ટમૅટો સૂપ - વાત સ્વાદની નહીં, પરીક્ષાની (પ્રકરણ ૫)

20 September, 2024 08:08 AM IST  |  Mumbai | Rashmin Shah

મહેશ આખો દિવસ સારો રહેતો, પણ એક વખત તેના પેટમાં દારૂ જાય પછી તે રાક્ષસ થઈ જાય

ઇલસ્ટ્રેશન

‘આવો આવો મૅડમ... તમારી જ રાહ જોતા બેઠા છીએ...’

રિદ્ધિ આવી કે તરત કૉન્સ્ટેબલ દિવાકર ચેર પરથી ઊભો થયો.

‘અચાનક કેમ બોલાવી?’

રિદ્ધિનું અચરજ ખોટું નહોતું. સવારના જ દિવાકરે તેને ફોન કરીને પોલીસ-સ્ટેશને આવવાનું કહી દીધું હતું. રિદ્ધિએ કારણ પૂછ્યું તો એની ચર્ચા પણ દિવાકરે ફોનમાં ટાળી દીધી અને માત્ર એટલું કહ્યુંઃ ‘તમારા લાભની વાત છે, રૂબરૂ કહીશ.’

‘કહી દીધું છેને તમને, તમારા લાભની વાત છે.’ દિવાકરે રિદ્ધિના કાનની નજીક જઈને ચોખવટ પણ કરી, ‘અમારો પણ લાભ જોડાયેલો છે.’

‘ઇન્શ્યૉરન્સની મૅટરમાં...’

‘સમજો, એ જ કામ છે.’ દિવાકરે હાથના ઇશારે ઇન્સ્પેક્ટર પંડિતની ચેમ્બરનો દરવાજો દેખાડ્યો, ‘આવો, સાહેબ રાહ જ જુએ છે.’

રિદ્ધિએ ચેમ્બરમાં પગ મૂક્યો ત્યારે તેને ક્યાં ખબર હતી કે હવે તે ક્યારેય બહારની દુનિયા જોઈ નથી શકવાની.

lll

‘મૅડમ, તમે છેલ્લા કેટલા સમયથી હૉસ્પિટલમાં બિઝી છો?’

‘ઑલમોસ્ટ છ મહિના. તમે જુઓને... માર્ચની ૨૨મીએ...’

‘સિક્સ મન્થ...’ પંડિતે વાત કાપતાં કહ્યું, ‘આ છ મહિનામાં હૉસ્પિટલમાં તો મહેશની હેલ્થ જોવા માટે બહુબધા લોકો આવ્યા હશે નહીં?’

‘હા, બધા ફૅમિલી મેમ્બર્સ...’ રિદ્ધિ ચોખવટ સાથે કહ્યું, ‘ફ્રેન્ડ્સ પણ. સોસાયટીમાં રહેતા લોકો પણ આવી ગયા.’

‘હં...’ ઇન્સ્પેક્ટર પંડિતે પૂછી લીધું, ‘બિરજુ જોષી આવ્યો કે નહીં?’

રિદ્ધિનો ચહેરો સફેદ પૂણી જેવો થઈ ગયો.

‘તે... તે કોણ?’

‘તમારો જિમ ટ્રેઇનર. તમારે તો તેની સાથે બહુ સારું ટ્યુનિંગ હતુંને? તે નથી આવ્યો તમારા મિસ્ટરની હેલ્થ જોવા.’

‘ના...’ સ્વસ્થતા જાળવવાની કોશિશ કરતાં રિદ્ધિએ કહ્યું, ‘અમારે એવા કોઈ ફૅમિલી રિલેશન પણ નહોતા. તે તો જસ્ટ મારો ટ્રેઇનર છે, આઇ મીન હતો... પોતે કામમાં બિઝી હશે.’

‘હં...’ ઇન્સ્પેક્ટર પંડિતે બૉમ્બ ફોડ્યો, ‘૨૨ માર્ચથી, આઇ મીન તમારા હસબન્ડ સાથે જે ઘટના ઘટી એ દિવસથી તમારો તે જિમ ટ્રેઇનર જૉબ પર ગયો નથી.’

‘હશે... મે બી કો-ઇન્સિડન્ટ.’ રિદ્ધિએ કવર-અપ કરતાં કહ્યું, ‘આમ પણ તેને બીજેથી સારી ઑફર હતી એવું તે

કહેતો હતો.’

‘હં... એટલે ઘર પણ ચેન્જ કરી નાખે?’ રિદ્ધિની ફાટેલી આંખોને વધારે ફાડવાનું કામ ઇન્સ્પેક્ટર પંડિતે કર્યું, ‘તેનું ઘર ૨૨ માર્ચથી બંધ છે જે તેણે ખાલી કરી નાખ્યું છે.’

‘હશે...’

‘ના, હશે નહીં છે... છે એટલે તો કહું છું. હવામાં કોઈ વાત નથી કરતો.’

‘સો વૉટ. મારે શું લેવાદેવા આ બધી વાતોથી?’

‘એ જ તો તાળો મેળવવાની ટ્રાય કરું છું, પણ મળતો નથી એટલે મને થયું કે હું તમારી સાથે બેસીને એ ઉકેલવાની ટ્રાય કરું.’ રિદ્ધિ ચૂપ રહી એટલે પંડિતે નવી ગૂગલી ફેંકી, ‘બે દિવસ પહેલાં જ કર્જત પાસેથી લાશના ટુકડા મળ્યા... સાવ બળી ગયેલી બૉડી હતી. બૉડી સળગતી હશે ત્યારે જંગલી પ્રાણી આવીને એમાંથી ટુકડો ખેંચી ગયો. જે બોલો, એમ ને એમ જ જંગલમાં રઝળતો હતો.’

પંડિતના હાથ ટેબલ પર ફરતા હતા. કેટલાક ફોટો હાથમાં લીધા અને પછી એક ફોટો રિદ્ધિ તરફ તેણે રીતસર સરકાવ્યો.

‘જુઓ, એ પ્રાણી શું લઈને ભાગ્યું હતું?’

‘મારે નથી જોવું એવું કંઈ...’ રિદ્ધિ હવે અકળાઈ, ‘મારું શું કામ છે એ કહેશો. મારે હૉસ્પિટલમાં જવાનું છે, યુ નો...’

‘યસ, આઇ નો... ઈચ ઍન્ડ એવરીથિંગ.’ પંડિતે રિદ્ધિને કહ્યું, ‘તમે એક વાર ફોટો જુઓ, પછી ફ્રી...’

‘પ્લીઝ સર, મારે એવું બધું નથી જોવું...’ રિદ્ધિએ કહી પણ દીધું, ‘તમે મને ખોટી હેરાન કરો છો.’

‘ફોટો જુઓ, હેરાનગતિ

નીકળી જશે.’

રિદ્ધિની અનાયાસ જ ફોટો પર નજર પડી અને તેની રહીસહી હિંમત તૂટી ગઈ.

ફોટોમાં અડધો બળેલો હાથ હતો, જેના કાંડા પર સિગ્નેચરનું ટૅટૂ હતું.

રિદ્ધિ ક્ષણવારમાં એ સિગ્નેચર ઓળખી ગઈ.

‘હવે માંડીને વાત તમે કરશો કે પછી હજી મારે બોલવાનું છે?’ ઇન્સ્પેક્ટર પંડિતે કહ્યું, ‘હવે હું બોલીશ તો જીભની સાથે-સાથે મારો હાથ પણ બોલશે ને તમારા પર તો મારાથી હાથ ઉપાડી શકાય નહીં. યુ સી, તમે લેડી છો. કોર્ટમાં કંઈ આડુંઅવળું બોલી નાખો તો મારી તો જૉબ તકલીફમાં મુકાઈ જાય, પણ...’

ડિંગ ડોંગ.

રિદ્ધિના કાનમાં બેલનો અવાજ અથડાયો. દસ સેકન્ડમાં તેની પીઠ પાછળ રહેલો દરવાજો ખૂલ્યો અને છ ફુટ હાઇટની હટ્ટીકટ્ટી લેડી કૉન્સ્ટેબલ ચેમ્બરમાં દાખલ થઈ.

‘જોઈ લો એક વાર આમને...’ પંડિતે ઓળખાણ કરાવી, ‘લેડી કૉન્સ્ટેબલ તાવડે. વેઇટલિફ્ટિંગમાં ૮૦ કિલોમાં ચૅમ્પિયન છે. હાથ પણ સહન નહીં થાય ને લાત પણ...’

ગાલ પર આવી ગયેલાં આંસુ લૂછવાની તસ્દી પણ રિદ્ધિએ લીધી નહીં.

lll

‘મહેશ આખો દિવસ સારો રહેતો, પણ એક વખત તેના પેટમાં દારૂ જાય એટલે પછી તે રાક્ષસ થઈ જાય. કોઈનું સાંભળે નહીં, એકદમ વિકૃત બની જાય. મારામારી પણ કરે અને મારી પાસે ખરાબ કામ પણ કરાવે.’

‘ખરાબ કામ એટલે... બીજા પાસે મોકલે?’

‘ના, મને આખા ઘરમાં કપડાં કાઢીને ફરવાનું કહે. તેનું ન માનું તો મારઝૂડ કરે. મારઝૂડ પણ સહન કરી લઉં તો છોકરાઓને જગાડીને તેમને હેરાન કરવાનું ચાલુ કરે...’ રિદ્ધિની આંખોમાં આંસુ હતાં, ‘વર્ષો સુધી તેનું આ જ રૂટીન સહન કર્યું, પણ વાત ત્યારે વધી ગઈ જ્યારે તેને હું ગમતી બંધ થઈ ગઈ. તેની ખુશી માટે, તેને હું ગમતી રહું એ માટે તેણે જ મારી પાસે જિમ જૉઇન કરાવ્યું અને ત્યાં મારો કૉન્ટૅક્ટ બિરજુ સાથે થયો. બિરજુ બહુ પ્રેમાળ, ફીમેલની પૂરેપૂરી રિસ્પેક્ટ કરે. ધીમે-ધીમે મને તેના પ્રત્યે આકર્ષણ થવા માંડ્યું. સાહેબ, મને મહેશ ગમ્યો તો ક્યારેય નહોતો, પણ તે મારા ઘરને ફાઇનૅન્શિયલ હેલ્પ કરતો એટલે હું ચૂપચાપ ચલાવી લેતી.’

‘બિરજુ... તમને અટ્રૅક્શન થયું પછી...’

‘ઑનેસ્ટલી કહું તો મેં મારી જાતને બહુ કન્ટ્રોલમાં રાખી, પણ અટ્રૅક્શન વધતું ગયું એટલે એક વખત મેં એક સેક્સોલૉજિસ્ટની સલાહ લીધી. તેણે ઍડ્વાઇઝ આપી કે ફિઝિકલ રિલેશનમાં આગળ વધો. તેનું કહેવું હતું કે જો અટ્રૅક્શન હશે તો વાત પૂરી થઈ જશે અને જો પ્રેમ હશે તો તમારા રિલેશન કન્ટિન્યુ રહેશે... અમે, અમે એ પછી બધી રીતે આગળ વધ્યાં. મહેશ ઘરેથી નીકળી જાય પછી તે સીધો સાંજે જ આવતો. વચ્ચે તેનો ફોન પણ

ન આવે એટલે મને બીજી બધી ફ્રીડમ હતી. અમે ફિઝિકલ રિલેશન સાથે હસબન્ડ-વાઇફની જેમ જ રહેવા માંડ્યાં; પણ મને સમજાવા માંડ્યું કે એ મારું અટ્રૅક્શન નહોતું, અમારો પ્રેમ જ હતો.’

બોલતાં-બોલતાં રિદ્ધિનું ગળું સુકાવા માંડ્યું એટલે પંડિતે પાણીનો ગ્લાસ તેના તરફ લંબાવ્યો. પાણીએ રિદ્ધિને આશ્વાસન આપવાનું કામ પણ કર્યું અને સ્વસ્થતા આપવાનું કામ પણ.

‘મહેશ મને કોઈ કાળે ડિવૉર્સ આપે નહીં અને મારા ફૅમિલીવાળા પણ ડિવૉર્સ લેવા ન દે એટલે મેં પ્લાન બનાવ્યો કે મહેશ પણ અકબંધ રહે અને તેની જગ્યાએ બિરજુ ઘરમાં આવી જાય.’

હવે આંખો ઇન્સ્પેક્ટર પંડિતની પહોળી થઈ.

lll

‘બેસ્ટ પ્લાન છે બિરજુ, તું મારી વાત માન...’

‘તું શું બોલે છે એનું તને ભાન છે?!’

બિરજુ ધ્રૂજી ગયો હતો. રિદ્ધિ આવી શાતિર બની શકે એ વાત તેને માનવામાં નહોતી આવતી.

‘હા, બધી ખબર છે અને તું આર્ગ્યુમેન્ટ નહીં કર... બધી મારી જવાબદારી.’

lll

‘નક્કી કર્યા મુજબ મેં પહેલાં મારાં બન્ને બાળકોને અમદાવાદ મારાં મમ્મી-પપ્પાને ત્યાં મોકલ્યાં અને પછી હું મહેશને લઈને કર્જતના અમારા ફાર્મહાઉસ પર પહોંચી, જ્યાં બિરજુ પહેલેથી સંતાયેલો હતો. સાંજે સાત વાગ્યે મહેશની દારૂની ઘંટડી વાગી ગઈ એટલે તેણે પીવાનું શરૂ કર્યું અને એક આખી બૉટલ પી ગયો. એ રાતે મહેશ જે કરે એ બધું મારે ચલાવવાનું હતું. મારે એક જ કામ કરવાનું હતું, મહેશ પીને ઢીમ થઈ જાય. એક બૉટલ પર એકાદ પેગ પીને મહેશ બેહોશ થઈને લવારી કરતો સૂઈ ગયો એટલે મેં બિરજુને બોલાવ્યો. બિરજુની ત્યારે પણ હિંમત ચાલી નહીં એટલે મહેશના મોઢા પર તકિયો મૂકીને તેનો શ્વાસ રોકવાનું કામ...’

‘પછી તમે લાશ બાળવા માટે જંગલમાં ગયાં...’

‘હા, લાશ ૭૦ ટકા જેટલી સળગી ગઈ એટલે અમે ત્યાંથી નીકળી ગયાં, પણ અમને ખબર નહોતી કે અમારી ગેરહાજરીમાં જંગલી પ્રાણી આવીને લાશમાંથી...’

‘એ જ ભાગ લઈને ભાગી ગયું જેના પર મહેશે પોતાના ઑટોગ્રાફનું ટૅટૂ કરાવ્યું હતું અને તપાસ કરતાં અમને ખબર પડી કે હૉસ્પિટલમાં મહેશ નહીં, કોઈ બીજું છે...’ વાતનો તંતુ જોડતાં પંડિતે કહ્યું, ‘તે કોણ છે, બિરજુ?’

‘જી...’ રિદ્ધિએ વાત આગળ વધારી, ‘૨૧ માર્ચે મહેશને રજા આપી બીજી સવારે મારે બિરજુને તેનો ફેસ સળગાવવા માટે સમજાવવાનો હતો, જેના માટે નૅચરલી તે તૈયાર નહોતો એટલે મેં તેને ઍનેસ્થેસિયા આપ્યું અને પછી મારા હાથે તેનો ફેસ સળગાવ્યો. અમારી વાત ક્લિયર હતી કે બધું પાર પડી જાય પછી બિરજુને મહેશનો લુક આપીને બધા વચ્ચે ઇન્ટ્રોડ્યુસ કરી દેવો અને પછી ફૉરેન સેટલ થઈ જવું, પણ... ખબર નહીં કેમ...’

‘અમને ખબર પડી એમ જને?’ ઇન્સ્પેક્ટર પંડિતે કહ્યું, ‘એ પણ કહું, પણ પહેલાં મને એ કહો કે જે મહેશ તમને ગમતો નહોતો એ જ ચહેરો તમારા બૉયફ્રેન્ડને આપીને શું તમે આખી લાઇફ સાથે રહી શક્યાં હોત.’

‘...’

રિદ્ધિ પાસે એનો કોઈ જવાબ નહોતો એટલે પંડિતે જ તરત ચોખવટ કરી.

‘મહેશનાં ઇન્વેસ્ટમેન્ટ્સમાં તમને એટલો જ રસ હતો જેટલો બિરજુમાં તમને ઇન્ટરેસ્ટ હતો.’ પંડિતે ટેબલ પર પડેલાં પેપર્સમાંથી એક પેપર હાથમાં લીધું, ‘ચાર બૅન્કમાં મહેશનાં અકાઉન્ટ્સ છે, જેમાં મહેશે બાર કરોડની ફિક્સ્ડ ડિપોઝિટ મૂકી છે. આ ઉપરાંત મહેશ પાસે બાર પ્લૉટ છે, લોનાવલામાં એક ફાર્મ છે અને પાલનપુર પાસે પણ તેની ખેતીની જમીન છે. આ બધાની કિંમત, અંદાજે કિંમત થાય સો કરોડથી પણ વધારે એટલે ક્લિયર છે કે તમે મહેશને ડિવૉર્સ એ કારણે પણ આપવા રાજી નહોતાં.’

રિદ્ધિ ચૂપ રહી એટલે પંડિતે બાજુમાં બેઠેલી લેડી કૉન્સ્ટેબલ માલતી તાવડેને ઇશારો કર્યો અને તાવડેએ રિદ્ધિનું બાવડું પકડીને તેને ઊભી કરી.

‘તમારો જોડીદાર પણ તમારી સાથે અંદર આવશે, પણ એ માટે પહેલાં મેડિકલ ફૉર્મલિટીઝ કરવી પડશે; પણ એ થઈ જશે. હવે તેના જીવને જોખમ નથી એટલે કોર્ટ પરમિશન આપી દેશે, પણ હવે તે બિચારાની પ્લાસ્ટિક સર્જરી નહીં થાય.’ પંડિતના ચહેરા પર સ્મિત હતું, ‘તેણે આખી જિંદગી તેના આ કદરૂપા ચહેરા સાથે રહેવું પડશે. બસ, એક ભૂલના કારણે કે તે કોઈ મૅરિડના પ્રેમમાં પડ્યો હતો જે પ્રેમ અને પૈસો સાથે મેળવવાની લાયમાં પોતાના જ બૉયફ્રેન્ડની જિંદગી બરબાદ કરતી ગઈ.’

તાવડેએ હાથ ખેંચ્યો એટલે રિદ્ધિએ પગ ઉપાડ્યો, પણ એ પગ દરવાજા પાસે આવીને ઊભા રહી ગયો.

‘મહેશનો હાથ મળ્યો એટલે તમને આ બધું ક્લિયર થયું?’

‘ના...’ ઇન્સ્પેક્ટર પંડિતે જવાબ આપ્યો, ‘ટમૅટો સૂપને કારણે... ગેમ આખી તમે બરાબર ચલાવી, પણ ગેમ ઑપરેટ કરવામાં તમે ભૂલી ગયા કે બિરજુને ટમૅટોની ઍલર્જી છે. ચુસ્ત બ્રાહ્મણ એવા બિરજુને કોઈએ નાનપણમાં ટમૅટો સૂપના નામે બકરાનું વઘારેલું લોહી પીવડાવી દીધું હતું. એ દિવસ પછી ટમૅટો સૂપ જોતાં જ મહેશને સાઇકોલૉજિકલી અટૅક આવે છે અને તમારાં સાસુએ એ દિવસે તેને અટૅક આપી દીધો, જે અટૅક તમને પણ ઝાટકો આપી ગયો... ટમેટો સૂપ સ્વાદનું કામ નહીં, પરીક્ષા લેવાનું કામ કરી ગયો.’

(સમાપ્ત)

columnists Rashmin Shah