02 May, 2023 04:59 PM IST | Mumbai | Rashmin Shah
મારી જીવનયાત્રા (પ્રકરણ ૨)
ઢીંચીઈઈઈઆવ...
આપ્ટેએ બેડગેને ઇશારાથી જ પિસ્તોલની આગળના ભાગમાં આવેલી નળી ચેક કરવાનું કહ્યું એટલે બેડગેએ પિસ્તોલ હાથમાં લઈને નળી તરફ જોયું. નળીમાં કોઈ જાતની આડશ નહોતી એટલે બેડગેએ હાથમાં રહેલી પિસ્તોલ થડ તરફ તાકીને ટ્રિગર દબાવી દીધું અને પિસ્તોલ ગાજી ઊઠી.
ફાયરિંગના અવાજે ઝાડીમાં બેઠેલાં ચકલાં-કાબરને ગભરાવી દીધાં. આકાશમાં એ પક્ષીઓની ચિચિયારી ગુંજી તો ઝાડીમાં ઘૂસેલા એ છએ છ શખ્સોએ પણ ચિચિયારીઓ કરી મૂકી. પક્ષીઓની ચિચિયારીમાં ગભરાટ હતો, જ્યારે પેલા શખ્સોની ચિચિયારીમાં રાષ્ટ્રપિતાને હણવાની દિશામાં મૂકેલા પહેલા પગથિયામાં સફળતા મળ્યાની ખુશી હતી. અલબત્ત, એ ખુશી કંઈ લાંબો સમય ટકવાની નહોતી.
lll
‘કારતૂસ ક્યાં ગઈ.’
ફાયરિંગ પછી દોડીને ઝાડના થડ પાસે આવી ગયેલા એ શખ્સોના ચહેરા પર નવાઈ હતી. પિસ્તોલમાંથી નીકળેલી ગોળીએ થડને ક્યાંય નુકસાન નહોતું કર્યું. થડ અકબંધ હતું. એટલે હવે એ લોકો કારતૂસ શોધવામાં લાગ્યા હતા.
પહેલાં તો આખા થડનું નિરીક્ષણ કરવામાં આવ્યું, પણ પછી બેડગેએ થડ છોડીને પોતે જ્યાં ઊભો હતો એની આજુબાજુમાં જોવાનું શરૂ કર્યું અને તેના સદનસીબે તેણે ફાયરિંગ કર્યું હતું એ જગ્યાએથી માત્ર પાંચ જ ફુટના અંતરેથી તેને ફૂટી ગયેલી કારતૂસનું ખોખું મળ્યું.
ઝાડ અને બેડગે વચ્ચે દસ ફુટનું અંતર હતું, પણ ગોળી એટલું અંતર પણ કાપી નહોતી શકી.
‘ફિર સે કોશિશ કર...’ નથુરામે કહ્યું, ‘ઇસ બાર ધ્યાન રખના...’
બેડગે ફરી એ જ જગ્યા પર પાછો આવ્યો અને તેણે એ જ ઝાડનું નિશાન લઈને ફાયરિંગ કર્યું જે થડ પર પહેલાં ગોળી છોડી હતી.
ઢીંચીઈઈઈઆવ...
ફાયરિંગ થયું, પણ આ વખતે ગોળીએ દિશા બદલી અને થડ તરફ જવાને બદલે જમણી તરફ વળી ગઈ.
‘ઠીક હૈ, ફિર સે કર કોશિશ...’
સૂચના આવી એટલે બેડગેએ નવેસરથી નિશાન લઈને ફાયરિંગ કર્યું, પણ આ વખતે ગોળી ચારેક ફુટ દૂર જઈને જમીન પર પડી ગઈ. વધુ એક ટ્રાય અને આમ કરતાં-કરતાં એ છ શખ્સોએ દસ કારતૂસ ફાયરિંગ કર્યું અને એક પણમાં તેમને સફળતા મળી નહીં.
‘મૈંને બમ્બઈ મેં હી કહા થા...’ આપ્ટેના સ્વરમાં ગુસ્સો હતો, ‘યે ખિલૌના કહી નહીં ચલેગા... આ ગયે ફટાકે જલાને કા તમંચા લે કે...’
આપ્ટેની વાત ખોટી નહોતી. બૉમ્બેથી દિલ્હી જતાં પહેલાં જ તેણે બધાને કહ્યું હતું કે આપણે આ પ્રકારની પિસ્તોલ લઈને સીધા બિરલા હાઉસ પહોંચતાં પહેલાં એક વખત એની ટ્રાય કરવી જોઈએ.
lll
‘અરે, ચિંતા કરવાની જરૂર નથી...’ ગોપાલે દાવા સાથે કહ્યું હતું, ‘એકદમ ઊંચી આઇટમ છે. નિશાન ખાલી જાય નહીં.’
‘હા, પણ એવું તમે કઈ રીતે કહી શકો છો?!’ આપ્ટેએ ફરી દલીલ કરી, ‘એક પણ વાર ચલાવી કે પછી વેચનારાએ કહ્યું અને તમે માની લીધું?’
‘ભરોસો પણ હોવો જોઈએને?!’ નથુરામ આગળ આવ્યો, ‘કહ્યું છે તો પછી એમાં દલીલ કરવાની જરૂર નથી... કામ તો મારે કરવું છેને?!’
‘નથુ, વાત કામની નથી. વાત શહીદીની છે.’ આપ્ટેએ તર્કબદ્ધ વાત કરી, ‘અને કામ પહેલાં શહીદી મળે એ મને નથી જોઈતું. જો પિસ્તોલ સારી નહીં હોય તો ત્યાં હાજર રહેલા કોઈ આપણને પકડ્યા વિના છોડશે નહીં અને ગાંધી બચી જશે એ લટકામાં.’
lll
અત્યારે એવું જ થયું હતું અને આપ્ટેના શબ્દો સાચા પડ્યા હતા. ફરક માત્ર એટલો હતો કે તેમણે પિસ્તોલની ટ્રાયલ બિરલા હાઉસમાં નહીં પણ એની પાછળ આવેલી ઝાડીમાં લીધી હતી.
‘વિચારો, અત્યારે અંદર જઈને આ રીતે આપણે ફાયરિંગ કર્યું હોત તો શું થયું હોત?’ કોઈ કશું બોલ્યું નહીં એટલે આપ્ટેએ જ જવાબ આપ્યો, ‘ગાંધીને લઈને બધા અંદર જતા રહ્યા હોત અને પછી આપણે પણ અંદર હોત અને એ પણ કામ પૂરું કર્યા વિના...’
ગાંધીજીની હત્યાનું કાવતરું રચનારાઓના ચહેરા પર હવે હતાશા પ્રસરી ગઈ હતી. બધું જ બરાબર હતું અને અંતિમ સુધી તે સૌ પહોંચી ગયા હતા, પણ દશેરાના દિવસે જ ઘોડું ન દોડે એવો ઘાટ સર્જાયો હતો. બધા આવી ગયા હતા તે વ્યક્તિને હણવા જે છૂટા પડ્યા પછી હિન્દુસ્તાનમાં બેસીને પણ પાકિસ્તાનની તરફદારી કરતી હતી. માત્ર પચ્ચીસ ફુટના અંતરથી એ શખ્સને હણવાની યોજના બનાવવામાં આવી હતી અને એ શખ્સથી અત્યારે તે સૌ માંડ ૨૦૦ ફુટ દૂર હતા, પણ હવે તેમના હાથમાં એવું હથિયાર નહોતું જેનાથી ગાંધીજીની હત્યા થઈ શકે.
‘નજીક જવા મળે તો હું તૈયાર છું...’ નથુરામે ખોટકાયેલી પિસ્તોલ સાથે પણ કામ કરવાની તૈયાર દર્શાવી, ‘જો ચાર-પાંચ ફુટનું અંતર હશે તો વાંધો નહીં આવે...’
‘નહીં જવા દે તેમની નજીક કોઈ...’ આપ્ટેએ અકળામણ સાથે કહ્યું, ‘ઉપવાસ હજી હમણાં જ છોડ્યા છે એટલે કોઈને ચરણસ્પર્શની પરમિશન પણ નહીં હોય...’
મહામહેનત દિલ્હી સુધી લાવેલું હથિયાર પણ ખોટકાયેલું નીકળ્યું એ વાતના રંજ કરતાં પણ વધારે દુઃખ એ વાતનું હતું કે કાર્યસિદ્ધિ સુધી પહોંચી ગયા પછી પણ તેમનાથી કામ થઈ શકવાનું નહોતું.
‘બેડગે, એક કામ કર...’ આપ્ટેએ તરત જ રસ્તો કાઢ્યો, ‘તારી પિસ્તોલ કાઢ...’
બેડગેને નવાઈ લાગી. તેણે પોતાના હાથમાં રહેલી પિસ્તોલ આપ્ટે સામે ધરી.
‘અરે, આ નહીં, તારી... તારી પાસે પણ છેને એક...’
‘હા, એ આ જ છે...’ બેડગેએ લેંઘાના ખિસ્સામાંથી બીજી પિસ્તોલ કાઢી, ‘નથુરામે વાપરી એ પિસ્તોલ આ રહી... એ તો ચાલતી જ નથી.’
આ પણ વાંચો : મારી જીવનયાત્રા (પ્રકરણ ૧)
આપ્ટેના ચહેરાનું નૂર ઊડી ગયું. તેને હતું કે નથુરામવાળી પિસ્તોલ જ બગડેલી છે; પણ ના, બન્ને પિસ્તોલમાં દમ નથી. એક તો સાવ બગડેલી છે અને બીજી... બીજી પિસ્તોલમાં કારતૂસને દૂર મોકલવાની તાકાત નથી.
હવે, જો આ રિપેર ન થઈ તો?
- તો ગાંધીજી પાકિસ્તાનને તમામ પ્રકારની સુવિધા આપવાના કાર્યમાં આગળ વધી જશે અને આપણે બસ બધું બેઠા-બેઠા જોવાનું!
lll
એ દિવસે બિરલા હાઉસમાં આવનારા મુલાકાતીઓની સંખ્યા પર કાબૂ રાખવાની કોશિશ થઈ હતી, પણ બાપુના આદેશ વચ્ચે એ નિયંત્રણ ઉઠાવી લેવામાં આવ્યું હતું. બાપુએ લખીને કહ્યું હતું કે મને મળવા આવતા કોઈને રોકવામાં ન આવે. બાપુનો આદેશ એટલે બ્રહ્મવાક્ય. તમામ પ્રકારના લોકો માટે બિરલા હાઉસના દરવાજા ખોલી નાખવામાં આવ્યા અને બાપુનાં દર્શન માટે લોકોની ભીડ શરૂ થવા માંડી. અફકોર્સ, સવારના સમયે બાપુ કોઈને મળતા નહીં એટલે ભીડ પ્રમાણમાં શાંત હતી.
સવારના સમયે બાપુને મળવામાં મોટા ભાગે કૉન્ગ્રેસના નેતાઓ અને સામાજિક આગેવાનોની સંખ્યા વધારે રહેતી. એ દિવસે બાપુને મળવામાં જહાંગીર પટેલ પણ એક હતા. આ એ જ વ્યક્તિ હતી જેને ગાંધીજીએ પાકિસ્તાન ખાતે પોતાની મુલાકાતની તૈયારી માટે મોકલી હતી. જહાંગીર પટેલ અનેક રીતે બહુ જરૂરી હતા.
રૂની દલાલી કરતા જહાંગીર પટેલ પાકિસ્તાનના પ્રથમ વડા પ્રધાન અને મુસ્લિમ લીગના ચૅરમૅન મોહમ્મદઅલી જિન્નાહ સાથે ગુપ્ત ચર્ચા કરતા હતા, જે લાંબા સમયથી ચાલતી હતી. બાપુએ જ્યારે પાકિસ્તાન જવાની ઇચ્છા દર્શાવી ત્યારે મોહમ્મદઅલી જિન્નાહે તો સ્પષ્ટ ના જ પાડી દીધી હતી, જેની પાછળ જિન્નાહનો બાપુ પ્રત્યેનો છૂપો રોષ વ્યક્ત થતો હતો.
વર્ષો પહેલાં બાપુને કારણે જ જિન્નાહે કૉન્ગ્રેસના સિનિયર પદથી ઊતરી જવું પડ્યું હતું, જે તેમને આજ સુધી ભુલાયું નહોતું. એ દિવસથી જિન્નાહના મનમાં બાપુ પ્રત્યે અવિશ્વાસ આવી ગયો હતો અને આ અવિશ્વાસ પણ દેશના ભાગલા કરવામાં નિમિત્ત બન્યો હતો. ગાંધીજીની ઇચ્છા અમન અને શાંતિ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાની હતી, પણ બાપુની દરેક વાતને ચાલ તરીકે જોતા જિન્નાહે મનોમન ધારી લીધું હતું કે બાપુ ભારત વતી કોઈ મેલી મુરાદ સાથે જ પાકિસ્તાનમાં દાખલ થવાના છે.
‘એ લુચ્ચા શિયાળને અહીં શું કામ છે?!’ ગાંધીજી પાકિસ્તાન આવવા માગે છે એ વાત જ્યારે મોહમ્મદઅલી જિન્નાહ પાસે આવી ત્યારે જિન્નાહની પહેલી પ્રતિક્રિયા આ હતી, ‘પાકિસ્તાનને તેમની કોઈ જરૂર નથી, કહી દો ના...’
નકાર મોકલાવી દેનારા જિન્નાહને બાપુના ઇરાદામાં ફરક ત્યારે દેખાયો જ્યારે તેમને ખબર પડી કે પાકિસ્તાનને તેમના હિસ્સાની કૅશ મળી જાય એ માટે બાપુએ આમરણાંત ઉપવાસ જાહેર કર્યા અને એ પછી જ્યારે તેમને ખબર પડી કે ભારત હવે એ રૂપિયા આપવા તૈયાર છે ત્યારે તેમનું શેતાની દિમાગ જરા શાંત પડ્યું. જોકે એ પછી પણ જિન્નાહને આ બધામાં પણ કોઈ ને કોઈ રમતની ગંધ આવ્યા કરતી હતી. અલબત્ત, બાપુના આ આચરણને કારણે પાકિસ્તાનના મુસ્લિમોને ખ્યાલ આવી ગયો હતો કે મહાત્મા ગાંધી ખરેખર હિતેચ્છુ છે. તેમને હવે એ પણ ખ્યાલ આવી ગયો હતો કે ભારતમાં રહેતા તેમના મુસ્લિમ ભાઈઓને કારણે જ ગાંધીજી આટલું દુ:ખ સહન કરે છે.
કહેવું જ રહ્યું કે ગાંધીજીના ઉપવાસથી જિન્નાહના હૃદયના દરવાજા તો તેમના માટે ખૂલ્યા નહીં, પણ પાકિસ્તાનના દરવાજા તેમના માટે ખૂલી ગયા હતા. જે દિવસે ભારત સરકારે ગાંધીજીની વાત માની લીધી અને ગાંધીજીના ઉપવાસનો અંત આવ્યો એ દિવસે જિન્નાહે પોતાના આ રાજકીય દુશ્મનને પોતાની ધરતી પર આવકાર આપવાનું કબૂલ્યું હતું.
જિન્નાહના નિર્ણય વિશે જેવી બાપુને જાણકારી મળી કે બીજી જ ક્ષણે બાપુના ચહેરા પર ખુશી પ્રસરી ગઈ અને એ મુઠ્ઠીભર હાડકામાં ઉત્સાહ ઉમેરાયો.
હવે તેઓ પોતાના જીવનના એક મહત્ત્વના વળાંકે પહોંચ્યા હતા. તેમને લાગ્યું કે પોતાનો અહિંસાનો સિદ્ધાંત હવે તેઓ ભારતની બહાર લઈ જશે અને એ પછી વિશ્વભરમાં અહિંસાની નીતિને મહામંત્ર બનાવી શકશે. એ પણ એટલું જ સાચું કે અગાઉ બાપુએ આ વિશે ક્યારેય વિચાર્યું નહોતું; કારણ કે ભારતની આઝાદી, સ્વતંત્ર ભારત એ તેમના માટે પ્રથમ કર્તવ્ય હતું અને એ કર્તવ્યથી તેઓ જરા પણ વિચલિત થવા તૈયાર નહોતા. જોકે રાષ્ટ્ર આઝાદ થયા પછી તેમણે મનોમન નક્કી કર્યું હતું કે હવે તેઓ પોતાનાં બાકીનાં વર્ષો દરમ્યાન અહિંસાના સંદેશને વિશ્વભરમાં પ્રસરાવશે અને ઈશ્વર નિર્મિત સૃષ્ટિમાં ભાઈચારાની ભાવના વહાવશે.
બાપુના અહિંસાના આ સંદેશે બ્રિટિશરોની સાડાત્રણસો વર્ષ જૂની સત્તાને ઉખેડવાનું કામ કર્યું હતું તો તેમના ઉપવાસ આંદોલને ભાન ભૂલેલા દેશવાસીઓને પણ ફરી સન્માર્ગે દોરવાનું કામ કર્યું હતું. આ જ તો કારણ હતું કે પોતે પાકિસ્તાન કેવી રીતે જશે એ પણ બાપુએ નક્કી કરી રાખ્યું હતું.
મોહમ્મદઅલી જિન્નાહની ઇચ્છા હતી અને તેમણે જહાંગીર પટેલ સાથે કહેવડાવ્યું પણ હતું કે ગાંધી મુંબઈથી કરાચી સ્ટિમરમાં આવે, પણ બાપુની એવી કોઈ ઇચ્છા નહોતી. બાપુ તો ઇચ્છતા હતા કે તે એ જ રીતે પાકિસ્તાન જવા માટે નીકળે જે રીતે તેમણે ટ્રાન્સવાલની સરહદ ઓળંગી હતી, જે રીતે તેમણે મીઠાના સત્યાગ્રહ માટે કૂચ કરી હતી અને જે રીતે તેમણે હિન્દનાં હજારો ગામડાંમાં જઈને સ્વાસ્થ્ય, સ્વચ્છતા, અહિંસા અને એખલાસનો ઉપદેશ આપ્યો હતો. હા, તે એ જ રીતે પાકિસ્તાન જવા માગતા હતા.
પગપાળા અને એ પણ પંજાબની એ ભૂમિ પરથી જે આઝાદી સમયે લોહભીની થઈ હતી અને એ ભૂમિ પરથી જેણે ભયાનક વેદના, યાતના અને તરફડતા લોકોને જોયા હતા. આ જ રસ્તા પરથી પસાર થઈને બાપુ જિન્નાહના દેશમાં જવા માગતા હતા, પણ અત્યારે... અત્યારે તો ગાંધીજીના પગમાં બિરલા હાઉસની લૉન પણ વટાવી શકવાની શક્તિ નહોતી અને એમ છતાં તેઓ પ્રાર્થનાના જાહેર કાર્યક્રમનો નિયમ તોડવા માગતા નહોતા એટલે તેમને ખુરસીમાં બેસાડીને, પાલખીમાં લઈ જવાતા હોય એ રીતે પ્રાર્થનાસભામાં લઈ જવામાં આવ્યા, જ્યાં મોત તેમની રાહ જોતું હતું.
lll
નથુરામ, ભાઈ ગોપાલ અને નારાયણ આપ્ટે ગાંધીજીનાં દર્શન માટે એ સભામાં નહોતા આવ્યા. તેઓ તો બિરલા હાઉસનો અભ્યાસ કરવા અને ગાંધીજીને માર્યા પછી ક્યાંથી નીકળવું એ રસ્તો જોવા માટે આવ્યા હતા. એ દિવસે ગોપાલ ગોડસેએ પહેલી વાર રૂબરૂ ગાંધીજીને જોયા હતા. પ્રાર્થના માટે મુકાયેલા પ્લૅટફૉર્મ પર પગ વાળીને બેઠેલા બાપુને જોઈને તેને નવાઈ લાગી હતી કે આ માણસ કેવી રીતે આટલી તાકાત ધરાવતો હશે.
તકલાદી ઘરડો માણસ...
ગાંધીજીની હત્યાનું કામ તેને અત્યંત સામાન્ય કાર્ય લાગ્યું, પણ જેવી તેની નજર બાપુનાં દર્શન માટે આવેલા લોકોના ટોળામાં ભળી ગયેલી સાદા વેશમાં આવેલી પોલીસ પર પડી કે તે સમજી ગયો કે આ કામ આસાન નથી. આ જ વાતની ખાતરી તેને બિરલા હાઉસમાંથી બહાર નીકળતી થઈ ગઈ. બિરલા હાઉસની ડાબી તરફ નખાયેલા પોલીસ ટેન્ટમાં પડેલા ટેબલ પર પડેલી સબ-મશીનગન જોઈને ગોપાલ ગોડસે સમજી ગયો કે અહીંથી ભાગવાની તક મળવાની નથી.
વધુ આવતી કાલે