26 April, 2023 03:01 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
લાગી રે લગન (પ્રકરણ ૩)
સૉરી અનન્યા, આજે તારા જીવનનો અંત આવી જવાનો!
તરુણાએ દમ ભીડ્યો. પોતાની યોજના પર્ફેક્ટ લાગતી હતી, ‘અનન્યાને બેભાન કરી ઍરનું ઇન્જેક્શન આપી દઈશ એટલે ખેલ ખતમ! લોકો માની લેશે કે ઊંઘમાં જ તેનું હાર્ટફેલ થઈ ગયું! સૌથી વધુ આઘાત હું દાખવીશ : અરે, અમે સાથે જમ્યાં, કેટલી અલકમલકની વાતો કરી... અને આ શું થઈ ગયું!’
‘રોજ આવતી રહીશ હું. આર્વિકના પેરન્ટ્સને જાળવવાના બહાને આર્વિકની દેખરેખ રાખીશ એ જોઈ માજી જ દીકરાને સમજાવવાનાં કે જનાર પાછળ જવાતું નથી દીકરા, તને-ઘરને જતનથી જાળવનારીનો ખપ છે અને એ તરુણાથી યોગ્ય કોઈ નહીં હોય!’
‘આમીન!’
lll
‘જીવન કી બગિયા મહેકેગી...’
આર્વિકનું ટિફિન તૈયાર કરતી અનન્યા ધીમા સ્વરે લતાનું ગીત ગણગણી રહી.
‘બધાની જિંદગીમાં ચડાવ-ઉતાર આવતા જ હોય છે, પણ મારી અત્યાર સુધીની લાઇફ ખાબડખૂબડ વિનાની જ રહી છે, ટચવુડ. જામનગરમાં ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મ, માબાપની અતિ લાડલી. અભ્યાસમાં પ્રવીણ, રૂપ-રૂપનો અંબાર. માસ્ટર્સ કર્યું કે લગ્નનો પહેલો જ પ્રસ્તાવ આર્વિકનો આવ્યો. ભાવનગરનો છોકરો મુંબઈમાં નોકરી કરે છે. ત્યાં પોતાનો ફ્લૅટ છે જાણીને મન ઢચુપચુ હતું : પરિવારથી દૂર મુંબઈ જેવા શહેરમાં એકલા રહેનાર જુવાનમાં જાણે કાંઈકેટલી બદી ઘર કરી ગઈ હોય!’
પણ આર્વિકને જોઈ–મળી સંશય ન રહ્યો. પૂરેપૂરો મૉડર્ન અને છતાં પોતાની લક્ષ્મણરેખાનું ભાન. પાત્રપસંદગીમાં તેણે મૂલ્યોના મેળને પ્રાધાન્ય આપ્યું એટલે પણ અનન્યા નીખરી ઊઠી. બે હૈયાંમાં સમાન સ્પંદન ઊઠ્યાં. વડીલો રાજીનાં રેડ.
‘રંગેચંગે લગ્ન લેવાયાં. સ્વિટ્ઝરલૅન્ડનું હનીમૂન બહુ રોમૅન્ટિક રહ્યું... ત્રણ વર્ષના પ્રણયભીના સંસારજીવનમાં આર્વિકે મને છલોછલ જ રાખી છે અને હવે તો સુખની પરાકાષ્ઠા છલકાવાની...’
અનન્યાના વદન પર સંતોષ પથરાઈ ગયો.
નાહીધોઈ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાતા આર્વિકને પૂછ્યું, ‘આજે લંચ માટે તરુણા ઘરે આવે છે. તેને કહીં દઉંને?’
‘શું – એ પૂછવાની જરૂર નહોતી.’
‘ભલે...’
lll
કલાક પછી આર્વિક ટિફિન લઈને ઑફિસ જવા નીકળ્યો. લૉબીમાંથી હાથ હલાવી તેને વિદાય આપી અનન્યાની પાછી વળતી નજર ત્રીજા માળની લૉબીના છેડે અટકી ગઈ. ત્યાં ઊભેલો નારણ તેને જોઈને ગંદું હસતો દેખાયો : ‘આર્વિક ગયો.. હું આવી જાઉં?’
અનન્યાએ મોઢું ફેરવી લીધું. પાછળ નારણના ગંદા શબ્દો ઘરમાં પ્રવેશે એ પહેલાં જોરથી દરવાજો બંધ કરી દીધો.
‘બદમાશ!’
‘વરલીની ‘રામદર્શન’ સોસાયટીમાં આ એક જ ન્યુસન્સ હતું. બાકી પાડોશીઓ સારા, વારતહેવારે ફંક્શન્સ પણ મજાનાં થાય. એટલે તો અમે ફ્લૅટ કાઢતા નથી. આખરે કોઈ ને કોઈ માઇનસ પૉઇન્ટ તો બધી સોસાયટીમાં રહેવાના.’
‘આ નારણ પહેલાં આવો નહોતો...’ અનન્યાએ વાગોળ્યું.
‘ત્રણ વર્ષ અગાઉ હું પરણીને આવી ત્યારે તેનો આવો ઉત્પાત નહોતો. હા, તેની બૈરી સુલભા જોડે ઝઘડતો હોય ખરો. બેડરૂમનાં બારી-બારણાં વળોટી તેમનો અવાજ આખી સોસાયટીમાં સંભળાય, અમને તો બધું ક્લિયર કટ સંભળાય...’
નારણની દારૂની ટેવ સુલભાને ગમતી નહીં. તે વરને દારૂ છોડવા કહેતી ત્યારે સામે ‘લગ્નના દાયકા પછીય તું મને સંતાન ન આપી શકી’નું મહેણું મારી નારણ તેને વાંઝણી કહી નાખતો. જવાબમાં સુલભાનું રુદન અને પછી નીરવ શાંતિ.
નારણ-સુલભાનાં મા-બાપ, સાસુ-સસરા ગામ રહેતાં, મુંબઈમાં હૈયું ઠાલવવા પાડોશી જ હોય. આર્વિક શરૂ-શરૂમાં તો વર-બૈરીના ઝઘડાથી અલિપ્ત રહેતો, પણ અનન્યાના આગમન બાદ, બીજાના ઝઘડાથી તેને સહેમી જતી જોઈ તે નારણ-સુલભાને સમજાવવા જતો એટલે પછી સુલભા પણ તેનાં દુખડાં રડવા અનન્યા પાસે આવી જતી : ‘નારણ મને વાંઝણી કહે છે, પણ દારૂએ તેને શારીરિક રીતે પાયમાલ કરી નાખ્યો છે એ દેખાતું નથી! બીજમાં જ જીવ નહીં હોય તો અંકુર ક્યાંથી ફૂટે?’
સમજદારને ઇશારો કાફી હતો. એકાદ વાર આર્વિકે નારણને મેડિકલ ટેસ્ટ માટે સમજાવટની ઢબે કહ્યું એમાં તો નારણ ‘તું શું મને નામારદ સમજે છે?’ કહી એવું બાઝ્યો કે આર્વિકે કાન પકડ્યા : ‘આવાને મોં ન લગાય!’
સુલભા પણ અપમાન સહીને થાકી. આજથી બેએક વર્ષ અગાઉના ઝઘડામાં તેની સહનશક્તિની મર્યાદા તૂટી. બે હાથથી પીધેલા પતિને ઠમઠોરતી તે સોસાયટીના કમ્પાઉન્ડમાં લઈ ગઈ : ‘તું મારી પાસે કયા મોઢે સંતાનની ઉઘરાણી કરે છે બાયલા. બાપ બનવાના વેતા તારામાં નથી એ ભલે આજે આખી દુનિયા જાણતી!’
પછી પડ્યા પર પાટુ મારતી હોય એમ વટભેર નીકળી ગયેલી : ‘મારા પિયર જાઉં છું, મારા ભાઈઓ મને સંઘરશે. તમારી મરદાનગીનો રિપોર્ટ લઈને આવજો તો પાછી આવીશ, નહીં તો તમને નામરદ ઠેરવીને છૂટાછેડાની નોટિસ મોકલીશ.’
આજની ઘડી ને કાલનો દી, સુલભા આ દિશામાં ફરકી નથી. શરૂ-શરૂમાં અનન્યા જેવીને ફોન કરીને પતિના ખબર પૂછતી, પણ પછી એય બંધ થઈ ગયું.
એટલો જ નારણમાં બગાડ વધતો ગયો. સોસાયટીના ગેધરિંગમાં તે બધાને સંભળાય એમ કહેતો, ‘આપણે તો મરદાનગીનો ટેસ્ટ-રિપોર્ટ ક્યારનો મોકલી આપ્યો. હવે જોઈએ સુલભાદેવી ક્યારે મોઢું દેખાડે છે!’
તેની વાતોમાં ભાગ્યે જ કોઈ રસ દાખવતું, વિશ્વાસ તો બહુ દૂરની વાત થઈ. તેનું દારૂ પીવાનું વધી ગયું. પોતે પુરુષમાં છે એ બતાવી આપવું હોય એમ બૈરાંઓને અશ્લીલતાભર્યા ઇશારા કરે, કદી ઘરમાં વસ્ત્રહીન થઈને આંટા મારે અને એય પાછાં બારી-બારણાં ખુલ્લાં રાખીને! સોસાયટી કમિટીએ નોટિસ આપી હતી એનો ડૂચો કરીને તેમની સામે જ કચરાપેટીમાં નાખી દઈને પલટવાર કર્યો : ‘મારાં કપડાં મેં મારા ઘરમાં કાઢ્યાં એમાં સોસાયટીને વાંધો હોય તો હું તમને કોર્ટમાં ઢસડી જઈશ કે આ ગંદા લોકો મારી પ્રાઇવસી પર, મારા ઘરમાં નજર નાખે છે.’
સમજાવટનો અર્થ નહોતો. તે મેઇન્ટેનન્સ નિયમિત ભરતો એટલે એ બહાને પણ તેને હાંકી ન કઢાય. શૅરબજારનું કામ તે ઘેરબેઠાં કરતો એટલે ૨૪ કલાકની હાજરી. બે વેળાનું ટિફિન બંધાવેલું ને વાસણ-કપડાના કામ માટે સોસાયટીનો ઘાટી હતો.
‘બૈરું એમ માને કે તેના વગર આપણો ગુજારો ન થાય તો તે ખાંડ ખાય છે...’ તે મગરૂરીથી કહેતો અને પછી હલકટાઈથી ઉમેરતો : ‘પથારીનું સુખ પણ ભાડે ક્યાં નથી મળતું! આપણી સોસાયટી અલાઉ કરે તો હું દરરોજ રાતે નવી તિતલી તેડાઉં!’
‘તેને કહી ન શકાતું કે તારામાં એટલા વેતા હોત તો તારી ધર્મપત્ની તારો ધજાગરો કરીને તને આમ છોડીને ન ગઈ હોત!’
એક વાર તેણે દારૂના નશામાં અનન્યાનો હાથ પકડી લીધો ત્યારે આર્વિકનો ગુસ્સો ફાટ્યો. એટલો ફટકાર્યો કે નારણે કપાળે ચાર ટાંકા લેવા પડ્યા.
આર્વિકના કાળઝાળ રૂપે અનન્યા થથરી ગયેલી : ‘આટલો ગુસ્સો મારા પર કદી ન કરતા, હોં આર્વિક!’
અને આર્વિકે તેને હૈયાસરસી ચાંપેલી : ‘તારા પર તો મને કેવળ પ્યાર જ આવે, અનન્યા...’
અનન્યાનો ફફડાટ શમી ગયો. નારણ તો જોકે માર ખાઈને પણ સુધર્યો નહીં, પણ અનન્યાએ આર્વિકને તેને અવૉઇડ કરવા મનાવી લીધો અને નારણને પ્રતિક્રિયા આપવાનું બંધ કર્યું. ડરવાનું તો રાખ્યું જ નહોતું.
-‘તોય જો એ માણસ સુધરતો હોય!’
‘હશે. મારે એના વિશે વિચારવું પણ શું કામ જોઈએ!’
વિચાર ખંખેરીને અનન્યા રસોઈ તરફ વળી : ‘તરુણા લંચ માટે આવે છે... સો વૉટ શુડ બી ધ મેનુ?’
lllઆ પણ વાંચો : લાગી રે લગન (પ્રકરણ ૨)
‘અનન્યા...’
રૂમમાં આવી દારૂની પ્યાલી લઈને નારણે હોઠ ભીના કર્યા. ‘કેવી રૂપાળી, પણ જો મને જરાય ભાવ આપતી હોય! એક વાર તો કહ્યું પણ ખરું કે તારા આર્વિકથી વધુ મજા હું કરાવીશ, પણ મારું માને કોણ!’
‘કારણ સુલભા. ગરીબડી ગાય જેવી સુલભામાંય જાણે ક્યાંથી જોર આવ્યું કે મને કમ્પાઉન્ડમાં ઢસડી જઈ ધિબેડી નાખ્યો! મને પડકાર ફેંકી પિયર જતી રહી...’
‘આ ઠીક નથી થયું...’ કળ વળતાં પોતે બીજા દિવસે સુલભાના મોટા ભાઈને ફોન કરતાં તેના પિતાએ ફોન ઝૂંટવી ખરીખોટી સંભળાવી : ‘સુલભાએ પહેલી વાર અમને એના દોજખની વાત કરી. એક દાયકો મારી દીકરી તારા જેવા નામર્દને ઝેલી રહી! જાણીને અમારું તો કાળજું બળે છે. તેને નોંધારી ન ધારશો. તેનો મેડિકલ રિપોર્ટ પણ અમે કઢાવી લીધો છે. તેનામાં ખામી નથી. હવે તમારી મર્દાનગીનું પ્રમાણપત્ર કઢાવીને જ ફોન કરજો.’
‘લો, બોલો! હવે જમાઈએ સસરાને મરદાનગીનો પુરાવો આપવાનો?’
એવો તો ધમધમાટ થઈ ગયેલો. ઘરે જાણ થતાં માનું સાસુપણું જાગી ગયું : ‘જરૂર વહુને જ કશું લફરું હોવું જોઈએ, તો જ તે છોકરું નહીં થવા દેતી હોય! મારા દીકરાને વગોવવાનું બહાનું મળી ગયું કુલ્ટાને. પિતાજી ઉશ્કેરાયેલા : ‘રિપોર્ટ કરાવી માર વેવાઈના મોં પર! મારા દીકરાને કાપુરુષ કહે છે?’
‘હું તો રિપોર્ટ કઢાવી પણ લઉં, એને તેઓ સાચો માનશે? કહેશે કે પૈસા આપીને ખોટો રિપોર્ટ લાવ્યો છે! જ્યાં વિશ્વાસ નથી ત્યાં મેડિકલ તપાસનો પણ અર્થ નથી... સુલભા છૂટાછેડામાં વધારે દલ્લો પડાવવા નાટક કરી રહી છે. આપણે એથી બહાવરા થવાનું નથી. ડિવૉર્સની નોટિસ આવવા દો, પછી જોઈશું.’
‘આ તર્ક ગળે ઊતર્યા પછી ઘરનાથી કોઈ પ્રેશર નથી. સુલભા તરફથી પણ કોઈ ગતિવિધિ નથી. અહીં સોસાયટીમાં મેં વટથી કહી દીધું કે મેં રિપોર્ટ કઢાવીને સુલભાને મોકલી આપ્યો છે, પણ હકીકત એ છે કે...’
નારણે ફુલસ્ટૉપ મૂકવા બહુ ટ્રાય કરી, પણ દિમાગ આજે ગાંઠ્યું નહીં : ‘હકીકત એ છે કે આવા કોઈ રિપોર્ટની મારે જરૂર નથી એ હું અને સુલભા બેઉ જાણીએ છીએ.’
નારણની ગરદન ઝૂકી ગઈ : પરણીને બહુ ઉમંગભેર સુહાગરાતે શયનખંડમાં પોતે પ્રવેશ્યો. સુલભા પણ જાણે કેટલાંય અરમાન સજાવી બેઠી હતી... પણ પહેલી રાત શું, પછીની કેટલીય રાતો આધીઅધૂરી જેવી જ રહી. મારી પાસે તો ત્યારનું મેડિકલ સર્ટિફિકેટ છે કે હું પુરુષમાં નથી! આસાન નથી હોતું આ સત્ય જીરવવાનું. આની જાણ સુલભાનેય થવા નથી દીધી. દારૂનો નશો મને સુલભાનો, જગતનો સામનો કરવાનો ખુમાર આપતો. સુલભાને દાબમાં રાખીને હું પુરુષ હોવાનો વહેમ જાળવી શકતો. આખરે એ સત્ય ઉઘાડું ન પડે તો જ મારાથી જિવાય! સુલભા દારૂ છોડવા કહેતી તો તેને વાંઝણી કહીને મારો દોષ તેના પર નાખી દેતો... બિચારી રડી પડતી.’
‘રડતાને પિયરિયાં મળ્યાં અનન્યાના આગમન બાદ... મારા-સુલભા વચ્ચે પહેલાંય ઝઘડા થતા, પણ પરણ્યા પછી આર્વિક અમને સમજાવવા આવતો એમાં સુલભાને હૈયું ઠાલવવાનું ઠેકાણું મળી ગયું - અનન્યા! તેની સોબતમાં જ સુલભાના તેવર બદલાયા. તેણે જ સુલભાને પટ્ટી પઢાવીને મારો ધજાગરો કરાવ્યો. વીફરેલી વાઘણ જેવી થઈ મારી બૈરી મને બાયલો કહી ગઈ એ આ અનન્યાનો જ પ્રતાપ!’
‘એટલે તો તેને વિશેષરૂપે ટાર્ગેટ કરી તો આર્વિક તૂટી પડ્યો.’ નારણે કપાળે હાથ ફેરવ્યો : ‘આ ચાર ટાંકા, સુલભાની ગેરહાજરી, મારું જાહેરમાં અપમાન, તારો ગુનો મને ભૂલવા નથી દેતો અનન્યા! ખુન્નસ તો એવું આવે છે કે તને જાનથી મારી નાખું... ઍન્ડ યુ વિલ પે ફૉર ધિસ, વન-ડે!’
બદલાનો જુસ્સો જોકે નશાની અવસ્થા સુધી રહેતો.
- અને તેનો ફોન રણક્યો. સ્ક્રીન પર સુલભાનું નામ જોઈ ઝણઝણાટી થઈ: ‘આખરે વરને યાદ કરવો પડ્યોને!’
સુલભાએ જોકે વરની યાદ આવી એટલે ફોન નહોતો કર્યો.
‘ડિવૉર્સનાં કાગળિયાં કુરિયર કર્યાં છે. મને જલદી છૂટી કરો, ભાઈએ મારા માટે નવું સારું પાત્ર પણ શોધી કાઢ્યું છે...’
આમાં ક્યાંય લાગણીનો રણકો નહોતો. ‘ક્યાંથી હોય, અમે ઝઘડ્યાં જ છે એટલું! સુલભા વિના મેંય ક્યાં ખાલીપો અનુભવ્યો? મને અણખટ એ વાતની છે કે સુલભાને નવું પાત્ર મળી ગયું! એના થકી તેની ગોદ ભરાશે તો લોકો મારી એબ વિના રિપોર્ટ સ્વીકારી લેવાના!’
‘ડિવૉર્સનું કારણ શું લખ્યું છે?’ નારણને આની કન્સર્ન હોવાની જ.
સામે પળની ચૂપકી પછી સંભળાયું, ‘ડિવૉર્સનું કારણ નામદાર કોર્ટ તમારી મેડિકલ જાંચના આદેશ પરથી જાણી લેશે.’
કૉલ કટ થયો. ‘નો...!’ નારણના ગળે ચીસ અટકી ગઈ. આમાં તો મારો તમાશો થઈ જવાનો... દૂર રહેતી બૈરી પર શૂરા થવાય એવું નહોતું, નારણનો ગુસ્સો અનન્યા પર ફંટાયો : ‘અને આ બધું અનન્યાના પાપે!’
‘એના કરતાં તેને મારીને ભાગી જાઉં તો ડિવૉર્સ અટવાય એ સુલભાનો દંડ!’
‘અહા! તો તો એ થવું જોઈએ અને આજે જ થવું જોઈએ!’
આવતી કાલે સમાપ્ત