05 April, 2023 12:36 PM IST | Mumbai | Rashmin Shah
વો ભૂલી દાસ્તાં... (પ્રકરણ ૩)
‘એ લાશ હેમરાજની હતી...’ કમિશનર જયસ્વાલે ઊંડો શ્વાસ લીધો, ‘બસ, અહીંથી કન્ફ્યુઝનનો દૌર શરૂ થયો છે. જે ખૂની લાગતો હતો, જેના પર બધી શંકા હતી એ વ્યક્તિનું જ ઑલરેડી મર્ડર થઈ ગયું છે અને પોસ્ટમૉર્ટમ-રિપોર્ટ કહે છે કે આ મર્ડર પણ એ જ સમયે થયું છે જે સમયે અદિતિની હત્યા થઈ હતી.’
સોમચંદ શાહ અહીંથી કેસમાં ઇન્વૉલ્વ થયા અને એ ઇન્વૉલ્વમેન્ટ સાથે નવી જ વાતો સામે આવવાની શરૂ થઈ.
જે રીતે ઘટનાએ મોડ લીધો હતો એ જોતાં હવે સાવ નવી જ થિયરી આંખ સામે આવતી હતી. હવે શંકાના દાયરામાં રાકેશ તલવાર અને નેહા તલવાર આવી જતાં હતાં. મીડિયાએ તો વધુ પડતા ઉત્સાહ સાથે ડૉક્ટર કપલ પર સ્ટોરી બનાવવાનું શરૂ પણ કરી દીધું હતું, જે નરી આંખે સાચી પણ લાગતી હતી.
lll
અદિતિ અને હેમરાજ વચ્ચે ફિઝિકલ રિલેશન હતાં. આખો દિવસ પોતાના કામમાં વ્યસ્ત રહેતાં માબાપ સવારથી નીકળી જતાં અને છેક રાતે ૧૦ વાગ્યે ઘરમાં આવતાં. આ સમયે ટીનેજર અદિતિ ચેન્જ થતાં હૉર્મોન્સ વચ્ચે હેમરાજની નજીક આવવાની શરૂ થઈ અને તેણે હેમરાજ સાથે તમામ મર્યાદાઓ ઓળંગી લીધી.
અદિતિ અને હેમરાજની આ રિલેશનશિપની એક દિવસ અચાનક જ રાકેશ તલવારને ખબર પડી. એ દિવસ એટલે ૩ એપ્રિલ.
દીકરીને કૅમેરા ગિફ્ટ આપી એ રાતે રાકેશ તલવાર મોડે સુધી કામ કરતા રહ્યા અને પછી કામ પૂરું કરીને તેણે થાક ઉતારવા માટે હૉલમાં આવી પોતાનો પેગ બનાવ્યો અને શાંતિથી પીવા બેઠા. ડ્રિન્ક્સ લેતા રાકેશ તલવારે બેથી ત્રણ વાર હેમરાજને બહાર બોલાવ્યો, પણ અંદરથી કોઈ જવાબ આવ્યો નહીં એટલે તે જાતે હેમરાજની રૂમમાં ગયા, પણ રૂમ ખાલી હતી. પાછા આવતી વખતે તેણે અદિતિની રૂમમાંથી આવતો દબાયેલો અવાજ સાંભળ્યો. પહેલાં તો તે રૂમ નોક કરવા ગયા, પણ પછી મનમાં વિચાર આવ્યો કે સરપ્રાઇઝ ચેકિંગ કરીને રૂમ ખોલું. તલવારે એવું જ કર્યું અને તેણે રૂમમાં અદિતિ અને હેમરાજને કઢંગી હાલતમાં જોયાં. નૅચરલી બાપનો પિત્તો ગયો અને તેણે હેમરાજના માથામાં ફટકો માર્યો. હેમરાજને હૅમરેજ થયું અને તે ત્યાં રૂમમાં જ ઢળી પડ્યો. અદિતિએ બાપને ધમકી આપી કે તે આવતી કાલે પોલીસમાં ફરિયાદ કરી દેશે એટલે બાપે દીકરી પર પણ વાર કર્યો અને તેનું પણ મોત થયું.
ઘટના આખી પૂરી થયા પછી રાકેશ તલવારે વાઇફ નેહાને જગાડી અને હસબન્ડ-વાઇફ બન્નેએ હેમરાજની લાશ ટેરેસ પર મૂકીને ટેરેસની ચાવી ગુમ કરી દીધી, તો અદિતિની લાશ એમ જ રૂમમાં રહેવા દઈને સવાર પડે એની રાહ જોતાં બન્ને બેસી રહ્યાં. સવારે મેઇડ ઘરમાં આવી ત્યારે પહેલેથી નક્કી કર્યા મુજબ બન્નેએ એવું જ દેખાડ્યું કે અત્યારે જ એ લોકોને ખબર પડી છે કે અદિતિનું મર્ડર થયું છે.
lll
- જો અદિતિ અને હેમરાજ વચ્ચે ફિઝિકલ રિલેશન હતાં તો અદિતિના પ્રાઇવેટ પાર્ટ પરથી અન્ય કોઈના ડીએનએ મળ્યા હોવા જોઈએ.
સોમચંદ શાહે તરત જ પોસ્ટમૉર્ટમ-રિપોર્ટની ફાઇલ ખોલી. રિપોર્ટમાં જે લખ્યું હતું એ ચોંકાવી દેનારું હતું. અદિતિના પ્રાઇવેટ પાર્ટ પર એક નહીં, બે વ્યક્તિના ડીએનએ મળ્યા હતા.
સોમચંદે તરત જ હેમરાજનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ ચેક કર્યો, પણ હેમરાજનો પ્રાઇવેટ પાર્ટ ચેક કરવામાં નહોતો આવ્યો!
ધડામ...
સોમચંદે રીતસર ફાઇલ ટિપાઈ પર ફટકારી.
કેટલી બેદરકારી, કેવી બેદરકારી?!
જો પોલીસ ડિપાર્ટમેન્ટ આવી વાહિયાત ભૂલો કરતું હોય તો પછી કોની પાસેથી તમે પર્ફેક્શનનો આગ્રહ રાખો.
જાતને શાંત કરવા માટે સોમચંદે ખરેખર અનુલોમ-વિલોમનો પ્રયોગ કરવો પડ્યો અને ૧૦ મિનિટમાં તેને એની અસર પણ દેખાઈ. મનમાં પ્રસરી ગયેલી શાંતિને અનુભવીને સોમચંદ ફરીથી કેસ પર લાગ્યા.
lll
એક વાત ક્લિયર છે કે જો અદિતિના પ્રાઇવેટ પાર્ટ પર બે વ્યક્તિના ડીએનએ મળ્યા હોય તો બની શકે કે એ રાતે અદિતિએ કાં તો બે વ્યક્તિ સાથે સેક્સ માણ્યો છે અને કાં તો અદિતિ સાથે બે વ્યક્તિએ જબરદસ્તી કરી છે. જો બળજબરી થઈ હોય તો અદિતિની બૉડી પર એ નિશાન મળ્યા વિના રહે નહીં. ધારો કે મૃત્યુ પામેલી વ્યક્તિનું બૉડી હોય તો પણ એના પર બળજબરીનાં નિશાન રહ્યાં જ હોય અને એવાં નિશાન ન હોય તો એ બૉડીના બીજા ભાગ પરથી પણ અન્ય વ્યક્તિના ડીએનએ મળ્યા હોય, પણ રિપોર્ટમાં એ વિશે કોઈ ઉલ્લેખ નહોતો.
સોમચંદ શાહની કમાન ફરી છટકવા માંડી હતી, પણ આ વખતે તેણે મહામહેનતે પ્રયાસ કર્યો.
- ‘જે છે એ આ જ છે, એટલે આવી અધૂરી માહિતી સાથે જ આગળ વધવાનું કામ કરવું પડશે.’
સોમચંદે જાતને ટપારી અને ઊભા થયા.
lll
‘હાય... આઇ ઍમ સોમચંદ શાહ.’ રાકેશ તલવાર સામે હાથ લંબાવતાં સોમચંદે ઓળખાણ આપી, ‘પ્રાઇવેટ ડિટેક્ટિવ. સીબીઆઇ વતી અત્યારે કામ કરું છું...’
‘હેવ અ સીટ...’ બેસવાનું કહીને તલવાર પણ સોમચંદ સામે ગોઠવાયા, ‘શું હેલ્પ કરી શકું તમને?’
‘તમને કોના પર શંકા છે?’ આડીઅવળી વાત કર્યા વિના સોમચંદે સીધો જ સવાલ કર્યો, ‘જુઓ, ઘટના જે પ્રકારે ચેન્જ થઈ છે એ જોતાં ક્યાંક ને ક્યાંક તમે દોષી છો.’
‘આઇ નો...’ તલવારે કોઈ જાતના બચાવ વિના જ કહ્યું, ‘જોઉં છું ન્યુઝ-ચૅનલ... બટ, આઇ ઍમ હેલ્પલેસ.’
‘શંકા... કોના પર શંકા છે તમને?’
‘ઑનેસ્ટલી સ્પીકિંગ, નો આઇડિયા.’ તલવારે લાચારી દર્શાવી, ‘હેમરાજ પર શક હતો, પણ જે રીતે તેનું પણ બૉડી...’
‘તમે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ વાંચ્યો?’ તલવારે હા પાડી છતાં સોમચંદે રિપોર્ટ આગળ ધર્યો, ‘હાઇલાઇટ કર્યો છે એ પાર્ટ વાંચી લો... યુ આર કનેક્ટેડ વિથ મેડિકલ ફીલ્ડ તો તમે સમજી જશો...’
તલવારે માત્ર નજર ફેરવી લીધી અને રિપોર્ટ તરત સુપરત કરી દીધો.
‘મેં વાંચ્યું છે એ...’
‘તો આ બીજી વ્યક્તિ કોણ હોઈ શકે?’ સોમચંદે મનની વાત મૂકી, ‘અત્યારે જે રીતે ચૅનલ કહે છે કે હેમરાજ અને અદિતિ વચ્ચે ફિઝિકલ રિલેશન હશે, જેને આપણે સાચાં માનીએ તો એક ડીએનએ હેમરાજના થયા, પણ બીજી વ્યક્તિ?’
‘નો આઇડિયા...’ જવાબ બાજુમાં આવીને બેસી ગયેલી અદિતિની મમ્મી નેહા તલવારે આપ્યો હતો, ‘સેકન્ડલી, આવી વાત ક્યારેય કોઈ પેરન્ટ્સને ખબર હોય એવું તમે ધારી પણ કઈ રીતે શકો?’
‘વાત અહીં ડાઉટની ચાલી રહી છે મિસિસ તલવાર.’ ઇચ્છા નહોતી તો પણ સોમચંદનો અવાજ સહેજ કડક થયો, ‘મુદ્દો એ છે જ નહીં કે બધી ખબર હોય, પણ અદિતિ જે એજ પર હતી એ એજ પર તેના પેરન્ટ્સને બધી ખબર હોત તો આજે અદિતિ અહીં હાજર હોત...’
થોડી વાર સુધી તલવાર-કપલ કશું બોલ્યું નહીં એટલે સોમચંદે પૂછ્યું.
‘હેમરાજનો કોઈ ફ્રેન્ડ કે પછી તેનું નજીકનું કોઈ રિલેટિવ?!’
‘ના, અમને ખ્યાલ નથી.’
નેહાએ સોમચંદ સામે બે હાથ જોડ્યા, જે સોમચંદને રવાના થવા માટેનો ઇશારો હતો અને સોમચંદે એ ઇશારાને માન પણ આપ્યું.
lll
‘સા’બ, હેમરાજને ઘર બનાને કે લિએ ઉનકે પાસ પૈસે લિએ થે...’ તલવાર દંપતીની સોસાયટીની એક્ઝૅક્ટ સામે આવેલા પ્રોવિઝન સ્ટોરના માલિકે સોમચંદને કહ્યું, ‘મુઝે પતા નહીં હૈ પર નીરજ બોલતા થા ઔર સિર્ફ બોલતા નહીં થા, હેમરાજ જબ ભી યહાં મિલ જાએ તો વો ઉસસે ગાલી સે હી બાત કરતા થા...’
‘કેમ ગાળથી?’
‘હેમરાજે પૈસા પાછા નહોતા આપ્યા એટલે...’ દુકાનદારે આજુબાજુ જોયું, ‘નીરજ ઉસસે બ્યાજ ભી લેતા થા ઔર હેમરાજ ભી ઉસસે તંગ આ ગયા થા.’
‘નીરજ કહાં મિલેગા?’
‘સા’બ, ઘર તો નહીં માલૂમ, પર રાત કો યહાં ઘૂમતા રહતા હૈ...’
lll
- જો થિયરી વિચારો તો એટલું નક્કી થતું હતું કે આ જે નીરજ છે એ નીરજ ક્યાંક ને ક્યાંક ઘટના સાથે જોડાયેલો હોઈ શકે છે.
સોમચંદનું દિમાગ કામ પર લાગી ગયું હતું અને દરેક અંકોડાને ફિટ કરવાની કોશિશ એ કરવા માંડ્યું હતું.
lll
એ રાતે નીરજ હેમરાજ પાસે ઘરે આવ્યો અને તેણે પૈસાની ઉઘરાણી કરી. નીરજ દેકારો ન કરે એની ચીવટ રાખતાં હેમરાજે તેને સીધો પોતાની રૂમમાં લઈ લીધો અને હેમરાજને મળવા માટે એ જ રાતે અદિતિ પણ રૂમમાં આવી. અદિતિને જોઈને નીરજની દાનત બગડી. અજાણ્યા શખ્સને હેમરાજની રૂમમાં જોઈને અદિતિ ત્યારે તો રવાના થઈ ગઈ, પણ દારૂ પીતા નીરજે એ પછી હેમરાજ પાસે અદિતિની માગણી કરી, જે વાત હેમરાજે સ્વીકારી નહીં અને નીરજ-હેમરાજ વચ્ચે મારામારી થઈ, જેમાં નીરજે હેમરાજને મારી નાખ્યો.
હેમરાજને મારીને નીરજ અદિતિની રૂમ પાસે પહોંચ્યો. અદિતિ હેમરાજની રાહ જોતી હતી એટલે જેવો દરવાજે નોક થયું કે તરત તેણે દરવાજો ખોલી નાખ્યો, પણ દરવાજે નીરજ હતો એટલે અદિતિ ગભરાઈ, પણ નીરજે સીધો તેના પર હુમલો કર્યો અને એ હુમલામાં અદિતિના માથામાં ઈજા થઈ અને અદિતિનું મોત થયું. એ પછી નીરજે અદિતિ પર રેપ કર્યો. પોતાનું કામ પતાવીને નીરજ જતો હતો, પણ તેને ડર લાગ્યો કે અદિતિ જો મરી નહીં હોય તો કાલે સવારે પ્રૉબ્લેમ થશે એટલે તેણે અદિતિની હત્યા કરી અને પછી તે ત્યાંથી નીકળી ગયો.
lll
- જો આવી ઘટના હોય તો અદિતિના પ્રાઇવેટ પાર્ટ પર બે વ્યક્તિના ડીએનએ કેવી રીતે મળે? એક જ ડીએનએ મળવા જોઈએ.
સોમચંદે તરત જ સ્ટોરીમાં ફેરફાર કર્યા.
અદિતિ અને હેમરાજ વચ્ચે ઑલરેડી અગિયાર વાગ્યાની આસપાસ ફિઝિકલ રિલેશન બંધાયા હશે અને એ પછી હેમરાજના મોબાઇલ પર નીરજનો ફોન આવ્યો હશે કે તે આવ્યો છે એટલે નીરજને સંભાળી લેવા માટે તે અદિતિની રૂમમાંથી બહાર આવ્યો હશે. ત્યાર પછીનો આખો ઘટનાક્રમ એ જ રહ્યો હશે જે મનમાં આવ્યો.
- ‘જો હેમરાજને નીરજે ફોન કરીને બોલાવ્યો હોય તો હેમરાજના કૉલડેટામાં એ નંબર મળવો જોઈએ.’
સોમચંદે તરત જ હેમરાજના કેસની ફાઇલ હાથમાં લીધી અને ફાઇલ હાથમાં લીધા પછી તેણે એ ફાઇલનો રીતસર ઘા કર્યો.
દિલ્હી પોલીસે હેમરાજના મોબાઇલનો કોઈ ડેટા કઢાવ્યો જ નહોતો.
‘હરામખોર...’
સોમચંદની કમાન છટકી.
આખા કેસને એવી રીતે ટ્રીટ કરવામાં આવ્યો છે જાણે કોઈને પડી જ ન હોય કે સત્ય બહાર આવે. આખા પોલીસ ડિપાર્ટમેન્ટનું વર્તન એ રીતનું હતું જાણે આ ઘટના ઝૂંપડપટ્ટીમાં બની હોય અને આવું તો ત્યાં બન્યા કરતું હોય.
‘ન્યાય સૌને માટે સરખો છે એવું જ્યારે સંવિધાન કહે છે ત્યારે ડૉક્ટર સ્તરના પરિવારમાં બનતી આ ઘટનાને પોલીસ ડિપાર્ટમેન્ટ લાઇટલી કઈ રીતે લઈ શકે? કઈ રીતે તમે એવું ધારી શકો કે કેસ સૉલ્વ નહીં થાય તો ચાલે? આરોપી હજી બહાર હતો એ નક્કી છે ત્યારે તમે કેમ આટલા બેદરકાર રહી શકો?
‘આરોપી કોણ છે?’
- ‘દેખીતી રીતે જોવા મળે છે એ રમેશ-નેહા તલવાર કે પછી જેને કોઈએ જોયો નથી એ નીરજ?’
સોમચંદની આંખો સામે ધુમ્મસ પ્રસરી ગયું.
વધુ આવતી કાલે