ઑનેસ્ટી

12 May, 2023 02:18 PM IST  |  Mumbai | Rashmin Shah

‘તમે હજી હમણાં તો મારું માસ્ટર કબૂતર લઈ ગયા, ટ્રેઇનિંગ આપી હતી મેં એને... એ કયા મહેલમાં...’

ઑનેસ્ટી

‘કુશને પહેલી ઓવર આપશે અને પછી મિકી પોતે બોલિંગ લેશે...’
ઢબ્બુએ સહેજ વિચાર કરીને સનીની સામે જોયું.
‘સીધી ફાસ્ટ બોલિંગ ચાલુ કરવાનું રીઝન...?’
‘મિકી પાસે નવો બૉલ છે, ટેનિસનો. રેડ કલરનો, મિકી કહે છે કે એ બૉલ હવામાં મૂવ થાય...’
ચાલી રહેલી આઇપીએલની કૉમેન્ટરીમાંથી શીખવા મળેલા શબ્દોનો અત્યારે બચ્ચાંઓ જે રીતે કૉન્ફિડન્સથી ઉપયોગ કરતાં હતાં એ જોઈને કોઈ પણ મૂંઝાઈ જાય. સનીની વાત કરવાની અને બોલવાની રીતમાં છલકાતું ક્રિકેટનું એક્સપર્ટાઇઝેશન ત્યાં હાજર હતા એ બધા ફ્રેન્ડ્સને ઇમ્પ્રેસ કરવા માટે પૂરતું હતું.
‘ઓહ...’ 

ઢબ્બુના મોઢામાંથી અનાયાસે અવાજ નીકળી ગયો.
‘પછી કોણ કરવાનું છે બોલિંગ?’ અચાનક ઢબ્બુને યાદ આવ્યું એટલે તેણે પૂછી પણ લીધું, ‘જય રમવાનો છે કાલે?’
‘ના, એ નથી આવ્યો હજી મામાને ત્યાંથી...’ ઢબ્બુના ચહેરા પર હાશકારો આવ્યો પણ એ ક્ષણવારમાં ઊડી ગયો, ‘જયને બદલે એનો ભાઈ આવશે, મોન્ટુ...’
‘પેલો, છ બૉલમાં પાંચ સિક્સ મારી હતી તે?’
‘હા, એ રમશે. મિકીએ જ સામેથી તેને રમવા આવવાનું કહી દીધું છે. મોન્ટુ જો રમશે તો ડેફિનેટલી બધાને એ ભારે પડશે...’
‘હંમ...’

દર વર્ષનો નિયમ હતો કે ઇન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થવા આવે એટલે બોરીવલીની શાંતિનિકેતન સોસાયટીના બધા ટાવર વચ્ચે પણ મૅચ રમાવાનું શરૂ થાય. એ વિન્ગનો કૅપ્ટન ઢબ્બુ, જેની કાલે બી વિન્ગ સાથે મૅચ હતી. બી વિન્ગનો કૅપ્ટન મિકી હતો. મૅચ શરૂ થાય એ પહેલાં બધા પ્રૅક્ટિસ માટે નીચે આવ્યા પણ પ્ર.ક્ટિસ કરવાને બદલે ઢબ્બુ પાર્કિંગના પાછળના ભાગમાં સનીને લઈને આવી ગયો. સની બી વિન્ગમાં રહે અને મિકીની ટીમમાં વિકેટકીપિંગ કરે. ક્લાસમાં ઢબ્બુ સાથે એટલે ટ્યુનિંગ ઢબ્બુ સાથે વધારે. સની ભણવામાં ઢબ્બુથી થોડો નબળો એટલે એ ઢબ્બુને દરેક વાતમાં હેલ્પ કરવા આવી જાય. આજે પણ તે એવી જ રીતે આવ્યો હતો આવતી કાલની મૅચમાં સામેની ટીમની સ્ટ્રૅટેજી શું છે એ તે કહેવા માંડ્યો હતો. 
શરૂઆતમાં તો ઢબ્બુને સની પાસેથી ઇન્ફર્મેશન લેવામાં ખચકાટ થતો હતો પણ સનીએ સ્માર્ટ્લી દોસ્તીનું મહત્ત્વ સમજાવ્યું એટલે ઢબ્બુ પણ શૅર થતી વાત સાંભળવા તૈયાર થઈ ગયો.
‘પણ કોઈને ખબર ન પડે, પ્લીઝ...’
‘અરે નહીં ખબર પડે, ડોન્ટ વરી.’ 

સનીએ ઢબ્બુને ટેન્શન-ફ્રી થવાનું કહ્યું એટલે ઢબ્બુએ પણ પૂછી લીધું, ‘ટીમમાં કેટલા બોલર લેવાના છે?’
‘પાંચ, પાંચ બોલર ને પાંચ બૅટ્સમેન અને એક વિકેટકીપર...’
સનીને બદલે જવાબ પાછળ આવી ગયેલા પપ્પાએ આપ્યો. ઢબ્બુએ પપ્પા સામે જોયું અને પછી ફરીથી સની સામે જોઈ પ્રશ્ન રિપીટ કર્યો.
‘કહેને, બોલર કોને-કોને લેવાના છે?’
‘પાંચ બોલર હશે, પાંચ બૅટ્સમેન અને એક વિકેટકીપર...’
ફરીથી જવાબ પપ્પાએ આપ્યો અને આ વખતે કહ્યું પણ ખરું, ‘મિકી બે વિકેટકીપર લેવા માગે છે, તું પરમિશન આપે તો...’
‘પપ્પા, પ્લીઝ... કરવા દોને વાત. અમારી ટીમ સાવ ઠોઠડી છે.’

લાસ્ટ વીકના મમ્મી પાસેથી શીખેલો નવો શબ્દ ‘ઠોઠડા’નો ઉપયોગ કરી લીધો પણ પપ્પા એ વાતથી જરા પણ ઇમ્પ્રેસ થયા નહીં.
‘તો શું છે? હારવાનું પણ મહેનત કરીને હારવાનું, આવું ચીટિંગ કરીને નહીં જીતવાનું...’
‘આ ચીટિંગ ન કહેવાય. હું તો પૂછું...’
પપ્પાએ ઢબ્બુને બોલતો અટકાવ્યો.
‘પહેલાં તો મને એ કહે કે નક્કી કોણ કરે કે આ ચીટિંગ છે કે નહીં?’ પપ્પાએ લૅપટૉપ બૅગ ગાડીના બોનેટ પર મૂકી, ‘તું જ કહે, મુંબઈ ઇન્ડિયન્સનો રાહુલ શર્મા મૅચની સવારે ગુજરાત ટાઇટન્સના હાર્દિક પંડ્યાને પૂછે કે તમારી ટીમમાં કોને-કોને લેવાના છે તો એવું ચાલે કે નહીં?’

‘પણ અમે તો ફ્રેન્ડ્સ છીએને?’
ઢબ્બુએ સાવ હાથપગ વિનાનો લૂલો બચાવ કર્યો એટલે પપ્પાએ સામે પ્રશ્ન પૂછ્યો, ‘તને કોણે કીધું કે રાહુલ અને હાર્દિક ફ્રેન્ડ્સ નથી. એ તો બેસ્ટ ફ્રેન્ડ્સ છે એટલે એકબીજાને પૂછે તો ચાલેને?’
ઢબ્બુ સહેજ મૂંઝાયો અને પછી તેણે મૂંઝવણને મનમાંથી ધકેલવાના હેતુથી કહી દીધું, ‘એ મને નથી ખબર... ને મને સમજાતું પણ નથી.’
‘હંમ... તો સમજાવું. આપણી સ્ટાઇલથી?’ 

ઢબ્બુએ હા પાડી અને ઉત્સાહથી કહી પણ દીધું, ‘લૉન્ગ ડ્રાઇવ પર જતાં-જતાં...’
‘નો લૉન્ગ ડ્રાઇવ. ખબર છેને, કાલે મૅચ છે. સવારે તારે વહેલા ઊઠવાનું છે.’ પપ્પાએ કારનો દરવાજો ખોલ્યો, ‘આપણે ગાડીમાં બેસીશું ને અંદર વાત કરીશું, આવી જાઓ...’
ઢબ્બુ ડ્રાઇવિંગ સીટની બાજુમાં બેઠો અને પપ્પા ડ્રાઇવિંગ સીટ પર. સની હજુ પણ બહાર ઊભો હતો એટલે પપ્પાએ સનીને પણ અંદર આવવા કહ્યું. સની પણ ગાડીમાં આવ્યો અને પાછળની સીટ પર ગોઠવાયો. પપ્પાએ હવે ઢબ્બુની સામે જોયું.
‘સ્ટોરી?’

‘યેસ...’ ઢબ્બુ ખુશ થઈ ગયો, તેણે સનીની સામે જોયું, ‘તું પણ સાંભળ, મજા આવશે.’
પપ્પાએ ખોંખારો ખાઈ ગળું સાફ કર્યું.
‘એક મોટું સિટી હતું. બહુ મોટું સિટી. તું એમ ધારી લે કે આપણા આ મુંબઈ જેવડું મોટું સિટી. પણ આજનું નહીં, રાજાના ટાઇમનું સિટી. સિટીનો રાજા બહુ ભલો માણસ. બધાનું સારું થાય એવું ઇચ્છે અને એટલે એ વીકમાં એક-બે દિવસ સામાન્ય માણસની જેમ સિટીમાં બહાર આવે, ફરે અને બધાની સાથે વાતો કરે.’
‘પછી...’
‘એક દિવસ એ સિટીમાં પક્ષી વેચવાવાળો એક માણસ આવ્યો.’

‘બર્ડ્સ?! એ વેચાય?’
ઢબ્બુનો સવાલ વાજબી હતી, પપ્પાએ તરત જ ચોખવટ કરી.
‘ના, અત્યારે એ વેચીએ તો ક્રાઇમ કહેવાય પણ એ સમયમાં બધી છૂટ હતી એટલે કેટલાક લોકો જંગલમાંથી અલગ-અલગ બર્ડ્સ લઈ આવે અને સિટીમાં જેને લેવાં હોય એને વેચી દે. લોકો ઘરમાં બર્ડ્સ પાળે અને એની સાથે બચ્ચાંઓ રમે...’
‘હંમ... પછી...’
lll

રાજા તો નીકળ્યા સિટીમાં ફરવા માટે. એક પછી એક બજારમાં ફરતાં-ફરતાં રાજા આવ્યા મેઇન માર્કેટમાં. મેઇન માર્કેટમાં એક મોટું મેદાન હતું. આ મેદાનમાં બહારથી આવનારા લોકો પોતાનો ટેન્ટ બનાવીને માલસામાન વેચે અને રાત પડ્યે ત્યાં જ સૂઈ જાય.
રાજા મેદાનના એ માર્કેટમાં દાખલ થયા અને ધીમે-ધીમે એક પછી એક સ્ટોર જોવાનું શરૂ કર્યું. 
પહેલો સ્ટોર, બીજો, ત્રીજો અને ચોથો સ્ટોર.
ફરતાં-ફરતાં રાજા આવ્યા પક્ષીઓવાળા સ્ટોરમાં. ત્યાં જાતજાતનાં અને ભાતભાતનાં પક્ષીઓ હતાં. કલરફુલ, નાનાં હથેળીમાં આવી જાય એવાં અને મોટાં, બે હાથેથી પકડીએ તો પણ ઊડી જાય એવાં.

રાજાને પક્ષીઓનો શોખ પણ ખરો અને જાણકારી પણ ઘણી. રાજાને આ સ્ટોરમાં મજા આવી ગઈ. એ તો શાંતિથી એક પછી એક પાંજરા પાસે ફરતા રહ્યા અને બધા પાંજરાની વિગત જાણે. પાંચ-સાત પાંજરાનાં પક્ષીઓને જોઈને રાજા આવ્યા એક મોટા પાંજરા પાસે. એ પાંજરામાં કબૂતર હતાં. રાજાએ કબૂતરનો ભાવ પૂછ્યો.
‘પચાસ રૂપિયા મહારાજ અને જોડી લેવી હોય તો પંચોતેર રૂપિયા...’
શિકારીએ જવાબ આપ્યો.
રાજા સહેજ આગળ ચાલ્યા હશે કે ત્યાં એનું ધ્યાન કબૂતરવાળા એ મોટા પાંજરાની બાજુમાં રહેલા નાના પાંજરા પર ધ્યાન ગયું. એમાં એક કબૂતર હતું. એ કબૂતરના પાંજરામાં ચાંદીની વાટકીમાં પાણી આપ્યું હતું અને એને ખાવા માટે બાજરી અને જુવાર નહીં, પણ ફ્રૂટ્સ આપ્યાં હતાં. 
lll

‘કેમ એવું?’
ઢબ્બુથી રહેવાયું નહીં, તેણે પૂછી લીધું.
‘એ શિકારીનું ખાસ પિજન હતું. એકદમ ખાસ, સ્પેશ્યલ.’
‘એટલે આવી સ્પેશ્યલ ટ્રીટમેન્ટ?’
આ વખતે સવાલ સનીએ પૂછ્યો.
‘રાજાએ પણ પેલા શિકારીને એ જ પૂછ્યું.’
lll

‘અલ્યા, આને કેમ આવી રાજાશાહી આપી છે?’
‘મહારાજ, એ મારું ખાસ કબૂતર છે.’
રાજાએ ધ્યાનથી કબૂતરને જોયું. દેખાવે તો એનામાં એવી કોઈ ખાસ વાત નહોતી કે ખાસ બની શકે. નહોતી એના મસ્તક પર ટીલી કે નહોતું એ સફેદ રંગનું. આંખો પણ ખાસ નહોતી અને તો પણ ખાસ?
શિકારી રાજાની જોવાની દૃષ્ટિ પારખી ગયો એટલે તેણે સ્પષ્ટતા કરી.
‘દેખાવે એ સામાન્ય છે પણ એનામાં એક ક્વૉલિટી ખાસ છે.’
‘કઈ?’

‘એ ટ્રેઇન્ડ કબૂતર છે.’ શિકારીએ બાજુનાં બીજાં કબૂતરોવાળું પીંજરું દેખાડીને કહ્યું, ‘એ આ બધાને લઈ આવે છે.’
રાજાને સમજાયું નહીં.
‘મતલબ...’     
‘મતલબ એ કે હું જ્યાં કબૂતર લેવા જાઉં ત્યાં જઈને સૌથી પહેલાં ચણ પાથરી જાળ બિછાવી દઉં. જાળ બિછાવ્યા પછી પહેલું કામ હું મારા આ ટ્રેઇન્ડ કબૂતરને છોડવાનું કરું. એ થોડી વાર હવામાં ઊડે, બીજાં કબૂતરોની સાથે ઓળખાણ કરે અને પછી આવીને ચૂપચાપ મારી જાળ પર બેસી જાય. એવી રીતે જાણે કે એને ખબર જ નથી. એને જોઈને બીજાં બધાં કબૂતરો પણ ચણ ખાવા આવે અને એ ફસાઈ જાય એટલે હું એ બધાંને પકડી પાંજરામાં પૂરી દઉં.’
‘આ કબૂતરનો ભાવ...’
‘મહારાજ, હજાર રૂપિયા.’
‘ઓહ...’

‘હા, મહારાજ. ટ્રેઇનિંગ આપી છે એને એટલે.’
મહારાજે એ ટ્રેઇન્ડ કબૂતર ખરીદી લીધું. કબૂતર ખરીદી રાજા તો સીધા રવાના થયા જંગલ તરફ.
lll
‘પછી... કિંગ પણ બીજા પિજનને પકડવા ગયા?’
પપ્પાએ ઢબ્બુની સામે જોયું.
‘ના, એને એની ઘરે મોકલવા... અને એ પણ બોરીવલીથી છેક થાણે જઈને મૂકી આવે એટલા દૂર...’
lll

રાજા કબૂતરને લઈને દૂર-દૂર જંગલમાં ગયા અને ત્યાં જઈને તેણે પીંજરું ખોલી નાખ્યું. કબૂતર તો રાહ જ જોતું હતું ઊડવા માટે. એ તો ફટાક દઈને આકાશમાં ઊડી ગયું અને જંગલમાં ગાયબ થઈ ગયું.
રાજા ફરી પાછા પોતાના મહેલમાં આવી સૂઈ ગયા.
બીજા દિવસે રાજા તો પોતાના કામ પર લાગી ગયા અને ત્રણ-ચાર દિવસ પછી રાજા પોતાના રૂટીન મુજબ સિટીમાં ફરવા નીકળ્યા. હજી પેલા મેદાનમાં શિકારી પક્ષીઓ વેચતો હતો. રાજા તો ગયા તેની પાસે. શિકારીએ મહારાજાને આવકાર્યા.

‘આવો આવો મહારાજ... શું સેવા કરું આપની?’
‘કબૂતર જોઈએ છે, રાજમહેલ માટે.’
શિકારીને નવાઈ લાગી.
‘તમે હજી હમણાં તો મારું માસ્ટર કબૂતર લઈ ગયા, ટ્રેઇનિંગ આપી હતી મેં એને... એ કયા મહેલમાં...’
શિકારી પોતાનું બોલવાનું પૂરું કરે એ પહેલાં જ રાજાએ કહ્યું,
‘ના જંગલમાં... છોડી મૂક્યું.’
શિકારીને બહુ નવાઈ લાગી.
‘કેમ મહારાજ?’
‘જે પોતાના સાથે ગદ્દારી કરે, જે પોતાની વ્યક્તિને ચીટ કરે એને સાથે રાખવાનો ભરોસો કઈ રીતે કરી શકાય?’
lll

ઢબ્બુને સ્ટોરીનું મૉરલ સમજાઈ ગયું હતું અને સનીને પણ. સનીએ પપ્પાની સામે જોયું,
‘અંકલ, આઇ ઍમ એક્સ્ટ્રીમલી સોરી...’
‘મને નહીં બેટા, સે સૉરી ટુ યૉરસેલ્ફ.’ પપ્પાએ સનીના માથા પર પ્રેમથી હાથ મૂક્યો, ‘એક રિલેશન સાચવવા માટે બીજાં રિલેશન સાથે ક્યારેય ગદ્દારી નહીં કરવાની. અને ઢબ્બુ, તારે પણ એનું ધ્યાન રાખવાનું.’
ઢબ્બુએ પપ્પા સામે થમ્સઅપની સાઇન કરી સનીની સામે જોયું.
‘આપણે ફ્રેન્ડસ, પણ ક્રિકેટમાં નો ફ્રેન્ડ્સ.’ ઢબ્બુએ સનીને કહ્યું, ‘કાલની મૅચ અમે જીતીશું અને એવી રીતે જીતીશું કે તું તારા પપ્પાને કહેશે કે પપ્પા, ચાલોને એ વિન્ગમાં ફ્લૅટ લઈ લઈએ...’

સંપૂર્ણ

columnists