સરયુને કાંઠે ( પ્રકરણ-૧ )

12 February, 2024 06:13 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

ગોરેગામની પ્રાઇવેટ કંપનીની ઑફિસમાં ફાઇનૅન્સ મૅનેજરની પદવી ધરાવતા મનોહરભાઈ અને ગૃહિણી માતા વિદ્યાબહેન લગ્ન લાયક થયેલી એકની એક દીકરી માટે આવેલા માગાથી ખુશ હતાં.

પ્રતીકાત્મક તસવીર

ડફલીવાલે...

દૂર ક્યાંક ગુંજતા લતાના ગીતે તુવેર ફોલતા તેના હાથ થંભી ગયા : આ તો અધિરથનું પ્રિય ગીત!

તેના હોઠ મલકી પડ્યા ને સામા હીંચકે માળા ફેરવતાં સાસુને પૂછવાનો મોકો મળી ગયો : શું થયું આયુષીવહુ? કેમ આટલી મલકાય છે?

પૂછીને જવાબમાં વંદનાબહેને જ બબડી લીધું : વળી અધિરથનું સ્મરણ વરસી રહ્યું લાગે છે!

હળવો નિ:શ્વાસ સરી ગયો. આયુષી સાથેના પાંચ વરસના સુખી લગ્નજીવન પછી ત્રણ વરસ અગાઉ અમને સાસુ-વહુને ઊંઘતાં મેલીને અજાણવાટે સરકી ગયેલા દીકરાનાં સંસ્મરણો જ તો અમારા જીવતા રહેવાની જડીબુટ્ટી જેવાં છે!

વહુને ટોકવાને બદલે તેમણે મૂંગા રહીને તેને ગતખંડની હેલીમાં વહેવા દીધી:

‘આ છોકરો જવા દેવા જેવો નથી...’

ગોરેગામની પ્રાઇવેટ કંપનીની ઑફિસમાં ફાઇનૅન્સ મૅનેજરની પદવી ધરાવતા મનોહરભાઈ અને ગૃહિણી માતા વિદ્યાબહેન લગ્ન લાયક થયેલી એકની એક દીકરી માટે આવેલા માગાથી ખુશ હતાં.

એમ તો તેમની રૂડીરૂપાળી દીકરીના સંસ્કાર-ઉછેરમાં પણ ક્યાં કહેવાપણું હતું? દીકરી ગ્રૅજ્યુએટ થતાં માતા-પિતાએ વરસેકથી પાત્રો તરાસવાનું શરૂ કર્યું હતું. એમાં સમવન અધિરથના કહેણે મમ્મી-પપ્પા કેટલાં ઉત્સાહી છે! માન્યું કે તસવીરમાં તે અત્યંત રૂપકડો જણાય છે. માંડ બાવીસની ઉંમરે સીએ થયેલો તે આજે સત્તાવીસની વયે ફોર્ટની ફાઇનૅન્સ કંપનીમાં ઊંચા હોદ્દે બિરાજે છે એ સિ​દ્ધિ નાનીસૂની ન ગણાય. વરલી ખાતે આલીશાન ફ્લૅટ છે અને સંસારમાં મા-દીકરો બે જ. માતા વંદનાબહેન માટે પતિની વિદાય બાદ દીકરો જ જીવનનું કેન્દ્ર બની રહ્યો છે, તેની જીવનસંગિનીને તે ઊલટભેર પોંખવાના... માગું લાવનારા દૂરના સંબંધી તો ગૅરન્ટી આપે છે : આ ઘરે છોકરી દુખી નહીં થાય!

આવા મુરતિયાને મળવું તો પડે જ!

ગોરેગામના ઘરે મુલાકાત ગોઠવાઈ. એકાંત મેળાપમાં બેઉ ખૂલતાં ગયાં એમ એકબીજાને ગમતાં ગયાં. પછી વેવિશાળ અને સગાઈના ચોથા મહિને ધામધૂમથી લગ્ન થતાં સુધીમાં તો તેમની હૈયાગાંઠ એક થઈ ગઈ હતી.

આમ ઠરેલ-ઠાવકા અધિરથ એકલા પડીએ ત્યારે કેવાં-કેવાં પ્રણય-તોફાનો આદરતા!

સુખને શ્વાસમાં ભરીને આયુષીએ કડી સાંધી:

‘તમે બન્ને ખુશ રહો અને એકબીજાને સુખી કરો. મને બીજુ કંઈ ન જોઈએ.’

વહુનાં કંકુપગલાંને વધાવીને વંદનાબહેન હર્ષાશ્રુ લૂછતાં બોલી ગયાં : ના હં, મને પણ કંઈક જોઈએ! પરણ્યાના વરસમાં ઘોડિયું બંધાય તો મારા ઘડપણને બીજું બાળપણ મળે!

આયુષી એવી તો શરમાયેલી.

‘માને ભલે ઉતાવળ હોય... આપણે તરત બચ્ચું પ્લાન કરવું નથી. જવાનીને પૂરેપૂરી માણીએ તો ખરા!’

પોતાનો ઇરાદો દર્શાવીને સોહાગખંડની ફૂલોથી સુશોભિત શૈયા પર પ્રણયક્રીડા માંડતા અધિરથને વશ થતી આયુષીને વિધાત્રીના લેખની ત્યારે ક્યાં જાણ હતી?

અત્યારે પણ તેની વેદનામાં હળવો નિસાસો સરી ગયો.

વંશના વારસમાં બે-ત્રણ વરસની મુદત પડે એ વંદનાબહેનને બહુ રુચ્યું નહોતું. ફેંસલો વહુનો હોત તો બદલાવીયે નાખત, દીકરાને શું કહેવું! આવી વાત દીકરા સાથે ચર્ચાય પણ કેમ!

વંદનાબહેન ત્યારે તો ગમ ખાઈ ગયાં, પણ વારતહેવારે સગાંસ્નેહીની બેઠકમાં કે પછી આયુષીનાં માવતર ઘરે આવ્યાં હોય ત્યારે સામાન્ય વાતચીતમાં આડકતરી રીતે તેમનો ખટકો છતો થઈ જાય : આજકાલની પેઢીને છોકરા જણવામાં પણ બંધાઈ જવા જેવું લાગે, બોલો!

તેમના વાક્યનો ભેદ બીજાને પકડાવો અશક્યવત્ હતો, પણ આયુષીને બરાબર પરખાતું ને તે અધિરથને વિનવતી પણ ખરી : માનું મન દુભાય એ મને નથી ગમતું...

અધિરથ જોકે હસી નાખતો : મા તો બોલે, આ બાબતમાં તો મારું ધાર્યું જ થવાનું!

‘તમે સાચે જ નસીબવાળાં છો મૅડમ.’

અધિરથનો અંગત ગણાય એવો કોઈ મિત્ર નહીં, પણ પિક્ચર-પિકનિકના પ્રોગ્રામ બને એવું મિત્રવર્તુળ ખરું. ઉપરાંત તેની ઑફિસમાં વરસે એક વાર થતા ગેધરિંગમાં પણ આયુષીએ જવાનું બને.

લગ્નની બીજી ઍનિવર્સરી પછીની ઍન્યુઅલ મીટમાં સા​ત્ત્વિકાએ ખાસ આયુષીને અભિનંદન આપેલાં. વયમાં લગભગ આયુષી જેવડી જ સા​ત્ત્વિકા પ​રિણીત હતી અને અધિરથની ઑફિસમાં જોડાયે ત્યારે તેને હજી છ જ મહિના થયા હતા. અત્યંત રૂપાળી સા​ત્ત્વિકાનું રિપોર્ટિંગ અધિરથને હતું. તેમની બેઠક પણ અડખે-પડખે. ઘરના પરિઘમાં ઑફિસની વાતો ઊખળે ત્યારે અધિરથે સા​ત્ત્વિકાની કાર્યદક્ષતા વખાણી જ છે. તે સા​ત્ત્વિકા અમારી પહેલી મુલાકાતમાં મને કેમ નસીબવાળી કહે છે? આયુષીના પ્રશ્નાર્થે તેણે સ્મિત વેર્યું...

‘સરના ડેસ્ક પર તમારો ફોટો છે. ક્યારેક તમને જોઈને મીઠું મલકતા રહે અને હું તેમને જોઈ રહી છું એની સભાનતા આવતાં એવા શરમાઈ જાય!’

સાંભળીને અધિરથ રતાશભર્યો બન્યો, આયુષીએ હસી નાખ્યું : ચાલો, ઑફિસમાં તો જનાબને બૈરી સામે જોવાની ફુરસદ છે!

ના, હળવાશથી બોલાયેલા શબ્દોમાં ફરિયાદ નહીં, અમારો પ્યાર ટોકાય નહીં એ માટે મેંશના ટપકા જેવું એ વિધાન હતું એની સમજ તો અધિરથને પણ હોયને.

આયુષીએ સઢ પણ સા​ત્ત્વિકા તરફ ફેરવ્યો : નસીબદાર તો શ્રીયુતભાઈ પણ ખરાને!

ચર્ની રોડથી આવતી સા​ત્ત્વિકા ગેધરિંગમાં પતિ શ્રીયુત સાથે આવી હતી. શ્રીયુત દેખાવમાં ભલે ખાસ સોહામણો ન હોય, હાર્ડવેરની તેની દુકાન સારી ચાલતી હોય એમ શેઠના વટમાં લાગ્યો. તેનું બંધારણ પણ એ જ મતલબનું હતું : આપણે મુકેશ અંબાણી ભલે ન હોઈએ, વાઇફે ઘર ચલાવવા નોકરી કરવી પડે એવું આપણે નથી... આ તો ઠીક છે સા​ત્ત્વિકા ભણી છે, તેની ઇચ્છા હતી ને ઘરે તેણે ચમચીયે માંજવાની હોતી નથી તો ભલે નોકરીએ જતી એ હિસાબે પરમિશન આપી છે... કહી દીધું છે કે કોઈની જીહજૂરી કરવી નહીં, બૉસ વઢે તો મોં પર રાજીનામું ફેંકીને આવવાનું!

પછી પોતે સા​ત્ત્વિકાના બૉસ આગળ જ બફાટ કર્યો એનું ધ્યાન આવતાં ગાલાવેલું હસ્યો : જોકે અધિરથભાઈ તો ભગવાનના માણસ છે...

‘હવે ચાલો, જમી લઈએ...’ છોભીલી પડેલી સા​ત્ત્વિકા આંખોથી જ માફી માગી ધણીને દૂર લઈ ગઈ. જતાં-જતાં શ્રીયુતનો બબડાટ કાને પડ્યા વિના રહ્યો નહીં : આમ મોં શાની બગાડે છે! તે બૉસ હોય તો તારી ઑફિસનો...

કેટલાક પુરુષો હોય છે જ આવા... થોડીસરખી આવક હોય એમાં પત્નીને ધાકમાં રાખવામાં મર્દાનગી સમજતા હોય છે! હશે, કોઈના ઘરેલુ મામલામાં આપણે શીદ ટીકા-ટિપ્પણી કરવી!

‘અધિરથ, હમણાં જ હું દૂર બેઠી.’

પાર્ટીના ચોથા મહિને આયુષીએ અધિરથને ઑફિસ ફોન કરતાં તેણે ‘એક મિનિટ આયુષી...’ કહ્યું, પણ આયુષીમાં ધીરજ ક્યાં હતી?

‘આજે તો મા ભારેખમ અવાજે બોલી ગયાં : ઘરમાં ઘોડિયું બંધાય એ માટે મારે હજી કેટલી રાહ જોવી! વહુ, છોકરું જણવાના તો છોને!’

‘શીશ... તને એક મિનિટ કહું છું તોય ભરડ્યે જાય છે...’ ક્યારેય કોઈ વાતે ગુસ્સે ન થનારો અધિરથ અકળાઈને બોલી ઊઠેલો : લંચ ટાઇમે તારો ફોન આવ્યો. હું વળી ટિફિન કાઢતો હતો એટલે તારો ફોન સ્પીકર પર રાખેલો...’

‘અરે બાપ રે. આઇ ઍમ સો સૉરી.’

‘ડોન્ટ વરી, બધા લંચ માટે નીકળી ગયેલા. સા​ત્ત્વિકા હતી તે પણ આ સાંભળીને દૂર સરકી ગઈ...’

‘અરેરેરે... તે સાંભળી ગઈ?’

‘મોસ્ટલી નો. તે આવતા વીકે વર સાથે થાઇલૅન્ડ-બૅન્ગકૉક ફરવા જવાની છે એટલે એમાં જ રમમાણ હોય છે...’ અધિરથે ધરપત આપીને ઉમેરેલું : અને તું માની ચિંતા ન કર, તેને હું સમજાવી લઈશ.’

ઘરે આવીને અધિરથે માને ચબરખી થમાવી. એમાં છ માસ પછીની તારીખ હતી.

‘આ શું છે!’ વંદનાબહેન નવાઈ પામ્યાં.

‘મારી વહાલી મા, આ તારીખ પછી તારે વહુ પાસે વંશના વારસની ઉઘરાણી કરવી.’

વંદનાબહેન સમસમી ગયાં. અધિરથ તો ગીત ગણગણતો ફ્રેશ થવા રૂમમાં જતો રહ્યો, સાસુનો નજરતાપ સહેતી વહુ ત્યાંથી હલી ન શકી!

‘તને ખરાબ જ લાગ્યું હતું વહુ તો મારી સાથે લડી લેત... આ તો તેં દીકરાની નજરમાં મને ભૂંડી ઠેરવવા જેવું કર્યું!’ સ્વરને સંયત રાખીને વંદનાબહેને ચબરખી ફંગોળી : આ તારીખ સુધી શું, હું હવે આ મામલે ક્યારેય નહીં બોલું! તું જાણે ને તારો વર જાણે!’

પછી તેમની રૂમ તરફ વળતાં વહુને નિહાળી : હું જુનવાણી નથી વહુ, પોતરા-પોતરીમાં ભેદ કરું એવી નાદાન પણ નથી... આ તો મારા હાથ-પગ ચાલે છે ત્યાં સુધીમાં તમારું છોકરું મોટું થઈ જાય ને મારું ઘડપણ રમતાં-રમતાં વીતે એ અબળખા મને ઉઘરાણી કરવા પ્રેરતી, પણ હવે એય નહીં!’

અત્યારે પણ તેમના વાક્યે આયુષીથી નિસાસો નખાઈ ગયો.

માએ ભલે પોતે ફરી વારસદારની ઉઘરાણી નહીં કરે એવું કહ્યું, ખરેખર તો લગ્નની અમારી પાંચમી તિ​થિ પણ ખુશખબરી વિનાની રહી ત્યારે તેમનાથી નહોતું રહેવાણું. સીધો દીકરાને જ સપાટામાં લીધો : તમારી આ આજકાલની પેઢીના રવાડે ચડીને તમેય છોકરું નહીં કરવાનું વ્રત લીધું હોય તો સાફ કહી દે!

એવું નહોતું... પાછલાં ત્રણ વરસથી કોઈ જાતનું પ્રોટેક્શન વાપરતા નથી છતાં ગર્ભ રહેતો નથી એની તાણ હવે તો અધિરથને પણ અનુભવાય છે... આ બાજુ પાછલા થોડા મહિનાથી સાસુમાના પોતાના પ્રત્યેના વહાલ-વહેવારમાં શુષ્કતા આવી ગઈ છે. માસિક આવે કે તેમનું મોં ચડી જતું. સગાંસ્નેહીને ત્યાંથી બાળકના ખુશખબર આવે ત્યારે ઘરમંદિરના દેવને તાકીને બોલી જતાં : જાણે અમારે ત્યાં ક્યારે સારા ખબર આવશે! હે ભગવાન, મારા ઘરે વાંઝણી વહુનાં પગલાં તો નથી પડ્યાંને!

એક વાર મનનો ફડકો મોટેથી ઉચ્ચારાઈ ગયો ત્યારે અધિરથ પણ મોજૂદ હતો. પહેલી વાર મા-દીકરા વચ્ચે ટપાટપી થઈ ગયેલી:

‘મા, આ શું ફાવે એમ ભરડે છે! આયુષી તને હાથમાં ને હાથમાં રાખે છે એ ગુણ તને દેખાતા નથી!’

‘આયુષીના ગુણ-સંસ્કારમાં કહેવાપણું નથી કબૂલ, પણ શેર માટીની ખોટ સંસ્કારના ગમે એવડા મોટા ખજાનાથી સરભર નથી થતી દીકરા મારા!’ કહીને મા પડકાર આપવાની ઢબે બોલી ગયેલાં : અને તને એટલો જ ભરોસો હોય આયુષીની લાયકાતનો, તો તેની મેડિકલ ટેસ્ટ પણ કરાવી લે, ખબર તો પડે કે તે મા બનવાને લાયક છે પણ ખરી!’

‘મા!’ ઉશ્કેરાયેલો અધિરથ માને ગમે એમ બોલી જાય એ પહેલાં આયુષીએ પાકું કરેલું : માના મુદ્દામાં તથ્ય છે, વી નીડ મેડિકલ હેલ્પ.’

‘ઠીક છે...’ આયુષી ન જ માની ત્યારે અધિરથે કબૂલ થવું પડ્યું : આપણે તારી દાક્તરી તપાસ કરાવી લઈએ... પણ...’ શ્વાસ ઘૂંટીને તેણે માને નિહાળી : ધારો કે એમાં ખોટ આવી તો...

‘તો!’ વંદનાબહેને પણ દમ ભીડીને કહી નાખ્યું : તોય તું વહુથી છૂટો ન જ થાય એ જાણું છું ને દીકરાનું સૂનું ઘર જોઈને મારાથી ચૂપ નહીં રહેવાય. વહુને વાંઝણાપણાનાં મહેણાં મારતી થઈ જાઉં એનાથી બહેતર છે કે તું તારે મને ગામનું ઘર ખોલાવી આપજે, ઘરડે ઘડપણ એકલા રહેવાનો યોગ હશે તો એ ટળવાનો ઓછો!

ક્યાંય સુધી ઘરમાં સ્તબ્ધતા છવાયેલી રહી. બે દિવસ પછીની ડૉક્ટરની અપૉઇન્ટમેન્ટ સુધીમાં આયુષીએ તો નક્કી કરી લીધેલું કે મારામાં કોઈ ખોટ નીકળી તો હું આપઘાત કરીને છૂટી જઈશ; આખરી ઇચ્છામાં અધિરથ ફરી પરણે, રૂમઝૂમ સંસાર માણે એવું લખતી જઈશ તો અધિરથે એને નિભાવ્યા વિના છૂટકો છે!

ત્યારે ક્યાં જાણ હતી કે મારી મેડિકલ તપાસનો અંજામ અધિરથના ગૃહત્યાગમાં આવશે!

હળવો નિસાસો સરી ગયો.

‘વહુ...’ સાસુના સાદે આયુષીએ વિચારમેળો સમેટી લીધો.

‘ટીવી મૂક... અયોધ્યાના રામજીના આગમનનું લાઇવ ટેલિકાસ્ટ શરૂ થવાનું...’

પાંચસો વરસ પછી અયોધ્યામાં રામનું મંદિર બને અને બાલક રામ એમાં બિરાજે એ અલૌકિક, ઐતિહાસિક ઘડીનું જીવંત પ્રસારણ જોવા સાસુ-વહુ ગોઠવાઈ ગયાં.

- ત્યારે મુંબઈમાં જ...

‘ધ્યાનથી સાંભળી લે. આજે રામમંદિરનું ઓપનિંગ થાય પછી આવતા અઠવાડિયે હું ને મારી બૈરી અયોધ્યા દર્શને જવાના છીએ... પરોઢ વેળા પાપ ધોવા સરયુના જળમાં ડૂબકી મારીએ ત્યારે તારે આવી મગરની જેમ મારી બૈરીને તાણી જઈને ડુબાડી દેવાની છે... ડીલની અડધી રકમ ચૂકવાઈ ગઈ છે, બાકીના કામ પતે એ સવારે! સમજ્યો!’

અને કૉલ કટ કરીને પતિ બેડરૂમના દરવાજા તરફ વળતો લાગ્યો કે તેની જાણ બહાર પોતાની હત્યાનો પ્લાન સાંભળી ગયેલી પત્ની કશું બન્યું ન હોય એમ ટીવી ચાલુ કરી રામોત્સવનું લાઇવ ટેલિકાસ્ટ જોવા બેસી ગઈ. મનમાં પડઘો પડ્યો : મારો જ વર મારી હત્યા કરાવે એ તેનું પાપ થયું કે મારા પાપનું ફળ!

 

વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff