ધ બેસ્ટ

14 April, 2023 10:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ના, જરા પણ નહીં. હું વાસ્તવિકતા કહું છું.’ બીરબલે નમ્રતા સાથે કહ્યું, ‘તમે કહો છો એવા ચાંદ જેવાં બચ્ચાંઓ મેં અઢળક જોયાં છે.’

ધ બેસ્ટ

‘પહેલાં મને એ કહો...’ ઢબ્બુ રીતસર એક જ વાત પર અટકી ગયો હતો, ‘મારા અને સનીમાં બેસ્ટ કોણ દેખાય?’
‘બેસ્ટ એટલે?’ પપ્પાએ ફરી એ જ સવાલ પૂછ્યો પણ આ વખતે એ સવાલ જરા ડીટેલમાં હતો, ‘કઈ રીતે બેસ્ટ, લુક્સમાં, ભણવામાં કે પછી...’
‘બધી રીતે બેસ્ટ...’ ઢબ્બુએ બે હાથ ફેલાવ્યા, ‘બેસ્ટમબેસ્ટ કહેવાય એવું બેસ્ટ...’
ઢબ્બુના મોઢે ફરી એ જ સવાલ આવ્યો.

‘કોણ બેસ્ટ છે?’
‘હંમ...’ પપ્પાએ સહેજ વિચારવાની સ્ટાઇલ કરી અને પછી કહ્યું, ‘તું... પણ, પણ, પણ... આ સવાલ પૂછવાનું કારણ શું?’
‘એમ નહીં, પહેલાં એ કહો, બેસ્ટ હુંને?’
‘હા, તું બેસ્ટ.’ પપ્પાએ પ્રેમથી ઢબ્બુના વાળ સહેજ વીખેર્યા, ‘તારા સિવાય કોઈ બેસ્ટ હોય કેવી રીતે શકે?’

‘યેસ...’ ઢબ્બુએ વિનિંગ સ્ટાઇલ સાથે બન્ને હાથને જોરથી ઝાટકો આપ્યો, ‘મને ખાતરી હતી, તમે આ જ કહેવાના...’
ઢબ્બુ ખુશ થઈ ગયો હતો. તે દોડતો કિચન તરફ ગયો અને ત્યાં જઈને મમ્મીને કહી આવ્યો.
‘તું કહે છેને, પપ્પાને બધી ખબર પડે. જો એ જ પપ્પા કહે છે, સની કરતાં હું બેસ્ટ છું.’ મમ્મીને હસવું આવતું જોઈને ઢબ્બુ અકળાયો, ‘હસ નહીં તું, હું જ બેસ્ટ છું...’
lll

‘આટલી અમસ્તી વાત પકડીને એ બેસી ગયો છે.’
ડિનર કરતાં-કરતાં મમ્મીએ પપ્પાને આખી વાત કહી. વેકેશન પિરિયડ હોવાથી મમ્મી બપોરે ઢબ્બુને લઈને સનીના ઘરે ગઈ અને ત્યાં સનીનાં મમ્મી સનીનાં વખાણ કરતાં અટકતી નહોતી. પાછા આવતી વખતે ઢબ્બુએ મમ્મીને આ જ સવાલ કર્યો અને મમ્મીની પાછળ પડી ગયો.
‘એનાં મમ્મીને એ બેસ્ટ લાગે તો લાગે.’ મમ્મીએ જવાબ આપ્યો હતો, ‘અમુક બાબતમાં તો સની બેસ્ટ છે જ.’

બસ, ઢબ્બુની કમાન છટકી ગઈ અને મોઢું ચડાવીને તેણે તરત જ પપ્પાને ફોન કરી દીધો. થૅન્ક ગૉડ, પપ્પા વહેલા આવી ગયા એટલે ઢબ્બુની આંખો ભીની થઈ નહીં.
‘આમાં થોડું એવું હોય કે મારે એને બેસ્ટ કહેવાનો?’ પપ્પા શાઉટ ન કરે એવા આછા સરખા ડરથી મમ્મીએ બચાવ સાથે કહ્યું, ‘કે પછી બધા એને બેસ્ટ કહે?!’
‘હંમ...’
પપ્પાએ ડિનર પર ફોકસ કર્યું.
lll

‘સ્ટોરી ટાઇમ...’
ડિનર પૂરું કરીને પપ્પાએ મોટા અવાજે કહ્યું કે તરત ઢબ્બુ રૂમમાંથી દોડતો આવ્યો અને પપ્પાની બાજુમાં કાઉચ પર ગોઠવાઈ ગયો.
‘અકબર-બીરબલ?’
પપ્પાએ આખું મોઢું નાક પાસે એકઠું કર્યું અને પછી ધીમેકથી પૂછ્યું, ‘બીજી કોઈ નહીં ચાલે?’
‘ના, મારી પાસે અકબર-બીરબલની સ્ટોરી બુક નથી. એટલે એની જ કરોને તમે.’ પપ્પા કંઈ કહે એ પહેલાં તો ઢબ્બુ ફરીથી દોડતો રૂમમાં જઈને બધી બુક લઈ આવ્યો, ‘જુઓ, આમાં છે અકબર-બીરબલ?’

‘જુઓ, આ નથીને...’ એક પછી એક બુકનું ટાઇટલ દેખાડતાં ઢબ્બુ બોલતો ગયો, ‘આ પણ નથીને.’
ચાર-પાંચ બુક સુધી તો પપ્પા ચૂપ રહ્યા પણ પછી તેમણે ધીમેકથી કહ્યું, ‘આ બધી બુક્સ કોણ લાવ્યું?’
‘તમે.’ ઢબ્બુનો હાથ હજી પણ બુક્સ પર હતો, ‘આ તો તમે ભૂલી ગયા હોને, બહુ કામ હોયને તમને એટલે કન્ફર્મ કરાવું છું.’
નીચેનો હોઠ બહાર કાઢીને ઢબ્બુએ પપ્પા સામે જોયું.
‘મારી પાસે અકબર-બીરબલની કોઈ સ્ટોરી બુક નથી.’

‘ડન. નેક્સ્ટ ટાઇમ લેતો આવીશ.’ પપ્પાએ ઢબ્બુને ખોળામાં લીધો, ‘અત્યારે અકબર-બીરબલની સ્ટોરી માટે પણ ડન. અકબર બાદશાહને ત્યાં દીકરાનો જન્મ થયો. અકબરે એનું નામ રાખ્યું સલીમ.’
પપ્પાએ સ્ટોરી શરૂ કરી.
lll

સલીમના જન્મ પછી અકબર અત્યંત ખુશ હતા. તે આખો દિવસ સલીમને રમાડ્યા કરે. કોઈ કામ પણ ન કરે અને સલીમના રૂમમાં જ રહે. ધીમે-ધીમે દિવસો પસાર થતા ગયા. એક વીક, એક મહિનો, ચાર મહિના...
બાદશાહ અકબર દરબારમાં પણ ન આવે અને બાદશાહ પોતે ન આવે એટલે નૅચરલી ઘણાં કામો અટકે. બધા દરબારીઓને ખબર હતી કે અકબર બીજા કોઈનું નહીં પણ બીરબલનું સાંભળશે. બસ, દરબારીઓ પહોંચ્યા બીરબલ પાસે. જઈને બધાએ વાત કરી, જે બીરબલને તો પહેલેથી ખબર જ હતી. બીરબલ પણ અકબરને ઘણા સમયથી મળ્યા નહોતા પણ આ વખતે કારણો સાંભળીને બીરબલને થયું કે તેણે અકબરને વાત કરવી જોઈએ.

‘તમે ચિંતા નહીં કરો, હું જઈને બાદશાહને મળી આવું છું.’
બીરબલ તો ગયા અકબર પાસે. 
એ સમયે અકબર સલીમને રમાડતા હતા. બીરબલને જોઈને અકબર પણ ખુશ થઈ ગયા. તરત જ તે બીરબલને મળવા માટે સામે આવ્યા. બીરબલે તેને વાત કરી કે તમે સલીમ સાથે બિઝી રહો છો એમાં રાજ્યનાં ઘણાં કામો અધૂરાં રહી જાય છે.

આ પણ વાંચો : વો ભૂલી દાસ્તાં... (પ્રકરણ ૧)

‘અરે બીરબલ, તને ખબર નથી.’ અકબરે પોતાના દીકરા સલીમને તેની સામે ધર્યો, ‘જો કેવો સોહામણો દીકરો છે મારો. કોને આને રમાડવાનું મન ન થાય! જો તું એનો ચહેરો જો. ચાંદ જેવો છેને? છેને?’
બીરબલે સલીમ સામે જોયું અને પછી ધીમેકથી જવાબ આપ્યો.
‘ના રે, આવા ચાંદ જેવા તો મેં અનેક દીકરા જોયા છે.’

‘બીરબલ!’ અકબરની કમાન છટકી ગઈ, ‘તું શું બોલે છે એનું તને ભાન છે, ભાન છે તું મારા દીકરાનું અપમાન કરે છે?’
‘ના, જરા પણ નહીં. હું વાસ્તવિકતા કહું છું.’ બીરબલે નમ્રતા સાથે કહ્યું, ‘તમે કહો છો એવા ચાંદ જેવાં બચ્ચાંઓ મેં અઢળક જોયાં છે.’
‘પ્રૂવ કર તું.’
‘ડન.’ બીરબલ કૉન્ફિડન્સ સાથે કહ્યું, ‘કાલે સવારે જ સાબિત કરી દઉં.’

‘જો તું સાબિત કરીશ તો હું તને ઇનામ...’
‘ગુસ્તાખી માફ જહાંપનાહ.’ બીરબલે માફી માગી, ‘મને કોઈ ઇનામ નથી જોઈતું. બસ, એટલું જોઈએ છે કે તમે નિયમિત રીતે દરબારમાં આવવાનું શરૂ કરી દો.’
‘ડન... તું સાબિત કરી દે. કાલ સવાર સુધીનો સમય તારો અને એ પછીનો સમય મારો. પણ જો તું સાબિત કરવામાં હારી ગયો તો યાદ રાખજે, કાલે બપોરે તને...’ અકબરે દાંત કચકચાવ્યા, ‘ફાંસી...’
‘મંજૂર જહાંપનાહ...’ બીરબલે પ્રેમથી કહ્યું, ‘કાલે સવારે તમે આવી જજો દરબારમાં. સાબિત કરી દેખાડીશ.’
lll

બીજા દિવસની સવાર પડી અને બાદશાહ અકબર સૌથી પહેલાં પહોંચી ગયા દરબારમાં. થોડી વાર પછી બીરબલ આવ્યો. બીરબલની આંગળીએ એક નાનકડો છોકરો હતો. એકદમ કાળો-કાળો અને ગંધારો-ગોબરો.
‘જહાંપનાહ.’ બીરબલે એ બાળક અકબર સામે ધર્યો, ‘આ રહ્યો એ ચાંદનો ટુકડો... અને આવાં તો અનેક બાળકો તમારા રાજ્યમાં છે.’
‘બીરબલ,’ અકબર ખડખડાટ હસી પડ્યા, ‘તું ગાંડો થયો છે. આ છોકરાને તું મારા ચાંદ જેવા સલીમ સાથે સરખાવે છે?’
‘છે જહાંપનાહ, આ બાળક છે ચાંદ...’

અકબરે દરબારીઓ સામે જોયું અને બધાને પૂછ્યું.
‘તમને લાગે છે આ બાળક ચાંદ જેવું?’
‘સબૂર...’ કોઈ કંઈ જવાબ આપે એ પહેલાં જ બીરબલે સૌની સામે જોયું અને મોટાં અવાજે કહ્યું, ‘બાળક ચાંદ જેવું છે એ હું કે તમે નક્કી નહીં કરીએ, એ નક્કી કરવાનો હક બીજા કોઈના હાથમાં છે.’
‘કોણ છે એ બીજું કોઈ?’

અકબરનો ગુસ્સો સાતમા આસમાને હતો, પણ તેણે બરાબરનો કાબૂ રાખ્યો હતો.
‘જહાંપનાહ, મહેરબાની કરીને આપ સાથે ચાલો.’
અકબર તરત જ પોતાના સિંહાસન પરથી ઊભા થયા.
‘ચાલો...’
lll

અકબર સૌથી આગળ, તેની પાછળ બીરબલ અને એ બન્નેની પાછળ આખો રસાલો રવાના થયો. હકીકતમાં તો બીરબલે સૌથી આગળ ચાલવાનું હતું પણ શહેનશાહ આગળ ચાલે એ આચારસંહિતાને ધ્યાનમાં રાખીને બીરબલ પાછળ ચાલતા હતા.
આખો રસાલો આગળ વધતો રહ્યો.
lll

‘સ્ટૉપ...’ રસાલો એક ઝૂંપડપટ્ટી પાસે પહોંચ્યો કે તરત જ બીરબલે અવાજ આપ્યો, ‘આપણે અહીં જવાનું છે.’
સૌ એક સાંકડી ગલીમાં દાખલ થયા. 
ગલીમાં શહેનશાહ અકબરને જોઈને આખી ઝૂંપડપટ્ટી બહાર નીકળી ગઈ અને તેમને સૅલ્યુટ કરવા માંડી પણ એક ઘર એવું હતું જ્યાંથી કોઈ બહાર નહોતું આવ્યું.
એ ઘરમાં એક મહિલા બેઠી હતી અને ચોધાર આંસુએ રડતી હતી. એકધારું તે એક જ શબ્દ બોલતી હતી, કહેતી હતી.

‘મારો દીકરો... હે ભગવાન મારો દીકરો.’ રડતી એ લેડીની આંખોમાંથી આંસુઓની ગંગા-જમના વહેતી હતી, ‘કોણ જાણે ક્યાં ખોવાઈ ગયો, રાતથી મળતો નથી... હે ભગવાન, મારા દીકરાની રક્ષા કરજો.’
‘એક્ઝક્યુઝ મી...’ 
બીરબલ એ ઘર પાસે ઊભા રહ્યા. બીરબલ ઊભા રહ્યા એટલે અકબર અને આખો રસાલો ઊભો રહ્યો. બીરબલ ધીમેકથી ઝૂંપડપટ્ટીના એ ઘરના દરવાજામાં દાખલ થયો.
‘તમારા દીકરાનું વર્ણન તમે કરશો, પ્લીઝ.’ બીરબલે ભારોભાર નમ્રતા સાથે કહ્યું હતું, ‘ઍક્ચ્યુઅલી, એક નાનકડું બાળક દરબારમાં આવ્યું છે એટલે...’

‘અરે, એ છોકરાની સામે જુઓ ત્યાં જ તમારી આંખો અંજાઈ જાય...’ એની માએ વર્ણન શરૂ કર્યું, ‘ચાંદનો ટુકડો છે મારો દીકરો, એના જેવું આ દુનિયામાં બીજું કોઈ નથી. તમે માનશો નહીં સાહેબ, પણ એને જુઓ તો પણ તમારા ચહેરા પર સ્માઇલ આવી જાય... તમે રાજી-રાજી થઈ જાઓ એવો છે મારો દીકરો...’
બીરબલે ધીમેકથી પોતાની પાછળથી પેલો કાળિયો અને કદરૂપો બાળક એ માની સામે રજૂ કર્યો અને બીજી જ સેકન્ડ એ મહિલા ઊછળી.
‘મારો દીકરો...’ 

એ મહિલાનું જે રીઍક્શન હતું એ અકલ્પનીય હતું. તેની આંખોમાંથી અશ્રુધારા વહેવા માંડી હતી. એ રીતસર ઊછળી ને પોતાના દીકરાને વળગી પડી અને ચોધાર આંસુએ રડવા માંડી.
‘તમે રડો નહીં.’ બીરબલે ધીમેકથી પેલો જે ગંધારો-ગોબરો અને કાળો-કાળો છોકરો હતો તેને આગળ કર્યો, ‘જુઓ, આ દીકરો તમારો છે? કાલ રાતનો મહેલમાં આવીને રડે છે...’
પેલી લેડીએ એ બાળક સામે જોયું અને તેની આંખોમાં ચમકારો આવી ગયો.
‘આ જ, આ જ છે મારો ચાંદનો ટુકડો...’ એ રીતસર પેલા છોકરાને વળગી પડી, ‘મારા કાળજાનો કટકો, મારો ચાંદનો ટુકડો, ક્યાં ચાલ્યો ગયો હતો તું...’

જે છોકરો દેખાવે જોવો પણ ગમે એવો નહોતો એ છોકરા માટે જે પ્રકારે તેની મા વખાણ કરતી હતી એ જોઈને અકબર તો રીતસર હેબતાઈ ગયા.
‘જહાંપનાહ, આ જે છે એને સંતાનપ્રેમ કહેવાય...’ બીરબલે ધીમેકથી તેમના કાનમાં કહ્યું, ‘દુનિયાના એક પણ મા કે બાપ એવા નથી જેને પોતાનાં બાળકો બેસ્ટ ન લાગતાં હોય, દુનિયામાં એક પણ માબાપ એવાં નથી જેને પોતાનાં સંતાન વર્લ્ડ્સ બેસ્ટ ન લાગતાં હોય.’

lll
‘મળી ગયો જવાબ.’ પપ્પા સ્ટોરીનું મૉરલ પૂછે એ પહેલાં જ ઢબ્બુએ કહ્યું, ‘તમારા માટે હું બેસ્ટ છું એવી રીતે સનીના પેરન્ટ્સ માટે એ બેસ્ટ છે.’
‘એક્ઝૅક્ટ્લી...’ ખોળામાં સૂતેલા ઢબ્બુના વાળ પર હાથ ફેરવતાં પપ્પાએ કહ્યું, ‘ક્યારેય એવું માનવું નહીં કે આપણે બેસ્ટ છીએ. બેસ્ટ એ જ છે જેના તમે ફેવરિટ છો...’
‘હું તો તમારો ફેવરિટને?’
ખોળામાંથી માથું ઊંચું કરીને ઢબ્બુએ પૂછ્યું અને પપ્પાના ચહેરા પર મોટું સ્માઇલ આવી ગયું.
‘એટલો જ ફેવરિટ જેટલો અકબરને સલીમ ફેવરિટ હતો...’

સંપૂર્ણ

columnists Rashmin Shah