25 October, 2024 03:29 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
‘મિસિસ જયસ્વાલ, યુ હેવ એ વિઝિટર.’
રિસેપ્શનમાંથી મેસેજ મળતાં બિંદી લૅબમાંથી નીકળી લિફ્ટ તરફ વળી.
સિક્યૉરિટી સૉફ્ટવેર મૅન્યુફૅક્ચરિંગમાં ‘ઓમેગો’ કંપનીનું મોટું નામ છે અને અહીંના અઢી વર્ષના કાર્યકાળમાં પોતાના આઉટપુટથી ટૉપ મૅનેજમેન્ટના પ્રીતિપાત્ર બન્યાનું બિંદીને અભિમાન પણ છે.
લિફ્ટમાં ગ્રાઉન્ડ ફલોર પર જતી બિંદી વાગોળતી રહી...
ક્રેડિટ ગૉઝ ટુ માય મોસ્ટ હૅન્ડસમ હસબન્ડ નિસર્ગ જયસ્વાલ! પોતાની પહેલી જૉબ તો કૉલેજમાં હતી, એના પહેલા જ વેકેશનમાં સોશ્યલ ઇવેન્ટમાં નિસર્ગને મળવાનું થયું.
અત્યંત સોહામણો, એક્સ્ટ્રીમલી બ્રિલિયન્ટ. ITનું ભણી દુબઈમાં પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરનારો અને પાછો સંસારમાં એકલો... સામે બિંદીના ચાર્મથી નિસર્ગ પણ ચીત થયો. બેમાંથી કોઈ વર્જિન નહોતું અને બન્નેમાંથી કોઈને એની દરકાર પણ નહોતી. ચટ મંગની પટ બ્યાહ નિપટાવીને પખવાડિયામાં તો પોતે દુબઈભેગી થઈ ગઈ. એક જ બિઝનેસમાં ઘરના બન્ને રહે એના કરતાં એક અન્યત્ર નોકરી કરે તો ફ્યુચર વધુ સિક્યૉર થઈ શકે એ દીર્ઘદ્રષ્ટિથી પોતે ‘ઓમેગો’માં જોડાઈ... ઍન્ડ ઇટ્સ ફ્રૂટફુલ!
મનમાં મલકાતી બિંદી વિઝિટર-રૂમમાં દાખલ થતાં જ અટકી ગઈ. ‘ઓહ, મને મળવા દુબઈ પોલીસ આવી છે! સાથે સિવિલ ડ્રેસમાં બે આદમી છે, એમાંના એક (અર્ણવ)ને ક્યાંક જોયો હોય એમ કેમ લાગે છે?’
‘હાય આયૅમ બિંદી...’ તે ટટ્ટાર ગરદને આગળ વધી, ‘યસ પ્લીઝ, દુબઈ પોલીસને મારું શું કામ પડ્યું?’
lll
‘નૉનસેન્સ...’
બિંદી આવેશમાં ધ્રૂજતી હતી. ‘સદાશિવ નામનો મુંબઈ પોલીસનો આ ઑફિસર કહે છે કે હાલમાં પોતે જે વાઇરસ માટેનું ઍન્ટિ વાઇરસ સૉફ્ટવેર ડેવલપ કરી રહી છે એને પૉર્ન અને ગૅમ્બલિંગના રસ્તે અગણિત લોકોની પ્રોગ્રામિંગ સિસ્ટમમાં દાખલ કરી, તેમનું અંગત જાણીને બ્લૅકમેઇલ કરું છું?’
‘તમે ટાઢા પહોરનુ હાંકો છો ઑફિસર કે આના કોઈ પુરાવા પણ છે?’
‘હું જાણું છું કે પોતાના જ ગુનાના પુરાવા માગવાની આપની પુરાણી આદત છે.’ અર્ણવે વ્યંગ કર્યો, ગજવામાંથી ગૅજેટ કાઢી તેની આગળ ધર્યું, ‘હેવ અ લુક.’
કમ્પ્યુટર લૅન્ગ્વેજમાં ડાઉનલોડ થયેલો ડેટા ઉકેલતી ગઈ એમ બિંદીના કપાળે કરચલી ઊપસતી ગઈ.
‘અર્ણવ અમારી સાઇબર શાખાનો તાજ છે.’ સદાશિવે સંભળાવ્યું, ‘તમારા એક શિકારે (રણવીર) અમારી મદદ માગતાં અમે અર્ણવને ધંધે લગાડ્યો. પૈસા માટે તમે જે લિન્ક મોકલી હતી એના દ્વારા તમારી સિસ્ટમમાં આ જ વાઇરસ દાખલ કરવાની અટપટી બાબતમાં સામાન્ય માણસને ગતાગમ નહીં પડે, પણ એનું પરિણામ દીવા જેવું છે. ઇટ્સ યુ.’
‘નો!’ બિંદી ચીખી, ‘ઇટ્સ નૉટ મી ઑફિસર... ઇટ્સ હીમ!’
lll
‘નિ..સ...ર્ગ!’
ચીસ નાખતી બિંદી દુબઈ ટાવરના સત્તરમા માળે આવેલી નિસર્ગની ઑફિસમાં દાખલ થઈ તેની પાછળ દુબઈ પોલીસ ઉપરાંત બે જુવાનને ધસી આવતા જોઈ કૅબિનમાં બેઠેલા બૉસ-સેક્રેટરી સજાગ થઈ ગયા.
‘વૉટ હૅપન ડાર્લિંગ?’
ચૅર પરથી ઊઠીને નિસર્ગ પત્નીને પંપાળવા પહોંચ્યો કે તરત ડાર્લિંગે તમાચો વીંઝ્યો, ‘હાઉ ડેર યુ ચીટ મી?’ તેણે સેક્રેટરી તરફ આંગળી ચીંધી, ‘અને એ પણ આ બે બદામની મરિયમ માટે?’
‘તને કાંઈ ગેરસમજ થઈ લાગે છે... ’
‘ગેરસમજ?’ બિંદી હાંફી ગઈ, ‘જે વાઇરસથી તું બીજાનું અંગત ઉખેળી આ મરિયમ પાસે બ્લૅકમેઇલિંગના કૉલ કરાવે છેને નિસર્ગ, એની સિસ્ટમમાં આ વાઇરસ નાખી તમારાં લફરાંના પુરાવા મેળવતાં આ જિનીયસને વાર નહીં લાગી...’
નિસર્ગે ધ્યાનથી અર્ણવને નિહાળ્યો.
અલબત્ત, બિંદી સાથેનું લગ્નજીવન સુખી જ હતું, પણ જૉબમાં બે પ્રમોશન મળ્યા પછી એ કામમાં વધુ મશરૂક થતી ગઈ અને રૂપાળી સેક્રેટરી સાથે સુંવાળો સંબંધ બંધાવામાં નિમિત્ત બન્યું. પછી તેનાથી છૂટવું અશક્ય હતું.
બિંદીની ઇન્કમ અને વ્યસ્તતાને કારણે તેને ભનક નહોતી, પણ મરિયમ જાણતી હતી કે બિઝનેસ ડાઉન છે. આઇ નીડેડ ફાઇનૅન્શિયલ બુસ્ટ. રસ્તો મરિયમે સુઝાડ્યો ઃ બિંદીમૅમ જેના પર મચ્યાં છે એ વાઇરસથી આપણને કોઈ ફાયદો થાય એમ નથી?’
‘પછી તો પોતાના ચતુર દિમાગમાં સ્કીમ ઊભી થતાં વાર ન લાગી. બિંદીનો કોઈ પાસવર્ડ મારાથી છૂપો નહોતો. જેકંઈ કર્યું, બિંદીના સોર્સથી કર્યું, જેથી પકડાવાનું બને તો તે જ સપડાય. આ સુઝાવ મરિયમનો હતો, નૅચરલી. સ્કીમ અદ્ભુત રીતે સફળ રહી. મળતા અધધધ ડેટામાંથી અમે ઇન્ડિયા બેઝ્ડ શિકાર પર જ ટાર્ગેટ રાખતાં. છેવટે મરિયમ નનામા ફોનથી પોલીસને ચેતવીને બિંદીને સપડાવી દે એટલે તેનાથી છૂટો થઈ હું મરિયમને વરી શકું એ ક્લાઇમૅક્સ આવે એ પહેલાં અમારો આડો સંબંધ ઝડપાવાની ઍન્ટિ ક્લાઇમમૅક્સ આવી ગઈ તો ભલે, વાઇરસના સ્કૅમમાં તો અમને કોઈ ફસાવી શકે એમ જ નથી!’
‘આયૅમ સૉરી બિંદી, મરિયમ સાથે મેં બેડ શૅર કર્યો, પણ આ વાઇરસનું શું છે?’
બિંદી આંખો મીંચી ગઈ, ‘નિગર્સના સ્વરમાં લગીરેય પસ્તાવો નહોતો. અત્યાર સુધી રળેલો બ્લૅકમેઇલિંગનો પૈસો તો તેણે સગેવગે કરી જ રાખ્યો હોય.
કદાચ એના બંધારણમાં જ વફા નહોતી, મૂલ્યો નહોતાં.’
‘મૂલ્યો...’
‘મેં તમને મૂલ્યભાન કરાવવા તમારી બુદ્ધિમત્તાને પડકારી... અને તમે મને જ મૂલ્યોમાંથી ચળાવવા માગો છો?’
ગતખંડને ચીરતો સ્વર પડઘાયો ને વીજળીના ઝબકારે બિંદીને જિનીયસ અર્ણવની ઓળખ પાકી થઈ ગઈ, ‘આ તો એ જ જેને મેં કૉલેજમાંથી કઢાવેલો! તોય તે પોલીસમાં પહોંચ્યો ને હું ગુનેગારના પાંજરામાં ઊભી છું!’
‘ગુનાની સજા માટે ઉપરવાળાની પણ એક અદાલત હોય છે એ દરેક ગુનેગારે યાદ રાખવું ઘટે...’
વર્ષો અગાઉ પોતે કહેલું વાક્ય અત્યારે બિંદીના મોઢે સાંભળીને અર્ણવને દયા જ ઊપજી. ‘બ્લૅકમેઇલિંગ બાબત તે અજાણ જ હતી, પણ પોતાના આઇપી ઍડ્રેસ પરથી નિસર્ગ જરૂર કાંડ કરી શકે. તેના બ્લૅકમેઇલિંગમાં સ્ત્રી સામેલ હોવાની માહિતીએ શેઠની પત્નીને પહેલો શક સેક્રેટરી પર જ જાય એમ મરિયમનો ફોન સ્કૅન કરતાં આડા સંબંધના પુરાવા તો મળ્યા, પણ બ્લૅકમેઇલના કેસમાં બૉસ-સેક્રેટરીની સંડોવણી ખોળવા સમય જોઈશે...
‘મારી પાસે હવે સમય નથી...’ બિંદીના સ્વરે અર્ણવ ઝબક્યો, ‘કુદરતના ફેંસલા સુધી પણ રાહ શું કામ જોવી?’
અને કોઈને કશું સૂઝે એ પહેલાં બિંદી નિસર્ગ તરફ ધસી, આંચકાભેર તેને ખેંચી કાચની વૉલ સાથે અફળાઈ ને બીજી ક્ષણે બે દેહ સત્તરમા માળેથી બહાર ફંગોળાયા.
નીચે પટકાયા પછી તેઓ જીવતાં રહેવાની કોઈ શક્યતા નહોતી. મરિયમ તમ્મર ખાઈને ઢળી પડી, અર્ણવથી બોલી જવાયું, ‘આખરે બૂરાનો અંજામ બૂરો જ હોવાનો!’
lll
તમારા પતિએ તમારા મર્ડરની સોપારી આપી છે!
મુંબઈ પોલીસના ફોનની બીજી મિનિટે ઑફિસમાં સિવિલ ડ્રેસમાં આવેલા બે ઑફિસર્સે આઇકાર્ડ દેખાડી કૉન્ટ્રૅક્ટ કિલર સાથેની ઑનલાઇન ચૅટનો પુરાવો દેખાડ્યો એ પછી દેવિકાને પતિના ઇરાદામાં શક રહ્યો નહોતો, ‘તેની સાથે હવે નામનો પણ સંબંધ શું કામ રાખવો?’
પિયર પહોંચીને દેવિકાએ લગ્નજીવનનું સત્ય મા-બાપ સમક્ષ ઉઘાડી દીધું. માની આંખો વરસી પડી, પિતા ખળભળી ઊઠ્યા, ‘તું અત્યારે આ બધું કહે છે? અર્ધ્યનો ઘડોલાડવો તો હવે હું કરીશ.’
‘એ બધું પછી. હાલ તો તેમને એટલું જ કહેવાનું છે કે મમ્મીની તબિયત બગડતાં હું પિયર આવી છું અને બેચાર દિવસ અહીં જ રહેવાની છું.’
દેવિકાના ફોને અર્ધ્ય અકળાયોઃ ‘કાલે રવિવારે પોતે વલસાડ જવા નીકળે ને આ બાજુ ઘરે રૂપિયા-દાગીના છે એ લૂંટવા આવેલા ‘ચોરે’ દેવિકાનું ખૂન કર્યું એ સીન સર્જી કૉન્ટ્રૅક્ટ કિલિંગ પાર પાડવાનું હતું એમાં સાસુજી ક્યાં બીમાર પડવાનાં થયાં, પણ હવે કાલનું મુરત પોસ્ટપોન કર્યા વિના છૂટકો છે?’
‘અર્ધ્યના ગુનાનું સબૂત હોવા છતાં તમે તેની ધરપકડ કેમ નથી કરતા?’ રાતે ઘર બહાર પહેરો ભરતા બન્ને સિપાઈઓને વાળુ માટે તેડાવી દેવિકાએ પૂછી લીધેલું.
‘આ મોટું સ્કૅમ છે. એના માસ્ટર માઇન્ડને પકડવા સદાશિવ સર દુબઈ ગયા છે. તેમની સાથે ગયેલા અર્ણવસાહેબે ખાસ આ વ્યવસ્થા કરાવી છે.’
‘અ...ર્ણ...વ...’
કોણ અર્ણવ એ પૂછવાની જરૂર નહોતી.
અત્યારે પણ દેવિકાએ ગુરૂર પંપાળ્યું, ‘મારી આટલી ફિકર બીજા કોને હોય!’
અર્ણવના ઉલ્લેખે મા ગદ્ગદ થયેલી, પપ્પા પસ્તાવાભેર રડી પડેલા.
ખરેખર તો દેવિકાથી અજાણ વાટે નીકળેલો અર્ણવ માતાપિતા સાથે ચર્ની રોડની ચાલમાં થાળે પડ્યો. કૉલેજના છોકરાઓને ટ્યુશન્સ આપતો, એમાં એક છોકરીનું ફેસબુક અકાઉન્ટ કોઈકે હૅક કરી અભદ્ર તસવીરો મૂકી એના થોડા કલાકમાં અર્ણવ પોલીસમાં હાજર થયો: ‘છોકરીનો ગુનેગાર તેનો આ કહેવાતો બૉયફ્રેન્ડ છે!’
‘છોકરી સહશયન માટે માનતી ન હોવાથી બૉયફ્રેન્ડે ગિન્નાઈને આ કૃત્ય કરેલું, પણ એની જાણ આ જુવાનને કઈ રીતે થઈ? સાઇબર સેલ આટલી વારમાં આવો કોયડો નથી ઉકેલી શકતી...’
‘જોગાનુજોગ એ સમયે મુંબઈના કમિશનર ચોકીમાં મોજૂદ હતા. તેમણે અર્ણવનું હીર પારખ્યું. કૉલેજના બનાવની સત્યતા તેની જુબાનીમાં વર્તાઈ. તેના અભ્યાસની દરેક વ્યવસ્થા તેમણે ગોઠવી આપતાં આજે તે પોતાના જીવનધ્યેયને સાકાર કરી શક્યો છે, આ બધું જાણી ગદ્ગદ જ થવાયને!’
‘બસ, હવે તો તેમના રૂબરૂ થવાની રાહ જોવાની છે!’
lll
અને શનિની મધરાતે અર્ધ્યના ઘરની ડોરબેલ રણકી.
દરવાજે ઊભેલી પોલીસ સાથે સિવિલ ડ્રેસમાં આવેલા જુવાને અર્ધ્યને પાધરકો લાફો વીંઝ્યો ઃ ‘દેવિકાની સોપારી આપવાની તારી હિંમત કેમ થઈ!’
‘સો...પા...રી...’ પોતાનું કાવતરું ઝડપાઈ ગયું છે અને ઝડપનારો આ અર્ણવ પત્નીનો ભૂતપૂર્વ પ્રેમી છે એ જાણી અર્ધ્યને તમ્મર આવી ગયાં!
lll
રવિવારે મીડિયામાં બિંદી-નિસર્ગના અંજામ સાથે તેમના સાઇબર ક્રાઇમની ગાથા ચર્ચામાં હતી. ખરેખર તો નિસર્ગના (બિંદીના) ડેટા પરથી જ્યાં-જ્યાં ક્રાઇમની શક્યતા લાગી ત્યાં-ત્યાં પોલીસ ઍક્શન લઈ રહી છે.
‘બિંદીના પતિએ જ તેને છેતરી, તેના બ્લૅકમેઇલિંગમાં અર્ધ્ય ભેરવાયા, અને એ તમામનો પર્દાફાશ અર્ણવના હાથે થયો એ કેવો જોગ! ધૅટ રણવીરે પોલીસની મદદ ન માગી હોત તો...’ દેવિકા પોલીસ પહેરેદારો પાસેથી સત્ય જાણી સ્તબ્ધ હતી.
પહેલાં મા-પિતા સાથે અર્ધ્યને મળવા પહોંચી: ‘તેને એક વાર તો મોઢામોઢ થવું જ છે!’ તેમને જોઈને અર્ધ્યએ લવારો આદર્યો: ‘દેવિકા, અર્ણવે મને ફિક્સ કર્યો છે. ટ્રસ્ટ મી...’
‘બસ, અર્ધ્ય!’ દેવિકાની ત્રાડે સોપો સરજ્યો, ‘તારી આંખમાં આજે પણ પસ્તાવો નથી અર્ધ્ય... પછી તને માફી કેમ હોય? હવે તો ભોગવજે તું તારાં કર્મોની સજા.’
દેવિકાએ પીઠ ફેરવી લીધી. અર્ધ્ય હવે કરગરતો હતો, પણ દેવિકાને ક્યાં કશું સ્પર્શે એમ હતું?
સરિતાને હવે તેના સાગર સિવાય કશું સૂઝે એમ નહોતું!
- અને ત્યારે અર્ણવ તેના પેરન્ટ્સને કહી રહ્યો છે: ‘મારી તાકીદ છતાં સદાશિવના સિપાઈઓએ દેવિકાને મારા બાબત જાણ કરી દીધી છે. તે અહીં આવે એ પહેલાં આપણે શિમલા જવા નીકળી જવું છે. વર્ધાન સરે બધું ગોઠવી આપ્યું છે... આખરે મારી આજથી દેવિકાના પિતાની નજરમાં મારી ગઈ કાલનું કલંક થોડું મિટવાનું છે?’
‘કોણે કહ્યું?’
દરવાજે આવેલા અવાજે મા-પિતા-પુત્ર ત્રણેયને ચમકાવ્યાં.
જોયું તો સત્યેનભાઈ-સગુણાબહેન સાથે દેવિકા પણ છે!
ચાર-ચાર વર્ષના અંતરાલે મળતાં અર્ણવ-દેવિકા માટે સમય જાણે થંભી ગયો.
-અને પછી બદલાયો!
સત્યેનભાઈએ માફી માગી, સગુણાબહેને દીકરીનો હાથ અર્ણવના હાથમાં મૂક્યો. હસ્તમેળાપે અર્ણવનું હૈયું એવું તો ઊછળ્યું! રાધિકાબહેને ઈશ્વરને સાંભર્યા, ‘આખરે તું રીઝ્યો!’
કથાના ઉપસંહારમાં એટલું જ કે અર્ધ્ય-મરિયમ સહિત ગુનેગારોને ઘટતી સજા થઈ. રણવીરે પરિવાર સમક્ષ પોતાની ચૂક કબૂલીને ફરી ક્યારેય અવળું કામ ન કરવાના સોગંદ ખાધા છે. જેલમાંથી નીકળ્યા પછી પોતે બ્લૅકલિસ્ટેડ રહેવાનો એ ખ્યાલે અર્ધ્ય ક્યારેક હસે છે તો ક્યારેક રડ્યા કરે છે. દીકરાની હાલતે તેનાં માવતરે તો હવે રડવાનું જ છે. હા, વાઇરસનો ઍન્ટિવાઇરસ હવે શોધાઈ ચૂક્યો છે.
બાકી સાગર (અર્ણવ)માં ભળ્યા પછી સરિતા (દેવિકા)નું સુખ નજરાવાનું નહીં એટલું વિશેષ.
(સમાપ્ત)