01 May, 2023 11:44 AM IST | Mumbai | Rashmin Shah
મારી જીવનયાત્રા (પ્રકરણ ૧)
નવી દિલ્હી.
૧૯ જાન્યુઆરી ૧૯૪૮
દેશ આઝાદ થયાને હજી માંડ પાંચ મહિના થયા હતા. જે આઝાદી માટે હિન્દુસ્તાન રીતસર ટળવળતું હતું એ આઝાદી હવે સાંપડી ગઈ હોવા છતાં પણ વાતાવરણ સહેજ ભારેખમ હતું. અલબત્ત, આ ભારેખમ વાતાવરણ રાજકીય વર્તુળ વચ્ચે જ હતું. સામાન્ય લોકોને એ વાતાવરણ સ્પર્શતું નહોતું. તેમના માટે એક જ વાત અગત્યની હતી - બાપુએ ઉપવાસ છોડ્યા.
બાપુ સાથે રહેતા અને તેમના અંતેવાસી બનતા ગયેલા પ્યારેલાલે પોતાની ડાયરીમાં તારીખ અને વાર ટપકાવીને લખ્યું હતું કે ઉપવાસ પછી ગાંધીજી વધારે આનંદિત અને પ્રફુલ્લિત રહેવા લાગ્યા છે. પ્યારેલાલે ડાયરીના આગળના શબ્દો લખતાં પહેલાં સહેજ ઊંડો શ્વાસ લીધો અને પછી કલમને કાગળ સાથે ચુંબન કરાવીને લખવાનું શરૂ કર્યું.
ઉપવાસની સફળતા બાપુના ચહેરા પર વર્તાઈ રહી છે. બાપુ ખુશ છે અને આ ખુશી કહે છે કે ઉપવાસની સફળતાએ બાપુને નવી આશાઓ આપી છે. આજે દરેક અખબારમાં બાપુના સમાચારો છે. બાપુના સમાચારોને લાંબા સમયથી જોતો આવ્યો છું એટલે દાવા સાથે કહી શકું કે ૧૯૨૯ના મીઠાના સત્યાગ્રહ સમયે તેમને જે સફળતા મળી હતી એ સફળતા પછી બાપુના આ ઉપવાસે દુનિયાને ચકિત કરી દીધી છે.
પ્યારેલાલ બાપુ વતી અખબારો વાંચવાથી માંડીને ટેલિગ્રામ વાંચવાનું કામ કરતા. ઉપવાસ દરમ્યાન પણ તેમની એ જ પ્રક્રિયા હતી. બાપુએ ઉપવાસ છોડ્યા એ પછી બાપુનું દિલ્હીનું રહેઠાણ બની ગયેલા બિરલા હાઉસમાં ટેલિગ્રામનો રીતસર ગંજ ખડકાઈ ગયો હતો. સવારના સમયે આવેલા ટેલિગ્રામ વાંચવાને બદલે પ્યારેલાલે બાપુને માત્ર આંકડો કહ્યો હતો...
‘બાપુ, આઠ હજાર સુધી ગણતરી થઈ... પછી એ ગણવાનું પડતું મૂક્યું.’
બોખા મોઢે બાપુએ સ્મિત કર્યું.
દાંત ગયા પછી બાપુ જ્યારે પણ સ્મિત કરતા ત્યારે તે નાના બાળક જેવા નિર્દોષ લાગતા.
ઉપવાસની અશક્તિ હજી બાપુના શરીરમાં હતી એટલે તેઓ શબ્દોને બદલે માત્ર હાવભાવથી વાત કરતા. પ્યારેલાલે બાપુને ટેલિગ્રામનો આંકડો કહ્યો અને બાપુએ સ્માઇલ કરીને નજર ફેરવી લીધી એ જોઈને પ્યારેલાલ બાપુનો ઇશારો સમજી ગયા. બાપુ કહેતા હતા કે સમાચાર સંભળાવો.
પોતાનાં વખાણોથી કે પછી તારીફની વાતોથી દૂર રહેવામાં માનતા બાપુને કેમ કહેવું કે આજે દરેક અખબારમાં તમારી જ વાત છે અને એ પણ દુનિયાભરનાં અખબારોમાં. ‘વૉશિંગ્ટન પોસ્ટ’એ લખ્યું હતું, ‘ગાંધીએ જે શક્તિ દેખાડી એ પરમાણુ બૉમ્બ કરતાં પણ વધારે અસરકારક પુરવાર થઈ છે. વિશ્વને આવી જ શક્તિની જરૂર છે.’ હંમેશાં કૂથલી કરવામાં માનતા અને બ્રિટિશરોની તરફદારીમાં રચ્યાપચ્યા રહેતા ‘ધ સન’એ શબ્દો ચોર્યા વિના લખ્યું હતું, ‘પોતે ન ખાય અને દુનિયાભરના લોકોનો ખોરાક કડવો કરી નાખે એવી ક્ષમતા ભાગ્યે જ કોઈનામાં હોય છે. ગાંધી એ ક્ષમતા ધરાવે છે અને આવતા સમયમાં આવી ક્ષમતા સદીઓ સુધી કોઈનામાં જોવા મળવાની નથી.’ ‘ધ સન’ની હેડલાઇન હતી : નેબર્સ એન્વી, ઇન્ડિયા’સ પ્રાઇડ.
‘ગાર્ડિયન’એ તો ફ્રન્ટ પેજ પર બાપુનો આદમકદ ફોટો છાપ્યો હતો અને બે-ચાર લાઇનમાં જ સમાચાર લખ્યા હતા. હકીકતમાં એ સમાચાર નહોતા, માત્ર વાત હતી. મનની વાત. ‘ગાર્ડિયન’એ લખ્યું હતું, ‘સંતોમાં પૉલિટિકલ એક્સપર્ટ્સ હોતા હશે કે નહીં એ તો કોઈ નથી જાણતું, પણ એટલું નક્કી છે કે પૉલિટિકલ એક્સપર્ટ્સમાં ગાંધી સંત છે.’ ફ્રેન્ચ હેરલ્ડે શબ્દો ચોર્યા વિના જ કહી દીધું હતું, ‘બાપુની જિંદગી બચી ગઈ એને લીધે દુનિયા આખીનો શ્વાસ હવે રિધમથી ચાલવાનો શરૂ થયો છે.’ ‘ઇન્ડોનેશિયા ટાઇમ્સ’નો પણ સૂર એ જ હતો. એણે લખ્યું હતું, ‘ઈસ્ટ આજે પ્રાઉડ ફીલ કરે છે અને વેસ્ટ અફસોસ કરે છે કે આવી વ્યક્તિ આપણે ત્યાં કેમ નથી જન્મી?’ દુનિયાભરનાં અખબારોમાં બાપુની વાત હતી, બાપુની તારીફ હતી અને બાપુની ચર્ચા હતી. ઇજિપ્ત જેવા મુસ્લિમપ્રધાન દેશના અખબારના ફ્રન્ટ પેજ પર પણ બાપુની નોંધ હતી. ‘ઇજિપ્ત વર્લ્ડ’માં એડિટરે ક્રીએટિવ હેડિંગ આપ્યું હતું અને લખ્યું હતું,
‘હિન્દુ + મુસ્લિમ = બાપુ’.
- અને કેટલાક એવા પણ હતા જેમના મનમાં આ સમાચારોએ ઝાળ લગાડી હતી. એ લોકો જરા પણ દૂર નહોતા. બાપુની નજીક તેઓ પહોંચી ગયા હતા અને બાપુનો જીવ લેવાનું પ્લાનિંગ તેમના પ્રાઇમ-લિસ્ટમાં હતું.
એ સોમવારનો દિવસ હતો અને મહાત્મા ગાંધીના બચી ગયેલા શ્વાસો માટે તેમને ભારોભાર રોષ હતો.
lll
એકધારા ઉપવાસ પછી બાપુમાં અશક્તિ આવી હતી. અલબત્ત, વાત માન્ય રહી હતી એ વાતે તેમનામાં જુસ્સો ફરી પાછો ભરી દીધો હતો. પહેલાં જે શરીર સાથ નહોતું આપતું એ શરીર હવે તેઓ ઇચ્છા સાથે ફેરવતા હતા. રીતસર દેખાતું હતું કે બાપુ હવે નવેસરથી જિજીવિષા સાથે આગળ વધી રહ્યા છે. આજે તેમનું વજન એક રતલ ઘટીને ૧૦૬ થયું હતું. સામાન્ય નજરમાં આ ખરાબ વાત કહેવાય, પણ યુરોલૉજિસ્ટે આપેલા રિપોર્ટ પછી સુશીલા નાયર પણ આ ઘટેલા વજનને રાજી થઈને જોતાં થયાં હતાં.
‘ઇટ’સ ગુડ સાઇન... ગાંધીજીની કિડનીઓ ફરીથી કામ કરે છે... એ શરીરમાં રહેલો કચરો બહાર ઠાલવે છે.’
બસ, ત્યાં હાજર રહેલા સૌકોઈના ચહેરા પર નવા સૂર્યોદય જેવી ચમક આવી ગઈ અને એ ચમક જોઈને બાપુ સહેજ હસી પડ્યા. તે કંઈક બોલ્યા પણ ખરા, પણ દાંત વિનાનાં જડબાંમાં જીભ લપસી ગઈ એટલે એ શબ્દો કોઈને સમજાયા નહીં. એકાદ વ્યક્તિએ તો પૃચ્છા પણ કરી, પણ બાપુએ હાથના ઇશારે જ ‘કશું નહીં’ એવું કહી દીધું.
જાતને દરેક વખતે અગ્નિપરીક્ષામાં મૂકીને બાપુએ પોતાના ૭૮ વર્ષના શરીરને પંદર વર્ષ મોટી વયનું કરી દીધું હતું. જોકે બાપુ પાસે એ જ શસ્ત્ર હતું, એ જ હથિયાર હતું અને આ હથિયારનો ઉપયોગ તેઓ સુપેરે કરી જાણતા હતા.
lll
જે સમયે ગાંધીજીનું વજન થયું એ જ સમયે તેમના પર મંડરાતો મોતનો ઓછાયો બિરલા મંદિર પહોંચી ગયો હતો. એક નહીં, એ છ ઓછાયા હતા અને એ છએ છના મનમાં એક જ વાત હતી : આજે ગાંધીજી બચવા ન જોઈએ!
ધાડ...
ધાડ...
ધાડ...
એક પછી એક છ લોકો બિરલા મંદિરની પાછળ આવેલી ઝાડીમાં ઊતર્યા. એ ઝાડીમાં ઊતરવા માટે પાસે રહેલી દીવાલ પર ચડવાનું હતું. એ દીવાલ ઊંચી હતી એટલે અંદર આવવા માટે દીવાલ પાસે પથ્થરોની એક ટેકરી બનાવવાની હતી. એ ટેકરી બનાવવાનું રિહર્સલ એ છ લોકોએ અગાઉ કરી લીધું હતું, પણ કરમની કઠણાઈ જુઓ કે ત્યાં પડેલા પથ્થરો હજી આજે વહેલી સવારે જ સફાઈ કર્મચારીઓએ ઉપાડી લીધા હતા. એને લીધે જે ટેકરી બનાવવામાં આઠેક મિનિટનો સમય લાગવાનો હતો એ ટેકરી માટે પથ્થર શોધવામાં જ વીસેક મિનિટ નીકળી ગઈ અને એ પછી દસ મિનિટ ટેકરી બનાવવામાં થઈ.
‘આપણે મોડા છીએ...’ છમાંથી એકે બધાને ઉતાવળ કરાવવાના હેતુથી કહ્યું, ‘જલદી કરો, નહીં તો પ્રાઇમ મિનિસ્ટર આવશે તો બધું બગડી જશે.’
lll
અંદર દાખલ થવાની પ્રક્રિયા શરૂ થઈ અને છએ છ વ્યક્તિ ઝાડીમાં દાખલ થઈ.
‘યહાં સે આગે જાકે સીધા બિરલા હાઉસ મેં...’
‘નહીં, ઐસે નહીં...’
નથુરામ અને નારાયણ આપ્ટે ઊભા રહી ગયા એટલે બાકીના ચારે પણ ઊભા રહેવું પડ્યું. નારાયણ આપ્ટે સહેજ આગળ આવ્યા.
‘પહેલાં જે હથિયારો લીધાં છે એ ચકાસી લઈએ...’
‘અરે, એની જરૂર નથી...’
આ પણ વાંચો : 1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા -પ્રકરણ 39
‘જરૂર છે. જો એ ચાલ્યાં નહીં અને અત્યારે ખબર પડી ગઈ તો આપણે ફરી આવી શકીશું, પણ જો અંદર ગયા પછી એ નહીં ચાલે તો આપણે બધા અંદર અને એ...’ ગાંધીજી માટે ઘસાતો શબ્દપ્રયોગ કરીને નથુરામે વાત પૂરી કરી, ‘એના કરતાં અત્યારે જ આપણે એ હથિયાર ચકાસી લઈએ...’
‘અહીં?!’
ગોપાલ ગોડસેને ચકાસણી સામે વિરોધ નહોતો, પણ આ સ્થળ તેને જરા ભેદી લાગતું હતું. પુણેમાં ૨૦૦ રૂપિયા ખર્ચીને ખરીદેલી પિસ્તોલનો અવાજ જો બિરલા હાઉસમાં પહોંચ્યો તો પણ ગાંધીજીના અંતેવાસીઓ સાબદા થઈ જાય અને છેલ્લા થોડા સમયમાં એવું અનેક વાર બન્યું હતું. ગાંધીજી માટેની નારાજગી વધતી જતી હતી. ખાસ તો એ સમયથી જે સમયથી બાપુએ જાહેરમાં પાકિસ્તાનનો પક્ષ લેવાનું શરૂ કર્યું હતું.
lll
‘હમેં યે નહીં ભૂલના ચાહિએ કિ વો હમારે હી ભાઈ હૈં... ઉનકે સાથ ઐસા વ્યવહાર કભી મત કરના કિ કોઈ હમ પર હસે...’ નેહરુ અને સરદાર સાથે બેઠા હતા ત્યારે ગાંધીજીએ કહ્યું હતું, ‘બડે ભાઈ હોના કા ફર્ઝ અદા કરો ઔર ઝરૂરત પડને પર સબ કુછ ભૂલ કર સાથ ખડે રહો...’
ગાંધીજીનાં આ વાક્યોને અઢળક લોકોએ હકારાત્મકતાથી લીધાં અને તેમના આ જ શબ્દોએ અનેક લોકોનું લોહી ઉકાળી દીધું. સત્તાની લાલસામાં જે માણસ અખંડ હિન્દુસ્તાનના ભાગલા પડાવે અને એ પડાવ્યા પછી બન્ને દેશ વચ્ચે લોહીની નદીઓ વહે એ દેશની બાજુમાં કઈ રીતે ઊભા રહી શકાય? કઈ રીતે એને મદદ કરવા માટે આગળ આવી શકાય અને કઈ રીતે એની ખોટી માગ...
‘સરદાર... આપ તો કુછ કહો હી મત...’ વલ્લભભાઈ પટેલ કંઈ કહેવા જતા હતા એટલે ગાંધીજીએ તેમને રોક્યા, ‘આપકો ગુસ્સા તુરંત આતા હૈ ઔર ઇસ વક્ત બાત હમ પ્યાર ઔર મોહબ્બત કી કર રહે હૈં... પ્યાર ઔર ભાઈચારે સે બડા કોઈ નહીં હૈ.’
lll
કંટોલા...
અત્યારે, આ સેકન્ડે પણ નથુરામને બાપુના શબ્દો યાદ આવ્યા અને તેની જીભ કડવી થઈ ગઈ. તેણે ભાઈ ગોપાલ ગોડસે સામે જોયું.
‘જગ્યા પણ બરાબર છે અને વાતાવરણ પણ યોગ્ય છે...’ નથુરામે હાથ લંબાવ્યો, ‘લાવ જલદી...’
lll
ગોપાલ ગોડસેએ તરત જ હાથમાં રહેલી ખાદીની થેલીમાં હાથ નાખ્યો અને એમાંથી પિસ્તોલ બહાર કાઢી. પિસ્તોલ ખાલી હતી એ ચકાસ્યા પછી તેણે પોતાના લેંઘાના ખિસ્સામાં હાથ નાખીને એમાંથી કારતૂસો કાઢી અને એ પિસ્તોલમાં ભરી. નથુરામનો હાથ હજી લાંબો જ હતો, પણ એ તરફ જોવાની તસ્દી લીધા વિના જ ગોપાલે આજુબાજુમાં નજર કરી અને પછી એક ઝાડ પસંદ કરી એ ઝાડથી પચ્ચીસ ડગલાં દૂર આવીને ઊભો રહી ગયો.
ગોપાલના ચહેરા પર મક્કમતા હતી. એ જ મક્કમતા સાથે તેણે હાથ લાંબો કર્યો અને ઝાડના થડને નિશાન બનાવ્યું. એ થડમાં તેને ગાંધીજી દેખાતા હતા. ઝાડ પર લટકતી ડાળીઓ જાણે કે ગાંધીજીના શબ્દો હતા અને ગોપાલના ચહેરા પર ખુન્નસ પ્રસરી ગયું.
લંબાવેલા હાથથી થડનું નિશાન લેતી વખતે તેણે ધીમેકથી ડાબી આંખ બંધ કરી અને દાંત ભીંસતા ટ્રિગર પર હાથ મૂકી દીધો.
ખટાક...
કંઈ થયું નહીં.
ગોપાલે ફરીથી પિસ્તોલ ચલાવી અને ટ્રિગર દબાવી, તોય કંઈ જ થયું નહીં.
ત્યાં જ ઊભેલા આપ્ટેએ બેડગેને ઇશારો કરી પિસ્તોલની આગળના ભાગમાં આવેલી નળી ચેક કરવાનું કહ્યું, ઇશારાથી જ. બેડગેએ પિસ્તોલ હાથમાં લીધી અને પછી તેણે એ જ પિસ્તોલ થડ તરફ તાકીને ટ્રિગર દબાવ્યું.
ઢીંચીઈઈઈઆવ...
પિસ્તોલે કરેલા અવાજે ઝાડીમાં બેઠેલાં ચકલાં-કાબરને ગભરાવી દીધાં અને આકાશમાં એ પક્ષીઓની ચિચિયારી ગૂંજી ઊઠી તો ઝાડીમાં રહેલા છએ છ શખ્સોએ પણ ચિચિયારીઓ કરી મૂકી. અલબત્ત, પક્ષીઓએ ગભરાટની ચિચિયારી કરી હતી, જ્યારે પેલા છ શખ્સે શાંતિદૂતને હણવાની દિશામાં પહેલું પગથિયું સફળતાથી ચડાયું એ વાતની ખુશીમાં ચિચિયારી કરી હતી.
વધુ આવતી કાલે