19 May, 2023 12:49 PM IST | Mumbai | Rashmin Shah
કમ્પૅરિઝન
‘યેન તેનું નામ, તેનામાં તાકાત પણ જબરદસ્ત. એકદમ, એકદમ સ્ટ્રૉન્ગ...’
‘અન્ડરટેકર જેવો?’
પપ્પાએ ઢબ્બુના માથામાં ટપલી મારી.
‘સૂવાનું નક્કી થયું છેને?’
‘હા પણ આ તો કન્ફર્મ કરું છું...’ ઢબ્બુએ બંધ કરી દીધેલી આંખો ફરી ખોલી, ‘અન્ડરટેકર જેવો સ્ટ્રૉન્ગને...’
‘હા, એકદમ ડબ્લ્યુડબ્લ્યુએફના અન્ડરટેકર જેવો પણ એવી મારામારી કરે એવો નહીં પણ વિચારીને સ્ટેપ લે એવો અને બધાનું સારું થાય એવું કરવાવાળો.’
‘હંમ... પછી...’ સવાલ પૂછી લીધા પછી ઢબ્બુએ ફરી પૂછ્યું, ‘એ ક્યાં રહે?’
‘દૂર-દૂર, તિબેટમાં.’ પપ્પા સહેજ ગુસ્સે થયા, ‘હવે એક પણ વખત કંઈ પૂછીશ તો સ્ટોરી નહીં કહું.’
‘ત્રણેત્રણને.’ ઢબ્બુની આંખો મોટી થઈ, ‘ક્યારેય કોઈની સરખામણી કોઈની સાથે કરવી નહીં. બધા જરૂરી છે અને લાઇફમાં બધા એની-એની જગ્યાએ ઇમ્પોર્ટન્ટ છે. મૉરલ ઑફ ધ સ્ટોરી, બધાનું ઇમ્પોર્ટન્સ સમજો અને બધાને સાથે રાખો.’
‘એક મોટો લેપર્ડ ઝાડીમાંથી બહાર નીકળીને સૌની સામે ઊભો રહી ગયો. લેપર્ડ સૌને ખાઈ જવાની તૈયારી કરતો જમ્પ મારવા રેડી થયો ત્યાં જ અગ્નેય આગળ આવ્યો. તેણે હાથ લાંબા કર્યા, એમાંથી આગ નીકળી અને લેપર્ડ મરી ગયો.’
‘ઓકે. નહીં પૂછું.’
‘અને આંખ બંધ.’ ઢબ્બુએ આંખો ચૂંચી કરી નાખી એટલે પપ્પાને હસવું આવતું હતું પણ તેમણે એ રોકીને સહેજ કડક અવાજે કહ્યું, ‘સાવ બંધ...’
‘આટલી જ બંધ થાય છે.’
‘હંમ... ચાલશે.’ પપ્પાએ સ્ટોરી ફરી શરૂ કરી, ‘યેન તેનું નામ. તિબેટમાં રહે. આખું તિબેટ તેને બહુ રિસ્પેક્ટ આપે અને તિબેટના રાજા પણ તેને બહુ રિસ્પેક્ટ આપે. યેન હતો બહુ તાકાતવાળો. બહુ, બહુ-બહુ તાકાત તેનામાં, સ્ટ્રૉન્ગ પણ એટલો જ.’
‘અન્ડર...’
ઢબ્બુથી અનાયાસે જ બોલાઈ ગયું પણ જેવું પપ્પાએ સામે જોયું કે તેની બોલતી બંધ થઈ ગઈ અને આંખ પણ.
રાતે સ્ટોરી સાંભળવાની આદત આમ તો ઢબ્બુને પહેલેથી, પણ વેકેશનમાં એ આદતમાં નિયમિતતા ઉમેરાઈ હતી. આખો દિવસ ઘરમાં જ રહેવાનું, થોડી વાર માટે નીચે રમવા ઊતરવાનું અને રાતે પપ્પા સાથે બેસી થોડી વાર કાર્ટૂન જોવાનાં અને પછી પપ્પા સાથે યોગ કરવાના. નાનો ઢબ્બુ જ્યારે યોગ કરે ત્યારે સમજદાર અને હેલ્થ-કૉન્શિયસ કરતાં કાર્ટૂન વધારે લાગે પણ સારી આદતની શરૂઆત આમ જ પડતી હોય છે એવું ધારીને મમ્મીએ તેનામાં આદત ઉમેરી અને પપ્પાએ એ આદતને કન્ટિન્યુ કરાવી. હવે તો એવું બન્યું હતું કે પપ્પાને રાતે આવતાં મોડું થાય તો જમ્યાના અડધા કલાક પછી ઢબ્બુ જાતે એકલો યોગ કરવામાં લાગી જાય. મમ્મીને હસવું પણ આવે અને એ હસી પણ લે તો ઢબ્બુ મમ્મીના હસવાની આ ફરિયાદ પપ્પા આવે ત્યારે કરી પણ દે.
આજે યોગ પછી ઢબ્બુ થાકી ગયો એટલે સૂવા માટે સીધો પોતાના રૂમમાં ગયો. પપ્પાને એમ કે આજે સ્ટોરીમાંથી બચી જશે પણ ઢબ્બુની એક ફરિયાદે પપ્પાનું સ્ટોરી-વર્લ્ડ ખોલ્યું.
‘પપ્પા, આ રિન્કુ બહુ ખરાબ રમે છે. એના કરતાં તો સની સારો.’
‘એમ?’ પપ્પાએ મોબાઇલમાં જ ધ્યાન આપતાં પૂછ્યું, ‘શું કર્યું રિન્કુએ...’
‘તેની પાસે કંઈ પણ માગીએ તો તરત જ કહી દે, મારી પાસે નથી. સની પાસે માગો તો એ આપી દે.’ ઢબ્બુએ સહેજ વિચાર કર્યો અને પછી કહ્યું, ‘આમ તો સની કરતાં વધારે સારો ચીકુ. સની ગેમ સંતાડી દે પણ ચીકુ એવું ન કરે. એ તો સામેથી નવી ગેમ દેખાડે.’
‘હંમ...’
‘પણ ચીકુ કરતાં મને લાગે છે કે સૌથી બેસ્ટ પિન્કુ. એ તો આપણને ઘરે આવીને ગેમ આપી જાય, તેની પોતાની...’ ઢબ્બુએ સહેજ વિચારીને કહ્યું, ‘હા, પિન્કુ સૌથી બેસ્ટ.’
‘બેટા, બધા સારા જ હોય.’ પપ્પાએ મોબાઇલ સાઇડ પર મૂક્યો, ‘સરખામણી ક્યારેય કોઈની નહીં કરવાની.’
‘એટલે?’
‘હંમ. સાંભળ, સ્ટોરીમાં સમજાવું.’
‘એક મિનિટ.’ ઢબ્બુ ફટાફટ બ્લેન્કેટ ઓઢી તકિયા પર માથું રાખીને સૂઈ ગયો, ‘નાઓ સ્ટાર્ટ...’
lll
યેન તેનું નામ. તિબેટમાં રહે. આખું તિબેટ તેને બહુ રિસ્પેક્ટ આપે અને તિબેટના રાજા પણ તેને બહુ રિસ્પેક્ટ આપે. યેન હતો બહુ તાકાતવાળો. બહુ, બહુ બહુ તાકાત તેનામાં, સ્ટ્રૉન્ગ પણ એટલો જ...’
‘અન્ડર...’
પપ્પાએ સામે જોયું એટલે ઢબ્બુએ આંખો ફરી બંધ કરી દીધી અને જમણા હાથની પહેલી આંગળી હોઠ પર મૂકી દીધી.
‘હંમ. અન્ડરટેકર જેવો. અને ખલી જેવો પણ...’
lll
યેનને એક દિવસ છાતીમાં દુખવાનું શરૂ થયું. યેનને સમજાઈ ગયું કે હવે તેની ઉંમર થાય છે એટલે તેણે મહારાજાને વાત કરી કે હવે તે પોતાના પ્રધાનપદથી રિટાયર થવા માગે છે. રાજા સારો હતો, એ પણ અવસ્થા સમજતો હતો એટલે રાજાએ યેનને પરમિશન આપી પણ પરમિશન આપતાં સૂચના આપી.
‘તમારા સ્થાન પર કોને રાખવા એ તમારે જ નક્કી કરવાનું છે. તમે શોધો કોઈને, એ મળી જાય એટલે તમે રિટાયર.’
‘જી મહારાજ.’
યેને તો શોધ શરૂ કરી. આખા તિબેટમાં એ ફર્યો અને તિબેટમાંથી તેને ત્રણ યંગસ્ટર્સ એવા મળ્યા જેને તે પોતાના પ્રધાનપદની જવાબદારી સોંપી શકે. એકનું નામ હતું અગ્નેય. અગ્નેય આગમાં ટકી શકતો હતો અને એ ધારે ત્યાં આગ લગાડી દેતો. બીજો હતો વાયવ્ય. વાયવ્ય હવામાં ઊડી શકતો અને ધારે ત્યારે અને ત્યાં તોફાન લાવી દેતો. ત્રીજો હતો નીર. નીરનું પાણી પર રાજ હતું. એ પાણી પર ચાલી પણ શકે અને ધારે ત્યારે વરસાદ પણ લાવી દે. ત્રણેત્રણની ક્વૉલિટી ઉત્તમ હતી પણ આ તો ત્રણ વ્યક્તિ હતા અને યેને શોધવાનો કોઈ એક હતો એટલે હવે ત્રણમાંથી એકને ફાઇનલ કરવાનું નક્કી કરવાનું કામ શરૂ થયું. આ કામ કરવું કેવી રીતે? યેન તો બરાબરનો કન્ફ્યુઝ થયો પણ તેને એક રસ્તો મળી ગયો. તેણે ત્રણેય યંગસ્ટર્સને બોલાવ્યા.
‘તમારે કાલે મારી સાથે જંગલમાં આવવાનું છે અને ટેસ્ટ આપવાની છે. જે ટેસ્ટમાં પાસ થશે તે મારી જગ્યાએ રાજાનો પ્રધાન બનશે.’
સવાર પડી અને ઢબ્બુની આંખમાંથી પણ ઊંઘે વિદાય લઈ લીધી. તેને જાણવું હતું કે આ ત્રણમાંથી હવે બેસ્ટ કોણ બનશે?
lll
જંગલમાં બધા પસાર થતા હતા ત્યાં જ એક મોટો લેપર્ડ ઝાડીમાંથી બહાર નીકળીને સૌની સામે ઊભો રહી ગયો. લેપર્ડ સૌને ખાઈ જવાની તૈયારી કરતો જમ્પ મારવા રેડી થયો ત્યાં જ અગ્નેય આગળ આવ્યો. તેણે હાથ લાંબા કર્યા, એમાંથી આગ નીકળી અને લેપર્ડ મરી ગયો.
‘યેસ, આ જ બેસ્ટ છે...’
ઢબ્બુએ પોતાનું જજ્મેન્ટ આપી દીધું.
‘ક્યારેય પૂરી વાત સાંભળ્યા વિના નિર્ણય લેવાય નહીં.’
‘હંમ. પછી...’
lll
થોડા આગળ ચાલ્યા ત્યાં તો એક મોટી નદી આવી. નદી ઊંડી નહોતી પણ એમાં કાદવ બહુ હતો. જો એના પર ચાલે તો બધાનાં કપડાં બગડે. હવે, હવે કરવું શું?
યેને સૌની સામે જોયું એટલે વાયવ્ય આગળ આવ્યો. તેણે ઇશારો કરીને બે મિનિટ ઊભા રહેવાનું કહ્યું અને પછી આજુબાજુમાં જે પથ્થરો પડ્યા હતા એના પર પોતાની તાકાત વાપરી એ પથ્થરને ઉડાડી નદી ઉપર ગોઠવી દીધા.
પથ્થરો ગોઠવાયા એટલે એક નાનકડો પાકો રસ્તો બની ગયો. બધા એ રસ્તો પાર કરીને સામેની બાજુએ પહોંચી ગયા.
lll
‘વાયવ્ય બેસ્ટ, તેણે રસ્તો બનાવ્યો...’ પપ્પાએ ઢબ્બુની સામે જોયું એટલે ઢબ્બુ સમજી ગયો. તેણે કહ્યું, ‘નીરનું જોઈને નક્કી કરીએ.’
‘હંમ.’
‘પછી શું થયું?’
‘યેન અને તેના પેલા ત્રણ યંગસ્ટર્સ આગળ ચાલ્યા.’
‘હવે નીરની એક્ઝામ લેવાનીને.’
પપ્પાએ સામે જોયું એટલે ઢબ્બુએ ફરી આંખો બંધ કરી દીધી.
lll
થોડા આગળ ચાલ્યા ત્યાં તો કાળા ધુમાડાનાં મોટાં-મોટાં વાદળો સામે મળવાનાં શરૂ થયાં. યેન સમજી ગયો કે આગળ કોઈ ઍક્સિડન્ટ થયો છે. એ દોડતો આગળ વધ્યો એટલે પેલા ત્રણ યંગસ્ટર્સ પણ તેની પાછળ ભાગ્યા.
થોડું ચાલ્યા ત્યાં તો દેખાઈ મોટી બધી આગ.
ગરમીના કારણે જંગલમાં આગ લાગી હતી. પક્ષીઓ ચિચિયારી કરતાં હતાં. જંગલનાં પ્રાણીઓ પણ રાડારાડી કરતાં જીવ બચાવવા આગમાં ભાગતાં હતાં.
યેન ગભરાયો. તેણે આજુબાજુમાં જોયું પણ એ જ સમયે તેનું ધ્યાન નીર પર ગયું. નીર આંખો બંધ કરી, હાથ ફેલાવીને કંઈ કરતો હતો.
‘નીર તું, આમ...’
યેન હજી તો બોલવાનું પૂરું કરે એ પહેલાં તો આકાશમાં વીજળી થઈ અને ગર્જના સાથે વરસાદ શરૂ થયો. જોતજોતામાં જંગલની એ ભયાનક આગળ બુઝાઈ ગઈ. પ્રાણીઓ, પક્ષીઓ બચી ગયાં અને બધાં નીરની સામે આભારવશ જોવા માંડ્યાં.
યેને નીરની સામે જોયું અને તેણે પણ નીરને થૅન્ક્સ કહ્યું.
‘તારે લીધે આજે તિબેટનું જંગલ બચી ગયું. બહુ સારું કામ કર્યું તેં...’
lll
સાંજ પડી ગઈ હતી.
બધા થાકી ગયા હતા એટલે યેને એક ઝાડની નીચે સવાર સુધી આરામ કરવાનું કહી પોતે પણ સૂતો. સવારના સૌથી પહેલી આંખો યેનની ખૂલી. આંખો ખૂલતાં જ યેનની આંખ સામે એક ચકલી આવી. ચકલી મસ્ત રીતે ઊડતી હતી. ચકલીને જોઈને યેનની સવાર સુધરી ગઈ. યેન ઊભો થઈને બાજુમાં જે નદી હતી એ નદી પાસે ગયો. ત્યાં જઈને તેણે થોડું પાણી લીધું અને પાણી મોઢા પર છાંટ્યું. ચહેરા પર છંટાયેલી ઠંડકથી યેનને વધારે મજા આવી અને એ જ સમયે તેનું ધ્યાન પાણીમાં તરતી કલરફુલ માછલીઓ પર ગયું અને પછી તેનું ધ્યાન પાણીમાં ઊતરવા મથતા નાગ પર ગયું. માછલીઓએ નાગ જોયો હતો પણ એમ છતાં એ પોતાની મસ્તીમાં જ વ્યસ્ત હતી અને નાગ, નાગ પાણીમાં ઊતરવા મથતો જ રહ્યો પણ એ પાણીમાં ઊતરી શક્યો નહીં. થોડી વાર પછી નાગ થાકી-હારીને પાછો ફરી ગયો.
યેનના ચહેરા પર સ્માઇલ આવી ગયું. તેણે નક્કી કરી લીધું કે હવે આ યંગસ્ટર્સ સાથે શું કરવું અને શું નિર્ણય લેવો.
યેન બધાની પાસે આવ્યો અને બધાને કહ્યું.
‘ચાલો, હવે પાછા જવાનું છે.’
બધા પાછા આવવા માટે નીકળી ગયા. દરેકના મનમાં એક જ પ્રશ્ન હતો કે યેને કોને સિલેક્ટ કર્યો હશે, પણ યેન એકદમ નિરાંતે ચાલતો હતો. છેક રાજમહેલ સુધી આવી ગયા અને રાજાએ પણ આ જ વાત પૂછી ત્યારે પણ યેનના ફેસ પર શાંતિ હતી.
‘મહારાજ, આપણે એના વિશે કાલે બધાની નિરાંતે ચર્ચા કરીએ.’
‘મંજૂર છે.’
રાજાએ કહી દીધું પણ એ રાતથી જ બીજા દિવસની સવારની રાહ જોવા માંડ્યા હતા. પડી બીજા દિવસની સવાર અને રાજમહેલમાં બધા એકઠા થયા. યેન પણ પેલા ત્રણ યંગસ્ટર્સ સાથે આવી ગયો. બધાની નજર યેન પર અને પેલા યંગસ્ટર્સ પર. યેન કોને સિલેક્ટ કરશે એ બધાને જોવું હતું.
યેને ધીમે રહીને બધાની સામે જોયું અને પછી બોલવાનું શરૂ કર્યું.
‘આવતી કાલે, મારા રિટાયરમેન્ટ પછી તિબેટના પ્રધાન તરીકે આ રાજ્યની જવાબદારી હું...’
lll
‘અગ્નેયને...’ ઢબ્બુ બોલ્યો અને પછી તરત જ કહ્યું પણ ખરું, ‘જો એણે લેપર્ડ સામે આગ ફેંકી ન હોત તો કોઈ અત્યારે જીવતું ન હોત.’
‘એમ?’
ઢબ્બુ સહેજ વિચારમાં પડ્યો.
‘આઇ થિન્ક... વાયવ્ય, હા વાયવ્ય. એણે બધાને એક નવો રોડ આપ્યો. હા, એ જ હોવો જોઈએ.’
‘અચ્છા?’
પપ્પાએ ઢબ્બુ સામે જોયું એટલે ઢબ્બુએ દૃષ્ટિકોણ બદલાવ્યો.
‘આઇ ગેસ, નીર. એણે આપણું ફૉરેસ્ટ બચાવ્યુંને. હા, એ જ હોવો જોઈએ.’
‘તો અગ્નેય?’ ઢબ્બુ મૂંઝાયો એટલે પપ્પાએ તેની મૂંઝવણમાં ઉમેરો કર્યો, ‘ને એમ તો વાયવ્ય પણ બેસ્ટ કહેવાયને?’
‘હા એ પણ છે.’ ઢબ્બુથી રહેવાયું નહીં એટલે તેણે પૂછ્યું, ‘જલદી કહોને, યેને કોને મિનિસ્ટર બનાવ્યો?’
‘ત્રણેત્રણને.’ ઢબ્બુની આંખો મોટી થઈ, ‘ક્યારેય કોઈની સરખામણી કોઈની સાથે કરવી નહીં. બધા જરૂરી છે અને લાઇફમાં બધા એની-એની જગ્યાએ ઇમ્પોર્ટન્ટ છે. મૉરલ ઑફ ધ સ્ટોરી, બધાનું ઇમ્પોર્ટન્સ સમજો અને બધાને સાથે રાખો.’
મૉરલ સાથે જ ઢબ્બુની આંખો પણ બંધ થવા માંડી. આજે તે સપનામાં યેન સાથે મીટિંગ કરવાનો હતો.
સંપૂર્ણ