રાજુબહેન રાજુભાઈ રાજાણી : હું, એ અને અમે બન્ને (પ્રકરણ ૩)

15 May, 2024 05:47 AM IST  |  Mumbai | Rashmin Shah

બાએ આંતરવસ્ત્ર શરીર પર બહારની બાજુએ ગોઠવ્યું અને શરીરમાં કરન્ટ પ્રસરી ગયો

ઇલસ્ટ્રેશન

‘આ બધુંય શું લઈ આયવાં છો બા?’

કંચનની કચકચે બાની ઊંઘ ઉડાડી દીધી. સૂર્યકાન્ત મહેતાને ત્યાંથી પાછા આવ્યા પછી મુંબઈની ગરમીમાં બાની તાકાત ઓસરી ગઈ હતી. ઘરે આવીને બા ખુરશી પર બેઠાં-બેઠાં જ સૂઈ ગયાં. હજુ તો થોડી મિનિટ પસાર થઈ હતી ને ત્યાં જ તેમના કાનમાં કંચનનો કર્કશ અવાજ પડ્યો.

બાએ અવાજની દિશામાં જોયું.

સૂર્યકાન્ત મહેતાને ત્યાંથી આપવામાં આવેલી બૅગ કંચને ખોલી હતી. એ બૅગમાંથી નીકળેલી ડિઝાઇનર બ્રા ઊંચી કરીને કંચન બાને દેખાડતી હતી.

‘જાતી જિંદગીએ આવા ફેનફતૂર નો હોય બા...’ હાથમાં રહેલું એ આંતરવસ્ત્ર બે હાથે ખેંચીને બા સામે ધરતાં કંચને કહ્યું, ‘આવું પે’રીને તમારે જાવું છે ક્યાં?’

‘શું તુંયે ગાંડા જેવી વાત કરે છે.’ બા ઊભાં થવા ગયાં, પણ જકડાયેલા શરીરે સાથ આપ્યો નહીં એટલે બા ચૅર પર બેસી રહ્યાં, ‘મૂકી દે અંદર.’

‘મને ખબર હોત તમે આવું બધુંય લાયવાં છો તો હુંયે એ ખોલવા નો ગઈ હોત.’ છણકો કરતાં કંચને બૅગમાંથી કાઢેલો બધો સામાન ફરી એમાં ઠૂંસી દીધો, ‘મારે તો બહેનને કઈ દેવું છે, તમારાં બા મનેય બગાડે એમ છે.’

કંચન રૂમમાંથી નીકળી ગઈ, પણ બહારથી આવતો તેનો અવાજ કહેતો હતો કે તેણે કેતકીને ફોન કરીને ફરિયાદ શરૂ કરી દીધી છે.

‘બે’ન, બા કેવા ભાત-ભાતના જાંગિયા ને એવું લેતાં આયવાં છે! ઓ’લા બધાય ફોરેનર પે’રીને ચોપાટીએ આંટા મારે એવા... બે’ન, બાને કાંયક સમજાવો. જાતી જિંદગીએ આ બધુંય તેમને નથી શોભતું.’

કેતકીએ શું જવાબ આપ્યો એ તો બાને સ્વાભાવિક રીતે સંભળાયો નહોતો, પણ બે મિનિટમાં આવેલા કેતકીના ફોને બાને એટલું સમજાવી દીધું કે તેમણે કંચનની વાત માની લીધી છે.

‘બા, આ કંચન કહે છે એ

સાચું છે?’

‘તું ને તારી કંચન... બેય જણી મારું લોહી પીવાનું બંધ કરી મને શાંતિથી જીવવા દેવાનું શું લેશો?’

‘બા, પૂછું છું એટલો જવાબ આપો. કંચન સાચું કહે છે?’

‘આના પછી એકેય સવાલ નહીં કરે ને?’ સામેથી હા આવી કે તરત બાએ જવાબ આપી દીધો, ‘હા... હવે જા.’

જવાબ પછી જો બા ફોનમાં જોઈ શકતાં હોત તો કેતકીનો ચહેરો જોઈને તે ખડખડાટ હસી પડ્યાં હોત.

‘આ બધુંય મને આપવાનું

કંઈ કારણ?’

એ રાતે બાએ જાહ્‌નવીના

ઘરેથી આપવામાં આવેલી બૅગ ખાલી કરી હતી. બૅગમાં જાહ્‌નવીનાં

અલ્ટ્રા-મૉડર્ન કપડાં હતાં. એક વેંત પણ મોટી કહેવાય એવી સાઇઝની શૉર્ટ‍્સ હતી તો એટલી જ સાઇઝનાં ટી-શર્ટ‍્સ પણ હતાં. ડિઝાઇનર લૉન્જરીઝ હતી અને સ્વિમસૂટ્સ હતા. આ બધું મુંબઈમાં પહેરવાની સૂર્યકાન્ત મહેતાની સ્ટ્રિક્ટ ના હતી અને એ નકારમાં ક્યાંય ખરાબી પણ નહોતી.

‘જ્યાં માનસિકતામાં તકલીફ હોય એવી જગ્યાએ કોઈની માનસિકતા સાથે રમવું નહીં અને જ્યાં માનસિકતામાં વિકાર ન હોય ત્યાં આ બધું પહેરવામાં ખચકાવું નહીં.’

જાહ્‌નવીને સમજાવવા સૂર્યકાન્ત મહેતાએ કહ્યું અને દીકરી માની પણ ગઈ. દીકરીએ એ પ્રકારનાં જે કોઈ મૉડર્ન ક્લૉથ્સ હતાં એ વૉર્ડરોબમાં સાઇડ પર મૂકી દીધાં પણ હા, જાહ્‌નવી તેને ગમે એ ખરીદતાં અટકી નહીં.

‘તું પહેરતી નથી તો પછી શું કામ આ બધું લીધા કરે છે?’

‘જ્યારે હું મારી રીતે જીવીશ, જ્યારે મને કોઈ રોકવાવાળું, કોઈ ટોકવાવાળું નહીં હોય ત્યારે આ બધું હું પહેરીશ.’

જાહ્‌નવીએ જવાબ આપ્યો કે તરત જ મમ્મીએ દલીલ કરી હતી, ‘તો એ સમયે ખરીદી લેજે.’

‘મમ્મા, એ સમયે મને થોડું યાદ આવવાનું કે મને શું ગમ્યું ને એ ક્યાં મળે છે?’ જાહ્‌નવીએ સ્માઇલ સાથે કહ્યું, ‘મગજને એવું બર્ડન નહીં આપવાનું. ગમ્યું, લઈ લીધું. વાત પૂરી. એવું પણ બનેને કે મારે અચાનક ક્યાંક જવાનું થાય અને મારી પાસે ટાઇમ ન હોય.’

અને એવું જ બન્યું. જાહ્‌નવીને એકાએક જવાનું આવી ગયું.

‘બા, જાહ્‌નવીનું જે કંઈ હતું એ બધું તો તેની મમ્મીએ સમયાંતરે કોઈને ને કોઈને આપી દીધું... કદાચ આ એક બૅગ ઘરમાં બાકી હતી, જે હજુ સુધી અમારે ત્યાં હતી. બને કે અમ્રિતા હવે એનો પણ નિકાલ કરવા માગતી હોય એટલે તેણે તમને એ બૅગ આપી હોય.’

‘પણ ભાઈ, એમાં બધાં એવાં કપડાં જ છે... બીજું કંઈ નથી.’

‘હશે બા, અમ્રિતાએ એકાદ વાર જ એ બૅગ ખોલી હોય એવું મને યાદ છે. તે હંમેશાં કહેતી કે આમાં એ બધું છે જે એક વાર જાહ્‌નવી પહેરવા માગતી હતી, પણ એ ક્યારેય પહેરી શકી નહીં.’

‘હંમ...’ હવે શું કહેવું એ વિશે બાને ખબર નહોતી પડતી, ‘હું તો શું કરવાની આ બધાનું, તમે કહેતા હો તો આ બધું પાછું તમારે ત્યાં મોકલાવી દઉં.’

‘ના બા, તમારી પાસે જ રાખો.’ સૂર્યકાન્ત મહેતાએ કહ્યું, ‘એવું હોય તો જાહ્‌નવીની ઉંમરનું કોઈ મળી જાય તો તેને આપી દેજો.’

સૂર્યકાન્તભાઈનો ભારે થયેલો અવાજ બા પારખી ગયાં.

‘ઇરાદો તો એક જ છે, જાહ્‌નવી ખુશ થાય. અમે તો તેના આભારી રહીશું જે અમારી દીકરીને ખુશ કરશે.’

સૂર્યકાન્ત મહેતાના પૂરા થયેલા ફોન પછી બાએ ફરી વખત ડિઝાઇનર બ્રા હાથમાં લીધી. કાળા રંગની ફૂલની ભાતવાળા એ આંતરવસ્ત્રની સાથે હજુ પણ પ્રાઇસટૅગ લટકતો હતો. અંગ્રેજી આંકડા વાંચી શકતાં બાએ એ ટૅગ પર નજર કરી અને તેમની આંખો પહોળી થઈ ગઈ.

આવડીક અમસ્તી બ્રાના

૩૨૦૦ રૂપિયા!

માણસોય લૂંટે છે. પચાસ ને પંચોતેર રૂપિયામાં મળે જ છે તો પછી સરસ જયપુરી સાડી આવી જાય એટલા રૂપિયાનાં અંદરનાં કપડાં શું કામ લેવાનાં? લીધા પછી કોઈને દેખાડવાનાં પણ ક્યાં છે?

બાએ લૉન્જરી સાઇડ પર મૂકી દીધી, પણ મૂક્યા પછી પણ તેમને ચેન નહોતું પડતું.

૩૨૦૦ રૂપિયા!

બાએ ફરી આંતરવસ્ત્ર પોતાના હાથમાં લઈ એ શરીર પર બહારની બાજુએ ગોઠવ્યું અને જેવું એ વસ્ત્ર ગોઠવાયું કે બીજી જ ક્ષણે બાના શરીરમાં કરન્ટ પ્રસરી ગયો. શરીરમાં વહેવા માંડેલો એ વીજપ્રવાહ પોતાની હરકતનો હતો કે શરમનો એ બાને સમજાયું નહીં, પણ બાએ કાળા કલરનું એ આંતરવસ્ત્ર રીતસર ફેંકી દીધું.

‘મૂઈ, જતી જિંદગીએ પણ મારે

આ કરવાનું?’

પલંગ પર પડેલાં બધાં કપડાં હડસેલીને બાએ જમીન પર ફેંક્યાં અને પછી બૅગ પણ ઉપાડીને રીતસર જમીન પર પટકી.

‘આ કંચનને એકેય કામ નથી કરવું.’

રાતે રૂમમાં આવેલાં બાએ જોયું કે તેમનો રૂમ અસ્તવ્યસ્ત હતો. જાહ્‌નવીનાં કપડાં અને તેની ચીજવસ્તુ પોતે ફેંકી હતી એ જ અવસ્થામાં જમીન પર પડી હતી તો બૅગ પણ ત્યાં પડી હતી.

‘એ કંચન...’

રાડ તો પાડી લીધી, પણ પછી બાને જ યાદ આવી ગયું કે એ તો કલાકથી સૂઈ ગઈ છે એટલે બાએ પોતે જ જમીન પર પડેલાં કપડાં ઉપાડવાનાં શરૂ કર્યાં અને કપડાં ઉપાડતાં બાના હાથમાં ફરી એ જ આંતરવસ્ત્ર આવ્યું જેની પ્રાઇસ વાંચીને બાનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં હતાં. અત્યારે પણ એવું જ થયું. બાના આખા શરીરમાં ઝણઝણાટી પ્રસરી ગઈ.

રામ જાણે કેમ પણ બાએ, એ આંતરવસ્ત્ર ઉપાડીને પોતાના તકિયા પાસે મૂકી દીધું અને બાકીનો સામાન ફરી બૅગમાં ઠૂંસી તેમણે રૂમની લાઇટ બંધ કરી પથારીમાં લંબાવ્યું, પણ મન વારંવાર પેલા કાળા રંગના આંતરવસ્ત્ર પર આવીને અટકતું હતું. એમાં કોઈ જુગુપ્સા નહોતી કે એમાં કોઈ વિકાર પણ નહોતો. હા, અચરજ હતું તો અચરજની સાથોસાથ મનમાં વસવસો પણ હતો કે છોકરીએ કેવી ઇચ્છાથી એ ખરીદી કરી હશે અને પછી એ પોતે જ...

‘ઇરાદો તો એક જ છે, જાહ્‌નવી ખુશ થાય, અમે તો તેના આભારી રહીશું જે અમારી દીકરીને

ખુશ કરશે.’

બાના કાનમાં સૂર્યકાન્ત મહેતાના શબ્દો અથડાયા અને બા ઊભાં થયાં.

અંધારામાં આમ પણ કોઈને દેખાય નહીં અને બાને તો દિવસે પણ

ચશ્માં વિના દેખાતું નહીં, પણ

બાએ ચશ્માં પહેરવાની તસ્દી લીધી નહીં. હાથમાં કાળા રંગના એ આંતરવસ્ત્ર સાથે બા ધીમા પગલે બાથરૂમમાં દાખલ થયાં. મનમાં ઈશ્વરનું નામ હતું તો આંખ સામે જાહ્‌નવીનો ચહેરો હતો.

એકવીસ વર્ષની જાહ્‌નવીના જેટલા પણ ફોટો બાએ જોયા હતા એ બધા ફોટોમાં જાહ્‌નવી મન મૂકીને સ્માઇલ કરતી હતી, જેમાં કોઈ આડંબર નહોતો, કોઈ દેખાડો પણ નહીં અને કોઈ તકલાદીપણું નહીં.

‘તારા ધબકારે તો મારો શ્વાસ ચાલે છે છોકરી, આટલા રાજીપા ઉપર તો તારો હક છે.’

બાથરૂમની લાઇટ કર્યા વિના જ બા અરીસાની સામે ફર્યાં. પહેલી વાર તેમને અરીસામાં પોતે દેખાયાં હતાં. પોતે પણ અને પોતાની પીઠ પાછળ ઊભેલી જાહ્‌નવી પણ.

‘થૅન્ક યુ બા.’

‘ખોટી વહેલી ગઈ તું.’ બાના હોઠ ધ્રૂજતા હતા, ‘હવે તો જીવવાની તારી ઉંમર આવી ત્યાં જ તું...’

‘તમે છોને, હવે તમારી સાથે જીવીશ, આપણે બહુ જલસા કરશું.’

‘જલસાવાળી, મારી પણ જવાની ઉંમર થઈ. મને તો હજીયે નથી સમજાતું કે ડૉક્ટરે મારા જેવી એંસી વર્ષની બુઢ્ઢીને શું કામ હૃદય દીધું હશે. એના કરતાં નાની ઉંમરનાને આપ્યું હોત તો તેના ઘરનાને રાહત થાત.’

‘હાર્ટ આપ્યે કંઈ નથી થતું બા, હાર્ટની સાથે શ્વાસ પણ જોઈએ. જે તમારી પાસે હતા એટલે તમને હાર્ટ મળ્યું.’ જાહ્‌નવીના ચહેરા પર મોટું સ્માઇલ આવી ગયું, ‘બા, કેવું કહેવાય? હું એમ કહી શકું કે મેં મારું દિલ તમને આપ્યું છે.’

સહેજ નજીક આવી જાહ્‌નવીએ બાના ગાલ પર કિસ કરી કે બા

તરત તાડૂક્યાં.

‘એય, આઘી હો. આ બધાય લટૂડાપટૂડા મને નહીં ચાલે.’

‘પણ મને તો જોઈએ છે.’ જાહ્‌નવીના શબ્દો બાના કાનમાં આવ્યા, ‘ને તમારે ચલાવવાનું પણ છે. યુ નો, મેં તમને મારું હાર્ટ આપ્યું છે.’

બા ચૂપ રહ્યાં એટલે જાહ્‌નવીએ રિક્વેસ્ટ કરી.

‘બા, એક... એક કિસ.’ બાએ ના પાડી એટલે જાહ્‌નવીએ કહ્યું, ‘રિક્વેસ્ટ બા. એક કિસ, પ્લીઝ...’

જાહ્‌નવી નજીક આવી કે તરત બાએ રાડ પાડી.

‘આઘી જા...’

‘બા, એ બા...’ બાથરૂમમાં રહેલાં બાને બહારથી કંચનનો અવાજ સંભળાયો, ‘કાંય થ્યું બા?’

‘ના...’

‘તો અંદર શું દેકારા કરો છો?’ કંચનના ઊંઘરેટિયા અવાજમાં કંટાળો પણ ભળ્યો, ‘જલદી બહાર નીકળો.’

એકાદ મિનિટ પછી બા બહાર આવ્યાં અને કંચન તેને જોતી રહી.

‘લાઇટ કયરા વિના શું કરતાં’તાં અંદર?’ કંચનની નજર બા પરથી હટી નહોતી, ‘તમે અંદર ઓ’લાં નવાં કપડાં પેયરાં ને?’

‘છાનીમાની સૂઈ જાને.’

બા પલંગ પર આવી સૂઈ ગયાં, પણ કંચનને ચેન નહોતું પડતું. તેણે બાથરૂમનો દરવાજો ખોલી અંદર

નજર કરી.

‘બા કોણ હતું અંદર?’

‘ભૂત... કહેતું’તું, આ કંચનડીને

મારે વળગવું છે. અંદર તે જોઈ

લીધુંને?’ કંચને હા પાડી કે તરત બાએ કહ્યું, ‘બસ, તો હવે તને વળગી ગયું. સવારના તારી લોહીની ઊલટી ચાલુ, જો તું...’

લાઇટ બંધ કરવા રોકાયા વિના કંચન સીધી બહાર નીકળી ગઈ. અડધી મિનિટ પછી બાને બહારથી કંચનનો અવાજ સંભળાયો.

‘બે’ન, બા અત્યારે ઓ’લાં

બધાંય કપડાં પે’રીને બાથરૂમમાં કો’કની હારે હતાં.’

બાને જાહ્‌નવીનો ચહેરો યાદ આવ્યો અને તરત જ તેમના ચહેરા પર પણ સ્માઇલ આવી ગયું. અલબત્ત, એ સ્માઇલ વચ્ચે બાને પેઇન પણ થતું હતું. ટાઇટ આંતરવસ્ત્રના કારણે બાને સૂવું પણ નહોતું ફાવતું.

‘બા, કાઢી નાખો... નહીં ફાવે.’

‘કાઢવી તો મારે તને છે.’

બાજુમાં આવીને સૂઈ ગયેલી જાહ્‌નવીની પીઠ પર બાએ જોરથી

ધબ્બો માર્યો.

ખાટ.

પણ આ શું? હાથ જાડા

પૂંઠાવાળી ડાયરી સાથે ભટકાયો હોય એવું કેમ લાગ્યું?

(ક્રમશ:)

columnists life and style Rashmin Shah