ધ રેપ (પ્રકરણ 1)

11 December, 2023 07:30 AM IST  |  Mumbai | Rashmin Shah

‘મિલૉર્ડ... આપણે વાત કરવાની છે આજે એ કેસની જે કેસે મુંબઈ આખાને હેરાન કર્યું છે.

ઇલેસ્ટ્રેશન

‘મિલૉર્ડ... આપણે વાત કરવાની છે આજે એ કેસની જે કેસે મુંબઈ આખાને હેરાન કર્યું છે. એક છોકરી કેવી રીતે ઇજ્જતદાર અને ભગવાનના ઘરના માણસ કહેવાય એવા લોકોને ફસાવતી, તેમની પાસેથી પૈસા કઢાવવાની કોશિશ કરતી હોય છે એનું આ બેસ્ટ એક્ઝામ્પલ છે. હકીકતમાં આ જે ટ્રેઇનિંગ છે એ ટ્રેઇનિંગ માબાપ તરફથી આપવામાં આવતી હોય છે એટલે આપ પાસેથી એવી અપેક્ષા છે કે આપ આ કેસનું જજમેન્ટ એવું આપો જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત કરે નહીં...’
‘મિસ્ટર જોગલેકર...’ જજે સહેજ સ્માઇલ સાથે વકીલ સામે જોયું, ‘મારે શું કરવાનું છે એ તમારો વિષય નથી. બહેતર છે કે તમે સોસાયટીની ચિંતા છોડીને તમારા ક્લાયન્ટનું ટેન્શન રાખો અને કેસ સિવાયની બીજી બધી ચર્ચાઓ પડતી મૂકો...’
‘શ્યૉર મિલૉર્ડ...’ 
આ પ્રકારની કમેન્ટની વિકાસ જોગલેકરને આદત હતી એટલે એ ટકોરથી સહેજ પણ ગભરાયા કે ડર્યા વિના આગળ વધ્યા...
‘છેલ્લી મુદત ગયા મહિને પડી હતી ત્યારે જ તમે કહ્યું હતું કે આવતી મુદત પર આપ જજમેન્ટ આપશો એટલે મને લાગે છે કે હું તમને આખો કેસ એક વખત નરેટ કરી દઉં, જેથી તમારા માટે ચુકાદાનું કાર્ય સરળ રહે...’
‘કેસ નરેટ કરવાની જરૂર નથી મિલૉર્ડ...’ ફરિયાદી પક્ષના વકીલ મહેશ જોષી દલીલ કરતા ઊભા થયા, ‘આ કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે.’
‘ઑર્ડર ઑર્ડર ઑર્ડર...’ ચહલપહલ સાથે ટેબલ પર હથોડી ઠપકારતાં જજે કહ્યું, ‘શાંતિ...’
કોર્ટમાં શાંતિ પ્રસરી અને બીજી જ ક્ષણે જજે મહેશ જોષી સામે જોયું.
‘કોર્ટ ગેરમાર્ગે દોરવાશે નહીં એટલે તમે એનું ટેન્શન છોડો અને વાત રહી આખો કેસ નરેટ કરવાની તો કેસ નરેટ થઈ જાય એટલે તમે પણ તમારો પક્ષ કોર્ટ સમક્ષ મૂકી શકો છો...’
‘થૅન્ક યુ મિલોર્ડ...’
મહેશ જોષીના ચહેરા પર આવેલી ખુશી સ્પષ્ટ જોઈ શકાતી હતી. બેસતી વખતે તેમણે ગાથા સામે જોઈ લીધું અને ગાથાને આંખોથી સાંત્વન પણ આપી દીધું. અલબત્ત, ગાથા આજે પહેલી વાર વધારે પડતી શાંત અને ઠરેલ લાગતી હતી.
lll
‘બેટા, આજે જજમેન્ટ છે અને આજે જ મમ્મી-પપ્પાની ગેરહાજરી...’ મહેશ જોષીએ સવારે જ કોર્ટના પરિસરમાં ગાથાને કહ્યું હતું, ‘કોર્ટ જો આ વાત નોટિસ કરશે તો નૅચરલી એને રૉન્ગ મેસેજ જશે.’
‘ના સર, હું એક્સપ્લેઇન કરી દઈશ...’ ગાથાએ જવાબ આપ્યો હતો, ‘જજમેન્ટ પહેલાં તેમને સિદ્ધિવિનાયક પાસે જવું હતું એટલે એ લોકો ગયા છે... ઍન્ડ યુ નો, તેઓ મને ક્યારેય રોકતા નથી તો પછી હું કેવી રીતે તેમને...’
‘પહોંચી શકશે જજમેન્ટ આવે એ પહેલાં?’
‘ટુ બી વેરી ઑનેસ્ટ... ના.’ ગાથાએ જવાબ આપ્યો, ‘જજમેન્ટ સુધી એ લોકો ત્યાં જ રહેવાના છે. કદાચ મારે જ તેમની પાસે જવું પડશે.’
‘ઓકે... નો ઇશ્યુ, પણ...’ જોષીએ જવાબ શોધવા માટે પાંચેક સેકન્ડ લીધી હતી, ‘તને વાંધો નહીં આવેને, જજમેન્ટ કોઈ પણ પક્ષે હોય તો...’
‘નો સર... નાઓ આઇ ઍમ લાઇફટાઇમ ફાઇટર.’
‘ધૅટ્સ લાઇક અ માય ડૉટર...’ 
ઍડ્વોકેટ મહેશ જોષીએ ગાથાના માથા પર હાથ મૂક્યો અને ફાઇલ સાથે આગળ વધી ગયા. મહેશ જોષીને જતા જોઈ રહેલી ગાથાના ચહેરા પર કોઈ પ્રતિક્રિયા નહોતી. હોય પણ ક્યાંથી. જે પ્રતિક્રિયા આપવાનું મન હતું એને તો તેણે મનમાં ધરબી રાખી હતી.
lll
‘મિલોર્ડ, મારા અસીલ ધર્મક્ષેત્રનું બહુ મોટું નામ છે. તેમની પોતાની શાખ છે, ઇજ્જત છે. લોકો તેમના નામના સોગંદ લેતા હોય છે અને તેમના સોગંદને ખુદ ઈશ્વર પણ માન્ય ગણે છે. મોક્ષ માટે લોકો તેમની સામે મસ્તક ઝુકાવે છે અને તેમની પાસેથી ધર્મના પાઠ શીખે છે. મારા આવા અસીલ એવા બાપુ ભગવાનજી પર એક એવી છોકરીએ આક્ષેપ મૂક્યો છે જે આ જ બાપુ ભગવાનજી પાસે નાનપણથી જતી અને તેમની પાસે રહેતી પણ... બાપુ ભગવાનજી...’
‘મિસ્ટર જોગલેકર, તમે તમારા અસીલનું સંસારી નામ બોલશો તો પણ કોર્ટ સમજશે કે તમે કોની વાત કરો છો?’
મહેશ જોષીએ વિરોધ કર્યો, પણ એ વિરોધને આરોપી પક્ષના વકીલ જોગલેકરે અડધી જ સેકન્ડમાં ઉડાડી દીધો.
‘રાઇટ સર, તમારી વાત હું સમજું છું, પણ દુર્ભાગ્યવશ એવું બન્યું છે કે તમારા અસીલે તેમની ફરિયાદમાં બાપુ ભગવાનજી લખાવ્યું છે એટલે હું તો માત્ર એ ફરિયાદને જ ફૉલો કરવાનું કામ કરું છું.’ જોગલેકરે જજ સામે જોયું, ‘રાઇટ મિલોર્ડ...’
‘પ્લીઝ, પ્રોસિડ...’
મહેશ જોષી ફરી બેસી ગયા અને ઍડ્વોકેટ જોગલેકરે વાત આગળ વધારી.
‘ગાથા મહેતાએ મારા અસીલ પર કેસ ફાઇલ કર્યો છે કે તેના પર બાપુ ભગવાનજીએ રેપ કર્યો છે. તમને અગાઉની તમામ દલીલો યાદ હશે, જે પ્રૂફ સાથે અમે તમારી સાથે રજૂ કરી છે કે બાપુ ભગવાનજી ગાથા મહેતાના પિતાની ઉંમરના છે.’
‘ઑબ્જેક્શન મિલોર્ડ...’ મહેશ જોષીએ દલીલ કરી, ‘પિતાની ઉંમરનો માણસ રેપ ન કરી શકે એવું કોઈ સાયન્સે કહ્યું નથી.’
મહેશ જોષીને જવાબ આપતાં જોગલેકરે તરત સામી દલીલ કરી...
‘મિલોર્ડ, કોઈ સાયન્સે એવું કહ્યું નથી, પણ સાયન્સ એવું કહી ચૂક્યું છે કે મનમાં વાસના જન્માવવા માટે પુરુષાતન અકબંધ રહેવું જોઈએ અને મારા અસીલ બાપુ ભગવાનજી છેલ્લાં છ વર્ષથી પુરુષાતન ધરાવતા નથી...’ 
રિપોર્ટનાં પેપર્સ આગળ ધરતાં કોર્ટ બેલિફે એ પેપર હાથમાં લીધા અને જજના ટેબલ પર મૂક્યાં.
મૂકવામાં આવેલા રિપોર્ટ પર નજર કરતી વખતે જજનું ધ્યાન દલીલ પર પણ હતું.
‘મિલોર્ડ, દેશના બેસ્ટ સેક્સોલૉજિસ્ટે સજેસ્ટ કરેલા આ રિપોર્ટ્સ છે અને તેમણે સજેસ્ટ કરેલા પૅથોલૉજિસ્ટ પાસે જ આ રિપોર્ટ કરાવવામાં આવ્યાં છે.’ જોગલેકરે ગાથાની સામે જોયું, ‘મારું આપ નામદારને માત્ર એટલું જ કહેવું છે કે આવા સમયે એક વ્યક્તિ કેવી રીતે પચ્ચીસ વર્ષની છોકરી પર રેપ કરે? હા, હું એ પણ કહીશ કે છૂટ લેવાનું કામ આ ઉંમરની છોકરી કરી શકે અને ખાસ તો એ છોકરી કરે જેને સેક્સોલૉજિસ્ટ નિમ્ફોમેનિયાક કહે છે...’
ગાથા સહેજ પણ વિચલિત નહોતી થઈ, કારણ કે આ વાત અગાઉ તેની સામે કોર્ટમાં આવી ચૂકી હતી અને એ વાત આવી ત્યારે તેણે પારાવાર પીડા પણ ભોગવી લીધી હતી. હજી થોડા સમય પહેલાં તો તેણે સાંભળ્યું હતું.
‘એક ને એક વાતની પીડા જો વારંવાર થતી હોય તો તકલીફ પીડામાં નહીં, માણસમાં હોય છે...’
ગાથા હવે કોઈ તકલીફ પોતાની પાસે રાખવા માગતી નહોતી અને એટલે તો તેણે મક્કમ મન રાખીને અત્યારની ક્ષણને પણ સહજ રીતે સહન કરી લીધી.
ગાથા તરફથી કોઈ જવાબ આવ્યો નહીં એટલે કોર્ટમાં ફરીથી ધીમા અવાજે ગણગણાટ શરૂ થયો અને કોર્ટની શાંતિમાં ખલેલ પડી.
‘ઑર્ડર ઑર્ડર ઑર્ડર...’ જજે સ્પષ્ટતા સાથે કહ્યું, ‘મિસ્ટર જોગલેકર, તમે ચુકાદાના દિવસે આ પેપર આપો એ વાજબી નથી.’
‘વી આર વેરી સૉરી સર... પણ મારા અસીલ આ ટેસ્ટ માટે બિલકુલ રાજી નહોતા. તેમને સમજાવવામાં જ અમારો દોઢેક મહિનો પસાર થયો છે. સંસાર છોડ્યા પછી તેમણે ક્યારેય કોઈ હૉસ્પિટલનો રસ્તો જોયો નથી અને એ જોવા પણ માગતા નથી. તેમણે શપથ લીધા છે કે તે કુદરતી રીતે જ જીવશે અને કુદરતી રીતે જ જીવનને અલવિદા કહેશે.’
ખોટાડો.
ગાથાને ચીસ પાડીને બોલવાનું મન થયું, પણ તેણે ઇચ્છા મનમાં દબાવી રાખી. તેને ખબર હતી કે અવાજ બહાર નીકળશે એ પછી પણ એ અવાજ એવા કાને અથડાવાનો છે જે કાન પર ધર્મના નામના પડદા બંધાઈ ચૂક્યા છે.
‘વાત આગળ વધારવામાં આવે...’
જજે કહ્યું એટલે જોગલેકરે ફરી વાત આગળ ધપાવી.
lll
‘મિસ ગાથા મહેતા...’ જોગલેકરે કટાક્ષ સાથે સહેજ સ્માઇલ કર્યું, ‘ઍક્ચ્યુઅલી આ જે મિસ શબ્દ છે એનો પ્રયોગ કરવો કે નહીં એ પણ અત્યારે તો સવાલ છે; પણ ચાલો, સ્ત્રીદાક્ષિણ્ય અને સામાજિક સ્ટેટસને ધ્યાનમાં રાખીને આપણે આ મિસ શબ્દને કન્ટિન્યુ કરીએ... મિસ ગાથા મહેતા દસ વર્ષનાં હતાં ત્યારથી બાપુ ભગવાનજીને ત્યાં નિયમિત જતાં. ગીતા-જ્ઞાન પણ તેમણે બાપુ ભગવાનજી પાસે જ લીધું છે અને વાલ્મીકિ રામાયણના તમામ અધ્યાય પણ તેમની પાસેથી જ મિસ ગાથા મહેતાએ શીખ્યા છે. એક તબક્કો હતો કે ગાથા મહેતાની ઓળખ એવી ઊભી થઈ ગઈ હતી કે તે આ સંસારમાં રહેશે નહીં અને તે પણ સંસાર છોડશે. ગાથા મહેતાને આપ પૂછી શકો છો કે એવું હતું કે નહીં?’
‘કન્ટિન્યુ...’
જજે રીતસર તિરસ્કાર સાથે જોગલેકરને કહ્યું અને જોગલેકરે વાત આગળ વધારી.
‘મિસ ગાથાને કૉલેજ સમયથી જ બૉયફ્રેન્ડ્સ હતા અને એના પુરાવાઓ પણ તમારી સામે મૂકવામાં આવ્યા છે. પહેલા બૉયફ્રેન્ડની સાથે તેણે લાઇફમાં પહેલી વાર સેક્સ માણ્યું અને એ સેક્સને કારણે તે પ્રેગ્નન્ટ પણ...’
‘ઑબ્જેકશન મિલૉર્ડ...’ મહેશ જોષીનો ચહેરો તગતગતો હતો, ‘આપણે અહીં મારા અસીલે જે કેસ કર્યો છે એની ચર્ચા માટે મળ્યા છીએ. મારા અસીલની પર્સનલ લાઇફ વિશે ચર્ચા કરવા માટે નહીં.’
‘આ ચર્ચા એટલા માટે જરૂરી છે મિલોર્ડ...’ જોગલેકરે ગાથા સામે જોયું, ‘કેસ કરનારી વ્યક્તિ કયા સ્તરની છે એ તમારી સામે આવે... આપણે ત્યાં એક કહેવત છે કે સૌ ચૂહે ખાકર બિલ્લી હજ કો ચલી. અહીં પણ એવું જ દેખાય છે... બિલ્લી હજ કો ચલી... અને એ પણ મોર ધેન હન્ડ્રેડ માઉસ...’
‘આપણે ઉંદરની ગણતરી પછી કરીશું જોગલકેર, તમે અત્યારે તમારા અસીલની નિર્દોષતા સાબિત કરવામાં જે કંઈ કરી શકતા હો એ કરો તો કોર્ટ અને મારો બન્નેનો ટાઇમ બચે અને આપણે બીજું કંઈ પ્રોડક્ટિવ કામ કરીએ.’
‘ઍગ્રી મિલોર્ડ...’ 
જોગલેકરે હવે બાપુ ભગવાનજીની સામે જોયું. બાપુ ભગવાનજીના ચહેરા પર ચિરપરિચિત સ્માઇલ હતું.
‘આમ પણ મારા અસીલે આજે સાંજે એક સેમિનાર લેવા જવાનું છે, જેનો વિષય પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે : ગીતા અને લીડરશિપ.’
‘સાંજે તે સમયસર પહોંચે એ માટે તમારે અત્યારે બધું સમયસર પૂરું કરવું પડશે જોગલેકર...’
જજની ટકોર પછી ફરીથી જોગલેકર કેસ પર આવ્યા.
‘મિલૉર્ડ, અત્યાર સુધીમાં તમારી સામે અમે સાત પુરાવા એવા મૂક્યા છે જેનાથી સાબિત થાય છે કે મારા અસીલ બાપુ ભગવાનજી સંપૂર્ણપણે નિર્દોષ છે. આજે મેં આઠમું પ્રૂફ પણ આપ્યું કે બાપુ ભગવાનજી પુરુષાતન પણ ધરાવતા નથી. તેમણે શાસ્ત્રોના આધારે પોતાની કામવાસના પર પણ કાબૂ મેળવી લીધો છે, જે માત્ર માનસિક સ્તર પર નહીં પણ શારીરિક સ્તર પર પણ છે એટલે એ રીતે પણ શક્ય નથી...’
‘બાપુ ભગવાનજી અત્યારે કોર્ટમાં હાજર છે?’
ખબર હોવા છતાં પણ જજે એવી રીતે પૃચ્છા કરી જાણે કે તે જાણતા ન હોય.
‘હા મિલોર્ડ, ભારતીય સંવિધાનને તે સંપૂર્ણપણે માન આપે છે.’
‘તેમને હાજર કરવામાં આવે...’
બાપુ ભગવાનજી ઊભા થયા અને જાણે સભાસ્થળ હોય એમ ચારે દિશામાં નમસ્કાર કરીને તે કઠેડા તરફ આગળ વધ્યા. બાપુના એક ભાવિકે દોડીને બહાર સમાચાર આપ્યા અને જેવા સમાચાર બહાર ગયા કે બીજી જ ક્ષણે બહારથી બાપુ ભગવાનજીના નામનો જયજયકાર શરૂ થઈ ગયો. જાણે કે પોતે એ જયજયકારનો સ્વીકાર કરતા હોય રીતે બાપુએ બારીની બહાર પણ બે હાથ જોડી દીધા અને પછી ગાથા સામે જોઈને તેની સામે પણ હાથ જોડ્યા. બે હાથ જોડાયેલા હતા અને બન્ને આંખો ગાથા પર હતી, પણ બાપુના 
માનસપટ પર એ રાતનું દૃશ્ય તગતગવા માંડ્યું હતું.
માંસલ દેહ અને એના પર ભૂખ્યા વરુની જેમ તૂટી પડેલો બાપુ.
બાપુને જમણા હાથનો ખભો યાદ આવી ગયો, જેના પર ગાથાએ છૂટવા માટે તીવ્રતા સાથે બટકું ભરી લીધું હતું.
આહ... 

ક્રમશઃ

columnists Rashmin Shah gujarati mid-day