શિખાઉને મળી સોપારી - ગફલતોના ગુણાકાર ભાગાકાર (પ્રકરણ ૫)

26 July, 2024 08:35 AM IST  |  Mumbai | Lalit Lad

કારમાં ગોળી મારીશ તો લોહીના છાંટા ઊડશે અને એના ડાઘ કાર પર પડશે, કાર તો ભાડૂતી છે...

ઇલસ્ટ્રેશન

યસ! સુનિધિએ ફોનમાં મોકલ્યો હતો એ જ નંબરવાળી વાઇટ મારુતિ એસ્ટીમ હાઇવે પર ઊભી હતી!

બાજુમાં એક ઊંચોસરખો, ચશ્માંવાળો, વાઇટ સફારી સૂટ પહેરેલો માણસ ઊભો હતો. સંજયે કાર ઊભી રાખીને પહેલાં જ
પૂછી લીધું,

‘આર યુ જગમોહન કાબરા?’

‘યસ, બટ હાઉ ડુ યુ નો?’

સંજય પાસે આનો જવાબ ક્યાંથી હોય? પણ હા, શિકાર તેની સામે જ હતો.

સંજય કારમાંથી ઊતર્યો. એસ્ટીમ કારનું બોનેટ ખુલ્લું હતું. અંદરથી વરાળ નીકળી રહી હતી. સંજયે કહ્યું,

‘યે ગરમ હો ગઈ લગતી હૈ.’

‘આઇ નો.’

સફારી સૂટ પહેરેલો જગમોહન કાબરા કારના મશીન સામું જોઈ રહ્યો હતો. હવે આગળ શું બોલવું? છતાં સંજય બોલ્યો,

‘બહોત ગરમ હો ગઈ હૈ.’

‘હાં...’

‘હવે? આગળ શું?’ સંજય વધુ ને વધુ નર્વસ થઈ રહ્યો હતો. આ માણસને ગમે તેમ કરીને પોતાની કારમાં બેસાડવાનો હતો, એ જ તો પ્લાન હતો. સંજયે પેલી નવલકથાના પાનામાં લખાયેલા ડાયલૉગ્સ યાદ કર્યા. અચાનક તે બોલી ઊઠ્યો,

‘મે આઇ હેલ્પ યુ?’

‘ઓહ યસ...’ પેલો માણસ બોલ્યો, ‘એક્ચ્યુઅલી મૈં યહાં એક જમીન કા સૌદા કરને આયા થા... મગર યે ગાડી ખરાબ હો ગયી... અગર આપ મુઝે થોડી લિફ્ટ દે સકતે તો...’

આહાહા... સંજયને થયું કે શિકાર તો ખરેખર સામે ચાલીને ફસાઈ રહ્યો છે! તેણે તરત જ કહ્યું,

‘શ્યૉર! આઇયે ના, મૈં ભી એક પ્લૉટ દેખને હી જા રહા હૂં.’

‘કિધર?’

હવે  ‘કિધર’નો જવાબ શું આપવાનો? સંજયને અમદાવાદની ભૂગોળ થોડી ખબર હતી? તેણે જવાબ આપવાને બદલે સવાલ કર્યો,

‘આપ કિધર જા રહે હૈં?’

‘ચાંગોદર... વહાં મેરા એજન્ટ ઇન્તેઝાર કર રહા હોગા. રિટર્ન
મેં તો વો મેરે લિએ કાર અરેન્જ કર દેગા.’

‘રાઇટ... એજન્ટ ઇતના તો કરેગા ના? કમિશન જો લેતા હૈ!’

સંજયને પોતાને થયું કે પોતે શું લોચા મારી રહ્યો છે? પછી તરત જ લોચો સુધારવાનો પ્રયાસ કરતાં કહ્યું,

‘મૈં ભી ઉધર હી જા રહા હૂં. મતલબ, વો હી સાઇડ...
આઇયે ના.’

‘ઓકે?’ એ માણસે સહેજ વિચારીને હા પાડી દીધી.

બન્ને કારમાં ગોઠવાયા. સંજયે કાર સ્ટાર્ટ કરી. થોડા સમય સુધી કોઈ વાતચીત ન થઈ. સંજય સતત વિચારી રહ્યો હતો કે આ મિસ્ટર કાબરાને હવે એવી કઈ સૂમસામ જગ્યાએ લઈ જઈને મારવાનુ સહેલું પડશે? તેની નજર હાઇવેની આસપાસના વિસ્તારો પર ફરી રહી હતી. ત્યાં જ અચાનક પેલા માણસે પૂછ્યું,

‘આપને મેરે સવાલ કા જવાબ નહીં દિયા. હાઉ ડિડ યુ નો, કે આઇ ઍમ જગમોહન કાબરા?’

સંજય બઘવાઈ ગયો. ‘જો સુનિધિએ આ માણસનો ફોટો મોકલ્યો હોત તો હું જરૂરથી કહી શકત કે ‘મૈંને આપ કો પહલે દેખા હૈ...’ પણ હમણાં તો... આમાં જ તેણે બાફ્યું,

‘સર, આપ કો કૌન નહીં જાનતા? આપ દિલ્હી સે હૈં ના? મૈંને આપ કો કુછ બિઝનેસ-કૉન્ફરન્સ મેં દૈખા હૈ.’

આ જવાબ આપીને સંજયને લાગ્યું કે હવે બહુ વાંધો નહીં આવે, કેમ કે તેની પત્ની સંજના તેને વારંવાર દિલ્હીમાં અમુક ખાનગી બિઝનેસના સોદા કરવા માટે મોકલતી હતી. જો આ માણસ
પૂછશે તો હોટેલોનાં નામ વગેરે આસાનીથી બોલી શકશે, પણ સફેદ સફારી સૂટવાળો હસ્યો. ખભા ઉછાળીને તે બોલ્યો,

‘અચ્છા? હો સકતા હૈ.’

ફરી પાછો સન્નાટો છવાઈ ગયો. સંજયની કાર હવે આસપાસનાં બિલ્ડિંગો છોડીને વેરાન વિસ્તાર તરફ આગળ વધી રહી હતી. ભરબપોરના ઉનાળાનો તડકો હતો એટલે રોડ પર ટ્રાફિક ખાસ નહોતો. એવામાં તેને જમણી તરફ જતો એક નાનો રોડ દેખાયો. તેણે કહ્યું,

‘સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ. મુઝે યહાં પાસ મેં એક જમીન દેખની હૈ. વૈસે તો મેરે મૅનેજરને સબ કુછ તય કરકે રખ્ખા હૈ, મુઝે સિર્ફ બસ
એક નજર ડાલની હૈ. સિર્ફ દસ મિનિટ લગેંગે.’

‘ઓકે!’ કાબરાએ કહ્યું.

સંજયે કારને જમણી તરફ વાળી લીધી. આગળ જતાં બન્ને તરફ ખેતર દેખાઈ રહ્યાં હતાં. સંજય હવે કોઈ એવું સ્થળ શોધી રહ્યો હતો જ્યાં અવરજવર ન હોય અને શક્ય હોય તો એ સ્થળ આ રોડ પરથી ઝટ દેખાય એવું ન હોય.

‘ઔર કિતના
આગે હૈ?’

દસેક મિનિટ ડ્રાઇવિંગ થયું એ પછી પણ સંજયે કાર રોકી નહીં એટલે કાબરાએ પૂછ્યું,

‘બસ, ઇધર હી હૈ...’

સંજયને હવે ઉચાટ થઈ રહ્યો હતો. આમેય રસ્તો સૂમસામ હતો અને ભયંકર ગરમીને કારણે ખેતરો પણ ખાલીખમ હતાં. સંજયે કારને એક ખેતરમાં વાળી લીધી.

હવે? કાબરાને ગોળી શી રીતે મારવી? એ ડિટેઇલ તો તેણે વિચારી જ નહોતી! છેવટે તેણે કારમાંથી ઊતરીને શબ્દો ગોઠવ્યા,

‘દેખિયે, જમીન તો યહી હૈ. મૈં જરા ખેત મેં ચક્કર લગાકર આતા હૂં. તબ તક આપ ઇસ પેડ કે નીચે ખડે રહેંગે?’

‘છોડીયે ના, મૈં કાર મેં હી
બૈઠા હૂં...’

‘આ જો સાલો કારમાંથી નહીં નીકળે તો તેને ગોળી શી રીતે મારવી? કારમાં ગોળી મારીશ તો લોહીના છાંટા ઊડશે અને એના ડાઘ કાર પર પડશે. કાર તો ભાડૂતી છે... પેલા શ્રીનિધિ ટ્રાવેલ્સમાં પાછી આપતાં પહેલાં કારને ધોવી પડે... તો ધોવી ક્યાં... અને છતાં ડાઘા રહી જાય તો?’ 

સંજય હવે જીવ પર આવી ગયો. તેણે અચાનક પૅન્ટના ખિસ્સામાંથી ગન બહાર કાઢીને કાબરા સામે
ધરી દીધી!

‘આઉટ! બાહર નિકલો!’

કાબરા ડઘાઈ ગયો હતો. તે દરવાજો ખોલીને બહાર નીકળ્યો કે તરત સંજયે ઘાંટો પાડ્યો,

‘કાર સે દૂર હટો! દૂર... જલ્દી!’

કાબરાએ ભયભીત થઈને તેમના બન્ને હાથ ઉપર કરી દીધા હતા.

જેવો તે કારથી દૂર ખસ્યો કે તરત સંજયે ગોળી ચલાવી દીધી, પણ એ તેના ખભામાં વાગી! ગભરાટમાં સંજયે બીજી ગોળી ચલાવી... એ તો ક્યાંક આડી જ જતી રહી! કાબરા લથડિયાં ખાતો તેની તરફ આવી રહ્યો હતો. સંજયે હવે
ફટાફટ બીજી ત્રણ ગોળી
ચલાવી દીધી!

એમાંની એક ગોળી બરોબર કાબરાની છાતીમાં વાગી!

‘હવે?’ સંજય બહાવરો બનીને કાબરા સામું જોઈ રહ્યો. કાબરા
થોડી ક્ષણો પછી પૂતળાની માફક ભોંય પર ઢળી પડ્યો. તેનું શરીર એકાદ મિનિટ સુધી ઝટકા ખાતું રહ્યું... પછી એ પણ શાંત પડી ગયું.

સંજય પોતે ડઘાઈ ગયો હતો. તેના હાથ-પગ ધ્રૂજી રહ્યા હતા. તેણે આસપાસ ચારે દિશામાં જોયું. કોઈ હલચલ દેખાઈ નહીં. શું મેં ખરેખર આ કરી નાખ્યું? તે ગન ફેંકીને ભાગી જવાનું વિચારતો હતો, પણ અટકી ગયો.

ખિસ્સામાંથી રૂમાલ કાઢીને તેણે ગનને બરોબર સાફ કરી જેથી
ક્યાંય પોતાની આંગળીઓનાં નિશાન રહે નહીં. પછી ગનને ત્યાં જ ખેતરમાં ફેંકીને કાર રિવર્સ કરીને ભગાવી મૂકી.

lll

અમદાવાદથી મુંબઈ પાછો જતાં ટ્રેનમાં સૂતાં-સૂતાં સંજય વિચારી રહ્યો હતો કે આ શું થઈ ગયું? હવે તેને ભાન થઈ રહ્યું હતું કે પોતે કેટલી બધી ભૂલો કરી હતી. પેલી ભાડે લીધેલી કારની નંબર-પ્લેટ બદલવાનું તો તે ભૂલી જ ગયો હતો! આખા હાઇવે પર ઠેકઠેકાણે CCTV કૅમેરા હોય છે. એમાં તેની કાર ઝડપાઈ જ હશે! પેલા નવનીત મહેતાને તેણે લિફ્ટ આપેલી. પછી તેને ઉતારી મૂકેલો. પછી યુટર્ન મારીને તે કાબરાની કાર પાસે પહોંચેલો. આ બધું કૅમેરામાં રેકૉર્ડ થયું જ હશેને?

શ્રીનિધિ ટ્રાવેલ્સની ઑફિસે જ્યારે કાર પાછી આપવા ગયો ત્યારે તે રીતસર પરસેવે રેબઝેબ હતો. પેલા ૫૦,૦૦૦ રૂપિયા પાછા લીધા પછી પોતાની ઘડિયાળ અને ગૉગલ્સ લેવાનું તો તે ભૂલી જ
ગયો હતો! ટ્રાવેલ્સવાળાએ તેને પાછો બોલાવીને ઘડિયાળ અને ગૉગલ્સ આપ્યાં હતાં. એ માણસને તો મારો ચહેરો પાકો યાદ રહી ગયો હશે અને હા, ગેટવે-ઑફ-ઇન્ડિયા પાસે પોતે જે કાર્ટૂન જેવાં કપડાંમાં ગન લેવા ગયો હતો એ પણ ત્યાંના કૅમેરામાં ઝડપાયું જ હશેને?

lll

મુંબઈ આવ્યા પછીનો આખો દિવસ સંજય ભયમાં ફફડતો રહ્યો. રાતે મોડેથી ઊંઘની ગોળી લીધી ત્યારે માંડ થોડી ઊંઘ આવી.

બીજા દિવસની સવારે આશરે દસેક વાગ્યે તેના ફ્લૅટની ડોરબેલ રણકી. સંજયે દરવાજો ખોલ્યો તો સામે ઇન્સ્પેક્ટર જાદવ ઊભા હતા!

‘તમારા માટે બે ન્યુઝ છે મિસ્ટર ગુપ્તા. એક ગુડ ન્યુઝ છે અને એક બૅડ ન્યુઝ છે.’

‘બૅડ ન્યુઝ જ પહેલાં આપો, કેમ કે આમેય મારાં નસીબ ફૂટેલાં છે.’

‘બૅડ ન્યુઝ એ છે કે અમદાવાદમાં જગમોહન કાબરા નામની વ્યક્તિનું ખૂન કરવા બદલ તમારી ધરપકડ કરવામાં આવે છે!’

‘અને ગુડ ન્યુઝ?’

‘ગુડ ન્યુઝ એ છે કે તમારાં વાઇફ સંજના ગુપ્તા જીવતાં છે!’

સંજયને ચક્કર આવી ગયાં.

lll

પેલી તરફ ગોવાના એક રિસૉર્ટના સ્થળે આવેલા એક બંગલામાંથી સંજના ફોન પર તેની જૂની કૉલેજ-ફ્રેન્ડ સુનિધિ સાથે વાત કરી રહી હતી.

‘થૅન્ક્સ ડિયર સંજના! તારો પ્લાન પર્ફેક્ટ હતો. આપણને બન્નેને ૪ વર્ષથી બ્લૅકમેઇલ કરનાર જગમોહન કાબરાનો કાંટો નીકળી ગયો છે!’

‘યસ, પણ ડિયર... હવે તું
તારા મજૂર-કમ-પટાવાળા જેવા હસબન્ડ વિના બધાં કામ શી રીતે પતાવીશ?’

‘ડોન્ટ વરી સુનિધિ... મારા
મોંઘા ભાવના વકીલો આરામથી કોર્ટમાં સાબિત કરી આપશે કે
સંજયે જ કાબરાને ગોળી મારી હતી એનો કોઈ પુરાવો છે ક્યાં? સેમ મૉડલની ગન તો બજારમાં બે ડઝન હોઈ શકે છે! યાર, મારા મજૂરને તો હું ત્રણ મહિનામાં જામીન પર બહાર કાઢી લાવીશ.’

(સમાપ્ત)

columnists gujarati mid-day