એન્કાઉન્ટર (પ્રકરણ ૧)

08 May, 2023 01:07 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘આ બહુ ખોટું થાય છે અશરફ. પોલીસની એટલી હિંમત કે આપણા જહાજને રોકીને તલાશી લે!’

એન્કાઉન્ટર (પ્રકરણ ૧)

આ હુશ્ન! 
આયનામાં ઝિલાતા પોતાની મદભરી કાયાના પ્રતિબિંબે મગરૂરી પ્રેરી. મૃગનયનીસી આંખોમાં ચમક ઊભરી, રસભર્યા હોઠ સ્મિતમાં વંકાયા. સુરાહીદાર ગરદનથી નીચે સરકતી નજર બે કાંઠે છલકાતી નદી જેવા યૌવનને નજરાવી દેશે એની બીક હોય એમ તેણે ઉઘાડા બદન પર ચાદર લપેટી લીધી. તો પ્રતિબિંબ ઉપહાસ કરતું જણાયું : રૂપજીવિનીનું જોબન તો ઉઘાડું થવા માટે જ હોય છે! 
રૂપજીવિની. ધગધગતો નિસાસો ગળે અટકી ગયો. કોણે ધારેલું કે જિંદગી આમ બદલાઈ જશે?

રઝિયા વાગોળી રહી: આ રહ્યું મારું વતન દ્વારકાબેટ... દરિયાકિનારે ખારવાઓની વસતિ. એનાથી સહેજ અલાયદો સફેદ આરસપહાણથી મઢ્યો અમારો વિશાળ બંગલો. મારા પિતા કાસિમ અલીની કેટલીયે બોટ દરિયામાં તરે. દરેક ખારવો તેમનો પડ્યો બોલ ઝીલે. અરે, શહેરની પોલીસ પણ તેમને સલૂકાઈથી આદાબ કહે એ બાર વરસની બાળકીને પોરસાવી જતું. અને પોલીસ પણ અબ્બુની અદબ કેમ ન રાખે? અબ્બુ પાકા નમાઝી. હિન્દુ-મુસ્લિમ ભાઈ-ભાઈની નીતિ અબ્બુએ વાસ્તવમાં સાકાર કરી છે એનું બાળકી રઝિયાને ગૌરવ હતું. અબ્બુની બીજી ખાસિયત એટલે વતનપ્રેમ. આઝાદી દિને ધ્વજવંદનના કાર્યક્રમમાં તિરંગાને સૅલ્યુટ કરતા અબ્બુની આંખો લતા મંગેશકરના કંઠે ‘અય મેરે વતન કે લોગો’ સાંભળીને ભીની થાય એ નજરે જોયા પછી બાળકી રઝિયામાં પણ વતનપરસ્તી ઘૂંટાતી. 

મા ફાતિમા રૂપ-રૂપનો અંબાર અને સ્વભાવની પણ એટલી જ સાલસ. ખાનદાન ઘરની ઔરતો પડદામાં રહે એ શીખ રઝિયાએ સહજપણે પચાવેલી. રઝિયાને ભણાવવા મૌલવી ઘરે આવતા. નોકરવર્ગની હમઉમ્ર બચ્ચીઓ જોડે રમતી રઝિયામાં આપખુદપણું નહોતું. પોતાનાથી આઠ વરસ મોટો, અબ્બુના કારોબારમાં ઘડાઈ ગયેલો ભાઈ અશરફ તેને અબ્બુ-અમ્મીથીયે વધુ પ્યારો. 
‘ઇસ રમઝાન કે બાદ તેરે ભાઈ કા નિકાહ કરને વાલી હૂં.’ અમ્મી કહેતી. 
ભાઈજાનની શાદીમાં કેટલી મઝા આવશે એનાં સમણાંમાં ખોવાતી રઝિયા એ રાતે ઝબકીને જાગી ગઈ. 

ચોમાસાના દિવસો હતા. ધોધમાર વરસાદમાં આભમાં વીજળી ગડગડાટ કરતી હતી. દરિયો એના રવાડે ચડ્યો હોય એમ મોજાં ઉછાળીને ઘૂઘવાટ કરી રહ્યો હતો. પડખે અમ્મી કેમ નથી? અમ્મી-અમ્મીનો હળવો સાદ પાડ્યો, પણ કોઈ જવાબ નહીં. એકલા રહેતાં ડર લાગતો હોય એમ તે ભાઈની રૂમ તરફ વળી.
‘આ બહુ ખોટું થાય છે અશરફ. પોલીસની એટલી હિંમત કે આપણા જહાજને રોકીને તલાશી લે!’ 
અબ્બુનો અવાજ સાંભળીને રૂમનો દરવાજો ખોલતી રઝિયા સહજપણે અટકી ગઈ.

‘વિજિલન્સની રેઇડ હતી અબ્બુ. જાડેજાસાહેબ કહેતા હતા કે ઑફિસર અર્ણવસિંહ ખતરનાક છે. જુવાન લોહી છે. ગુનેગારને ઝડપવા કરતાં તેને પતાવી દેવાની તેને ખૂજલી ઊપડે છે...’ 
રઝિયાને એટલી ઓળખ પડી કે જાડેજા એટલે શહેરના પોલીસ ઉપરી જ હોવા જોઈએ. બીજો શબ્દ સમજાયો : ગુનેગાર. મૌલવીએ ગોખાવેલું સાંભરી ગયું : ગુનેગાર યાને કાફિર. 
હવે રઝિયાથી ન રહેવાયું, ‘કોણ ગુનેગાર અબ્બુ? કયા કાફિરની વાત કરો છો તમે!’
બાપ-દીકરો ચોંકી ગયા. અશરફે હસીને છોટીને ઊંચકી, ‘મેરી ગુડિયા, તૂ સોઈ નહીં!’
ત્યા અમ્મીએ દેખા દીધી, ‘અરે, હું જરા રસોઈમાં ગઈ ત્યાં તું અહીં ક્યાં આવી ચડી!’

‘ભાઈજાન, કૌન ગુનેગાર?’ રઝિયાએ મા સાથે જવાને બદલે અશરફનો હાથ પકડી રાખ્યો. 
‘દેખ...’ અશરફે ધીરજથી કહ્યું, ‘કેટલાક મુસ્લિમો છે જેમને હિન્દુઓ સાથે નથી ભળતું એમ કેટલાક હિન્દુઓ છે જેમને મુસ્લિમો કણાની જેમ ખટકે છે. આ અર્ણવસિંહ એવો જ એક ઑફિસર છે. તે તમામ મુસ્લિમોને ગુનેગાર માને છે... પણ તું ચિંતા મત કર. વો થોડે દિનો મેં યહાં સે ચલા જાયેગા..’
- જતાં પહેલાં તે કેવો કાળો કેર વર્તાવી ગયો! 
અત્યારે પણ રઝિયા થથરી ઊઠી. 

દસ વરસ અગાઉનો એ ગોઝારો દિવસ નહીં ભુલાય..
મંગળની એ બપોરે મૌલવી કુરાનની આયાત સમજાવીને વિદા લે છે કે અબ્બુનો ડ્રાઇવર સલીમ જનાનખાનામાં ધસી આવ્યો, ‘માલકિન! ગજબ થઈ ગયો. મધદરિયે આપણા જહાજ પર અર્ણવસિંહે રેઇડ પાડી...’
રઝિયાએ જોયું તો મા ધ્રૂજી ગઈ, ‘રેઇડ! તોબા, આજે તો તારા માલિક પણ દરિયે ગયા છે...’

હવે બાર વરસની બાળકી પણ ચિંતિત થઈ, ‘અમ્મી, આ અર્ણવસિંહ તો તમામ મુસ્લિમોને ગુનેગાર માને છે એ જને? તેણે અબ્બુ-ભાઈજાનને કંઈ કર્યું તો નહીં હોયને!’
ફાતિમા-સલીમની નજરો મળી. સલીમે નજર ઝુકાવીને ડોક ધુણાવી. ફાતિમા પડતાં-પડતાં રહી ગઈ. 
‘અનવરનો સંદેશો છે. તમને દૂર લઈ જવાના છે.’
અનવર તો અમારો મૅનેજર! પતિ કે પુત્રને બદલે તેણે સંદેશ આપ્યો એનો અર્થ સમજાતો હોય એમ ફાતિમાએ થાંભલાને વળગીને કપાળ ઠોક્યું : હાય, મેરી દુનિયા ઉજડ ગઈ! 
માને રડતી જોઈને દીકરી પણ રડવા લાગી. વાત ફેલાતી ગઈ એમ વસ્તીમાં તંગદિલી છવાતી ગઈ. સલીમ વારંવાર કહેતો રહ્યો કે સમય ઓછો છે, પણ ઘર એમ છૂટે!

ત્યાં પહેલાં વાહનોનો અને પછી મિલિટરીના બૂટનો ધમધમાટ સંભળાયો. બહારથી સ્ત્રીઓની પોક સંભળાતાં દોડી જતી મા પાછળ રઝિયા પણ ભાગી. આંગણામાં જતાં જ હેબતાઈ જવાયું. આખી વસ્તી ટોળે વળી હતી. કોઈ નજીક ન ફરકે એ માટે સૈન્યના જવાનો હાથમાં હથિયાર સાથે બૅરિકેડ કરીને ઊભા હતા. 
અને આંગણાની વચ્ચે બે ખાટ પર અબ્બુ અને ભાઈજાન સૂતા હતા. નિર્જીવ. 
બન્ને જન્નતનશીન થયા એ તો રઝિયાને સમજાઈ ગયું. તે વારાફરથી અબ્બુ-ભાઈને વળગીને રડવા લાગી. ફાતિમા આંગણામાં ફસડાઈ પડ્યાં. 
‘જી, મને અફસોસ છે...’ નનામી પાસે ઊભેલા વર્દીધારી અધિકારીએ કૅપ ઉતારીને દિલગીરી દર્શાવી, ‘તમારા પતિ-પુત્રને મેં સરેન્ડર થવા ઘણા વિનવ્યા, પણ તેમણે હથિયાર વાપરીને કોઈ વિકલ્પ રહેવા ન દીધો..’

‘જૂઠ!’ ફાતિમા તાડૂક્યાં. જાણે ક્યાંથી જોશ આવ્યું એમ ઊભા થઈને ઑફિસર પાસે ધસી ગયાં, ‘તડકે મૂક તારી આ બનાવટી હમદર્દીને, અર્ણવસિંહ!’ 
અર્ણવ...સિંહ! રઝિયા એકીટશે વરદીમાં શોભતા તેવીસ-ચોવીસ વરસના ખડતલ જુવાનને તાકી રહી. 
‘તમે જાણતાં જ હશો બાનુ કે તમારા પતિનાં વહાણો વરસોથી પાકિસ્તાનથી હથિયાર અને આદમીઓ લાવીને એમને દેશ વિરુદ્ધ વાપરતા હતા... અશરફના જોડાયા પછી થોડા સમયથી ડ્રગ્સની હેરાફેરી પણ વધી ગઈ હતી...’
‘કર તારે જે લવારો કરવો હોય એ! લગાવ જે ઇલ્જામ લગાવવા હોય એ! મારો ખુદા સચ્ચાઈ જાણે છે.’ 
‘બંગલાના ભોંયરામાં શસ્ત્રો અને ડ્રગ્સ છુપાવ્યાં હોવાની આશંકા છે. અમારી પાસે તલાશીનો ઑર્ડર છે...’ 

આ પણ વાંચો : લાગી રે લગન (પ્રકરણ ૧)

‘તને તો ખુદા સિવાય કોઈ ન પહોંચે, અર્ણવ! તારું ચાલે તું મારી હોજરીમાંથી પણ ડ્રગ્સ કાઢી બતાવે!’ 
અમ્મીની લાચારી ડંખતી હોય એમ રઝિયા અર્ણવ તરફ દોડી અને તેના જમણા હાથે બચકું ભર્યું, સિસકારો પણ માર્યા વિના અર્ણવે બીજા હાથનું જરા જેટલું જોર વાપરીને તેને દૂર ધકેલી, ‘દીકરો તો ગુમાવ્યો, દીકરીને સચ્ચાઈ જરૂર જણાવજો!’
ટકોર કરીને અર્ણવસિંહે ટીમને સૂચના આપી, ‘આમણે દફનવિધિ કરવી હોય તો શાંતિ રહે એ રીતે કરવા દેજો.’
તેના લહેકામાં ટોળાને માપમાં રહેવાની ખુલ્લી ચેતવણી પણ હતી. 

 ટુકડીના થોડા સિપાઈઓને લઈને અર્ણવસિંહ બંગલામાં ગયો. આ બાજુ સલીમ, મૌલવી વગેરેએ અંતિમક્રિયાની તૈયારી આરંભી. જેનો જનાજો શાનથી નીકળવો જોઈએ એ અબ્બુ-ભાઈને ચોરીછૂપીથી લઈ જવાતા હોય એમ કબ્રસ્તાનમાં લઈ જવાયા. અરેરેરે અમ્મી, હવે આપણો કોણ સહારો?
અબ્બુ-ભાઈજાનના સાથીઓમાં જે બચ્યા એ તમામને પછીથી ગિરફતાર કરાયેલા. ડ્રાઇવર સલીમ સુધ્ધાં! હવે તો ઉપર આભ અને નીચે ધરતી. તાત્પૂરતું તો મૌલવી તેમના ઘરે લઈ ગયા. એ મહોલ્લામાં હિન્દુઓ પણ રહેતા. તેમની કોમમાં જાતજાતની વાતો સંભળાતી. કોઈ કહેતું કે બંગલામાંથી ઘાતક હથિયારો અને કરોડો રૂપિયાનાં ડ્રગ્સ પકડાયાં. બંગલો પણ ગેરકાયદે જમીન પર છે એટલે ખારવાઓએ પચાવી પાડેલી જમીન ઉપરાંત એ બંગલા પર પણ બુલડોઝર ફરી જવાનું. પોલીસે બૈરી-દીકરીને અંદર ન કર્યાં એ મહેરબાની! 

પોતાના અબ્બુ-ભાઈને કોઈ પાકિસ્તાનના પિઠ્ઠુ કહેતું તો રઝિયા લડતી : મારા અબ્બુ વતનપરસ્ત હતા. તેઓ આવું હલકું કામ કરે જ નહીં! અમારા ઘરમાં ખરેખર ડ્રગ્સ-હથિયારો આવતાં હોય તો અમ્મી જાણે નહીં? આ બધી અર્ણવસિંહની રમત છે! 
‘બિલકુલ સચ બોલતી હૈ મેરી બેટી...’ બહાર લડી-ઝઘડીને આવેલી રઝિયા ઘરમાં માનો ખોળો શોધે અને અમ્મી તેનાં ઓવારણાં લેતાં. જમીનદોસ્ત થયેલા બંગલાને જોઈને તે રડી પડેલી : મા, હવે તો આપણું ઘર પણ ગયું! 
‘આપણી બરબાદીના મૂળમાં અર્ણવસિંહ છે!’

અર્ણવસિંહ. આ એક નામ પ્રત્યેની નફરત વેરમાં પલટાઈ ગઈ. રઝિયાએ દમ ભીડ્યો. 
બંગલા સાથે ઘરે જવાની આશા પણ તૂટી. પારકાના આશરે કેટલું રહેવું? અમ્મી મને મુંબઈ લઈ આવી. ધારાવીની વસ્તીમાં મા-દીકરી ગોઠવાઈ ગયાં. ક્યાં એ દ્વારકાનો દમામ ને ક્યાં મુંબઈનું ગંધાતું ગુમનામ જીવન! અમ્મીએ ઠામવાસણનાં કામ કરીને નિર્વાહનો જોગ પાર પાડ્યો. એમાં તેનું શરીર ઘસાતું ગયું અને અઢારની થતાં રોજી માટે માનાં કામ મેં સંભાળી લીધાં... એથી ગદગદ થતી માને ઉધરસનો એવો આફરો ચડતો કે રઝિયા માને પરાણે દવાખાને લઈ જતી. 
‘તારી અમ્મીનાં ફેફસાંમાં કફ સિવાય કંઈ નથી...’ દાક્તરે સલાહ આપી, ‘તેને અઠવાડિયું કોઈ સારી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાવીને ઇલાજ કરાવવો પડશે.’ 
હૉસ્પિટલ! 

રઝિયાએ બીજા દહાડે જ્યાં-જ્યાં કામે જતી હતી એ શેઠાણીઓ પાસે ઍડ્વાન્સ માગતાં મોટા ભાગનીએ તેને વખોડી : પરવડતું હોય તો કામે આવ, નહીંતર બીજી ઘણી મળી રહેશે... 
એકમાત્ર તાડદેવના આધેડ વયના શેઠે રાજીપો દેખાડ્યો. શેઠાણી પિયર હતાં એનો લાભ લેવાના ઇરાદે મદદની તૈયારી બતાવી, ‘એક્સ્ટ્રા રૂપિયા જોઈતા હોય તો એક્સ્ટ્રા ‘કામ’ કરવું પડશે...’ 
તેની અવળી વાતનો સીધો મતલબ સમજાતાં તરત તો કાળઝાળ થઈને રઝિયા ત્યાંથી નીકળી આવી, પણ બે-ચાર દિવસમાં સમજાઈ ગયું કે માનો ઇલાજ કરાવવો હોય તો પોતાની પાસે રૂપિયાની વ્યવસ્થા કરવાનો બીજો વિકલ્પ જ નથી! મારે ઠામવાસણ કરીનેય જાત જ વેચવાની હોય તો એ ધંધો જ શું ખોટો!

અને બસ, પોતે કાયાની હાટડી માંડી દીધી... રઝિયાએ ઊંડો શ્વાસ લીધો. આજકાલ કરતાં એને પણ ત્રણ વરસ થવાનાં... અમ્મીને જોકે આની જાણ નથી. અલબત્ત, આ ધંધામાં આમદની વધુ છે એથી પોતે ઝૂંપડામાંથી નીકળીને ગયા વરસે ચાલીમાં ભાડાની ખોલી લઈ શકી છે. અમ્મી હવે તંદુરસ્ત છે. તે હજીયે અર્ણવસિંહના નામના ટલ્લા ફોડે છે, કાફિરોની દુહાઈ દે છે. જોકે ‘આ દેશે બરબાદી સિવાય આપણને શું આપ્યું!’ એવું કંઈ બોલી જાય ત્યારે રઝિયા અચૂક અમ્મીને ટોકે : એક ગલત આદમીથી હિન્દુ મજહબ ગલત નથી બનતો, આપણું વતન નઠારું નથી બનતું. અબ્બુને તો કેટલો પ્યારો આપણો આ દેશ!

ગરદન ટટ્ટાર કરીને બોલતી દીકરીને નિહાળતાં ફાતિમાના હોઠ ફરફરીને રહી જતા. પછી ડોકું ધુણાવીને મલકી પડતાં: તારા અબ્બુ તને આટલા વહાલા છે! 
ખરેખર તો હવે અમ્મીને મારા નિકાહની ફિકર છે. ચાલીમાં મારું જોબન છૂપું નથી. ટૅક્સી ચલાવતો જુવાન જાવેદ હોય કે સલૂનવાળો આધેડ વયનો અબ્દુલ હજામ... બધાની નજરમાં તરવરતી મને પામવાની તરસ મને દેખાય છે, પણ હું નગરવધૂ કોઈ એકની થઈ શકું એમ નથી! 
અને રઝિયાએ વિચારમેળો સમેટીને સૂતેલા પુરુષના પડખે ગોઠવાતાં પહેલાં વેર ઘૂંટ્યું : અર્ણવ, મારી આ બરબાદીના મૂળમાં તું છે... અલ્લાહ, મરતાં પહેલાં મને એ આદમી જોડે વેર વસૂલ કરવાની તક આપજે! 
lll

ગ્રાહક સાથેનો મેળ પતાવીને હોટેલની બહાર નીકળતી રઝિયાનો ફોન રણક્યો. નંબર અજાણ્યો હતો. મે બી કોઈ નવો કસ્ટમર! 
ના, ફોન કરનાર જુવાન કસ્ટમર નથી એ તેનાં આગળનાં વાક્યોથી સ્પષ્ટ બન્યું, ‘તું પરાયા મર્દો સાથે ક્યારેક ફલાણી તો ક્યારેક ઢીંકણી હોટેલમાં જાય છે તો ક્યારેક અપને આશિક લોગોં કો ભી તો મૌજ કરા!’
રૉન્ગ નંબર કહીને રઝિયા કૉલ કાપવા જતી હતી ત્યાં...
‘ફાતિમા ડોશીને દીકરીનો ધંધો માલૂમ છે કે?’

હવે રઝિયા થથરી. ફોન કરનારો જે કોઈ હોય, મને બરાબર જાણે છે અને મારી ગતિવિધિ પર દેખરેખ રાખી છે. તેણે... ‘ઠીક છે, હું જણાવી દઈશ...’
‘નો!’ રઝિયા ચીખી, ‘એવો ગજબ ન કરતા.’ 
સામેનો જુવાન હસ્યો, ‘કંઈ ન કરવાનો ચાર્જ લાગેને! તું એ ચૂકવતી હોય તો તારું રાઝ રાઝ રાખવામાં મને શું વાંધો હોય?’
સાફ બ્લૅકમેઇલિંગ. હું આ ક્યાં ફસાઈ! 
રઝિયાને ત્યારે અણસારે નહોતો કે આ બ્લૅકમેઇલિંગ અર્ણવ સુધી દોરવામાં નિમિત્ત બનવાનું છે! 

વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff