લાગી રે લગન (પ્રકરણ ૧)

24 April, 2023 11:52 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

ભીતરથી ફૂટેલા સવાલે તેના વદન પર સુરખી છવાઈ. આંખોમાથી નીંદર સરકી ગઈ. તકિયો છાતીએ દબાવીને ઊલટી ફરતી તરુણાએ ખૂણેથી ગાદી ઊંચકીને પલંગમાં છુપાવેલી તસવીર કાઢી. પોસ્ટકાર્ડ સાઇઝના ફોટોમાં મુસ્કુરાતા જુવાનને જોઈને રક્તકણોમાં મીઠી લાય ઊઠી. 

લાગી રે લગન (પ્રકરણ ૧)

આ ગરમી! 
મુંબઈનો ઉનાળો હવે આકરા પાણીએ છે. દિવસ ઉકળાટમાં વીતે છે અને રાતે પણ લૂ વાય છે. આ નાનકડી રૂમ ઠંડી કરતાં એસી બિચારું હાંફી જાય છે! 
- પરંતુ શું આ ગરમાવો કેવળ ઋતુજન્ય છે?
ભીતરથી ફૂટેલા સવાલે તેના વદન પર સુરખી છવાઈ. આંખોમાથી નીંદર સરકી ગઈ. તકિયો છાતીએ દબાવીને ઊલટી ફરતી તરુણાએ ખૂણેથી ગાદી ઊંચકીને પલંગમાં છુપાવેલી તસવીર કાઢી. પોસ્ટકાર્ડ સાઇઝના ફોટોમાં મુસ્કુરાતા જુવાનને જોઈને રક્તકણોમાં મીઠી લાય ઊઠી. 

જુઓ આર્વિક, તમારું સ્મરણ મારું એકાંત દહેકાવી રહ્યું છે! ધરતીને તપાવ્યા પછી અંબરે વરસવું પણ પડતું હોય છે... તમારી એ હેતવર્ષાની ઝંખનામાં હું ચાતકની જેમ પ્રાણ પાથરીને બેઠી છું, પણ એ સુખ મારા નસીબમાં છે ખરું! 
હળવો નિ:શ્વાસ નાખીને તરુણા વાગોળી રહી: ભાયખલાની ચાલમાં જન્મેલી તરુણા દસ વરસની થઈ ત્યાં સુધીમાં પિતાજી ચર્ની રોડ ખાતે બે બેડરૂમનો ફ્લૅટ લેવા જેટલી સધ્ધરતા કેળવી ચૂકેલા. આનો યશ જોકે માબાપ હોંશભેર દીકરીનાં પગલાંને આપતાં : તેના જન્મે નોકરી છોડીને મેડિકલ આઇટમ સપ્લાય કરવાનો ધંધો શરૂ કરવાનું સાહસ ખેડ્યું એટલે આર્થિક સ્થિતિ સુધર્યાની ક્રેડિટ અમારી તરુણાને! 

એકની એક દીકરી માવતરની વહાલી હતી. મમ્મી-પપ્પા દીકરી માટે રાજકુમાર જેવો રૂડોરૂપાળો જમાઈ ખોળવાનાં સમણાં સજાવતાં. સોળની થયેલી તરુણા લજાતી, હૈયે મીઠી ગુદગુદી પ્રસરી જતી. અંગે યૌવન મહોરતાં રૂપનો નિખાર જોનારાને પાંપણનો પલકારો મારવાનો ભુલાવી દે છે એવો અનુભવ હવે જુનિયર કૉલેજમાં આવતાં-જતાં થતો રહે છે. એથી બહેકવાનો કે બીજાને બહેકાવવાનો તરુણાનો સ્વભાવ નહોતો. તેના સંસ્કારનું ભાથું જ એવું કે આછકલાઈ ન તે આચરી શકે, ન ખમી શકે. સમથળ વહેતા જીવનમાં પિતાની માંદગી સ્પીડબ્રેકર બનીને આવી. ચાર વરસમાં બચત-મૂડી નિચોવાઈ ગઈ. 
‘મા, આપણે આ ફ્લૅટ વેચીને ફરી ચાલમાં જતાં રહીએ.’

તરુણા ઉછાંછળી ક્યારેય નહોતી. છતાં પિતાના વ્યાધિએ દીકરીને રાતોરાત પીઢ બનાવી દીધી. ક્યારે તે આર્થિક વહેવારો જોતી થઈ ગઈ અને ક્યારે તેણે રસોડું સંભાળી લીધું એની માબાપને ખબર પણ ન પડી. ખૂબ ભણવાનાં સમણાં સમેટીને તરુણાએ નર્સિંગ કોર્સ જૉઇન કર્યો : નર્સ બનીને પપ્પાની સારવાર હું બહેતરપણે કરી શકું... 
સુખનાં સપનાં જતાં કરવામાં દીકરીને કોઈ ન પહોંચે. દશરથભાઈ-માયાબહેન ગદગદ થતાં. જોકે વેપાર વેચ્યા પછી તરુણાએ ઘર વેચવાની વાત માને કરી એ સાંભળી ચૂકેલા દશરથભાઈએ જુદો જ ફેંસલો લઈ લીધો : ટ્રેન નીચે પડતું મૂકીને તેમણે આત્મહત્યા કરી લીધી! અંતિમ ચિઠ્ઠીમાં પત્ની-દીકરીને સંબોધીને લખી ગયેલા : આ ભવમાં કોઈનું કંઈ બગાડ્યું નથી છતાં જે દુખ આવ્યું એનો તાપ તમારું છત્ર છીનવે એવું ન જ થવું જોઈએ... તમે કદી મને બોજ ગણ્યો જ નથી, પણ મને મારા શ્વાસોનો બોજો વર્તાય છે. એ હવે ઉતારી દઉં છું. મારા જવાનો શોક ન રાખશો. તમે મા-દીકરી ખુશ રહેજો એ જ પ્રાર્થના. 

પિતાના પગલાએ તરુણાને હેબતાવી દીધેલી, પણ તરુણા માટે આ રડવાનો સમય નહોતો. તેણે માને જાળવવાની હતી. પતિના અણધાર્યા પગલાએ માયાબહેનને ડિપ્રેશન ઘર કરી ગયું. નર્સિંગનો કોર્સ પતાવીને તરુણાએ ઘર નજીક મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલમાં જૉબ લીધી હતી એટલે ત્યાંના સાઇકિયાટ્રિસ્ટ ડૉક્ટરની દવાથી માને રાહત રહેતી, પણ રોગ એવો કે પેશન્ટ ક્યારે શું કરી નાખે એ કહેવાય નહીં! 
સારાં હોય ત્યારે માયાબહેન દીકરી માટે જીવ બાળે : તું ચોવીસની થઈ. તને મારે પરણાવવી જોઈએ એને બદલે તું મારાં રખોપાં કરે છે! તારા માટે રાજકુમાર જેવો જમાઈ ખોળવાની તારા પપ્પાને હોંશ હતી, પણ... અને તેમનો ચહેરો તંગ થતો, આંખોમાં ફાળ ઊપસતી : જો તરુણા, ટ્રેનની સીટી વાગી... રોક તારા પપ્પાને! તે ટ્રેન નીચે કપા...ઈ જવાના! કહેતાં તે બહાવરાં બની તરુણાની પકડ છોડાવી દોટ મૂકતાં. એવી તાકાત તેમના પાતળા શરીરમાં આવી જતી. 

તરુણા પાછળ દોડીને મહાપ્રયાસે તેમને ઘરમાં પાછાં લાવતી, ઇન્જેક્શનનો ડોઝ આપતી ને ઘડીમાં માયાબહેન નિદ્રાવશ થઈ જતાં. તરુણાની નીંદર ઊડી જતી : દવાની માત્રા દર ચાર-છ મહિને વધારવી પડે છે. ડૉક્ટર દેસાઈએ કહી દીધું છે કે દરદીની હાલત વધુ બગડી તો તમે તેને ઘરે નહીં રાખી શકો. બેટર છે કે તમે કોઈ સારું મેન્ટલ અસાઇલમ શોધી રાખો. 
પપ્પા ગયા, હવે માને પણ અળગી કરી દેવાની? દવાના ઘેનમાં સૂતી માને વળગીને તરુણા મૂંગાં આંસુ સારતી : હું તને પાગલખાને નહીં મૂકું મા, તું ચિંતા ન કરીશ! 
માની સ્થિતિમાં જોકે સુધારને બદલે બગાડ જ હતો. એક તબક્કે તેને એકલી મૂકવી જોખમી બન્યું તો તરુણાએ નોકરી છોડી. થોડીઘણી બચત હતી. તત્કાળ તો વાંધો આવે એમ નહોતો. માને આની સૂધ નહોતી. તે તો પપ્પાને સાંભરીને રડ્યા કરતી. તરુણાને જ કહેતી : મારી દીકરી સ્કૂલેથી આવશે, તેને જમાડી દેજે, હું જરા સ્ટેશન જઈ આવું... તરુણાના પપ્પાને લઈ આવું, નહીં તો તે... ના... ના... મારે અમંગળ કંઈ ધારવું જ નથીને. હું હમણાં તેમને લઈને આવી. તું બહુ ભલી છે. મારી તરુણાને જાળવજે હોં! 

પતિ-પુત્રીમાં પિસાતા જીવની અવદશા જોઈને તરુણાને ક્યારેક પપ્પા પર ગુસ્સો આવી જતો : તમે તો આપઘાત કરીને છટકી ગયા, પાછળ અમારી શી દશા થઈ એ દેખાય છે? 
પછી વહાલસોયા પપ્પાને વઢવા બદલ પણ પસ્તાતી : તે તો બિચારા અમે બેઘર ન થઈએ એ માટે પોતાનો રસ્તો કરી ગયા. બાકી પોતાનો જીવ આપવાનો કોઈને શોખ નથી હોતો... 
આમ ને આમ તો મા પણ લાંબું નહીં ખેંચે... દિવસનાં બબ્બે ઇન્જેક્શન લઈને તેની નસો ફૂલી ગઈ છે! હજી કેટલી રિબાશે? એના કરતાં... 
મનમાં ઊગું-ઊગું થતા વિચારના અણસાર માત્રથી તરુણા કંપી ઊઠી : નો! મર્સી કિલિંગનું હું વિચારી પણ કેમ શકું? જેવી છે એવી મા મારા જીવનનો આધાર છે... તેને મારા હાથે મોત કેમ આપું! 
‘તમારા જીવનમાં ઘણો સંઘર્ષ છે...’ 

આ પણ વાંચો :  દાગ-બેદાગ (પ્રકરણ ૧)

ગયા વરસે સોસાયટીમાં ફલાણાને ત્યાં સચોટ ભાવિ ભાખતા જ્યોતિષાચાર્ય પધાર્યા છે એ મતલબનો મેસેજ આપીને બાજુવાળાં સ્મિતાઆન્ટીએ તરુણાને સમજાવી હતી : તું ભલે જ્યોતિષમાં ન માનતી હો, તારી મા બાબત તો પૂછી જો કે તેમનામાં સુધાર થશે ખરો?
મેડિકલી આનો જવાબ તરુણા જાણતી હતી. મા કદી પહેલાં જેવી નૉર્મલ ન થાય, પણ તેના ભાવિમાં શું લખ્યું છે એ જાણવાની લાલસાએ તે માને સુવાડીને બીજી વિંગના ફ્લૅટ પર પહોંચી. હૉલ ભરચક હતો. જ્યોતિષાચાર્ય અંદરની રૂમમાં બિરાજમાન હતા. વારા પ્રમાણે યજમાન મહેમાનોને તેમની પાસે મોકલતા. પોતાનો વારો આવતાં તરુણા રૂમમાં ગઈ. શ્વેત વસ્ત્રોમાં શોભતા પચાસેકની ઉંમરના દિવ્યાનંદ મહારાજ પ્રભાવશાળી લાગ્યા. દાનદક્ષિણાનો વહેવાર નહોતો એટલે જોશી લેભાગુ નહીં હોય એટલું તો પરખાયું. તરુણાએ મા વિશે પૂછતાં તેમણે ડાબી હથેળી આગળ કરવા કહ્યું : તારી હસ્તરેખા પરથી માતૃસુખની અવધિનો ખ્યાલ આવી જશે... 

હાથની રેખાનો અભ્યાસ કરતાં દિવ્યાનંદના કપાળે કરચલી ઊપસતી ગઈ. જીવનના સંઘર્ષનું વિધાન કરીને તેમણે બિલોરી કાચ લીધો : તારી રેખાઓ બહુ ગૂંચવાયેલી છે... તારી પ્રતિભા જેટલું તને ભણતર ન મળ્યું... તારી માતા હયાત છે, પણ પિતાનું સુખ નહીં હોય. તેમનું મૃત્યુ કુદરતી પણ નહીં હોય.. 
તરુણાનો હાથ કાંપ્યો. સોસાયટીમાં પપ્પાના સુસાઇડની વાત છૂપી નથી. તમે કોઈની પાસેથી જાણીને મને ઇમ્પ્રેસ કરવા માગો છો! એવું દર્શાવતું મલકીને તરુણા વ્યંગમાં બોલી ગઈ : હસ્તરેખામાં આવું પણ લખ્યું હોય? 

તેનો મર્મ સમજાતાં જ્યોતિષાચાર્ય ગંભીર બન્યા : આ શ્રદ્ધાનો વિષય છે... બાકી તમારી રેખા એવું પણ સૂચવે છે કે તમારા હાથે કોઈની હત્યા જેવો ગુનો પણ થાય! 
તરુણાએ આંચકાભેર હાથ ખૂંચવી લીધો. દિવ્યાનંદના ચહેરા પર કરુણા અંકાઈ : તારે માતૃવિરહ પણ ઢૂંકડો છે.. 
જ્યોતિષાચાર્યનાં બે કથનોને સાંકળો તો એવું તારણ કાઢી શકાય ખરું કે હું જ મારા હાથે મારી માતાને મૃત્યુ આપીશ? 
આવું કે બીજું કંઈ જ પૂછવાની હિંમત ન થઈ. ઘરે આવતાં સુધીમાં તેના મને અનુકૂળ દલીલ ખોળી કાઢી : એમ જોશીના જોશ સાચા પડતા હોય તો-તો લોકો તેને જ ભગવાન ન માને? ઠીક છે, એકાદ નબળી ક્ષણે મને માના મર્સી કિલિંગનો વિચાર આવ્યો એટલે હું કંઈ માની હત્યા કરવાની હોઈશ? હમ્બગ! 
જોકે બીજા મહિને માના નબળા પડતા હૃદયે દગો દીધો. તીવ્ર અટૅક માયાબહેનનો પ્રાણ હરી ગયો. 
તરુણાએ અફાટ રણ જેવો ખાલીપો અનુભવ્યો.

‘તેં તો મા પાછળ ભેખ લીધેલો, અમે એના સાક્ષી છીએ... ઈશ્વરે તેને મુક્તિ આપી એવું વિચારીને તારે પણ હવે જીવનમાં આગળ વધવું જોઈએ...’ પાડોશીઓ અને સગાંસ્નેહીઓ સમજાવતા, ‘તું કેળવાયેલી નર્સ છે. ફરી જૉબ શરૂ કર. ઘરે બેસીને ક્યાં સુધી આંસુ સાર્યા કરીશ? એથી તારાં માબાપને વધુ દુખ પહોંચશે... તે લોકો તને ખુશ અને સુખી જોવા માગતાં હતાં... ’
 આ તર્ક સમાધાનરૂપ નીવડ્યો. તારિકાએ નવી નોકરી ખોળી. જીવન ધબકતું થયું. કાર્યસ્થળે છ-સાત નર્સોનું ગ્રુપ બની ગયું. પિકનિક-પિક્ચરના પ્રોગ્રામ બનતા. તેનું મુરઝાયેલું સૌંદર્ય ફરી ઝગમગી ઊઠ્યું. ત્રીસની ઉંમરે તે ચોવીસ-પચીસની લાગતી. 
‘તમે બહુ નિષ્ણાત નર્સ જણાઓ છો... તમારી સોય જરાય દુખી નહીં.’ આર્વિકે કહેલું.

ફિલ્મમાં હીરોની એન્ટ્રી થતાં થિયેટર સીટીથી ગૂંજી ઊઠે એમ તરુણા મલકી ઊઠી. આર્વિકનો ફોટો ચૂમીને ગતખંડની કડી સાંધી : તરુણાની નવી નોકરી મરીન ડ્રાઇવની ચિલ્ડ્રન હૉસ્પિટલમાં હતી. આધેડ વયના ચાઇલ્ડ સ્પેશ્યલિસ્ટ ડૉ. નથવાણીનાં વાઇફ એક ભાગમાં તેમનું વેલનેસ સેન્ટર ચલાવતાં એટલે સ્ટાફે ત્યાં પણ ફરજ બજાવવી પડતી. 
‘સિસ્ટર, આમને આઇવી (ઇન્ટ્રાવિનસ) આપવાનું છે.’
શરૂમાં તરુણાને ડૉક્ટરની વાઇફે તેડાવીને આયર્ન, વિટામિન્સનાં સપ્લિમેન્ટ્સનો બાટલો ચડાવવાનું કહેતાં તેનાથી બોલી પડાયું : પેશન્ટના રિપોર્ટ્સ ક્યાં છે? તેમને કોઈ તકલીફ હોય એવું લાગતું નથી.’

‘કરેક્ટ, તેમને કોઈ જ તકલીફ નથી. આ તો જસ્ટ કાલથી મૅરેજ સેરેમની છે એટલે ફ્રેશ દેખાવા આઇવી લેવા માગે છે.’
હેં! તરુણાને અચરજ થયેલું. અમુક ઉંમર પછી લોકો હેલ્થ સપ્લિમેન્ટ્સ લે એ સમજી શકાય, એ ઍડ્વાઇઝેબલ પણ ગણાય; પણ આજકાલ સપ્લિમેન્ટ્સ લેવાનો ટ્રેન્ડ ક્રેઝની જેમ જુવાનિયાઓમાં ફેલાયો છે જાણીને ડઘાઈ જવાયું. સીધો લોહીમાં ભળતો વિટામિન્સ અને આયર્નનો ડોઝ તરવરાટ ફેલાવી દે, ત્વચા ખીલવી દે એટલે તો શ્રીમંતોને ત્યાં લગ્નમાં મેંદી અને સંગીત સાથે આઇવી થેરપી કૅમ્પ યોજવાનું પણ ચલણ છે એ તો મૅડમે કહ્યું ત્યારે જાણ્યું! 
છ માસ અગાઉ આર્વિક પણ આઇવી લેવા જ હૉસ્પિટલમાં આવેલા... તરુણાએ વાગોળ્યું : ડ્યુટી પર હું હતી. સેન્ટરમાંથી કૉલ આવતાં હું રૂમ પર પહોંચું છું. સામે જોતાં જ મોહી પડાય એવો સોહામણો પુરુષ બેડ પર આડો પડ્યો છે. ત્રીસ-બત્રીસની ઉંમર, અણિયાળો નાકનકશો, બ્લુ જીન્સ અને રેડ ટી-શર્ટમાં કસાયેલી કાયાનું કામણ અછતું નથી રહેતું. હા, ચહેરા પર જરા થકાવટ લાગી ખરી.

‘પાછલા ત્રણ દિવસ દોસ્તો સાથે ગોવામાં પાર્ટીઓ કરી છે... કાલથી જૉબ રિઝ્યુમ કરું એ પહેલાં ફિઝિકલી ફિટ થઈ જવું છે..’ 
આર્વિકના ખુલાસાએ તરુણા મલકી પડેલી. પોતાની સોય તેને ચૂભી નહીં એ પ્રશંસા આર્વિકને સાંભરવાનું બહાનું બની ગયું. બે દિવસ પછી તે તેના કોઈ ફ્રેન્ડને લઈને આવ્યો અને રિસેપ્શન પર માગ મૂકી : તરુણા હાજર હોય તો જ ઍડ્મિટ થઈએ! 

હાઉ સ્વીટ. દરદીને અમુકતમુક નર્સ-ડૉક્ટર ફાવી જતાં હોય છે, તરુણાને આની નવાઈ પણ નહોતી; પણ નર્સને કોઈ પેશન્ટ ગમી જાય એવું તેની સાથે પહેલી વાર જ બનતું હતું! 
ત્યારે ક્યાં ખબર હતી કે જેના પ્રત્યે મહોબત જાગી છે તે તો પરણેલો છે અને એ એકપક્ષીય પ્યાર મને કોઈની હત્યા સુધી દોરી જશે? 
હત્યા. તરુણાએ હાથની રેખા નિહાળી : આમાં કોઈનું મર્ડર લખ્યું હોય તો એ આર્વિકની વાઇફનું જ હોયને! 
તરુણાએ આર્વિકની તસવીર ચૂમી : તારી એવી લગન લાગી છે આર્વિક કે તને પામવા હું હત્યાની હદ સુધી પણ જઈ શકું એમ છું! 
તેને જાણ નહોતી કે પોતે જેના મર્ડરનો પ્લાન ગૂંથી રહી છે તેને મારવાનો ઇરાદો કોઈ બીજું પણ પોષી રહ્યું છે! 

વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff