કોઈ છે... (પ્રકરણ-૪)

29 February, 2024 06:07 AM IST  |  Mumbai | Rashmin Shah

શરીરને કડક કરી ટાઇટ શેડ્યુલ આપીને ઇન્સ્પેક્ટર પાટીલ હોમ મિનિસ્ટરની ચેમ્બરમાંથી રવાના થયો. ગઈ કાલની આખી રાતનો ઉજાગરો હતો. જો વાત નિરાંતની હોત તો તે વિના સંકોચે ઘરે જઈને સૂઈ ગયો હોત.

ઇલસ્ટ્રેશન

‘તો પછી પાછો શું કામ આવ્યો?’ હોમ મિનિસ્ટર અશોક પંડિતનો અવાજ મોટો થઈ ગયો, ‘ડફોળ, કામ પતાવીને આવવાનું હોય...’

‘રાઇટ સર, પણ ડે ટાઇમ છે... રાત પડશે એટલે કામ થઈ જશે.’

‘ગેટ લોસ્ટ...’ હોમ મિનિસ્ટરે નજર ઊંચી કરીને પાટીલ સામે જોયું, ‘નાઓ, નો નીડ ટુ મીટ... ગો...’

‘જી સર...’

શરીરને કડક કરી ટાઇટ શેડ્યુલ આપીને ઇન્સ્પેક્ટર પાટીલ હોમ મિનિસ્ટરની ચેમ્બરમાંથી રવાના થયો. ગઈ કાલની આખી રાતનો ઉજાગરો હતો. જો વાત નિરાંતની હોત તો તે વિના સંકોચે ઘરે જઈને સૂઈ ગયો હોત. અરે, બીજા કોઈના કામમાં બ્લન્ડર લાગ્યું હોત તો પણ પાટીલને આટલું ટેન્શન ન થયું હોત, પણ હોમ મિનિસ્ટરે કામ સોંપ્યું અને એ કામમાં જ...

પાટીલ ફરી સીધો હૉસ્ટેલ પર પહોંચ્યો.

દિવસનો સમય હતો. આ સમયે તો હૉસ્ટેલમાં જવાની કોઈ સંભાવના નહોતી એટલે પાટીલે હૉસ્ટેલની સામે આવેલા બિલ્ડિંગની બહાર ગાડી પાર્ક કરીને નજર રાખવાનું શરૂ કર્યું. હવે તેણે અહીં જ મોડી રાત પાડવાની હતી અને એ માટે તેણે હજી પણ છથી આઠ કલાક પસાર કરવાના હતા.

એક વખત મેટ્રનનું કામ પૂરું થાય એટલે આખી ઘટના પૂરી.

વિચારોમાં જ ઇન્સ્પેક્ટર પાટીલને ઊંઘ આવી ગઈ, જેને ખલેલ પહોંચાડવાનું કામ બીજા કોઈએ નહીં પણ તેના જ ડિપાર્ટમેન્ટના લોકોએ કર્યું.

lll

ઠક... ઠક... ઠક...

ગ્લાસ પર નોક થયું એટલે પાટીલની આંખ ખૂલી. બહાર ખાખી વર્દીધારી કૉન્સ્ટેબલ ઊભો હતો. પહેલાં તો પાટીલને સીધું જ આઇડેન્ટિટી કાર્ડ દેખાડવાનું મન થઈ આવ્યું, પણ પોતે જે કામ માટે આવ્યો છે એ કામને ધ્યાનમાં રાખતાં સૉફ્ટનેસથી વર્તવું પણ જરૂરી હતું.

‘ક્યા કર રહા હૈ...’ પાટીલે વિન્ડોનો ગ્લાસ ઉતાર્યો કે તરત જ કૉન્સ્ટેબલે સવાલ કર્યો, ‘દસ બજે સે દેખ રહે હૈં... ક્યૂં યહાં સોયા હૈ?’

‘બાંદરા પોલીસ?’ પાટીલે સવાલ કરતાં દરવાજો ખોલ્યો, ‘કૈસે હૈં શિરોડકર સા’બ, નાઇટ પે હૈ યા...’

વાત કરતાં-કરતાં જ ઇન્સ્પેક્ટર પાટીલે પોતાનું આઇડેન્ટિટી કાર્ડ કાઢીને કૉન્સ્ટેબલને દેખાડી દીધું અને ચોખવટ પણ કરી લીધી...

‘સ્પેશ્યલ ડ્યુટી પર હૂં... સુબહ તક રહના પડેગા...’

‘ઠીક હૈ સર...’ કૉન્સ્ટેબલે સૅલ્યુટ આપતાં પૂછી લીધું, ‘સર, ખાના ખાયા યા...’

‘કુછ હૈ સાથ મેં?’

‘હા સર... અભી મટન-ખીમા ​લિયા. આપ કહે તો સાથ મેં...’

‘નહીં, ઉસકી કોઈ ઝરૂરત નહીં... આપ ખાઓ.’

‘આપ સર...’ કૉન્સ્ટેબલે ચોખવટ કરી, ‘યહાં પે દે દૂં આપકો...’

‘નહીં, મૈં ગુરુવાર કો નૉન-વેજ નહીં ખાતા...’ પાટીલે વૅન રવાના કરતાં કહ્યું, ‘યહાં કા ટેન્શન મત કરો... આગે દેખો...’

lll

‘એક ફોન તો કરીએ યાર...’ અર્ચનાએ રેહાને જગાડતાં કહ્યું, ‘બહુ મજા આવશે...’

‘ના, તું પણ રહેવા દે...’ રેહાએ ગંભીરતા સાથે કહ્યું, ‘ક્યારેક એવી ફસાશે કે તેં વિચાર્યું પણ નહીં હોય...’

‘કંઈ નહીં થાય... ચાલને.’

‘ના...’

‘લાસ્ટ ટાઇમ...’

‘એવું તું દરરોજ કહે છે...’

‘આજે સાચાવાળું લાસ્ટ ટાઇમ...’ અર્ચનાએ ટેલિફોન જ્યાં રહેતો એ ડ્રૉઅરની ચાવી કાઢતાં કહ્યું, ‘આજ પછી આ ચાવી હું તને જ આપી દઈશ... તું ફેંકી દેજે.’

‘લાવ અત્યારે જ ફેંકી દઉં...’

‘ના, પહેલાં ફોન...’

‘પ્રૉમિસને લાસ્ટ ટાઇમ...’ અર્ચનાએ કહ્યું, ‘જેન્ટલમૅન પ્રૉમિસ.’

‘જેન્ડર ચેન્જ કરવાની જરૂર નથી, તારા વર્ડ્સ પર વિશ્વાસ રાખું છું...’ રેહા ઊભી થઈ, ‘જલદી જોઈ લે, મેટ્રન સૂઈ ગઈને?’

‘હા, પણ તું સૂઈ નહીં જતી...’

અર્ચના રૂમની બહાર નીકળી

અને એ જ સમયે હૉસ્ટેલની સામે પાર્ક થયેલી કારમાંથી ઇન્સ્પેક્ટર પાટીલ પણ બહાર નીકળ્યો.

lll

કિચૂડ...

પાટીલે હૉસ્ટેલનો લોખંડનો દરવાજો ખોલ્યો કે તરત મિજાગરાઓએ ઝીણી ​ચિ​ચિયારી કરી. જોકે પાટીલને એનાથી કોઈ ફરક નહોતો પડતો. પાંચ મિનિટ પહેલાં જ તેણે હોમ મિનિસ્ટર સાથે વાત કરી લીધી હતી. અશોક પંડિતે સ્પષ્ટતા સાથે કહ્યું હતું કે આ કામ કોઈ પણ હિસાબે હમણાં જ પૂરું થવું જોઈએ.

‘ડન સર...’

‘કોઈનું ટેન્શન રાખવાની જરૂર નથી...’ પંડિતે કહી દીધું હતું, ‘એક કરતાં વધારે લોકો ઓછા કરવા પડે તો પણ ચિંતા કર્યા વિના આગળ વધી જા... આ કેસનો આજે છેલ્લો દિવસ છે.’

‘યસ સર...’

જવાબ આપતી વખતે પાટીલને ખબર નહોતી કે કેસનો જ નહીં, અશોક પંડિતે તેનો પણ આજનો દિવસ છેલ્લો બનાવી નાખ્યો છે.

lll

‘સર વહી પે બૈઠે હૈં...’ કન્ટ્રોલ વૅનમાંથી બહાર આવીને કૉન્સ્ટેબલ દયાનંદે રિપોર્ટ આપ્યો, ‘કામની વાત કરતા હતા. કામ પૂરું થાય પછી તે નીકળશે...’

‘હં...’ ઇન્સ્પેક્ટર શિરોડકરે કામ સમજાવ્યું, ‘તે સામે હૉસ્ટેલ છે એમાં જશે અને પછી ત્યાંથી બહાર આવશે... બહાર આવે એટલે તારે બધું સંભાળી લેવાનું અને એમાં...’

શિરોડકરે વજન દઈને કહ્યું.

‘કોઈ હિસાબે તે બચવો ન જોઈએ.’

‘પણ સાહેબ... પછી મારું...’

‘પ્રમોશન...’ શિરોડકરને પોતાના પ્રમોશનની પણ તાલાવેલી હતી, ‘પાટીલ પણ બદનામ નહીં થાય એટલે તું ચિંતા નહીં કર...’

‘જી સર...’

‘તારી પાસે વેપન છેને?’

‘હા સર, ડ્યુટી પર નીકળ્યો ત્યારે જ લઈ લીધું હતું...’ કૉન્સ્ટેબલ વધારે ડાહ્યો થયો, ‘જે પકડાયેલાં હથિયાર પડ્યાં હતાં ત્યાંથી જ સારી રિવૉલ્વર લઈ લીધી છે.’

‘હં... કામ પર લાગી જા...’

lll

‘એકદમ મસ્ત ઘોરે છે... છેક બહાર સુધી તેનાં નસકોરાંનો અવાજ આવે છે.’

‘એનો મતલબ એ કે સહેજ અવાજ થશે તો પણ જાગી જશે...’ રેહાએ પોતાનો અનુભવ કહ્યો, ‘નસકોરાં બોલતાં હોય તો એ કાચી ઊંઘ કહેવાય...’

‘એવું કંઈ ન હોય યાર...’ રેહાનો હાથ પકડીને રીતસર અર્ચનાએ તેને ખેંચી, ‘ચાલ ઊભી થા જલદી... ’

‘મૅરેજમાં લઈ જતી હો એવી રીતે આગ્રહ કરે છે તું તો...’

‘મૅરેજમાં પણ કરીશ...’

અર્ચનાનો જીવ ફોનમાં બરાબરનો ચોંટેલો હતો, ‘અત્યારે જેનો આગ્રહ કરું છું એ વાત માન...’

અર્ચના અને રેહા બન્ને બહાર આવી. અર્ચનાએ ડાબી બાજુ અને રેહાએ જમણી બાજુ જોઈ લીધું અને પછી બન્નેએ સાથે પગ બહાર મૂક્યો.

‘આજે એક જ ફોન...’

‘પ્રૉમિસ...’

‘આજ પછી ક્યારેય ફોન નહીં...’

‘પ્રૉમિસ...’

અર્ચના અને રેહા બન્ને રિસેપ્શન તરફ જતાં હતાં ત્યારે ઇન્સ્પેક્ટર પાટીલ કૅમ્પસના મેઇન બિલ્ડિંગ તરફ આગળ વધતો હતો.

lll

‘તારો બૉયફ્રેન્ડ શું કરે છે?’

રિવૉલ્વર સાથે આગળ વધતા પાટીલના પગ અટકી ગયા. હૉસ્ટેલમાં હજી કોઈ જાગે છે એવું લાગતાં જ તે તરત ભીંતસરસો થઈ ગયો. દીવાલની ઓથ લઈને જાતને સાચવી લેનારા પાટીલથી એક ભૂલ થઈ. બહાર ગાર્ડનમાં અડધો ફૂટેલો કાચનો ગ્લાસ પડ્યો હતો, જેના પર તેનો પગ આવ્યો અને પગ આવતાં જ કાચ ફૂટ્યો જેના અવાજે રેહા અને અર્ચનાને ડરાવી દીધી તો નસકોરાં બોલાવતી મેટ્રનની ઊંઘ પણ ઊડી.

‘કૌન હૈ...’

મેટ્રને રૂમમાંથી જ રાડ પાડી અને જેવી એ રાડ બહાર પહોંચી કે તરત અર્ચના અને રેહા બન્ને પોતાની રૂમ તરફ ભાગી. અલબત્ત, અવાજ ન થાય એવી કાળજી રાખવાનું હવે તેમના સ્વભાવમાં હતું. જોકે આ વખતે તે બન્નેથી એક ભૂલ થઈ ગઈ હતી. ફોન મૂકીને ડ્રૉઅર બંધ કરવાનું તે બન્ને ભૂલી ગઈ હતી.

lll

ખટાક...

રૂમનો દરવાજો ખોલીને મેટ્રન બહાર નીકળી અને આજુબાજુમાં જોયું.

આજુબાજુમાં નજર કરતાં જ મેટ્રનનું ધ્યાન ટેબલ પર પડેલા લૅન્ડલાઇન ફોન પર ગયું અને તેની આંખો પહોળી થઈ. પહોળી થયેલી એ આંખો લાલ થવામાં પણ સહેજે વાર લાગી નહોતી.

‘કોણ છે?’

મેટ્રનને આજે ખાતરી થઈ ગઈ હતી કે કોઈ તો રૂમમાંથી બહાર આવ્યું છે. તેણે અવાજમાં હતી એટલી તાકાત ભરીને ફરી રાડ પાડી.

‘જે હોય તે બહાર આવે...’

lll

મેટ્રનને પાડેલી બૂમે ઇન્સ્પેક્ટર પાટીલને બહાર લાવવા માટે મજબૂર કરી દીધા. હાથમાં રિવૉલ્વર સાથે પાટીલ જ્યારે ભીંતની આડશમાંથી બહાર આવ્યો ત્યારે મેટ્રન હાથમાં ​રિસીવર લઈને ફોનનો ડાયલ ટોન ચેક કરતી હતી.

‘પકડીને રંગેહાથ તને...’

ગાર્ડનથી રિસેપ્શન એરિયામાં જવા માટે બે પગ​થિયાં ચડવાનાં હતાં.

પાટીલ પગથિયાં ચડ્યો. તેના હાથમાં રહેલી રિવૉલ્વર માટે અત્યારે તેને શરમ આવતી હતી. મેટ્રન જેવી આધેડ વયની ઔરતની સામે રિવૉલ્વર તાકવી એ તેની મર્દાનગીને લાજે એવું કામ હતું.

‘એય, કિસને આને દિયા તુમ્હે...’ મેટ્રન સામે આવી, ‘સિક્યૉરિટી... સિક્યૉરિટી...’

મેટ્રને રાડ પાડી, પરંતુ પાટીલના પેટનું પાણી પણ હલ્યું નહીં.

‘બહાર ભેજા હૈ, મૈંને હી...’ પાટીલ હવે મેટ્રનની સાવ લગોલગ હતો, ‘બહુ ચીસો નહીં પાડ, કોઈ નહીં આવે...’

‘તુમ... તુમ તો વો હી હોના જો આજ સુબહ...’

મોઢામાંથી નીકળેલું વાક્ય પૂરું થાય એ પહેલાં પાટીલે મેટ્રનનું ગળું પકડ્યું.

‘હા, એ જ... સવારે આવ્યો હતો એ જ યમદૂત...’

lll

‘અર્ચના, બહાર કંઈક થયું

લાગે છે...’

‘હા... જવું છે?’ અર્ચનાએ બારીના કાચની તિરાડમાંથી બહાર નજર કરતાં કહ્યું, ‘કંઈક થયું લાગે છે...’

‘ત્રણ નંબરવાળીનો બૉયફ્રેન્ડ આવ્યો હશે...’ રેહાએ અનુમાન લગાવ્યું, ‘પંદર દિવસે તેની લપ હોય છે.’

ધાડ...

બહાર ઝપાઝપી થઈ હોય એવો અવાજ આવ્યો કે તરત રેહાએ દરવાજો ખોલ્યો. અલબત્ત, અવાજ ન થાય એની તકેદારી સાથે. દરવાજો ખૂલતાં જ રેહાની સાથે અર્ચના પણ દરવાજા પાસે આવી ગઈ અને બન્નેએ બહાર નજર કરી.

એક થપ્પડ પછી મેટ્રનની બોલતી બંધ થઈ ગઈ હતી. પાટીલનો હાથ હજી પણ મેટ્રનની ગરદન દબાવતો હતો, તેની જીભ પર ગંદી ગાળો હતી અને મેટ્રનની આંખોમાંથી પાણી નીકળવાનું શરૂ થઈ ગયું હતું.

રેહા આગળ વધી અને તેની પાછળ અર્ચના પણ આગળ વધી. જોકે રેહાને ખબર નહોતી કે અર્ચનાએ પોતાની સાથે હાથમાં લોખંડનો પાઇપ લઈ લીધો છે.

lll

 ‘એક્સક્યુઝ મી...’

પાટીલને જાણે કે કોઈની પણ પરવા ન હોય એમ મેટ્રનની ગરદન દબાવવાનું ચાલુ રાખીને નજર ફેરવી. સામે રેહા ઊભી હતી.

‘લડકી ​નિકલ ઇધર સે...’

‘મૅ’મને છોડી દો...’

‘તું જા...’ પાટીલે ગરદન પરની ભીંસ વધારી, ‘જીવ વહાલો હોય તો નીકળી જા...’

‘પહેલાં અમારા મૅ’મને છોડો...’

‘અચ્છા...’

પાટીલે હવે બીજા હાથથી રેહાની ગરદન હાથમાં લઈ મરડવાનું શરૂ કર્યું અને ત્યાં જ અવાજ આવ્યો.

કડાક...

અર્ચનાએ હાથમાં રહેલો પાઇપ ઇન્સ્પેક્ટર પાટીલના મસ્તક પર

મારી દીધો અને પાટીલની ખોપરી તૂટવાનો અવાજ શાંત વાતાવરણમાં બધાને સ્પષ્ટ સંભળાયો.

ધડામ...

પાટીલ જમીન પર પટકાયો ત્યારે ત્રણ ઔરતના ચહેરા પર ડર અને ગભરાટ હતો, જ્યારે જીવ છોડી ચૂકેલી કિંજલના ચહેરા પર સ્માઇલ.

 

સમાપ્ત

columnists Rashmin Shah