુ રાખી વાંચો, મને ફાવશે.’

- એ પછીના અડધાએક કલાકમાં આવેલી એક ક્ષણ આનંદભાઈને ક્યાંથી ક્યાં દોરી ગઈ!

જે સાંભરતાં આજેય હૈયું બોજલ થઈ જતું એ સંભારણાને સમેટીને યામિનીબહેન મેડીનાં પગથિયાં તરફ વળ્યાં ઃ માથે કેટલાં કામ છે. કાલે અત્તુ-નીમા આવી પહોંચે એ પહેલાં કંઈકેટલું નિપટાવવાનું છે!

દીકરા-વહુને વધાવવા હરખઘેલાં બનેલા યામિનીબહેન તોળાઈ રહેલી કટોકડીથી તો અત્યારે સાવ અજાણ

જ હતાં!

 

ક્રમશ:

columnists life and style Sameet Purvesh Shroff