સરયુને કાંઠે ( પ્રકરણ-૨ )

13 February, 2024 05:58 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

પતિ પોતાનો મતલબ પામી ગયો એ વિચારે સા​ત્ત્વિકા ઓછપાઈ. પતિને પલોટવાના મનસુબા વીસરાઈ ગયા. ઓછો દેખાવડો શ્રીયુત વસ્ત્રોના આવરણ વિના વધું બેડોળ લાગ્યો. આભ છાંટણા જેટલું વરસ્યું ને ધરા તરસી જ રહી ગઈ.

ઇલસ્ટ્રેશન

‘આ શું જુએ છે!’

રિમોટથી ટીવી બંધ કરીને શ્રીયુતે રામોત્સવનું ટેલિકાસ્ટ માણવા બેઠેલી પત્નીને હુકમ કર્યો : ‘મોં બગાડ્યા વિના રૂમમાં ચાલ... આજે આડા દિવસે મળેલી રજાનો લાભ ઉઠાવીએને!’

રાબેતા મુજબ પતિને અનુસરતી સા​ત્ત્વિકાના મનમાં પડઘો તો ઊઠ્યો જ : ‘લાભ ઉઠાવવા માગતા પુરુષનું ગજું પણ એવું હોવું જોઈએ! તારામાં એ વેત ક્યાં!’

આવું જોકે પતિને મોઢામોઢ કહેવાય એમ નહોતું...

ના, પતિના ઓછા દેખાવડાપણાનો કે પછી શૈયામાં સાવજ પુરવાર નહીં થવાનો વસવસો પોતે પોષ્યો ન હોત... જો શ્રીયુતના વાણી-વહેવારમાં મારા માટે સન્માન હોત!

પણ શ્રીયુતના બંધારણમાં એ સંભવ જ નહોતું. અને એવું પણ નહીં કે પોતાને અરેન્જ્ડ મૅરેજ અગાઉ તેના સ્વભાવનો અંદાજ નહોતો... પણ તેના ઓછા રૂપ અને તોછડાઈ સામેના પલડામાં પોતાને જોઈતું ઘણું હતું : સંસારમાં તે એકલો, સાસુ-સસરાની ઝંઝટ નહીં, પિતાના ભાડાના ઘર સામે તેનો ત્રણ રૂમનો પોતાનો ફ્લૅટ, હાર્ડવેરની દુકાનનો જામેલો ધંધો એટલે રૂપિયા-પૈસાનું સુખ ને પાછો મને નોકરી કરવા દેવા પણ તૈયાર! 

આટલું પૂરતું છે અને પછી તો પતિને પલોટવાનું મારા હાથમાં છે! મારા રૂપથી હું તેને ઘેલો કરી દઈશ.

એવું જોકે બન્યું નહીં અને બનશે નહીં એની ખાતરી સુહાગરાતે જ થઈ ગયેલી.

‘જાણે છે જાન, આજે લગ્નમાં અમારા પક્ષનાય તારાં ખૂબ વખાણ કરતા હતા... શ્રીયુતને બહુ રૂપાળી બૈરી મળી ને એવું બધું...’

પતિ તારીફ કરી રહ્યો છે એવું માની સા​ત્ત્વિકા શરમાઈ, પણ પછીના વાક્યે ભ્રમ ભાંગી ગયો ઃ ‘જોકે એમાં એકાદ જણ સાચું બોલી ગયું ઃ સા​ત્ત્વિકા પાસે રૂપ હોય તો શ્રીયુત પાસે રૂપિયા છે, પછી રૂપ નમતું આવે જને!’

ના, આવું કોઈ બોલ્યું નથી. શ્રીયુતનું ખંધું સ્મિત જ કહે છે કે કોઈના બહાને શ્રીયુત મને જ સંભળાવી રહ્યો છે!

પતિ પોતાનો મતલબ પામી ગયો એ વિચારે સા​ત્ત્વિકા ઓછપાઈ. પતિને પલોટવાના મનસુબા વીસરાઈ ગયા. ઓછો દેખાવડો શ્રીયુત વસ્ત્રોના આવરણ વિના વધું બેડોળ લાગ્યો. આભ છાંટણા જેટલું વરસ્યું ને ધરા તરસી જ રહી ગઈ.

પણ એ તરસ દેખાડવાની નહોતી...

‘હાઉ વૉઝ ધેટ!’ જાણે પોતે મીર માર્યો હોય એવા રુબાબમાં તેણે પૂછેલું.

આ માણસને પોતાના વિશે કેવા ભ્રમ છે! સા​ત્ત્વિકા તેને તાકી રહી, તેનું વણબોલ્યું પરખાતું હોય એમ તે તંગ થયો, પછી હસ્યો,

‘તને મજા ન આવી હોય તો પણ ખૂબ એન્જૉય કર્યું એમ જ કહેજે. નહીંતર મને ખોટું લાગશે ને હું તને ડિવૉર્સ દઈને બીજી બૈરી કરીશ!’

તેના મજાકિયા ઢંગમાં રહેલી ધમકી સા​ત્ત્વિકા સુધી બરાબર પહોંચી હતી... એની અસરમાં તે જાણે-અજાણે શ્રીયુતના તાબે થતી ગઈ, મન મનાવી લીધું ઃ ‘અહીં ઘર-કારનો વૈભવ તો છે, નોકરી માટે અપ્લાય કરી છે. ઘર બહાર રહેવાથી ચિત્ત ખુશમિજાજ પણ રહેશે, બાકીનો સમય એને વેઠી લે સા​ત્ત્વિકા, એમાં સમજદારી છે!’

પરિણામે પતિ વિરુદ્ધ પ્રગટપણે બંડ કદી ઊઠ્યો જ નહીં. નોકરી લાગતા સુધીમાં પતિમાં બદલાવ આવવાની કે આણવાની ખ્વાહિશ પણ ન રહી.

હા, એક બદલાવ સા​ત્ત્વિકામાં આવ્યો... અને એમાં નિમિત્ત બન્યો બૉસ અધિરથ!

અત્યંત સોહામણો અધિરથ પરિણીત છે, તેના જેવી જ ખૂબસૂરત તેની વાઇફ છે. બન્ને વચ્ચે પ્રણય દેખીતો છે. ક્યારેક તે તેના ડેસ્ક પરની આયુષીની તસવીરને તાકતો હોય અને તેને નિહાળતી સા​ત્ત્વિકાને થાય કે મારા વરે તો મને આમ કદી જોઈ નથી!

વચમાં એક વાર પોતે ભીના ફ્લોર પર લપસતી હતી ત્યારે અધિરથે પકડી લીધેલી. કેટલી સશક્ત એ પકડ હતી!

પછી તો અધિરથને જોઈને એવો જ વિચાર આવતો કે પોતાની કસાયેલી કાયાથી તે તેની પત્નીને પલંગતોડ સુખ આપતો હશે! કોઈ વાર તે બગાસાં ખાતો હોય તો હોઠે સવાલ આવી જાય ઃ ‘પાછો આખી રાતનો ઉજાગરો કર્યો લાગે છે!’

એ પળોમાં આયુષીની તસવીરના સ્મિતમાં ગુરૂર ભાસતું, પરિપૂર્ણતા છલકાતી દેખાતી.

એ રાતે પોતાના બેડરૂમમાં લૂખુંસૂખું વરસી નસકોરાં બોલાવતા પતિનું પડખું ડંખતું. આની સામે અધિરથ અત્યારે પત્નીને કેવું સુખ આપી રહ્યો હશે એની કલ્પનાએ બદન ધગી જતું, એ લાય બીજી સવારે ઑફિસમાં આયુષીની તસવીરનું સ્મિત જોઈને ભડકે બળતી, કેમ જાણે તે પોતાના પર હસતી હોય!

સા​ત્ત્વિકા દાંત ભીંસતી ઃ ‘હું તારાથી કમ રૂપાળી તો નથી, તો પછી શા માટે બધાં સુખ તને મળે ને મને નહીં!’

ઈર્ષાનો તણખો ઝર્યો ને પછી દાવાનળની જેમ તેના વિચારવનને ઘેરતો જ ગયો.

કંપનીના ઍન્યુઅલ ગેધરિંગમાં પહેલી વાર મળવાનું થતાં સહજપણે સા​ત્ત્વિકા આયુષીને નસીબવંતી કહી બેઠી, પણ તેના નસીબની પોતાને ઈર્ષા છે એવું જતાવ્યું નહોતું, નૅચરલી. 

આયુષીને કેવળ અધિરથની કાયાનું સુખ હોત તો વાંધો નહોતો, પણ અધિરથ શ્રીયુતથીય થોડો વધુ સધ્ધર એટલે લક્ષ્મીનું સુખ અને બધાથી વિશેષ આયુષીની માનમર્યાદામાં ક્યાંય ચૂકે નહીં!

આયુષીની સરખામણીમાં હું ક્યાંય ઊતરતી નથી, તોય મને શ્રીયુત મળે અને તેને અધિરથ, એવું કેમ! જિંદગીમાં આયુષીને કોઈ દુઃખ નહીં પડે?

ના રે, અધિરથ તેને દુખી થવા જ ન દેને! ઓહોહો, તું કેટલી ભાગ્યવાન આયુષી, ને હું?

ડાઘિયા કૂતરા જેવા પતિને વેઠનારી અભાગી! કામકુંડમાં હવાતિયાં મારતો પતિ અભાવ પ્રેરતો એથી ક્યાંય વધુ આયુષી માટે ઈર્ષા પ્રેરતો. મને દુઃખ અને તેને જ સુખ?

ના, એક દુઃખ તો આયુષીનેય હતું.... મા ન બની શકવાનું દુઃખ!

અમારી પહેલી મુલાકાતના ચોથા મહિને એનો પહેલો અણસાર સાંપડ્યો. સા​ત્ત્વિકા સાંભરી રહી ઃ

ચોમાસાની ઑફ સીઝનમાં શ્રીયુતે પત્નીને થાઇલૅન્ડ-બૅન્ગકૉક ફેરવવાનો પ્રોગ્રામ ઘડ્યો હતો. પોતાના પહેલા વિદેશપ્રવાસની સા​ત્ત્વિકાને સ્વાભાવિક ખુશી હતી, એમાં ચાર ચાંદ લાગે એવા ખબર અનાયાસ જાણવા મળ્યા ઃ અધિરથનાં મમ્મી વંશનો વારસ ઝંખે છે અને અધિરથની હમણાં ઇચ્છા નહીં હોય એમાં આયુષી પિસાય છે!

ઓહ, તો તો આયુષી ક્યારેય મા ન બને અને એવું થાય તો સાસુ જ વાંઝણી વહુને ઘરમાંથી તગેડી મૂકે! પછી તે પણ મારી જેમ દુખી!

બસ, આયુષીને દુઃખના લેવલ પર લાવવાની ઈર્ષા જ સા​ત્ત્વિકાને પ્રેરતી. અધિરથનાં મા વહુને છૂટી કરે પછી એકલા પડનારા અધિરથની જિંદગીમાં હું બહાર ભરી દઈશ - એવો ઇરાદો પણ નહોતો. પરપુરુષ માટેની ચાહત નહીં, પરસ્ત્રી માટેની ઈર્ષાએ મને એમ કરવા પ્રેરી જેની આજે પણ કોઈ કહેતાં કોઈને ગંધ નથી!

સા​ત્ત્વિકાએ હોઠ કરડીને વાગોળ્યું ઃ

થાઇલૅન્ડ-બૅન્ગકૉકની યાત્રા ફળદાયી રહી. શ્રીયુત છાકટો થઈને મસાજ પાર્લરમાં પડ્યો રહેતો, ને સા​ત્ત્વિકા માર્કેટમાં ફરીને મોંઘુંદાટ શૉપિંગ કરતી. ધર્મસ્થાન દેખાય તો બહારથી જ પ્રેયર કરતી ઃ ‘આયુષીને ગર્ભ ન રહે એવું કરજો, પ્રભુ!’

નૅચરલી, આવી પ્રાર્થના સિવાય તો બીજું થઈ પણ શું શકે!  

આનો જવાબ મને થાઇલૅન્ડની બહુ ગવાયેલી બજારમાંથી જ મળ્યો...

ઊંડો શ્વાસ લઈ સા​ત્ત્વિકાએ થાઇલૅન્ડથી મુંબઈનો જમ્પ માર્યો ઃ

‘મેક-અપ કિટ!’

ડ્યુટી રિઝ્‍યુમ કરતી સા​ત્ત્વિકાએ આયુષી માટે આણેલી ગિફ્ટ સ્વીકારતાં અધિરથે પૂછ્યુંય ખરું: મારા માટે કોઈ ગિફ્ટ નહીં? કહી હસેલો, ‘જસ્ટ મજાક કરું છું.’

પોતે પણ હસી નાખેલું, અધિરથને ક્યારેય જાણ ન થઈ કે થાઇલૅન્ડથી પોતે તેને માટે શું લાવેલી!

સા​ત્ત્વિકાએ હળવો નિઃશ્વાસ નાખ્યો ઃ પછીનાં ત્રણેક વર્ષમાં પિતા નહીં બની શકેલો એ અજાણ વાટે ક્યાંક નીકળી ગયો એનેય આજે ત્રણ વર્ષ થવાનાં... તેની લાશ નથી મળી એટલે તેના ઘરના તેને જીવતો માને છે, પણ તે આ સંસારમાં જ ન હોય એવુંય બને!

આનો બોજ હૈયે હતો ત્યાં ૬ મહિના અગાઉ અધિરથ માટે આણેલી ‘ગિફ્ટ’ શ્રીયુતની આંખે ચડી અને...

અને સા​ત્ત્વિકા ચીખી ઊઠી. શ્રીયુત દુધિયા અંગ પર બચકાં ભરતો હતો! 

‘તું ભાનમાં તો આવી!’ કડવું હસીને તે ફરી સા​ત્ત્વિકાના શરીરને ચૂંથવા લાગ્યો. ઘડી બે ઘડીમાં તેનું જોશ નિચોવાઈ ગયું, હાંફ ઉતારતો તે બોલી ગયો ઃ ગમે એટલું વરસો, તારી વાંઝણી કોખમાં બીજ ઓછું ફૂટવાનું!

સા​ત્ત્વિકાની આંખમાં આંસુ ધસી આવ્યાં. ત્રણ મહિના અગાઉની મેડિકલ તપાસમાં પોતે ગર્ભાશયની અમુકતમુક ખામીને કારણે કદી માતા નહીં બની શકે એવું કન્ફર્મ થતાં પોતે શ્રીયુતને અપ્રિય થઈ પડી છે. તેના અપમાન, અવહેલના અને ઉપભોગ અસહ્ય બનતાં જાય છે.

આમાં આજે જાણ્યું કે તે મને અયોધ્યામાં ડુબાડીને મારી નાખવા માગે છે, જેથી વાંઝણી બૈરીને છૂટાછેડા આપવાની એલિમનીમાંથી ઊગરી જવાય, ફરી પરણીને વંશવેલો આગળ વધારી શકાય.

તો ભલે, મારે તો આમાં મુક્તિ છે. જીવીને કરવું પણ શું છે!

- પણ એમ તો બે-ચાર ટીપાં જેટલું વરસીને મેઘમલ્હારનું સુખ આપવાનો ભ્રમ પોસનારને મનને વાંઝણીમેણું મારવાનો હક જ ક્યાં છે! નહીં, હું કોઈ રીતે શ્રીયુતની ગુનેગાર નથી. મને જિજીવિષા ન હોય એથી શ્રીયુતની ઇચ્છા મુજબ મરવાનું?

અને ટોકરીનું આવરણ હટતાં ફણીધર બેઠો થાય એમ આજ સુધી પતિ માટે ધરબાઈ રહેલી અણખટ, અતૃપ્તિ ફૂંફાડો મારી ઊઠી ઃ હું મૃત્યુને આવકારવા તૈયાર છું, પણ પછી સરયુના જળમાં કૉન્ટ્રૅક્ટ કિલર દ્વારા પત્નીને ડુબાડીને મારવા માગતા પતિએ પણ શું કામ જીવતા રહેવું જોઈએ?

અશ્રુ વરાળ થઈ ગયાં. સા​ત્ત્વિકાની કીકીમાં પતિને પતાવી દેવાનું ખુન્નસ સળવળતું થઈ ગયું!

lll

‘બોલો... સિયાવર રામચંદ્ર કી... જય!’

ગગનભેદી જયનાદમાં ભક્તિનો ઉન્માદ હતો. રામ-લક્ષ્મણ-જાનકી ૧૪ વર્ષના વનવાસથી પાછાં ફર્યાં ત્યારે અયોધ્યા ભાવાવેશમાં ગાંડીતુર બની હતી એવો જ કંઈક માહોલ કળિયુગમાં સરયુના કાંઠે ફરી સર્જાઈ રહ્યો છે.

‘આવું અયોધ્યા પહેલી વાર જોયું, વત્સ!’

લતા મંગેશકર ચોકના ચાર રસ્તે સહેજ ખૂણામાં ઊભા રહી ગુરુજીએ કહેતાં તેના હોઠ સ્મિતમાં વંકાયા.

આમ જુઓ તો ગુરુજીની વાણીમાં તથ્ય છે...

રામમંદિરના ગર્ભગૃહમાં બાલકરામની પ્રાણપ્રતિષ્ઠાના મહોત્સવ નિમિત્તે સાધુ-સંતો, સામાન્ય જનથી લઈને નેતા-અભિનેતાઓ સુધીના માનવમહેરામણથી નગરી ઊભરાઈ રહી છે અને ગઈ કાલથી તો પ્રવેશબંધી લાગુ કરી દેવાઈ છે. ઠેર-ઠેર સુરક્ષા-કર્મચારીઓનો પહેરો છે. કુંભમેળામાં હોય એમ વિવિધ મઠ-અખાડામાંથી આવેલા સાધુ-સમૂહ માટે સરયુના તટે તંબુ તણાયા છે. પોતે ગુરુજીના કાફલા ભેગો ત્યાં જ રહે છે. રોકાણ લાંબું રહેશે, કેમ કે મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાને સમાંતર નદીતટે હવન-હોમનો કાર્યક્રમ જ મહિનોમાસ  ચાલવાનો છે. એ તો ગુરુજીનો મારા પ્રત્યેનો અનુરાગ જ કહેવાય કે હરિદ્વારના તેમના આશ્રમના સાત ચેલાઓ ભેગો મારા જેવા સંસારીને પણ સંગાથે લીધો!

બાકી પોતે તો ગંગામૈયામાં પડતું મૂકીને જીવનનો અંત આણવો હતો... બ્રહ્મમુરતમાં ઊઠી ગંગાસ્નાન કરવાનો નિત્યાનંદજીનો નિયમ ન હોત તો સૂના ઘાટ પરથી નદીમાં ઝંપલાવનારો હું બચ્યો ન હોત! તેમણે મને ઉગાર્યો, ગંગાઘાટે આવેલા આશ્રમમાં લઈ ગયા. વિશાળ ચોગાન ધરાવતા આશ્રમમાં ચાર છૂટાંછવાયાં મકાન હતાં. ચાલીસેક જેટલા શિષ્યો ગુરુજીની નિશ્રામાં સાધના-ચિંતન કરતા. મારી વિતક સાંભળી ગુરુજીએ સાંત્વના આપી, સંસારમાં પાછો જવા સમજાવ્યો, પણ હું ન જ માન્યો ત્યારે આશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરી આપી ઃ અમારા સંન્યાસીઓના આશ્રમનો ગૃહસ્થીભાર તારે સંભાળવાનો!

બસ, ત્યારથી આશ્રમના ચાકર તરીકે લાઇટ-પાણીથી લઈને કરિયાણાનો કારભાર સંભાળવાનું ફાવી ગયું છે. સંત-સમૂહમાં નિત્યાનંદજીની શાખ છે. ગંગાતટે તેમના કથાશ્રવણમાં ભાવિકોની ભીડ ઊમટે છે. બાલસંન્યાસી તરીકે દીક્ષા લેનારા ગુરુજીનો હું શિષ્ય થવા માગું તો મને આનંદનું નવું નામ દેનારા એ હસીને ઇનકાર ફરમાવી દે ઃ બધા સંન્યાસ લેશે તો સંસાર કોણ ચલાવશે!

આમાં ગયા મહિને રામમંદિરના ઉદ્ઘાટન પ્રસંગનું નિમંત્રણ મળતાં બે દિવસ અગાઉ અયોધ્યા આવવાનો યોગ સર્જાયો એથી કેવી અદ્ભુત ક્ષણનો સાક્ષી બનવાનો હું!

‘જી, આપ બતાઇયે, આપકો કૈસા લગતા હૈ?’

અચાનક ટીવીની રિપોર્ટરે માઇક ધરતાં આનંદ ઝબક્યો, સહેજ હેબતાયો. અભૂતપૂર્વ પ્રસંગના કવરેજ માટે દેશભરમાંથી મીડિયા પર્સન્સ અયોધ્યા પધાર્યા છે, એમાં નૅશનલ ચૅનલની પ્રતિનિધિએ મને ક્યાં ઝડપ્યો!

lll

...અને ટીવી પર નજર નાખતાં વંદનાબહેન ચમક્યાં. રસોડામાં ગયેલી વહુને સાદ પાડ્યો ઃ ‘જલદી આવ વહુ... જો તો આ મારો-તારો અધિરથ જ છેને!’

‘હેં!’ દોડતી આવેલી આયુષી ટીવીના પડદાનું દૃશ્ય જોઈને પૂતળા જેવી થઈ, ‘ હા, આ તો એ જ...’

‘મન કી અયોધ્યા તબ તક સુની...’ રિપોર્ટરને તે કહેતો સંભળાયો.

ત્રણ-ત્રણ વર્ષે પતિનો અવાજ સાંભળી હરખે બેહોશ થતી આયુષીને માના શબ્દો અફળાયા ઃ ‘રામ, તારા આગમને મારા દીકરાનોય વનવાસ પૂરો થયો!’

 

વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff