21 October, 2024 03:10 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
ઉફ આ ગરમી! હજી તો ચોમાસું પૂરું ગયું નથી ત્યાં તાપમાને કેર વર્તાવવા માંડ્યો...
તેનો હાથ ACની સ્વિચ તરફ લંબાયો કે -
‘મૅડમ, થોડું સહન કરતાં શીખો.’
બેડરૂમના કૉર્નર ટેબલ પરથી વર્ક ફ્રૉમ હોમ કરતા પતિના સાદે દેવિકાને બ્રેક લાગી ગઈ. હાથ પાછો ખેંચી લીધો. આગળ શું સાંભળવા મળશે એનો ખ્યાલ આવી ગયો અને અર્ધ્ય એવું જ કંઈક બોલ્યો,
‘ગયા મહિનાનું લાઇટબિલ જોયું છે? વી હૅવ ટુ પુટ કટ ઇન એક્સ્પેન્ઝિસ...’
કંજૂસ.
દેવિકાના ચિત્તમાં પડઘો પડ્યો. પોતાનું મોં મનોભાવની ચાડી ખાઈ જાય એ પહેલાં પડખું ફરી ગઈ. હૈયે તો જોકે ખોટું લાગ્યાનો ભાવ ઘૂમરાતો જ રહ્યો : મારાથી હું ઇચ્છું ત્યારે ACની એક સ્વિચ ન પાડી શકાય એ કેવું દામ્પત્ય? અને એવું નથી કે અમારો સંસાર એકલા અર્ધ્યની કમાણી પર નભે છે... તેની જેમ હું પણ IT ઇજનેર છું, તેનાથી ચાર વરસ જુનિયર છું એટલે સૅલેરી પૅકેજ બેશક તેનાથી ઓછું હોવાનું, પણ મારી કામગીરીથી ઑફિસ ખુશ છે. પાછલાં બે વરસથી સતત પ્રમોશન્સ મેળવું છું. જુહુના આ બે બેડરૂમના ફ્લૅટનો હપ્તો મારી સૅલેરીમાંથી જાય છે. અમારી બન્નેની કારના ઇન્સ્ટૉલમેન્ટ્સ - અરે, અર્ધ્યે હમણાં કહ્યું એ લાઇટબિલ પણ હું ભરું છું. પણ મને આ ઘરમાં, આ સંસારમાં મારી મરજીનું કંઈક કરવાની સત્તા કેટલી?
શૂન્ય.
દેવિકાએ આવેશમાં હોઠ કરડ્યો. ત્રણ વરસના અમારા લગ્નજીવનમાં હું અર્ધ્યની કઠપૂતળી બનીને રહી ગઈ છું. આટલું ભણેલીગણેલી, મહિને છ આંકડામાં પગાર રળતી મારે શા માટે પતિની જોહુકમી સહેવી જોઈએ? શા માટે તેના કે કોઈના પણ તાબેદાર રહેવું જોઈએ?
‘પરણેલી સ્ત્રીએ જતું કરતાં તો શીખવું જ જોઈએ, તો જ સંસાર નભે.’
મા કહેતી એ દેવિકાને સાંભરી ગયું. સમજણી થયેલી દીકરીને કેળવવાના બહાને મા એમાં જાતઅનુભવનું ભાથું પણ ઉમેરતી : તારા દાદીનો સ્વભાવ તીખો, જીવ કરવત જેવી, ઊપડે કે વહેર્યા વિના ન રહે. પિયરમાં તો કોઈએ ખસ સુધ્ધાં કહ્યું ન હોય, સાસુનાં વેણ સાંભળી હું રાતાપાણીએ રડું પણ એ આંસુ તારા પપ્પાને પણ મેં દેખાવા નહોતાં દીધાં. એ જ માને પછીથી છ મહિનાનો ખાટલો થયો ત્યારે મારી સેવાથી જીતેલાં તેમણે સદા ફૂલડાં જ વરસાવ્યાં... હવે તું બોલ, મેં આવતાં જ મા સામે મોરચો માંડ્યો હોત કે રડીને પિયર ભેગી થઈ ગઈ હોત તો મારો સંસાર નભ્યો હોત?
પોતે પણ સંસાર નિભાવવા સમાધાન કરી લે છે એની તો માને પણ ક્યાં ખબર છે?
નિઃશ્વાસ દબાવી દેવિકાએ ભૂતકાળ વાગોળ્યો :
સત્યેનભાઈ-સગુણાબહેનની એકની એક દીકરી તરીકે દેવિકા બહુ લાડકોડમાં ઊછરી. LICમાં બ્રાન્ચ મૅનેજર તરીકે પિતાનો પ્રભાવ સમાજમાં પણ વર્તાતો. MA થયેલાં સગુણાબહેન ભલે ગૃહિણી રહ્યાં, અભ્યાસની સાથે પુત્રી ઇતર જ્ઞાનમાં પણ પારંગત બને, રસોઈમાં, ઘરનાં કામોમાં પણ તેની રુચિ કેળવાય એવા તેમના યત્નોને કારણે જ દેવિકાનો આત્મવિશ્વાસ નિખરતો ગયો. રૂપાળી તો એ હતી જ.
ટ્વેલ્થ પછી તેને ગમતા ITના ફીલ્ડમાં પુણેની કૉલેજમાં ઍડ્મિશન મળતું હતું. પ્રમાણમાં થોડા રૂઢિચુસ્ત સત્યેનભાઈ બોરીવલીના ઘરથી દીકરીને દૂર ભણવા માટે મોકલવાના મતના નહીં. દીકરી દૂર રહે એ ગમે નહીં એ કારણ તો ખરું જ, તે ભટકી નહીં જાયને એની ચિંતા વિશેષ હતી.
એ વખતે મા દીકરીના પડખે રહી : તમે દીકરીને પાંજરું ધરો છો સત્યેન, મારે તેને આકાશ આપવું છે! તેની સાથે કશું ખોટું નહીં થાય એટલો વિશ્વાસ તમે ઈશ્વરમાં રાખો અને તે કશું જ ખોટું નહીં કરે એની ગૅરન્ટી મારી.
ત્યારે માંડ પિતા રાજી થયા હતા.
કૉલેજનું, હૉસ્ટેલનું વિશ્વ કેટલું અલગ હતું! ઉડાનમાં ભૂલા પડી જવાની લાલચ આપે એવું. જોકે પોતે અહીં ભણવા આવી છે અને માતાપિતાનો વિશ્વાસભંગ થાય એવું કશું જ કરવું નથી એટલી ધ્યેય સ્પષ્ટતાને કારણે તે કૉલેજ-લાઇફમાં લપસણા ઢાળે સરકતાં તો ઊગરી શકી, પણ અર્ણવને ચાહતાં ખુદને રોકી ન શકી...
અર્ણવ. ક્યારેક હૈયાને સૌથી મનગમતું રહેલું નામ મનમાં મમળાવી દેવિકાએ કડી સાંધી:
અર્ણવમાં આમ જુઓ તો કશું કહેવાપણું ક્યાં હતું? દેવિકાથી કૉલેજમાં વર્ષ સિનિયર અર્ણવની સરખામણી પરી દેશના રાજકુમાર જોડે થતી એવો એ કામણગારો ને ITનો આઇન્સ્ટાઇન કહેવાતો એવો એ સ્કૉલર. વિરારની ચાલીમાં રહેતાં માબાપનો એકનો એક દીકરો સ્કૉલરશિપ મેળવી પુણેના પ્રતિષ્ઠિત સંસ્થાનમાં ભણતો, તેનું તેજ, તેનું સ્વમાન આમાં પડઘાતું.
‘IT ઇજનેર થઈ કરોડોના પૅકેજ રળવાનું મારું ધ્યેય નથી. હું મારી ટેક્નૉલૉજીથી, કૌશલ્યથી મારા દેશને, સામાન્ય માણસને કેટલો મદદરૂપ થઈ શકું એ મહત્ત્વનું છે, એ મારો ગોલ છે.’
સેકન્ડ યરમાં પણ યુનિવર્સિટી ટૉપર રહેલા અર્ણવનું કૉલેજની ઍન્યુઅલ એસેમ્બલીમાં સન્માન થયું એ નિમિત્તની સ્પીચમાં તેણે કહેલા શબ્દો સીધા દેવિકાના હૈયે ઊતરી ગયા, કેમ કે એમાં દંભ નહોતો, આડંબર નહોતો.
અજાતશત્રુ જેવો તે સૌનો મિત્ર. જ્ઞાનની આપ-લે માટે તેની હૉસ્ટેલના રૂમનો દરવાજો સદા ખુલ્લો. ‘પ્રોફેસર્સ કરતાં તો તું સારું સમજાવે છે.’ તેની પાસેથી કન્સેપ્ટ્સ સમજનારા સ્ટુડન્ટ્સ બેધડક જાહેરમાં કહેતા અને અર્ણવ પાસેથી બેત્રણ વાર પોતાના ડાઉટ્સ ક્લિયર કરાવ્યા પછી દેવિકાને પણ આમાં તથ્ય લાગતું.
એસેમ્બલીની તેની સ્પિચ પછી દેવિકાએ તેના સખીવર્તુળમાં અર્ણવના ગોલને બિરદાવતાં બહુ મોળો પ્રતિસાદ સાંપડ્યો.
‘ઇટ વૉઝ ડિસઅપૉઇન્ટિંગ! અર્ણવ ધારે તો હાઇએસ્ટ પૅકેજ મેળવી નવો રેકૉર્ડ સર્જી શકે એમ છે પણ તેને તો કમાણીમાં રસ જ નથી, બોલો! આટલું ભણીનેય ચાલમાં જ રહેવું હતું તો મોંઘી સ્કૉલરશિપ શું કામ બગાડી?’
મોટા ભાગનાનો આવો મત હતો. બીજા દહાડે લાઇબ્રેરીમાંથી મળી ગયેલા અર્ણવને દેવિકાએ આ વિશે કહેતાં તે આંખના ખૂણે મલકેલો : ગામના મોંએ ગરણું કેમ બંધાય, દેવિકા? હું તો એટલું જાણું કે મારા ધ્યેયનો મને ગર્વ છે.
‘મને પણ.’
દેવિકાએ કહ્યું. બેઉનાં નેત્રો એક થયાં, પ્રણયનો તણખો ઝબકી ઊઠ્યો.
પછી તો જાણે-અજાણે તેમની મુલાકાતો વધવા માંડી. અભ્યાસના વિષયથી શરૂ થતી તેમની વાતો લતાનાં ગીતોથી રાજકારણ સુધી વિસ્તરતી. તેમની પસંદ-મૂલ્યોનો મેળ તેમના હૈયામેળને ગાઢો કરતો ગયો. પ્રણયના એકરારની પહેલ અર્ણવે કરી. દેવિકાએ તો હામી જ ભરવાની હતીને! ત્યાર પછીના વેકેશનમાં દીકરી બહુ ખોવાયેલી, ઉદાસ લાગી સગુણાબહેનને. હા, કોઈકનો ફોન આવે ત્યારે તે ફૂલડાની જેમ મહોરી ઊઠે છે ખરી. ત્યારે તો માની પૂછપરછને તેણે ઉડાવી મૂકી, પણ બીજા વરસના દિવાળી વેકેશનમાં અંતર ખોલી દીધું :
મા, હું અર્ણવને ચાહું છું!
સગુણાબહેન તો અર્ણવ વિશે જાણી રાજી જ થયાં, પણ સત્યેનભાઈ ભડકી ગયેલા. પત્નીની સમજાવટે માંડ અર્ણવને જોવા-મળવા તૈયાર થયા ખરા. દરમ્યાન તેના વિશે પૂરતી તપાસ પણ કરાવી રાખેલી. બધેથી રિપોર્ટ સારા જ મળ્યા, છતાં અર્ણવ પહેલી વાર ઘરે આવ્યો ત્યારે દેવિકા નવર્સ હતી. અર્ણવ પણ બિચારો ક્યાંક દેવિકાના પપ્પા નાપાસ ન કરી દે એની તાણમાં હતો.
સગુણાબહેન અર્ણવને જોઈ-મળી હરખાયાં, પૂછપરછમાં અર્ણવના વિવેક, સંયમથી સત્યેનભાઈ પણ જિતાઈ ગયા : મને તો આવો જ જમાઈ જોઈતો’તો જે અમારા જેટલું જ દેવિકાને ચાહે!
દેવિકા દોડીને પિતાને વળગી પડી.
એ સાંજે અર્ણવ દેવિકાને તેના ઘરે લઈ ગયો. ઘર નાનું પણ સુઘડ-સ્વચ્છ હતું. ઓછું ભણેલાં અર્ણવના મા-બાપ આળાભોળાં ને હેતાળવાં લાગ્યાં.
‘મારો દીકરો તો પરી જેવી વહુ લાવ્યો!’ કહી ઓવારણાં લેતાં રાધિકામામાં બનાવટ નહોતી. તેમની સાથે દેવિકાનો જીવ હળી ગયો.
તેમનું ચાલે તો તો દીકરાનાં ઘડિયાં લગ્ન ગોઠવી કાઢે, પણ સત્યેનભાઈનો વહેવારુ અભિગમ સૌએ માન્ય રાખવો પડ્યો : આપણા સૌના એકમત પછી સગપણ-લગ્ન તો એક ઔપચારિકતા જ રહે છે. એ પછી નિભાવીશું, પહેલાં ડિગ્રી. હાલ બન્નેને અભ્યાસ પર ફોકસ કરવા દો. ગ્રૅજ્યુએટ થઈ જાય ત્યાં સુધીમાં અર્ણવને પણ તેના ધ્યેયની દિશામાં કશુંક નક્કર કરવાનો અવકાશ મળી રહેશે...
પરિણામે દિવાળી પછીના સત્રમાં અર્ણવ-દેવિકામાં નવો જ થનગનાટ હતો. હવે તો પેરન્ટ્સનું ગ્રીન સિગ્નલ હતું છતાં અર્ણવ અદ્ભુત સંયમ દાખવતો. એકાંતમાં મળવાનું નહીં ને દેવિકા કદી તોફાન આદરે ત્યારેય તે ધીરગંભીર જ રહે. દેવિકા એથી ક્યારેક ચિડાય, ક્યારેક અકળાય; પણ અંદરખાને તો આનું ભારોભાર અભિમાન પોષે : મારો અર્ણવ તો આવો અડગ, નિશ્ચલ જ હોય!
અંગતને અંગત રાખવાની અર્ણવની લઢણ પણ દેવિકાને ગમતી. કૅમ્પસમાં ભાગ્યે જ કોઈને તેમના સંબંધની ગંધ પણ આવી હોય... બન્ને ખૂબ મહેનત કરતાં. છેલ્લા વર્ષમાં પણ અર્ણવ ટૉપર બનશે જ એની દેવિકાને તો ખાતરી હતી.
- પણ એવું બન્યું નહીં. દિવાળી પછીના એ સત્રમાં કૉલેજમાં એક ઘટના ઘટી એના છાંટા વાર્ષિક પરીક્ષામાં ઊડ્યા અને...
‘સૂઈ ગઈ!’
પતિના શબ્દોએ ગતખંડમાંથી નીકળી આવતી દેવિકાએ આંખો સજ્જડપણે મીંચેલી રાખી. અર્ધ્યને ઝેલવાનો અત્યારે સહેજે મૂડ નહોતો.
ઘડીભર તો અર્ધ્યને તેને સૂવા દેવાની ઇચ્છા થઈ પણ વર્ક ફ્રૉમ હોમના બહાને પોતે ઍડલ્ટ સાઇટ પર જે જોયું એથી જાગેલો આવેશ જંપવા દે એમ ક્યાં હતો?
કમબખ્ત IT સેક્ટરની નોકરી. રુડકી IITમાં ભણેલો પોતે તગડું પૅકેજ રળતો, બે નોકરી બદલી સિનિયર પોઝિશન પર પણ પહોંચ્યો; પણ પછી કંપની ટેકઓવર થતાં નવી ટીમ સાથે જામ્યું નહીં, તેમણે પહેલાં વર્ક ફ્રૉમ હોમનું કહી મને ઘરે બેસાડ્યો ને પછી નોટિસ પિરિયડ ચૂકવી છટણી કરી નાખી એની દેવિકાને તો હજી જાણ પણ ક્યાં છે?
જાણ કરવી પણ શું કામ? રૂડકી પાસના અહમે માથું ઊંચક્યું. ઘરનું ફાઇનૅન્સ મારા હસ્તક છે એટલે દેવીને મારા કહ્યા વિના જાણ થવાનો સંભવ નથી અને તેને કદી મારે તેની કમાણી પર ઘર નભે છે એ મતલબનો જશ ખાવાનો મોકો આપવો નથી. આખરે અમારા સંસારમાં મારું જ ધાર્યું કરી મેં દેવિકાને ધાકમાં રાખી છે એમાં ઢીલ તો છોડાય જ કેમ! બાકી નોકરીનો મેળ પડતાં વાર નથી લાગવાની, દિવસભર અપ્લાય કરતો હોઉં છું, કંટાળું ત્યારે પૉર્ન જોઈ લઉં...
અત્યારે એનો ઉછાળો અનુભવતા અર્ધ્યએ પત્નીને નિર્દયપણે ઝંઝોડી : ઊઠ, દેવિકા!
દેવિકાએ આંખો ખોલવી પડી : શું છે?
‘શું છે એટલે! આપણે પતિ-પત્ની છીએ એવું કોઈક રાતે તો ફીલ થવા દે.’
દેવિકાને ભીંસી તે તેનાં વસ્ત્રો સાથે છેડછાડ કરવા લાગ્યો. દેવિકાની ભીતર અલર્ટ જાગી: કંઈક તો થયું છે. અર્ધ્યની કામેચ્છા અગાઉ આટલી પ્રબળ નહોતી. પણ હમણાં તો...
આવા વિચારોમાં ગોથાં ખાતી દેવિકાના ગાલે થપ્પડ પડી: આ શું મડદાલની જેમ પડી છે? મારા બદલે પેલો અર્ણવ હોત તોપણ આવી ફ્રિજિડ રહેત તું?
પતિનું મેણું હૈયા સોંસરવું ઊતરી ગયું. કૉલેજની ઘટનાને કારણે પોતે પછી અર્ણવને પરણી ન શકી, પરંતુ અર્ધ્ય સાથે લગ્ન પાકાં થતાં તેની સમક્ષ પહેલી પ્રીત કબૂલવાની ભૂલ કરવા જેવી નહોતી... અર્ધ્યનું એ ગજું જ નહોતું, લાયકાત જ નહોતી. અર્ધ્ય મનફાવે ત્યારે એનો ઉપયોગ કરી મને ગુનેગારના પીંજરામાં ખડી કરી દે છે ને મન મારી સમાધાન સ્વીકાર્યા સિવાય હું કંઈ જ કરી શકતી નથી...
પણ ક્યાં સુધી?
પતિનો બળાત્કાર સહેતી દેવિકા પાસે આજે પણ એનો જવાબ નહોતો.
(વધુ આવતી કાલે)