09 May, 2023 10:12 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff
એન્કાઉન્ટર (પ્રકરણ ૨)
‘ફાતિમા ડોશીને દીકરીનો ધંધો માલૂમ છે કે?’ સામેનો જુવાન હસ્યો, ‘તેમને જાણ ન થવા દેવી હોય તો તારી કાયાને માણવાનો મોકો આપતી રહેજે...’
સાફ બ્લૅકમેઇલિંગ!
‘ચલ, ગેસ્ટહાઉસમાં રૂમ બુક કરી છે... જલ્દી ટૅક્સી મેં આ જા!’
ટૅક્સી. હવે રઝિયાનું ધ્યાન ગયું. ચાર ડગલાં દૂર ટૅક્સીમાં જાવેદ કૉલ કટ કરીને ગંદું હસતો હતો.
‘જા...વેદ, તું!’ રઝિયા ઝડપથી આગલી સીટ પર ગોઠવાઈ. આ તો ચાલીનો પાડોશી છે, મનાવી શકાશે.
ગલત. જાવેદને કોઈ આજીજીમાં રસ નહોતો : તારા પર લટ્ટુ થનારા અમે... કોઈનો હાથ પકડી લીધો હોત તો જિસ્મ વેચવાની નોબત ન આવત... પણ અમે તો તારે મન મગતરાં! બે-ચાર વાર તને હોટેલમાં આવ-જા કરતી જોઈને શક પડ્યો, તારા ધંધાની ખાતરી કરી એ મહેનત વસૂલવી પડેને! તારા ધંધા વિશે તારી મા અંધારામાં જ હોય એ અનુમાન સહજ હતું...
અને અડધા કલાક પછી જાવેદ ગેસ્ટહાઉસમાં રઝિયાનું બદન ચૂંથતો હતો ત્યારે લખનઉમાં અર્ણવસિંહ એન્કાઉન્ટરમાં વ્યસ્ત હતો!
lll
‘માફિયા અઝમલ ખાનનું એન્કાઉન્ટર!’
બીજા દિવસે મીડિયામાં બ્રેકિંગ ન્યુઝ તરીકે ટપકેલા ખબર રઝિયા ઝીણવટથી વાંચી ગઈ : ના, આમાં અર્ણવ સિંહનું નામ ક્યાંય નથી!
રઝિયાને સમજ હતી કે અર્ણવ પ્રત્યે માત્ર વેર ઘૂંટવાથી નહીં ચાલે, મારે એ આદમી વિશે સતત અપડેટ રહેવું પડે જેથી લાગ મળતાં જ ઘા કરી શકાય... તેણે નેટસર્ફિંગ કરીને એટલું તો જાણ્યું કે મારા નિર્દોષ ભાઈ-અબ્બુને ફસાવીને વાહવાહી લૂંટનારો અર્ણવસિંહ હવે તો એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ તરીકે ઓળખાય છે... પછી તો છાપામાં એન્કાઉન્ટરના ખબર છપાયા હોય અને એમાં અર્ણવનું નામ હોય તો કટિંગ સાચવીને તે કેસને ફૉલો કરતી, પણ ભાગ્યે જ કંઈક વિશેષ જાણવા મળતું. તેત્રીસેકનો થયેલા અર્ણવસિંહની ફૅમિલી લાઇફ વિશે કોઈ વિગત મળતી નથી. મૂળ ગુજરાતના વતની એવા અર્ણવનુ પોસ્ટિંગ કયા ડિપાર્ટમેન્ટમાં, કઈ જગ્યાએ છે એની ભાળ મળે તોય તેના સુધી પહોંચવાનું કૂંડાળું નાનું થાય. પણ કોઈ ક્લુ નહીં!
એક વાર તેનો પત્તો મળે તો-તો વેર વસૂલવાના ઘણા આઇડિયા છે મારી પાસે... અલ્લાહ, એ ઘડી પહેલાં મને કે તેને મોત ન આપતો!
lll
‘અઝમલ ખાનનું એન્કાઉન્ટર!’
મીડિયાના રિપોર્ટ પર નજર નાખતો અર્ણવ મંદ-મંદ મલકી રહ્યો.
અઝમલ ખાન. દારૂની ભઠ્ઠીથી શરૂ થયેલી તેની કારકિર્દી ખૂન, અપહરણ, આતંકવાદીઓ સાથેની સાઠગાંઠથી ફેલાઈને ઉત્તર પ્રદેશના વિધાનસભા ભવન સુધી પહોંચી હતી. ત્રણ-ત્રણ ટર્મ સત્તાનો સ્વાદ ચાખનારા અઝમલે પોતાને કાયદાથી પર માની લીધેલો. તેના પચીસ-ત્રીસ વરસના બન્ને પુત્રો બાપ જેવા જ ભારાડી હતા તો પત્ની શગુફ્તાનો દમામ ગૉડમધર જેવો હતો.
જોકે અઢી વરસ અગાઉની ચૂંટણીમાં કેન્દ્રમાં સત્તાશીલ પક્ષની લહેરમાં અઝમલનો પરાજય થયો. રાજ્યમાં લોખંડી મનોબળ ધરાવતા ખાદીધારી વિનાયકભાઈ મુખ્ય પ્રધાન તરીકે પૂર્ણ બહુમત સાથે સત્તામાં આવ્યા પછી પ્રજાની શાંતિ માટે ન્યુસન્સ બની ગયેલાં તત્ત્વોની ટ્રીટમેન્ટ પુરજોશમાં હતી.
માફિયારાજ એમ ખતમ નહીં થાય એ દર્શાવવા અઝમલે ત્રણ મહિના અગાઉ પોતાની સામે જીતેલા ઉમેદવાર પર જાહેરમાં ગોળીબાર કરીને હાહાકાર સર્જી દીધો. ગોળી ખાઈને ઢળી પડેલા ઇબ્રાહિમભાઈ મર્યા નહીં. તેમની જુબાનીએ સ્પેશ્યલ ફોર્સ દ્વારા પખવાડિયા અગાઉ અઝમલની ધરપકડ કરાઈ એ રાજ્યના ઇતિહાસમાં અભૂતપૂર્વ ઘટના હતી. દીકરાઓ-પત્ની અન્ડરગ્રાઉન્ડ થઈ ગયાં. તેમને સૌને એન્કાઉન્ટરની ભીતિ હતી.
ઍન્ડ ઇટ હૅપન્ડ ફાઇનલી! ‘પોલીસને થાપ આપીને નાસવા ગયેલા’ ગુનેગારને ગોળી મારીને પતાવી દેવાયો એ એન્કાઉન્ટરમાં મારો દેખીતો રોલ ભલે નથી, પણ મારા માટે એ ન્યાય છે. ખુદ ન્યાયને હાથો બનાવીને છટકી જનારા ગુનેગારો માટે બીજી સજા પણ શું હોય?
ઊંડો શ્વાસ લેતા અર્ણવ સમક્ષ ગતખંડ તરવરી રહ્યો. એમાં એન્કાઉન્ટરનું જસ્ટિફિકેશન પણ હતું અને પોતાની પ્રિયતમાના સ્મરણનું સુખ પણ!
lll
અર્ણવના પિતા સુરતની માધ્યમિક શાળામાં ફિઝિકલ ટ્રેઇનિંગ (પી.ટી.)ના શિક્ષક હતા એટલે કસરતથી શરીર ચુસ્ત-સ્ફૂર્ત રાખવાનો ગુણ અર્ણવને વારસામાં મળ્યો હતો. બુદ્ધિમંત તો તે હતો જ, નીડરતા તેના સ્વભાવમાં વણાઈ ગયેલી. ધ્યેય પણ નક્કી : મારે તો પોલીસ બનવું છે! એકનો એક દીકરો માબાપના ગૌરવ સમાન હતો.
સોળની ઉંમરે તે વીસનો ખડતલ જુવાન જેવો દેખાતો. વહેલી સવારે ધાબા પર જઈને કસરત કરતો હોય ત્યારે પાછલા ઘરની ટુવાલ સૂકવવા આવતી પંદરેક વરસની કન્યા શરમાઈ જાય છે એવું એક-બે વાર બન્યા પછી તેણે માને પૂછતાં જાણવા મળ્યું : પાછળ ભાડે રહેવા આવ્યા છે, યુપી બાજુના છે. નીલકંઠભાઈ સાડીઓની દલાલીનું કામકાજ કરે છે. રાતદહાડો બિચારા બહાર ભટકતા હોય છે. નમ્રતાબહેન હોમમેકર છે. તેમને પણ પંદરેક વરસની એક દીકરી છે : રિયા! તેનું ઍડ્મિશન ગર્લ્સ સ્કૂલમાં લીધું છે. નમ્રતાબહેન કહેતાં હતાં કે તમારા દીકરાને કહેજો કે તેને ભણવામાં મદદ કરે, તેનું મૅથ્સ નબળું છે!
આમાં ઇનકાર કેમ હોય? ગણિત ભણવા રિયા ઘરે આવતી થઈ. છ-આઠ મહિનાના એ સહવાસમાં બન્ને વચ્ચેની નિકટતા ગહેરી થતી ગઈ. તેમની આસપાસના વિશ્વમાં જોકે ધરતીકંપ ઢૂંકડો હતો એની તેમને ગંધ સુધ્ધાં નહોતી.
‘નમ્રતાબહેન, કાલે ક્યાં હતાં તમે! પાલિકાનું પાણી આવ્યું ત્યારે તમને ટાંકી ભરવા કેટલો સાદ પાડ્યો, પણ તમે ઘરે નહોતાં કદાચ...’
પતિની હાજરીમાં તો ‘થોડા કામે બહાર ગઈ હતી...’ એમ કહીને નમ્રતાબહેને વાત પતાવી, પણ બીજા દહાડે પતિની ગેરહાજરીમાં ઘરે આવીને પેટછૂટી વાત કરી ગયાં : મારે સોશ્યલ કામે બહાર જવાનું થતું રહે, પણ નીલકંઠને એ ગમતું નથી. તમે જ કહો કે નીલકંઠ તેના કામમાંથી નવરો ન પડે, રિયા સ્કૂલે હોય તો આખો દિવસ હું ઘરે શું કરું? એટલે સોશ્યલ, સેવાના કામે જતી હોઉં છું. રિયા આવે એ પહેલાં આવી જતી હોઉં છું. મને મારી જવાબદારીનો અહેસાસ છે, પણ આ બધું તમે કોઈને ન કહેશો. નીલકંઠને તો ક્યારેય નહીં.’
પુણયના કામે જતી બાઈને દમયંતીબહેન રોકે પણ શું કામ?
ધડાકો ચોથા મહિને થયો.
મહોલ્લામાં સાયરન વગાડતી પોલીસની જીપ આવી. ક્યારની સ્કૂલેથી આવીને મમ્મીની રાહ જોતી રિયા સાયરનના અવાજે અર્ણવના ઘરે દોડી આવી : શું થયું? પોલીસ કેમ આવી?
અર્ણવ-રિયા બાલ્કનીમાંથી ડોકિયું કરીને ઊભાં હતાં ત્યાં જીપમાંથી પિતાને ઊતરતા જોઈને રિયા ડઘાઈ. અર્ણવ અવાક બન્યો. દિવાકરભાઈ-દમયંતીબહેન નીચે ભાગ્યાં.
દીકરીને બાલ્કનીમાંથી પોતાને સાદ પાડતી જોઈને નીલકંઠભાઈએ હાથકડીવાળા બે હાથ ઊંચા કર્યા : મારી નાખી મેં તેને... તારી બદચલન માને મેં મારા હાથે ખતમ કરી દીધી!
lll આ પણ વાંચો : એન્કાઉન્ટર (પ્રકરણ ૧)
બિચારી રિયા. ગતખંડ વાગોળતા અર્ણવે નિસાસો નાખ્યો : પિતાના બયાને બેહોશ બની ગયેલી.
નીલકંઠભાઈએ જે કહ્યું એ જ્વાળામુખી જેવું જ સ્ફોટક હતું : ખરેખર તો નમ્રતાના ગામનો લગ્ન પહેલાંનો તેનો પ્રેમી સુરતમાં ભેટી ગયો. પ્યાર પુન:જીવિત થયો. બન્ને હોટેલના એકાંતમાં રંગરેલી માણવા લાગ્યાં. નીલકંઠભાઈને શક તો ક્યારનો પડેલો, પણ એક વાર તેમને હોટેલમાં જતાં સગી આંખે જોયા પછી તેમણે વૉચ રાખવા માંડી. પત્નીનું લફરું કન્ફર્મ થતાં તેમણે હોટેલની રૂમ પર રેઇડ પાડી ચાકુના ઘાથી બન્નેને ખતમ કરી નાખ્યા! ઘટનાના સાક્ષી બનેલા વેઇટરે શોર મચાવતાં નીલકંઠભાઈ રંગેહાથ ઝડપાઈ ગયા!
‘મારે ભાગવું પણ નહોતું...’ નીલકંઠે કોર્ટમાં કહેલું, ‘ગુનેગારને સજા આપનાર તો ન્યાયાધીશ કહેવાય. તેણે ભાગવું શું કામ જોઈએ? ધારો કે મેં પત્નીની બદચલનની ફરિયાદ કરી હોત, ન્યાય માટે કોર્ટનો રસ્તો લીધો હોત તો સંભવ છે કે તેણે મને કાપુરુષ ઠેરવ્યો હોત... ગુનેગારને ફાવવાની તક આપવી જ શું કામ?’
lll
તેમના આ શબ્દો ચિત્તમાં ચીતરાઈ ગયા... કહો કે એન્કાઉન્ટર માટેના દિશાસૂચક બની ગયા!
અર્ણવે ઊંડો શ્વાસ લઈને કડી સાંધી:
ઘરે કેસની ચર્ચા થતી ત્યારે અર્ણવ અચૂક નીલકંઠ અંકલના અભિગમની તરફેણ કરતો. માતા-પિતાને રિયાના ભવિષ્યની ચિંતા થતી. રિયાને જોકે તેનાં કાકા-કાકી ગામ લઈ ગયાં. સમય વહેતો ગયો. પોતે પોલીસમાં ભરતી થયો ત્યાં સુધીમાં પપ્પા-મમ્મી ગુજરી ચૂકેલાં. સંસારમાં એકલો પડ્યા પછી ફરજમાં બેખોફપણું આવતું ગયું. માથાભારે ગુંડાઓનાં માથાં ભાંગીને પોતે સ્પેશ્યલ ફોર્સમાં નિમણૂક પામી એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ બની ગયો! અલબત્ત, અર્ણવ પોતે પ્રચારથી દૂર રહેતો. નાહક પોતાના દુશ્મનોને અપડેટ શા માટે કરવા! એવી પણ ગણતરી ખરી.
આવામાં વરસેક અગાઉ જૉબમાં છુટ્ટી મૂકીને પોતે સુરતના ઘરે હતો ત્યારે કોઈનો ફોન આવ્યો : પ્લીઝ હેલ્પ... મેં મારા અંકલ પર છરી હુલાવી છે! હી... હી ટ્રાય્ડ ટુ રેપ મી!
તો-તો બદમાશ એ જ લાગનો છે!
બબડતો અર્ણવ છોકરીએ આપેલા સરનામે પહોંચતાં ફરિયાદીને જોઈને ચમકી જવાયું : રિ...યા, તું!
તે પણ ચોંકી હોય એમ તેના ડોળા ચકળવકળ થયા : અ...ર્ણ...વ તું-તમે! પોલીસચોકીમાંથી મને કોઈએ તમારો નંબર આપ્યો એ કેવો જોગાનુજોગ!
માતા-પિતાની વિદાય પછી ડ્યુટીમાં ડૂબેલા અર્ણવને વરસો પછી કોઈ પોતાનું મળ્યું એવો હરખ થયો.
રિયા પાસે જોકે શૅર કરવા દુખડાં જ હતાં : પપ્પાને જનમટીપ થઈ એનાં પાંચ વરસમાં તેમણે જેલમાં જ દેહ છોડ્યો... હું સાચા અર્થમાં ત્યારે અનાથ બની. કાકા-કાકીના તેવર જ બદલાઈ ગયા. કાકી સાવકી મા જેવી અકારી બની ગઈ અને કાકાની ગંદી નજર ભત્રીજીના યૌવન પર ફરવા લાગી. ઉપરાઉપરી વરસાદ ખરાબ જતાં ખેતીમાં કસ ન રહ્યો એટલે બે વરસ અગાઉ પાછા સુરત આવ્યા. અહીં પણ કાકીની ગેરહાજરીમાં કાકા છાકટા બની જતા. હું વારું તો મહેણું મારતા : તારી મા ક્યાં ચારિત્રવાન હતી કે તું સતીપણું દાખવે છે! તારી કાકીને કહેવાની થઈ તો તને જ વગોવી નાખીશ... સાચું કહું તો મરી જવાનું મન થતું. પછી પપ્પાના શબ્દો સાંભરતી : ગુનેગારને સજા આપનાર તો ન્યાયાધીશ કહેવાય... અને બસ, આજે ફરી કાકીની ગેરહાજરીમાં કાકા મસ્તી કરવાના થયા તો તેમનું અંગ જ વાઢી નાખ્યું! બોલો, મેં ખોટું કર્યું?
‘જરાય નહીં...’ અર્ણવને દ્વિધા નહોતી. થાણામાં સૂચના આપી રિયાને લઈને નીકળી ગયો. બે દિવસ રિયાને પોતાના ઘરે રાખી, પણ અહીં તેને પિતાનું કૃત્ય સાંભરી આવતું. એટલે બીજી વ્યવસ્થા ગોઠવી : વલસાડમાં તીથલના દરિયાકિનારે મારા નાનાનું મકાન ખાલી જ પડ્યું છે... આજુબાજુ પંચાતિયાઓની વસ્તી પણ નહીં.
એ ઘર રિયાને ગમી ગયું. પોતે ઘરવખરી વસાવી ડ્યુટી રિઝ્યુમ કરવા નીકળ્યો ત્યારે તેણે કહેલું : અર્ણવ, હું તારા પર બોજ બનવા નથી માગતી. મને કોઈ કામકાજ શોધી આપો... હું તમને ઘરનું ભાડું આપીશ. તમારા ઘરે આમ મારે કયા હકે રહેવું?
તેની સાફ નીયત સ્પર્શી ગઈ. અર્ણવે તેને ટપલી મારેલી : અત્યારે તો મિત્રના દાવે રહે, પછીનું પછી વિચારીશું!
પછી જોકે છુટ્ટીઓમાં સુરતને બદલે વલસાડ જવાનું ચલણ થઈ ગયું... આમ તો તેમના કમરા અલગ, તોય ગહેરી થતી આત્મીયતામાં બે જુવાન હૈયાં એક નબળી ક્ષણે બહેકી ગયાં. એ રાત તેમની મધુરજની બની ગઈ! રિયાએ પરમ તૃપ્તિમાં અર્ણવનો કાન કરડેલો : યુ આર ઇરરેઝિસ્ટેબલ!
અર્ણવ મલકેલો : ચાલ રિયા, પરણી જઈએ!
રિયા વેલની જેમ તેને વીંટળાઈ વળી : અને હનીમૂન માટે યુરોપ જઈશું!
‘બાપ રે!’ અર્ણવ હસેલો, ‘મૅડમ, મારા પગારની સ્લિપ જોજો પહેલાં, પછી કોઈ ડોમેસ્ટિક ડેસ્ટિનેશન પસંદ કરજો.’
‘જાવ હવે. તમે એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ ગણાવ છો... એક એન્કાઉન્ટરના કરોડો મળતા હશેને!’
એન્કાઉન્ટરમાં રીઢા ગુનેગારનું ઢીમ ઢાળી દેવામાં આવે એથી સામાન્ય માણસને આનંદ જ થતો હોય છે. જોકે એન્કાઉન્ટર પાછળ સત્તાની, ગાદીની ગણતરીઓ રહેતી હોય છે અને ઘણા કેસોમાં એન્કાઉન્ટરનો જૉબ લેનારા અધિકારીઓનાં ગજવાં પણ છલકાતાં હોય છે... જોકે મને ક્યારેય એવી લાલચ નથી રહી...
એટલે પણ રિયાના અનુમાને અર્ણવે અક્કડ બન્યો : તું મને આટલો નીચ ધારે છે રિયા કે હું ગુનેગારોને મારવાના રૂપિયા લઉં!
તેના કાળઝાળ ચહેરે રિયા ફફડતી હોય એમ અંગે ચંપાયેલી : બાપ રે. તારું આવું રૂપ ક્યારેક મારો જીવ લેશે! મજાક નથી સમજતો? અન્કલ-આન્ટીના સંસ્કાર હું ન જાણું?
કહીને તેણે અર્ણવને ગમતી ક્રિયાઓ આરંભીને વાત જ વિસરાવી દીધી. ફરી એ મુદ્દો ઊખળ્યો નથી. જોકે ડ્યુટીમાં લાંબી છુટ્ટી મળવી મુશ્કેલ બનતાં લગ્નનું મુરત ઠેલાતું ગયું, પણ હવે મહિના-બે મહિનામાં લૉન્ગ લીવ મળે એમ છે અને મુરત પણ. હવે પરણી જવું છે!
જોકે છુટ્ટીમાં શું થવાનું છે એની અર્ણવને ક્યાં ખબર હતી?
વધુ આવતી કાલે