10 May, 2023 12:53 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
એન્કાઉન્ટર (પ્રકરણ ૩)
વલસાડ!
જાવેદના પ્રસ્તાવે રઝિયા ચોંકી. તે સમજતી કે દિવસનો બે-ત્રણ કલાકનો સંગ ગ્રાહકોને ઓછો લાગતો, ઘણા તો તેને બહારગામ લઈ જવાનો પ્રસ્તાવ પણ મૂકતા, પણ એમ કરવામાં મારા ધંધા બાબતે અમ્મીને વહેમ જાય એવું મારે નથી થવા દેવું. એમાં પાછલા બે મહિનાથી પેધા પડેલા જાવેદે પણ રાત માણવી છે, તેને વલસાડ માલસામાન પહોંચાડવાની વરદી મળતાં જોડે મનેય લઈ જવી છે. શનિવારે નીકળીને રવિની સાંજ સુધી ઘરે!
એનું વેણ રાખ્યા વિના છૂટકો ક્યાં હતો? વાલકેશ્વરની શેઠાણી બાળબચ્ચા સાથે વલસાડ સોશ્યલ કામે જવાની છે, મને લઈ જવા માગે છેનું બહાનું ઉપજાવી રઝિયાએ અમ્મીની મંજૂરી લઈ લીધી.
અને શનિની સવારે તેમણે મુંબઈ છોડ્યું.
lll
‘રાજા કી આયેગી બારાત...’
દૂર ક્યાંક ગુંજતા લતાના ગીતે તેના હોઠ હળવું મલકી પડ્યા. પલંગની બાજુના ડેસ્ક પર મૂકેલી તસવીર હાથમાં લઈ આંખો સામે રાખી, ‘તમે તો ઘોડે ચડવાનાં સમણાં સેવતા હશો, પણ... સૉરી, તમારું એ અરમાન પૂરું નહીં થાય! તમારી પાસે એટલું આયુષ્ય જ ક્યાં છે?
‘આર યુ શ્યૉર, તમે આ કરી શકશો?’ ગયા અઠવાડિયે મળવા આવનારા આદમીએ ખાતરી માટે પૂછ્યું હતું, ‘તમે જાણો છો, જેને ખતમ કરવાનો છે એ વાઘ જેવો વિકરાળ ને દીપડા જેવો ખંધો છે...’
એ યાદે અત્યારે પણ તેનું હૈયું તેજ ધડકી ગયું, પરાણે તેણે જાતને સન્યત કરી: ‘વાઘ-દીપડાના શિકાર ક્યાં નથી થતા!’
આજે એક વધુ!
lll
કેટલા વખતે જાત સાથે આટલી નિરાંત મળી!
ચંપલ હાથમાં લઈ દરિયાનાં પાણીમાં ચાલતી રઝિયાને સુકૂન વર્તાય છે. બપોરે બે વાગ્યે વલસાડ પહોંચીને દરિયાકિનારે હોટેલ સી વ્યુમાં રૂમ રાખીને જાવેદ કામ પતાવવા નીકળ્યો હતો : ‘મને આવતાં છ-સાત વાગી જશે. પછી આપણે રૂમની બહાર નીકળવાનું નથી.’
કામસુખ માટે મરદના ઉત્સાહની રઝિયાને નથી નવાઈ લાગતી કે નથી જુગુપ્સા થતી. તેના ગયા પછી ઊંઘવાને બદલે રઝિયા લટાર મારવા નીકળી પડી. મુખ્ય બીચથી હોટેલ દૂર હતી એટલે અહીંના કિનારે એકાંત હતું.
ભઉ... ભઉ..
ઝાડીમાંથી દોડી આવતા બે-ચાર કૂતરાઓએ રઝિયાને નિજાનંદમાંથી જાગ્રત કરી : ‘અરે બાપ રે!’
ભડકીને તે ભાગવા ગઈ એથી કૂતરા પણ પાછળ પડ્યા.
‘અરેરે, અહીં કોઈ છેય નહીં કે મદદનો પોકાર પાડું!’
અને રઝિયાની કીકી ચમકી. તેને જમણે એક ઘર દેખાયું!
ઝટ એનો ઝાંપો ખોલીને ભીતર દાખલ થઈ તેણે ઝાંપો બંધ કર્યો એટલે કૂતરા થોડે દૂર અટકી ગયા. એમનું ભસવાનું જોકે ચાલુ હતું.
હાંફતી છાતીએ રઝિયા વરંડાના હીંચકે બેઠી : ‘પહેલાં જરા રાહતનો શ્વાસ લેવા દે!’
‘આ કૂતરા કેમ ભસવા લાગ્યા!’
મર્દાના અવાજ સંભળાતાં રઝિયા હીંચકા પરથી ઊભી થઈ ગઈ. અવાજની દિશામાં તેની નજર ગઈ. ‘પહેલા માળના રૂમની બારી ખુલ્લી છે, અવાજ ત્યાંથી જ આવ્યો! બે માળના ઘરમાં નીચે ગૅરેજ અને ઓપન સ્પેસ છે એટલે ઉપર દીવાનખંડ હોવો જોઈએ.’
રઝિયા આટલું વિચારે છે કે એ જ પુરુષ હસતો હોય એમ બોલ્યો, ‘ક્યાંક તારો અર્ણવ તો નથી આવ્યોને!’
અ...ર્ણ...વ... રઝિયાના બદનમાંથી ઝણઝણાટી પ્રસરી ગઈ. અલબત્ત, દુનિયામાં અર્ણવ નામધારી ઘણા હશે, પણ કુદરતનું કરવું હોયને આ મેરાવાલા અર્ણવ જ હોય તો! આપોઆપ તેના કાન સરવા થયા.
‘એ તો મધરાતે ટ્રેનમાં આવી રહ્યો છે...’ સ્ત્રીસ્વરમાં સંભળાયું, ‘મને પરણવાના ઉમંગ સાથે.’
‘બિચારો... તેને ક્યાં ખબર છે કે તેની બારાત નહીં, જનાજો નીકળવાનો! એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટનું જ એન્કાઉન્ટર થઈ જવાનું!’
એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ! રઝિયાની ધડકન વધી ગઈ. હવે શક ન રહ્યો, ‘ત્યારે તો આ એ જ અર્ણવ! કોઈ તેને મારવાની સાજિશ રચી રહ્યું છે? ના, કોઈ નહીં, તે જેની સાથે પરણવાનો છે એ તેની માશૂકા!
‘એક વાત સમજી લેજો રિયા ખાતુન. આપણી બે કરોડની ડીલના અડધા તમને હીરાના રૂપમાં ચૂકવાઈ ગયા, હવે કામ ન થયું તો...’
‘કામ ન થવાનું કોઈ કારણ જ નથી જનાબ. તમે કહ્યું એમ, તમે આપેલું ઝેર અર્ણવના દૂધમાં ભેળવીશ એટલે તેનું હાર્ટફેલ નક્કી. જે પોસ્ટમૉર્ટમમાં પણ પકડાશે નહીં...’ સ્ત્રીસ્વરમાં ખંધાઈ ટપકી : ‘પણ હા, અર્ણવ મર્યા પછી મને બાકીની રકમ ન મળી તો મને શગુફ્તાએ અર્ણવને મારવાની સોપારી આપી એ જાહેર કરતાં મને સંકોચ-શરમ નહીં થાય.
‘શગુફ્તા...’ રઝિયાને લાગ્યું કે આ નામ ક્યાંક સાંભળ્યું છે. પછી ઝબકારો થયો - ‘આ તો પેલા માફિયા અજમલની બૈરી!’
અજમલના એન્કાઉન્ટર બાદ બન્ને પુત્રો પણ ઝડપાતાં રાજસ્થાનમાં અન્ડરગ્રાઉન્ડ થયેલી શગુફ્તા જીવ પર આવી ગઈ હતી. પતિના એન્કાઉન્ટરમાં મુખ્ય ભેજું અર્ણવસિંહનું હતું એની ભાળ મળ્યા પછી તેને પતાવવાની જ ડીલ થઈ રહી હતી!
જોકે દીવાનખંડમાં શગુફ્તાના આદમી પાસેથી હીરા લેતી રિયાને ભનક નહોતી કે આ સોદો કોઈના કાને પડી રહ્યો છે!
lll
એક કરોડના હીરા!
એક કરોડના હીરાનો લાખેણો ઝગમગાટ રિયાના વદન પર પથરાઈ ગયો.
માબાપનાં અમુક કર્મ સંતાન પર ઘેરી અસર છોડી જતાં હોય છે. માની ચરિત્રશિથિલતા અને પિતાની ન્યાય તોળવાની માનસિકતામાં મોટી થતી રિયા પિસાતી રહેતી. એમાં પાછો કાકા-કાકીના આશરાનું ઓશિયાળાપણું. એમાં પિતા પાછા થતાં માથેથી ઓથ ગઈ હોય એમ કાકીનાં મેણાં ને કાકાની મેલી નજર ડંખતી. કાકો ‘તારી મા ક્યાં સતી હતી!’ કહી વગોવતો અને કાકીની એક જ વાત : ‘તારો બાપ કોઈ દલ્લો નથી મૂકી ગયો!’
‘ધારો કે દલ્લો મૂક્યો હોત તો? તો આ જ કાકા-કાકી મારી કદમબોસી કરતાં હોત! આ જગતમાં પૈસાને જ માન છે!’
‘સો આઇ નીડ મની. મને હવે પૈસાની ભૂખ છે. ખૂબ જ ટૂંકા ગાળામાં અમીર બનવાનો એક જ રસ્તો છે, કોઈ શ્રીમંત જુવાનને પરણવાનો!’ ગામમાં તો એવું કોઈ પાત્ર નજરે ન ચડ્યું, પણ સુરત આવતાં એક નામ ફરી હૈયે સળવળવા લાગ્યું : અર્ણવ!
સુરત આવીને અર્ણવની ભાળ કાઢવી સહજ હતી. અંકલ-આન્ટી ન રહ્યાનું દુ:ખ થયું. અર્ણવ હજી પરણ્યો નથી અને તેણે એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ તરીકે પ્રતિષ્ઠા જમાવી છે જાણી કીકીમાં ચમક ઊપસી. ‘એક વાર કાકાને તેમની મંડળીમાં બોલતા સાંભળેલા કે એન્કાઉન્ટરનો પણ ભાવ બોલાતો હોય છે! ત્યારે તો અર્ણવ કેટલો અમીર હશે!’
અર્ણવ અલબત્ત સુરતમાં નહોતો, મહામહેનતે તેનો સેલ નમ્બર મળ્યો. આમ તો રજાઓમાં તે ઘરે આવે ત્યારે સીધું જ તેને તેના ઘરે જઈને મળી શકાય, પણ એમાં મામલો પ્યાર સુધી પહોંચે-ન પહોંચે! એના કરતાં કંઈક એવું કરવું જે અર્ણવના સ્વભાવને અનુરૂપ હોય, સીધું તેના દિલને સ્પર્શી જાય!
આવી તો એક જ ચીજ હોય : ‘એન્કાઉન્ટર!’
આ પણ વાંચો : એન્કાઉન્ટર (પ્રકરણ ૨)
બસ, અર્ણવ સુરતમાં હોવાનું પાકું થતાં લંપટ કાકાનું પુરુષાતન વાઢી તેને કૉલ કર્યો એ જોગાનુજોગ નહીં, મેં રચેલો યોગ હતો! વહેશી કાકા આમ પણ વધુ સહન થાય એમ નહોતા. નપુંસક બનેલા કાકા કાકીના ઓશિયાળા બની ગામભેગા થઈ ગયા એ તેમની નિયતિ! રિયાએ દમ ભીડ્યો :
‘ધાર્યા મુજબ મારી હિંમત અર્ણવને સ્પર્શી ગઈ. જૂની લાગણી પુનર્જીવિત થતી હોય એમ તે મને અહીં લઈ આવ્યો... હું તેનાં મૂલ્યોને પોષતી, તેની નજર હોય ત્યારે સાડીનો છેડો સહજપણે સરકાવી તેનામાંના પુરુષને હું ઉશ્કેરતી, ઍન્ડ ઑલ ધૅટ વર્ક્ડ! પ્રથમ સાયુજ્યના કૅફમાં તેણે લગ્નની વાત છેડી એવો જ તેના મુફલિસપણાનો સાક્ષાત્કાર થયો! અને પૈસા વિનાની પ્રીત મારા માટે તો નકામી!’
‘તો શું અર્ણવને છોડી દેવો?’
સૂઝતુ નહોતું. આ અનિર્ણીત દશામાં ગયા અઠવાડિયે અજાણ્યા આદમીનો ફોન આવ્યો : ‘તમને મળવું છે... તમારા ફાયદાની વાત છે - બે કરોડના ફાયદાની!’
આજના જમાનામાં બે કરોડ કાંઈ વધુ પડતા ન જ ગણાય, પણ રિયા માટે તો અધધધ જ હતું. બે કરોડનો ફાયદો કરાવવાનુ કહેનારને મળવું તો જોઈએ જ. અજાણ્યા પુરુષને પહેલી વાર ઘરે તેડાવવાને બદલે તેણે બીચ પર મળવાનું ગોઠવ્યું.
દરિયે આવેલા સ્મશાન નજીક દિવસે ખાસ ચહલપહલ નથી હોતી. નક્કી થયા પ્રમાણે પોતે રેડ સાડી પહેરી ત્યાં પહોંચી ને તે બ્રાઉન બ્લેઝરમાં આવી પહોંચ્યો.
પચાસેકની ઉંમર, કસાયેલું શરીર અને ઉર્દૂ તહેજીબમાં તેનો મજહબ પણ પડઘાયા વિના ન રહે. ખરેખર તો એ આદમી યુપીના માફિયા અજમલની બેવા શગુફ્તા તરફથી આવ્યો હતો અને અર્ણવનો જીવ લેવાની કિંમત બે કરોડ રૂપિયા લગાવી હતી! પહેલી વાર તો સાંભળતાં જ હાથપગ ઠંડાગાર થઈ ગયેલા.
અર્ણવ પર સામી છાતીએ વાર કરવાનું કોઈનું ગજું નહીં, તેને કપટથી મારવામાં ખરેખર તો પ્રિયપાત્રના દગાથી મર્યો એનું આશ્વાસન પામવાની ઝેરી મનસા હતી શગુફ્તાની. તેના આદમીએ મારો સંપર્ક કર્યો. હું કામ કરવા રાજી થઈશ એવું ધારવાની સામે હું રાજી ન થાઉં તો એ માટે તેમનો પ્લાન-‘બી’ હશે જ, પણ એની જરૂર ન પડી. અર્ણવને મારવામાં તેમનું વેર સરે એ હેતુ સમજાયા પછી ભરોસો બેઠો, પોતે કામ કરવા હામી ભરી અને આજે એનું આ ઍડ્વાન્સ મળી પણ ગયું!
‘અર્ણવ, તારું કાઉન્ટ ડાઉન શરૂ!’
lll
રઝિયાને ઝૂમવાની ઇચ્છા થતી હતી. આખરે પોતાનું વેશ્યા બનવું, જાવેદનું બ્લૅકમેઇલિંગ કરવું ફળ્યું! ‘ઓહ, કુદરતે આ ક્ષણે મને અહીં હાજર રાખીને મારા ઇંતેજારની ઈદી ચૂકવી દીધી!’
-અને રઝિયા સચેત થઈ. મુલાકાત પતી હોય એમ સ્ત્રી પુરુષને વિદાય કરતી જણાઈ. આડશે રહીને તેણે નજર નાખી: ‘શગુફ્તાનો આદમી કોણ છે એ તો જાણું!’
સફારી સૂટધારી એ આદમી તેની કાર તરફ વળતાં ચહેરો સ્પષ્ટ થયો, એવો જ ઝાટકો જેવો લાગ્યો : ‘આમને તો હું જાણું છું! આ ચહેરો તો... અરે, આ તો અબ્બુના એક સમયના ડ્રાઇવર... સલીમ અંકલ!’
‘તેઓ આવા ધંધામાં ક્યાંથી? નૅચરલી, અબ્બુ-ભાઈજાન નિર્દોષ હોય તો તેમના સાથીઓ દોષી કેમ હોય? વિનાકારણ તેમણે વર્ષોનો જેલવાસ ભોગવ્યો, બહાર આવી સલીમ અંકલ સાચે જ ગુનેગારોની પંગતમાં બેસી ગયા એને હું ઍક્શનનું રીઍક્શન કહીશ...’
સલીમને વિદા કરી રિયાએ દરવાજો બંધ કર્યો. રઝિયા પણ હોટેલ પાછી આવી ગઈ. પાર્કિંગમાં સલીમ અંકલની કાર જોઈને ચમકી જવાયું, ‘મતલબ, તેઓ પણ આ જ હોટેલમા ઊતર્યા છે! તેઓ કાલે અર્ણવનો જનાજો જોઈને જ નીકળવાના હોય... તેમને મળીને મારો હરખ જતાવું?
ના, હું જાવેદ સાથે ધંધે આવી છું એ હકીકત પિતાના મુલાજિમ સમક્ષ ખૂલે તો ખાનદાનનું માન શું રહે?’
અને રઝિયા ચૂપકેથી રૂમમાં સરકી ગઈ.
lll
સમી સાંજે પાછો આવેલો જાવેદ રંગીન રાતના ઉજાગરા માટે તલપાપડ હતો. ‘પણ આ શું?’
રાતે રૂમમાં જ જમીપરવારી જાવેદે રઝિયાને ઊંચકી પલંગમાં મૂકવા જતાં કમરમાં સટાકો બોલ્યો. તેની ચીસ સરી ગઈ. રઝિયાને ઉતારી પોતે લેટી જવું પડ્યું. કમરનો દુખાવો એટલો તીવ્ર હતો કે એની દયા ખાતી રઝિયાએ રિસેપ્શન પર ઇન્ટરકૉમ જોડ્યો, પણ રાતે દસના સુમારે કદાચ ડેસ્ક પર કોઈ રહેતું નહીં હોય... જોકે મૅનેજર ભોંયતળિયાની રૂમમાં જ રહે છે, તેની પાસેથી પેઇન કિલર મળે તો દુખાવામાં થોડી તો રાહત થાય. ડ્રેસ સરખો કરી તે રૂમની બહાર નીકળી.
પૅસેજ સૂમસામ હતો. હોટેલમાં આમેય ગણીગાંઠી ત્રણેક રૂમ જ ઑક્યુપાય્ડ છે.
...અને પગથિયાના વળાંકે વળતી તે ચોંકી : ‘આજે આપણું વેર પૂરું થવાનું અનવરમિયાં!’
‘આ તો સલીમ અંકલનો અવાજ! સીડી નજીકની રૂમમાં તેઓ ધીમા સ્વરે વાત કરી રહ્યા છે, પણ કદાચ અંદર એસી ચાલુ નહીં હોય એટલે રાતના સુનકારમાં તેમનો અવાજ દરવાજાની ફાટમાંથી બહાર જતો હશે એવી તેમને ધારણા નહીં હોય... અનવરમિયાં... ઓહ, ક્યાંક એ અબ્બુના મૅનેજર તો નહીં હોય! તેમનેય સલીમ અંકલ ભેગી જેલ થઈ હતી.’
‘જી, આજકાલ નૂરમોહમ્મદ સાથે જોડાયો છું, તે શગુફ્તાબેગમનો ભાઈ થાય...’ અજમલના એન્કાઉન્ટરનો રિવેન્જ પ્લાન કહીને તેણે ઉમેર્યું, ‘અર્ણવના અંજામમાં આપણા માલિક કાસિમ અલી અને અશરફમિયાંનો બદલો પણ વસૂલાઈ જવાનો!’
રઝિયાએ કૃતાર્થતા અનુભવી.
‘અલ્લાહ જાણે, ફાતિમાબીબી અને બચ્ચી રઝિયા ક્યાં હશે! તેમનો પત્તો પામવાની ઘણી કોશિશ કરી, પણ... ખેર, બાકી કાસિમ અલી હયાત હોત તો દ્વારકા બેટ પર પાકિસ્તાનનો ઝંડો તેમણે લહેરાવી દીધો હોત...’
‘હેં!’ પિતાને સાંકળીને બોલાયેલા વાક્યએ ચારસોચાલીસ વૉટનો કરન્ટ લાગ્યો હોય એવી ખળભળી ગઈ રઝિયા!
આવતી કાલે સમાપ્ત