હૉરર હાઇવે (પ્રકરણ- ૪)

08 February, 2024 05:51 AM IST  |  Mumbai | Rashmin Shah

એ સ્તર પર હવે તીવ્રતા આવી ગઈ હતી કે રીતસર ગાડી ચલાવતા સમીરને પણ ડ્રાઇવિંગમાં ખબર પડતી હતી, પણ વાત એ સમયે વધારે વણસી જ્યારે સમીરે જોયું કે કાચ સાથે માથું પછાડવાને કારણે કાવ્યાના કાનમાંથી હવે લોહી નીકળવા માંડ્યું હતું.

ઇલસ્ટ્રેશન

‘કાવ્યા નહીં...’

અચાનક જાગી ગયેલી કાવ્યા કારની બારીના કાચ સાથે પોતાનું માથું અફળાવતી હતી. સમીરે તેને રોકી, પણ જાણે કે સમીરના ના પાડવાથી કાવ્યાને શૂરાતન ચડ્યું હોય એમ તેણે કાચ સાથે માથું અફાળવાનું વધારી દીધું.

ધાડ... ધાડ... ધાડ...

એ સ્તર પર હવે તીવ્રતા આવી ગઈ હતી કે રીતસર ગાડી ચલાવતા સમીરને પણ ડ્રાઇવિંગમાં ખબર પડતી હતી, પણ વાત એ સમયે વધારે વણસી જ્યારે સમીરે જોયું કે કાચ સાથે માથું પછાડવાને કારણે કાવ્યાના કાનમાંથી હવે લોહી નીકળવા માંડ્યું હતું.

આ ભૂતાવળની અસર હતી કે પછી દારૂની એ સમીર નક્કી નહોતો કરી શકતો, પણ એ નિર્ણય પર આવવાનો આ સમય નહોતો. અત્યારે તો કાવ્યાને રોકવી જરૂરી હતી એટલે ગાડી તરત સાઇડ પર પાર્ક કરીને સમીર બહાર નીકળ્યો અને તેણે ત્વરા સાથે કારનો પાછળનો દરવાજો ખોલ્યો. તેને હતું કે અચાનક દરવાજાનો ટેકો જવાને કારણે કાવ્યા બહારની સાઇડ પડશે, પણ એવું બન્યું નહીં. જેવો દરવાજો ખૂલ્યો કે બીજી જ સેકન્ડે કાવ્યા ​સ્થિર થઈ ગઈ. જોકે તેના કાનમાંથી હજી પણ બ્લડ નીકળતું હતું.

‘કાવ્યા... એ કાવ્યા...’

સમીરે કાવ્યાને બોલાવવાની કોશિશ કરી, પણ રસ્તા પર આંખ માંડીને બેઠેલી કાવ્યાએ ન તો ​રિસ્પૉન્સ આપ્યો કે ન તો તેણે સમીર સામે જોયું.

‘કાવ્યા... આર યુ ઓકે?’

ફરીથી કાવ્યાએ કોઈ પ્રત્યાઘાત આપ્યા નહીં.

સમીરે આજુબાજુમાં જોયું.

રસ્તો સ્મશાન જેવો શાંત હતો. એક પણ વાહનની અવરજવર રસ્તા પર દેખાતી નહોતી. સમીરે ઘડિયાળમાં જોયું. રાતના અઢી વાગ્યા હતા અને મુંબઈ હજી ઓછામાં ઓછા બે કલાક દૂર હતું.

શું કરવું?

સમીરને અચાનક ફર્સ્ટ એઇડ કિટ યાદ આવી. તે દોડતો રાહુલની બાજુએ ગયો. રાહુલની વિન્ડો બંધ હતી એટલે તેણે કાચ પર નૉક કરીને રાહુલને જગાડવાની કોશિશ કરી, પણ રાહુલ પર દારૂનો નશો આકરી રીતે ચડ્યો હતો.

ઉતાવળી ચાલે સમીર ફરી પોતાના દરવાજા પાસે આવ્યો અને તેણે સીટ પર જગ્યા લઈ, હાથ લંબાવીને રાહુલની સામે આવેલા ડૅશબોર્ડની નીચેના ડ્રૉઅરને ખોલ્યું. જેવું ડ્રૉઅર ખોલ્યું કે તરત એમાંથી અઢળક ચામાચી​ડિયાં બહાર નીકળ્યાં અને કારના ખુલ્લા દરવાજામાંથી બહારની તરફ ઊડ્યાં.

ચામાચીડિયાની પાંખોથી રીતસર સમીરે બચવું પડતું હતું, પણ તેનું દિમાગ કામ પર લાગી ગયું હતું. ઝડપભેર ગાડીની બહાર આવી ગયેલા સમીરને એટલું સમજાઈ ગયું હતું કે આ કલંકીની જ કરામત છે. જોકે સાથોસાથ તેને એ પણ સમજાયું હતું કે કલંકી સીધો હુમલો નહોતી કરતી. તે કંઈક સંદેશ આપવા માગતી હતી અને એટલે જ આગળ વધવામાં સમીરને અડચણો આવતી હતી.

ગાડીમાંથી બહાર આવેલાં વીસથી વધુ ચામાચીડિયાં હજી પણ સમીર જોઈ શકતો હતો. બધાં ચામાચીડિયાં બહાર આવી ગયાં એ પછી પણ પાંચ મિનિટ સુધી સમીર ગાડીમાં દાખલ નહોતો થયો. બહાર ઊભા રહીને જ તેણે હવે ફરીથી કાવ્યાને જોઈ.

કાવ્યા હવે નૉર્મલ હતી.

અલબત્ત, તેના કાનમાંથી નીકળતું લોહી હજી પણ અકબંધ હતું.

સમીર ગાડીમાં ગોઠવાયો અને તેણે ગાડી સ્ટાર્ટ કરીને ઝડપભેર મુંબઈ તરફ ધપાવી દીધી. સમીરને એટલું સમજાઈ ગયું હતું કે કલંકી તેને હેરાન ભલે કરતી, પણ તે તેને મારવા નથી માગતી અને કાં તો મારે એ પહેલાં તેને કંઈક સંદેશો આપવા માગે છે.

પણ શું સંદેશો?

‘જો તું આજુબાજુમાં હો તો પ્લીઝ, જે કંઈ કહેવા માગે છે એ મને સમજાય એમ કહેવાની કોશિશ કર...’

ગાડી ચલાવતા સમીરે રીતસર બાકીના ત્રણેત્રણ જણ સાંભળે એ રીતે જ કહ્યું અને કહ્યા પછી તેણે રાહુલ, શ્વેતા અને કાવ્યાને જોઈ પણ લીધાં. એ ત્રણેય હજી પણ દારૂના નશામાં ઘોરતાં હતાં.

દારૂનો આ નશો છે કે પછી?

સમીરના મનમાં વિચાર ઝબકી ગયો. જોકે એ વિચારને તટસ્થતા મળે કે પછી એ વિચારમાંથી પેટા-વિચારોનો આરંભ થાય એ પહેલાં જ તેની આંખ રસ્તા પર ચીટકી ગઈ.

ગાડીથી અડધો ​કિલોમીટર દૂર કોઈ છોકરી હાઇવેની બરાબર મધ્યમાં ઊભી હતી. તેનાં સફેદ રંગનાં કપડાંને કારણે એ અંતર વધુ હોવા છતાં પણ તે નરી આંખે જોઈ શકાતી હતી. ગાડીની સ્પીડને સમીરે કાબૂમાં લેવાની હતી, પણ તે સ્પીડને કાબૂમાં લે એ પહેલાં તો સમીરને અનુભવ થયો કે તેની ગાડી કન્ટ્રોલ ગુમાવી રહી છે.

સમીરે ઍક્સેલરેટર પરથી પગ હટાવીને તરત બ્રેક પર પગ મૂક્યો, પણ આ શું?

બ્રેકે પણ ઍક્સેલરેટરનું કામ કરવાનું શરૂ કર્યું હોય એમ ગાડીની સ્પીડ વધી.

સમીર સંપૂર્ણપણે સભાન હતો. તેને ખબર હતી કે બ્રેક ક્યાં હોય અને ગાડીમાં ઍક્સેલરેટર કયા પગ પાસે આવે. એમ છતાં તેણે તરત બ્રેક પરથી પગ હટાવી લીધો અને ઍક્સેલરેટર પરથી પણ પગ દૂર કરી દીધો.

સામાન્ય રીતે આવી અવસ્થામાં ગાડી ધીમી પડે અને ટૉપ ​ગિયરમાં ચાલતી ગાડી એક તબક્કે ડચકાં ખાઈને ઊભી રહી જાય. જોકે એવું બન્યું નહીં. ઍક્સેલરેટર પર કોઈ પ્રેશર નહીં હોવા છતાં પણ ગાડીની ગતિમાં કોઈ ફરક પડ્યો નહીં અને ​ગિયરે પણ પોતાની કોઈ તાકાત દેખાડી નહીં. ગાડી એ જ ગતિથી આગળ વધતી હતી જે ગતિ પર એને સમીરે છોડી દીધી હતી.

હવે રસ્તા પર રહેલી પેલી શ્વેત વસ્ત્રધારી છોકરીથી ગાડી હવે માંડ પાંચસો મીટર દૂર હતી. સમીરે બન્ને પગ બ્રેક પર મૂકી દીધા અને પૂરી તાકાત સાથે બ્રેક દબાવી, પણ બ્રેક જાણે કે કામ ન કરતી હોય એ રીતે વર્તતી હતી.

હવે પેલી છોકરી અને ગાડી વચ્ચે માંડ બસ્સો મીટરનું અંતર હતું. સમીર અનુમાન લગાવી શકતો હતો કે હવે ગાડી અને પેલી છોકરી વચ્ચે શું બનવાનું છે, પણ એ અનુમાન વચ્ચે પણ તેણે ગાડીને રોકવાના પ્રયાસો ચાલુ રાખ્યા અને...

ધડામ...

ગાડીએ પેલી છોકરીને ઉડાડી દીધી.

છોકરી હવામાં ઊછળી અને પછી તેનું શરીર સીધું બૉનેટ પર અથડાયું. સમીરે જોરથી બ્રેક મારી. આ વખતે બ્રેકે સહેજ પણ આડોડાઈ વિના પોતાનું કામ કર્યું અને ફુલ સ્પીડ પર આગળ વધતી ગાડી હાઇવે પર ખીલો બનીને ચોંટી ગઈ.

સમીરે જોયું કે આગળ બૉનેટ પર પડેલી છોકરી ફરી ઊછળી અને ગાડીના ઉપરના ભાગ તરફ ગઈ અને પછી પાછળની ડિકીના ભાગ પરથી રસ્તા પર પડી. સમીરે રિઅર-વ્યુ મિરરમાં નજર કરી, પણ ડેડ-બૉડી અને ગાડી વચ્ચે અંતર વધુ ન હોવાને લીધે સમીરને રસ્તો બરાબર દેખાતો નહોતો.

હવે કરવું શું?

સમીરના આખા શરીર પર પરસેવો વળી ગયો હતો.

સમીરે ઊંડો શ્વાસ લીધો અને મનોમન નિર્ણય લઈ લીધો.

lll

ખટાક...

સમીર ગાડીમાંથી બહાર આવ્યો. તેણે આજુબાજુમાં જોયું અને એ પછી તે ધીમી ચાલે ગાડીની પાછળના ભાગ તરફ ગયો.

એક, બે, ત્રણ અને ચાર...

ચાર પગલે ગાડીનો પાછળનો ભાગ આવી ગયો.

               ઍક્સિડન્ટ પછી છોકરીનું બૉડી આગળના બૉનેટ અને પાછળની ડિકી એમ બન્ને ભાગ પર જોરથી અથડાયું હતું. જે ટક્કર હતી અને જે રીતે છોકરીને પછડાટ લાગી હતી એ જોતાં તેના બચવાના ચાન્સ નહીંવત્ હતા, પણ આ શું?

કોઈ બૉડી રસ્તા પર નહોતું અને એ જ ધારણા સમીરે રાખી હતી.

સમીરે ઝૂકીને ગાડીની નીચે પણ નજર કરી લીધી.

અફકોર્સ, આ તમામ પ્રક્રિયા કરતી વખતે તેને મનમાં સતત ડર લાગતો હતો, પણ તેની પાસે બીજો કોઈ છૂટકો પણ નહોતો.

ગાડીની નીચેના ભાગમાં પણ કંઈ નહોતું.

સમીરે ગાડીની ડિકીનો ઉપરનો ભાગ જોયો.

જાણે કે લાકડાની મહાકાય ડાળ એના પર પડી હોય એમ ડિકીના ઉપરના ભાગમાં મોટો ગોબો પડી ગયો હતો. સમીરે નજર ઊંચી કરીને ગાડીના ઉપરના ભાગમાં જોયું. ત્યાં પણ ગોબો પડ્યો હતો અને ફ્રન્ટ ભાગમાં પણ મોટો ગોબો પડી ગયો હતો.

મતલબ, ઍક્સિડન્ટને કારણે ગાડીને નુકસાન થયું હતું, પણ જે છોકરી સાથે ઍક્સિડન્ટ થયો ત છોકરી ક્યાંય દેખાતી નહોતી.

માનવું શું? સમજવું શું?

ભ્રમ અને હકીકત વચ્ચે જબરદસ્ત તાંડવ ચાલતું હતું.

છોકરી નહોતી જે પુરવાર કરે છે કે ઍક્સિડન્ટ આત્મા સાથે થયો છે તો ગાડીને થયેલું નુકસાન પુરવાર કરતું હતું કે કોઈ અથડામણ તો થઈ જ છે અને જો અથડામણ થઈ હોય તો ગાડીની અડફેટે જે કોઈ આવ્યું, ચાહે તે છોકરી આવી કે પછી ધારો કે બકરું પણ આવ્યું તો એ ગયું ક્યાં?

બચી ગયું હોય તો પણ એ ભાગવાની ક્ષમતા ધરાવતું હોય એવું કોઈ કાળે ન બને અને જો એવું હોય તો પછી...

ધડામ...

lll

‘હાઉ આર યુ સમીર?’

સમીરે સવાલની દિશામાં નજર કરી. સામે ઇન્સ્પેક્ટર અને બે કૉન્સ્ટેબલ ઊભા હતા. ઇન્સ્પેક્ટરના ચહેરા પર સ્માઇલ હતું.

‘લકી પર્સન...’

સમીરે આજુબાજુમાં નજર કરી. તે હૉસ્પિટલમાં હતો. સલાઇન ચાલુ હતું અને ફ્રૅક્ચરના કારણે તેનો જમણો પગ અધ્ધર હવામાં લટકતો બાંધવામાં આવ્યો હતો.

‘હું અહીં...’

‘ઍક્સિડન્ટ...’ ઇન્સ્પેક્ટરે કહ્યું, ‘મહાબળેશ્વર-મુંબઈ હાઇવે પર ઍક્સિડન્ટ થયો અને એ પછી તમે અહીં આવ્યા...’

‘ક્યારે... આઇ મીન, કેટલા દિવસ...’

‘આજે આઠમો દિવસ છે. ગયા ગુરુવારે તમારો ઍક્સિડન્ટ થયો હતો.’ હવે ડૉક્ટરે કહ્યું, ‘ગઈ કાલે તમે થોડા કૉન્શ્યસ થયા, પણ આજથી તમારા હાર્ટબીટ્સ નૉર્મલ છે એટલે ઇન્સ્પેક્ટરને જાણ કરી... નાએ હાઉ આર યુ ફીલિંગ?’

સમીરે સહેજ મસ્તક હલાવીને હા પાડી, પણ તેને કશું યાદ આવતું નહોતું.

‘કેવી રીતે ઍક્સિડન્ટ થયો એની વાત થઈ શકશે?’

સમીરે ના પાડી દીધી અને એ પછી ફરી તેને એક વીક મળ્યું. આ એક વીકમાં તેને બધું યાદ આવી ગયું. મહાબળેશ્વર, બે દિવસની પિક​નિક, કાવ્યા, શ્વેતા, રાહુલ અને કલંકી. બધેબધું યાદ આવ્યું, પણ તેને હજી સુધી કોઈ કાવ્યા, શ્વેતા કે રાહુલ વિશે વાત કરવા રાજી નહોતું. જ્યારે પણ સમીર પૂછતો ત્યારે તેની એ વાત ઉડાડી દેવામાં આવતી.

‘સિસ્ટર, એ લોકો મળવા પણ નથી આવતા... કંઈ વધારે પડતું તો એ લોકોને લાગ્યું નથીને?’

‘ધે આર નો મોર...’

નર્સે જવાબ આપ્યો અને સમીરની આંખ સામે અંધકાર પ્રસરી ગયો.

lll

‘બધા મરી ગયા તો પછી સમીર કેમ બચી ગયો?’ જાહનવીએ ધીમેકથી પૂછ્યું, ‘સમીર અને કલંકીને કંઈ હતું?’

‘નો આઇડિયા. પણ હા, જો અનુમાન લગાવવું હોય તો એવું લગાવી શકાય કે કદાચ તે લેડી ઇચ્છતી હતી કે ઍક્સિડન્ટ પછી ડ્રાઇવર ગાડી ઊભી રાખે અને આવીને ચેક કરે. એવું કહે છે કે કલંકીનો પણ હાઇવે પર ઍક્સિડન્ટ થયો હતો અને એ ગાડીમાં પણ ચાર લોકો હતા. ઍક્સિડન્ટ પછી ગાડી ઊભી રાખવાને બદલે એ ચાર લોકો નીકળી ગયા અને બસ, ત્યાર પછી કલંકીએ પોતાની અસર દેખાડવાની શરૂ કરી.’

‘સમીર, સારો માણસ કહેવાય...’

‘ત્રણ ફ્રેન્ડ્સ તેને લીધે મરાયા...’

‘હા, પણ તે ત્રણે નીચે ઊતરવાની જરૂર હતી.’

‘તઓ નશામાં હતા, ઘેનમાં હતા...’

‘આત્માને ઘેન સાથે શું લાગેવળગે...’ જાહનવીએ ધીમેકથી કહ્યું, ‘આત્મા તો આત્મા છે. એ માત્ર વર્તન જુએ, વ્યવહાર જુએ સમીર...’

‘વાત તો સાચી, પણ...’

આગળની વાત સોમચંદના ગળાની બહાર ન આવી. તણે ધાર્યું નહોતું કે જાહનવી આખી વાત જાણ્યા પછી સમજી જશે કે તે જ...

સંપૂર્ણ

columnists Rashmin Shah gujarati community news