મર્ડર બાય વૉટ્સઍપ : ચોરોની ટોળકીમાં પોલીસનો ખેલ (પ્રકરણ ૫)

24 May, 2024 07:40 AM IST  |  Mumbai | Lalit Lad

‘એક મિનિટ, હું પહેલાં સંજય રાણેને ફોન કરી જોઉં. પોલીસટીમ આવી રહી છે કે નહીં?’

ઇલસ્ટ્રેશન

ચૌહાણે દલપતને ફોન લગાડ્યો. સામે છેડે ચાર-પાંચ રિંગ ગયા પછી દલપતનો જાણીતો અવાજ સંભળાયો:

‘હલો?’

‘પચાસ લાખના હીરા તો ચોરીને બેઠો છે, પણ સાલા એને વેચીશ ક્યાં?’ ચૌહાણે સીધું તીર જ ચલાવ્યું.

દલપત ગૂંચવાઈ ગયો, ‘કેવા હીરા? કોના હીરા? કોણ બોલે છે?’

‘તારો બાપ, ઇન્સ્પેક્ટર ચૌહાણ બોલું છું!’

‘અરે ચૌહાણસાહેબ? ઘણા વખતે?’

‘એ બધી ચાપલૂસી છોડ, સીધો જવાબ આપ કે તેં જે પચાસ લાખના હીરા ચોર્યા છે એ વેચવા ક્યાં જઈશ? સુરતના હીરાબજારમાં, મુંબઈની ડાયમન્ડ માર્કેટમાં કે પછી ઍન્ટવર્પ જઈશ વિમાનમાં બેસીને?’

‘ચૌહાણસાહેબ, તમે શેની વાત કરો છો?’

‘સાંભળ, જો તું સુરત જાય કે મુંબઈ, CCTV કૅમેરામાં તો તું ઝિલાઈ જ જવાનો છે! આ જે તેં દાઢું વધાર્યું છેને એમાં તો તું વહેલો ઓળખાઈ જશે. ઉપરથી ચાલ પણ લંગડી થઈ ગઈ છે. તારું ડાચું નહીં દેખાય તો પણ તું નહીં બચી શકે.’

સામે છેડેથી દલપત બોલતો જ બંધ થઈ ગયો. તીર બરોબર નિશાન પર લાગ્યું છે એમ સમજીને  ચૌહાણે બીજું તીર છોડ્યું, ‘સાંભળ, તારા હીરાનો ઘરાક તને લાવી આપું તો? ત્યાં પરિએજમાં બેઠાં-બેઠાં સોદો કરાવી આપીશ! એ પણ કૅશમાં!’

ચૌહાણે પરિએજ ગામનું નામ દીધું એટલે દલપત ગભરાયો.

‘ક... કેવું પરિએજ?’

‘તારી આઇટમ જ્યાં તને જલસા કરાવે છે એ પરિએજ!’ ચૌહાણે કહ્યું, ‘જો હવે બહુ લાળા ચાવવાના રહેવા દે અને મારી ઑફરના જવાબમાં હા કે ના બોલ. નહીંતર પેલો હવાલદાર સંજય રાણે પોલીસટીમ લઈને આવી જ રહ્યો છે. અને હા, તારો તાળાકૂંચીનો કારીગર પણ મારી સાથે જ બેઠો છે! લે વાત કર...’

ચૌહાણે વાંકાનેરીને મોબાઇલ પકડાવ્યો. વાંકાનેરી હજી ‘હલો’ બોલે છે ત્યાં તો દલપતે ફોન કટ કરી નાખ્યો! ચૌહાણ હસ્યા:

‘શું થયું? તેની ફાટી ગઈ?’

‘એની તો શી ખબર, પણ મારી...’

વાંકાનેરીએ કારેલું ખાધું હોય એવું મોં કરીને પેટ પર હાથ દબાવતાં ડ્રાઇવરને કહ્યું, ‘ભૈસાબ, જે પહેલી હોટેલ દેખાય ત્યાં ઊભી રાખો! આ ચિકન બિરયાનીની હમણાં કહું એ...’

વાંકાનેરીનો સીન જોઈને ચૌહાણથી હસવું રોકાતું નહોતું! આ વખતે ઇકો વૅન જ્યાં ઊભી રહી ત્યાં જય ભવાની કાઠિયાવાડી નામની હોટેલ હતી. વાંકાનેરી એક હાથ પેટ પર અને બીજો હાથ પૅન્ટ પાછળ દબાવતો દોડ્યો...

lll

પંદર મિનિટ પછી વાંકાનેરી પાછો ફર્યો ત્યારે તેનું પરસેવાથી પલળેલું શર્ટ અને પાણીની છાલકથી પલળેલું પૅન્ટ જોઈને ચૌહાણ ખડખડાટ હસવા લાગ્યા. વાંકાનેરી છોભીલો પડીને બોલ્યો:

‘આ છેલ્લું હતું હોં! હવે કદાચ નહીં થાય...’

ચૌહાણ ફરી હસ્યા, પણ હવે મુદ્દાની વાત કરી, ‘જો, પેલા બરજોર તારાપોરવાલા જોડે ફોન પર વાત થઈ ગઈ. તે તો ડાયમન્ડની વાત સાંભળીને ઘેલો થઈ ગયો! આજે રાત્રે જ પરિએજ પહોંચી જશે. સાલાને ભરોસો પડે એટલા માટે તેને દલપતનો નંબર આપવો પડ્યો! અને હા, પેલો સંજય રાણે તો ફોન જ નથી ઉપાડતો! લાગે છે કે તે પોલીસટીમ ઊભી નહીં કરી શકે.’

‘તો રાણેને મારો ગોળી!’ વાંકાનેરી ઇકો વૅનમાં બેસતાં બોલ્યો. ‘આપણે પહોંચીએ પરિએજ ગામમાં...’

‘પણ પેલો દલપત ત્યાંથી છટકી તો નહીં જાયને?’ ચૌહાણને ચિંતા હતી.

‘તે રૂપિયાનો લાલચુ છે. હીરાનો ઘરાક જ્યાં લગી ફેસ-ટુ-ફેસ નહીં થાય ત્યાં લગી તે આમતેમ ભાગવાની કોશિશ નહીં કરે. ઉપરથી તેની એક ટાંગ ઑલરેડી લંગડી થઈ ગઈ છે. હવે તે કોઈ જોખમ નહીં લે.’

‘તો પણ ચાન્સ ન લેવાય.’ ચૌહાણે કહ્યું, ‘ગામમાં જતાંની સાથે જ તેના પર દૂરથી નજર રાખવી જરૂરી છે.’

lll

 પરિએજ ગામમાં દાખલ થતાં જ એની અનોખી ઓળખ નજરે ચડી. પાકા રસ્તા, છૂટાંછવાયાં મકાનો, આસપાસ લીલાંછમ ખેતરો... ગામમાં વહોરા તથા ખોજાઓનાં ઘરની બાંધણી તરત જ અલગ તરી આવે એવી હતી. એક મસ્જિદની આસપાસ જે મહોલ્લો હતો એનાં ઘરોમાં સમૃદ્ધિની ઝલક દેખાતી હતી.

‘અહીં તમારી આઇટમનું ઘર ક્યાં છે?’

વાંકાનેરીએ દૂરથી એક છૂટું અટૂલું ઘર બતાવતાં કહ્યું, ‘જુઓ, પેલું આછા ગુલાબી રંગનું મકાન છેને એના ઉપલા માળે દલપત હશે. નીચે પેલી બાઈ ભાડે રહે છે. બાકીના લોકો ઘર બંધ કરીને વિદેશમાં કમાવા જતા રહ્યા છે.’

ઇકો વૅન ઊભી રખાવીને ચૌહાણે ધ્યાનથી નજર ફેરવી લીધી. મકાનની પાછળ એક કાચો રસ્તો જતો હતો. એ સિવાય દૂર-દૂર સુધી ખેતરો હતાં. કોઈ ખાસ અવરજવર પણ નહોતી. ચૌહાણે મકાનની સામેની બાજુ ઊડતી નજર નાખી. ત્યાં સહેજ દૂર ત્રણ માળનું ઊંચું એક મકાન દેખાયું.

‘વાંકાનેરી, પેલું મકાન કોનું છે? ત્યાંથી દલપત પર નજર રાખી શકાય.’

‘એ મકાન? એ તો આખેઆખું બંધ પડ્યું છે.’

‘બસ, તો એ પર્ફેક્ટ છે આડશ લઈને વૉચ રાખવા માટે...’

lll

વાંકાનેરી તો બેફિકર થઈને ઇકો વૅનમાં ઊંઘી ગયો, પણ ચૌહાણને ચેન પડતું નહોતું. લગભગ દસેક વાગ્યે એક કાળી સ્કૉર્પિયો એ મકાન સામે આવીને ઊભી રહી...

ચૌહાણે તરત જ વાંકાનેરીનો જગાડ્યો, ‘જો પેલી દમણની પાર્ટી આવી ગઈ લાગે છે!’

ચૌહાણ અને વાંકાનેરી દબાતા પગલે એ મકાન પાસે ગયા. મકાનના નીચેના ભાગમાં દરવાજા અને બારીઓ બંધ હતાં. ઉપર જવા માટે બહારથી જ એક સીડી હતી. ઉપર એકમાત્ર ઓરડી હતી. ત્યાં  લાઇટ ચાલુ હતી. વાંકાનેરીએ ધીમા અવાજે કહ્યું, ‘ઉપર મીટિંગ ચાલતી લાગે છે...’

‘એક મિનિટ, હું પહેલાં સંજય રાણેને ફોન કરી જોઉં. પોલીસટીમ આવી રહી છે કે નહીં?’

પરંતુ રાણેએ આ વખતે પણ ફોન ઉપાડ્યો નહીં. ચૌહાણ જરા ટેન્શનમાં આવી ગયા.

‘હું દલપતને જ ફોન કરું છું.’ એમ કહીને દલપતનો નંબર લગાડ્યો. સામેથી ‘હલો’ સંભળાતાં જ ચૌહાણ બોલ્યો:

‘જો દલપત, પાર્ટી તારી પાસે પહોંચી ગઈ છે એ મેં જોયું! પણ જ્યાં સુધી હું ઉપર ન આવું ત્યાં સુધી કોઈ સોદો ફાઇનલ કરવાનો નથી સમજ્યો? નહીંતર પોલીસટીમ નજીકમાં જ છે! એક સિગ્નલ મળતાં જ તારું મકાન ચારે બાજુથી ઘેરાઈ જશે.’ ચૌહાણે ખોટી દાટી આપી.

દલપતનો અવાજ શાંત હતો, ‘ચૌહાણસાહેબ, તમે પોલીસ નકામી બોલાવી. છતાં ઠીક છે, તમે ઉપર આવી જાઓ એટલે હિસાબ પતાવી દઈએ.’

‘હિસાબ’ શબ્દ જે રીતે બોલાયો એ સાંભળીને ચૌહાણ ચેતી ગયા. છતાં ‘ઠીક છે’ કહીને ફોન કટ કરી નાખ્યો.

‘હું શું કહું છું સાહેબ?’ વાંકાનેરી બોલ્યો. ‘દલપતના હાથમાં જ્યારે મોટી રકમ આવે છે ત્યારે તે જીવ પર આવી જાય છે. રખને તે તમારા પર ગોળી ચલાવી દે? એટલે પહેલાં હું ઉપર જાઉં છું, તેને સમજાવીને તેની ગન તેના કબાટમાં મુકાવી દઉં... પછી જ તમે ઉપર આવજો...’

‘બરાબર છે.’

‘પણ સાહેબ, મને તમારી ગન આપોને. તે જો મારી સામે ગન ધરી દે તો મને સામી ધરતાં ફાવે... બાકી તો હું આમ પાછળ શર્ટની નીચે પૅન્ટમાં જ ખોસીને જઈશ, તમે આસાનીથી કાઢી શકશો.’

સહેજ વિચાર્યા પછી ચૌહાણને વાત બરાબર લાગી. તેમણે વાંકાનેરીને ગન આપી. વાંકાનેરી ધીમે-ધીમે સાવચેતથી પગથિયાં ચડતો ઉપર ગયો... ઉપરની રૂમનું બારણું ખૂલ્યું... વાંકાનેરી અંદર ગયો... બારણું બંધ થયું... બે મિનિટ, ત્રણ મિનિટ, ચાર મિનિટ... ચૌહાણ અધીરા થઈ ગયા.

ત્યાં તો અચાનક ઉપરથી ફાય​રિંગના અવાજો સંભળાયા. પહેલાં બે ગોળી છૂટી! પછી તરત જ બીજી બે!

ચૌહાણ ત્રણ-ત્રણ પગથિયાં કૂદતા ઉપર ધસી ગયા. જઈને જુએ છે તો ત્યાં લોહીનીંગળતી બે લાશ પડી છે! એક દલપતની અને બીજી તારાપોરવાલાની! હજી ચૌહાણ કંઈ વિચારે એ પહેલાં દીવાલની પાછળ ‘ધબ્બ’ કરતો અવાજ સંભળાયો! ચૌહાણે જોયું કે રૂમની પાછલી બારી ખુલ્લી હતી અને એમાં સળિયા જ નહોતા!

ચૌહાણે દોડીને બારીમાંથી બહાર જોયું! પેલો વાંકાનેરી ગયો ક્યાં? જમીન ખાઈ ગઈ કે આકાશમાં ઓગળી ગયો?

ચૌહાણ ઝડપથી પાછા ફર્યા. જુએ છે તો દલપત હજી કરાંજી રહ્યો છે. પેલી ચાઇનીઝ ગન તેની નજીક પડી છે! ચૌહાણ તરત જ કૂદ્યા! ગન હાથમાં લઈને દલપત સામે ધરી દીધી!

પરંતુ એ જ ક્ષણે પગથિયાં પર ‘ધબ-ધબ’ અવાજો સંભળાયા! ચૌહાણ એ અવાજોને બરાબર ઓળખતા હતા! આ તો પોલીસોના ભારેખમ બૂટનો અવાજ...!

‘સાલી પોલીસ અહીં ક્યાંથી?’

ચૌહાણ આવું વિચારે છે ત્યાં તો પોલીસટીમ ઉપર પહોંચી ચૂકી હતી. પોલીસટીમે જે દૃશ્ય જોયું એ બહુ સ્પષ્ટ હતું : સામે બે લાશ પડી હતી અને ચૌહાણના હાથમાં ગન હતી!

lll

આખી ઘટનાના છ દિવસ પછી મુંબઈની એક શાનદાર હોટેલની લક્ઝુરિયસ રૂમમાં વાંકાનેરી અને સંજય રાણે શરાબના જામ ટકરાવી રહ્યા હતા.

‘સાલા વાંકાનેરી, તું દેખાય છે છછુંદર જેવો, પણ તારી અક્કલ છે ઝેરી કોબ્રા જેવી હોં?’ રાણે મોજમાં હતો.

‘ઝેરી રાખવી જ પડે! મને દલપત સુથાર પર પહેલેથી ભરોસો નહોતો. હવે તે પતી ગયોને?’

‘પણ પેલા ચૌહાણસાહેબને આખી વાતમાં ફસાવી મારવાનો આઇડિયા તને ક્યાંથી આવ્યો?’

‘તારા વૉટ્સઍપ મેસેજથી!’ વાંકાનેરીએ જામમાંથી ચૂસકી લીધી. ‘હું તો અમદાવાદમાં જગ્ગુ કાણિયાના અડ્ડે ગન ખરીદવા ગયેલો, પણ ત્યાં ચૌહાણે મને જોઈ લીધો! મને ઝૂડવા જ માંડ્યો... માર ખાતાં-ખાતાં મને વિચાર આવ્યો કે યાર, દલપતને હું નહીં પહોંચી શકું. એના કરતાં ચૌહાણને જ બાટલામાં ન ઉતારું? એ પહેલાં ચૌહાણને જોઈને હું સરકી જતો હતો ત્યાં જ તારો વૉટ્સઍપ મેસેજ આવ્યો કે ‘ચૌહાણ સસ્પેન્ડ ટુડે!’ એ જ વખતે મારી ઝેરી ખોપડીમાં હલચલ ચાલુ થઈ ગયેલી!’

સંજય રાણે ખડખડાટ હસવા લાગ્યો. ‘એ ચૌહાણ પર મને બહુ વખતથી દાઝ હતી. તેણે ક્યારેય મને મારા ભાગના પૂરા પૈસા આપ્યા જ નહોતા. એટલે જેવા મને ઊડતા ખબર મળ્યા કે તરત જ મેં ધડાધડ બધાને વૉટ્સઍપ ઠપકાર્યા કે ‘ચૌહાણ સસ્પેન્ડેડ!’

‘અને ચૌહાણ એમ સમજતા રહ્યા કે મને ખરેખર ઝાડા થઈ ગયા છે! હકીકતમાં હું ટૉઇલેટમાં જઈને તારી સાથે અને દલપત સાથે વાતો કરીને આખી જાળ બિછાવતો હતો! એમાં એક વાર મેં ચૌહાણનો ફોન લઈને એના સેટિંગ્સમાં જઈને ‘રેકૉર્ડ ઑલ કૉલ્સ’નું ઑપ્શન ઑન કરી દીધું હતું! હવે એ ફોન પોલીસ પાસે છે! ચૌહાણ તો ડબલ મર્ડરમાં ​​ફિટ થઈ જશે! તેના પર કઈ-કઈ કલમો લાગશે? ગણી તો જો?’

‘કલમ ગણવાનું છોડ અને આ રૂપિયા ગણ... તારા ભાગે પૂરા ત્રીસ લાખ આવ્યા છે. હવે બોલ, શેની પાર્ટી આપે છે?’

‘ચિકન બિરયાની?’ વાંકાનેરી પેટ પકડીને કારેલાં ખાધા જેવું મોં કર્યા પછી બહુ હસ્યો.

 

(સમાપ્ત)

columnists