17 April, 2023 12:57 PM IST | Mumbai | Rashmin Shah
નૉન-વેજ (પ્રકરણ ૧)
‘લાહૌલ વિલા કૂવત...’
બજાજ ચેતકને કિક મારી-મારીને થાકી ગયેલા અશફાકના મસ્તક પર રીતસર પરસેવો વળી ગયો હતો. ડિસેમ્બર મહિનો હોય અને મસ્તક પર પ્રસ્વેદબિંદુ હોય એવું દિલ્હીમાં તો વિચારી પણ ન શકાય, પણ એ જ વાત અત્યારે શરીરે અમલમાં મૂકી દીધી હતી અને એનું કારણ અશફાકનું સ્કૂટર હતું.
- ક્યા કરું અબ ઇસકા... હમારા બજાજ, હમારા બજાજ સુન કર લિયા; પર અબ તો યે ના મેરા રહા, ના હી ઉસ હરામઝાદે...
મનમાં આવી ગયેલી ગાળને ત્યાં જ બ્રેક મારીને અશફાકે છાતીમાં ઊંડો શ્વાસ ભર્યો અને ફરીથી કિક મારવાની શરૂ કરી. ચારેક કિક માર્યા પછી એક વખત તેણે ચાવી પણ ચકાસી લીધી કે એ તો કળમાં બરાબર ફિટ કરી છે કે નહીં?
ચાવી બરાબર હતી એટલે અશફાક ફરીથી કિક મારવા લાગી ગયો.
સાંજના સાત વાગવાને હજી પંદરેક મિનિટની વાર હતી અને તેને ઘરે પહોંચવું હતું. ઘરે આમ તો કોઈ રાહ જોનારું હતું નહીં, પણ અમ્મીની તબિયત સહેજ નબળી હતી એવું તેણે કહ્યું હતું. મન તો જાણતું હતું કે અમ્મીને કશું થયું નથી; બસ, મનમાં ભ્રમ છે અને એ ભ્રમ વચ્ચે તેને શરીરમાં કળતર ચાલુ થઈ જાય છે.
‘આપ સમઝો...’ ડૉક્ટરે એક વાર તો અશફાકની હાજરીમાં જ કહી દીધું હતું, ‘એક હી બેટા હૈ ઔર વહ ચૌબીસ ઘંટે આપકી સેવા મેં રહતા હૈ... આપકો કુછ નહીં હુઆ, સબ આપકે મન કા વહમ હૈ...’
‘નખ્ખોદ જાય એ ડૉક્ટરિયાનું...’ ઘરે આવીને અમ્મી તાડૂકી હતી, ‘પોતાને આવડતું નથી એમાં તે મારા પર શેનો દાવ લે છે.’
‘હશે અમ્મી...’
‘હશે નહીં, છે જ...’ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય એવી સ્ટાઇલ સાથે અમ્મીએ કહ્યું, ‘મારી છાતીનાં પાટિયાં ચોંટતાં જાય છે. મને રીતસર ખબર પડે છે કે ફેફસાં ચોંટી ગ્યાં... હવે નહીં જીવાય મારાથી...’
‘શુક્ર કર અલ્લાહ કા...’ અશફાક અમ્મીની બાજુમાં બેસી ગયો, ‘અભી ઔર પચાસ સાલ કી ઉમ્ર દે...’
ખરા અર્થમાં શ્રવણ બનીને માની સેવા કરતા અશફાકે આજે પણ અમ્મીને કારણે જ રજા લીધી હતી. અમ્મીનો ફોન આવ્યો હતો કે તેને ચક્કર આવે છે અને તે ઊભી નથી રહી શકતી. એક તો અમ્મીની ચિંતા અને ઉપરથી પાછું આ સ્કૂટરનું ચક્કર...
ચેતક નહીં, આનું નામ તો બૈલ રાખવું જોઈએ.
બજાજ કંપનીને ભાંડતા અશફાકે સ્કૂટર ત્રીસ ડિગ્રીના અંશે પોતાની તરફ ઢાળ્યું અને પછી ફરીથી કિક મારી.
ખરરર...
જાણે કે ત્રીસ ડિગ્રીની જ રાહ જોતું હોય એમ બજાજ ચેતક ચાલુ થઈ ગયું અને જલદી ઘરે પહોંચવાની લાય સાથે અશફાક રવાના થયો. તેને ક્યાં ખબર હતી કે અમ્મીને હૉસ્પિટલે લઈ જવાની તેની ઇચ્છા અમ્મીને નહીં પણ તેને હૉસ્પિટલ ભેગી કરશે.
lll
બીજૌર માર્ગ પર અશફાકનું સ્કૂટર આવ્યું કે બીજી જ સેકન્ડે તેની બાજુમાંથી ફીઆટ ગાડી એવી રીતે પસાર થઈ જાણે કે અશફાકના ચેતક સ્કૂટરને ઉડાડી દેવાનો કારસો કરીને ઘરેથી નીકળી હોય.
‘મા....’
મોઢામાં આવી ગયેલી માસમાણી ગાળ એ ગાડીમાં પહોંચવાની નહોતી, કારણ કે ગાડીના ચારેચાર ગ્લાસ બંધ હતા.
હરામીઓ કેવી રીતે ચલાવે છે?!
પોતાનું સ્કૂટર રસ્તામાં સહેજ સાઇડ પર તારવીને એની ગતિ ધીમી કરતાં અચાનક જ અશફાકનું ધ્યાન પેલી ગાડી પર ગયું. સિગ્નલ બંધ હોવા છતાં એ ગાડી આગળ વધી ગઈ હતી અને ટપરી પર ચાની ચૂસકી મારતા ટ્રાફિક પોલીસનું ધ્યાન પણ એ દિશામાં નહોતું.
આમ કેવી રીતે?!
હજી તો મન પોતાનું કામ શરૂ કરે એ પહેલાં જ અશફાકને દેખાયું કે ગાડીમાં ઝપાઝપી ચાલે છે. કોઈ બે જણ છે જે ગાડી ચલાવનારાને મારે...
એય ખુદા...
પરવરદિગારને યાદ કરીને અશફાકે પોતાના સ્કૂટરની ઝડપ વધારી અને સ્કૂટરને ચોથા ગિયરમાં લઈ લીધું. આગળ વધતી ગાડી સુધી પહોંચવામાં તેને વધારે વાર તો ન લાગી અને એ ખાતરી કરવામાં પણ વધારે સમય ગયો નહીં કે પોતે જોયું છે એ દૃશ્ય ખોટું તો નથી જ. કારમાં બે હટ્ટાકટ્ટા હતા તો તેર-ચૌદ વર્ષનો એક છોકરો અને સોળ-સત્તર વર્ષની એક છોકરી હતી. છોકરો કાર ચલાવનારાને મારતો હતો, જ્યારે બીજો હટ્ટોકટ્ટો છોકરીના મોઢા પર સ્કાર્ફ બાંધવાની પેરવીમાં હતો.
ઝૂમમમ...
અમ્મી... અમ્મીની તકલીફ અને ઘરે પહોંચવાની ઉતાવળ ભૂલીને અશફાકે સ્કૂટરની ગતિ વધારી. આગળ વધતી કારને ટ્રાફિક નડતો હતો એનો સીધો ફાયદો અશફાકને થયો. અશફાકનું બજાજ ચેતક ગાડીની લગોલગ પહોંચી ગયું.
ચાલુ સ્કૂટરે જ અશફાકે કારના પાછળના દરવાજાનું હૅન્ડલ પકડવાની કોશિશ કરી, પણ અશફાકના બદનસીબે એ જ સમયે ફીઆટ કાર ચલાવતા માણસનું ધ્યાન સાઇડ મિરરમાંથી અશફાક પર પડ્યું. તેણે તરત જ સ્ટિયરિંગ ડાબી બાજુએ ઝાટકા સાથે વાળ્યું અને જેવું સ્ટિયરિંગ એ દિશામાં વળ્યું કે ગાડી ઝાટકા સાથે ડાબી બાજુએ આવી.
અશફાક આ આખી ઘટનાથી બેખબર હતો. તે અત્યારે એક જ હાથે સ્કૂટર ચલાવતો હતો. તેનું ધ્યાન ગાડીના પાછળના દરવાજાને ખોલવામાં લાગેલું હતું. એક હાથમાં રહેલું સ્કૂટરનું હૅન્ડલ અને બીજો હાથ શરીરથી લગભગ દોઢ ફુટ દૂર.
ધાડ...
ગાડી સ્કૂટરના આગળના ટાયર સાથે અથડાઈ. આ અથડામણથી ગાડીને તો ખાસ કશું થયું નહીં અને એ આગળ વધી ગઈ, પણ ફ્રન્ટ વ્હીલ પર પડેલા મારને કારણે અશફાકનું સ્કૂટર બૅલૅન્સ ભૂલ્યું અને અશફાક સીધો રોડ પર ખાબક્યો.
આ પણ વાંચો : વો ભૂલી દાસ્તાં... (પ્રકરણ ૧)
રસ્તા પર પટકાયેલા અશફાકના સદનસીબે તેને માથાના ભાગમાં ઈજા થઈ નહીં, પણ તેના થાપાનું હાડકું તૂટ્યું અને એ અવાજ ખુદ અશફાકે પણ શરીરમાં મહેસૂસ કર્યો અને એમ છતાં પણ અશફાક મનોમન રાજી હતો.
તેણે ગાડીની નંબરપ્લેટ બરાબર વાંચી લીધી હતી.
શરીરમાં શરૂ થયેલી પારાવાર પીડા વચ્ચે પણ અશફાકે એ નંબર ગોખી લીધો.
lll
‘જલ્દી રેડિયો કરો...’
‘અરે સબ્ર રખ... અભી કહાં કાર્યક્રમ શુરૂ હુઆ હૈ?!’
સુખવંતની નજર ઘડિયાળ પર હતી અને ઘડિયાળમાં હજી સાત વાગવામાં પાંચ મિનિટની વાર હતી.
‘એ તો ઘડિયાળ પાછળ રહી ગઈ હોય તો...’ પત્નીએ સુખવંત સામે જોયું, ‘આપ રેડિયો શુરૂ કરો...’
‘ભાગ્યવાન...’
હસતાં-હસતાં સુખવંત સિંહ રેડિયો પાસે ગયા અને તેણે રેડિયો પર ઑલ ઇન્ડિયા રેડિયો શોધવાનું શરૂ કર્યું. થોડી ઘરરાટી થઈ અને પછી સ્ટેશન સાથે રેડિયોના સિગ્નલનો મેળાપ થયો. યુવવાણી નામનો કાર્યક્રમ શરૂ થવાની અનાઉન્સમેન્ટ આવી અને પછી આકાશવાણીનું પરિચિત મ્યુઝિક શરૂ થયું.
કાર્યક્રમને હજી પાંચ મિનિટની વાર હતી, જેનો લાભ લઈને સુખવંતની પત્નીએ ડિફેન્સ કૉલોનીના પોતાના ફ્લૅટની બહાર નીકળી રાડ પાડીને સંભળાય એટલા લોકો સુધી સંદેશો મોકલી દીધો કે કાર્યક્રમ ચાલુ થાય છે.
પત્નીની હરકતથી સુખવંત સિંહને હસવું આવતું હતું, પણ તેણે જાત પર કાબૂ રાખ્યો અને રેડિયો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું.
lll
‘આજ કે યુવવાણી કાર્યક્રમ મેં હમારે સાથ હૈં દિલ્હી કે કુછ ઐસે હોનહાર બચ્ચે જો અપની કલા આપકે સામને પેશ કરેંગે...’
ઍન્કરે અનાઉન્સમેન્ટ કરીને બાળકોનાં નામ બોલવાનું શરૂ કર્યું. બોલાતા એ દરેક નામ સાથે સુખવંત અને તેની પત્નીના ધબકારા વધતા અને ચહેરા પરનું સ્માઇલ ફેલાતું, પણ દીકરા કે દીકરીનું નામ નહીં સાંભળીને ફરી વધેલા એ ધબકારા અને સ્માઇલને કન્ટ્રોલમાં લાવતા.
‘ઔર આજ કે આખરી મેહમાન...’
પત્નીએ સુખવંત સામે જોયું. સુખવંતના કપાળ પર પણ લકીરો પથરાઈ ગઈ હતી.
આખરી મહેમાન મતલબ કે એક બાળક અને તેનો તો દીકરો અને દીકરી બન્ને આજના આ કાર્યક્રમમાં સામેલ થયાં હતાં. હશે કદાચ એકને જ પ્રોગ્રામમાં...
રેડિયો પર છેલ્લું નામ અનાઉન્સ થયું અને સુખવંત ખરેખર ગભરાયો. આ નામ પણ તેની દીકરી કે દીકરાનું નહોતું.
આવું કેમ બને?
સ્કૂલમાંથી ખાસ પસંદ કરવામાં આવેલાં તેનાં દીકરા અને દીકરીને ઇન્વિટેશન સાથે રેડિયો સ્ટેશને બોલાવવામાં આવ્યાં હતાં, પણ અત્યારે કાર્યક્રમમાં એ બેમાંથી કોઈનો સમાવેશ થયો નથી.
કેમ?
‘જાવ તો ખરા તમે... કેમ આવું કર્યું એ લોકોએ?’
સુખવંતે હાથના ઇશારે વાઇફને ચૂપ કરી અને રેડિયો પર શરૂ થયેલા પ્રોગ્રામને સાંભળવાનું શરૂ કર્યું. કદાચ કોઈ નામમાં ગોટાળો...
છ મિનિટ સુધી રેડિયો સાંભળ્યો, જેમાં હાજર રહેલાં બધાં બાળકો આવી ગયાં હતાં. મતલબ કે તેનાં બાળકો આ કાર્યક્રમમાં નથી એ હવે ફાઇનલ છે...
‘અરે જાવને...’
‘હેં...’ રેડિયોમાંથી સજાગપણે બહાર આવતાં સુખવંતે કહ્યું, ‘હા, દેખતા હૂં...’
સુખવંત રવાના થયો ત્યારે તેના મનમાં બાળકોની ફિકર હતી અને વાઇફના મનમાં સગાંવહાલાંઓને શું કહેવું એ વાતની ચિંતા.
‘વાહે ગુરુ... સબ કી રક્ષા કર.’
ડિફેન્સ કૉલોનીમાંથી સુખવંત રવાના થયો ત્યારે પેલી ગાડી બિન્દાસ્ત દિલ્હીની સડક પર આગળ વધતી હતી. એ ગાડીમાં રહેલી બેફિકરાઈ જોઈને ઘણાને નવાઈ લાગતી હતી, પણ ભાગ્યે જ કોઈ એ ગાડી તરફ ગંભીરતા સાથે જોતું કે આગળ વધતું હતું.
આ હિંમત અશફાકે કરી હતી અને હવે આવી જ હિંમત જોરાવર કરવાનો હતો.
lll
ધાડ...
રસ્તાની એકદમ એક બાજુએ પાર્ક કરેલી સાઇકલને ઉડાડતી ફીઆટ ગાડી આગળ વધી ગઈ અને ખૂણામાં ઊભા રહીને કાવો પીતા જોરાવર સિંહનું ધ્યાન એ ગાડી પર ગયું. એકાએક વધી ગયેલી ઠંડી ઉડાડવા માટે કાવો પીતા જોરાવરના શરીરમાં આ ઘટનાએ ગરમી ચડાવી દીધી.
તેણે કાવાની કુલ્લડનો રસ્તા પર જ ઘા કર્યો અને ભાગતો પોતાના હીરો મૅજેસ્ટિક સ્કૂટર સુધી જઈને સ્કૂટર ચાલુ કર્યું. હીરો મૅજેસ્ટિકની એક ખાસિયત હતી. બે સાઇકલ જેવડું કદ ધરાવતું એ સ્કૂટર ગમે એવી સાંકડી જગ્યાએથી પણ નીકળી જતું.
ઝડપભેર સ્કૂટરમાં આગળ વધતા જોરાવરની કૉન્સ્ટેબલની નજર ફીઆટ પરથી હટતી નહોતી. તેણે એટલું અનુમાન બાંધી લીધું હતું કે ગાડી જે કોઈ ચલાવે છે તે અત્યારે પીધેલો છે. બીજું અનુમાન એ પણ સ્પષ્ટ હતું કે ગાડીમાં કોઈક એવી ગતિવિધિ ચાલતી હતી જેને લઈને એ ગાડીવાળો ગાડી રોકતો નહોતો.
મૅજેસ્ટિકની સ્પીડ વધારીને જોરાવર આગળ વધ્યો, પણ કમનસીબે ફીઆટ કાર એક એવા ટર્ન પર ગાયબ થઈ ગઈ જ્યાંથી આગળ વધવું અઘરું હતું.
ધત્ તેરી...
ગરદન ઊંચી કરીને ફીઆટ શોધવાનો પ્રયાસ કર્યા પછી પળનો પણ ખોટો વિલંબ કર્યા વિના જોરાવરે તરત જ પોતાનું મૅજેસ્ટિક પોલીસ સ્ટેશન તરફ પાછું વાળ્યું. પાછા આવતી વખતે તેને ખ્યાલ આવ્યો કે ફીઆટનો પીછો કરતાં-કરતાં તે ખાસ્સો દૂર નીકળી ગયો હતો.
lll
‘સા’બ...’ પોલીસ સ્ટેશનમાં દાખલ થતાં જોરાવરે કહ્યું, ‘એક ગાડી છે. એમાં કંઈક ખોટું ચાલે છે... ગાડીનો નંબર છે...’
‘સબ્ર રખ પુત્તર...’ તાઉજીની ઉંમરના પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું, ‘ગાડી ક્યાં છે...’
‘ચાંદની ચોકની આગળ ગુમ થઈ ગઈ...’
‘તો કહાં વો તેરી ટેરિટેરી હૈ?!’ ઇન્સ્પેક્ટરે ટેબલ પર પગ લાંબા કર્યા, ‘આરામ કર ઔર આરામ કરને દે... બૈઠ.’
જોરાવરને બેસવામાં કાંટા તો લાગ્યા, પણ તે બેસી ગયો. જો એ દિવસે તે બેઠો ન હોત તો આ દેશના સૌથી ઘાતકી હત્યારા એવા રંગા-બિલ્લાના હાથે બે માસૂમની હત્યા થઈ ન હોત, પણ...
વધુ આવતી કાલે