25 April, 2023 11:58 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff
લાગી રે લગન (પ્રકરણ ૨)
આર્વિક...
પિયુની તસવીર નિહાળતી તરુણાની કીકીમાં ઘેન ઘૂંટાતું હતું.
આઇવી લેવા આવેલા આર્વિકને નર્સ તરુણાનો હાથ એવો ફાવ્યો કે બે દિવસ પછી ફ્રેન્ડને લઈને આવ્યો ત્યારે તરુણા હોય તો જ ઍડ્મિટ થવાનો ઇરાદો દાખવ્યો હતો.
આર્વિકના ફ્રેન્ડને બાટલો ચડી રહે ત્યાં સુધી લતાજીનાં ગીતોથી પપ્પુના જોક્સ સુધીના વિષયો પર ચર્ચા કરતા આર્વિકને તરુણા ચોર નજરે નિહાળી રહી. આ જુવાનને અણસાર પણ નથી કે મિત્ર સાથે વાતો કરતો તે મારા પર મોહની ભૂરખી છાંટી રહ્યો છે! એન્જિનિયર થઈને મલ્ટિનૅશનલમાં કામ કરતો આર્વિક ખમતીધર છે એટલું પણ જાણ્યું. તેના વ્યક્તિત્વમાં ઊંડાણ છે, ખેંચાણ છે. પપ્પા-મમ્મી મારા માટે રાજકુમાર ઝંખતાં હતાં તે આ જ કેમ ન હોય!
હૈયું એવું તો ધડકી ગયું! ‘તું કહે તરુણા, હિન્દુત્વના મુદ્દાને તું કેવો ગણે છે?’
અરે બાપ રે. આર્વિકે આવા ગંભીર મુદ્દા વિશે મારો મત જાણવા માગ્યો. મતલબ મારી બુદ્ધિમત્તા તેમને સ્પર્શી હશે તો જને! હવે તો મારે તેમને ઇમ્પ્રેસ કરવા જ રહ્યા... તરુણા દેશ-દુનિયાના કરન્ટ અફેર્સથી માહિતગાર રહેતી. તેના પોતાના આગવા વિચારો હતા. નૅચરલી, એનું વિશ્લેષણ આર્વિકને પ્રભાવિત કરી ગયું.
‘તરુણા, વાંધો ન હોય તો તારો સેલ-નંબર શૅર કરીશ?’ શાલિનતાથી પૂછીને આર્વિકે ખુલાસો પણ કર્યો, ‘જેથી ફરી આવવાનું થાય ત્યારે તું ડ્યુટી પર છે કે નહીં એ અનુસાર જ આવીએ.’
છોકરો નંબર માગે એ પ્રેમકથા આગળ વધવાની નિશાની જ ગણાય... તરુણાનું હૈયું હિલોળે ચડ્યું. આર્વિકને તે ગુડ મૉર્નિંગના મેસેજ કરતી. સામે રિપ્લાય પણ તરત આવતો. આર્વિક સોશ્યલ મીડિયામાં ઍક્ટિવ નહોતો. તેના ડીપીમાં રહેલા ફોટોની પ્રિન્ટ કઢાવીને રુદિયે ચાંપ્યો એ ક્ષણે જીવનમાં સુખનું અનુસંધાન થતું હોય એવું અનુભવ્યું તરુણાએ! પ્રીત નજરાઈ જવાની બીક હોય એમ સ્ટાફમાં આર્વિક વિશે ચર્ચા માંડવાનું ટાળતી, પણ પોતાનું હૈયું આર્વિકની છબિ સમક્ષ ખોલી દેતી.
કલ્પનાનું એ સુખ પખવાડિયું પણ ટક્યું નહીં... આર્વિકનો ફોન આવ્યો : ‘તરુણા, તું આજે ડ્યુટી પર છે? મારી વાઇફને આઇવી લેવું છે.’
‘વા...ઇ...ફ!’ તરુણાના કાનમાં ધાક પડી ગઈ. તીણા અવાજે પૂછી બેઠી : ‘તમે મૅરિડ છો આર્વિક?’
‘અફકોર્સ, ૩૦ વર્ષ સુધી માબાપ સંતાનને બૅચલર રહેવા દે ખરાં!’ આર્વિક તેની ધૂનમાં બોલતો રહ્યો, ‘અનન્યા સાથેની મારી ત્રણ વર્ષની મૅરેજ લાઇફ હૅપી, હેલ્ધી ઍન્ડ એક્સાઇટમેન્ટથી ભરપૂર છે... તું આજે મારી વાઇફને મળ તો ખરી!’
‘ટુ હેલ વિથ યૉર વાઇફ’ એવું જોકે આર્વિકને કહેવાયું કે જતાવ્યું નહીં, પણ દિમાગ ધમધમી ગયું, ‘પોતે પરણેલો છે એવું આર્વિકે એક વાર પણ કહ્યું નહીં! ચીટર.’
‘ના... ના... આર્વિકના મનમાં ચોર હોત તો તે અત્યારે પણ શું કામ ફોડ પાડત?’ ઘવાયેલા હૈયાએ તરત પ્રિય પાત્રનો બચાવ કર્યો : ‘આનો બીજો અર્થ એ કે તેના મનમાં તારા માટે ક્યારેય કશું હતું જ નહીં યા હોય તો એટલું કે તું કેવળ એક સારી નર્સ છે કે કદાચ સારી ઇન્સાન. આર્વિકનાં વાણી-વર્તનમાં ક્યારેય ઇશ્કનું એકરારનામું નહોતું... તું તારી મેળે મનગમતું ધારીને કોઈને ચાહતી થાય એમાં સામાનો શું દોષ?’
એકપક્ષીય લાગણીમાંથી બહાર નીકળી આવવાનો એ મોકો હતો, પણ એવું બન્યું નહીં. છટપટતા દિમાગે તરત જવાબ શોધી કાઢ્યો : ‘સામાનો દોષ ભલે ન હોય, પણ તેની વાઇફ મારાથી બેટર નથી એટલું ભાન તો મારે આર્વિકને કરાવવું રહ્યું! અરેન્જ્ડ મૅરેજમાં તેને હમણાં ભલે સુખ લાગે, મારા જેટલું આર્વિકને કોઈ સુખી નહીં કરી શકે એટલું તો તેને દેખાડવું રહ્યું!
આર્વિકને આનો સાક્ષાત્કાર થાય અને તે અનન્યાને ડિવૉર્સ આપે તો તેને પરણવાનો માર્ગ ખુલ્લો થાય કે નહીં!’
આર્વિક સાથે સહજીવનના ઓરતા પૂરા કરવાની હજી તક છે એ ઝબકારાએ પાછા વળવાનો રસ્તો બંધ કરી દીધો.
બીજા દિવસે આર્વિકની અપૉઇન્ટમેન્ટના સમયે તરુણાએ નર્સનો વાઇટ યુનિફૉર્મ બગડ્યાના બહાને ઘરનાં વસ્ત્રો પહેરી લીધાં. તેના ગોરા વાન પર મદ્રાસી રંગનો લહેરિયા પ્રિન્ટનો ડ્રેસ ગજબનો શોભતો હતો. આંખમાં કાજલ અને હોઠો પર મૅચિંગ લિપસ્ટિકનો મેક-અપ કરીને ચેન્જરૂમના આયનામાં જોયું : ‘બ્યુટિફુલ! તારી આગળ અનન્યા ઝાંખી જ લાગવાની!’
‘ગલત...’
અડધા કલાકમાં આર્વિક સાથે પ્રવેશતી અનન્યાને જોઈને તરુણા હોઠ કરડતી થઈ ગઈ.
ન ઝાઝો મેક-અપ, ન ભવ્ય પરિધાન... પચીસ-સત્તાવીસની વય. હાઈ વેસ્ટ જીન્સ પર હાફ સ્લીવનું લૂઝ ટૉપનો પહેરવેશ. ખભા સુધીના વાળને કૅઝ્યુઅલી બક્કલથી ટાઈ કર્યા હતા. મેક-અપના નામે કેવળ આંખમાં કાજલ અને તોય તેના પરથી નજર ન હટે એટલી ખૂબસૂરત તે લાગી!
‘હાય તરુણા...’
આર્વિકે ઓળખ આપતાં તે મીઠું મલકી, ‘તમારી ખૂબ તારીફ સાંભળી છે...’
‘આ ગમ્યું. આર્વિક ઘરે પણ મને સાંભરે છે ખરો! અનન્યાને સોય ચુભાવવાનું વિચાર્યું હોય તો પણ બાટલો ચડાવતાં હંમેશની કુશળતા આપોઆપ આવી ગઈ.
‘ત્યારે તો તમારા માટે આર્વિક જૂઠું નહોતા બોલ્યા. તમારા હાથમાં જાદુ છે.’
‘થૅન્ક્સ...’
આમ તો બાટલો ચડાવ્યા પછી નર્સે બીજા કામે નીકળી જવાનું હોય, પણ કેસ-હિસ્ટરી નોંધવાના બહાને તરુણા રૂમની બહારના ટેબલ પર બેઠી. જનરલ રૂમનો દરવાજો ખુલ્લો હતો અને અંદર પતિ-પત્ની સિવાય કોઈ હતું નહીં. તેમને જાણ નહોતી કે તેમની વાતો પર તરુણાના કાનની ચોકી છે : ‘કાલથી સાસરીના સગામાં મૅરેજ ફંક્શન્સ છે એટલે તારા કહેવાથી આઇવી થેરપી લેવા આવી છું. બટ નો મોર. મને તો આમ વારંવાર તારું આઇવી લેવાનું પણ પસંદ નથી.’
‘કેમ, આઇવી લીધા પછી મારામાં બહુ જોમ આવી જાય છે એટલે?’
આગળના શબ્દો ગુસપુસમાં બોલાઈ ગયા, પણ જેટલું સંભળાયું એ આગને હવા આપવા પૂરતું હતું : ‘જે સુખ પર મારો હક હોવો જોઈએ એ બીજાને ક્યાં સુધી ભોગવવા દઈશ હું?’
તરુણાની એ રાત અતિવિલાપમાં ગુજરી.
‘આવું મારી સાથે જ શા માટે બનવું જોઈએ? પિતાનો આપઘાત, માતાનું ડિપ્રેશન અને જિંદગીમાં જે પહેલો પુરુષ ગમ્યો એ પરિણીત હોય એટલાં દુઃખ મારે જ કેમ ઝેલવાં? મારું નસીબ મને સુખ આપતું ન હોય તો બીજાનું સુખ છીનવીને મને સુખી થતાં આવડવું જોઈએ.’
‘ના, પોતે ધારતી હતી એમ અનન્યાની જગ્યા લેવી આસાન નથી. આર્વિક-અનન્યાનો પ્યાર મેં આજે જોયો. એમાં ગેરસમજ કે છૂટાછેડાનો અવકાશ જ નથી.’
‘તો પછી?
બહુ મથી ત્યારે ભીતરથી ઊગ્યું : ‘આર્વિકને મારો કરવાનો એક જ રસ્તો છે... આર્વિક-અનન્યાની જોડી ખંડિત કરવાનો!’
‘બીજા શબ્દોમાં અનન્યાની હત્યા...’
થથરી જવાયું.
ખૂનામરકી કરવાના તરુણાના સંસ્કાર નહોતા. બીજાને દુખી કરીને આપણે સુખી નહીં થઈએ એવી ફિલસૂફીથી જાતને સમજાવી જોઈ. એ દ્વંદ્વની વચ્ચે એક દિવસ અનન્યાનો ફોન આવ્યો :
‘ભાવનગરથી મારાં સાસુ-સસરા પખવાડિયા માટે આવ્યાં છે. મારાં સાસુએ દર ત્રીજે દહાડે વિટામિન-બીનાં ઇન્જેક્શન લેવાનાં હોય છે. તેઓ પાછાં ઇન્જેક્શનથી બીનારાં. સો આર્વિકે કહ્યું કે તરુણાને પૂછી જો. તમને ફાવશે ઘરે આવવાનું?’
‘આર્વિકના ઘરે... આર્વિકનાં મધર માટે જવાનો ઇનકાર હોય જ નહીંને! મરીન ડ્રાઇવની હૉસ્પિટલથી આર્વિકનું વરલીનું ઘર ચર્ની રોડના પોતાના ઘરની વિરુદ્ધ દિશામાં પડે, પણ આમ જુઓ તો એ પણ મારું જ ઘર ગણાયને - ભાવિ સાસરું!’
પહેલી વાર તરુણા સાડી પહેરીને ગઈ. આર્વિકનાં માબાપને હું ઉછાંછળી ન લાગવી જોઈએ!’
આ પણ વાંચો : લાગી રે લગન (પ્રકરણ ૧)
‘સી-ફેસ પર ચાર માળની ત્રણ વિન્ગ્સની ‘રામદર્શન’ સોસાયટી ભલે જૂની લાગે, મારે તો આર્વિક રહે ત્યાં મારું સ્વર્ગ!’
‘એ’ વિન્ગમાં ચોથા માળે તેમનો ફ્લૅટ છે... તરુણાએ દાદર ચડવા માંડ્યા. અહીં એક ફ્લોર પર બે ફ્લૅટ હતા. વસ્તી વર્તાતી હતી. ગુજરાતીઓ છૂપા ન રહે!
‘કિધર જાના હે?’
ત્રીજા માળનાં પગથિયાં ચડીને તે શ્વાસ લે છે કે અચાનક જ તે સામે આવી ગયો. દાઢીધારી ચાલીસેક વર્ષના આદમીના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી.
‘ધંધે પે આયા હૈ? ચલ, આજા મેરે ઘર મેં.’
તરુણા રડી પડત. ત્યાં ઉપરથી અનન્યા દાદર ઊતરી આવી, ‘નારણ, યે મેરી ગેસ્ટ હૈ... તરુણા, તમે આવી જાઓ’ કહીને તેનો હાથ આપ્યો. એને ઝડપી તરુણા વૈતરણી ઓળંગતી હોય એમ નારણને ક્રૉસ કરીને ઉપરના વળાંકે વળી ગઈ.
‘સૉરી, તમને ટ્રબલ થઈ. નારણ સોસાયટીનું ન્યુસન્સ છે. દારૂ પીએ એટલે બૈરી પણ છોડીને જતી રહી છે. આર્વિકે તો એક વાર તેને બરાબરનો ઝૂડેલો.’
નીચેથી પેલો ચિલ્લાતો હતો : ‘ન્યુસન્સ કિસકો બોલતી હૈ...’ તેના વાક્યોમાં શબ્દોથી વધુ બીભત્સ ગાળો હતી.
આર્વિકના દ્વારે પહોંચતાં જ ત્રીજો માળ વીસરાઈ ગયો. જાણે કંકુ પગલાં પાડતી હોય એવી ભાવનાએ ઉંબરો ઓળંગીને તરુણા ઘરમાં પ્રવેશી.
‘આર્વિકના પેરન્ટ્સ જીવણભાઈ અને મમતાબહેન માયાળુ લાગ્યાં. ભાવનગરમાં તેમની મોટી વાડી છે. આર્વિક તેમનો એકનો એક દીકરો. જોકે દીકરા કરતાં વહુ વધુ વહાલી હોય એમ અનન્યાને વખાણતાં મમતાબહેનની જીભ નહોતી સુકાતી અને આમાં દંભ કે દેખાડો તો નહોતા જ. વાંધો નહીં, હું તમને સવાયા સુખમાં રાખીશ માજી; તમે અનન્યાને સાંભરશો પણ નહીં!’
પોતાના દુઃખની ગાથા કહીને તરુણાએ હિંમતવાન છોકરીની ઇમેજ છાપી દીધી. તેનું ઇન્જેક્શન દુખ્યું નહીં એથી પણ માજી હરખાયાં. બીજી વાર તો જાણીને થોડી મોડી ગઈ, જેથી આર્વિક ઑફિસથી આવી ગયો હોય એટલે તેને જોવા-મળવાનું તો થાય! સાથે પોતાની સિગ્નેચર ડિશ જેવાં મેથીનાં મૂઠિયાં લઈ ગયેલી. આર્વિકના પિતાજી ખુશ થઈ ગયા : ‘આવાં મૂઠિયાં મારી બાના હાથે બનતાં... વર્ષો પછી એવો સ્વાદ મળ્યો! જીવતી રહે દીકરી.’
‘કેટલું સારું લાગ્યું.’
‘બેન, તેં મારી ખૂબ સેવા કરી...’ ગામ જવાના આગલા દિવસે તરુણા છેલ્લું ઇન્જેક્શન મૂકવા ગઈ ત્યારે તેનો આભાર માનીને માજીએ ડ્રેસનું કાપડ અને એક હજાર એકનું કવર પરાણે થમાવ્યું : ‘આટલા દહાડા તું ગાંઠના ખર્ચીને આવી, વિઝિટનો ચાર્જ લેતી નથી એનો હિસાબ હું કરું છું? આ તો માના આશીર્વાદ છે, લેવા જ પડે! આર્વિક–અનન્યા ખાસ તારા માટે ડ્રેસનું કાપડ લઈ આવ્યાં છે, ગમ્યુંને?
‘આર્વિક મારા માટે લાવે એ ન ગમે એવું બને ખરું!’ તરુણા માટે અનન્યા તો આવી પળોમાં એક્ઝિસ્ટ જ ન કરતી.
જોકે માજી જતાં આર્વિકના ઘરે જવાનું, તેમને મળવાનું બહાનું નહીં રહે... એની ઉદાસી ઘૂંટાતાં પાંપણે બે બૂંદ જામી. માજીએ એને જુદા અર્થમાં લીધું : ‘અમે જવાનાં એથી મારી અનન્યાવહુ પણ આમ જ ઢીલી થઈ જાય... ચિંતા ન કર દીકરી, હવે તો અમે આવતાં રહેવાનાં...’ કહીને તેમણે વહુને નિહાળતાં તે સહેજ શરમાઈ.
‘લો, સાસુ પાછાં આવે એનો હરખ કરાય, આમાં શરમાવા જેવું શું!’ મનોમન મોં મચકોડતી તરુણાના માથે માજીએ હાથ મૂક્યો, ‘અમારા તને ખૂબ-ખૂબ આશીર્વાદ. અને તારેય ભાવનગર આવવાનું!
- ‘મારે તો આવવું જ છે... વહુ બનીને!’
અત્યારે પણ તરુણાના ચિત્તમાં ઇરાદાનો પડઘો પડ્યો.
‘તો પછી વાટ શાની જુએ છે?’ માજી-પિતાજીને ભાવનગર ગયે પણ બે મહિના થઈ ગયા. આટલા દિવસોમાં આર્વિક જોડે માજીના ખબર પૂછવાના બહાને માંડ ચાર-પાંચ વાર વાતો થઈ. અનન્યા ટચમાં રહે છે ખરી. વચમાં તેનાં મમ્મી-પપ્પા આવી ગયાં એવું કહેતી હતી.
અનન્યાએ તેના પેરન્ટ્સને મળી લીધું, સાસુ-સસરા સાથે રહી લીધું... હવે તેને હટાવતાં કોણ રોકે છે મને?
તરુણાએ હોઠ કરડ્યો. અનન્યાની હત્યાનું વિચાર્યા પછી મમ્મી-પપ્પાની તસવીર ઠપકો આપતી લાગે છે : ‘તું અમારી ફૂલ જેવી દીકરી. તારું કામ તો લોકોના જીવ બચાવવાનું. કોઈનો જીવ લેવાનું ઘાતકીપણું તારામાં ક્યાંથી?’
‘પણ આ સવાલથી હવે હું આગળ નીકળી ચૂકી છું... સુખ છીનવવાથી જ મળતું હોય તો બીજું શું થઈ શકે? અને દીકરીને સુખી થતી જોવાનું માબાપને ગમશે જને!’
અનન્યાને કઈ રીતે મારવી એનો પ્લાન તૈયાર છે. બપોરની વેળા તેના ઘરે પહોંચી સાથે જમવાનો પ્લાન કરીને તેના ખાણામાં કોઈક રીતે ઘેનની દવા ભેળવીશ એટલે રસોડું આટોપતાં સુધીમાં તે નિદ્રાવશ થઈ જશે. પછી તેને ઍરનું ઇન્જેક્શન આપી દેવાનું એટલે ખેલ ખતમ!
‘પ્લાન તૈયાર હોય તો કાલની પરમ શું કામ કરવી?’
- અને બીજી સવારે અનન્યા સાથે બપોરનું લંચ પાકું કરીને તરુણાએ ઘેનની ગોળી અને ઇન્જેક્શન પર્સમાં મૂક્યાં.
‘સૉરી અનન્યા, આજે તારા જીવનનો અંત આવી જવાનો!’
વધુ આવતી કાલે