દેવ-દૈત્ય (પ્રકરણ ૪)

16 March, 2023 02:11 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘આમાં કેવળ પ્રણય હતો. પાણીદાર પુરુષને ચાહતી પ્રીતમવતા સ્ત્રીની અનોખી ગાથા હતી. આની પ્રતિક્રિયા શું હોય?’ આસુએ અદિતિ સામે જોયું. એનો હૈયાભાવ સમજતી અદિતિએ ડોક ધુણાવી અને આસુએ વહાલથી પિતાની તસવીર ચૂમી લીધી! 

દેવ-દૈત્ય (પ્રકરણ ૪)

‘વાઉ!’ 
બીજી બપોરે મા રસોડામાં હતાં ત્યારે આસુ સાથે નીચેની રૂમમાંથી કબાટ ખોલીને ઘરેણાંનાં બૉક્સ કાઢી દાગીના જોતી અદિતિ કુંદનના સેટ પર મોહી પડી : ‘આસુ, આ સેટ કેવો લાગશે?’
અને આસુને મોકો મળી ગયો : ‘તું તો કાંઈ ન પહેરે તો પણ મસ્ત જ લાગે છે!’
‘હટો, તમને આવું જ સૂઝે છે!’ કહેતી અદિતિ બાકીનાં બૉક્સ સાચવીને કબાટમાં મૂકી કુંદનનો સેટ લઈ રસોડામાં ગઈ : ‘મા, હું આ પહેરું?’
‘અરે, એમાં પૂછવાનું શું! તને બહુ ગમ્યો હોય તો તું જ રાખી લે.’  
અને માનો દાગીનો લઈ રૂમમાં જતી અદિતિને ક્યાં ખબર હતી કે પોતે માના ભૂતકાળનો દારૂગોળો લઈ જઈ રહી છે!
lll

‘હોલી હૈ!’
આમ તો હોળી પ્રાગ્ટ્યમાં હજી કલાકેકની વાર હતી, પણ મોહલ્લામાં એનો માહોલ વર્તાઈ રહ્યો હતો. રાધાના ઘરની સામે જ ખાડો ખોદીને હોળી સજાવાઈ હતી. એક ખૂણે મંડપ બાંધી રાતનું ખાણું રંધાઈ રહ્યું હતું. મોહલ્લાના કાર્યકરો આવતી કાલની ધુળેટીની તૈયારીની ચર્ચામાં ગૂંથાયા હતા. છોકરાઓ નગારાં વગાડી શોર મચાવી રહ્યા હતા.
‘આસુ, જરા સેટ કાઢો તો...’ 

સાડી પહેરી ડ્રેસિંગ-ટેબલ સામે ગોઠવાઈ કેશસજ્જા કરતી અદિતિએ કહેતાં આશ્લેષ કબાટમાંથી બૉક્સ કાઢી એને આપવા જાય છે ત્યારે વચમાં મૂકેલા ટેબલ સાથે પગ અથડાતાં સેટ વચકીને ફર્શ પર પડ્યો. વાંકો વળી આશ્લેષ બૉક્સ ઊંચકે છે ત્યાં... 
‘આ શું?’ 

‘દાગીના સાથે સરકી આવેલી આ તસવીર કેવી?’ 
આસુ અચરજથી જોઈ રહ્યો. ‘એવું કેમ લાગે છે કે આ ફોટો ક્યાંક જોયો છે!’ 
‘આ ભાઈમાં તમારો અણસાર નથી લાગતો, આસુ!’ સેટ સમેટી ઊભી થતી અદિતિ પણ તસવીર જોઈને નવાઈ પામી, પછી ધ્યાન આવ્યું, ‘જુઓ, તસવીર સાથે ચિઠ્ઠી અને દસ્તાવેજ 
પણ છે...’
‘અચ્છા!’ 
lll

‘હું અમૂલખનો દીકરો નથી, આ આનંદનો અંશ છું! અમૂલખે માને છેતરી. માએ કેવળ આનંદને ચાહ્યો...’ 
આશ્લેષ સ્તબ્ધ હતો. સાસુના પત્રે અદિતિ પણ અવાક્ બની, ‘માના સંદર્ભો હવે સ્પષ્ટ બન્યા છે. મા કેમ માંગ નથી પૂરતાં, ઝાઝા શણગાર નથી સજતાં એ હવે સમજાય છે... અમૂલખ માટે મા લખે પણ છે : શક્ય છે તમને લાગે કે મેં શંકાકુશંકા રાખી, આસુને અળગો રાખી અમૂલખને અન્યાય કર્યો, પણ મારી જિંદગીમાં જે બન્યું એમ ક્યાંક અમૂલખની છેતરપિંડી રહી છે એ ભુલાતું નથી.’ 

‘એ છેતરપિંડીનો પુરાવા જેવો દસ્તાવેજ પણ માએ મૂક્યો છે જેમાં અમૂલખે રાધાને છેતર્યાનું, બહેન તરીકે રાખવાનું કબૂલ્યું છે... કેવી રહી માની જિંદગી!’ 
‘અમને તેમના મૃત્યુ પછી જ વાંચવા મળશે એવી ધારણાએ લખેલા આ પત્રમાં મા સાવ પારદર્શક બની ગયાં છે. મા લખે છે : વિધિવત્ અમે ભલે પરણી ન શક્યાં, એથી આસુ પોતાને અનૌરસ ન સમજે કે ન અમને સન્યમહીન માને... આનંદ મારી જિંદગીમાં ચમત્કારરૂપે આવ્યા, એ પહેલાંની હું તેમને મારા હૃદયે દેવ બનાવી સ્થાપી ચૂકેલી... અમારા ઐક્યમાં એકમેકને અર્પિત થવાની ભાવના હતી છતાં તમને દોષ લાગે તો એ મારો ગણજો, મારા આનંદને હલકો ન ધરશો!’ 

‘આમાં કેવળ પ્રણય હતો. પાણીદાર પુરુષને ચાહતી પ્રીતમવતા સ્ત્રીની અનોખી ગાથા હતી. આની પ્રતિક્રિયા શું હોય?’
આસુએ અદિતિ સામે જોયું. એનો હૈયાભાવ સમજતી અદિતિએ ડોક ધુણાવી અને આસુએ વહાલથી પિતાની તસવીર ચૂમી લીધી! 
lll

આશ્લેષ-અદિતિ માને વળગી પડ્યાં.
‘અરે! એકદમ શું થયું!’ રાધા મૂંઝાઈ. અદિતિ ફોડ પાડે એ પહેલાં બહારથી કાંતાભાભીની બૂમ પડી : ‘ચલ, રાધા, હોળી પ્રગટાવવાનું 
મુરત થયું!’ 

આસુ-અદિતિની નજર ટકરાઈ. ખરેખર તો બેઉ રૂમમાં નક્કી કરીને આવ્યાં હતાં કે માને હવે હમેશ માટે મુંબઈ લઈ જવી, ‘અહીં અમૂલખની પત્ની તરીકે રહેવા કરતાં ત્યા આનંદની વિધવા તરીકે રહેવામાં તેને સાર્થકતા વર્તાશે. અમૂલખે માને છેતરી એનો રોષ જ હોય. માને તેમનો પૂર્ણ વિશ્વાસ ન હોય એ સ્વાભાવિક છે, પણ તેમણે માની લક્ષ્મણરેખા જાળવી, મારા ઉછેરમાં પૈસાટકાની મદદ કરી એટલા પૂરતું તેમનું ઘડપણ અમે જોઈશું-જાળવીશું, જો માને એ મંજૂર હોય... માને આ બધું કહેવું-સમજવું હતું, પણ હવે હોળી પ્રાગટ્ય પછી...’ 
‘આસુ, જો તો અમૂલખ કેમ ન આવ્યા... તેમના વિના હોળી નહીં પ્રગટે.’

રાધા વહુને લઈને બહાર નીકળી. અમૂલખને તેડવા મેડીનાં પગથિયાં ચડતા આશ્લેષને એવુંય થયું કે ‘અમૂલખ ભલે અળગા હતા, તેમને પોતે પિતાનું સંબોધન કરતો. આજે સત્ય જાણ્યા પછી એ સહજ લાગશે ખરું? કે પછી આ પુરુષે માને છેતરી એનો રોષ જ પ્રગટશે?’ 
‘ધીરે બોલ, મદનલાલ... જેલમાંથી છૂટતાં જ તારું પોત પ્રકાશ્યું!’

ધીમા અવાજે બોલતા અમૂલખની કાનાફૂસીએ આશ્લેષ અજાણતાં જ રૂમના દરવાજાસરસો થઈ ગયો. ‘મદનલાલ... આ નામ સાવ અજાણ્યું કેમ નથી લાગતું?’ 
‘જો ભાઈ... સત્તાવીસ વર્ષ અગાઉ આનંદની બાઇકને ટક્કર મારીને તેને મારવાની પૂરી કિંમત મેં તને 
ચૂકવી દીધી...’

‘હેં...!’ આસુ પૂતળા જેવો થઈ ગયો. ‘આખરે અમૂલખનું દૈત્ય રૂપ છતું થયું! માને સતત જેની શંકા રહી એ હકીકત પુરવાર થઈ. મદનલાલ એટલે તો પેલો ટ્રક-ડ્રાઇવર. માએ પત્રમાં લખ્યા મુજબ જેને ૨૦ વર્ષની સજા થયેલી તે... ખરેખર તો તે અમૂલખનું પ્યાદું હતો અને કેસ દરમ્યાન તેનું નામ ન ખોલવાની કિંમત માગી રહ્યો છે એ સમજાતાં સમસમી જવાયું.’ 
‘ચલ છોડ, એક બીજું કામ સોંપું છું... તને ફોટો વૉટ્સઍપ કર્યોને? એ છોકરીને ઉઠાવવાની છે, કાલે જ! થતું હોય તો બોલ. પૈસા તું કહે એટલા. કોઈ ગોડાઉનમાં રાખજે તેને. તેની સાથે કાળું કામ કરીને વર્ષો અગાઉની એક હોળીનો હિસાબ ચૂકતે કરવો છે!’
‘આનો અર્થ...?’ આસુના હાથની મુઠ્ઠી ભિડાઈ. કપાળની નસ ફૂલી ગઈ.

‘નામ છે તેનું અદિતિ. મારા ગામમાં, મારા ઘરમાં મારી વહુ તરીકે રહે છે... કાલે હું કોઈ બહાને તેને ખેતરે મોકલીશ. ત્યાંથી તારે ઉઠાવવાની. તેને બેહોશ રાખજે એટલે તેની આબરૂ કોણે લૂંટી એની તેને ભનકે ન રહે!’ 

આ પણ વાંચો: દેવ-દૈત્ય (પ્રકરણ ૩)

‘આ માણસ... કેટલું ઝેર ભરીને બેઠો છે! એક તો માને તેણે છેતરી. માને તેનો પ્રેમ મળ્યો એય તેનાથી બરદાસ્ત ન થયું... આનંદને મરાવીને તેણે માનો આધાર બનવાનો ડોળ રચ્યો. મા એથીય ન ભરમાઈ એનો ડંખ રાખીને એ બદમાશે કેવું વેર ઘૂંટ્યું : ‘આનંદ-રાધાનું ઐક્ય ધુળેટીના દિવસે ગૂંથાયું એ જ દિવસે તેમની વહુની આબરૂ લૂંટી દીકરા-વહુનું સુખ છિન્નભિન્ન કરી નાખવું! કેટલાં વર્ષ તેણે વેરને સીંચ્યું હશે... મનમાં તો કેટલી વાર મને પરણાવીને મારી પત્નીની આબરૂ લૂંટવાનાં સમણાં જોયાં હશે... માનું સુખ લૂંટ્યું, હવે તેનાં દીકરા-વહુનો સંસાર અભડાવી કેવો વિકૃત આનંદ માણવો છે આ બદમાશે.’ 

(આસુની દરેક ગણતરીમાં તથ્ય હતું. લગ્ન માટે રાધાને રાજી રાખવા પોતે આપેલી તસવીરવાળો અજાણ્યો જુવાન ખરેખર તેને આવીને મળશે એવું અમૂલખે ધાર્યું નહોતું. આનંદ ન આવત તો પોતે યેનકેન પ્રકારે રાધાને પોતાની કરી લીધી હોત... આનંદના પ્રવેશ પછી કળથી કામ લેવાનું હતું. ફારગતીમાં મુદત નાખીને ખરેખર તો પોતે મોકો શોધતા હતા, પ્લાન સૂઝતો નહોતો, ત્યાં રાધા ગર્ભવતી થવાના ખબરે ઝાળ લાગી : ‘મારા જ ઘરમાં મારે બદલે તેણે પારકાનું પડખું સેવ્યું? આની એક જ સજા હોય - આનંદની ચિરવિદાય! પછી હું આનંદ જેવો ગુણવાન બનીને રાધાને જીતી લઈશ...’

પણ એય ક્યાં બન્યું? કેટલી ધીરજ ધરી પોતે... મદનલાલને સજા થઈ ત્યાર પછી તો રાધાને વિશ્વાસ બેસે એવી આશા હતી, પણ ના, તે તો અળગી જ રહી, આશ્લેષનેય અળગો રાખ્યો. ઠીક છે, આનંદના દીકરાને વહાલથી ભીંજવવાની મનેય એવી અબળખા નહોતી! ધાર્યું હોત તો ઘરથી દૂર રહેતા આસુને નુકસાન પહોંચાડી રાધાની કેડ ભાંગી શક્યો હોત, પણ ના, આનંદને જ સર્વસ્વ માનનારીને એથી વસમી સજા આપવી ઘટે. કાંઈક એવું કરવું કે મા જ નહીં, દીકરો પણ જનમભર એ ઘા નહીં ભૂલે! બસ, એમાંથી આસુની પત્નીની આબરૂ અભડાવવાનું સૂઝ્‍યું... એ મુરત હવે ઢૂંકડું છે! અદિતિને મારા માટે કૂણી લાગણી છે, તેની આબરૂ મેં લૂટી હોય એવું તે ધારી ન શકે અને એ રાક્ષસ હું હોઈ શકું એ કહેવા રાધાએ તેનો ભૂતકાળ ખોલવો પડે, એ પણ બનવાનું નથી! ‘ચિત ભી મેરી, પટ ભી મેરી’ના ખુમારમાં મલકતા અમૂલખને ક્યાં જાણ હતી કે રાધાનો ભૂતકાળ જ નહીં, પોતાનું વેર પણ આસુ સમક્ષ ખૂલી ગયું છે!)  
lll

અને ગણેશપૂજા પછી હોળીને દેવતા ચંપાયો. થોડી ક્ષણોમાં ભડભડ અગ્નિ પ્રગટ્યો. હોળી ફરતે વર્તુળાકારમાં ગોઠવાઈ સ્ત્રીઓ પૂજા કરવા માંડી. ગળામાં ઢોલ વીંટાળી દાંડી પીટતો આશ્લેષ હોળીની પીળી જ્યોતમાં અમૂલખને નિહાળી રહ્યો.  
‘આ માણસને મેં પિતા કહ્યો? માના અલગાવ છતાં તેનું ઘડપણ સાચવવાની ભાવના રાખી? ના, તેના કુરૂપપણાની અણખટ રાખી જ નહોતી, પણ તેનું આ રૂપ સહ્યું જાય એમ નથી! નહીં, મારી માને છેતરનાર, મારા પિતાની હત્યા કરાવનાર, મારી પત્ની પર બૂરી નજર રાખનારને હું બક્ષી ન શકું...’ 

આશ્લેષની ભીતર અંગાર સળગતા હતા. બહાર પ્રગટેલી હોળીથી ક્યાંય વધુ અગ્નિ હૈયે ભડકે બળતો હતો. આંખમાં અગ્નિશિખા સમાવીને તે વધુ ને વધુ જોરથી દાંડી પીટતો અમૂલખ તરફ વધ્યો. પગલે-પગલે તેનું ઝનૂન વળ ખાતું હતું. સામી બાજુ ઊભો અમૂલખ આંખ મીંચીને હોળીને નમન કરતો હતો. તેની આસપાસની જગ્યા ખાલી હતી. ‘તે આવતી કાલનો કારસો પાર પડે એવી જ પ્રાર્થના કરતો હશેને!’ આસુનાં જડબા તંગ થયાં. અમૂલખની સાવ લગોલગ પહોંચતાં અચાનક તેનો પગ લપસતો હોય એમ તે હાલકડોલક થયો અને જોરદાર ધક્કો અમૂલખની પીઠે વાગતાં અમૂલખ પોતાને સંભાળે એ પહેલાં સીધો સળગતી જ્વાળામાં પડ્યો!  

ચીસો ફૂટી. હોહા મચી ગઈ. 
એકમાત્ર આશ્લેષે સૈકાઓ પછી હોળીમાં ફરી અસતનો નાશ થયાની પરિતૃપ્તિ અનુભવી. 
lll

કેટલું કરુણ! ‘પુત્રના ધક્કાએ હોળીના ખાડામાં પડી દાઝી જવાથી પિતાનું મૃત્યુ! અમૂલખના કરુણ અંજામ પર ગામ ડૂસકાં ભરતું હતું. રાધા સ્તબ્ધ હતી. અદિતિ આઘાતવશ. અમૂલખની આવી એક્ઝિટ કલ્પી નહોતી!
‘અરેરે, મારા પિતાના અકસ્માત મૃત્યુમાં હું ક્યાં નિમિત્ત બન્યો!’ આશ્લેષનો વલોપાત ગામલોકોની પાંપણ ભીની કરી ગયો. 
‘હવે ગામમાં નથી રહેવું...’ અમૂલખનાં ક્રિયાપાણી પત્યા પછી ઘર-ખેતર વેચીને, સંપત્તિનું દાન કરીને આશ્લેષ માને મુંબઈ લઈ ગયો એ સૌને સ્વાભાવિક લાગ્યું. પછી શું થયું એ કોઈ જાણી ન શક્યું! 
lll

‘એ અકસ્માત નહોતો મા, અદિતિ... તર્પણ હતું... મારા પિતાની હત્યાનું...’
છેવટે મહિના પછી આસુએ મા-પત્ની સમક્ષ ભેદ ખોલતાં રાધા આંખો મીંચી ગઈ : ‘આખરે મારો જીવનભરનો વહેમ સાચો ઠર્યો! આનંદની હત્યાનો ચુકાદો તેના વંશજના હાથે થયો એ પણ કુદરતનું જ કરવુંને! બાકી મને પત્ર લખવાનું સૂઝે નહીં, દીકરા-વહુ એ જાણે નહીં, ને એની થોડી જ વારમાં અમૂલખનું પોત આસુ સમક્ષ ઊઘડે નહીં!’ 
અદિતિ થથરી ગઈ, ‘આસુએ જાણ્યું ન હોત તો જેને હું પિતાનું માન આપતી હતી તેણે મારી આબરૂ લૂંટી હોત! અમૂલખે નવી ડીલના પૈસા હજી ચૂકવ્યા નહોતા, એનો અંજામ જાણી મદનલાલે કાંઈ કરવાનું રહ્યું નહીં.’

‘મા, આ જો...’ 
આશ્લેષ રાધાને બહાર દોરી ગયો. દરવાજે નેમપ્લેટ હતી : ‘મિસિસ રાધા આનંદ શાહ. આશ્લેષ આનંદ શાહ. મિસિસ અદિતિ આશ્લેષ શાહ. 
દીકરાએ આનંદનું નામ કાયદેસર કરાવ્યું જાણીને રાધાએ કૃતાર્થતા અનુભવી, ‘દીકરાએ મારો ઉછેર 
ઉજાળી જાણ્યો!’ 
આસુએ દીવાનખંડની દીવાલે આનંદની વિશાળ છબિ ટિંગાડી. અદિતિએ એના પર સુખડનો હાર ચડાવ્યો. 
‘આનંદ, સીકરા-વહુને તમારા આશિષ આપો!’  
છબિમાં આનંદ મલકી રહ્યો અને એ સ્મિતે જીવન સાફલ્ય અનુભવતી રાધાની કીકી ત્યાં જ સ્થિર થઈ ગઈ.

સમાપ્ત

columnists Sameet Purvesh Shroff