થીજેલી ક્ષણ (પ્રકરણ-૧)

01 April, 2024 06:08 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

દૂર ક્યાંક ગૂંજતા લતાના ગીતે તેના હોઠ મલકી પડ્યા : આ તો અતુલ્યનું પ્રિય ગીત!

ઇલસ્ટ્રેશન

​ઝિંદગી કી ન ટૂટે લડી...

દૂર ક્યાંક ગૂંજતા લતાના ગીતે તેના હોઠ મલકી પડ્યા : આ તો અતુલ્યનું પ્રિય ગીત!

‘જોને મમ્મી, નીમાદીદી કેવું બ્લશ કરે છે.’ નાની બહેને ચાડી ખાવાની મજા લીધી.

તેને ચીંટિયો ભરીને નીમા વાગોળી રહી : કોણે ધારેલું કે હું પ્રેમવિવાહ કરીશ!

વીમા-કંપનીના મૅનેજર ધીરેનભાઈ અને મમતાબહેનનો ઘરસંસાર સુખસમૃદ્ધિથી છલોછલ હતો ને રૂપ, સંસ્કાર અને બુદ્ધિમતાના ત્રિવેણી સંગમ જેવી બે દીકરીઓ તેમનું અભિમાન હતી. નાની હોવાને કારણે રેવતીમાં હજી જીદ ખરી. જોકે નીમા ઠરેલ-ઠાવકી. હાઈ સ્કૂલમાં આવ્યા બાદ પપ્પા-મમ્મી સામાજિક પ્રસંગે તેમને મૂકીને બહારગામ જાય ત્યારે ઘર અને નાની બહેનને સંભાળી જાણે એવી ખબરદાર.

નીમા ખાસ કરીઅર-ઓરિયેન્ટેડ નહોતી એમ બાવીસની ઉંમરે કૉમર્સનું ભણીને ઘરે નવરા બેસવાને બદલે બૅન્કમાં જૉબ મેળવી. સાકીનાકાની બ્રાન્ચમાં તેનું પોસ્ટિંગ થયું...

- અને એ જ અતુલ્યના મારા જીવનમાં આગમનનું નિમિત્ત બન્યું!

નીમાના વદન પર રતાશ બાઝી.

જૉબ-ડે​સ્ટિનેશને પહોંચવા નીમાને વર્સોવાના ઘરેથી મેટ્રોની AC સવારી ફાવી ગઈ હતી. ઘરથી વર્સોવાનું મેટ્રો સ્ટેશન વૉકિંગ ડિસ્ટન્સે હતું અને સાકીનાકા સ્ટેશનથી બૅન્ક પણ ખાસ દૂર નહોતી. સવારે સવાદસની મેટ્રો પકડવા તે પોણાદસે ઘરેથી નીકળી રસ્તામાં મહાદેવના મંદિરે માથું ટેકવીને મૉર્નિંગ વૉકનો આનંદ માણતી સ્ટેશન પહોંચે. બીજા અઠવાડિયે ધ્યાનમાં આવ્યું કે એક જુવાન મારા જ સમયે, મારી જેમ જ વૉક લેતો મારી પાછળ સ્ટેશને આવી, સેમ મેટ્રોના સેમ ડબ્બામાં બેસીને સાકીનાકા જ ઊતરે છે. એટલું જ નહીં, સાંજે છૂટતી વેળા પણ મારા જ ડબ્બામાં વર્સોવા રિટર્ન થાય. હું મારી ગલીમાં વળું ત્યાં સુધી મારી પાછળ જ ચાલતો હોય છે! ના, મવાલીની જેમ તે મારી પાછળ નથી પડ્યો. ત્યારે તો તે અમારી નજીક રહેતો હોવો જોઈએ ને મારી જેમ સાકીનાકા તેના ધંધા કે નોકરીનું ઠેકાણું હોવું જોઈએ.

હશે. મારે શું?

નીમાએ મન વાળવાની કોશિશ કરી, પણ ફાવી નહીં. વીત્યા આઠ-નવ દિવસમાં તેને તે જુવાનને નોટિસ કરવાની આદત થઈ ચૂકેલી. ઊંચો-પહોળો જુવાન ભીડમાં નોખો તરી આવે એવો દેખાવડો હતો. ક્યારેક તે ન દેખાય તો ઉચાટ રહે. છેવટે ટ્રેન ન ચૂકવા તે સ્ટેશનની સીડી બબ્બે પગથિયે ચડતો દેખાય ત્યારે એવી તો ધરપત પ્રસરે! ‘કેમ આજે મોડું થયું?’ એ સવાલ નીમાએ પરાણે ગળી જવો પડે.

ટ્રેનમાં બીજાની જેમ કાનમાં ભૂંગળાં નાખીને મોબાઇલ મચડવાની તેને ટેવ નથી. તે જનાબ ‘મિડ-ડે’ ખોલીને વાંચનમાં ડૂબી જાય. રિટર્નમાં ક્યારેક ઘરેથી તેનાં મધરનો ફોન હોય. એમાં તો તેનું નામ જાણ્યું - અતુલ્ય! મા-દીકરાની વાતચીત પરથી એટલું અનુમાન પણ સહજ હતું કે જુવાન અપરિણીત છે ને વિધવા માનો એકનો એક સહારો છે... મા કદી તેને શાકભાજી લાવવાનું કહે તો ફટ દઈને ઇનકાર ફરમાવી દે - મને એમાં ગતાગમ નહીં પડે!

સામે મા પણ આવું જ કંઈક સાંભળવાની રાહ જોતાં હોય એમ બોલી ઊઠે - એટલે તો કહું છું કે આવા કામમાં જેને ગતાગમ પડે એવી વહુ આણી દે!

સાંભળીને તે સહેજ રાતોચોળ થતો : તારી પિન એક જ પૉઇન્ટ પર અટકી છે. ચલ મૂકું છું.

બાજુમાં બેઠેલી યુવતી મારી વાત સાંભળી રહી છે એના અણસારે તેને સંકોચાતો જોવાની વધારે મોજ પડે!

પછી વિચાર સ્ફુર્યો : હું જેને આટલો નોટિસ કરું છું તેના ધ્યાનમાં હું હોઈશ ખરી!

બીજા દિવસે તે જાણીને થોડી મોડી થઈ ને સીડી પર ડોક લંબાવતા અતુલ્યને જોઈને મનમાં તો એવો મલકાટ પ્રસરેલો! પછી તો એ પણ નોંધ્યું કે ટ્રેનમાં ફટાફટ ચડી પહોળો થઈને બેસનારો મને જોઈને પગ સંકોરે અને હું તેની બાજુમાં ગોઠવાઈ જાઉં! હાઉ સ્વીટ ઑફ હિમ.

અને તોય જો જનાબ વાતચીતની પહેલ કરતા હોય!

એ બૅરિયર તોડવામાં નિમિત્ત બન્યાં નન અધર ધેન હેમા માલિની!

નીમાએ રોમાંચભેર વાગોળ્યું.

છ-આઠ મહિના અગાઉની વાત. અમને જોડે ટ્રાવેલ કર્યે ત્યારે બે-અઢી મહિના થયા હશે. ગુરુની એ સાંજે બૅન્કમાંથી છૂટી હું ફટાફટ સ્ટેશને પહોંચતાં જ આભી બની જાઉં છું.

કોઈક કામે સાકીનાકા આવેલાં હેમા માલિની મેટ્રોમાં પરત થવાના ઇરાદે આવ્યાં છે એ પહેલાં તો મનાયું નહોતું, પણ મુંબઈના ટ્રાફિકે એ અસંભવને પણ સંભવ કરી દેખાડ્યું! નૅચરલી, હેમાજી સાથે તેમનો સ્ટાફ હોય જ, એમ તેમની સાથે સેલ્ફીનો ચાન્સ ચૂકવાનો ન જ હોય - પણ આ શું?

હેમાજી સાથે ઊલટભેર વાતો કરીને સેલ્ફી ક્લિક કરતા અતુલ્યને જોઈને તેણે હોઠ કરડ્યો : સામાન્યપણે પોતાનામાં મસ્ત રહેનારો બૉલીવુડની ઍક્ટ્રેસને જોઈને કેવો ખીલ્યો છે!

સેલ્ફી ક્લિક કરતાં તેણે પાછા વળીને નીમાને નિહાળીયે ખરી, પણ નીમાએ મોં ફેરવી લીધું.

પછી તો ટ્રેન આવતાં અતુલ્યએ લીડ લઈને હેમા માલિની માટે રસ્તો કરી આપ્યો, તેમની બાજુમાં જ ગોઠવાયો... નીમા ત્યાં જ ઊભી હતી, પણ એટલુંય નહીં કે પોતે ઊભો થઈને તેને જગ્યા આપે!

નીમાનો જીવ એવો તો ચચર્યો. બીજે દહાડે ટ્રેનમાં રાબેતા મુજબ અતુલ્યએ પગ સંકોરીને બેસવાની જગ્યા કરી આપી તોય નીમા ન બેઠી એટલે પહેલી વાર બોલ્યો : બેસોને.

આજે પૂછવાનું ભાન થાય છે! નીમાની દાઝ ઓસરી નહોતી તોય જાણે અતુલ્ય પર ઉપકાર કરતી હોય એમ પડખે બેઠી ખરી.

બે સ્ટેશન એમ જ ગયાં. અતુલ્યને ‘મિડે-ડે’માં મશગૂલ થતો ભાળીને હવે નીમાથી ન રહેવાયું : હેમા માલિની સાથે તમારી બહુ જૂની ઓળખાણ લાગે છે.

‘જી?’ અચાનકના આક્રમણે તે સહેજ બઘવાયો. એવો તો મીઠડો લાગ્યો. નીમા પરાણે અક્કડ રહી, ‘આમ તો તમે કોઈ છોકરી જોડે વાત કરતા નથી, પણ કાલે મૅડમ માલિની આગળ તો લટૂડાંપટૂડાં થઈ ગયેલા.’

લટૂડાંપટૂડાં શબ્દ તેને સહેજ મલકાવી ગયો.

‘તને એની ઈર્ષા થઈને નીમા?’

મારું નામ, તુંકારો ને ચહેરા પર એ જ મીઠડું સ્મિત... નવો જ અતુલ્ય ઊઘડતો હોય એમ નીમા સહેજ ડઘાઈ.

ત્યારે જાણ્યું કે અતુલ્યએ મારા વિશે કેટલું કંઈ જાણી રાખેલું. કાલે સેલ્ફી લેવામાં મારી નારાજગી ઝીલીને મારી ઈર્ષામાં ભડકો થાય એવું તે જાણીને કરતો રહ્યો.

‘એવું ન કરત તો આપણી દોસ્તી કેમ પાકી થાત?’

લુ...ચ્ચા. નીમા રતુંબડી થઈ.

બહુ જલદી તેમની દોસ્તી પ્યારના દાયરામાં પહોંચી ગઈ. CA થઈ મ​લ્ટિનૅશનલની કૉર્પોરેટ ઑફિસમાં તગડું પૅકેજ રળતા અતુલ્યની જીવનગાથા નીમાથી અજાણી નહોતી.

‘મૂળ અમે જામનગરને અડીને આવેલા રુડિયા ગામના. ત્યાં આજેય અમારું ઘર-ખેતી છે. પહેલાં તો મારી વાર્ષિક પરીક્ષા પતે કે પપ્પા-મમ્મી મને લઈને ગામ ઊપડી જાય. પપ્પાની રિઝર્વ બૅન્કમાં નોકરી હતી એટલે યર એન્ડિંગમાં તેમને વધુ રજા ન હોય, પણ હું તો આનંદકાકાને ત્યાં આખો કેરીગાળો ગાળું. રાધાકાકી મને બહુ લાડ લડાવે.’

બૅન્ક-ઑફિસર પિતા સત્ય​જિત અને ગૃહિણી માતા યામિનીબહેનના એકના એક દીકરા તરીકે લાડમાં ઊછરેલો અતુલ્ય પિતાના મિત્ર-દંપતી આનંદ-રાધાનો સવાયો લાડકો હતો.

એક જ ફળિયામાં આજુબાજના ઘરમાં નાનપણથી સાથે ઊછરેલા સત્ય​જિત-આનંદ વચ્ચે જિગરજાન મૈત્રીનો સંબંધ હતો. આનંદનાં માબાપના દેહાંત પછી સત્ય​જિતના પેરન્ટ્સે તેને દીકરાની જેમ જ જાળવેલો. આનંદની પ્રેરણાએ જ તો સત્યજિતે મુંબઈની રિઝર્વ બૅન્કની નોકરી સ્વીકારેલી...

સમયાંતરે બેઉ પરણ્યા અને સદ્ભાગ્યે યામિની-રાધા વચ્ચે પણ મનમેળ થતાં મૈત્રીનો ધબકારો કદી મંદ પડ્યો નહીં. અતુલ્યનો જન્મ, સત્યજિતનાં માવતરની વિદાય - સારા-નરસા દરેક અવસરે આનંદ-રાધા મિત્ર-દંપતીના પડખે રહ્યાં.

એક વારના મિસકૅરેજ પછી રાધાને સંતાન થાય એમ નહોતું એટલે પણ યામિની દીકરાને વેકેશનમાં ગામ મૂકી આવતાં : અતુલ્ય પર અમારા જેટલો જ હક તમારો!

‘એ રીતે જુઓ તો માબાપનું ડબલ વહાલ મને મળ્યું... પણ સુખ કાયમ રહેતું નથી એમ હું આઠમા ધોરણમાં આવ્યો ત્યારે ટૂંકી માંદગીમાં રાધાકાકીએ પિછોડી તાણી...’ કહેતો અતુલ્ય નિ:શ્વાસ નાખે, ‘કાકીના ગયા બાદ અંકલ વધુ ન જીવ્યા.... મને બરાબર યાદ છે. ત્યારે હું ટેન્થમાં. છેલ્લે દિવાળી વેકેશનમાં કાકા અહીં આવેલા. એ દરમિયાન ગામમાં નિકટના સગાનું અવસાન થતાં જવું પડે એમ હતું. પપ્પાને ફાવે એમ નહોતું. મારે ટ્યુશન્સ એટલે પછી કાકા-મમ્મી અમદાવાદની ટ્રેન પકડીને ત્યાંથી ટૅક્સીમાં જામનગર જવા નીકળેલાં... એ પછી કાકા ક્યારેય મુંબઈ આવ્યા નહીં. હા, પપ્પા બે-એક વાર ખેતીના કામે ગામ જઈ આવેલા ખરા. હું ફોન પર મુંબઈ આવવાનું કહું તો મને સમજાવે : તારું દસમાનું વરસ છે, બોર્ડની એક્ઝામ આપીને હોળી પર ગામ આવે એટલે બધી કસર પૂરી કરી લઈશું... એય જોકે ક્યાં બન્યું?’ અતુલ્યની ઉદાસી ઘૂંટાતી, ‘રાબેતા મુજબ અમે હોળી ઊજવવા મુંબઈથી નીકળ્યા. ત્યાં પહોંચ્યા ત્યારે પપ્પાની જિંદગીના સૌથી વસમા ખબર સાંભળવા મળ્યા : તમારો મિત્ર દરિયામાં ડૂબીને મૃત્યુ પામ્યો!’

અરેરેરે!

‘જામનગરની સ્કૂબા-ડાઇવ વખણાય છે. દરિયાની અંદરની જીવસૃષ્ટિ નિહાળવા ગયેલા કાકાનો ઑક્સિજન-માસ્ક કઈ રીતે છૂટી ગયો એ આજ સુધી સમજાયું નથી, પણ સ્કૂબાનો એક્સપર્ટ ડાઇવર તેમની વહારે ધાય એ બે-ત્રણ મિનિટમાં તરવાનું ન જાણતા કાકા હવાતિયાં મારતા પાણીના તળિયે જતા ગયા ને છેવટે તેમની લાશ જ હાથમાં આવી!’

અતુલ્યની પાંપણે બૂંદ જામતી.

‘કાકાની વિદાય પછી બે-ચાર મહિના પપ્પાની જામનગર દોડાદોડી રહી. કાકા એટલા ચોક્કસ હતા નીમા કે તેમણે દેહાંત અગાઉની વસિયત કરી રાખેલી ને તેમનું બધું મારા નામે કરતા ગયેલા... કૉલેજના પહેલા વરસમાં હૃદયરોગના અણધાર્યા હુમલામાં પપ્પા પાછા થયા. પંખીનો માળો આમ વિખરાતો જ રહ્યો.’

બૂંદ ખંખેરીને તે રણકો ઉપસાવતો, ‘જોકે મા કહેતી હોય છે કે દેહ છોડી જતા સ્વજનો સ્મરણરૂપે તો આપણા હૈયે જીવંત જ રહેવાના...’

આવું કહીને જીવનમાં ધબકારો રાખનારાં યામિનીમાને દીકરામાં આવેલો બદલાવ પરખાયો હતો. તેમણે નજર રાખતાં અમારી પ્રીત આંખે ચડી... સદ્ભાગ્યે બેઉ ઘરનાને વાંધો નહોતો.

નીમાએ સ્મરણયાત્રાને પાટે ચડાવી:

બસ, પછી તો બીજા મહિને વેવિશાળ થયું ને આવતા ડિસેમ્બરમાં લગ્ન... નોકરીમાં રાજીનામું મૂકીને નીમા આ ગોલ્ડન ​પિરિયડને મુગ્ધપણે માણે છે. વહેલી સવારે તે અતુના ઘરે પહોંચી તેનું ટિફિન તૈયાર કરવામાં માને મદદ કરે. ખરેખર તો સાસુ-વહુનાં મન મળી ગયેલાં.

અતુલ્યના ગયા બાદ સાસુ-વહુ ચાનો કપ લઈને હીંચકે ગોઠવાય. મા પતિ સાથેનાં સંસ્મરણો વાગોળે, આનંદ-રાધાની વાતો માંડે.

નીમા દીવાનખંડમાં લટકતી છ​બિ જોઈ રહેતી. અતુલ્ય જેવા જ સોહામણા તેના પિતા સત્ય​જિત અને બીજી ફ્રેમમાં કોઈ વાતે મધુરુ મલકતાં આનંદ-રાધાઆન્ટી...

‘કાશ તેમને એક વાર મળવાનું મારે બન્યું હોત.’

‘રાધા અને સત્ય​જિત, અકાળે પરંતુ કુદરતી મૃત્યુ પામ્યાં; જ્યારે આનંદભાઈ તો... ’

યામિનીમા અટકી જતાં. કશુંક હોઠે આવેલું ગળે ઉતારતાં હોય એમ સાદ ખંખેરતાં, ‘તે અકસ્માત્ મોતને ભેટ્યા ન હોત તો આપણાથી વધુ ખુશ તે હોત.’

સાચે જ! વિચારતી નીમા વિચારવમળમાંથી ઝબકી.

આવતા મહિને હોળી છે. આજથી અગિયારેક વરસ અગાઉ હોળીના આગલા દિવસે આનંદ અંકલનું અકસ્માત અવસાન થતાં સત્યજિતપપ્પાનું એ તહેવારથી રુસણું રહ્યું. અત્તુ કહે છે એમ પછી અમે ધુળેટી ઊજવી જ નથી. હા, મા હોળીની પૂજામાં જાય ખરાં, બલ્કે આનંદ અંકલની પુણ્યતિથિ નિમિત્તે દર હોળીએ મા-દીકરો ગામ જ હોય. નોકરીએ લાગ્યા પછી અતુલ્ય તહેવારની રજા પૂરતા જ જઈ શકે, પણ મા તો મહિનો અગાઉ પહોંચી જાય ને અતુલ્ય સાથે પરત થાય... એ હિસાબે ગયા અઠવાડિયે ગામ ગયેલાં મા જોડે જ પોતેય જવું હતું એમ જીવ અહીં અત્તુ સાથે રહેવા પણ લલચાવતો હતો એટલે પછી એવું નક્કી રાખ્યું કે અતુ મને આવતા રવિવારે મૂકી આવે ને ફરી હોળી વખતે અમને લેવા આવે...

ગામ જવા આતુર નીમાને ત્યાં શું થવાનું હતું એની ક્યાં ખબર હતી?

lll

સાબરમતી જેલમાંથી નીકળીને તેણે આળસ મરડી.

ફાઇનલી, બાર વરસનો જેલવાસ સજામાફીને કારણે સાડાદસ વરસમાં સમેટાઈ ગયો... જોકે માણસને તનથી તોડી નાખે ને મનથી ભાંગી નાખે એવા એ કારાવાસની સ્મૃતિ પણ ધ્રુજાવી દેનારી છે, એને સાંભરવો પણ શું કામ!

અને તાજી હવા શ્વાસોમાં ભરી તેણે વસતિ તરફ ચાલવા માંડ્યું.

 

(ક્રમશ:)

Sameet Purvesh Shroff columnists