04 May, 2023 12:51 PM IST | Mumbai | Rashmin Shah
મારી જીવનયાત્રા (પ્રકરણ ૪)
‘તે માણસ કાણો છે...’ બેડગેએ કહ્યું, ‘હું એ ખોલીમાં નહીં જઉં...’ આપ્ટેની આંખો પહોળી થઈ ગઈ.
‘ભલા માણસ, તું...’
‘મૈંને કહ દિયા, મૈં ઉસ ખોલી મેં નહીં જાઉંગા...’
દલીલ કરવાનો, તર્ક લગાવવાનો કે પછી લગાવેલા તર્કને સાર્થક પુરવાર કરવાનો આપ્ટે પાસે ટાઇમ નહોતો; કારણ કે શામિયાણામાં શ્લોકોના પાઠ પૂરા થઈ ગયા હતા અને હવે ગાંધીજી બોલવાની શરૂઆત કરતા હતા.
lll
ગાંધીજીએ બોલવાનું શરૂ કર્યું, પણ તેમને પોતાનો ખુદનો અવાજ સંભળાતો હશે કે કેમ એ શંકા હતી. તેમનામાં જે અશક્તિ હતી એનું આ પરિણામ હતું.
ગાંધીજી સાથે પ્રાર્થનાસભામાં આવેલા અંતેવાસીઓને તો એ અશક્તિ વિશે ખબર હતી એટલે સુશીલા નાયરે પોતાના કાન ગાંધીજીની સાવ નજીક ગોઠવી રાખ્યા હતા. ગાંધીજીએ જેવું બોલવાનું શરૂ કર્યું અને પહેલું વાક્ય પૂરું કર્યું કે તરત જ સુશીલા નાયરે એ આખું વાક્ય અક્ષરશ: રિપીટ કર્યું.
ગાંધીજીને બોલવામાં શ્રમ પડતો હતો. અવસ્થા અને ઉપવાસને કારણે શરીરમાં આવી ગયેલી અશક્તિ બન્ને પોતાનું કામ કરતાં હતાં. જોનારા સૌકોઈ સમજી ગયા હતા કે બાપુનું પ્રવચન વધારે લાંબું ચાલશે નહીં. બાપુ પર નજર નાખીને ઊભેલા આપ્ટેને પણ ખ્યાલ આવી ગયો હતો તો સાથોસાથ તેને એ પણ સમજાઈ ગયું હતું કે બેડગે સાથે વધારે દલીલ કરવાનો સમય નથી. બેડગેએ તરત જ પોતાનું દિમાગ કામ પર લગાડ્યું અને ગોપાલ ગોડસેને મૂળ યોજના મુજબ ખોલીમાં જવાનું કહ્યું તો સાથોસાથ એ પણ સૂચવ્યું કે જેવો મદનલાલના બૉમ્બનો ધડાકો અવાજ આવે કે તરત બારીની જાળીમાંથી ગ્રેનેડ ફેંકવો.
‘તું ખોલીમાં નહીં જાને...’ બેડગેએ જેવી ના પાડી કે તરત જ આપ્ટેએ પોતાના કાતિલ દિમાગનો ઉપયોગ કર્યો, ‘એક કામ કર. તું જલદી ગાંધીની સામે જઈને ઊભો રહી જા. બૉમ્બ ફૂટે કે તરત જ હવે તારે ત્યાંથી ગોળી છોડવાની...’
lll
ગોપાલ ગોડસે નોકરોની ખોલીઓ પાસે પહોંચ્યો. બહારની પરસાળમાં બેઠેલા પેલા એક આંખવાળા નોકરને ઇશારો કરીને તે તરત જ પેલી રૂમમાં દાખલ થયો. રૂમ ધારણા કરતાં વધારે અંધકારમય હતી, પણ અત્યારે એ બધી બાબતોનો અર્થ સરતો નહોતો એટલે ગોપાલે રૂમમાં દાખલ થઈને તરત જ બારણું બંધ કર્યું. બારણું બંધ થતાં રૂમમાં અંધકાર પ્રસરી ગયો, પણ એ અંધકાર વચ્ચે ગોપાલને દેખાયું કે જે બારી પાસે તેણે ઊભા રહેવાનું હતું એ બારીમાંથી જ આછું સરખું અજવાળું આવતું હતું.
દોડીને ગોપાલ ગોડસે બારી
પાસે પહોંચ્યો.
બહાર પ્રાર્થનાસભામાં ગાંધીજીનું પ્રવચન ચાલુ હતું.
lll
‘જે કોઈ મુસ્લિમોના દુશ્મન છે
એ સૌ ભારતના દુશ્મનો છે.’ ગાંધીજીનો અવાજ નહોતો, પણ આ અવાજ
સુશીલા નાયરનો હતો, ‘સૌકોઈએ સમજવું પડશે કે મુસ્લિમોનો સ્વીકાર અને તેમને ભાઈ માનવાની માનસિકતા આપણે કેળવવી પડશે. આ માનસિકતા જ ભારતને વધારે સક્ષમ બનાવશે... મેં તો નવી સરકારને પણ...’
ગાંધીજીના શબ્દોનું પુનરાવર્તન કરતાં સુશીલા નાયરના હોઠ પણ સહેજ ધ્રૂજ્યા, પણ પછી તરત જ તેણે જાત પર કાબૂ મેળવી લીધો અને વાત આગળ વધારી.
‘મેં તો નવી સરકારને પણ કહ્યું છે કે વધુમાં વધુ મુસ્લિમ નેતાને સરકારમાં સામેલ કરો જેથી દુનિયાને સંદેશ મળે કે આજે પણ ભારત સહિષ્ણુતામાં માને છે અને આજે પણ ભારતમાં મુસ્લિમને અગ્રિમ સ્થાન મળે છે.’
lll
રૂમની બારી પાસે ગોઠવાયેલા ગોપાલને સુશીલા નાયરના શબ્દો સ્પષ્ટ રીતે સંભળાતા હતા. તે પોતાના મિશનને આખરી અંજામ આપવા માટે બિલકુલ તૈયાર હતો, પણ એક બહુ મોટી ભૂલ રહી ગઈ હતી જે અચાનક જ આપ્ટેના ધ્યાનમાં આવી અને એ પણ એ જ ક્ષણે, જે ક્ષણે ગાંધીજીના શબ્દોએ આપ્ટેના મોઢામાં કડવાશ ભરી દીધી હતી.
lll
ભૂલ સમજાતાં આપ્ટે સ્તબ્ધ થઈ ગયો.
સવારે જ્યારે આપ્ટે બિરલા હાઉસ બધી તપાસ કરવા આવ્યો ત્યારે તેણે પેલી ખોલીમાં જઈને તપાસ કરવાનું ટેન્શન રાખ્યું નહોતું અને એ જ વાતનું અત્યારે તેને ટેન્શન હતું. બારીની જે જાળીમાંથી ગોપાલે હૅન્ડ-ગ્રેનેડ ફેંકવાનો હતો એ બારી બહારથી ચાર ફુટના ડિસ્ટન્સ પર દેખાતી હતી, પણ અંદરથી એનું પિક્ચર જુદું હતું. ખોલીમાં દાખલ થયા પછી ત્રણ પગથિયાં ઊતરવાનું હતું, જેને લીધે એ ખોલીની બારી જમીનથી આઠ ફુટ ઊંચી થઈ જતી હતી.
આપ્ટે જ્યારે પ્રાર્થનાની જગ્યાએ આવ્યો અને ત્યાં ઊભા-ઊભા તેણે મનોમન ગણતરી શરૂ કરી ત્યારે તેને એ ખ્યાલ આવ્યો કે ગાંધી બેસે છે એ પ્રાર્થનાસ્થળ પેલી નોકરો માટેની ખોલીઓ કરતાં ઊંચા લેવલ પર છે અને ખોલી નીચી હાઇટ પર છે. એ ખોલીમાં દાખલ થયેલા ગોપાલની પણ એ જ હાલત હતી જે આપ્ટેની હતી.
lll
રૂમમાં આવીને ગોપાલે પોતાના હાથ લંબાવ્યા, પણ એ જાળીની ધાર સુધી તેની આંગળીઓ માંડ પહોંચી શકતી હતી. હવે તેને આ બારીની મધ્ય સુધી પહોંચવા માટે જો કોઈ મદદરૂપ બને તો એ કોઈ સ્ટૂલ કે ટેબલ જ હતું. અંધારામાં ગોપાલે એવી ચીજ શોધવાની શરૂ કરી જે તેને ઊંચાઈ સુધી લઈ જાય.
ખોલી ફંફોસતાં તેના હાથમાં એ ખોલીમાં રહેતા પેલા એક આંખવાળા નોકરનો ખાટલો હાથમાં આવ્યો. ગોપાલ તરત જ કામ પર લાગ્યો અને તેણે એ ખાટલો ઢસડીને બારી સુધી લીધો, જેથી તે બારીની બહાર જોઈ શકે.
lll
બહાર બધી તૈયારી થઈ ગઈ હતી. નથુરામે કરકરેને પોતાની જગ્યા પર જોયો અને તે સમજી ગયો કે સમય આવી ગયો છે. ઇશારારૂપે નથુરામે પોતાનો હાથ દાઢી પર ફેરવવાનું શરૂ કર્યું. આપ્ટેએ એ જોયું એટલે તેણે પણ ઇશારાના ભાગરૂપે પોતાનો હાથ ઊંચો કર્યો. પંજાબી મદનલાલ તૈયાર હતો. જ્યારથી તેણે સુલેમાનકીનો બ્રિજ પસાર કર્યો હતો ત્યારથી ગાંધી પર ખુન્નસ ધરાવતો થઈ ગયો હતો. મદનલાલ પાહવા કોઈ હિસાબે આ તક ગુમાવવા માગતો નહોતો. તેણે ધીરેથી ગજવામાંથી સિગારેટ કાઢીને સળગાવી અને પછી ધીમેકથી નીચા વળીને તેણે સળગતી સિગારેટથી બૉમ્બની જામગરી ચાંપી.
lll
શામિયાણાની નીચે ગાંધીજીનાં વાક્યોનું પુનરાવર્તન સુશીલા નાયર કરતાં હતાં...
‘કોઈ ભૂલતા નહીં કે મુસ્લિમ ધર્મમાં જે વાત કહેવાઈ છે એ વાતો તો હિન્દુ ધર્મના ધુરંધરોએ પણ નથી કહી. મુસ્લિમોને માત્ર ધર્મના નામે આપણાથી જુદા કરવા જેવું કોઈ પાપ આ જગતમાં નથી. જો તમે ભગવાનથી ડરતા હો, જો તમે ઈશ્વરને પાસે ઇચ્છતા હો તો મુસ્લિમોને તમારી નજીક લાવો અને બધા રાગદ્વેષ ભૂલી જાઓ...’
ધાડ...
lll
ભયાનક ધડાકા સાથે બૉમ્બ ફૂટ્યો અને ધુમાડાનો ગોટો છવાયો.
‘ઓહ ઈશ્વર!’
‘ઈશ્વરની સ્તુતિ કરતાં-કરતાં મોત આવે એનાથી રૂડું શું?’
ગાંધીજીએ ઠપકા સાથે સુશીલા નાયરને કહ્યું હતું.
lll આ પણ વાંચો : મારી જીવનયાત્રા (પ્રકરણ ૩)
અંદર ખોલીમાં ગોપાલ ગોડસે ખાટલા પર ચડ્યો હતો, પણ ખાટલામાં ભરેલી કાથી એટલી ઢીલી હતી કે એ ઝોળીની જેમ ગોપાલના વજનથી લબડી પડી અને ગોપાલના પગ લગભગ ફરસને સ્પર્શવા માંડ્યા હતા. ગોપાલ ફરીથી ઊભો થયો અને તેણે ઝડપથી પોતાના પગ ખાટલાની ઈસ પર ગોઠવ્યા. એમ છતાં તેની આંખો બારીની જાળી સુધી પહોંચી શકતી નહોતી. બૉમ્બનો ધડાકો થઈ ચૂક્યો હતો.
હવે ગોપાલ પાસે બહારનું દૃશ્ય જોવા માટે સમય નહોતો અને એટલે જ તેની પાસે એક જ રસ્તો બચ્યો હતો : બહારનું દૃશ્ય જોયા વિના જ ગ્રેનેડ ફંગોળી દેવો.
ગોપાલે ગ્રેનેડ કાઢીને હાથમાં લીધો, પણ કરકરેનો ગ્રેનેડ કેમ ફૂટ્યો નહીં? કરકરેએ પણ મદનલાલ પાહવાના ટાઇમબૉમ્બ ફૂટ્યાના અવાજ પછી ગ્રેનેડ ફેંકવાનો હતો. બહાર દેકારો ચાલુ થઈ ગયો હતો અને અને ગાંધીજી વતી સુશીલા નાયર સૌને શાંત રહેવા માટે સમજાવતા હતાં.
‘સાંભળો, સાંભળો... આ ધડાકો
તો લશ્કરની ટુકડીએ કર્યો છે. એ લોકો બહાર પ્રૅક્ટિસ કરે છે, બેસી જાઓ... પ્રાર્થના કરો...’
મદનલાલનો બૉમ્બ ફૂટતાં ગૂંચવાડો પ્રસરી ગયો હતો. એ ધડાકાથી કોઈને ઈજા નહોતી થઈ, પણ ગભરાટ પેદા થયો હતો. લોકો ઊભા થઈ ગયા હતા અને બુમરાણ પ્રસરી ગઈ હતી. એ તકનો લાભ લઈને કરકરે ગાંધીની પાસે ૧૫ ફુટ જેટલા અંતરે આવી ગયો.
વ્હીલચૅરમાં બેઠેલા અશક્ત મહાત્મા બરાબર વીંધાઈ જાય એવો શિકાર થઈને તેની સામે બેઠા હતા. કરકરેએ પોતાનો ગ્રેનેડ કાઢવાની તૈયારી કરી અને સાથે ગાંધીજીની પાછળ આવેલી બારીમાં નજર કરી. તેને મનમાં હતું કે આ સમયે તેને બારીમાંથી પિસ્તોલની નળી અને જમીન પર ઢોળાઈને આવતો ગ્રેનેડ દેખાશે. એ દેખાય કે તરત તેણે ગ્રેનેડ નાખવાનો હતો, પણ બારીની જાળીમાંથી કંઈ દેખાતું નહોતું.
lll
બારી સુધી પહોંચવા માટે મથતો ગોપાલ ખચકાયો હતો. આંધળૂકિયાં કરીને તે ગ્રેનેડ નાખવા તૈયાર નહોતો. ગાંધી પર એ ગ્રેનેડ પડે પણ ખરો અને ન પણ પડે. બહારની પરિસ્થિતિ તેને નરી આંખે દેખાતી નહોતી. તેણે બીજાઓને કામ કરવા દેવાનું વિચાર્યું અને પછી તે તરત જ ખોલીના દરવાજા તરફ તરફ દોડ્યો. બારણું અંદર ખેંચવા માટે ક્યાંય હૅન્ડલ નહોતું. ધ્રૂજતી આંગળીઓથી કંઈક પકડીને બારણું ખેંચાય એવો પ્રયત્ન તેણે શરૂ કર્યો, પણ મનમાં ભય અકબંધ હતો કે પેલા કાણિયાની ખોલીમાં પોતે પુરાઈ રહેશે.
lll
બહા૨ કરકરે હજી પણ બારી તરફ નજર માંડીને બેઠો હતો, પણ તેને પિસ્તોલ કે ગ્રેનેડ કશું દેખાતું નહોતું. ક્ષણો વીતતી હતી અને કરકરેની હિંમત તૂટતી જતી હતી. એવામાં એકાએક કરકરેએ ૩૦ ફુટ દૂર બેડગેને જોયો.
બેડગે અહીં શું કરે છે? તે કેમ કંઈ કરતો નથી?
મનમાં આવેલા વિચારોની સામે કરકરેએ જોયું કે બેડગે ભાગવાની પેરવીમાં વ્યસ્ત હતો અને હોય પણ શું કામ નહીં. ૩૭ વખત જેની ધરપકડ થઈ હતી તે હવે પકડાવા તૈયાર નહોતો. તે કોઈ આદર્શવાદી નહોતો કે રાજકીય અંતિમવાદી નહોતો. તે તો સામાન્ય વેપારી હતો. તેનો ધંધો હથિયારો વેચવાનો હતો, વાપરવાનો નહીં.
કરકરેની નજર અવગણીને બેડગે ટોળામાં ભળી ગયો અને ત્યાંથી નીકળી ગયો.
lll
બિરલા ભવનની પાછળ ત્રણ વર્ષનો એક છોકરો રમતો હતો. તે છોકરાની માએ મદનલાલને બૉમ્બ સળગાવીને જતો જોયો હતો. તે સ્ત્રીએ બૂમો પાડી અને ત્યાં હાજર રહેલા એક એરફોર્સ અધિકારીને મદનલાલને બતાવ્યો.
‘તે છે ... આ છે...’
ગોપાલ ગોડસેએ મહામહેનતે ખોલીનું બારણું ઉઘાડ્યું અને બહાર આવ્યો. તેણે પેલી સ્ત્રીના અવાજો સાંભળ્યા હતા અને એ પછી તેણે ભૂરા યુનિફૉર્મવાળા બે આદમીઓને મદનલાલને ઘસડીને લઈ જતા જોયા હતા. ગોપાલે ટોળામાં પોતાના ભાઈ નથુરામ અને આપ્ટેને પણ જોયા હતા. તે બન્ને દિગ્મૂઢ થઈ ગયા હતા. ગોપાલ તેમની પાસે પહોંચી ગયો. ત્રણેય ચિતપાવન બ્રાહ્મણો ક્ષણભર ખચકાયા. તેમને નિષ્ફળતાનો ખ્યાલ આવ્યો હતો. ત્રણે જણ ત્યાં રાહ જોતી લીલી શેવરોલે તરફ પહોંચ્યા અને બીજા સાથીઓની લેશમાત્ર પરવા કર્યા વગર તેમણે ડ્રાઇવરને મોટર ભગાવવાની સૂચના આપી.
lll
થોડી સેકન્ડ પછી ગાંધીજીની સામે ઊભેલા કરકરેએ પણ મદનલાલને પકડીને પોલીસ તંબુમાં લઈ જતો જોયો. તેનામાં હવે હિંમત રહી નહોતી. તેણે પોતાનો હાથ ગ્રેનેડ પરથી હટાવી લીધો. હવે તેને એકમાત્ર વિચાર આવતો હતો ત્યાંથી ભાગી છૂટવાનો.
ગાંધીજીની પ્રાર્થનાસભામાં હાજર રહેલા ટોળાએ માની લીધું કે કોઈ પાગલ પંજાબીએ આ દેખાવ તેમની વિરુદ્ધ કર્યો છે.
‘મને જો ડૉક્ટરો અને સરકાર રજા આપે તો હું તાત્કાલિક પાકિસ્તાન જવા ઇચ્છું છું.’ ગાંધીજીએ કહ્યું, ‘બસ, મારી આ ઇચ્છા પૂરી થાય...’
સ્મિત સાથે ગાંધીજીને પ્રાર્થનાસભામાંથી ઊંચકીને લઈ જવામાં આવતા હતા ત્યારે તેમને પણ ખબર નહોતી કે તેઓ મોતને સ્પર્શીને પાછા આવી રહ્યા છે અને એ જ મોત હવે દસ દિવસ પછી ફરી વખત સામે આવીને ઊભું રહેવાનું છે. એ સમયે તેમને કોઈ બચાવી શકવાનું નથી. એ સમયે તેમના મોઢામાંથી બે જ શબ્દો સરવાના છે...
‘હે રામ...’
સંપૂર્ણ