ટમૅટો સૂપ - વાત સ્વાદની નહીં, પરીક્ષાની (પ્રકરણ ૪)

19 September, 2024 07:38 AM IST  |  Mumbai | Rashmin Shah

લાશ સળગતી હશે ત્યારે કોઈ જંગલી પ્રાણી આવીને એમાંથી એકાદ ટુકડો ખેંચી ગયું હશે

ઇલસ્ટ્રેશન

‘આપો, ટમૅટો સૂપ આપી શકાય, પણ એમાં કોઈ જાતની તીખાશ નહીં અને નમક પણ સાવ નામ પૂરતું...’

ડૉક્ટરની પરમિશન સાથે જ્યોત્સ્નાબહેનની આંખમાં આંસુ આવી ગયાં. દીકરાને છ મહિના પછી પોતાના હાથનું ફૂડ મળવાનું હતું અને એમાં પણ તેનો ફેવરિટ ટમૅટો સૂપ. જ્યોત્સ્નાબહેનની આંખ સામે ઍક્સિડન્ટ પહેલાંના બધા દિવસો આવી ગયા.

lll

‘તને ખબર તો છે રિદ્ધિ, તેને ટમૅટો સૂપ વિના નથી ચાલતું.’ ઘરમાં થયેલા નાના કજિયાની વાત ખબર પડ્યા પછી જ્યોત્સ્નાબહેને પુત્રવધૂને ફોન કર્યો હતો, ‘નાનપણથી કોણ જાણે એવું તે શું થ્યું છે કે રોજ તેને ટમૅટો સૂપ પીવા જોઈએ. ત્યાં સુધી તેનો દિવસ પૂરો ન થાય. સમજણો થયા પછી સ્વાદ પર કાબૂ કરતો થયો, પણ મુંબઈ જઈને પાછો હતો એવો જ થઈ ગયો. ટમૅટો સૂપથી જ દિવસની શરૂઆત થાય ને રાતે છેલ્લે પણ સૂપ પીવા જોઈએ ને એય ટમૅટો સૂપ.’

‘હા, પણ મમ્મી, ટમેટાં બગડી ગ્યાં હોય તો શું કરવાનું?’ રિદ્ધિ હજી નારાજ હતી, ‘હવે કંઈ પાંચ-દસ વર્ષના તો નથી કે જોઈએ એટલે જોઈએ...’

‘હું પણ સમજું છું દીકરી, પણ સાચું કહું તો રાજી પણ થાઉં કે છોકરો આવી વાત માટે જીદ છે.’ દીકરાની રોજની આદતથી અજાણ એવી મા બોલી, ‘ધાર કે દારૂડિયો થયો હોત ને રોજ બાટલી માટે રાડારાડી કરતો હોત તો તેને પણ નુકસાન અને ઘરનાઓ પણ પાયમાલ, પણ આ તો છોકરો એવું માગે છે જેને પહોંચી વળાય...’

સામેથી જવાબ આવ્યો નહીં એટલે જ્યોત્સ્નાબહેને વાત આગળ વધારી.

‘જોને, આ ટમેટાંને કારણે તો મારો દીકરો છેય કેવો લાલ ટમેટા જેવો. જઈને એક વાર તેનું લોહી ચેક કરાવજે, હીમોગ્લોબિનનો ઢગલો થાશે.’

‘હં...’

‘જો, મેં વાત કરી લીધી છે તેની સાથે. હવે તને ફોન કરશે અને માફી પણ માગશે. આવડી અમસ્તી વાતમાં ઘરની લક્ષ્મી પર હાથ ન ઉપાડાય એય મેં તેને કીધું છે; પણ બેટા, તુંય વાતને ખેંચતી નહીં.’ જ્યોત્સ્નાબહેને પ્રેમપૂર્વક સમજાવ્યું, ‘ઘર હોય ત્યાં વાસણ ખખડે ને તમારા ઘરમાં તો વાસણ ખખડવાનુંય મેં તો આજ સુધી સાંભળ્યું નહોતું એટલે હું તો રાજી કે મારો મહેશ ને રિદ્ધિ સૌથી સુખી...’

જ્યોત્સ્નાબહેનનો અવાજ સહેજ ભીનો થયો કે તરત રિદ્ધિમાં રહેલી આદર્શ પુત્રવધૂ જાગી...

‘અરે, તમે ઢીલા નહીં પડો મમ્મી. અમે સુખી જ છીએ.’ રિદ્ધિએ કહ્યું, ‘હવેથી આવું ક્યારેય નહીં બને એની હું ગૅરન્ટી આપું છું.’

‘મારી દીકરી બહુ ડાહી...’

મમ્મીએ ફોન મૂક્યો અને રિદ્ધિએ અછત વચ્ચે પણ માર્કેટમાંથી ચાર કિલો ટમેટાં શોધી લીધાં. એ દિવસ અને આજની ઘડી, મહેશના ફેવરિટ કહો તો ફેવરિટ ને લત ગણો તો લત, ટમૅટો સૂપ તેને ઘરમાં મળવા માંડ્યો; પણ ઍક્સિડન્ટ પછી...

lll

હવે પહેલી વાર મહેશ ટમૅટો સૂપ પીવાનો હતો.

ગળાની સર્જરી થયાના એક વીક પછી પહેલાં મહેશને પાણી આપવાનું શરૂ થયું. ઇન્ફેક્શન થયું નહીં એટલે ધીમે-ધીમે પરમિશનમાં આઇટમ ઉમેરાવાની શરૂ થઈ અને આજે પહેલી વાર ગરમ આઇટમ આપવાની વાત આવી, જે સાંભળીને જ્યોત્સ્નાબહેને ડૉક્ટરને ટમૅટો સૂપનું પૂછ્યું. ડૉક્ટરે હા પાડી કે તરત જ્યોત્સ્નાબહેન ઊભાં થઈ ગયાં.

‘હું જાઉં છું ઘરે. હું જ બનાવીને લેતી આવું.’

‘અરે, આપણે બહારથી મગાવી લઈએને, તમે શું કામ હેરાન...’

‘ગાંડી થઈ છો, દીકરા માટે મા હેરાન થાય?’ રિદ્ધિની વાત કાપતાં જ્યોત્સ્નાબહેને કહ્યું, ‘તું બેસ, હું હમણાં તેના માટે એ જ સૂપ બનાવીને લઈ આવું જે તે નાનો હતો ત્યારે પીતો. નામનીયે તીખાશ નહીં ને ખટાશ પણ ભાંગી જાય એવો...’

રિદ્ધિ કંઈ વધારે કહે એ પહેલાં તો જ્યોત્સ્નાબહેને પર્સ હાથમાં લીધું અને નાના દીકરા પ્રકાશની સામે જોયું.

‘ઊભો થા, ફટાફટ જઈને સટાસટ પાછા આવીએ...’

મૂંગા મોઢે પ્રકાશ માની પાછળ બહાર નીકળ્યો અને રિદ્ધિ તે

બન્નેને જતાં જોતી રહી. રિદ્ધિને ફરી વાર એ જ વિચાર મનમાં આવ્યો જે તેને પ્રકાશને જોતી વખતે હંમેશાં મનમાં આવતો.

આ માણસને બોલ્યા વિના કેમ ચાલતું હશે?

દિવસમાં માંડ બે વાક્ય બોલતો પ્રકાશ મુંબઈ આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં રોકડાં પાંચ વાક્ય પણ બોલ્યો નહીં હોય.

ધન્ય છે આ માણસની બૈરીને જે આના જેવા નીરસ માણસની સાથે રહી શકે છે.

રિદ્ધિએ મસ્તક ખંખેરીને મનગમતા વિચારોની દિશામાં ધ્યાન પોરવ્યું અને આંખો બંધ કરી. રિદ્ધિની બંધ આંખોમાં ભૂતકાળનાં એ દૃશ્યો આવી ગયાં જેને ભવિષ્ય બનાવવા માટે તેણે બહુ મોટું જોખમ લીધું હતું. રિદ્ધિએ મનોમન એ દૃશ્યોને વાગોળવાનું શરૂ કર્યું.

lll

‘તમે... તમે ક્યારે આવ્યા?’

આવીને ચૂપચાપ બાજુમાં બેસી ગયેલા કૉન્સ્ટેબલ દિવાકરને જોઈને રિદ્ધિ સહેજ ઝબકી ગઈ.

‘દસ મિનિટ થઈ, તમે સૂતાં હતાં એટલે મને થ્યું કે ભલે મૅડમ આરામ કરે.’ દિવાકરે કાચના રૂમની અંદર નજર કરી, ‘કેમ છે સાહેબને?’

‘હવે સારું છે.’ મેડિકલ રિપોર્ટ આપતાં રિદ્ધિએ કહ્યું, ‘ધીમે-ધીમે ફૂડ આપવાનું વધારતા જાય છે. લાગે છે કે કદાચ દસેક દિવસમાં પ્લાસ્ટિક સર્જરીનું નક્કી થશે.’

‘એટલે હજી હૉસ્પિટલમાં જ રહેવાનું?’

‘હં...’ હકારમાં માથું નમાવતાં રિદ્ધિએ કહ્યું, ‘કદાચ એકાદ મહિનો. જો કોઈ કૉમ્પ્લિકેશન ન આવે તો.’

‘અરે, એકેય વાંધો નહીં આવે મૅડમ... ફિકર નૉટ. બધું પર્ફેક્ટ થશે, જોજો તમે.’

રિદ્ધિએ સહેજ માંદલું સ્માઇલ કરતાં દિવાકરની સામે જોયું. દિવાકરની આંખોમાં રહેલી વાસના જોઈને તે સમજી ગઈ કે તે આંખો ઠંડી કરવા આવ્યો છે, પણ અનફૉર્ચ્યુનેટલી તેણે આજે એવાં કપડાં પહેર્યાં નહોતાં કે આંખોને સાંત્વન મેળવવાની દિવાકરની ઇચ્છા પણ પૂરી કરે અને જાણકારી મેળવવાની પોતાની લાલસા પણ. અલબત્ત, દિવાકરે તેની ઇચ્છા તરત જ પૂરી કરી દીધી.

‘ક્યાંય વાત જાય નહીં મૅડમ, અંદરના સમાચાર છે...’

રિદ્ધિ ઇરાદાપૂર્વક એટલી નજીક આવી જેનાથી દિવાકર તેના ગાલ પર પોતાનો ઉચ્છવાસ છોડી શકે. વિકૃતને વિકારનો આછો સરખો આસ્વાદ પણ તૃપ્ત કરી જતો હોય છે.

‘એકાદ-બે દિવસમાં તમારો કેસ બંધ થાય છે.’

‘કન્ફર્મ?’ પુછાઈ તો ઉત્સાહ સાથે ગયું, પણ પછી તરત જ ઉત્સાહને કાબૂમાં કરતાં રિદ્ધિએ કહ્યું, ‘કોણે

તમને કહ્યું?’

‘આઇઓએ...’ બોલી લીધા પછી દિવાકર સમજી ગયો કે આ ભાષા રિદ્ધિને નહીં સમજાય એટલે તેણે ચોખવટ કરી, ‘ઇન્વેસ્ટિગેટિંગ ઑફિસરે... આજે જ સવારે મને કહે કે દિવાકર, તારી બધી વાત સાંભળ્યા પછી થાય છે કે આપણે આમાં સમય બરબાદ નથી કરવો. કદાચ આજે કમિશનરને મળીને આ કેસ બંધ કરવાની પરમિશન લઈ લેશે.’

‘થૅન્ક ગૉડ...’

‘ટેન્શન નકો મૅડમ...’ વધારે વહાલા થવાની લાયમાં દિવાકરે કહ્યું, ‘ઇન્શ્યૉરન્સવાળાને કારણે બધી બબાલ લાંબી ચાલી.’

‘હા, એ લોકોએ હજી હૉસ્પિટલનું પેમેન્ટ ક્લિયર નથી કર્યું એટલે હવે તો અહીં પણ અકાઉન્ટવાળા અકળાયા છે.’

‘મૅડમ, સાહેબમાં અત્યાર સુધીમાં કેટલા પૈસા ઘૂસી ગયા?’

‘ચાલીસ લાખ અને પ્લાસ્ટિક સર્જરીમાં બીજા દસ થશે.’

‘ઓહ...’

‘મારે એક વાત જાણવી છે, પૂછું?’

રિદ્ધિ દિવાકરના કાનની એટલી નજીક ગઈ કે તેના હોઠ દિવાકરના કાનને સ્પર્શતા હતા. દિવાકરે એક વાર નહીં, માથું ધુણાવીને પાંચ વાર હા પાડી દીધી.

‘ઇન્શ્યૉરન્સવાળા શું કામ પોલીસ ઇન્ક્વાયરી ઇચ્છે છે?’

‘મૅડમ, ઇન્શ્યૉરન્સ... એ લોકોનું તો એક જ કામ હોય, ગમે એમ કરીને પૈસા બચાવવા અને પૈસા બચાવવાનો આ સીધો રસ્તો. જ્યાં સુધી કેસ ચાલતો હોય ત્યાં સુધી પેમેન્ટ કરવું ન પડે.’

‘પોલીસને બીજો કોઈ ઇન્ટરેસ્ટ...’ રિદ્ધિએ ચોખવટ કરી, ‘આ કેસમાં?’

‘સાચું કહું તો જરાય નહીં. કેટકેટલા બીજા કેસ છે મૅડમ? એમાં ધ્યાન આપીએ કે પછી ઘરમાં થયેલા આવા સામાન્ય ઍક્સિડન્ટ પર...’ કપાળે વળેલો પરસેવો લૂછતાં દિવાકરે કહ્યું, ‘કર્જતમાં લાશના ટુકડા મળ્યા છે... સાવ બળી ગયેલી એ લાશ સળગતી હશે ત્યારે કોઈ જંગલી પ્રાણી આવીને એમાંથી એકાદ ટુકડો ખેંચી ગયું હશે. હવે વિચારો કે અમારે તે ખૂનીને શોધવાનો કે આવા... ક્રિસ્ટલ-ક્લિયર કેસની તપાસમાં અહીં બેસવું?’

‘રાઇટ...’

માહિતી મળી ગઈ હતી એટલે હવે આમ પણ રિદ્ધિનું કામ પૂરું થયું હતું. ઊભા થઈને રિદ્ધિએ દિવાકર સામે જોયું.

‘હું ડૉક્ટરને મળી આવું... સવારે સર્જરીમાં હતા એટલે આજે તે વહેલા નીકળી જશે... મળવું જરૂરી છે.’

‘હા, હા... તમે જાઓ.’ દિવાકર પણ ઊભો થયો અને બબડ્યો, ‘બીજી કંઈ ખબર પડે તો પછી કહું છું.’

‘પ્લીઝ...’ રિદ્ધિના ચહેરા પર નરમાશ હતી, ‘થૅન્ક્સ ટૂ... તમે આટલી હેલ્પ કરો છો એ પણ બહુ છે.’

ગાંડી, બધું વસૂલવાનો છું, તું શું કામ ટેન્શન કરે છે...

રિદ્ધિની બૅકને જોતાં દિવાકરે માર્મિક સ્માઇલ કર્યું.

lll

‘પણ તું જો તો ખરો... આ શું છે?’

જ્યોત્સ્નાબહેન ટમૅટો સૂપ લઈને મહેશની નજીક ગયાં અને મહેશે હવામાં હાથ ઉછાળવાના ફરી શરૂ કરી દીધા.

‘તારો ફેવરિટ. ટમેટાંનો સૂપ... ભાવશે. મેં મારા હાથે બનાવ્યો છે.’

મહેશે એકઝાટકે આઠ-દસ વાર ના પાડી દીધી.

‘જરાક તો ચાખ... સાહેબે હા પાડી છે.’

ફરીથી મહેશનું એ જ રીઍક્શન. તેણે આઠ-દસ વાર એકસાથે ના પાડી દીધી.

‘એક ચમચી... તને મારા સમ.’

હાથમાં ટમૅટો સૂપનો બાઉલ લઈને જ્યોત્સ્નાબહેન આગળ આવ્યાં અને તેમણે બાઉલમાંથી એક ચમચી ભરીને મહેશ તરફ લંબાવી. જેવી ચમચી નજીક આવી કે મહેશ એવો તે ભડક્યો જાણે કે તેની પાસે અજગર લાવવામાં આવ્યો હોય. હાથમાં સલાઇન ચાલુ હતું એમ છતાં મહેશ બેડ પરથી કૂદકો મારીને ઊતરી ગયો અને એટલે સલાઇન સાથેનો આખો સળિયો પણ તેની સાથે ખેંચાયો. સળિયો ખેંચાયો એટલે સલાઇનની બૉટલ ત્રાંસી થઈ અને હુકમાંથી છૂટી પડી.

ધડામ...

કાચની બૉટલ જમીન પર પડતાં જ ફૂટી ગઈ.

‘અરે, પણ શું છે?’ જ્યોત્સ્નાબહેનને થયેલી અકળામણ ખોટી નહોતી, ‘આમ હોતું હશે... કોઈ તને ઝેર દે છે?’

કાચની બૉટલ ફૂટવાના અવાજથી અંદર આવી ગયેલી રિદ્ધિ મહેશ પાસે ગઈ અને તેણે મહેશને શાંત પાડ્યો.

‘મમ્મી, રહેવા દો... નથી પીવો.’

ટમૅટો સૂપ જેવો ઘરેથી આવ્યો હતો એવો જ ઘરે પાછો ગયો, પણ ટમૅટો સૂપ સાથે જે બન્યું એ બધાના મનમાં સ્ટોર થઈ ગયું.

lll

‘સાહેબ, ક્યારેય મારો ભાઈ આવું વર્તન કરે નહીં... પણ કાલે ટમૅટો સૂપ આપ્યો તો એવો ઊછળવા માંડ્યો, જાણે કે અમે તેને ચિકન સૂપ આપતા હોઈએ.’

‘તેને ઍલર્જી થઈ ગઈ હશે...’ ઇન્સ્પેક્ટર પંડિતને વાતમાં કંઈ નવાઈ નહોતી લાગતી, ‘આમાં મને તો એવું કંઈ અજુગતું લાગતું નથી.’

‘એક વાત કહું સાહેબ, ઍક્સિડન્ટ પછી મારા ભાઈના હાલચાલમાં પણ ફરક પડી ગયો છે. એવું લાગે જાણે કે તે મારો ભાઈ છે જ નહીં...’ પ્રકાશે બીજી શંકા વ્યક્ત કરી, ‘તેના જે મસલ્સ છે એ કોઈ જિમવાળા જેવા છે. મારો ભાઈ ક્યારેય સિક્સ-પૅક નહોતો, પણ આ વખતે રીતસર તેનું પેટ એકદમ સપાટ થઈ ગયું છે અને એમાંથી મસલ્સ બહાર આવે છે.’

‘તમે છેલ્લે તમારા ભાઈને ક્યારે મળ્યા હતા?’ પંડિતે ચોખવટ કરી, ‘ઍક્સિડન્ટ પહેલાંનું પૂછું છું.’

‘એક વીક પહેલાં... એક વીક પછી આ ઘટના બની...’ વાત કરવાનો એક વીકનો ક્વોટા પૂરો કરતાં પ્રકાશે કહ્યું, ‘મને તો આ કોઈ બીજો માણસ લાગે છે, પણ ફેસ હવે રહ્યો નથી એટલે આપણને કોઈને ખબર નથી પડતી.’

(ક્રમશ:)

columnists Rashmin Shah