23 May, 2023 12:18 PM IST | Mumbai | Rashmin Shah
ધ લીડ (પ્રકરણ ૨)
‘જયદેવ, લીડ મળી ગઈ...’ સોમંચદ ઊભા થયા, ‘વડોદરા નીકળવું પડશે...’
કમ્પાર્ટમેન્ટની બહાર સોમચંદ નીકળ્યા કે તરત જ તેના દિમાગમાં બત્તી થઈ.
‘જયદેવ ટિકિટ ચેક થતી હોય છે કે પછી...’
‘રૅન્ડમ લેવલ પર થાય છે અને એ પણ ઈ-ટિકિટ હોય તો એ ટિકિટ લેવામાં પણ નથી આવતી.’
‘ઈ-ટિકિટ ચેક કરવાની કોઈ ખાસ રીત?’
‘હા...’ જયદેવે કહ્યું, ‘બારકોડ સ્કૅન કરે...’
‘હંઅઅઅ...’ સોમચંદે આજુબાજુ નજર ફેરવી, ‘એક કામ કરીએ, સ્ટેશન-માસ્તરને મળીએ, જો નસીબ સારાં હોય તો વધુ એક લીડ મળશે...’
સોમચંદ ખોટી દિશામાં આગળ વધવા માંડ્યા એટલે જયદેવે તેને રોક્યા.
‘સ્ટેશન-માસ્ટરની ઑફિસ આ સાઇડ છે...’
lll
‘આજે મુંબઈ-અમદાવાદ-મુંબઈ ટ્રેન ચેક થઈ છે?’
‘દત્તાત્રય એક્સપ્રેસ?’ સ્ટેશન-માસ્ટરે જવાબ આપ્યો, ‘રૅન્ડમ ચેકિંગ થયું છે.’
‘એ રૅન્ડમનો કોઈ રેકૉર્ડ...’
સ્ટેશન-માસ્ટરે રજિસ્ટર ઓપન કર્યું અને સાથોસાથ પોતાનું મોઢું પણ.
‘જે ફિઝિકલ ટિકિટ મળી છે એ લિસ્ટ આ રજિસ્ટરમાં નોટ કરી લીધું છે અને જે ઈ-ટિકિટ હતી એ બધાના બારકોડ સ્કૅન થયા, એનું નોટિંગ ચાલુ છે.’
સોમચંદે રજિસ્ટર પોતાની તરફ ફેરવ્યું અને જેટઝડપે નજર ફેરવી.
રજિસ્ટરમાં ક્યાંય નારાયણ જેતાપુરકર નામ મળ્યું નહીં એટલે આછા નિઃસાસા સાથે સોમચંદે સ્ટેશન-માસ્ટર સામે જોયું.
‘બારકોડ સ્કૅન થયો એનો ડેટા...’
‘એન્ટ્રી ચાલુ હતી ત્યાં જ તમે આવ્યા...’ સ્ટેશન-માસ્ટરે સ્ક્રીન સોમચંદ તરફ ફેરવી, ‘જુઓ આટલી એન્ટ્રી થઈ છે.’
સોમચંદે ઝડપભેર નજર ફેરવી, પણ એમાં પણ કોઈ લીડ મળી નહીં એટલે મનમાં રહેલો વસવસો જરા વધુ મોટો થયો.
‘બાકી છે એ એન્ટ્રી જોવી હોય તો...’
‘કન્ટિન્યુટીમાં જોવા નહીં મળે, પણ તમને રૅન્ડમ લેવલ પર જોવા મળશે.’
સ્ટેશન-માસ્ટરે સ્કૅનરની ફાઇલ ઓપન કરી અને કમ્પ્યુટર પર માઇક્રોસૉફ્ટ એક્સલની એક ફાઇલ ખૂલી, જેમાં પિસ્તાલીસ જેટલી ટિકિટના નંબર અને એ નંબરની સામે એ ટિકિટ જેની હતી એ પૅસેન્જરનાં નામ આવી ગયાં.
સોમચંદ સ્ક્રીનની જરા વધારે નજીક ગયા અને ઝડપથી તેની નજર પૅસેન્જરનાં નામ પર ફરવા માંડી.
‘જો તમે કહેતા હો તો એન્ટ્રી...’
સોમચંદે હાથના ઇશારે સ્ટેશન-માસ્ટરને ચૂપ કર્યો અને એ સાથે જ તેની આંખો મોટી થઈ.
‘આ નામ જોરથી વાંચો...’
નામ વાંચ્યું હોવા છતાં, નામ વંચાતું હોવા છતાં સોમચંદે સ્ટેશન-માસ્ટરને કહ્યું અને પેલાએ તરત જ એ વાતનું પાલન પણ કર્યું.
‘નારાયણ જેતા...’ સ્ટેશન-માસ્ટરે ધ્યાનથી નામ વાંચ્યું, ‘હા, જેતાપુરકર... નારાયણ જેતાપુરકર.’
સોમચંદના ચહેરા પર સંતોષની લકીર પ્રસરી તો જયદેવના ચહેરા પર અચરજની.
જો નારાયણ પોતે અહીં હાજર હતો, જો નારાયણની ટિકિટ સ્ટેશન પર ચેક થઈ છે તો એનો સીધો અર્થ એ થયો કે નારાયણ જ આ કેસનો આરોપી છે. માત્ર ૦૦.૦૧ પર્સન્ટ ચાન્સ એવા રહે કે નારાયણ આમાં કલ્પ્રિટ ન હોય. અલબત્ત, એ પછી પણ નારાયણ આરોપી તો હતો જ હતો, ફરક માત્ર એટલો પડવાનો હતો કે તેણે ગુનો ન કર્યો હોય અને તેણે ગુનામાં સાથ આપ્યો હોય.
‘જયદેવ, એક વાત ક્લિયર છે કે ખુદ નારાયણ જ આ બૅગ લઈને છેક વડોદરાથી બાંદરા સુધી આવ્યો છે અને જો તે જ આવ્યો હોય તો ક્લિયર છે કે તે આ કેસ સાથે કાં તો સીધો ઇન્વૉલ્વ છે અને કાં તો આ ઘટના વિશે બધું જાણે છે.’
‘હંઅઅઅ... પણ હવે કરવાનું શું? બરોડા નીકળવું...’
‘બરોડા નહીં, વડોદરા.’ સોમચંદે સુધારો કર્યો, ‘વડોદરા સાચું નામ છે. અંગ્રેજોને બોલવામાં તકલીફ પડતી એટલે તેમણે સિટીનું નામ બદલીને બરોડા કરી નાખ્યું હતું, પણ આપણે અંગ્રેજ નથી...’
‘સૉરી સર... વડોદરા.’ જયદેવ ફરી મૂળ વાત પર આવ્યો, ‘કરવાનું છે શું હવે આપણે?’
‘સિમ્પલ, જઈએ છીએ વડોદરા...’ સોમચંદે કહી દીધું, ‘તારે કામ હોય તો તું અહીં રહે, હું એકલો જઈ આવું છું.’
‘કેસ તો હવે ક્લિયર છે તો પછી શું કામ આપણે...’
‘એ નરાધમને મળવા, જે પોતાની એક વર્ષથી નાની દીકરીને મારતાં ખચકાયો નથી...’ સોમચંદ જયદેવની નજીક આવ્યો, ‘રાક્ષસ જોવાનો મોકો જીવનમાં વારંવાર નથી મળતો જયદેવ... તેને જોવાની કે તેનું દહન કરવાની તક ક્યારેય જતી ન કરવી.’
‘લેટ્સ મૂવ...’
સોમચંદ અને જયદેવ વડોદરા જવા રવાના થયા ત્યારે સવારના સાડાસાત વાગી ગયા હતા અને હવે સોમચંદ રસ્તામાં અધૂરી ઊંઘ પૂરી કરવાના હતા અને તેણે કર્યું પણ એવું જ. જીપ હજી તો બોરીવલી પહોંચી નહોતી ત્યાં તો સોમચંદની આંખો બંધ થઈ ગઈ, જે છેક આજવા આવ્યું ત્યારે ખૂલી. આંખો ખોલીને તેણે આજુબાજુ જોયું અને પછી રિસ્ટ વૉચમાં નજર કરી.
બપોરે સાડાત્રણ થયા હતા.
‘તેં બ્રેક નહોતો લીધો?’
‘ના, થયું કે તારી ઊંઘ બગડશે...’ જયદેવે કહી પણ દીધું, ‘છેલ્લા એક કલાકથી પીપી પણ દબાવીને બેઠો છું...’
‘કરી લે હવે... મારી થઈ ગઈ...’ સોમચંદે ચોખવટ કરી, ‘ઊંઘ પૂરી...’
lll
વડોદરા રેલવે સ્ટેશન પર પહોંચતાં સાંજના સાડાપાંચ વાગી ગયા હતા. સિટીના ટ્રાફિકથી જયદેવ જબરદસ્ત કંટાળ્યો હતો અને સોમચંદને કોઈ ફરક નહોતો પડ્યો. એ તો બધાના ચહેરા, ચહેરા પર પ્રસરેલા હાવભાવ અને વાત કરવાની રીતભાત ઑબ્ઝર્વ કરવામાં વ્યસ્ત હતા.
‘સીધા સ્ટેશન-માસ્ટરને મળીએ.’
જીપ જેવી રેલવે સ્ટેશન પર ઊભી રહી કે તરત જ સોમચંદે કહ્યું, પણ જયદેવને એ કરવું અર્થવિહીન લાગતું હતું.
‘ત્યાંથી કોઈ માહિતી નહીં મળે...’
આ પણ વાંચો : 1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ ૪૨)
‘મળશે...’ સોમચંદે જીપમાંથી ઊતરતાં પહેલાં જયદેવ સામે જોયું, ‘ગૅરન્ટી...’
‘હા, પણ કઈ રીતે એ કહીશ તો કંઈ દૂબળો નહીં થઈ જાય...’ સોમચંદની પાછળ ચાલતા જયદેવે કહ્યું, ‘કહે છે કે જ્ઞાન વહેંચવાથી એ વધે...’
‘પણ મારામાં ઘટે...’ સોમચંદે જયદેવ સામે ત્રાંસી આંખે જોયું, ‘આ જ સાંભળવું હતુંને તારે?’
‘અરે ના યાર...’
‘વાત પછી કરીએ, પહેલાં કામ પર લાગીએ...’
lll
‘નારાયણ જેતાપુરકર...’
સ્ટેશન-માસ્ટરે પોતાના કમ્પ્યુટરની સ્ક્રીન પર એ નામ શોધવાનું શરૂ કર્યું અને થોડી વાર સુધી સ્ક્રીન પર ચીપકેલા રહ્યા.
‘એવું તો કોઈ છે નહીં...’ ધીમેકથી નજર સોમચંદ તરફ લાવીને સ્ટેશન-માસ્ટરે પોતાનાં ચશ્માં ઉતાર્યાં, ‘ઑનલાઇન બુકિંગની સિસ્ટમ પછી હવે લોકો ગમે ત્યાંથી ગમે ત્યાંની ટિકિટ બુક કરાવે છે.’
‘હા, પણ સાથે પોતે ક્યાંથી બેસશે એ મેન્શન પણ કરે છે... બાકી તેની સીટ બીજાને આપી દેવાની સત્તા ટિકિટચેકરને હોય છે...’ સોમચંદની વાત પ્રૅક્ટિકલ હતી, ‘ટિકિટ નંબર ૧૧૨૧૩૪૫૮૯ બુક ભલે ગમે ત્યાંથી થઈ હોય, પણ એ કમ્પાર્ટમેન્ટ જૉઇન વડોદરાથી થાય છે એટલે એ માણસ છે અહીંનો. બીજી વાત, કમ્પાર્ટમેન્ટ જ્યાંથી બુક થાય ત્યાં એ માણસની તમામ ડિટેઇલ ઑટોમૅટિક સ્ટોર થાય એવી ઇન્ડિયન રેલવેની સિસ્ટમ છે, જે તમે જાણતા હશો.’
‘હા, પણ તમે જાતે જ જોઈ લો, અહીં એ નામની કોઈ વ્યક્તિ છે જ નહીં, હું તમને હેલ્પ કેવી રીતે...’
‘નામ ભૂલી જાઓ, ટિકિટ નંબર તો છેને તમારી પાસે...’ સોમચંદે લૉજિક લગાડ્યું, ‘એ ટિકિટ જે રીતે બુક થઈ હોય અને એમાં જે ડેટા જૉઇન થયો હોય એ ડેટા આપો...’
‘જી...’ ટિકિટ-ચેકર ફરી કામે લાગ્યો અને પછી તરત જ બોલ્યો, ‘આ રિઝર્વેશન રૂબરૂ થયું છે...’
‘ઇમિડિયેટ ક્લર્કને બોલાવો...’ સોમચંદે કહ્યું, ‘જો તે ડ્યુટી પર ન હોય તો તાત્કાલિક તેનું ઍડ્રેસ આપો. અમારે તેને મળવું બહુ જરૂરી છે.’
‘એક સેકન્ડ...’ સ્ટેશન-માસ્ટરે ઇન્ટરકૉમ હાથમાં લઈને ફૉર્માલિટી કરી, ‘તમે શું પીશો? ચા, કૉફી...’
‘લોહી, જે અમે પી રહ્યા છીએ...’ સોમચંદે ઇન્ટરકૉમ તરફ ઇશારો કર્યો, ‘તમે પ્લીઝ ક્લર્કને જલદી બોલાવો...’
lll
પાંચ જ મિનિટમાં રિઝર્વેશન ક્લર્ક હાજર થયો, તેની સાથે બુકિંગ રજિસ્ટર પણ હતું. જેવા તેને ટિકિટ-નંબર આપવામાં આવ્યા કે તરત જ તેણે નારાયણ જેતાપુરકરના નામનું ઍડ્વાન્સ બુકિંગ રિઝર્વેશન ફૉર્મ કાઢીને સોમચંદની સામે મૂકી દીધું, પણ ફૉર્મ જોઈને એ ક્લર્ક પોતે પણ એકદમ ચમકી ગયો.
‘સાહેબ, તમે આ માણસ વિશે શા માટે પૂછપરછ કરો છો? આને તો હું ઓળખું છું. ત્રણ-ચાર દિવસ પહેલાં...’ ક્લર્કે દિવસ યાદ કર્યો, ‘હા, શનિવારે, શનિવારે જ આ માણસ મુંબઈ જવા માટે રિઝર્વેશન ટિકિટ લેવા આવ્યો. તેને ફૉર્મ ભરતાં નહોતું આવડતું એટલે તેણે મને રિક્વેસ્ટ કરી અને મેં તેને ફૉર્મ ભરી આપ્યું, પછી એ ફૉર્મ પર મેં તેની સહી પણ કરાવી.’
‘વાહ દોસ્ત...’ સોમચંદના અવાજમાં ઉત્સાહ હતો, ‘તેં તો મારું કામ એકદમ સહેલું કરી દીધું ! આ ફૉર્મ હું રાખું છું અને તારું સ્ટેટમેન્ટ આ સાહેબ પછી લઈ જશે... હવે એક કામ કર... એકથી સાત નંબરના જે પૅસેન્જર હતા મને એ બધાનાં સરનામાં જોઈએ છે.’
‘હમણાં જ આપી દઉં...’
સ્ટેશન-માસ્ટર સામે જોયા વિના જ ક્લર્કે તેની સિસ્ટમ હાથમાં લઈ લીધી અને ફટાફટ ૧થી ૭ નંબરની રિઝર્વેશન ડિટેઇલ કાઢી સોમચંદ સામે મૂકી દીધી.
સોમચંદે એ તમામ વિગત પર નજર કરી.
૧થી ૩ નંબરની સીટ શાહ-પરિવારની હતી, જેઓ વડોદરામાં અલકાપુરીમાં રહેતા હતા. તો ૪ અને પ નંબરની સીટ કોઈ જોષી-ફૅમિલીની હતી, જે પાદરામાં રહેતી હતી. ૬ નંબરની સીટ પર બેઠા હતા એ જવાહર કર્વે નેહરુ ચોક અને સાત નંબરના નારાયણ જેતાપુરકર પારોલા રોડ પર રહેતા હતા. સોમચંદે તમામ વિગતો મનમાં પણ ભરી અને એ પેપર્સ સાથે પણ લઈ લીધાં.
‘ચાલ જયદેવ, કમિશનરને મળી લઈએ...’
lll
મુંબઈ રેલવે-પોલીસ મારફત કદાચ ડેડ-બૉડી મળ્યાની સૂચના વડોદરા પોલીસને મળી હોય એવું અનુમાન કરીને સોમચંદ વડોદરા પોલીસ કમિશનરની ઑફિસ પહોંચ્યા. કમિશનર અનુપમ સિંહાને પોતાની ઓળખ આપી સોમચંદ કામ પર લાગ્યા, પણ અહીં તેને જે માહિતી મળી એ માહિતી તેને ઝાટકો આપી ગઈ.
ન તો વડોદરા પોલીસને એવી કોઈ માહિતી મળી હતી કે ન તો વડોદરાના એક પણ પોલીસ-સ્ટેશન કે ચોકીએ કોઈ બાળક ગુમ થયાની ફરિયાદ આવી હતી.
‘હવે...’
‘સિમ્પલ છે જયદેવ...’ સોમચંદે કહ્યું, ‘આ ખૂનમાં બહારનું કોઈ નથી, પણ એ બાળકીના પિતા, મામા કે ફુઆ જેવા ફૅમિલી મેમ્બરનો જ હાથ છે, જેને લીધે હજી વધારે દેકારો થયો નથી.’
‘કરવાનું શું પણ...’
‘નારાયણના ઘરે જવાનું અને ઘરમાં દાખલ થતાં પહેલાં એક સરસ સિગારેટ પીવાની...’
lll
‘માર્લબોરો લાઇટ...’
પાનના ગલ્લાવાળો સોમચંદનો ચહેરો જોતો રહ્યો.
‘સાહેબ, બીડી સિવાય અહીં કાંઈ નથી... શિયાળામાં કૂલ મળે, બાકી અત્યારે તો બીડી...’
‘બીડીમાં વરાઇટી...’
‘એકેય નહીં, ખાલી સંભાજી...’
સોમચંદની આંખ સામે ટ્રેનનો કમ્પાર્ટમેન્ટ અને એની ફર્સ પર પડેલી બીડી આવી ગઈ. એ બીડીને વીંટવા માટે લાલ રંગનો દોરો વાપરવામાં આવ્યો હતો.
‘સંભાજી આપ...’
ગલ્લાવાળાએ સંભાજીની ઝૂડીમાંથી એક બીડી કાઢીને સોમચંદને આપી અને સોમચંદની આંખો લાલ થઈ.
બીડીને બાંધવા માટે લાલ રંગનો દોરો વપરાયો હતો!
વધુ આવતી કાલે