સુરખાબ... તું છે? શ્વાસમાં તું હતી, રક્તમાં પણ હતી (પ્રકરણ ૫)

03 January, 2025 02:09 PM IST  |  Mumbai | Lalit Lad

ધારા મારી છાતીમાં માથું નાખીને રડી પડી, ડૉક્ટરો અને નર્સોએ તેને માંડ-માંડ અલગ કરી

ઇલસ્ટ્રેશન

‘આકાશ, એ શક્ય નથી...’

આટલું કહેતાં સુરખાબના ચહેરા પર ગમગીનીનો એક ભાર છવાઈ ગયો હતો. તે ઊભી થઈ ગઈ.

‘શું શક્ય નથી?’ મેં પૂછ્યું, ‘તમે મને પ્રેમ કરો છો એ સ્વીકાર કરવાનું શક્ય નથી?’

સુરખાબની આંખો અચાનક ભીની થઈ ચાલી. મારો હાથ પકડીને, મારા વાળમાં આંગળાં પરોવીને કંઈ કહેવા માટે તેના હોઠ થથર્યા, પણ પછી આંખમાંથી આંસુનું ટીપું સરી પડ્યું.

‘આઇ લવ યુ આકાશ, પણ અમ્મીજાન નહીં માને.’

‘અમ્મીજાન?’

‘હા...’ સુરખાબ ઊભી થઈને બારી તરફ ગઈ. ‘જોને, સંજોગો પણ કેવી રમત રમે છે? જે ઘટનાથી અમ્મી મને દૂર રાખવા માગતી હતી એ જ વાત મારી સાથે બની ગઈ.’

‘હું સમજ્યો નહીં.’

‘મારી મમ્મી ઇંગ્લિશ લિટરેચરની પ્રોફેસર હતી, અલીગઢ યુનિવર્સિટીમાં. એક બહુ મોટી ફેલોશિપ માટે તેમને સ્કૉટલૅન્ડ યુનિવર્સિટીમાં આઠ મહિના માટે ભણવા જવાનું થયું. ત્યાં એશિયન હિસ્ટરી ભણાવતા એક પ્રૌઢ પ્રોફેસર સાથે પ્રેમમાં પડી. પ્રોફેસર હિન્દુ હતા. બન્નેએ લગ્ન કરવાનું નક્કી તો કર્યું પણ અમ્મીજાનની ખાસ ઇચ્છા હતી કે શાદી લખનઉમાં થાય અને આખા ખાનદાનની સંમતિથી થાય, પણ એ બન્યું નહીં. અમ્મીના અબ્બાજાન જૂના ખયાલાતના હતા. તેમણે ના પાડી. જોકે અમ્મીને એનો એટલો અફસોસ નહોતો પરંતુ અમ્મીની ત્રણેત્રણ સગી બહેનોએ લગ્ન પછી અમ્મીજાન સાથે તમામ સંબંધો કાપી નાખ્યા... અમ્મી માટે આ બહુ મોટો આઘાત હતો. ચાર વર્ષ ઇન્ડિયામાં રહી ત્યાં સુધી અમ્મીએ દરેક રીતે તેમને મનાવવાની કોશિશ કરી પણ પથ્થર પર પાણી. આખરે થાકીને અમ્મીએ ઇન્ડિયા છોડ્યું. લંડનમાં સેટલ થઈ ગઈ. મારો જન્મ થયો ત્યારે અમ્મીને હતું કે મારી મૌસીઓનાં દિલ પીગળશે, પણ એ ન બન્યું. અમ્મી દર ત્રણચાર વર્ષે મને ઇન્ડિયા લઈને આવતી. દર વખતે મને વારાફરતી મારી મૌસીઓના ઘરે લઈ જતી. એ આશામાં કે મારો માસૂમ ચહેરો જોઈને અમ્મીની બહેનો તેને માફ કરશે, પણ દર વખતે મારી અમ્મીને તેમના ઘરની ડેલીએથી હડધૂત થઈને પાછાં ફરવું પડતું હતું...’

સુરખાબે આંખો લૂછી, ‘આકાશ, મને ખબર હતી કે હું ધીમે-ધીમે તારા પ્રેમમાં પડી રહી છું. મને એ પણ ખબર હતી કે તું તો પ્રેમમાં મારા કરતાંય વધારે ગળાડૂબ છે... મને ડર પણ હતો કે કોઈક દિવસ તું તારા પ્રેમનો ઇઝહાર કરી બેસવાનો છે. હું આ ક્ષણથી સતત દૂર ભાગવા માગતી હતી પણ છેવટે હું પકડાઈ ગઈ.’

‘જોયું? મારી દોડ પાક્કી છેને?’ હું હસ્યો.

સુરખાબ હસી નહીં. તે ફરી આવીને મારી પથારી પાસે બેઠી. મારા વાળમાં આંગળાં પરોવી તે બોલી :

‘આકાશ, હવે ભાગવું નથી...’ તેણે હળવો નિસાસો નાખ્યો,
‘પણ અહીંથી આગળ વધવું પણ શક્ય નથી.’

‘ઠીક છે..’ મેં ખોટું હસવાનો પ્રયાસ કર્યો, ‘હું ત્યાં સુધી એક્ઝામોમાં ફેલ થતો રહીશ!’

સુરખાબ મારી સામે જોતી રહી. પછી બોલી, ‘ફેલ તું થશે, એક્ઝામ મારી થતી રહેશે...’

સુરખાબે એ દિવસે પહેલી વાર મારી છાતી પર તેનું માથું ઢાળ્યું હતું.

lll

સુરખાબ સાથેનો મારો આ સંબંધ જિંદગીના અંત સુધી આમ જ રહ્યો હોત તો મને એનો જરાય અફસોસ ન થયો હોત.

મેં ધારાને પણ તોફાની રાતની વાત કહી હતી. ધારાની આંખમાં એ વખતે ચમક આવી ગઈ હતી, ‘સી? આઇ ટોલ્ડ યુ, શી લવ્ઝ યુ!’

‘ઍન્ડ આઇ મસ્ટ થૅન્ક યુ ફૉર ધૅટ,’ મેં કહ્યું હતું. ‘જો તું ન હોત
તો સુરખાબનું આ સીક્રેટ સીક્રેટ જ રહી જાત.’

‘હું ન હોત તો...’ ધારા જરા અટકી ગઈ. પછી જાણે વાત બદલતી હોય એમ તે અચાનક બોલી હતી, ‘કોઈ બીજું માણસ સીક્રેટ ખોલી આપે એવું દર વખતે ક્યાં બનતું હોય છે?’

મને એ વખતે ધારાની વાત સમજાઈ નહોતી.

lll

એક દિવસ સુરખાબે મને કહ્યું, ‘અમ્મીજાન લખનઉ આવે છે. હું તેમને લેવા જવાની છું.’

‘યુ મીન, તે અહીં આવશે?’

‘હા... શક્ય છે તને મળીને અમ્મીજાન કદાચ...’ સુરખાબે વાક્ય અધૂરું છોડ્યું હતું.

સુરખાબ જ્યારે લખનઉમાં હતી ત્યારે મેં એક પણ વાર સુરખાબને ફોન સુધ્ધાં કરવાની હિંમત કરી નહોતી.

ચાર દિવસ પછી એક સાંજે સુરખાબનો ફોન આવ્યો, ‘આકાશ! અમ્મીજાન માની ગયાં છે! અમે કાલ રાતની ટ્રેનમાં આવી રહ્યાં છીએ!’

મારી ખુશીનો પાર નહોતો.

મેં ધારાને ખબર કહ્યા કે તરત તે ઊછળી પડી. ‘વાઓ! ધૅટ્સ અ ગ્રેટ ન્યુઝ આકાશ! આઇ ઍમ સો હૅપી ફૉર યુ!’ તે મને ભેટી પડી.

હું અને ધારા બાઇક પર બેસીને સોલન રેલવે-સ્ટેશને પહોંચી ગયાં.

પરંતુ ત્યાં એક આઘાતજનક ન્યુઝ મળ્યા : ‘સોલનથી આગળના ત્રીજા સ્ટેશને ટ્રેનને ભયંકર અકસ્માત થયો છે!’

અમે માર-માર કરતાં ત્યાં પહોંચ્યાં, પરંતુ ત્યાં એનાથીયે
ખરાબ સમાચાર અમારી રાહ જોતા હતા... અકસ્માતમાં સુરખાબ મૃત્યુ પામી હતી.

ચારે બાજુ ઘાયલોની ચીસો અને લોકોની દોડધામ વચ્ચે જ્યારે અમે તેની પાસે પહોંચ્યાં ત્યારે અમ્મીજાન સુરખાબની લાશને વળગીને છાતીફાટ રુદન કરી રહી હતી.

lll

સુરખાબ ગઈ. છતાં હું માની શકતો નહોતો કે તે નથી. જે-જે જગ્યાઓ પર સુરખાબે જઈને ગાયું હતું ત્યાં હું પહોંચી જતો હતો. ધારા પણ મારી સાથે આવતી. ‘જયજયવંતી ખીણ’, ‘શિવરંજની ફૉલ્સ’, ‘કાળી સાતની પહાડી’... સુરખાબે જે-જે જગ્યાઓનાં સંગીતમય નામો પાડ્યાં હતાં ત્યાં અમે કલાકો સુધી બેસી રહેતાં. ધારા એક શબ્દ પણ બોલતી નહીં... અને હું?

મને સુરખાબના સૂર ભળાતા હતા!

સુરખાબ પક્ષી, ઇન્સિડન્ટ્લી, ગાતું નથી હોતું. એ એક પ્રવાસી પક્ષી છે. દૂરના દેશથી આવે છે અને અમુક સમય પછી ઊડીને પાછું જતું રહે છે. સુરખાબે જ મને કહ્યું હતું, ‘આઇ ઍમ અ માઇગ્રેટરી બર્ડ...’

lll

હું ગ્રૅજ્યુએટ થઈ ગયો હતો. માર્ક્સ સારા હતા કે ખરાબ એની મને પરવા નહોતી. અમારા મેકૅનિકલ ડિપાર્ટમેન્ટની એક વર્કશૉપમાં અસિસ્ટન્ટ મૅનેજરની નોકરી મેં માગી લીધી, કારણ કે હું અહીં જ રહેવા માગતો હતો, આ કૅમ્પસમાં.

મારું એક નાનકડું સ્ટાફ ક્વૉર્ટર હતું. હું એમાં એકલો રહેતો હતો. ધારા હજી ફૅશન ઇન્સ્ટિટ્યૂટના ફાઇનલ યરમાં હતી.

એ દિવસોમાં જ મને સુરખાબની હાજરી ફરી વરતાવા લાગી. રાત્રે બારીના પડદા એની મેળે હલતા, હું સૂતો હોઉં ત્યારે મારા વાળમાં તેની આંગળીઓ ફરતી... હું જાગી જાઉં તો તેના આછા-આછા શબ્દો સંભળાતા...

એક સેમેસ્ટર વીત્યા પછી ધારાએ એક દિવસ મને પૂછ્યું, ‘આમ ને આમ ક્યાં સુધી દિવસો કાઢશો, આકાશ?’

ધારા મારા જવાબની રાહ જોઈ રહી હતી. મેં કહ્યું, ‘મને સમજાતું નથી કે મારે શું કહેવું જોઈએ...!’

‘ડોન્ટ સે ઍનિથિંગ.’ તેણે કહ્યું, ‘હું રાહ જોઈશ...’

એકાદ મહિના પછી મારા પપ્પા મને મળવા આવ્યા. તેમણે મને કહ્યું, ‘બેટા આકાશ, યુ આર અ બ્રિલિયન્ટ એન્જિનિયર. ડોન્ટ વેસ્ટ યૉર ટૅલન્ટ ઇન ઇલ્યુઝન્સ. ધારા સારી છોકરી છે. તે તને પ્રેમ કરે છે. અને બીજી એક વાત સમજ. ધારા સિવાય બીજી કોઈ છોકરી તને અપનાવી નહીં શકે. ધારા એટલી સમજદા૨ છે કે એ તને સાચવશે, સંભાળશે અને તને આ આઘાતમાંથી બહાર આવવામાં મદદ પણ કરશે.’

બહુ વિચાર્યા પછી મેં ધારા સાથે સગાઈની હા પાડી દીધી.

પરંતુ એ પછી મારી હાલત વધારે બગડવા લાગી. હવે સુરખાબ મને નજર સામે દેખાવા લાગી!

રાતના અંધારામાં તેની ઝાંખી ઉજાસભરી આકૃતિ મારી પથારી પાસે, બારીમાં કે ઓરડામાં બેઠેલી દેખાતી. તેના ગાવાના અવાજો પણ સ્પષ્ટ થવા લાગ્યા. ક્યારેક તે ગાતી, ‘ન જાઓ સૈયાં, છુડાકે બૈયાં, કસમ તુમ્હારી મૈં રો પડૂંગી...’

એ વખતે તેના ધ્રુસકે-ધ્રુસકે રડવાના અવાજો પણ સંભળાતા.

આવી દુવિધાભરી હાલતમાં હું એક વાર સખત તાવમાં પટકાયો. ડૉક્ટરની દવાઓની અસર થતી નહોતી, તાવ ઊતરવાનું નામ લેતો નહોતો. સાંજથી ધારા મારા ક્વૉર્ટરમાં આવી હતી, મારા કપાળે ઠંડા પાણીનાં પોતાં મૂકી રહી હતી છતાં મારું ટેમ્પરેચર કાબૂમાં આવતું નહોતું.

ધારા એ રાત્રે મારે ત્યાં જ રોકાઈ ગઈ અને એ જ રાત્રે સુરખાબ આવી...

સુરખાબ બહુ ગુસ્સામાં હતી. બારીના ૫ડદા જોર-જોરથી ફફડી રહ્યા હતા. ડ્રૉઇંગરૂમમાં ફ્લાવરવાઝ તૂટીને પડી ગયું. કિચનમાં પ્લેટો ફર્શ ૫૨ પડીને ટુકડા થઈ ગયા. મને સુરખાબની ચીસો સંભળાઈ રહી હતી. બિચારી ધારા ડરની મારી ફફડી રહી હતી.

મેં સુરખાબને કહ્યું, ‘સુરખાબ, પ્લીઝ, ગુસ્સો ન ક૨. ધારા માત્ર મારી કાળજી લેવા રોકાઈ છે.’

પણ જવાબમાં ટીપૉય પર પડેલી દવાની શીશી હવામાં ઊછળી અને સીધી ધારાના કપાળ પર અથડાઈને ફૂટી!

ધારા પહેલાં તો બહુ જ ડરી ગઈ પણ પછી તે રડવા લાગી. બે હાથ જોડીને તે ઘૂંટણિયે પડી ગઈ, ‘સુરખાબ મૅડમ, પ્લીઝ મને માફ કરો! હું અહીં ફરી કદી નહીં આવું... યુ આર સચ અ નાઇસ પર્સન. પ્લીઝ હેલ્પ આકાશ... પ્લીઝ હેલ્પ હિમ...’

ધારા ક્યાંય લગી ત્યાં જ બેસીને રડતી રહી. એ દરમિયાન બારીનો પડદો જાણે ધૂંધવાતો હોય એમ હલતો રહ્યો.

lll

બીજા દિવસે મેં એક નિશ્ચય કર્યો.

કૉલેજની વર્કશૉપમાંથી પાછા આવતી વખતે હું કેટલોક સામાન લેતો આવ્યો. સાંજે અંધારું થયા પછી મેં મારા ક્વૉર્ટરનાં બારીબારણાં અંદરથી બરાબર બંધ કર્યાં. પછી મેં મારો સામાન કાઢ્યો...

જાડા ઇલેક્ટ્રિકના કેબલો વડે પહેલાં મેં મારા બન્ને પગે બાંધ્યા. પછી મેં સાંકળ વડે મારા બન્ને પગને બાથરૂમના નળની પાઇપ સાથે બાંધ્યા. એ જ પાઇપ જ્યાં દીવાલસરસી આગળ જતી હતી ત્યાં લંબાઈને મેં મારો જમણો હાથ સાંકળ વડે બાંધ્યો. પછી મારા જમણા હાથની મુઠ્ઠીમાં એક ધારદાર ચપ્પુ પકડીને ડાબા હાથનું કાંડું ચપ્પુની ધાર પર જોરથી છ-સાત વાર ઘસી નાખ્યું...

ધક ધક ધક કરતું લોહી નીકળવા માંડ્યું.

મેં જોરથી ડાબા હાથે ચપ્પુ પકડીને દૂર ફેંકી દીધું. બસ, હવે હું ઇચ્છું તો પણ મારી જાતને બચાવી શકું એમ નહોતો.

‘હું આવું છું સુરખાબ.’ હું ધીમેથી આટલું બોલી શક્યો, એ પછી સંપૂર્ણ અંધકાર છવાઈ ગયો.

lll

મારી આંખો ફરી ખૂલી.

હું એક હૉસ્પિટલમાં હતો. ધારા મારા પલંગની ધાર પર બેઠી હતી.

‘ધારા?’ મારા હોઠ ફફડ્યા.

એ સાથે જ ધારા મારી છાતીમાં માથું નાખીને રડી પડી. ડૉક્ટરો અને નર્સોએ તેને માંડ-માંડ અલગ કરી. હું જીવતો હતો...

lll

થોડો સાજો થયો પછી મને પહેલો સવાલ એ થયો કે મેં તો મારા ક્વૉર્ટરનાં તમામ બારીબારણાં અંદરથી બંધ કર્યાં હતાં. તો પછી મને બચાવ્યો કોણે?

ધારાએ મને એ સવાલનો જવાબ મારા સંપૂર્ણ સાજા થયા પછી આપ્યો હતો. તેણે કહ્યું :

‘યુ વોન્ટ બિલીવ આકાશ. પણ એ રાત્રે મારી હૉસ્ટેલની રૂમમાં મેં સુરખાબની છાયા જોઈ હતી. મેં તેનો અવાજ પણ સાંભળ્યો હતો. તેમણે મને કહ્યું હતું : જા! દોડ! આકાશને બચાવ...’

lll

સુરખાબને છેલ્લી વાર કોઈએ જોઈ હોય તો એ રાત્રે ધારાએ જ જોઈ હતી. એ પછી સુરખાબ મને પણ દેખાઈ નથી.

(સમાપ્ત)

columnists gujarati mid-day exclusive