વિદ્યાનો વાઇરલ વિડિયો પાંચ સેકન્ડ અને ખેલ ખતમ પ્રકરણ ૨

29 October, 2024 01:10 PM IST  |  Mumbai | Rashmin Shah

બન્ટીના મર્ડરમાં ક્યાંક ને ક્યાંક કોઈ એવું છે જે મેડિકલ ફીલ્ડ સાથે જોડાયેલું છે

ઇલસ્ટ્રેશન

ટિનટિનને ટ્રાન્ક્વલ કરવામાં આવ્યાની ખાતરી થઈ ત્યાં સુધીમાં ખાસ્સું મોડું થઈ ગયું હતું. વિદ્યા પટેલના ઘરે ટિનટિનનું ફૂડ ટ્રાય કર્યાની પાંચમી મિનિટે સોમચંદને ઘેન ચડવા માંડ્યું હતું. ઘેનની જે પ્રકારની અસર હતી એ જોતાં સોમચંદને શક હતો કે પોતે પોતાના ઘર સુધી પણ પહોંચી નહીં શકે અને તેણે અહીં જ રહી જવું પડશે, જે તેમને મંજૂર નહોતું. વિદ્યાના આવ્યા પછી સોમચંદ તરત ઊભા થયા અને તેમણે જાતે દરવાજો ખોલ્યો.

‘આપણે કાલે વાત કરીએ.’ સોમચંદની જીભ હવે લથડવા માંડી હતી, ‘હું, હું પછી તમને ફોન કરું.’

‘પ્લીઝ ટેક કૅર...’ વિદ્યાએ ફૉર્માલિટી પણ કરી, ‘એવું હોય તો તમે અહીં રહી જાઓ... સંજય હમણાં આવતા હશે.’

નકારભાવથી હાથનો ઇશારો કરી સોમચંદે લિફ્ટ બોલાવી. લિફ્ટ આવવામાં જાણે કે જન્મારો નીકળી ગયો હોય એવું સોમચંદને લાગ્યું હતું. લિફ્ટમાં મહામહેનતે દાખલ થયા પછી લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર તરફ જવાની શરૂ થઈ ત્યારે સોમચંદે જોયું કે વિદ્યા હજી સુધી બહાર ઊભી હતી.

નીચે આવીને સોમચંદ મહામુશ્કેલીએ પોતાની ગાડી સુધી પહોંચ્યા અને પછી તેણે ગાડીમાં જ લંબાવી દીધું. જ્યારે તેની આંખો ખૂલી ત્યારે બહાર અંધકાર છવાઈ  ગયો હતો. સોમચંદે ઝાટકા સાથે ઘડિયાળમાં જોયું.

રિસ્ટ વૉચ રાતના સાડાઆઠ વાગ્યાનો સમય દેખાડતી હતી.

મગજ અને યાદશક્તિના તાર જોડાતાં થોડી વાર લાગી પણ એ જોડાયા પછી સોમચંદને ઝાટકો લાગ્યો. સવારે અગિયાર વાગ્યે તે વિદ્યાને મળવા માટે ગયો હતો અને અત્યારે રાતના આઠ વાગ્યા હતા. મતલબ કે પોતે ઘેનની અસર વચ્ચે સાત કલાક ગાડીમાં સૂતો રહ્યો!

સોમચંદ ગાડીમાંથી બહાર આવ્યા. તેમનું માથું હજી પણ ભારે હતું પણ એ ભાર હવે તેણે સહન કરવાનો હતો નહીં તો...

lll

‘વૉટ?’

સોમચંદની આંખો અને અવાજ ફાટી ગયાં. ફૂડ રિપોર્ટ તેના હાથમાં હતો અને એ રિપોર્ટમાં લખ્યું હતું કે ડૉગ-ફૂડમાં કોઈ જાતને ભેળસેળ કરવામાં નથી આવી.

‘શક્ય જ નથી, મેં એની અસર જોઈ છે.’ જાતને શાંત પાડતાં સોમચંદે કહ્યું, ‘મને એ વાત કહે, એ ફૂડ માણસ ખાય તો તેને કેવી અસર થાય?’

‘હંમ... ડાયેરિયા, વૉમિટિંગ અને વધારેમાં વધારે ફૂડ-પૉઇઝનિંગના કારણે કદાચ ફીવર... બીજી કોઈ નહીં.’

‘ઘેન?’

‘હંમ... હજી સુધી એવું બન્યું નથી.’

‘તો પાક્કું રાઠોડ...’ ફૂડ-ઇન્સ્પેક્ટર સામે જોતાં સોમચંદ શાહે કહ્યું, ‘એ ફૂડ ચેન્જ થયું છે... એ વિના આવું બને નહીં.’

‘હશે પણ હવે એ ફૂડ તો શોધી નહીં શકાય.’

‘રાઇટ...’ ફૂડ-ઇન્સ્પેક્ટરની ઑફિસમાંથી નીકળતાં સોમચંદને અચાનક યાદ આવ્યું, ‘રાઠોડ, ડૉગીને આપવામાં આવતી ઘેનની ટૅબ્લેટની અસર માણસ પર કેટલી થાય?’

‘ગુડ ક્વેશ્ચન...’

‘એ લપોડશંખ, સર્ટિફિકેટ નથી જોઈતું, જવાબ આપ...’ મનમાં ચાલતા સવાલોને કારણે સોમચંદ ઇરિટેટ થઈ ગયા, ‘અસર કેટલી થાય?’

‘વધારે.’ રાઠોડે સીધો જ જવાબ આપ્યો, ‘જો ડૉગીને બે કલાક અસર રહેવાની હોય તો માણસ પર એ ઑલમોસ્ટ ત્રણથી ચારગણી વધી જાય.’

lll

એનો મતલબ કે ટિનટિનને થોડી વાર માટે જ ઘેન આપવામાં આવ્યું અને કામ પૂરું થયા પછી એ વ્યક્તિ ઘરમાંથી નીકળી ગઈ. જો એવું થયું હોય તો કદાચ એવું પણ બને કે બન્ટીને મારનારો કોઈ બીજો હોય પણ એટલું પાક્કું કે તેને ઘરમાંથી સપોર્ટ મળ્યો છે અને એ સપોર્ટના ભાગરૂપે જ ટિનટિનને ઘેનની દવા આપવામાં આવી છે.

ડિટેક્ટિવ સોમચંદનું દિમાગ કામ પર લાગી ગયું હતું અને કામે લાગેલા એ દિમાગમાં ત્વરા સાથે એક વિચાર પ્રસરી ગયો અને તેણે મુંબઈના મ્યુનિસિપલ કમિશનરને ફોન કર્યો.

‘એક હેલ્પ જોઈએ છે.’ સોમચંદ વાત પણ કરી દીધી, ‘અંધેરી વેસ્ટમાં વિજય નગરના સફાઈ કામદારોનો સપોર્ટ જોઈએ છે.’

‘સૅનિટરી ઇન્સ્પેક્ટરને લાઇનમાં લઉં છું.’

જૂનો દારૂ નશામાં ને જૂની ભાઈબંધી સોલ્યુશન લાવવામાં કારગત પુરવાર થાય છે.

lll

‘સોમચંદ, ઇન્સ્પેક્ટર લાઇન
પર છે...’

કૉલ કૉન્ફરન્સ કરતાં પહેલાં જ કમિશનરે સોમચંદની ઓળખાણ આપી અને એ પછી તેણે સોમચંદના ફોનને મર્જ કર્યો.

‘અત્યારે તમારી ટીમને તાત્કાલિક એવું કહોને કે વિજયનગરમાં જે સ્ટ્રે ડૉગ છે એની શું હાલત છે?’ સોમચંદે ચોખવટ પણ કરી, ‘મારું માનવું છે કે કદાચ એ ડૉગી કાં તો બેહોશ હશે અને ધારો કે એવું ન હોય તો એ ઘેનની અસરમાં હશે. પ્લીઝ, જલદી જુઓને.’

‘જી સર...’

‘હું તમારો નંબર ગુપ્તાજી પાસેથી લઈને પછી તમને ફોન કરું છું.’ ઇન્સ્પેક્ટરે ફોન કટ કર્યો અને કમિશનર ફરીથી સોમચંદ સાથે જોડાયા એટલે સોમચંદે ચોખવટ કરી લીધી, ‘એક મર્ડર કેસ માટે આ જાણવું પડે એમ છે.’

‘યાર, ખરી લાઇફ છે તમારા લોકોની તો... તમારે તો સ્ટ્રે ડૉગીના હાલહવાલ પણ જોતા રહેવાના. ’

‘હા, કારણ કે જો અમે એ ન કરીએ તો તમે લોકો સેફ ન રહો.’

lll

‘કોઈ રિપોર્ટ?’

‘હા સર...’ સૅનિટરી ઇન્સ્પેક્ટરના અવાજમાં ઉત્તેજના હતી, ‘હું મલાડમાં રહું છું, ત્યાં જવા માટે નીકળી ગયો છું. વિજયનગર પાસે એક ઓપન પ્લૉટમાં ત્રણેક ડૉગી બેહોશ છે અને બે કે ત્રણ ડૉગી એવા જોવા મળે છે જે ઘેનના કારણે બરાબર ચાલી શકતાં નથી.’

‘હું પણ પહોંચું છું. મારું ઘર નજીક છે.’ સોમચંદે સૂચના આપી, ‘એ જગ્યાનો મને આઇડિયા છે, કદાચ સ્વર્ગ અપાર્ટમેન્ટની બાજુમાં એ ઓપન પ્લૉટ છે. છતાંય તમે મને લોકેશન મોકલો.’

‘જી સર.’

‘આવો, આપણે ત્યાં મળીએ.’

lll

લોકેશન પર એવું જ પિક્ચર હતું. ત્રણ ડૉગી ઘસઘસાટ ઊંઘતાં હતાં. એની ઊંઘવાની રીત નૉર્મલ નહોતી લાગતી. બહુ વિચિત્ર રીતે એ સૂઈ ગયાં હતાં તો ત્યાં રખડતાં ડૉગી ઘેનના કારણે ભસતાં હતાં પણ દોડીને પાછળ આવવા તૈયાર નહોતાં.

સોમચંદ પહોંચ્યા ત્યારે ત્યાં બેત્રણ સફાઈ કામદાર આવી ગયા હતા. સોમચંદે જઈને પોતાની ઓળખાણ આપી કે તરત એક સફાઈ કામદાર આગળ આવ્યો.

‘અહીં આ બિસ્કિટ હતાં. કદાચ બગડી ગયાં હશે એટલે આવું થયું લાગે છે.’

સોમચંદે એ બિસ્કિટ લઈ રાતે જ ફૂડ ટેસ્ટિંગ લૅબોરેટરીમાં મોકલી દીધા.

ધાર્યું હતું એ જ બન્યું અને બીજા દિવસે રિપોર્ટમાં આવ્યું કે એ બિસ્કિટમાં ક્લૉરોફૉમ છે.

lll

‘સર, ક્લોરોફૉમ OTC એટલે કે ઓવર ધ કાઉન્ટર પ્રોડક્ટ નથી. સર્જિકલ સ્ટોરમાં જ મળે અને એ પણ હૉસ્પિટલમાં ડિલિવરી કરવામાં આવે.’ ફૂડ-ઇન્સ્પેક્ટરે ઇન્ફર્મેશન આપી, ‘ક્લોરોફૉમનો દુરુપયોગ શરૂ થયા પછી ગવર્નમેન્ટે આ નિયમ કર્યો છે.’

‘મેડિકલ સ્ટોરવાળો ઓળખીતો હોય તો પણ ન મળે?’

‘મેડિકલ સ્ટોરમાંથી તો મળે જ નહીં અને વાત રહી સર્જિકલ સ્ટોરની ઓળખાણની તો આઇ ડોન્ટ થિન્ક કે કોઈ પોતાને રિસ્કમાં મૂકીને એ આપે.’

lll

એનો મતબલ ક્લિયર કે બન્ટીના મર્ડરમાં ક્યાંક ને ક્યાંક કોઈ એવું છે જે મેડિકલ ફીલ્ડ સાથે જોડાયેલું છે પણ કોણ એ જાણવું કઈ રીતે?

પહેલો રસ્તો કે મળીને સંજય કે વિદ્યાને પૂછવું અને તેની પાસેથી જાણવું કે બેમાંથી કોઈનું એ ફીલ્ડમાં જાણીતું છે કે નહીં.

ધારો કે એ ખોટું બોલે તો?

મનમાં જન્મેલા સવાલને હડસેલી આગળ વધનારો જ સફળ થાય છે.

સોમચંદે સીધો સંજય પટેલને ફોન કર્યો. સંજયનો ફોન બિઝી હતો એટલે તેણે તરત વિદ્યાને ફોન કર્યો.

‘મળવું છે.’

‘ઘરે જ છું.’ વિદ્યાએ ફૉર્માલિટી કરી, ‘તમારી હેલ્થ...’

‘આવું ત્યારે જોઈ લેજો.’

પીઠ ખંજવાળતાં સોમચંદે ફોન મૂક્યો. ડૉગી બિસ્કિટ ટ્રાય કર્યાના બીજા દિવસથી સોમચંદને શરીરે ખંજવાળની તકલીફ ચાલુ થઈ હતી. એ ઍલર્જી હતી, જેની મેડિસિન લેવાની હતી પણ મનમાં સતત બન્ટી ચાલતો હોવાથી સોમચંદે એ તકલીફને પ્રાધાન્ય આપ્યું નહીં અને કેસની ઇન્ક્વાયરી ચાલુ રાખી.

lll

‘તું રાજકોટ આવવાનો હતોને?’ ઘરની બહાર હજી તો સોમચંદે પગ મૂક્યો ત્યાં બહેનનો ફોન આવ્યો, ‘પરવીન પણ મુંબઈથી આવવાની છે?’

‘કોણ પરવીન?’

‘અરે! યૉર ફર્સ્ટ ક્રશ...’ બહેને હસતાં-હસતાં કહ્યું, ‘શૉર્ટ ટર્મ મેમરી લૉસ...’

‘એ હેલો... તું ટેન્થમાં હતી ત્યારની વાત છે અને તું હવે પચાસ વર્ષની થઈ. આને લૉન્ગ ટર્મ મેમરી લૉસ કહે...’

‘વૉટેવર... ઍન્ડ બાય ધ વે હું પચાસની નથી થઈ.’

‘એ હેલો... આ પરવીન મેડિકલ ફીલ્ડમાં હતીને?’ સામેથી હકારમાં જવાબ આવ્યો કે તરત સોમચંદે કહ્યું, ‘મને એનો નંબર આપને.’

‘એ વેટરિનરી ડૉક્ટર છે, તારી ટીમની મેમ્બર નહીં.’

‘અરે મારા ફ્રેન્ડના ડૉગી માટે જ નંબર જોઈએ છે. પ્લીઝ આપને નંબર.’

‘મોકલી દીધો, જોઈ લે.’

‘બાય...’ નંબર આવી ગયો એની ખાતરી કરી લીધા પછી સોમચંદે કહી દીધું, ‘દિવાળીમાં તો બિઝી છું, આપણે કદાચ ભાઈબીજના... બાય.’

lll

‘પરવીન, એક નાનકડી હેલ્પ જોઈએ છે.’

વિદ્યા પટેલને મળવા જતી વખતે રસ્તામાં જ સોમચંદે પરવીનને ફોન કરી દીધો હતો. ઓળખાણ આપીને સોમચંદ સીધા કામની વાત પર આવ્યા હતા.

‘મેં એવું સાંભળ્યું છે કે માણસને ક્લોરોફૉમ આપો તો અમુક ટેસ્ટમાં એ એક વીક સુધી જોવા મળે. ડૉગીને ક્લોરોફૉમ આપ્યું હોય તો એ કેટલો સમય જોવા મળે?’

‘જો રેસ્પિટરી સિસ્ટમમાં એટલે કે શ્વાસમાં આપ્યું હોય તો ઑલમોસ્ટ સેમ. એક વીક.’

‘બીજા કોઈ ફૉમમાં પણ હોય?’

‘હા, વેટરિનરી ફીલ્ડમાં ક્લોરોફૉમ ફૂડ પર છાંટીને પણ આપવામાં આવે છે, જે રિસ્કી છે. એવું કરવું ન જોઈએ. એને લીધે ઍનિમલનો ગ્રોથ અટકી જાય છે. ખાસ કરીને ડૉગી અને હૉર્સમાં...’

સોમચંદને વાળ ખેંચવાનું મન થઈ આવ્યું. મનમાં આવી ગયેલી ગાળ તેણે મનમાં જ રોકી અને પછી પરવીનને અટકાવી.

‘એ બધા વિશે આપણે રૂબરૂ મળીએ ત્યારે વાત કરીએ?’ સોમચંદે ચોખવટ કરી, ‘મને અત્યારે એ જાણવું છે કે એ પ્રકારે ક્લોરોફૉમ આપ્યું હોય તો એ ક્યાં સુધીમાં ચેક કરવામાં આવે તો બ્લડમાંથી પણ મળે.’

‘ડિપેન્ડ્સ ઑન ધ ક્વૉન્ટિટી પણ જો ડૉગ જીવતો હોય તો એનો મતબલ એ થયો કે એને લિમિટેડ ક્વૉન્ટિટીમાં આપ્યું હશે. જો એવું હોય તો આઇ થિન્ક પંદરેક દિવસ સુધી ડૉગ પર એની અસર રહે.’ પરવીને અસર પણ કહી દીધી, ‘મોસ્ટ્લી એવું બને કે એવું ડૉગી એ દિવસો દરમ્યાન જરા પણ અગ્રેશન દેખાડે નહીં. ન ભસે, ન કોઈને બાઇટ કરે. ઘણીવાર તો એ અજાણ્યા સાથે બહાર જવા પણ તૈયાર થઈ જાય.’

‘ઓકે થૅન્ક્સ... બાય.’

વિદ્યા પટેલની સ્વર્ગ સોસાયટી પણ આવી ગઈ હતી. સોમચંદ ગાડીમાંથી બહાર આવ્યા અને તેની આંખો પહોળી થઈ. થોડી સેકન્ડ પહેલાં સાંભળેલી વાત અત્યારે તે આંખ સામે જોતા હતા.

વધુ આવતી કાલે

columnists Rashmin Shah exclusive gujarati mid-day