26 February, 2024 06:12 AM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
‘હા...હા...હા...’
‘હવે હસવાનું બંધ કર અને શાંતિથી મારી વાત સાંભળ...’
‘ના યાર... પહેલાં મને હસી લેવા દે...’
અર્ચનાને હજી પણ હસવું આવતું હતું. બોલવાનું, હસવાનું અને પેટ પકડવાનું એ ત્રણેય કામ સાથે ન થતાં હોવાથી અર્ચનાની આંખોમાંથી પાણી નીકળી ગયાં હતાં અને તેનો ફેસ ગુલાબી થઈ ગયો હતો.
‘મને હજીયે નથી સમજાતું કે...’ બોલતાં-બોલતાં ફરી એક વાર અર્ચના હસી પડી, ‘હા...હા...હા...’
‘નાઓ, સ્ટૉપ બડી...’
રેહાએ સહેજ દબાયેલા અવાજે રાડ પાડી.
‘ઓકે... હા...’
અર્ચનાએ મહામુશ્કેલીએ હસવાનું દબાવવું પડ્યું. જોકે તેણે હસવાનું દબાવવા માટે રીતસર મોઢા પર હાથ દબાવી દેવો પડ્યો હતો.
‘જો કાલથી...’
‘એક મિનિટ... એક વાત કહું?’
‘હા... ફટાફટ કહે...’ રેહાએ તરત તાકીદ પણ કરી દીધી, ‘ધીમે બોલીશ તો તારી પાસેથી કોઈ ટૅક્સ નહીં વસૂલે...’
વાત રેહા અર્ચના સાથે કરતી હતી, પણ તેની નજર મેટ્રનની ચેમ્બર તરફ હતી. મેટ્રનની ઊંઘ શેરીના ડૉગી જેવી હતી. સહેજ કોઈ ફરક્યું નથી કે તરત ગરદન ઊંચી કરે. અર્ચનાનો મોટો અવાજ અત્યારે જો મેટ્રન સાંભળી જાય તો ખરેખર તે બન્નેનું આવી બને.
lll
‘કિતની બાર કહા કિ રાત કો રંડી કી તરહ મત જાગો...’
રેહાના કાનમાં મેટ્રનનો અવાજ ગુંજી ઊઠ્યો. હજી ગઈ કાલે જ મેટ્રને તે બન્નેને આવું કહ્યું હતું અને રેહાના આખા શરીરમાં લાય લાગી હતી.
lll
‘અત્યારે કંઈ નહીં બોલ...’
રેહાની ઇચ્છા તો મેટ્રનને સણસણતો જવાબ આપવાની હતી, પણ અર્ચનાએ તેને રોકી હતી.
‘તું જો તો ખરા... સાલ્લીની જીભ છે કે બૅડ વર્ડ્સની ફૅક્ટરી?’
વાત પણ સાચી જ હતી. એક વાક્યમાં એકાદ-બે ગાળ મેટ્રનના મોઢે આવે જ આવે. રેહાને દર વખતે વિચાર આવતો કે આ લેડી ઘરમાં ગાળ વિના કેવી રીતે વાત કરતી હશે? વાતો દરમ્યાન ઉદાહરણ એવાં આપતી જાય કે એ સાંભળીને કાચા-પોચા હૃદયના લોકોને હાર્ટ-અટૅક આવી જાય. થોડા સમય પહેલાં જ મેટ્રને કહ્યું હતું...
‘જીભ સૅનિટરી પૅડ જેવી હોવી જોઈએ. મનમાં જે હોય એ બહાર લઈ આવે અને મનની વાત બહાર લાવતી વખતે એને સહેજ પણ શરમ ન આવે.’
આવી કલ્પના, આવી સરખામણી કેવી રીતે થઈ શકે?
જીભ અને સૅનિટરી પૅડ?
છી... યાક...
lll
‘એક કામ કર, આપણે અંદર જઈને વાત કરીએ. જો પેલી જાગી ગઈ તો...’
રેહાએ અર્ચનાનો હાથ પક્ડયો.
‘એક ફોન પ્લીઝ...’ અર્ચનાના ચહેરા પર વિનંતી ઝળકતી હતી, ‘લાસ્ટ કૉલ. પ્લીઝ...’
‘ના, હવે નહીં.’ રેહાએ દૃઢતા સાથે કહ્યું, ‘આજનો ક્વોટા પૂરો થઈ ગયો...’
‘એક... લાસ્ટ પ્લીઝ...’
‘અચુ, તું મેનિયાક થતી જાય છે. વિકૃત...’
‘ભલે... મેનિયાક તો મેનિયાક...’ રેહાનો હાથ છોડાવીને અર્ચનાએ ટેલિફોનનું રિસીવર ક્રેડર પરથી ઊંચક્યું, ‘બોલ, આ વખતે તું કહે એ નંબર લગાવું.’
‘હં...’ રેહાની આંખો સહેજ ઝીણી થઈ, ‘લગાડ... નાઇન એઇટ ટૂ ફાઇવ ફાઇવ... ફોર એઇટ એઇટ એઇટ ટૂ...’
‘આપ જિસ મોબાઇલધારક કો ફોન કર રહે હૈ વો અભી દુસરી લાઇન પે વ્યસ્ત હૈ... કૃપિયા લાઇન પે બને રહિએ યા કુછ દેર બાદ નંબર ડાયલ કરે...’
લગાવેલો મોબાઇલ નંબર સેકન્ડ લાઇન ગયો એટલે અર્ચનાથી અકળાઈ હતી.
‘સાલ્લો, અત્યારે ક્યાં ફોન લગાડીને બેઠો છે?’
‘સાલ્લો છે કે સાલ્લી, એ આપણને ક્યાં ખબર છે?’
રેહાએ ચોખવટ કરી અને ચોખવટની સાથે જ મેટ્રનની રૂમના દરવાજાની સ્ટૉપર ખૂલવાનો અવાજ આવ્યો.
ખટાક...
રેહા અને અર્ચનાના પગમાં તેજી આવી ગઈ. બન્ને દબાયેલા પગે સરકીને ફોનથી દસ ફુટ દૂર આવેલી પોતાની રૂમમાં દાખલ થઈ ગઈ.
‘ઍની બડી ઇઝ ધેર?’
રૂમની બહાર નીકળીને મેટ્રને મોટા અવાજે બૂમ પાડી.
‘કાલથી આપણે આ બધું બંધ કરવું પડશે.’
‘કેમ...’
‘અરે, ક્યારેક ફસાઈ જઈશું...’
રેહાના દબાયેલા અવાજમાં ઉચાટ પણ હતો.
‘કાલથીને, આજે શું છે?’ અર્ચનાનો રોમાંચ હજી પણ અકબંધ હતો, ‘આજવાળો કૉલ તો આપણે પૂરો કરીશું જ...’
‘ઇડિયટ, એટલું વિચાર કે સેકન્ડ લાઇન ગયેલા ફોનને પેલો અત્યારે રિપ્લાય કરશે તો શું થશે?’
‘કંઈ નહીં થાય...’ અર્ચનાએ વાજબી જવાબ આપ્યો, ‘મેટ્રનના મોઢે સાંભળશે કે રંડી કી તરહ જાગો મત, સો જાઓ... ’
lll
અર્ચના વ્યાસ બરોડાની હતી અને રેહા સુલતાન યુપીની. બન્નેની ઓળખાણ હૉસ્ટેલમાં જ થઈ. અનાયાસ એક જ દિવસે હૉસ્ટેલમાં આવેલી રેહા અને અર્ચનાને પહેલા જ દિવસથી એક જ રૂમ મળી હતી. બન્ને મુંબઈમાં જૉબ કરતી, પણ મહત્ત્વાકાંક્ષાઓ તો બન્નેની સાવ જુદી અને છતાં દિશા બન્નેની એક હતી. અર્ચના ઍક્ટ્રેસ બનવા માગતી હતી, જ્યારે રેહાને રેડિયો જૉકી બનવું હતું. બન્ને પોતપોતાના શહેરમાં મનગમતા ક્ષેત્રનો થોડો અનુભવ લઈને આવી હતી, પણ મુંબઈ આવ્યા પછી તેમને રિયલાઇઝ થયું હતું કે અહીં કામ શોધવું અને મનગમતું કામ શોધવું એ બન્ને વચ્ચે બહુ મોટો ફરક છે.
રોજબરોજના ખર્ચાને પહોંચી વળવાના હેતુથી રેહા અને અર્ચનાએ જૉબ શોધી લીધી, પણ જોઈએ એવી સૅલેરી ન મળતાં પ્રાઇવેટ ફ્લૅટ છોડીને બન્ને એક જ દિવસે કાંદિવલીમાં આવેલી હૉસ્ટેલમાં શિફ્ટ થઈ ગઈ.
‘આ હૉસ્ટેલ છે... બાપાનો બગીચો નહીં.’ પહેલા જ દિવસે મેટ્રને દાંત કચકચાવીને કહી દીધું હતું, ‘બૉયફ્રેન્ડ અલાઉડ નથી.’
‘છે પણ નહીં...’
રેહા અને અર્ચનાએ સાથે જ જવાબ આપ્યો કે તરત મેટ્રને ચોપડાવી...
‘મળવાનો પણ નથી...’ મેટ્રનની નજર બન્નીની છાતી પર હતી, ‘એના માટે શોકેસ ભરાવદાર હોવો જોઈએ.’
અનાયાસ જ રેહા અને અર્ચનાની નજર પણ મેટ્રનની છાતી પર ગઈ અને અર્ચના ખડખડાટ હસી પડી.
‘મૅમ, તમારે તો દસ-બાર બૉયફ્રેન્ડ હશેને?’
એ સમયે તો મેટ્રને શર્ટનું ઉપરનું બટન બંધ કરી લીધું હતું, પણ તેના મનમાં અર્ચના સજ્જડ બેસી ગઈ હતી.
‘હા... છે, પણ એ લોકોને દરરોજ ચાવલ-દાલ નથી ભાવતા... કહેતી હોય તો તારા જેવી બિરયાનીને તેની પાસે મોકલતી રહું?’
lll
‘તું તેની સાથે લપમાં પડવાનું અવૉઇડ કર...’ પહેલા વીકના અંતે રેહાએ અર્ચનાને કહ્યું હતું, ‘મેટ્રન જેટલું રુડ મેં કોઈ જોયું નથી. ક્યારેક તે મારા હાથનો માર ખાશે.’
‘હા, પણ એવું કરતાં પહેલાં રેડિયોમાં જૉબ શોધી લેજે...’
‘ઍક્ચ્યુઅલી, થપ્પડ મારતાં પહેલાં બધું લગેજ પણ ઑટોમાં મૂકીને ભાગવાની પૂરી તૈયારી કરી રાખીશ...’
રેહાના જવાબ સાથે અર્ચના ખડખડાટ હસી પડી અને રેહા હેબતાઈ ગઈ.
‘યાર, તને હસવું કેટલું આવે છે?!’ રેહાએ કહ્યું પણ ખરું, ‘સ્માઇલ કરવા જેવી વાતમાં પણ તું લાફ્ટર લે છે.’
‘હા, એવી જ છું હું...’ માંડ હસવાનું દબાવતાં અર્ચનાએ કહ્યું, ‘હસી લેવાનું... સાથે એ જ આવવાનું છે.’
‘તમે બધા ગુજરાતીઓ આવા જ હો?’
‘ના, કેટલાક મારા જેવા હોય તો કેટલાક તારા જેવા...’ અર્ચનાએ ફરી હસતાં-હસતાં જવાબ આપ્યો, ‘જાણે કે દુનિયા આખીનું ટેન્શન પોતાના પર હોય એવી રીતે મોઢું ચડાવીને ફર્યા કરે...’
lll
‘ઊંઘ નથી આવતી?’
‘ના... આજે આખો દિવસ બહુ સૂતી એટલે...’ અર્ચનાએ જવાબ આપ્યો, ‘જાગને થોડી વાર, વાતો કરીએ.’
‘તારી વાતોમાં હસવા સિવાય કંઈ હોતું નથી...’
‘તારો કેવો મૂડ છે?’
અર્ચનાએ પૂછ્યું કે તરત રેહાએ જવાબ આપ્યો.
‘થ્રિલ ફીલ કરવાનો... બહાર જઈને મજા કરવાનો...’
‘અહીં જ મજા કરાવું તો?’
‘કેવી રીતે?’ રેહાએ પહેલી વાર અર્ચનાની સામે જોયું, ‘અહીં જ...’
‘રૉન્ગ નંબરથી...’
અર્ચના એક્સાઇટમેન્ટ સાથે પોતાના બેડની બહાર આવીને સીધી રેહા પાસે ગઈ.
‘અમે નાના હતા ત્યારે બહુ રમતા...’ અર્ચનાએ કહ્યું, ‘બહુ મજા આવશે.’
‘હા, પણ કરવાનું શું?’
‘રૉન્ગ નંબર...’ અર્ચનાએ ક્લિયર કર્યું, ‘રૉન્ગ નંબર પર કૉલ કરવાનો... મનમાં આવે એ નંબર લગાડવાનો અને પછી તેની સાથે વાતો કરવાની. લાંબી નહીં, થોડીક જ અને એ પણ તેને ટેન્શન આવે એવી... બહુ મજા આવશે.’
‘ઇડિયટ, મોબાઇલની સ્ક્રીન પર નંબર આવી જાય... પાંચમી મિનિટે સામેવાળાને ખબર પડી જાય કે આપણને કોણે કૉલ કર્યો.’
‘આપણે ક્યાં મોબાઇલથી ફોન કરવો છે...’ અર્ચનાએ રાઝ ખોલ્યું, ‘આપણે મેટ્રનના લૅન્ડલાઇન કૉલથી ફોન કરીશું... લૅન્ડલાઇન નંબરમાં તને ખબર છે કે આપણે ત્યાં કૉલ તો આવતા જ નથી... મેટ્રને ઇનકમિંગ કૉલ બંધ કરાવી દીધા છે.’
‘હા યાર... સામેવાળો ફોન કરશે તો પણ તેનો ફોન લાગશે નહીં...’ રેહાએ જવાબ તો આપી દીધો, પણ તેને ટેન્શન આવ્યું, ‘ના, મેટ્રનને ખબર પડશે તો આપણી હાલત ખરાબ કરી નાખશે.’
‘તે ખડૂસને કોણ કહેવાનું?’ અર્ચનાએ ચોખવટ પણ કરી લીધી, ‘હું નહીં જ કહું, તારી મને ખબર નથી...’
‘ઑબ્વિયસ્લી, હું પણ ન જ કહુંને...’ રેહાના મનમાં તરત જ વિચાર આવી ગયો, ‘મેટ્રન લૅન્ડલાઇન કદાચ લૉકમાં રાખે છે...’
‘ઢેનટેણનનન...’
અર્ચનાએ જીન્સના પૉકેટમાં હાથ નાખ્યો અને એમાંથી નાની ચાવી બહાર કાઢી કે તરત રેહાની આંખો પહોળી થઈ.
‘આ તારી પાસે...’
‘છેલ્લા પંદર દિવસથી...’
‘મીન્સ...’
‘હું તો રાતે રૉન્ગ નંબર ગેમ રમું જ છું...’ અર્ચનાએ આંખ મારી, ‘તું સૂઈ ગઈ હો એ પછી...’
‘ઓહ, એટલે રાતે પણ તારી અવરજવર ચાલતી હોય છે...’
‘યસ...’
lll
અર્ચના અને રેહા બન્ને લપાતાં પગલે રૂમની બહાર નીકળ્યાં. તેમણે મેટ્રનની રૂમ જોઈ. રૂમ બંધ હતી. મેટ્રન સૂઈ ગઈ છે એની ખાતરી કર્યા પછી બન્ને લૅન્ડલાઇન ફોન પાસે આવી અને અર્ચનાએ લૅન્ડલાઇન ફોનનું લૉક ખોલ્યું.
ખટાક...
અર્ચના કે રેહાને ખબર નહોતી કે ખૂલેલું એ લૉક તેમને આવતા દિવસોમાં કેવા મોટા પ્રૉબ્લેમ તરફ ખેંચી જવાનું છે.
વધુ આવતી કાલે