મર્ડર બાય વૉટ્સઍપ : ચોરોની ટોળકીમાં પોલીસનો ખેલ (પ્રકરણ ૨)

21 May, 2024 07:01 AM IST  |  Mumbai | Lalit Lad

કાળી ચૌદશની રાતે જ મનહરલાલ ચોકસીની આખેઆખી તિજોરી જ ચોરાઈ ગઈ હતી!

ઇલસ્ટ્રેશન

‘શું તકદીર છે!’ ચૌહાણને ખરેખર કિસ્મત પર ભરોસો બેસી ગયો.

હજી થોડા કલાક પહેલાં જ ઇન્સ્પેક્ટર ચૌહાણને જ્યારે સસ્પેન્ડ થવાનો લેટર મળ્યો હતો ત્યારે એવું લાગતું હતું કે તકદીરની દશે દિશામાં તાળાં લાગી ગયાં છે, પણ અહીં જગ્ગુ કાણિયાના અડ્ડામાં એક પાતળિયા માણસને પોતાની હાજરીથી સરકી જતો જોયો અને સાવ પાતળી શંકાથી દબોચી લઈને જ્યાં ચાર લાફા ઠોક્યા ત્યાં તો તેણે પટપટ જે વટાણા વેર્યા એમાં ચૌહાણને મિનિમમ ૪૫ લાખનો દલ્લો દેખાવા લાગ્યો!

‘યાર વાંકાનેરી, મને એક વાત નથી સમજાતી...’ ચૌહાણે એ પાતળિયા તિજોરીતોડ એક્સપર્ટના ખભે હાથ મૂકતાં પૂછ્યું, ‘તમે લૂંટ સુરતની આંગડિયા પેઢીમાં કરી. તમારે મળવાનું હતું ભરૂચ હાઇવે પાસે... તો પછી ચંબુ, તું અહીં અમદાવાદમાં શું કરે છે?’

‘હું અહીં ગન લેવા આવ્યો છું!’ વાંકાનેરી જાણે મોટું પરાક્રમ કરવાનો હોય એ રીતે છાતી કાઢીને બોલ્યો.

‘ચલાવતાં આવડે છે?’

‘અડ્યો પણ નથી.’ વાંકાનેરી બોલ્યો, ‘પણ દલપત સુથાર પાસે ગન છે. તેની પાસે હું મારો ભાગ માગવા જાઉં અને તે મારા કપાળે ગન ધરી દે તો? એટલે મારે પણ સેફ્ટી ખાતર મારી ગન બતાવવી પડેને?’

‘હં...’ ચૌહાણ વિચારમાં પડ્યા. તેમનું દિમાગ તેજ ગતિથી નવી દિશામાં ચાલવા માંડ્યું. તેમને થયું કે સસ્પેન્ડ થયા એટલે હવે પોતાની સર્વિસ-રિવૉલ્વર તો મળવાની જ નથી, પરંતુ કમર પર ગન રાખવાની જે આદત પડી ગઈ છે એના વિના અડધો પાવર ઊતરી ગયેલો લાગતો હતો. એટલું જ નહીં, સુરતની આંગડિયા પેઢીમાં થયેલી ૫૦ લાખની ચોરીનો જો ફાંદો કરવો હોય તો એકાદ ગન સાથે રાખવી જરૂરી છે.

‘અચ્છા, તો અહીં જગ્ગુ કાણિયાના અડ્ડે કોની પાસેથી ગન લેવા આવ્યો હતો?’

‘છે એક જણ...’ વાંકાનેરી ઠાંસમાં બોલ્યો.

‘અબે, કોણ છે?’ ચૌહાણે વાંકાનેરીના કાન નીચે એક થપ્પડ ઠોકી દીધી, ‘હજી ટણીમાંથી હાથ બહાર નથી કાઢતો? છે એક... છે એક.. એટલે શું?’

‘હવે શું કહું?’ થપ્પડ પડવાથી વાંકાનેરી ફરી માપમાં આવી ગયો, ‘ગફૂર મુસ્તફા તેનું નામ છે. તે અહીં ગન લઈને આવવાનો હતો, પણ તમે મને ઝૂડવા માંડ્યો એટલે એ બબાલ જોઈને ભાગી ગયો!’

‘તો પાછો બોલાવ તેને! નંબર-બંબર છે કે નહીં, તેનો?’

વાંકાનેરીએ પૅન્ટના પાછલા ખિસ્સામાંથી પોતાનો ઘસાયેલી સ્ક્રીનવાળો મોબાઇલ કાઢીને નંબર લગાડ્યો.

થોડી વાર પછી બટકોસરખો ગફૂર મુસ્તફા આવ્યો. તેની ચૂંચી આંખો શંકાથી આખા માહોલને જોઈ રહી હતી. તેની બગલમાં એક કપડાનો થેલો હતો, શાકભાજી ખરીદવાનો થેલો હોય એવો.

‘ફિકર મત કર...’ વાંકાનેરીએ કહ્યું, ‘યે ચૌહાણસા’બ હૈ. પુલિસવાલે હૈં. મગર અભી અપને સાથ હૈ. ચલ ગન દિખા, લાયા હૈ ના?’

ગફૂરે પેલા શાકભાજીના થેલામાંથી પહેલાં થોડી તાંદળજાની ભાજીના પૂળા કાઢીને ટેબલ પર મૂક્યા. પછી બેચાર રીંગણાં, કાકડી અને છેલ્લે થોડા બટાટા મૂક્યા. એ પછી થેલામાંથી ગન કાઢી.

ચૌહાણ હજી આ નમૂનાની સામે જ જોયા કરતા હતા, ‘યે સબ્ઝી ગન કે સાથ મેં ફ્રી દેનેવાલા હૈ ક્યા?’

‘નહીં, સબ્ઝી તો...’ ગફૂર ગૂંચવાયો.

‘તો ઇસ કો હટા ના? સાવન કી ઘટા?’

ગફૂરે ફટાફટ શાકભાજી લઈને પાછી થેલામાં મૂકી દીધી. હવે ટેબલ પર માત્ર ગન હતી. ચૌહાણે ગન હાથમાં લીધી. ચાઇના-મેડ લાગતી હતી. ૩૨ બોરની, ૮ બુલેટવાળું મૅગેઝિન હતું. લાઇટવેઇટ અને સ્ટીલ ફિનિશ. ચૌહાણે રમકડાની જેમ ગનને હાથમાં રમાડી જોઈ, ‘બોલ, કેટલા લેવાના છે?’

‘૮૫,૦૦૦ રૂપિયા.’

‘મને મૂરખ સમજે છે?’ ચૌહાણે દમ ભિડાવ્યો, ‘ચાઇનીઝ માલ છે. બે ગોળી છોડતાંની સાથે બૉડી ગરમ થઈ જાય છે!’

‘મગર સા’બ, પૉઇન્ટ બ્લૅન્ક સે તો એક હી ગોલી લગતી હૈ ના?’

‘ચલ એય, શાણપટ્ટી નહીં!’ ચૌહાણે જરા અવાજ ઊંચો કર્યો, ‘૨૫,૦૦૦ આપીશ.’

મુસ્તફાએ ચૂંચી આંખે આમતેમ જોયું. જગ્ગુ કાણિયો પણ ટેબલની બાજુમાં ઊભો હતો. તેને લાગ્યું, ‘કમાલ છે? જે સોદો થોડી વાર પહેલાં અહીં સંતાઈને ખૂણામાં થવાનો હતો એ જ સોદો હવે ખુલ્લેઆમ થઈ રહ્યો છે!’

‘પચ્ચીસ મેં કૈસે પરવડેગા? ચલો, સેવન્ટીફાઇવ રખો.’

‘થર્ટીફાઇવ.’

‘ફિફ્ટીફાઇવ.’

‘ચલ, અબી ફોર્ટીફાઇવ મેં ડન કર. તૂ ભી ક્યા યાદ કરેગા કિ એક પુલિસવાલે કો ગન બેચા થા.’

‘ક્યા સા’બ?’ ગફૂરે દયામણું મોઢું કર્યું.

ચૌહાણે ગન હાથમાં લઈને હૂલ આપી, ‘જો, પોલીસવાળો છું. બહુ ખેંચવામાં મજા નથી.’

‘ક્યા સા’બ?’ ગફૂર ફરી બોલ્યો.

‘અને હા, સાથે પચાસેક બુલેટ પણ જોઈશે.’

‘બુલેટ કે સાથ સિક્સ્ટી રખ્ખો.’ ગફૂર બોલ્યો, ‘ચાલો સાહેબ, કૅશ કાઢીને ટેબલ પર મૂકો એટલે હાથ મિલાવીને છૂટા પડીએ.’

‘એય કૅશની માસી!’ ચૌહાણે ખાલી ગન ઉઠાવીને આંગળીમાં ગોળ-ગોળ ફેરવી, ‘રૂપિયા તને ચાર દિવસ પછી મળી જશે, જબાનથી, બસ?’

‘સૉરી બૉસ. અપુન ઉધારી કા ધંધા નહીં કરતા...’ ગફૂર ઊભો થઈ ગયો.

તરત જ ચૌહાણે તેનો હાથ પકડીને પાછો ખુરસીમાં બેસાડતાં ગન તેના કપાળે ઠોકી, ‘સાલા, આ ગન લઈને અહીંથી બહાર નીકળવું છે? નીકળ બેટા... બહુ દૂર નહીં જઈ શકે. હું અહીંથી એક જ રિંગ મારીશને તો તું સીધો પોલીસ-સ્ટેશનમાં બેઠો હોઈશ.’

ગફૂર ઠરી ગયો. પાછો બેસી ગયો.

શાકભાજીના થેલામાંથી બુલેટનું ખોખું કાઢીને ટેબલ પર મૂકતાં તે બબડ્યો. ‘સાલું, પોલીસ જોડે ધંધો જ ન કરાય.’

lll

‘ધંધો... ધંધો...’ ચૌહાણના મનમાં એક નવું ચક્કર ચાલી રહ્યું હતું, ‘જો આ ૪૫ લાખ રૂપિયા હાથમાં આવી જાય તો ભાડમાં ગયું સસ્પેન્શન! ઘણા વખત પહેલાં એક ધંધાની ઑફર આવી હતી, એમાં જ ઝંપલાવવું છે.’

જગ્ગુ કાણિયાના અડ્ડેથી છૂટા પડ્યાના બે કલાક પછી ચૌહાણ એક ઍર-કન્ડિશન્ડ રેસ્ટોરાંમાં પંજાબી લંચ કર્યા પછી ટૂથ-પિક વડે દાંત ખોતરી રહ્યા હતા. ભવિષ્યના ધંધાની વાત છોડીને હવે તેમનું માઇન્ડ હાલના ઑપરેશન પર ફોકસ કરી રહ્યું હતું.

‘આ સાલા દલપત સુથારને શોધવો ક્યાં? હવે જો મળે તો એક કરોડનો જૂનો હિસાબ પણ સેટલ કરવો છે.’

શું હતો એ એક કરોડનો હિસાબ?

વાત એમ હતી કે જ્યારે ઇન્સ્પેક્ટર ચૌહાણની સુરતમાં ડ્યુટી હતી ત્યારે તેમણે એક નબીરાને ધનતેરસની આગલી રાતે MD ડ્રગ્સ સાથે પકડ્યો હતો. બેટમજી પોતાના બાપના પૈસે ખરીદાયેલી યલો કલરની લમ્બોર્ગિનીમાં તેની એક ગર્લફ્રેન્ડ સાથે રાતના અંધારામાં ઊધના-મગદલ્લા રોડથી દૂર એક મેદાનમાં પાર્ક કરીને જલસા કરી રહ્યો હતો. ચૌહાણ એ વખતે કંદનાં ભજિયાં ખાઈને ઠંડી દરિયાઈ હવામાં બાઇક લઈને ટહેલવા નીકળ્યા હતા. ત્યાં આ દૂર પાર્ક કરેલી લમ્બોર્ગિનીનું તાલબદ્ધ હલનચલન તેમની નજરે ચડી ગયું!

એ વખતે તો એમ જ હતું કે ચલો, કોઈ કપલને પકડીશું તો જે ચા-પાણીનો ખર્ચો નીકળ્યો એ! પરંતુ પેલા નબીરાની આંખો જોઈને ચૌહાણને ડાઉટ આવ્યો! ઝડતી લેતાં તેની પાસેથી ૧૦ ગ્રામ જેટલું MD ડ્રગ મળ્યું! બે લાફા માર્યા તો નબીરાએ ‘સૉરી’ કહેવાના બદલામાં ફાંકામાં તેના બાપનું નામ દીધું :

‘એમ મારો છો શાના? તમે મારા ડૅડીને ઓળખતા નથી.’

‘હા, તો ઓળખાણ આપને?’

‘મનહરલાલ ચોકસી. ધનલક્ષ્મી જ્વેલર્સના માલિક. અમારી ૧૦ શહેરોમાં શોરૂમની ચેઇન છે. ડૅડી જ્વેલર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ પણ છે.’

‘અરે બેટા! પહેલાં કહેવું જોઈએને?’ ચૌહાણને તરત જ મોટી રકમની માંડવાળી દેખાવા લાગી! તેમણે પેલી છોકરીના ફોટો પાડી લીધા પછી તેને જવા દીધી અને લમ્બોર્ગિની સીધી અડાજણના પૉશ એરિયામાં આવેલા મનહરલાલ ચોકસીના લક્ઝુરિયસ અપાર્ટમેન્ટ પર લેવડાવી.

રાતે ૧૨ વાગ્યે દીકરા સાથે પોલીસને જોઈને મનહરલાલ ગભરાઈ ગયા! પણ ચૌહાણે તેમને તેમની પત્નીને તથા તેમના વડીલ પિતાશ્રીને સામે બેસાડીને ખૂબ શાંતિથી સમજાવ્યું, ‘આ કેસ જો નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટમાં સોંપાઈ જશે તો બાબલો મિનિમમ ૧૫ વર્ષ માટે જેલમાં જશે! કેમ કે હવે કેસ ડ્રગ્સ ટ્રાફિકિંગનો બનવાનો! હવે તમે જ વિચારી લો કે તમારા દીકરાની જુવાનીનાં ૧૫ વર્ષની કિંમત કેટલી થાય?’

ચૌહાણે જે રીતે ખતરનાક ચિત્ર ઊભું કર્યું એનાથી ચોકસી-ફૅમિલી રીતસરની ભીનાં પાંદડાંની જેમ ફફડી ગયેલી! બિચારા મનહરલાલ ચોકસી રડવા જેવા થઈ ગયેલા. તેમણે પોતાના બેડરૂમની તિજોરી ખોલીને કહ્યું હતું, ‘સાહેબ, અહીં જેટલાં ઘરેણાં પડ્યાં છે એમાંથી જે પસંદ પડે એ લઈ લો, પણ મારા દીકરાને છોડી દો!’

તિજોરીમાં પડેલાં ઘરેણાંનો જથ્થો જોઈને ચૌહાણ પણ ચોંકી ગયા હતા! કમસે કમ બે કરોડ રૂપિયાનો માલ તો હશે જ! અને કેમ ન હોય? મનહર ચોકસીનો વર્ષે ૧૦૦ કરોડનો કારોબાર હતો!

ચૌહાણે એ વખતે બિલકુલ સજ્જનની જેમ વર્તતાં તિજોરીમાંથી માત્ર ૧૦ ગ્રામની સોનાની એક લગડી લઈને કહ્યું હતું, ‘બસ, આટલું ઇનફ છે. તમે સારા ઘરના લોકો છો, બાબાની આ પહેલી ભૂલ છે. તેને માફ કરજો અને શક્ય હોય તો સારા સંસ્કાર આપજો, ઓકે?’

તે વખતે આખો ચોકસી-પરિવાર રીતસર આંખમાં આંસુ સાથે ચૌહાણને બે હાથ જોડીને પગે પડી ગયો હતો! પણ ચૌહાણના દિમાગમાં બીજી જ ખીચડી પાકી રહી હતી.

બીજા દિવસે ચૌહાણે પેલા દલપત સુથારને કામરેજ ચોકડી પાસેના એક ઢાબે બોલાવીને આ બે કરોડના ખજાનાની ટિપ આપતાં કહ્યું હતું, ‘સાલા દલપત, આટલું સહેલું કામ બીજું કોઈ નહીં હોય. ત્યાં અપાર્ટમેન્ટમાં ગેટ પર બે સિક્યૉરિટી સિવાય કોઈ છે જ નહીં! આવતી કાલે ધનતેરસ છે. લક્ષ્મીપૂજન પછી આખી ફૅમિલી યુરોપની ટૂરમાં ફરવા જવાની છે. જો સીસીટીવીથી બચવું હોય તો.’

એમ કહીને ચૌહાણે દલપત સુથારને અપાર્ટમેન્ટના બિલ્ડિંગમાં વચ્ચે ડ્રેનેજની પાઇપો માટે જે નીચેથી ઉપર સુધીની ચાર ફુટ બાય ચાર ફુટની જે ટનલ જેવી જગ્યા છે ત્યાંથી ફ્લૅટના ટૉઇલેટમાં શી રીતે ઘૂસી શકાય એનો પ્લાન પણ સમજાવ્યો હતો!

ત્રીજા જ દિવસે એટલે કે કાળી ચૌદશની રાતે જ મનહરલાલ ચોકસીની આખેઆખી તિજોરી જ ચોરાઈ ગઈ હતી! ચૌહાણે દલપત સુથાર સાથે ફિફ્ટી-ફીફ્ટીની ડીલ કરી હતી, પણ હરામખોર દલપત એ પછી ક્યાંય દેખાયો જ નહીં!

છેવટે જ્યારે ૧૫ દિવસ પછી તેને મહારાષ્ટ્રના એક નાના ટાઉનની હોટેલ-રૂમમાંથી ઝડપી લીધો ત્યારે તે સાવ નામક્કર ગયો, ‘ચૌહાણ, એ ચોરી તો મેં કરી જ નથી! હું તો એ દિવસે મારા સસરાની ખબર કાઢવા પાલેજ ગયેલો!’

ચૌહાણને એ એક કરોડની વસૂલાત પણ કરવાની બાકી હતી!

ઊભા થઈને ચૌહાણ રેસ્ટોરાંના કાઉન્ટર પર બિલ ચૂકવી રહ્યા હતા ત્યાં જ તેમનો ફોન રણક્યો. સામે છેડે વાંકાનેરી હતો, તેણે જોરદાર બાતમી આપી ઃ

‘સાહેબ! દલપત સુથારનો પત્તો મળી ગયો છે!’

(ક્રમશઃ)

columnists