મારી જીવનયાત્રા (પ્રકરણ ૩)

03 May, 2023 11:56 AM IST  |  Mumbai | Rashmin Shah

‘બેસ્ટ સમય જો કોઈ હોય તો એ સાંજે પાંચ વાગ્યાનો છે. આપણે એ સમયે કામ કરવું પડે. કારણ કે અત્યારે એ સમય સિવાય ગાંધી બહાર નથી આવતા. પાંચ વાગ્યે પ્રાર્થના માટે તેઓ લોકોની વચ્ચે જાય છે...’

મારી જીવનયાત્રા (પ્રકરણ ૩)

‘આવતી કાલે... કાલે આપણે આ કામ કરી લઈએ.’ 
કૉનોટ સર્કલ પાસે આવેલી મરીના હોટેલની રૂમ-નંબર ૪૦માં આવ્યા પછી ૬ શખ્સોએ બેસીને પ્લાન બનાવવાનું શરૂ કર્યું. આ રૂમ ગોડસેએ એસ. એન. દેશપાંડેના નામે લખાવી હતી. ચર્ચા શરૂ થઈ એ પહેલાં કરકરેએ પોતાની અને આપ્ટે માટે વ્હિસ્કી મગાવી.
‘બેસ્ટ સમય જો કોઈ હોય તો એ સાંજે પાંચ વાગ્યાનો છે. આપણે એ સમયે કામ કરવું પડે. કારણ કે અત્યારે એ સમય સિવાય ગાંધી બહાર નથી આવતા. પાંચ વાગ્યે પ્રાર્થના માટે તેઓ લોકોની વચ્ચે જાય છે...’
‘પાક્કું...’

છ જણના જમણા હાથ વચ્ચે લંબાયા અને સૌએ એકબીજા પર હાથ મૂકીને સંમતિ આપી દીધી. એ પછી બીજા દિવસની સવાર સુધી આ વિષય પર કોઈએ વાત સુધ્ધાં કરી નહીં. રખેને, દીવાલોને પણ કાન હોય અને કામ બગડી જાય.
lll

તારીખ : ૨૦ જાન્યુઆરી, ૧૯૪૮.
સમય : સવારે ૯ વાગ્યાનો.
બિરલા હાઉસની પાછળના ભાગમાં ટૅક્સી આવીને ઊભી રહી. અહીં ક્વૉર્ટર્સ તરફ જવાનો અને માલસામાન લાવવા માટેનો દરવાજો હતો. ટૅક્સીમાંથી બે જણ ઊતર્યા અને રોકટોક વિના તેઓ બિરલા ભવનમાં દાખલ થયા. બિરલા ભવનના આ વિસ્તારની જમણી તરફ સિમેન્ટના શેડ નીચે નાના કમરા બનાવવામાં આવ્યા હતા, જેમાં નોકરો રહેતા. આ શેડની પાછળ લાલ પથ્થરની કમાનવાળો શમિયાણો હતો, જ્યાં ગાંધીજી પ્રાર્થનાસભા વખતે બેસતા.

કારમાં આવેલા નારાયણ આપ્ટે અને દિગંબર બેડગે એ શમિયાણો જોઈને ઘડીભર થીજી ગયા, કારણ કે શમિયાણાની જે ભીંત હતી એ તરફ નોકરોની ખોલીઓની દીવાલ આવતી હતી, જેમાં ગ્રિલવાળી બારી હતી. એ બારીઓમાંથી એક બારી તો ગાંધીજી બેસતા એ પ્લૅટફૉર્મની બરાબર પાછળ જ આવતી હતી. 
આપ્ટેએ મનોમન ઝડપથી ગણતરી કરી, તેની ગણતરી પર્ફેક્ટ બેસતી હતી.

ગાંધીજી જ્યારે પ્રવચન કરતા હોય ત્યારે એ બારીથી તેમનું માથું દસ ફુટથી પણ ઓછા અંતરે રહે. મતલબ કે ગાંધીજીની પાછળ આવતી એ બારીમાં જરૂર પડે તો બેડગેની ખડખડપંચમ પિસ્તોલથી પણ નિશાન પાડી શકાય. 
હવે પ્રશ્ન એ રહે કે એ કમરામાં બેડગેને દાખલ કરવો પડે. 
આપ્ટેનું દિમાગ ઝડપભેર કામ કરતું હતું.

- જો ગોપાલ ગોડસેને પણ બેડગેની સાથે એ ખોલીમાં દાખલ કરી દેવામાં આવે તો બેડગે જે સમયે નિશાન લે એ જ સમયે ગોપાલ પણ બારીમાંથી ગ્રેનેડ સરકાવી દે એટલે કામને બમણી સફળતા મળે.
આપ્ટેએ તરત જ બારીમાં ફિટ થયેલી જાળીની સાઇઝ જોઈ. જાળીની ડિઝાઇનમાં પાંચ-પાંચ ઇંચના હોલ હતા, જે અંદરથી ગ્રેનેડ સરકાવવા માટે પૂરતા હતા. ત્યાંથી નીકળતાં પહેલાં આપ્ટેએ જોઈ લીધું કે કઈ ખોલીની એ બારી છે. ડાબી તરફથી ત્રીજી બારી બરાબર ગાંધીની બેઠક પાછળ પડતી હતી. 
હાશ...

સંતોષ સાથે બન્ને ફરી પાછા આવીને રાહ જોતી ટૅક્સીમાં ગોઠવાઈ ગયા. ટૅક્સીમાં આપ્ટેએ બેડગેને ખાતરી આપી કે આવનારા આઠ કલાક પછી સોએ સો ટકા ગાંધીજીના નામની આગળ સ્વર્ગીય લાગી જશે. આ વાત સાંભળીને બેડગેના મનમાં વિચાર આવ્યો.
સ્વર્ગીય?!
lll

મરીના હોટેલના ૪૦ નંબરના કમરા સાથે જોડાયેલા બાથરૂમમાં બેડગે હૅન્ડગ્રેનેડ બનાવતો હતો. બાથરૂમની ફરસ પર બેસીને કામ કરતા બેડગેને પાંચ જણ ફાટી આંખે જોઈ રહ્યા હતા. 
‘બેડગે, આવી તક આપણને ક્યારેય નહીં મળે, ભૂલથી પણ ભૂલ ન થાય એનું ધ્યાન રાખજે.’ નથુરામે ફિક્કે ચહેરે કહ્યું, ‘કામ પૂરેપૂરું પાર પડવું જોઈએ.’
હૅન્ડગ્રેનેડમાં ડિટોનેટર્સ નાખ્યા પછી બેડગેએ ફ્યુઝનો એક કટકો હાથમાં લીધો. હવે તેણે ફ્યુઝ બળતાં કેટલી વાર લાગે એની ગણતરી કરવાની હતી. આપ્ટેએ ઘડિયાળમાં જોયું અને બેડગેએ જામગરી ચાંપી. થોડી જ સેકન્ડમાં આખું બાથરૂમ ધુમાડાથી ભરાઈ ગયું. આ ધુમાડાની અકળામણ થોડી ક્ષણોમાં ત્યાં હાજર રહેલા છએછ જણને થવા માંડી, પણ અત્યારે એ અકળામણ નહીં પ્રસરેલા ધુમાડાની વાસ બહાર ન જાય એનું ધ્યાન રાખવાનું હતું એટલે બધાએ ઝડપથી સિગારેટ કાઢીને જલાવી અને જોરજોરથી કશ લેવાનું શરૂ કરી દીધું, જેથી સિગારેટનો ધુમાડો હૅન્ડગ્રેનેડના ફ્યુઝના તીખા ધુમાડાની વાસ છુપાવે.
lll

‘ધ્યાનથી સમજી લો...’
આખું કામ પાર પડ્યા પછી આપ્ટેએ કેવી રીતે કામ પાર પાડવાનું છે એ સમજાવવાનું ચાલુ કર્યું, પણ એ વાતમાં નથુરામ ભાગ લઈ શક્યો નહીં. માઇગ્રેનના દુખાવાએ તેનું અડધું માથુ જકડી લીધું હતું અને નથુરામ હુંકારા કરતો પથારીમાં પડ્યો હતો. જોકે તેનો જીવ અહીં જ હતો. જે કામનું સપનું તે છેલ્લા થોડા સમયથી જોતો હતો એ કામ જલદીથી પાર પડે એવી તેની ખ્વાહિશ હતી.

‘પ્રાર્થના માટે જે શમિયાણા છે એ કમ્પાઉન્ડની પાછળના ભાગમાં, બહારની બાજુએ મદનલાલે ટાઇમબૉમ્બ ગોઠવવાનો છે.’ આપ્ટેએ સમજાવવાનું શરૂ કર્યું, ‘ટાઇમબૉમ્બના ધમાકાથી પ્રાર્થનાસભામાં ભાગદોડ શરૂ થાય એ પહેલાં જ બેડગે અને ગોપાલ ગોડસેએ શમિયાણાની પાછળ આવેલી ખોલીમાં પહોંચી ગયા હશે... જે ક્ષણે મદનલાલનો બૉમ્બ ફૂટે એ જ ક્ષણે બારીમાંથી બેડગેએ ગાંધી પર ગોળી ચલાવવાની અને એ જ વખતે ગોપાલે પણ જાળીમાંથી એક ગ્રેનેડ ગાંધી તરફ ફેંકવાનો. આ બધા વચ્ચે ગાંધી છટકી ન જાય અને આપણું કામ પાર પડે એ માટે કરકરેએ કામ કરવાનું છે. કરકરેએ બીજા લોકો સાથે પ્રાર્થનાસભામાં દાખલ થવાનું. પહેલાં મદનલાલનો બૉમ્બ ફૂટશે, એ પછી એકસાથે બન્ને વાત બનશે. ગોપાલનો ગ્રેનેડ ફૂટશે અને બેડગેની પિસ્તોલમાંથી ધડાકો થશે. આ બન્ને કામ થઈ જાય એટલે તરત જ કરકરેએ આગળ આવવાનું અને ગાંધી સામે ઊભા રહીને એક ગ્રેનેડ ફેંકવાનો. બધાએ કામ એ સમયે શરૂ કરવાનું જે સમયે કરકરે ગાંધી સામે આવીને ઊભો રહી જાય. કરકરે પર નજર નથુરામની હશે. નથુરામ પહેલાં આપ્ટેને ઇશારો કરશે અને આપ્ટે મદનલાલને ઇશારો કરશે એટલે મદનલાલે કામે લાગવાનું...’

આ પણ વાંચો : મારી જીવનયાત્રા (પ્રકરણ ૨)

‘આ બધામાં ઘણા નિર્દોષ પણ મરશેને.’
શબ્દો ગોપાલના હતા એટલે આપ્ટેએ ગોપાલ સામે જોયું.
‘હા પણ એના વિના  છૂટકો નથી.’ આપ્ટેએ ઊંડો શ્વાસ લીધો, ‘તે પણ હજારો નિર્દોષ પંજાબીઓનાં મોત માટે જવાબદાર છે. એ હજારો પંજાબીના આત્માની શાંતિ માટે ગાંધીએ જવાનું છે અને ગાંધીને મોકલવા માટે થોડા વધુ જીવ જાય તો કોઈ ગમ નહીં...’
આપ્ટેએ જ્યારે બધું સમજાવવાનું કામ પૂરું કર્યું ત્યારે મરીના હોટેલની રૂમ નંબર ૪૦નું વાતાવરણ ભારેખમ થઈ ગયું હતું. 
‘હજી થોડી અગત્યની વાત કરવાની છે...’ છૂટા પડતી વખતે આપ્ટેએ બધાને કહ્યું, ‘બધાએ એકબીજાથી સાવ જુદાં કપડાં પહેરવાનાં છે...’
lll

હંમેશાં પાટલૂન પહેરનારા આપ્ટેએ એ દિવસે ધોતી પહેરી તો કરકરેએ પોતાની ભમ્મર રંગી કપાળે મોટું બધું તિલક કર્યું અને મદનલાલે મુંબઇથી ખરીદેલો ભૂરો સૂટ પહેર્યો. મદનલાલે એમ જ ટાઇમપાસ માટે ફુટપાથ પર બેઠેલા એક જ્યોતિષીને હાથ દેખાડ્યો ત્યારે તેણે ભવિષ્ય ભાખ્યું હતું કે એક દિવસ મદનલાલ દેશભરમાં નામ કાઢશે. આજે એ પ્રખ્યાતિ મેળવવા મદનલાલ લાઇફમાં પહેલી વાર કોટ-ટાઇમાં સજ્જ થયા. 

‘છેલ્લી વાર બધા સાથે કંઈ પીએ?’ 
આપ્ટેએ જવાબની રાહ જોયા વિના જ વેઇટરને કૉફી લાવવાનું કહી દીધું.
સાથે બેસીને કૉફી પીધા પછી બધાએ આંખોથી જ એકબીજાને ફાઇનલ અલવિદા કરી દીધી. સૌથી પહેલાં મદનલાલ કરકરે અને નથુરામ નીકળ્યા, તો એ પછી પાંચ-પાંચ મિનિટના અંતરે બાકીના ત્રણ બિરલા હાઉસ તરફ જવા માટે નીકળ્યા અને સૌથી છેલ્લે આપ્ટે હોટેલમાંથી બહાર નીકળ્યો.
lll

‘અરે જા રે, અલીબાગ કા સમઝા હૈ ક્યા...’ આપ્ટેએ શેવરોલે ટૅક્સીના માલિકને કહ્યું, ‘આના હૈ તો આ, બારહ રૂપિયે દૂંગા.’
‘પર સા’બ...’
‘રહને દે તૂ...’ 
આપ્ટેએ રસ્તા પર બીજી ટૅક્સી માટે નજર દોડાવવા માંડી કે તરત એ ટૅક્સી-ડ્રાઇવર માની ગયો.

‘આ જાઓ સા’બ...’ ડ્રાઇવરે રાજી થઈને કહ્યું પણ ખરું, ‘ઇસી બહાને મૈં બાપુ કા દર્શન કર લૂંગા...’
પંદર મિનિટની રકઝક પછી આપ્ટેને જે ટૅક્સી મળી હતી એના નંબર હતા, પીબીએફ૬૭૧ અને કાંડા ઘડિયાળમાં સમય થયો હતો એક્ઝૅક્ટ ૪:૧પ મિનિટનો.
lll

અશક્તિને કારણે ગાંધીજીને આજે પણ ખુરસીમાં બેસાડીને એ ખુરસી ઊંચકીને પ્રાર્થનાસભામાં લાવવી પડી હતી. રસ્તામાંથી આવતા સૌકોઈ બાપુને પગે લાગતા હતા. પ્રાર્થના માટે આવેલા એ બાપુ-ભક્તોમાંથી એક વ્યક્તિ બાપુના રસ્તામાં, બાપુના ચરણસ્પર્શ માટે આગળ આવ્યો કે તરત બાપુને લઈ જનારાં અંતેવાસીઓમાંથી એક બહેને તેમને અટકાવ્યા.
‘બાપુ, પ્રાર્થનાસભા હી આ રહે હૈં...’
‘જી...’

મહાત્મા ગાંધી જુએ એ રીતે એ વ્યક્તિએ બે હાથ ઊંચા કરી બાપુને વંદન કર્યા અને ખુરસીમાં બેઠેલા બાપુએ સહેજ હાથ ઊંચો કરી તેને આશીર્વાદ પણ આપ્યા.
એ વ્યક્તિ બીજું કોઈ નહીં, પણ મોહનલાલ પાહવા હતો.
દીવાલની પાછળના ભાગમાં ટાઇમબૉમ્બ બરાબર સંતાડીને મોહનલાલ ઉતાવળે પગલે પ્રાર્થનાસભાના સ્થળે આવી ગયો હતો.
‘રાસ્તા દિજિયે...’

બાપુ સામે જોઈ રહેલા મોહનલાલને અંતેવાસીએ વિનંતી કરી એટલે પરાણે ચહેરા પર હળવાશ લાવી મોહનલાલ બાજુમાં આવી ગયો અને બાપુ રવાના થઈ ગયા. જોકે મોહનલાલનું મોઢું કડવું થઈ ગયું હતું,
‘આજ તારો છેલ્લો દિવસ...’

મોહનલાલ પાહવાની આંખ સામેથી બાપુનો કાફલો રવાના થતો હતો, પણ પાહવાના માનસપટ પર ફિરોઝપુરની હૉસ્પિટલનો એ જનરલ વૉર્ડ આવી ગયો, જેના પર ઘવાયેલા અને અંતિમ શ્વાસ લેતા તેના બાપુજી પડ્યા હતા. તે બોલવા માગતા હતા, પણ તેની સ્વરપેટી કાપી નાખવામાં આવી હોવાથી એમાંથી અવાજ બહાર નહોતો આવતો. એ મોહનલાલને કંઈ કહેવા માગતા હતા, પણ એ શબ્દો મોહનલાલના કાન સુધી ક્યારેય પહોંચ્યા જ નહીં.
‘આજે તારો અવાજ કોઈ સુધી નહીં પહોંચે...’
મોહનલાલે દાંત ભીંસ્યા.
lll

બિરલા ભવનની પાછળના ગેટ પર આપ્ટેની ટૅક્સી આવીને ઊભી રહી. ચાર રૂપિયા બચાવવાની લાયમાં આપ્ટે તેના જીવનના અત્યંત અગત્યના કામમાં મોડો પડ્યો હતો. આપ્ટેની રાહ જોતા કરકરેએ તે આવ્યો કે તરત જ રિપોર્ટ આપી દીધો અને કહી દીધું કે જે નોકરની ખોલીમાં જવાનું હતું એ ખોલીમાં રહેતા નોકરને ૧૦ રૂપિયા આપી દીધા છે અને તે અંદર પ્રવેશવા દેવા માટે રાજી છે. 
‘બહોત અચ્છે...’

કરકરેએ હવે ગાંધીજીની સામે ઊભા રહી જવાનું હતું એટલે તે રવાના થઈ ગયો.
આપ્ટેએ તરત જ બેડગેને ખોલીમાં જવા માટે રવાના કર્યો. બેડગે રવાના થયો, પણ જેવો તે બારણા પાસે પહોંચ્યો એટલે તેના પગ થંભી ગયા.
એ ખોલીમાં જે રહેતો હતો એ નોકર ખોલીની બહારની પરસાળમાં જાન્યુઆરીની કડકડતી ઠંડી ઉડાડતો મીઠો તડકો લેતો હતો. બેડગેની નજર તેની સામે પડી અને તેના પગ અટકી ગયા. કારણ કે તે એકાક્ષી એટલે કે એક આંખવાળો હતો. તેનાં જેવાં અપશુકન બેડગેને માટે ક્યાંય નહોતાં. બેડગે તરત પાછો વળી ગયો. 
‘એ માણસ કાણો છે...’ બેડગેએ કહ્યું, ‘હું એ ખોલીમાં નહીં જાઉં...’

વધુ આવતી કાલે

columnists Rashmin Shah