ધ ફ્રસ્ટ્રેશન (પ્રકરણ-૩)

02 August, 2023 07:55 AM IST  |  Mumbai | Rashmin Shah

‘આજે હાથ વધારે ધ્રૂજતો હશે... બાકી રોજ તો...’ વીણા હવે સ્વસ્થ હતી, ‘આવું બધું જોવાની આદત સાહેબ તમને હોય, અમે તો મરેલો વાંદો પણ જોઈ નથી શકતાં.’

ઇલસ્ટ્રેશન

‘બહુ બોલ્યાં, જરા પાણી પીઓ...’

અંધેરી પોલીસ-સ્ટેશનની ઇન્સ્પેક્ટરની ચેમ્બરમાં બેઠેલા સોમચંદે પાણીનો ગ્લાસ વીણા સામે ધર્યો.

‘હા, આમ પણ... ગરમી બહુ વધી ગઈ છે.’ વીણાએ પાણીનો ગ્લાસ હાથમાં લેતાં પહેલાં કહ્યું, ‘મગજમાંયે...’

વાક્ય અધૂરું છોડીને વીણાએ પાણીનો ગ્લાસ હોઠે માંડ્યો અને એકશ્વાસે એ પૂરો કર્યો અને ડિટેક્ટિવ સોમચંદ સામે જોયું. સોમચંદની નજર તેના પર સ્થિર છે એ જાણ્યા પછી અનાયાસ જ વીણાનો હાથ છાતી પર રાખેલી ચૂનીને સરખી કરવા તરફ ધસી ગયા.

‘તમને આ જે હાથમાં ધ્રુજારી આવે છે એ નાનપણથી છે કે પછી...’

‘એ તો સાહેબ, અત્યારે... આમ... આ બધું બની ગયું એમાં... બાકી કંઈ કાયમ...’

‘ઠીક છે, આ તો એમ જ પૂછ્યું...’ થોથવાતી વીણાના શબ્દોને સોમચંદે બ્રેક મારી, ‘બાકી શું, આ રીતે જો હાથ ધ્રૂજતો રહે તો ક્યારેક ઍક્સિડન્ટ થઈ જાય.’

‘આજે હાથ વધારે ધ્રૂજતો હશે... બાકી રોજ તો...’ વીણા હવે સ્વસ્થ હતી, ‘આવું બધું જોવાની આદત સાહેબ તમને હોય, અમે તો મરેલો વાંદો પણ જોઈ નથી શકતાં.’

lll

‘પેલી ઈંડાની લારીવાળાની પૂછપરછ કરીએ. કંઈક મળશે.’

‘કંઈ નથી મળવાનું...’ જવાબ આપવામાં સોમચંદે સહેજ પણ વિચારવાનો સમય નહોતો લીધો, ‘વીણા કંઈક વધારે જાણે છે અને મને તેના પર શક છે.’

‘તો તો ખાસ પૂછપરછ કરવી જોઈએ... તે વિના કારણ તો એવું નહીં જ બોલી હોય.’

‘બહુ ચાલુ બાઈ છે. તે કોઈને પણ ફસાવી દે એવી ઉસ્તાદ છે.’ સોમચંદે પાટીલ સામે જોયું, ‘નજર રાખવી હોય તો તેના પર રાખવી જોઈએ. બીજી વાત, તું માલતીના ઘરની આજુબાજુના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મળે તો ચેક કરવાનું કામ કર. શક્યતા ઓછી છે, પણ મને લાગે છે કે વીણાની અવરજવર કદાચ જોવા મળી જાય.’

‘તે તો કહે છે કે વીસેક દિવસથી તે બહેનના ઘરે ગઈ જ નથી.’

‘એટલે જ કહું છું કે વીણાનાં વિઝ્‍યુઅલ મળવાના ચાન્સિસ ઓછા છે, પણ ટ્રાય કરી લેવામાં કશું જતું નથી... બને કે આખી ઘટનાનો કોઈ જુદો ઍન્ગલ મળી જાય.’

lll

અંધેરી ઈસ્ટની શેર-એ-પંજાબ સોસાયટીમાં આવેલો માલતી શુક્લનો બંગલો જે કોઈ સીસીટીવી કૅમેરાથી કવર થઈ જતો હતો એ બધાં ફુટેજ પોલીસે કબજે કર્યાં અને એનો સ્ટડી શરૂ થયો, પણ એમાં કશું મળ્યું નહીં એટલે નિરાશ થઈને ઇન્સ્પેક્ટર પાટીલે સોમચંદને ફોન કર્યો.

‘અલ્યા, આમાં કશું નથી મળતું...’ પાટીલે ફરિયાદ કરી, ‘બધું નૉર્મલ ચાલે છે. મર્ડર થયાની સંભાવના જે દિવસની લાગે છે એના આગળના બે દિવસ પણ જોઈ લીધા અને પાછળના બે દિવસ પણ જોઈ લીધા. એવું કશું દેખાતું નથી.’

‘એક કામ કર...’ મીટિંગમાં બેઠેલા સોમચંદ શાહે દબાયેલા અવાજે કહ્યું, ‘આગળ-પાછળના બન્ને દિવસવાળાં ફુટેજ મને મોકલાવી દે, રાતે જોઈ લઉં છું...’

એ રાતે સોમચંદ સૂઈ નહોતા શક્યા.

સાવ અજાણતાં એવું બન્યું છે કે પછી જાણીજોઈને એવું કરવામાં આવે છે?

એકધારો મનમાં ચાલતો આ વિચાર અને એને શોધવા માટે મનમાં ચાલતા ઉદ્વેગ વચ્ચે સોમચંદે આખી રાત બીન-બૅગ પર પસાર કરી, પણ જવાબ મળ્યો નહીં એટલે તેમણે ઓશોના નિયમને અમલમાં મૂકી દીધો.

‘દબાવ ક્યું હમ લાએં, ઔર વો ભી અપને આપ પર... જહાં હો, જૈસે હો, જીસ હાલ મેં હો... બસ, મસ્ત રહો અને મસ્તી કે સાથ ઉસ વક્ત કા આનંદ લો.’

સોમચંદ આનંદ તો નહોતા લઈ શક્યા એ ક્ષણનો, પણ હા, તેમણે જાત પર દબાણ લાવવાને બદલે ઉષ્માસભર રીતે જાગીને એ આખી રાત પસાર કરી અને સવારે ૬ વાગ્યા સુધીમાં તો ફ્રેશ થઈ ઘરની બહાર પણ નીકળી ગયા.

સવાસાત વાગ્યા સુધીમાં તેઓ મુંબઈની સડક પર હતા અને ૧૦ વાગ્યે એ સ્થળે, જે સ્થળનાં વિઝ્‍યુઅલ્સે તેમની રાતની ઊંઘ ચોરી લીધી હતી.

‘અરે પાજી, યહાં પે એક અંડેવાલા ખડા રહતા હૈના?’

શેર-એ-પંજાબ સોસાયટી સામે આવેલા મિલ્ક-પાર્લરના કાઉન્ટર પર બેઠેલા સરદારજીને સોમચંદે પૂછ્યું કે તરત સરદારજીએ સામે જોયું.

‘અંડા અપને પાસ ભી હૈ... દેશી મરઘી કે હૈં...’

‘અરે અંડે નહીં ચાહિએ, ઉસી સે મિલના થા...’ સોમચંદે સ્ટોરી ઊભી કરી, ‘કલ રાત આયા થા તો મૈં મોબાઇલ ઉસકી લારી પે ભૂલ ગયા થા...’

સરદારજીએ સોમચંદને પગથી માથા સુધી ધ્યાનથી જોવાનું ચાલુ કર્યું.

સરદારજીની હરકત સોમચંદને અજુગતી લાગતી હતી, પણ એને રોકવાનો કોઈ રસ્તો નહોતો એટલે તેઓ ચૂપચાપ સરદારજી સામે જોતા રહ્યા,

‘સુબહ-સુબહ પી હૈ, યા રાત કી અભી તક ઊતરી નહીં?’

‘મૈં કુછ સમઝા નહીં...’

સોમચંદને વીંધી નાખતી નજર સાથે સરદારજીએ જવાબ આપ્યો,

‘ઉસ અંડેવાલે કો મરે ચાર દિન હો ગયે... ચાર દિન સે યહાં કોઈ નહીં આતા...’ સરદારજી અકળાયા હતા, ‘નિકલો, આ જાતે હૈં દિન ખૂલતે હી દિમાગ કા ભડથા બનાને... ચલ જા.’

સોમચંદ અવાચક હતા. તેમના મનમાં આખી ઘટનાનું કૅલ્ક્યુલેશન શરૂ થઈ ગયું હતું. વીણા પોલીસ-સ્ટેશન આવી અને તેણે ફરિયાદ કરી એ વાતને આજે પાંચ દિવસ થયા અને એ લારીવાળો ચાર દિવસ પહેલાં મર્યો. કોઈ કનેક્શન હોઈ શકે છે. હોય કે નહીં, પણ આ સંભાવનાને ચકાસી લેવામાં સાર છે.

‘પાજી... અસલ મેં મૈં...’ સોમચંદે જીન્સના પાછળના પૉકેટમાંથી આઇ-કાર્ડ કાઢ્યું, ‘પોલીસ ડિપાર્ટમેન્ટ મેં હૂં ઔર એક કેસ કી ઇન્ક્વાયરી ચલ રહી હૈ ઇસ લિયે...’

‘ઐસે બોલોના, બાત કરને સે કૌન મના કરતા હૈ...’ સરદારજી ફરી નૉર્મલ થયા, ‘ખોટું બોલનારા આપણને ગમતા નથી એટલે હવે જેકંઈ પૂછવું હોય એ બધું સાચેસાચું પૂછજો, બધા જવાબ સાવ સાચા આપીશ.’

સરદારજીએ આપેલા પ્લાસ્ટિકના સ્ટુલ પર સોમચંદે બેઠક લીધી કે તરત જ સરદારજીએ પૂછ્યું,

‘યે બોલો, ચાય પીની હૈ યા લસ્સી... હમારે યહાં કી લસ્સી બડી ફેમસ હૈ.’

‘અભી તો થોડા ખૂન પીઉંગા... ચાય ઔર લસ્સી મેરી જમા.’ સોમચંદે મોબાઇલ હાથમાં લઈને એમાંથી વિઝ્‍યુઅલ્સ કાઢ્યાં, ‘પાજી, આ જે લારી આવી રીતે થોડી વાર માટે ઊભી રહે છે એ દરરોજનું હતું કે પછી હમણાં-હમણાં જ...’

માથા પર રહેલી પાઘડી પર ચડાવી દીધેલાં બેતાળાં ચશ્માં આંખ પર ચડાવી સરદારજીએ વિઝ્‍યુઅલ જોવાનું શરૂ કર્યું અને આઠમી સેકન્ડે તેણે ફુટેજ અટકાવી દીધું.

‘અરે, યે તો અભી કુછ દિનોં સે ઉસને યે નાટક શુરુ કિયા થા.’ સરદારજી ઊભા થઈ દુકાનના દરવાજા પાસે ગયા અને સોમચંદને ત્યાં બોલાવ્યો, ‘આઓ ઇધર...’

સોમચંદ ગયો એટલે સરદારજીએ હાથથી દેખાડવાનું શરૂ કર્યું.

‘એ લારી અહીં ઊભી રહેતી. રાતે ધંધો પૂરો કરીને એ લારી મૂકીને જ જાય, પણ છેલ્લા એક મહિનાથી તે દરરોજ લારી લઈને પાછો જવા માંડ્યો હતો. રાતે લઈ જાય અને રોજ બપોરે આવે ત્યારે લારી સાથે લઈને આવે. આવું તેણે શું કામ શરૂ કર્યું હતું એની અમને કોઈને ખબર નહોતી. ઊલટું, અમે અને આ સામે છેને, એ સોસાયટીવાળાએ પણ કહ્યું કે તું નાહકનો હેરાન ન થા. લારી પહેલાંની જેમ અહીં રાખીશ તો ચાલશે, પણ માન્યો જ નહીં. કહે કે મન્નત છે એટલે દરરોજ સવારે ઘરે લારીની પૂજા કરવાની હોય છે.’

સોમચંદની આંખોમાં ચમક આવી ગઈ હતી.

‘લારી એ રસ્તાની વચ્ચે કેટલો વખત રાખતો?’

‘અરે બાત મત પૂછો...’ સરદારજીએ કહ્યું, ‘કરીબન પંદ્રહ-બીસ મિનિટ તક રખતા થા... જ્યાદા હોગા પર કમ તો બિલકુલ નહીં થા. રસ્તાની વચ્ચે લારી રાખે અને પછી પોતાની જગ્યાએ સાફસૂફી કરે. એકાદ-બે દિવસ તો કોઈ બોલ્યું નહીં. રસ્તા પર અહીં તો ટ્રાફિક પણ ઓછો હોય એટલે બીજાને વાંધો નહોતો, પણ પછી તો આ તેનું રોજનું થયું, પણ તે તો કોઈનું સાંભળે જ નહીં... બસ, પોતાની સફાઈ કરે અને પછી લારી ગોઠવીને ધંધો કરવા માંડે.’

સોમચંદે આસપાસ નજર દોડાવવાની શરૂ કરી.

સરદારજીના મિલ્ક-પાર્લરથી ડાયગ્નલી લેફ્ટ સાઇડ પર એક શૉપ હતી.

સરદારજીને કશું કહ્યા વિના કે પછી પૂછ્યા વિના સોમચંદ સીધો તેમની દુકાનેથી નીકળીને એ શૉપ પાસે પહોંચી ગયો.

એ શૉપ રસ્તાથી ઑલમોસ્ટ દોઢ ફુટ હાઇટ પર હતી. સોમચંદ દુકાનના ઓટલા પર ચડ્યા અને ચડીને તેમણે ઉપરની સાઇડ પર નજર કરી.

યસ...

સોમચંદની ધારણા સાચી પડી.

દુકાનના બોર્ડની નીચે સીસીટીવી કૅમેરા બેસાડ્યો હતો.

ફરીથી દુકાનના એ ઓટલા પરથી ઊતરીને સોમચંદ પોતાના મોબાઇલમાં રહેલાં સીસીટીવી કૅમેરાનાં ફુટેજ જોવામાં વ્યસ્ત થયા.

હા, આ જ ઍન્ગલનાં આ વિઝ્‍યુઅલ્સ છે.

મનમાં આવેલા અને અનુમાનથી નક્કી કરેલા આ તારણ પર જાતે જ આવી જવાને બદલે સોમચંદ જે શૉપનાં એ વિઝ્‍યુઅલ્સ હતાં એ દુકાનમાં દાખલ થયા.

‘ગઈ કાલે પોલીસ-સ્ટેશનમાંથી કોઈ આવ્યું હતું?’

‘તમે કોણ?’

સોમચંદે સીધું આઇ-કાર્ડ દેખાડ્યું. આ વખતે આઇ-કાર્ડ કાઢતી વખતે સોમચંદને મનોમન હસવું પણ આવ્યું હતું. મુંબઈ પોલીસનું નકલી ઓળખપત્રનો તે જેટલી વાર ઉપયોગ કરતો એટલો ઉપયોગ તો સાચી પોલીસ પણ નહીં કરતી હોય.

‘હા સર...’ શૉપકીપરે ચોખવટ પણ કરી, ‘બહારના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ એ લોકો લઈ ગયા.’

‘મારે એક વાર જોવાં હોય તો...’

‘છે, તેમણે કૉપી કર્યાં હતાં એટલે હજી ફુટેજ તો છે...’

‘દેખાડો, પ્લીઝ...’ સોમચંદ કાઉન્ટરની અંદરની સાઇડ પર આવી ગયા, ‘જલદી...’

કમ્પ્યુટર સ્ક્રીન પર બ્લૅક ઍન્ડ વાઇટ ફુટેજ શરૂ થયાં.

શૉપનું લોકેશન એક્ઝૅક્ટ જે જગ્યાએ હતું ત્યાંથી શેર-એ-પંજાબ સોસાયટીના પહેલા બંગલામાં દાખલ થવાનો એન્ટ્રન્સ ક્રૉસમાં દેખાતો હતો. મતલબ કે કોઈ એ ઘરમાં દાખલ થાય તો એ વિઝ્‍યુઅલ આ શૉપના સીસીટીવી કૅમેરામાં આવે જ આવે એટલે બને કે એ ઘરમાં દાખલ થનાર વ્યક્તિએ જ ઈંડાવાળા હુસેનને તૈયાર કર્યો હોય અને એવી રીતે લારી મુકાવવાની શરૂ કરી હોય જેથી પોતે એ ઘરમાં દાખલ થાય અને કોઈને ખબર ન પડે અને સાથોસાથ તે આ સીસીટીવી કૅમેરામાં પણ ન આવે.

‘તું હુસેનને ઓળખે છે?’

‘કૌન? વો અંડાવાલા...’ સોમચંદે હા પાડી એટલે તરત શૉપકીપરે કહ્યું, ‘હા, સબ પહચાનતે થે ઉસે... અચ્છા બંદા થા.’

‘હંઅઅઅ...’

‘સા’બ, ઉસકા ભી કુછ હુઆ ક્યા?’ શૉપકીપરની વાતમાં સહાનુભૂતિ હતી, ‘ઉસકા તો નૅચરલ ડેથ હૈના...’

‘અભી તો...’ સોમચંદે ઊંડો શ્વાસ લીધો, ‘ઐસા હી લગતા હૈ... દેખતે હૈં આગે.’

‘પાટીલ, રિસ્ક લેવું છે?’ શેર-એ-પંજાબથી નીકળ્યા પછી સોમચંદે પહેલો ફોન ઇન્સ્પેક્ટર સચિન પાટીલને કર્યો હતો, ‘કાં તો સીધી લૉટરી અને કાં તો માછલાં ધોવાય એની તૈયારી...’

‘ટ્રિપલ મર્ડરમાં માછલાં તો આમ પણ ધોવાય છે તો પછી રિસ્ક લઈ જ લઈએ.’

‘પક્કા ના...’

‘ફેવિકૉલ કી જોડ સા...’

‘તો ઉપાડી લે વીણાને ત્રણ મર્ડર અને એક વ્યક્તિ પાસે સુસાઇડની સિચુએશન ઊભી કરાવવાના કેસમાં...’

‘વૉટ?!’ પાટીલની આંખો ફાટી ગઈ હતી, ‘સગી બહેન અને સગાં ભાણેજોનાં મર્ડરમાં?! આર યુ ડ્રન્ક સોમચંદ?’

‘ઍક્ચ્યુઅલી, બાર જ શોધું છું.’ સોમચંદે કહ્યું, ‘પીવાનો જ છું, પણ જીતની ખુશીમાં...’

રિક્ષાવાળાએ રિક્ષા ઊભી રાખી એટલે સોમચંદે ડ્રાઇવરને સૂચના આપી દીધી,

‘લિન્ક રોડ... સોશ્યલ ક્લબ.’

રિક્ષા આગળ વધી એટલે સોમચંદે ફરી મોબાઇલ પર કૉન્શન્ટ્રેશન કર્યું.

‘વીણાને એટલું જ કહેજે કે આરોપીઓ પકડાઈ ગયા છે. જો વધારે કશું બોલ્યો તો એ લેડી તને પણ ઊઠાં ભણાવી દેશે.’ વાત પૂરી કરતાં પહેલાં સોમચંદે કહ્યું, ‘બહુ મોટી માયા છે એ લેડી.’

 

વધુ આવતી કાલે

columnists Rashmin Shah