દાગ-બેદાગ (પ્રકરણ ૨)

11 April, 2023 12:43 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘મંજુ નામની મેતરાણી દસ હજાર લઈને કામ કરવા તૈયાર થઈ છે... અક્ષરનો ફોટો સોશ્યલ મીડિયા પરથી લઈને તેને દેખાડી દીધો છે. હવે કેવળ અક્ષરનો રૂમ-નંબર આપવાનો રહેશે...’

દાગ-બેદાગ (પ્રકરણ ૨)

લવ ઇઝ ઇન ધ ઍર.. 
બાથટબનું ફીણ ફંફોળતી નેહાલી આજકાલ હોઠે ચડેલું ગીત ગણગણી રહી. 
‘તમે મહોબતના મરીજ છો?’
અક્ષરનો અવાજ પડઘાયો. અમારા સમાજમાં સ્ત્રી-પુરુષો આમેય રૂપાળાં હોય, પણ અક્ષર તો ઈશ્વરે ફુરસદમાં ઘડ્યો હોય એવો નયનરમ્ય. પાછો આર્મીનો સૈનિક એટલે તેની છટાનું 
પૂછવું જ શું. 

ભાઈ માટે દેવયાનીની વાત આવી ત્યારે સાટાપાટા પ્રથાનો ઉલ્લેખ થયેલો. અક્ષર વિશે જાણ્યા પછી મમ્મી-પપ્પા-ભાઈની પૂ્રી મરજી... 
‘નો વે. મારે હજી કૉલેજ પતાવવાની. પછીયે બે વરસ સુધી તો લગ્નનું નામ જ ન લેતા... આટલું જલદી કોણ પરણે!’ કહીને દેવયાનીનો જ દાખલો આપેલો, ‘તેમણે પણ ચાર વરસ બુટિક ચલાવ્યું પછી જ પરણવા નીકળ્યાંને!’
સદભાગ્યે ઘરમાં રૂઢિચુસ્ત વાતાવરણ નહોતું. મા-પિતાજી-ભાઈ ત્રણેએ હામી ભરી. છતાં એવું માની પણ રહ્યાં છે કે થોડા વખતમાં નેહાલીને અક્ષર માટે મનાવી લઈશું... આવું જ કદાચ દેવયાનીભાભીના ઘરના પણ માનતા હોય તો નવાઈ નહીં! 

અરે, અક્ષર માટે મને મનાવવાની જરૂર જ ન હોત. પહેલી વાર તેમને જોતાં જ હું આંખ મીંચીને તેમના પ્રણયમાં ખાબકી હોત... જો હું રાજને પ્રેમ ન કરતી હોત! 
નેહાલી તેની પ્રેમકથામાં ખોવાઈ.
ટ્વેલ્થ પછી નેહાલીએ શહેરની પ્રતિષ્ઠિત કૉમર્સ કૉલેજમાં ઍડ્મિશન લીધું. ઊઘડતું યૌવન અને વિના પાંખેય ઊડવાની અનુભૂતિ થાય એવો સમયગાળો. ખરેખર તો કૉલેજકાળની ફૅન્ટસી કૉલેજમાં આવ્યા પહેલાંની દિમાગ પર છવાઈ હોય છે. દિવાળી પહેલાંની કૉલેજની એન્ટરટેઇનમેન્ટ ઈવમાં રાજે ગિટાર બજાવીને ‘લગ જા ગલે...’ના સૂર લહેરાવ્યા, પાછળથી ચિચિયારીઓ પડી ને ફ્રન્ટ રોમાં બેઠેલી નેહાલીને એમાં સુપરસ્ટારનો પર્ફોર્મન્સ માણ્યાની થ્રિલ થઈ. બેશક, કૉલેજના મોસ્ટ સ્ટાઇલિશ બૉય ગણાતા રાજથી તે અજાણ નહોતી, પણ પોતાનાથી વરસ સિનિયર જોડે વાત વહેવારનું કોઈ કારણ નહોતું, પણ તેની ટૅલન્ટથી પ્રભાવિત થયેલી નેહાલી રાજનું ગીત પતતાં ‘વન્સ મોર!’ માટે સૌથી વધુ ચિલ્લાઈ. રાજનું ધ્યાન ગયું. 

‘ધીસ વન ઇઝ ફૉર યુ, બ્યુટિફુલ ગર્લ!’ કહીને ‘પલ પલ દિલ કે પાસ...’નો ઉપાડ કરતાં નેહાલી એવી તો લજાઈ! મુગ્ધ હૈયા પર રાજનું નામ કોતરવા આટલી હરકત પૂરતી હતી. 
અને રાજની લાયકાતમાં કહેવાપણું ક્યાં હતું? ભલે અમારી ન્યાત જુદી, પણ તેય અમીર પિતાનો એકમાત્ર પુત્ર. અભ્યાસમાં હોશિયાર અને સ્પોર્ટસ, સિંગિંગમાં પણ અવ્વલ. હંમેશાં 
દોસ્તોની ટોળીથી ઘેરાયેલો. હીરો તો આવો જ હોયને! 
‘હું હીરો ખરો, પણ હિરોઇન વગરનો...’ 

ટૅલન્ટ ઈવ પછી નેહાલીએ રાજને અભિનંદન આપતાં વાતચીતની ધરી રચાઈ હતી. નેહાલી નિઃશંક કૉલેજમાં સૌથી રૂપાળી હતી. ઘરની સંસ્કાર-મર્યાદાથી સભાન નેહાલી રાજ સાથે પણ અંતર રાખીને વાત કરતી, પણ બે હૈયાં વચ્ચે અંતર ઘટતું જતું હતું. છોકરીની આંખોની ભાષા ન ઉકેલી શકે એટલો બાઘો નહોતો રાજ. ત્રીજા મહિને હું હિરોઇન વગરનો હીરો છું એવું કહીને પૂછી લીધું : તું મારી હિરોઇન બનશે?
‘હું!’ નેહાલી અવાચક બનેલી. રાજના હૈયે હું છું એ ઘટના પોરસાવા જેવી લાગી. એને ઇનકાર કેમ હોય? છતાં બોલી જવાયું : હું પણ તને ચાહું છું રાજ, પણ આપણાં લગ્ન પરિવારની સંમતિથી જ થશે... 
‘લ...ગ્ન! અફકોર્સ હની!’ 
તેનું હની કહેવું ખરેખર મધ જેવું મીઠું લાગેલું! 

બસ, પછી તો પ્રણય પુરબહાર છે... કૉલેજમાં વાત ફેલાઈને ઘર સુધી ન પહોંચે એ માટે અમે પૂરી સાવચેતી રાખી છે. સૌથી સલામત મિલનસ્થાન રાજનો ફ્લૅટ છે. કૉલેજ-લાઇફ માણવાની મોકળાશ મળી રહે એ માટે દીકરાના આગ્રહે માવતરે ખાસ કૉલેજ નજીકના એરિયામાં લક્ઝુરિયસ ફ્લૅટ લઈ આપેલો. એના ત્રીજા માળના પાડોશના બધા ફ્લૅટ ખાલી છે એટલે ત્યાં જવામાં કોઈની આંખે ચડવાનું જોખમ પણ નહીં. કલાકેકનો એ મેળ કેટલો પ્રણયભીનો હોય. રાજ મારા માટે ગીતો ગાય. હું તેના માટે અવનવી વાનગીઓ બનાવું... એમાં એક વાર તેણે કિચનમાં મને પાછળથી બાથ ભરતાં હું દાઝી હોઉં એમ અળગી થયેલી : નો ટચ બિઝનેસ, રાજ! અમારામાં તો સગાઈ પછી પણ મળવાની છૂટ નથી હોતી... મર્યાદા ચૂકવી આપણને શોભે નહીં! 
ના, રાજે આનું ખોટું નહોતું લગાડ્યું. આજ્ઞાંકિત પ્રેમીની જેમ માની ગયેલો : તું સાચું કહે છે નેહાલી, આપણે આપણા સંસ્કાર ન ભૂલવા જોઈએ... તું આવી છે નેહાલી એટલે તો મને પસંદ છે! 
આવું સાંભળીને ખુમાર ચડતો. દરમ્યાન ભાઈના સગપણ નિમિત્તે અક્ષરની વાત આવી. 

દેવયાની સાથે આવેલા અક્ષરમાં મુરતિયાને મેળવવાની સૂઝ હતી, મારી મહોબતને પારખવાની ઝીણી નજર પણ. બધાનું મન મોહી લીધેલું તેણે. તેની હૈયાપાટી કોરી છે અને મને તે ગમાડી બેઠો હોય તોય નવાઈ નહીં! 
રાજ વિશે ઘરમાં મેં હજી કોઈને વાત નથી કરી... ઘરવાળા અક્ષર બાબત આગળ વધે એ પહેલાં મારે પ્રણય કબૂલી લેવો જોઈએ? ભાભી સાથે મારે બહેનપણાં છે... તેમને કહું? 
ના, ના. અક્ષરને અવગણીને હું બીજાને ભાવ આપું એ દેવયાનીને ન પણ ગમે... તો ભાઈને કહું? પરંતુ ભાઈ પણ સાસરાપક્ષે ન બેસી જાય એની ખાતરી ખરી? વડીલો રિવાજને આગળ ધરે તો મારી પ્રીત રહેંસાય કે બીજું કંઈ! 
નેહાલી મૂંઝાઈ, ગૂંચવાઈ. 

અહં, ઘરનાને અક્ષર સિવાય કોઈ દેખાવાનું ન હોય તો મારે અક્ષરની છબિમાં તિરાડ પડે એવું કંઈક ગોઠવવું પડે! યા, અક્ષર પરથી ઘરનાનું મન હટે તો જ રાજ તેમની નજરમાં વસી શકશે! અક્ષરની આર્મીની નોકરી મને નહીં ફાવે એવું કહેવામાં હું મોડી પડી, પણ હવે દેર નથી કરવી. 
નેહાલીને દ્વિધા ન રહી. આ કામ કેવી રીતે કરવું એ રાજને જ પૂછું! 

lll આ પણ વાંચો : દાગ-બેદાગ (પ્રકરણ ૧)

‘ઑલ સેટ.’
રાજે કહેતાં નેહાલીના ચહેરા પર રોનક ફરી વળી. 
રાજથી સાટાપાટા પ્રથા કે અક્ષરનું ચૅપ્ટર છૂપું નહોતું. ગયા અઠવાડિયે પોતે ટહેલ નાખી અને કાલે દેવયાનીભાભી વગેરે આવે એ પહેલાં રાજે બધું ગોઠવીયે નાખ્યું! નેહાલી પોરસાઈ. અંશભાઈનાં સાસરિયાં કાલે સાંજે રાજકોટ આવી પહોંચવાનાં. અમારા પક્ષના મહેમાનો આવવાનું પણ શરૂ થઈ ગયું છે. સૌનો ઉતારો ઘર નજીકના પાર્ટી-પ્લૉટમાં છે. પ્લૉટમાં સામસામે બે માળનાં બે મકાનો છે. એકમાં વર પક્ષના રહેશે અને બીજામાં કન્યા પક્ષના એવી ગોઠવણ કરાઈ છે. સગાઈનાં કામોમાથી માંડ ફુરસદ ચોરીને રાજના ઘરે આવી છું... તેણે શું પ્લાન કર્યું છે એ હવે જાણી લેવું જોઈએ...
‘પ્લાન બહુ સરળ છે...’ 

રાજના શબ્દોએ નેહાલી એકાગ્ર થઈ.
‘પાર્ટી-પ્લૉટની સફાઈ જેવાં કામો માટે તેમનો પોતાનો સ્ટાફ છે...’
અફકોર્સ. આમ પણ સ્નેહ પાર્ટી-પ્લૉટ પામતા-પહોંચતા લોકોની પહેલી પસંદ જેવો હતો. વિશાળ પાર્કિંગ, મોટી ટીવી-સ્ક્રીન સહિતનું અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આંખે વળગે એવી ચોખ્ખાઈ. બે હજારની કૅપેસિટી ધરાવતો પાર્ટી-પ્લૉટ સગાઈ જેવા ત્રણસો-ચારસો મહેમાનોની હાજરીમાં થનારા ફંક્શન માટે મોટો પડે, પણ ઘર નજીકની આટલી સરસ જગ્યા છોડીને બીજે શીદ જવું? પ્રમાણમાં સહેજ મોંઘા પાર્ટી-પ્લૉટના મેઇન્ટેનન્સ માટે તેમનો સ્ટાફ હોય જ એ સ્વાભાવિક છે. રાજે ત્યા ઘણાં ફંક્શન્સ અટેન્ડ કર્યાં હશે એટલે સ્ટાફ તેના ધ્યાનમાં હોય એનીયે નવાઈ નથી, પણ સ્ટાફને અક્ષરના નીચાજોણામાં કઈ રીતે તે સાંકળે છે એ જાણવા દે.

‘તેં એવું કહેલું કે ઉતારામાં અક્ષર, દેવયાની અને તેના ફાધરને સૅપરેટ રૂમ મળશે, જ્યારે બીજા મહેમાનો શૅરિંગમાં રહેશે... પરમ દિવસથી ફંક્શન્સ છે - મેંદી, સંગીત અને છેલ્લે સગાઈ.’
‘યા.’
‘આપણે મેંદીનુ ફંક્શન સુપેરે થઈ જવા દઈએ.’ 
‘ફાઇન.’ નેહાલી બોલી પડી, ‘એક વાર મેંદી મુકાય પછી અક્ષરની છબિ ધ્વંસ થાય તો પણ ભાઈથી સગાઈમાં પાછીપાની નહીં થાય, 
હું નહીં થવા દઉં...’

નેહાલીને આની કન્સર્ન પણ એટલી જ હતી : મારા પ્રેમપ્રકરણને લગ્ન સુધી પહોંચાડવાની મથામણમાં ભાઈ-ભાભીનો મેળ તૂટે એવું તો ન જ થવું જોઈએ! 
‘અને બીજી સવારે અક્ષરનો રૂમ સાફ કરવા જનારી મેતરાણી પોતાનાં કપડાં ફાડીને હોહા મચાવી દે કે અક્ષરે મારા પર બળાત્કારનો પ્રયાસ કર્યો તો..’
બળાત્કાર! નેહાલી થથરી. મેતરાણી તો પૈસા લઈને નિર્દોષને ફસાવી જાણે, પણ રેપનો અટેમ્પ્ટ જરા વધુપડતો ન ગણાય? અક્ષર મારા માવતરની નજરમાં ઊતરે એવું મને બેશક જોઈએ, પણ આમાં તો તેને આર્મીમાથી બરતરફ કરાય એવુંય બને... 

‘તને કેમ તેની આટલી ફિકર થવા માંડી!’ પ્રેમીને સહજ હોય એવો ઈર્ષાભાવ દાખવીને રાજે ઉમેર્યું, ‘અક્ષરને બીજી કઈ રીતે બૂરો ચીતરી શકાય? ચોરી કરવાની તેણે જરૂર ન હોય, શરાબ તો હવે તમે ગર્લ્સ પણ છૂટથી પીતી હો છો.. બધું વિચારીને મેં આ યોજના ગોઠવી છે. બંધ રૂમમાં બે જણ વચ્ચે શું થયું એ અક્ષર ગળું ફાડીને કહેશે તો પણ કાયદો તો સ્ત્રીની જ વાત માનવાનો.’ 
વેલ... નેહાલીને લાગ્યું કે સાટાપાટા ટાળવાનો આ જ એક ઉપાય હોય તો ભલે એમ થતું! જાણું છું કે સવારે આમ બન્યા પછી સગાંવહાલાંમાં કૂથલીપુરાણ શરૂ થશે. ‘આવા છોકરાની બહેનને ઘરની વહુ ન બનાવાય’ એવું પણ લોકો અમારાં માવતરને કહેશે. જોકે ‘ભાભીએ ભાઈની મેંદી મુકાવી છે, હવે સગપણ ફોક ન થાય, ભાઈના ગુનાની સજા બહેનને દેવાનો ક્યાંનો ન્યાય?’ આમ કહીને હું ભાઈ-ભાભીની સગાઈ તૂટવા નહીં જ દઉં. સત્યેન અંકલ-દેવયાની વગેરે અક્ષરની બદનીયત એમ જ નહીં સ્વીકારે. અક્ષરના સંસ્કારમાં શ્રદ્ધા ધરાવતા અંશુભાઈ પણ અક્ષરને ગુનેગાર નહીં માને. તે મેતરાણીને ડારો આપીને સચ બોલાવવાની કોશિશ કરશે... અંશુભાઈને કારણે મારા પેરન્ટ્સ પણ કદાચ અક્ષરને દોષી માનવા તૈયાર ન થાય. એની સાથે એ પણ સાચું કે બળાત્કારનો આરોપ જેના પર મુકાયો હોય તેને નિર્દોષ માનવા છતાં એવા સાથે દીકરીનો હથેવાળો તો ન જ કરે... અરે, મારો ઇનકાર હોય તો તેઓ રિવાજના નામે દબાણ પણ નહીં કરી શકે... 

‘મંજુ નામની મેતરાણી દસ હજાર લઈને કામ કરવા તૈયાર થઈ છે... અક્ષરનો ફોટો સોશ્યલ મીડિયા પરથી લઈને તેને દેખાડી દીધો છે. હવે કેવળ અક્ષરનો રૂમ-નંબર આપવાનો રહેશે...’ 
‘શ્યૉર...’ નેહાલીએ કહ્યું. સાટાપાટાનો રિવાજ ટાળવા આવું કદાચ કોઈએ ક્યારેય નહીં કર્યું હોય, પણ શું થાય! આઇ ઍમ સૉરી અક્ષર, મારા સ્વાર્થવશ તમારા ચારિત્ર પર દાગ લગાવવાનો કારસો ઘડ્યો છે. મારા ગુનાને દરગુજર કરજો, બીજું તો શું! 
નેહાલીના મનોજગતનો રાજને અણસાર હતો, પણ અક્ષરને બદનામ કરવાના ખેલની આડમાં રાજે શું કરવા ધાર્યું છે એની નેહાલીને ક્યાં ખબર હતી? 
lll

‘આવો, પધારો!’ 
ગુરુની સાંજે રાજકોટ પહોંચેલા કન્યાપક્ષનું ભાવભર્યું સ્વાગત થયું. બનારસી સેલામાં દેવયાની ગજબની શોભતી હતી. મનોહરભાઈ-વસુધાબહેન સહિત વડીલોને પાયલાગણ કર્યાં.
‘ભાભી, યુ લુક પ્રેટી!’ નેહાલી દેવયાનીને ભાવથી વળગી. 

‘અમારા કુમારના ડાયલૉગ તમે કેમ બોલો છો!’ અક્ષરે ઠાવકા મોંએ કહેતાં દેવયાની લજાઈ, અંશ શર્મીલું મલક્યો, નેહાલીએ કાન પકડ્યા - ભૂલ થઈ ગઈ! લાગે છે કે અમારાં ભાભીનું રૂપ જોઈને તમારા કુમારની વાચા હરાઈ ગઈ છે! 
‘તમેય ખરાં ભોળાં...’ અક્ષરે હજી ઠાવકાઈ જાળવી રાખી, ‘કુમારને 
આપણી હાજરી નડે છે એટલું પણ નથી સમજતાં! ચાલો, આપણે ગેસ્ટ્સને થાળે પાડી આવ્યે...’ 

આમ કહીને અક્ષર ખરેખર ભાઈ-ભાભીને એકાંત આપે છે કે મારી સાથે એકલા પડવાની તક ઝડપે છે? નેહાલી સચેત થઈ. જોકે અક્ષરનો એવો ઇરાદો લાગ્યો નહીં. તે ખરેખર મહેમાનોમાં ફરીને જોઈતું-કારવતું પૂછી રહ્યો છે... વડીલો સાથે પણ તે ગમતીલી મજાક કરી લે છે, બાળકો સાથે તોફાની બની જાય છે... ક્યાં ઠરેલ રહેવું એની પણ તેને સૂઝ. અક્ષર મારા જીવનમાં રાજથી પહેલાં આવ્યા હોત તો? 
તો કદાચ રાજને ચાહું છું એનાથી ક્યાંય વધુ ગહેરાઈથી હું અક્ષરને ચાહતી થઈ ગઈ હોત! 

‘હલો...’ અક્ષરે તેના ચહેરા આગળ ચપટી વગાડી : ક્યાં ખોવાણાં? 
નેહાલી ઝબકી : નહીં રે. એ તો અમસ્તું... પછી જાતને સમજાવી : નો, મારા રાજથી કોઈ ચડિયાતું હોઈ જ 
ન શકે! અને અક્ષરથી દૂર જઈને તેણે રાજને મેસેજ કરી દીધો : અક્ષરનો રૂમ પહેલા માળે, રૂમ-નંબર ૧૧.

વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff