05 May, 2023 12:41 PM IST | Mumbai | Rashmin Shah
વિન્સેન્ટ વૅન
‘એમ નથી કહેતો હું...’ ઢબ્બુએ માથા પર એવી રીતે હાથ મૂક્યો જાણે કે તે કોઈ ડફોળની સાથે લપ કરતો હોય અને સામેની વ્યક્તિ સમજતી ન હોય, ‘તું પહેલાં વાત સમજ...’ ‘તો સમજાવ, હું ક્યાં ના પાડું છું...’
મમ્મીનું અડધું ધ્યાન કામમાં પણ હતું.
‘જો મને ફળ મળવાનું ન હોય તો પછી હું કર્મ કરું જ શું કામ?’
‘બસ, એ કરવાનું હોય એટલે...’
‘એવું ન હોય...’ ઢબ્બુની આર્ગ્યુમેન્ટમાં લૉજિક હતું, ‘જો ઘોડો દોડવાનો જ ન હોય તો હું એને દોડવાની ટ્રેઇનિંગ આપું શું કામ?’
‘એ પણ છે.’
‘બીજું એક્ઝામ્પલ આપું...’ ઢબ્બુએ આર્ગ્યુમેન્ટ લંબાવી, ‘પાણી આવવાનું જ ન હોય તો પછી હું નળ ચાલુ જ શું કામ કરું?’
‘જોવાનું તો હોયને કે પાણી આવવા માંડ્યું કે નહીં?’
‘લે, પાછું તું એ જ વાત કરે છે?’ ઢબ્બુ અકળાયો, ‘કૃષ્ણ ભગવાને કહી દીધું છેને, ફળની આશા નહીં રાખ, એ તો મળે પણ ખરું ને ન પણ મળે...’
સીસીસીસી...
એ જ સમયે કૂકરની સિટી વાગી અને મમ્મીનું ધ્યાન એ દિશામાં ગયું.
‘તું પહેલાં મારી વાત સાંભળને...’
‘તું મારી સાથે લપ નહીં કર, પપ્પા સાથે કરજે...’
કિચનમાં ટિંગાતી વૉલક્લૉક તરફ મમ્મીનું ધ્યાન ગયું. ઘડિયાળમાં સાડાસાત વાગી ગયા હતા.
‘તું સાંભળને...’
‘ના, હવે નહીં. પપ્પા આવે છે.’ મમ્મીએ સરળ રસ્તો શોધ્યો, ‘તું જો, મૅચ ચાલુ થઈ ગઈ હશે...’
‘યેસ...’
ટીવી જોવાની સામેથી પરમિશન મળી એટલે ઢબ્બુ બુક બંધ કરી સીધો રિમોટ પાસે દોડ્યો. આઇપીએલ ચાલુ થઈ ત્યારથી તેની દરરોજ સાંજ મૅચમાં જ પસાર થતી હતી તો બપોરે બહાર તડકામાં જવાનું ન હોય એટલે ઘરે બેસીને તે કાર્ટૂન જોતો. ટીવી જોવાનું વધી ગયું હતું એટલે જ પપ્પા ઢબ્બુ માટે બુક્સ લઈ આવ્યા અને ટીવી જોવા પર બૅન મુકાયો પણ અત્યારે મમ્મીએ સામેથી ટીવી જોવાની પરમિશન આપી. કારણ તો માત્ર એટલું કે મમ્મી પાસે ઢબ્બુની ક્યુરિયોસિટી ઓલવવા માટે સમય નહોતો.
lll
‘જો જમવાનું નહીં બન્યું હોય તો ચાલશે પણ ઘરમાં એક સિસ્ટમ ઊભી કરી હોય એ ન તૂટે એ જોવાનું કામ તો આપણે સાથે મળીને જ કરવું પડશેને?’
પપ્પા ઘરે આવ્યા ત્યારે ઢબ્બુને ટીવી જોતો જોઈને પપ્પાએ ધીમેકથી તેને યાદ દેવડાવ્યું હતું કે આપણે ટીવી નહીં જોવાનું નક્કી કર્યું હતું.
‘એ તો મમ્મીએ જ મને કહ્યું. પૂછો એને...’ ઢબ્બુએ પપ્પાના જવાબની દરકાર કર્યા વિના જ મમ્મીને સીધી રાડ પાડી, ‘મમ્મી...’
‘શું છે?’
કિચનમાંથી મમ્મીએ જવાબ આપ્યો અને બીજી જ સેકન્ડે ઢબ્બુએ કહી દીધું.
‘પપ્પા બોલાવે...’ ઢબ્બુએ ટીવી સામે જોતાં પપ્પાને કહ્યું, ‘પૂછી લો તમે જ એને.’
મમ્મી બહાર આવે એ પહેલાં જ પપ્પા અંદર કિચનમાં પહોંચી ગયા અને તેણે મમ્મીને ધીમેકથી કહી પણ દીધું,
‘ઢબ્બુને ટીવીની ના છે એ તને ખબર છેને?’
‘હા પણ મને કામ જ નહોતો કરવા દેતો.’ મમ્મીએ હકીકત કહી, ‘આવીને સવાલ ઉપર સવાલ કર્યા કરે અને મારે કિચનમાં બધું કામ બાકી હતું.’
વાતને આગળ વધાર્યા વિના પપ્પાએ ધીમેકથી કહ્યું, ‘જો જમવાનું નહીં બન્યું હોય તો ચાલશે પણ ઘરમાં એક સિસ્ટમ ઊભી કરી હોય એ ન તૂટે એ જોવાનું કામ તો આપણે સાથે મળીને જ કરવું પડશેને?’
‘માય મિસ્ટેક...’
મમ્મીએ સહજ રીતે જ પોતાની ભૂલ સ્વીકારી લીધી અને વાતનું પૂર્ણવિરામ આવી ગયું. પપ્પા પણ સ્માઇલ સાથે કિચનમાંથી બહાર આવી ગયા.
lll
‘સો મિસ્ટર ક્વેશ્ચન-કુમાર... આજે મમ્મીને કામ કેમ નહોતા કરવા દેતા?’
‘અરે હા...’ ઢબ્બુ ફરી એક્સાઇટ થઈ ગયો, ‘હું તો ભૂલી ગયો. મારે તમને પૂછવાનું છે.’
‘શું?’
‘એમ કે જો મને ફળ મળવાનું ન હોય તો પછી મારે કર્મ કરવાનું શું કામ?’ ઢબ્બુ દોડીને ભગવાનશ્રી કૃષ્ણની ઍનિમેશન બુક લઈ આવ્યો, ‘જુઓ, આમાં કહે છે કે ભગવાને કહ્યું છે કે તમારે કામ કરતા રહેવાનું, ફળની આશા નહીં રાખવાની. આવું કંઈ થોડું હોય?’
‘હંમ...’ પપ્પાએ નીચેનો હોઠ બહાર કાઢીને ઢબ્બુની વાતમાં સૂર પુરાવ્યો, ‘વાત તો સાચી છે હોં તારી...’
‘હા, ભગવાનની વાત ખોટી છે આ... હું મમ્મીને આ જ પૂછતો હતો પણ એને છેને ખબર નહોતી એટલે પછી મેં બુક મૂકી દીધી વાંચવાની ને હું મૅચ...’
‘આપણે મૅચ જોવાને બદલે સ્ટોરી પર આવીએ તો?’
‘કઈ સ્ટોરી?’
આ પણ વાંચો : મારી જીવનયાત્રા (પ્રકરણ ૪)
‘એ જ, તેં જે સવાલ પૂછ્યો. ફળ ક્યારે મળશે એ ખબર ન હોય તો પછી કર્મ કરવાનું શું કામ?’
‘હા, એ જ સ્ટોરી.’ ઢબ્બુએ તરત જ ચોખવટ પણ કરી દીધી, ‘આ બુકવાળી નહીં હોં... આ તો હું વાંચી લઈશ. બીજી સ્ટોરી...’
‘ઓકે. બીજી સ્ટોરી. અને રિયલ સ્ટોરી.’ પપ્પાએ વાતની શરૂઆત કરી, ‘આપણે વાત કરવાની છે વૅનની.’
‘એ ભાઈ કોણ હતા?’
‘એ તો આ સ્ટોરીમાં આવશેને...’ પપ્પાએ સ્ટોરી આગળ વધારી, ‘વૅનને ડ્રોઇંગનો બહુ શોખ. બહુ એટલે બહુ શોખ. એ આખો દિવસ પેઇન્ટિંગ જ કર્યા કરે. તેને જે મળે એના પર તે પેઇન્ટ કરે અને જો તેને કંઈ મળે નહીં તો એ દીવાલ પર પેઇન્ટિંગ શરૂ કરી દે. નાનો હતો ત્યારથી તેને આ આદત. વૅનની મમ્મીને વૅન બહુ ગમે એટલે તે વૅનને પેઇન્ટિંગ કરતાં રોકે નહીં.’
‘મારી મમ્મીની જેમ.’ ઢબ્બુએ તરત જ સામેની દીવાલ દેખાડી, ‘જુઓ, આજે બપોરે મેં વૉલ પર મમ્મી-પપ્પા અને ઢબ્બુ બનાવ્યાં.’
દૂધ જેવી સફેદ દીવાલ પર કરવામાં આવેલા મૉર્નિંગ ગ્લોરી કલર પર લાલ રંગના વૅક્સ કલરથી બનાવવામાં આવેલા ત્રણ લોકોની પ્રતિકૃતિ પપ્પાએ જોઈ. પપ્પાએ નિયમ બનાવ્યો હતો કે ઢબ્બુને દીવાલ પર ડ્રોઇંગ કરતાં કે કંઈ પણ લખતાં ક્યારેય રોકવાનો નહીં. પપ્પા પણ જ્યારે નાના હતા ત્યારે દાદાએ તેને આ છૂટ આપી હતી અને પપ્પા ઘરની દીવાલ પર જ એબીસીડી અને કક્કો લખતાં શીખ્યા હતા. દાદાએ વર્ષો સુધી એ દીવાલો અકબંધ રાખી અને પપ્પા છેક સેવન્થ સ્ટાન્ડર્ડમાં આવ્યા ત્યારે તેમણે ઘરમાં કલર કરાવ્યો હતો. એ કલરકામ કરાવવાની પણ દાદાની ઇચ્છા તો હતી નહીં પણ દાદીનો આગ્રહ હતો એટલે પપ્પાના નાનપણની એ બધી યાદો પર પીંછડો ફેરવવામાં આવ્યો.
‘વૅનને મમ્મી રોકે નહીં, એ આખા ઘરમાં ડ્રોઇંગ કરે.’ ઢબ્બુએ વાર્તા કન્ટિન્યુ કરી, ‘પછી શું થયું?’
lll
વૅન ધીમે-ધીમે મોટો થવા માંડ્યો. મોટો થયો એટલે વૅનની પેઇન્ટિંગની આવડત પણ ડેવલપ થઈ અને વૅનને પણ ખબર પડવાનું શરૂ થયું કે હવે તેણે પેઇન્ટિંગ કૅન્વસ પર કરતાં જવું જોઈએ. વૅનને જે કોઈ પૈસા વાપરવા આપે એ બધા પૈસાનું વૅન કૅન્વસ લઈ આવે અને એના પર તે સરસ પેઇન્ટિંગ કરે.
ધીમે-ધીમે એવું થવા માંડ્યું કે વૅનના ઘરમાં પેઇન્ટિંગનો ઢગલો થવા માંડ્યો એટલે વૅને નક્કી કર્યું કે તે આ પેઇન્ટિંગ ઘરમાં રાખવાને બદલે પોતાના ફ્રેન્ડ્સને ગિફ્ટ કરી દેશે.
વૅને તો એ જ દિવસથી કામ શરૂ કરી દીધું અને તે એક પછી એક પોતાનાં પેઇન્ટિંગ્સ તેના ફ્રેન્ડ્સને આપી આવ્યો. પોતે રૂબરૂ જ ગયો અને ફ્રેન્ડના ઘરે જઈને ખીલી મારીને તેણે જાતે જ એ પેઇન્ટિંગ ટિંગાડી દીધાં. ફ્રેન્ડ્સને એમાં કોઈ વાંધો પણ નહોતો પણ આ તો વૅન હતો, એ તો ઘરનાં પેઇન્ટિંગ જેવાં ખાલી થયાં કે તરત જ નવાં પેઇન્ટિંગ બનાવવા લાગી ગયો.
વૅનની ઝડપ બહુ વધારે એટલે નવાં પેઇન્ટિંગ પણ તે ફટાફટ બનાવે. જેવું પેઇન્ટિંગ તૈયાર થઈ જાય કે તે નક્કી કરે કે ચાલો હવે જઈને ફલાણા ફ્રેન્ડને આપી આવું.
lll
‘લે, તને મેં પેઇન્ટિંગ નહોતું આપ્યું.’ વૅને પોતાના ફ્રેન્ડના ઘરની દીવાલ ખાલી જોઈ એટલે તરત જ માફી પણ માગી લીધી, ‘સૉરી યાર, ભૂલી ગયો... પણ જો હું અત્યારે તારા માટે પેઇન્ટિંગ લઈને આવ્યો છું.’
બધા ફ્રેન્ડ્સ સાથે આવું જ થયું હતું. વૅન જેના પણ ઘરે નવું પેઇન્ટિંગ લઈને જાય ત્યાં દીવાલ ખાલી જુએ એટલે તે ફરીથી મહેનત કરીને નવેસરથી ખીલી મારે અને પોતાનું નવું પેઇન્ટિંગ ટિંગાડી દે. વૅનને એ ખબર નહોતી કે તેના ફ્રેન્ડ્સ મૂર્ખ હતાં કે તેમને પેઇન્ટિંગમાં કંઈ ગતાગમ પડે નહીં એટલે જેવો વૅન જાય કે તરત જ તે પેલું પેઇન્ટિંગ ઉતારીને કોઈ ખૂણામાં મૂકી દે પણ વૅન તો બિચારો પેઇન્ટિંગ વિશે વિચારવામાંથી જ બહાર આવે નહીં એટલે તે એ વિશે વધારે વિચારે સુધ્ધાં નહીં. એ તો બસ, પોતાનું કામ કરતો જાય અને પેઇન્ટિંગ ઘરમાં સંઘરી રાખવાને બદલે પોતાના ફ્રેન્ડ્સને આપતો જાય.
વૅનને એક વાતનો અફસોસ બહુ હતો કે તેની આ કલાની કોઈ કદર નથી કરતું.
lll
એક દિવસ વૅન આ જ બાબતમાં વિચારતો એક પર્વત પર બેઠો હતો અને છેક સાંજ પડી ગઈ. સાંજના સમયે વૅને આકાશ તરફ જોયું અને એ જોતો જ રહી ગયો. જાતજાતના કલર સાથે આકાશે એકદમ રોમૅન્ટિક રૂપ ધારણ કરી લીધું હતું. વૅન તો આભો થઈ ગયો. તે સીધો દોડ્યો ઘર તરફ અને ઘરેથી કલર, બ્રશ અને કૅન્વસ લઈને આવી ગયો ફરી એ જ પર્વત પર જ્યાં તેને એ દૃશ્ય દેખાયું હતું.
વૅને તો એ જ પર્વત પર ઊભા રહીને પોતે જે જોયું એ દૃશ્ય દોરવાનું શરૂ કરી દીધું. કલાકો નીકળી ગયા પણ વૅનને કશું યાદ આવે નહીં. બસ, તેના મન પર તો એક જ ધૂન કે મેં જે જોયું એ દૃશ્ય મારે પેઇન્ટિંગમાં લેવું છે, આબેહૂબ હું એ દૃશ્ય કૅન્વસ પર લઈશ.
કલાકોના કલાકો સુધી તેણે એ પેઇન્ટિંગ તૈયાર કર્યું. પેઇન્ટિંગ કરતી વખતે વૅનને ન તો ભૂખ યાદ આવી હતી કે ન તો તેને તરસ યાદ આવી હતી. બસ, એ તો પોતાની ધૂનમાં હતો.
પોતાનું પેઇન્ટિંગ પૂરું કરીને વૅને જેવો રાહતનો શ્વાસ લીધો કે તરત જ તેના મનમાં વિચાર આવ્યો કે હવે તે આ પેઇન્ટિંગ કયા મિત્રને ગિફ્ટ તરીકે આપી દે.
lll
પર્વત પર બેઠો વૅન શાંતિથી વિચારતો હતો એ જ વખતે ત્યાંથી એક માણસ પસાર થયો. તેણે પેઇન્ટિંગ જોયું અને તેને પહેલી જ નજરમાં એ પેઇન્ટિંગ અનહદ ગમી ગયું. તે પોતાના ઘોડા પરથી ઊતર્યો અને પેઇન્ટિંગની નજીક આવીને તેણે બારીકાઈથી નિરીક્ષણ કર્યું. અદ્ભુત રીતે કલર કૉમ્બિનેશન થયાં હતાં તો આ પ્રકારની આર્ટ તેણે અગાઉ ક્યારેય જોઈ નહોતી. એ માણસ પેઇન્ટિંગ જોતો જ રહી ગયો. તેને નવાઈ લાગતી હતી કે આ પ્રકારની આર્ટ કોઈ માણસ કેવી રીતે કૅન્વસ પર ઊભી કરી શકે.
પેઇન્ટિંગ જોતાં તે ધરાયો નહોતો ત્યાં તો વૅન તેની પાસે આવ્યો અને વૅને તેને વિનંતી કરતાં કહ્યું.
‘આપને જો આ પેઇન્ટિંગ ગમ્યું હોય તો હું તમને એ આપી દઉં.’
‘કિંમત...’ પેલાએ પૂછ્યું, ‘હું એમ ને એમ તો એ નહીં લઈ જઉં...’
‘આપને જે યોગ્ય લાગે એ આપો. હું તો એ વાતથી રાજી થઈશ કે તમે મારું પેઇન્ટિંગ ઘરમાં રાખશો...’
‘એક હજાર ડૉલર...’
વાત છે ઈસવી સન ૧૮૭૦ની એટલે કે આજથી ઑલમોસ્ટ દોઢસો વર્ષ પહેલાંની. એ સમયના હજાર ડૉલર એટલે આજના પચીસેક કરોડ રૂપિયા થાય.
‘શું કામ મારી મજાક કરો છો?’
‘મજાક નથી સર...’ પેલા માણસે માફી માગતા કહ્યું, ‘તમને ઓછા લાગતા હોય તો હું પંદરસો ડૉલર... પણ પ્લીઝ, આ પેઇન્ટિંગ મને આપો.’
lll
‘આપણે જેની વાત કરીએ છીએ એ વર્લ્ડના બેસ્ટ પેઇન્ટર એવા વિન્સેન્ટ વૅનની કરીએ છીએ. વિન્સેન્ટ વૅનના એ પેઇન્ટિંગ દુનિયામાં દેકારો મચાવી દીધો અને મજાની વાત એ છે કે વૅનનું એ પેઇન્ટિંગ વેચાયા પછી તો રીતસર વૅનના પેઇન્ટિંગ માટે ડિમાન્ડ નીકળી. બધાને વિન્સેન્ટ વૅનનાં પેઇન્ટિંગ વસાવવા હતાં. વૅને જે કોઈને પેઇન્ટિંગ ફ્રીમાં ગિફ્ટ તરીકે આપી દીધાં હતાં એ બધા પણ દોડ્યા અને પોતાના રદ્દીના સામાનમાં પડેલા વૅનનાં પેઇન્ટિંગ લઈ આવ્યા.’ પપ્પાએ વાતને પૂર્ણાહુતિ તરફ આગળ ધપાવી, ‘વૅને જે કોઈને દોસ્તીદાવે પેઇન્ટિંગ આપ્યાં હતાં એ બધા મિત્રો પણ અબજોપતિ થઈ ગયા અને વૅને એ કોઈની પાસેથી ક્યારેય પેઇન્ટિંગ પાછાં માગ્યાં નહીં.’
‘મૉરલ ઑફ ધ સ્ટોરી...’ પપ્પા મૂળ ટૉપિક પર આવ્યા, ‘તમારે તમારું કામ કરવાનું હોય. રિઝલ્ટ શું આવશે એ જો તમે જોવા બેસો તો ક્યારેય તમે તમારા કામને ઓનેસ્ટી સાથે કરી ન શકો. જો વિન્સેન્ટ વૅન તેના ફ્રેન્ડ્સના બિહેવિયરને જોઈને અટકી ગયો હોત તો એ ક્યારેય મૉડર્ન આર્ટ આ દુનિયાને દેખાડી શકયો ન હોત પણ તેણે અજાણતાં જ કૃષ્ણના સંદેશને સમજવાની કોશિશ કરી અને...’
‘ફળની આશા રાખ્યા વિના કર્મ કરવાનું ચાલુ રાખ્યું.’
આગળની વાત પૂરી કરીને ઢબ્બુએ હાથ લંબાવ્યો એટલે પપ્પાએ હાઇ-ફાઇ આપતાં કહ્યું, ‘એક્ઝૅક્ટ્લી...’
સંપૂર્ણ