15 January, 2024 06:59 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
ન જાને ક્યા હુઆ...
દૂર ક્યાંક ગુંજતા લતાના ગીતે તેના હોઠ મલકી પડ્યા. પતિ સાથેનું સંભારણું તાજું થઈ ગયું:
ગયા મહિનાની વાત. રસોડું આટોપીને પોતે મેડીની રૂમમાં પહોંચી તો આદર્શ તેમની રજાઈ ભીંતકબાટમાં મૂકતા દેખાયા.
‘અરે, રજાઈ કેમ મૂકો છો! બે દિવસ તડકે મૂકીને તાજી કરી છે. માગશરની ઠંડીનો ચમકારો વર્તાવા લાગ્યો છે. ઓઢવા નહીં જોઈએ?’ ગૃહિણી સહજ છણકાથી પોતે બોલી ગઈ. કબાટમાં મૂકેલી રજાઈ કાઢવા ગઈ તો પાછળથી બાથ ભીડતા આદર્શ કેવું બોલી ગયા : વરસાદમાં યુગલને એક છત્રીમાં ભીંજાવાની મજા આવે એમ શિયાળામાં એક રજાઈમાં સૂવામાં કેવી મજા આવે એ જોવું છે મારે!
લુચ્ચા. પછી તો રોજ રાતે ‘બહુ ઠંડી લાગે છે’ કહી મારી રજાઈમાં ભરાઈને જનાબ જે તોફાન આદરે છે...
અત્યારે પણ એ સુખની લાલિમા શ્રાવણીના મુખ પર પ્રસરી ગઈ.
‘ભાભી, તમારા નિસર્ગનો કૉલેજ જવાનો સમય થવાનો, પણ લાગે છે કે તમારી લાડલી વહુના રાજમાં બિચારાના નસીબમાં ચા-નાસ્તો પણ નહીં હોય!’
આગળની રૂમમાંથી છેવાડેના રસોડામાં સંભળાય એવા વિદુલા ફોઈબાના ઊંચા સાદે શ્રાવણીએ મીઠું સંભારણું સમેટીને ફટાફટ ચા ગાળી. ત્યાં સુધીમાં જોકે ફોઈબાનું બોલવાનું ચાલુ જ રહ્યું:
‘આ આજકાલની વહુઓ! સાસરામાં લઈ દઈને પાંચ-છ જણનું કરવાનું આવે એમાં તેમને આંટા આવી જાય છે. અમારી જેમ ચાર-છ કાકાઓનું વસ્તારી કુટુંબ વેઠવાનું થાય તો તેમની શી દશા થાય એ કલ્પી જુઓ!’
આવું બોલનારા તમારી પોતાની વહુ સ્વતંત્રપણે મુંબઈમાં રહે છે એવું કહીને નણંદનો જીવ દુભાવવાને બદલે ઉષાબહેને નરમાશ દાખવી, ‘એવું કંઈ નથી વિદુલાબહેન. શ્રાવણીમાં કામકાજની મારાથી વધુ સૂઝ છે. પરણીને આવ્યાને પૂરા ચાર મહિના નથી થયા ત્યાં તો આખું ઘર સંભાળી લીધું છે...’
સાસુએ કરેલી વહુની તરફેણ કાને પડતાં શ્રાવણી વળી આછું મલકી રહી.
‘ઉષામાએ મને કદી વર્તાવા નથી દીધું કે હું તેમનો સાવકો દીકરો છું...’
ચા-નાસ્તાની ટ્રે તૈયાર કરતી શ્રાવણી વાગોળી રહી:
નવસારીના શિક્ષક પિતા-ગૃહિણી માતાની એકની એક દીકરી તરીકે શ્રાવણી ભારે લાડકોડમાં ઊછરેલી. એમ તેનું સંસ્કારપોત પણ ઊજળું. આત્મવિશ્વાસનું તેજ તેના રૂપને ઑર નિખારતું. આમ તો ગ્રૅજ્યુએટ થઈને સુરત કે બરોડામાં ઇન્ટીરિયર ડિઝાઇનરનો કોર્સ કરવાનું વિચારેલું. ત્યાં આદર્શનું કહેણ આવ્યું. પિતાના કલીગ મિત્રએ જ ઠેકાણું ચીંધેલું : થોડા સમય માટે હું વલસાડની હાઈ સ્કૂલમાં હતો ત્યારે આ છોકરો મારા હાથ નીચે ભણેલો. ભણવામાં-રમતગમતમાં હોશિયાર. આજે પણ ક્યારેક બજારમાં ભેટી જાય તો પગે લાગવાનું ચૂકે નહીં એવો વિવેકી. ગ્રૅજ્યુએટ થઈને તેણે પિતાને ખેતીમાં મદદ કરવાનું કહ્યું ત્યારે મારા જેવાએ તેને ટોકેલો પણ ખરો કે ગાંડા, ખેતીમાં કંઈ ભવિષ્ય છે! પણ સાહેબ, પોતાના બુદ્ધિબળથી તેણે ઑર્ગેનિક ફાર્મિંગ શરૂ કરીને આજે બેનાં બાવીસ વીઘાં કર્યાં, વલસાડથી સહેજ અંતરિયાળ આવેલા ભદેલી ગામમાં જૂનું ઘર તોડાવીને બે માળનું નવું ઘર કર્યું. ગાય, ટ્રૅક્ટર, કાર - શું નથી! મારી વાઇફના પક્ષે દૂરના સગામાં થાય એટલે મારે તો ખાતરીનું ઘર છે. તમારી છોકરીને ગામડાગામનો વાંધો ન હોય, ખેતીના વ્યવસાયને તે હલકો ન માનતી હોય તો આ છોકરાને જવા દેવા જેવો નથી!
ભલામણમાં ભારોભાર વજન હતું. ના, ગામ કે ખેતીના નામે નાકનું ટેરવું ચડાવવાની વરણાગી પોતાને નહોતી જ એમ લગ્ન વિશે હજી કશું વિચાર્યું નહોતું. પપ્પા પ્રસ્તાવે ઉત્સાહિત હતા, દીકરીને થોડું ઉતાવળિયું લાગતું હતું. એમાં મમ્મીએ વચલો માર્ગ કાઢ્યો : છોકરો જોઈએ તો ખરા. પસંદ પડે તો આગળ વિચારવાનું છેને!
અને આદર્શને જોયા-મળ્યા પછી વિચારવા જેવું રહ્યું’તું જ ક્યાં! અમારી પહેલી મુલાકાત નવસારીના ઘરે ગોઠવાઈ હતી. લતાનાં ગીતોથી જીવનમૂલ્યો સુધીની અમારી પસંદ કેટલી મેળ ખાતી હતી! કુંવારી કન્યાના અરમાન જેવો સોહામણો જુવાન એકાંત મેળાપમાં ઊઘડતો ગયો એમ હૈયે ઊતરતો ગયો:
‘હું પાંચ વરસનો હતો ત્યારે મારી મા કમળાની બીમારીમાં મૃત્યુ પામી. દાદીએ પપ્પાને ફરી પરણાવ્યા અને મને ફરી મા મળી...’
આદર્શનું ફૅમિલી બૅકગ્રાઉન્ડ છૂપું નહોતું. છતાં તમના મોંએ સાંભળવું ગમ્યું. ઓરમાન માને સગી મા જેવી જ માનવા-ગણવામાં કેવળ આદર્શ નહોતો. છોકરી જોવા સાથે આવેલાં ઉષામામાં દીકરાના સુખની ઝંખના છાની નહોતી રહેતી. આદર્શના પિતા નારાયણભાઈ પપ્પા જેવા જ વાત્સલ્યસભર લાગ્યા. આદર્શ માટેનો ગર્વ તેમના માવતરમાં સહજપણે પ્રગટ હતો.
‘પિતાનાં બીજાં લગ્નના ત્રીજા વરસે નિસર્ગનો જન્મ થયો. એ હિસાબે તે મારાથી આઠ વરસ નાનો. મને અતિશય લાડલો. એનું કારણ છે શ્રાવણી. સગા-સાવકાનો ભેદ અમારી વચ્ચે ન આવે એ માટે માએ કદી તેને પોતાની પાસે રાખ્યો જ નહીં. તેનું સૂવાનું મારી સાથે, સ્કૂલ જવા તૈયાર મારે કરવાનો... નવાં કપડાં કે રમકડાં માટે મા પાસે જીદ કરે તો મા એટલું જ કહે : તું જાણે ને તારો ભાઈ જાણે!’ આદર્શ ભીનું મલકેલો : નિસર્ગનાં અશ્રુ મારાથી ખમાય નહીં. તેની માગણી હું પૂરી કરું તો મા મને ટોકે : તારાં લાડ તેને બગાડી મૂકશે... ને હું કહી દઉં : એ હું જાણું ને મારો નાનકો જાણે. એમાં તમારે નહીં બોલવાનું!
ભાઈ સાથે ભાભીને જોવા આવેલો વીસેક વરસનો નિસર્ગ કેવી ઉત્સુકતાભરી નજરે પોતાને જોતો હતો એ સાંભરતાં શ્રાવણી ત્યારે મલકી પડેલી.
‘બસ, મારું આ નાનકડું વિશ્વ છે શ્રાવણી. મારી સાથે એમાં રમમાણ થઈ શકનારી જીવનસાથી મને જોઈએ. તું આપશે એનાથી બમણો પ્યાર તને મળશે શ્રાવણી, એની ગૅરન્ટી.’
સાંભળીને હૈયું એવું તો ઉમડઘુમડ થયું. ત્યાં...
‘શ્રાવણીને રસોઈકામ તો આવડે છેને! આમ તો પેલું ઝોમૅટો-ફોમૅટો હવે અમારા ગામમાં પણ આવે છે, પણ મારા ભાઈના ઘરમાં એનું ચલણ નથી એ કહી દઉં.’
મોટા ઘાંટાવાળાં ફોઈબાનો સાદ ઉપર સુધી સંભળાતાં શ્રાવણીની નજરમાં પ્રશ્નાર્થ ઝળક્યો, આદર્શે ઊંડો શ્વાસ લીધો : થોડું મારાં આ વિદુલાફોઈ વિશે પણ કહીં દઉં. બે ભાઈ-બહેનમાં તે પપ્પાથી ચાર વરસ મોટાં એટલે શરૂથી જ ભાઈના ઘરમાં પોતાનું ચલણ રાખવાની તેમની વૃત્તિ. પપ્પા તેમનું માનતા આવેલા એટલે મા કે અમે બે ભાઈઓ પણ તેમને બોલીએ-ટોકીએ નહીં. આખરે ફોઈ બોલી નાખે, પણ તેમના હૈયામાં અમારા માટે હેત સોનાનું. દસેક વરસ અગાઉ ફુઆનો દેહાંત થતાં પપ્પા તેમને સુરતના સાસરેથી ગામ લઈ આવ્યા, ફળિયામાં જ ઘર અપાવ્યું, બાકીની બચતમૂડી વ્યાજે મૂકીને તેમના નિર્વાહની ગોઠવણ કરી એટલે પણ ફોઈને પપ્પાનું બહુ દાઝે. તેમનો એક દીકરો પણ ખરો. મારાથી પાંચેક વરસ મોટો - વિરાજ. પપ્પાએ જ તેને અમદાવાદની કૉલેજમાં ભણાવ્યો. ભણીને વિરાજભાઈ મુંબઈમાં મલ્ટિનૅશનલમાં તગડા પગારની નોકરીએ લાગ્યા. કંપનીએ દરિયાકિનારે ફ્લૅટ આપ્યો છે. શરૂમાં તો ફોઈ પણ ત્યાં રહ્યાં, પણ બે વરસ અગાઉ સાથે કામ કરતાં ઉર્વશીભાભી જોડે વિરાજભાઈએ લવ-મૅરેજ કર્યાં ને વહુને કેળવીને ફોઈ ચાર મહિનામાં ગામભેગાં થઈ ગયાં : ત્યાંનું હવામાન હવે સદતું નથી. વળી વિરાજ-ઉર્વશી આખો દિવસ ઑફિસમાં હોય, ફ્લૅટમાં જેલ જેવું લાગે!’ આદર્શે ખભા ઉલાળેલા : મારી મામાં તો સાસુપણું છે જ નહીં, પણ તારે ફોઈ સાસુને વેઠવાના થશે એની તૈયારી રાખજે!’
‘તમારો સાથ, વિશ્વાસ હશે આદર્શ તો દુખ પણ મને સુખ જેવું લાગશે.’
આવું જ સાંભળવું અપેક્ષિત હોય એમ આદર્શની કીકીમાં તણખો ઊપસ્યો ને એના ચમકારામાં બે હૈયાં એક થયાં એ થયાં!
‘નિસર્ગ, તારા મોટા ભાઈને તો તારી ભાભીએ ગૌરી ગાયનું તાજું દૂધ અને ઘીથી લથબથ શીરો ખવડાવીને ખેતરે રવાના કર્યો, પણ લાગે છે કે તારે આજે ભૂખ્યા જ જવું પડશે!’
ફોઈના વાક્યે વિચારમેળો સમેટી શ્રાવણી ટ્રે લઈને બહારની રૂમમાં ગઈ : નાસ્તો હાજર છે!
નિસર્ગ માટે તેને ભાવતા પાસ્તા, ભાઈ માટે જીરાવાળી ભાખરી, ભાભી માટે પૌંઆ અને મારા માટે થેપલાં. પાછું બધું ગરમાગરમ અને સોડમદાર!
માળા ફેરવતાં વિદુલાબહેનની ચકોર નજર ટ્રે પર ફરી વળી.
‘ભાભી, યુ આર ગ્રેટ!’ નિસર્ગ બાઉલ લેતાં બોલ્યો.
‘તેં આ ખોટી ટેવ પાડી છે વહુ.’ ઉષાબહેનને લાડ જતાવવાનો મોકો મળી ગયો : બધા માટે કંઈ અલગ-અલગ નાસ્તા હોય! આમાં બૈરાંની જાતને પરવાર ક્યાંથી મળે! પરણીને આવીને ઊલટા તેં અમને બધાને બગાડી મૂક્યા છે.’
વિદુલાબહેન સાસુ-વહુને જોઈ રહ્યાં. ન રહેવાયું. જીભ સળવળી : એમ અમે કંઈ બગડેલાં નથી. વાત કરો છો તે! શું કહે છે નિસર્ગ? તારી માને તો તારો ભાઈ અને ભાભી જ વહાલાં!’
ફોઈબા હમણાંના નાના ભત્રીજાને પોતાના પક્ષમાં પલોટવાનો યત્ન કરતા રહે છે એ ઝીણો ફેરફાર શ્રાવણીના ધ્યાનબહાર નહોતો.
વયમાં પોતાનાથી વરસેક જ નાનો નિસર્ગ થોડો નાદાન હતો. ખાસ તો ભાઈની નિશ્રામાં મોટા જ ન થવું હોય એમ જવાબદારીથી આઘેરો રહેતો. ભણવા અને હરવા-ફરવા સિવાય તેની જિંદગીમાં ત્રીજા કોઈ પડાવનું અત્યારે સ્થાન નહોતું. એટલું કે તે આદર્શનો બોલ ઉથાપે નહીં. ભાઈ કહે એ અંતિમ. બીજાને છેલબટાઉ લાગતા જુવાનના ઊંડાણની પોતે સાક્ષી રહી છે... અમારા વેવિશાળના દિવસે મને અલગથી મળવા આવેલા નિસર્ગની પાંપણ ભીની હતી : ભાભી, મારો ભાઈ તમારો થવાનો... એથી અમારો મટે નહીં એટલું માગું છું. વખત આવ્યે મને વઢજો, મારજો; પણ મારા ભાઈ પર કદી ગુસ્સે ન થતાં. અને જો-જો, આ બધું પાછા ભાઈને ન કહેતાં.’
દિયરને માથે ચડાવવા આ ક્ષણો પૂરતી હતી.
‘ડોન્ટ વરી, આ આપણું સીક્રેટ...’ કહીને ભાભીએ દિયર સાથે દોસ્તી પાકી કરી લીધેલી.
‘તો તમને બીજું એક સીક્રેટ કહી રાખું...’ વધુ વખત ગંભીર રહેવાનું ફાવતું ન હોય એમ નિસર્ગ લુચ્ચું મલકેલો : ભાઈને નસકોરાં બોલાવવાની ટેવ છે!
‘અરે બાપ રે. સારું થયું તમે કહી રાખ્યું દેવરજી, સૂતા પહેલાં કાનમાં પૂમડાં નાખી દઈશ.’
‘શું તમે પણ ભાભી! કેમ જાણે ભાઈ તમને રાતે સૂવા દેવાના હોય!’ આડું જોઈને હસતાં-હસતાં દૂર દોડી ગયેલો... બદમાશ!
બે ભાઈના સ્નેહમાં શ્રાવણી વિના આયાસ ભળી ગયેલી. જોકે હમણાંના ફોઈબા નિસર્ગને જુદા ચીલે વાળવાનો યત્ન કરતાં રહે છે એ થોડું કોયડારૂપ છે ખરું...
એથી જોકે નિસર્ગ ભટકવા માગે તો પણ હું એવું થવા નહીં દઉં! આ મારા રામની અયોધ્યા છે, તેના સુખને જોખમાવા તો નહીં જ દઉં!
અને તે ઝબકી. નિસર્ગ કહેતો સંભળાયો : ‘ફોઈબા, મને કશું પૂછશો જ નહીં. અત્યારે આ પાસ્તા મેનકા બનીને મારી સામે પથરાયા છે અને હું વિશ્વામિત્રના મૂડમાં છું!’
પછી નિર્ણય બદલ્યો હોય એમ બાઉલ બાજુએ મૂકીને ફોઈને નિહાળ્યાં, ‘ચલો, પહેલાં તમને જવાબ વાળી જ દઉં... મમ્મીને જે વધુ વહાલાં છે એ ભાઈ-ભાભીને હું વધુ વહાલો છું એટલે હિસાબ સરભર!’
તેના જવાબે શ્રાવણીને ધરપત થઈ, ઉષાબહેનના હૈયે હાશકારો પથરાયો. પાંચ વરસના છોકરાની સાવકી મા બની પોતે ઘરમાં પ્રવેશ્યાં ત્યારે ગાંઠ વાળી હતી : આદર્શને હું એટલું વહાલ કરીશ કે લોકોએ ઓરમાન શબ્દની વ્યાખ્યા બદલવી પડે! આદર્શ તો મારો રામ જ નીકળ્યો, પણ આવી પળોમાં થાય કે મારી કૂખે જન્મેલો નિસર્ગ પણ લક્ષ્મણ જેવો છે!
નિસર્ગના જવાબે ખભે હાથ દબાવતી શ્રાવણીનો પહોંચો તેમણે પસવાર્યો : મારા દીકરા રામ-લક્ષ્મણ જેવા છે તો મોટી વહુ પણ જાનકીના ગુણવાળી છે! એટલે તો માવતર
તરીકે અમને અમારી આવતી કાલની ફિકર નથી.
‘બેન, વિરાજના કંઈ ખબર?’ નાના દીકરાના જવાબે મોટી બહેને સહેજ મોં મચકોડ્યું એટલે નારાયણભાઈએ વાતનો સઢ બદલ્યો, ‘આદર્શનાં લગ્ન પછી તે આ બાજુ ફરક્યો જ નથી... મુંબઈ કેટલું દૂર છે! વારતહેવારે તો મા પાસે અવાય કે નહીં!’
વાત પોતાના દીકરા પર આવી એટલે વિદુલાફોઈએ ચાનો કપ બાજુએ મૂક્યો. વહુ સાથે મુંબઈના ચાર માસના વસવાટમાં જે વેઠ્યું એ કોઈને કહેવાયું નથી, કહેવાય એમ નથી!
ઝેરનો કટોરો પીધાનો એ સંતાપ હૈયે તો તાજા ઘાની જેમ સળવળતો રહ્યો છે. અત્યારે પણ એ ઉઘાડો ન પડી જાય એ માટે પોતાને જ સાવધાન કરતાં વિદુલાફોઈ ટટ્ટાર થયાં.
વધુ આવતી કાલે