નામ-બદનામ (પ્રકરણ ૧)

27 March, 2023 04:06 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

પોતાને પરણેલો ધારીને પત્નીને ફોન કરવાની વ્યાકુળતા આણે આબાદ પકડી! તેની વાકચાતુરી સામે અનુરાગે હાજરજવાબી દાખવી, ‘આવી મોસમમાં પત્નીને હું સેફ છું એવું દર્શાવવાનું ત્રીજું કારણ તમે ભૂલ્યાં, મિસ...’

નામ-બદનામ (પ્રકરણ ૧)

તે હાંફી રહ્યો. 
આંખ સામે ફેલાયેલો યૌવનનો રસથાળ અનેક વાર માણ્યો છે અને તોય જાણે નિતનવું થઈને ઊઘડતું જોબન પહેલી વારનો ક્ષુધાગ્નિ પ્રગટાવે છે! 
‘અબ દેખતે હી રહોગે કિ...’ કહેતી કાવેરીએ અડપલું કરતાં તે સિસકારી ઊઠ્યો. સાયુજ્યમાં સ્ત્રીનું રૂપ પુરુષને આકર્ષિત કરે એ ખરું; પણ સૌંદર્યથીયે અદકેરી મહારત પુરુષને ઉશ્કેરવામાં, તેના ઉશ્કેરાટને ઝેલીને ઠારવામાં રહેલી છે... અને આમાં કાવેરીનો જોટો જડે એમ નથી! 

ઇન ફૅક્ટ, પોતાની બોલ્ડનેસનો પરિચય તો કાવેરીએ અમારી પહેલી મુલાકાતના પહેલા કલાકમાં જ આપી દીધેલો... અત્યારે કામક્રીડામાં ઓતપ્રોત બનતા અનુરાગે વાગોળ્યું.
કેમિકલનો બિઝનેસ અનુરાગને વારસામાં મળ્યો હતો. ચોવીસ વરસની ઉંમરે એમટેક થઈને વેપારમાં જોડાતા એકના એક દીકરાને પિતા નારણભાઈએ પાઠવેલા ‘બાપથી સવાયો થજે’ના આશિષ ફળ્યા હોય એમ ત્રણ વરસમાં તો અનુરાગે વાપીમાં બેનાં ચાર યુનિટ કર્યાં અને ટર્નઓવર બે હજાર કરોડ પરથી છ હજાર કરોડને પાર કરી ગયું. અત્યંત રૂપાળા એવા તેજસ્વી દીકરાની સિદ્ધિનો માબાપને ગર્વ જ હોય.

‘તારા માટે કેવાં-કેવાં માગાં આવે છે! મારે ક્યાં સુધી ના કહેતા રહેવી!’ સ્વાતિમા લાડથી દીકરાને લગ્ન માટે રાજી કરવા મથતાં.
અનુરાગ પાસે પણ લગ્ન ન કરવાનું ઠોસ કારણ ક્યાં હતું? ત્રીસની ઉંમરે પોતે વેપારમાં ઘડાઈ ચૂકેલો. લવ-લફરામાં કદી પડ્યો નહીં. ભડકે બળતા એકાંતને કોઈ સાથીની જરૂર પણ હતી. 
‘ભલે મા...’ અનુરાગે આપેલી મંજૂરી પછી સ્વાતિમા પાત્ર ખોજવામાં મંડી પડ્યાં અને મલાડની નંદિની એક નજરમાં ગમી ગઈ... 
પત્નીના ખ્યાલે તે સહેજ વિચલિત થયો. કાવેરીએ તરત ભેદ પકડ્યો : શું થયું? નંદિનીની યાદ આવી ગઈ! 

આ સ્ત્રી મારી રગરગને જાણે છે! ઉશ્કેરાટભેર તેને ભીંસતાં અનુરાગે કડી સાંધી. 
શિક્ષક પિતા અને ગૃહિણી માતાની એકની એક દીકરી તરીકે લાડકોડમાં ઊછરેલી નંદિનીના સંસ્કાર-ઉછેરમાં કહેવાપણું નહોતું. રૂપાળી એવી જ ગુણવંતી. 
‘આપણા વરલીના મૅન્શન સામે તેના પિતાનો બે બેડરૂમનો ફ્લૅટ કદાચ નગણ્ય ગણાય, પણ તેમની ખાનદાનીનું પોત ઊજળું છે અને આપણને તો એની જ નિસબત.’ 
મા-પિતાની તારવણીમાં અનુરાગની સહમતી હતી. એકાંત મુલાકાતમાં નંદિનીનો આત્મવિશ્વાસ પ્રભાવિત કરનારો હતો : મને અમીરીનો મોહ નથી... માણસ તેનાં મૂલ્યોથી શ્રીમંત હોવો ઘટે. સહજીવનમાં હું પરસ્પરના આદરને, અખંડ વિશ્વાસને પાયાના ગુણ માનું છું. વફાદારી લગ્નજીવનને મહેકાવતું અત્તર છે. સહજીવનની સુવાસ માણવી હોય તો આ અત્તરનો છંટકાવ બન્ને બાજુથી થવો ઘટે... 
કેટલી સ્પષ્ટ સમજ! 

નંદિનીને ઇનકારનું કારણ નહોતું. તેનો પણ હકાર થતાં રંગેચંગે લગ્ન લેવાયાં. મારાં ને તેનાં માવતર અમારો સુખી સંસાર જોઈને ગયાં એનો આનંદ... 
‘એટલો અફસોસ રહી ગયો અનુરાગ કે તેમની હયાતીમાં મારી ગોદ ન ભરાઈ.’ નંદિની દુખ જતાવતી અને અનુરાગ તેને આશ્વસ્ત કરતો : ઈશ્વર ક્યારેય સંપૂર્ણ સુખ કોઈને નથી આપતો... 
વાપીની ફૅક્ટરી સંભાળવા નીવડેલો સ્ટાફ હતો જ. છતાં મહિને પંદર દહાડા પોતે વાપી જવાનું રાખતો. તો જ વેપાર પર પકડ રહે, કર્મચારીઓ પર શેઠની ધાક રહે. નંદિનીને આની ક્યારેય ફરિયાદ ન હોય. બલ્કે તે વેપારને સમજે, તેનાં ઇનપુટ્સ મહત્ત્વનાં પુરવાર થાય. 
રણઝણતો સંસાર હતો, ધીકતો વેપાર હતો. નંદિનીને છેહ દેવાનું સપનામાં પણ વિચારેલુ નહીં, પણ... 

સવાબે વરસ અગાઉની વાત. અમારાં લગ્નને ત્યારે પાંચ વરસ થઈ ચૂકેલાં. ચોમાસાના એ દિવસો હતા. પોતે ફૅક્ટરીના કામે બે દિવસથી વાપી હતો. બેસુમાર વરસાદે મુંબઈ-દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું હતું. હાઇવે પર ઠેર-ઠેર પાણી ભરાયાં હોવાના ખબરે પોતે નાશિકના રસ્તે મુંબઈ પરત થવાનું નક્કી કર્યું. જોકે અહીં પણ હાલત એવી જ હતી. જ્યાં જુઓ ત્યાં ખાડા અને પાણી. આગળ વધવામાં શાણપણ નહોતું. 

તેણે સારી દેખાઈ એવી હોટેલમાં કાર વાળી. પોતે સેલ્ફ-ડ્રાઇવ પ્રિફર કરતો અને લક્ઝુરિયસ કારનું ટૉપ મૉડલ અનેકવિધ સેફ્ટી ફીચર્સવાળું હતું એટલા પૂરતી નંદિનીને પણ નિરાંત. 
નંદિનીએ તો ના જ કહી હતી કે વરસાદમાં નીકળશો નહીં... હવે અધવચ્ચે ફસાવા જેવું થયું છે ત્યારે તેને સંદેશો પણ કેમ આપવો! મોબાઇલમાં સિગ્નલ ન મળે, હોટેલની લૅન્ડલાઇન બંધ. નંદિની મારી ચિંતામાં અડધી થતી હશે એની ચિંતામાં અનુરાગ સિગ્નલ મેળવવા હાથમાં મોબાઇલ ઘુમાવતો હોટેલના ચોથા માળની લૉબીમાં આંટા મારતો હતો. 

‘બેચારા પતિ! ક્યાં તો તેને ફિકર હશે કે આવી મસ્ત મોસમમાં પત્ની કોઈ બીજાની સંગતમાં તો નથીને! યા તો પોતે કોઈ એવી સોબતમાં નથી એની સફાઈ આપવા જ ફોન જોડવાની આવી વ્યાકુળતા પતિદેવને હોય.’
લૉબીમાં બિયરનું ટિન લઈને ઊભેલી યુવતીના વિધાને ધ્યાન ખેંચાયું. ના, પાંત્રીસ-સાડત્રીસની લાગતી તે સ્ત્રીને યુવતી તો કેમ કહેવાય, પણ લક્ષણો અલ્લડ મિજાજ યુવતી જેવાં જ લાગ્યાં. શરીર પર વસ્ત્રના નામે ખભાથી જાંઘ સુધીનું ઢીલું પહેરણ માત્ર. ઊભા રહેવાની અદા એવી કે શરીરનાં માદક અંગોનો ચિતાર આપમેળે મળી રહે. અત્યંત મારકણું જોબન છુપાવવાની નેમ નહીં. દેખાડીને ડ્રિન્ક પીવાનું બિન્દાસપણું અને ટીખળભરી વાણી... 

હોટેલનું રજિસ્ટર ભરતી વેળા એટલો અણસાર આવી ગયેલો કે વરસાદી મોસમમાં રડીખડી ચારેક રૂમ વપરાશમાં છે... જોકે પોતાને ચોથા માળની રૂમ આપતી વેળા મૅનેજરે કહ્યું નહીં કે અહીં આવી બોલ્ડ યુવતીનો પાડોશ મળશે! 
પોતાને પરણેલો ધારીને પત્નીને ફોન કરવાની વ્યાકુળતા આણે આબાદ પકડી! તેની વાકચાતુરી સામે અનુરાગે હાજરજવાબી દાખવી, ‘આવી મોસમમાં પત્નીને હું સેફ છું એવું દર્શાવવાનું ત્રીજું કારણ તમે ભૂલ્યાં, મિસ...’

‘કાવેરી ઝરીવાલા.’ નામ કહીને તેણે આંખ મીંચકારી, ‘મારા રહેતાં તમે ખુદને સેફ ગણતા હો તો એ આત્મવિશ્વાસ જરા વધુ પડતો ગણાય!’
બેધડક આવું બોલતી યુવતીની સોબત જોખમી પુરવાર થઈ શકેની ચેતવણી ભીતર ક્યાંક ઊઠી એવી જ દિમાગે દફનાવી દીધી : એમ એક યુવતીથી ડરવાનું હોય!
‘તમે ખુદને સેફ ગણી શકો એટલો સદગૃહસ્થ હું જરૂર છું...’

આ પણ વાંચો: દેવ-દૈત્ય (પ્રકરણ ૧)

અનુરાગને ઝીણવટથી નિહાળીને તે મર્માળું મલકી : જોઈએ એ તો! બિયર લેશો?
હોટેલની લૉબીમાં ખુરશીઓ મૂકીને તેમણે બેઠક જમાવી. અનુરાગ હોટેલના રસોઇયા પાસેથી ગરમાગરમ ભજિયાં ઉતારી લાવ્યો. બહાર ધુંઆધાર વરસાદ અંદર ગુલાબી મોસમનું વાતાવરણ સર્જી ગયો. પોતે બિઝનેસમૅન છે, વાપીમાં ફૅક્ટરી છે, પ​રિણીત છે એ વિગતો કહેતાં કાવેરી પણ ખૂલતી ગઈ : મારે તમારા જેવી સ્ટેબલ લાઇફ નથી. મારું બાળપણ સુરેન્દ્રનગરમાં વીત્યું. એ પણ કંઈ સુખમય નહોતું. નાનપણમાં માબાપ ગુમાવ્યાં. મારી સંભાળ લેનારું બીજું કોઈ સગુંવહાલું પણ નહીં એટલે અનાથાશ્રમમાં મુકાઈ. ત્યાંનાં સંચાલિકા દમયંતીબહેન મમતાભર્યાં. અનાથ બાળાઓને જાળવવાનો તેમનામાં ગુણ ખરો, પણ તેમના વિદ્વાન ગણાતા પતિ મારા જેવીને રૂમમાં તેડાવીને ગંદી હરકતો કરે અને કોઈને કહ્યું તો સોટીથી ફટકારવાની ધમકી દે... વિચારો, બાર વરસની છોકરીએ કેમ સહન કર્યું હશે! શોષણ વિદ્રોહ જન્માવે એ પુરવાર થયેલી થિયરી છે. આશ્રમની બીજી કોઈ કન્યાથી તો પહેલ ન થઈ; પણ મેં એક દહાડો વિફરીને તે રાક્ષસના અંગ પર એવાં બચકાં ભર્યાં કે બિચારાથી રાડ સરી ગઈ, ખાનગીમાં કરવાનું કામ તેની ચીસોએ ઉઘાડું પાડી દીધું!’

વાહ. અનુરાગ પ્રભાવિત થયો. 
‘દમયંતીબહેને પતિનો ઊધડો લીધો. તે વહેશીનો શિકાર થનારી દરેક બાળા મને વધાઈ દેતી હતી. મને 
કોઈ ફિલ્મની હિરોઇન બન્યાનું મહેસૂસ થતું હતું... પણ એ તો એક દહાડા પૂરતું.’

કાવેરીએ હળવો નિ:શ્વાસ નાખીને પરાકાષ્ઠા કહેલી, ‘જાણે રડી-કરગરીને યા કોઈ બીજી રીતે પતિએ પત્નીને એવી પટાવી કે બીજી સવારની પ્રાર્થના પછીના ભાષણમા મૅડમે નવું જ ચિત્ર રજૂ કર્યું : તને અનાથ જાણીને દયા ખાવા જેવી નથી. મારા પતિને કમરમાં દુખાવો થતાં બામ ઘસી આપવા કહ્યું એમાં પણ આબરૂ ઘસાઈ જવાની હોય એમ એક છોકરીએ અણછાજતી જગ્યાએ બચકું ભરીને હોહા મચાવી શરીફ આદમીને બદનામ કરવાનું ત્રાગું કર્યું!’
‘હાઉ મીન! એક સ્ત્રી થઈને તે આવું કરી જ કેમ શકે?’

‘કરી શકે, તે ભારતીય પત્ની હોય તો કરી શકે. પતિનાં સ્ખલન માફ કરીને પોતાનો સંસાર સાચવવાની શીખ તેને ગળથૂથીમાં મળી હોય છે...’ કાવેરી હસેલી, ‘મને એની ફરિયાદ નથી. જોકે મહિનોમાસમાં દમયંતીબહેને નોકરી છોડીને કદાચ ગામ પણ છોડી દીધેલું : મારા વરનું અપમાન થયું ત્યાં મારે કામ નથી કરવું! ખેર, અનાથાશ્રમના શોષણે મને કાચી ઉંમરે પરિપક્વ બનાવી દીધી.. અઢારની વયે આશ્રમમાંથી નીકળી ત્યારે એટલી સમજ સ્પષ્ટ હતી કે પુરુષને ક્યારે રીઝવવો અને ક્યારે ચીસ પડાવવી એ નક્કી કરવાનો અધિકાર મને છે! રૂપ મારી મૂડી છે. એને જ્યાં જ્યારે જરૂર પડી એ મુજબ વળોટીને જિંદગીનું ગાડું પૂરપાટ ભગાવી રહી છું. વિરારમાં ખુદનો ફ્લૅટ છે, તગડું બૅન્ક-બૅલૅન્સ છે. ખુશ છું મારી જિંદગીથી. કોઈ એકની થઈને રહું એવો મરદ આજ સુધી તો મને ભટકાયો નથી.’ 

તેણે અનુરાગને નિહાળીને વળી આંખ મીંચકારી, ‘તું કદાચ એવો પુરવાર થાય ખરો!’ 
અનુરાગે હસી નાખ્યું.     
‘નો... નો... ટેલ મી...’ કાવેરી નટખટ બની, ‘હાઉ લૉન્ગ કૅન યુ સ્ટૅન્ડ?’ 
અનુરાગ રાતોચોળ.
‘અરે, હું ધ્રુવની જેમ એક પગે ઊભા રહીને તપસ્યા કરવામાં તું કેટલું ટકી શકે એ સંદર્ભમાં પૂછું છું. તું કંઈ જુદું જ સમજ્યો! શું સમજ્યો, કહેને.’ 

લુચ્ચી. ધ્રુવનો સંદર્ભ અમસ્તો જ ઊભો કરીને તું મારા મોંએ શું બોલાવવા માગે છે એ મને સમજાય છે! બે ટિન પધરાવ્યા પછી અનુરાગ પણ ખુમારમાં હતો. કાવેરી પણ મસ્તીમાં આવીને તેની ખુરશી પરથી ઊઠીને ખોળામાં બેસી ગઈ પછી ક્યારે બેડ સુધી પહોંચી જવાયું એની ગત ન રહી. 
અને એ કોઈ સામાન્ય સાયુજ્ય નહોતું. ઇટ વૉઝ વાઇલ્ડ, વાઇલ્ડ ઍન્ડ વાઇલ્ડ ઑલ ધ વે! નંદિની સાથેનું સહશયન પણ ઉત્કૃષ્ટ જ રહેતું, પણ કાવેરીમાં પુરુષને ઉત્તેજનાના ચરમશિખર પર લઈ જવાની કુનેહ છે એ નંદિનીમાં ક્યાં!

આ એક જ અનુભવ, આ એક જ સરખામણી અનુરાગને કાવેરીમાં રત કરવા પૂરતી હતી. સામા પક્ષે કાવેરી પણ અનુરાગના બળકટ પૌરુષથી ચીત થઈ ચૂકેલી. 
અને સૌથી અગત્યનું, આમાં કોઈ પક્ષે કમિટમેન્ટ નહોતું. રાધર અલ્ટિમેટ શરીરસુખ સિવાયની કોઈ અપેક્ષા નહોતી. 
‘મારે તારી નંદિનીનું સ્થાન નથી લેવું. નથી તારા રૂપિયાની ચાહ. મન લાગ્યું રહે ત્યાં સુધી એકમેકના રહીશું, નહીંતર પ્રેમથી મૂવ ઑન થઈશું...’
ગ્રેટ. નંદિનીને હું ચાહું છું, પણ આમાં નંદિનીને છૂટાછેડા દેવાની વાત નથી, એનો સ્થાનભંગ નથી. હાશ. અને ધારો કે નંદિનીની આંખે અમારો મેળ ચડ્યો તો આદર્શ ભારતીય પત્ની પતિનું સ્ખલન માફ કરીને સંસાર સાચવી લે એવાં દમયંતીબહેન જેવા દાખલાનો તોટો નથી! નંદિની પણ અપવાદરૂપ નહીં હોય... 

આ ધારણા પછી કાવેરી સાથે આગળ વધવામાં કોઈ રુકાવટ રહી નહીં... વાપીની મુલાકાતો કાવેરી સાથે રાત ગાળવાનું બહાનું બની જતી. કાવેરીના ઘરે કે પછી હોટેલમાં મળવામાં કોઈની આંખે ચડવાનું જોખમ. એના કરતાં દેવલાલીમાં અનુરાગે પોતાના વાપી ખાતેના મૅનેજર અતુલ્ય દવેના નામે બે બેડરૂમનો ફુલ ફર્નિશ્ડ ફ્લૅટ ભાડાપેટે લઈ લીધો. બિલ્ડિંગના પાડોશીઓને તો એમ જ છે કે મિસ્ટર ઍન્ડ મિસિસ દવે વર્કિંગ કપલ છે અને ફુરસદનો સમય માણવા અહીં આવતાં-જતાં રહે છે! અલબત્ત, અહીં રહેતા મોટા ભાગના ફ્લૅટધારકો માટે આ સેકન્ડ હોમ છે એટલે વીક-ડેઝમાં તો બિલ્ડિંગમાં કોઈ ન હોય એવું પણ બને. વાપી આવતાં-જતાં દેવલાલીનું સ્ટૉપ ફાવી ગયું છે. હમતુમ એક કમરે મેં બંદ હો પછી જે દૃશ્યો ભજવાય છે એ પૉર્ન ફિલ્મોમાં જોવા ન મળે એટલાં કામોત્તેજક હોય છે! 
અત્યારે પણ આનો ખુમાર વાગોળતા અનુરાગે કાવેરીને ભીંસી દીધી. 

બુધની બીજી સવારે કાવેરીએ આળસ મરડી. આભમાં સૂરજ માથે ચડ્યો હતો. રાતનાં તોફાનોનો સાક્ષી જેવી આખી રૂમ અસ્તવ્યસ્ત હતી. સુખનું ઘેન પ્રસરી ગયું. 
‘ઇટ્સ ટાઇમ ટુ હૅવ બાથ.’ તે બબડી કે અનુરાગ બેઠો થઈ ગયો, ‘ચલો!’
‘યુ! તને હજી ધરવ નથી!’ કાવેરી ઉપરછલ્લો ઇનકાર કરતી રહી. અનુરાગ તેને તેડીને બાથરૂમમાં દાખલ થયો. કાવેરીએ ગૅસનું ગીઝર ચાલુ કર્યું. 

વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff