શિખાઉને મળી સોપારી - ગફલતોના ગુણાકાર ભાગાકાર (પ્રકરણ ૪)

25 July, 2024 07:30 AM IST  |  Mumbai | Lalit Lad

સંજયના હોઠ સુકાઈ રહ્યા હતા, આ જ માણસને તેણે થોડી જ મિનિટો પછી શૂટ કરવાનો હતો

ઇલસ્ટ્રેશન

સંજય ગુપ્તાએ જગમોહન કાબરાનું ખૂન કરવાની એક જાતની સોપારી લઈ લીધી હતી, પરંતુ તે જન્મજાત ઇડિયટ હતો. તેને સતત ડર લાગી રહ્યો હતો કે પોતે ક્યાંક લોચા ન મારી બેસે.

પેલો જગમોહન કાબરા દેખાવે કેવો છે એ તો સુનિધિએ કહ્યું જ નહોતું! હવે તેને ફોન પણ શી રીતે કરવો? કેમ કે સુનિધિ હંમેશાં પોતાના ફોનની બૅટરી પતી ગઈ છે એવું બહાનું કરીને સાવ ભલતા-સલતા લોકો પાસે ફોન માગીને તેની સાથે વાત કરતી હતી. એ પણ બે કે ચાર જ વાક્યોમાં!

સંજયને થયું કે હમણાં જ સુનિધિને ફોન કરીને પૂછે કે ‘યાર, તારા હસબન્ડનો એકાદ ફોટો તો સેન્ડ કર?’

પણ પછી સંજયને પોતાની જ બાઘાઈ પર હસવું આવી ગયું! કેમ કે સુનિધિનો નંબર તેની પાસે હતો જ નહીં! તેણે કદી માગ્યો પણ નહોતો! સુનિધિ તેની સાથે જુદા-જુદા નંબરો પરથી ફોન કરતી હતી, પણ કદી પોતાના નંબરથી ફોન કરીને સીધુંસાદું ‘આઇ લવ યુ’ પણ કહ્યું નહોતું?

ખેર, એ બધી જફાઓ હવે પતી જવાની અણી પર હતી. સંજયે પોતાની જાતને મક્કમ કરી. ‘આફ્ટરઑલ, આમાં ધાડ શું મારવાની છે? મારે કોઈ મોટા નિશાનબાજ હોવાની જરૂર જ

નથી! અહીં તો પૉઇન્ટ બ્લૅન્ક રેન્જથી ગોળી જ મારવાની છેને? એ પણ અમદાવાદ શહેરથી દૂર કોઈ વેરાન સ્થળે...’

સંજયે ઊંડો શ્વાસ લીધો અને તેણે ​રિક્ષાને શ્યામલ ચાર રસ્તા પાસે આવેલી શ્રીનિધિ ટ્રાવેલ્સની ઑફિસ પર લેવડાવી.

ઑફિસમાં દાખલ થતાંની સાથે જ તેણે ફુલ કૉન્ફિડન્સથી કહ્યું, ‘મને આખા દિવસ માટે કાર જોઈએ છે. હું જાતે જ ડ્રાઇવ કરીશ.’

શ્રીનિધિ ટ્રાવેલ્સના કાઉન્ટર પર બેઠેલા ભાઈએ કહ્યું, ‘અમે એ રીતે કોઈને કાર આપતા નથી.’

‘જુઓ...’ સંજયે કહ્યું. ‘મારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કામ છે અને એ ખૂબ જ પર્સનલ પણ છે એટલે હું કોઈ ડ્રાઇવરને મારી સાથે રાખવા માગતો નથી. જોકે મારી ગૅરન્ટી છે કે તમારી કારને કોઈ નુકસાન થશે નહીં.’

‘સવાલ નુકસાનનો છે જ નહીં મિસ્ટર!’ પેલો બોલ્યો. ‘તમે યાર, કાર લઈને ક્યાંક ભાગી જાઓ તો અમારે તમને ક્યાં શોધવા?’

‘પ્લીઝ, ટ્રસ્ટ મી. શું હું તમને ચોર લાગું છું?’

‘સાહેબ, આજકાલ ચોરો પણ સૂટ-બૂટ પહેરીને ફરતા હોય છે. તમે કારની સામે કંઈ ડિપોઝિટ આપી શકો તો હજી વિચારું.’

સંજયે તરત જ પોતાની બ્રીફકેસ ખોલી. એમાં પડેલા પૂરા પચાસ હજાર રૂપિયા તેણે કાઉન્ટર પર થપ્પી કરીને મૂકી દીધા.

શ્રીનિધિનો માલિક બે ઘડી તેને જોતો જ રહ્યો! સંજયને હવે સહેજ ફફડાટ થવા લાગ્યો. ‘સાલાને મારા પર કંઈ ડાઉટ તો નહીં પડ્યો હોયને?’

પણ તે બોલ્યો, ‘ઠીક છે, આ ઉપરાંત તમારે તમારી આ ઇમ્પોર્ટેડ ઘડિયાળ અને રે-બૅનનાં ગૉગલ્સ પણ અહીં ડિપોઝિટ પેટે મૂકવાં પડશે.’

સંજયને આ શરત માન્યા સિવાય છૂટકો જ નહોતો. જોકે આટલું કર્યા પછી પણ તેને સેકન્ડહૅન્ડ મારુતિ 800 જ મળી!

પરંતુ હવે પ્લાનનો આખરી તબક્કો આવી ગયો હતો. તે સરખેજ-ગાંધીનગર હાઇવે પરથી ચાંગોદર તરફ જવાના રસ્તે ડ્રાઇવ કરી રહ્યો હતો. બિલકુલ સુનિધિએ કહ્યું હતું એમ જ આગળ જતાં એક મારુતિ એસ્ટીમ રસ્તાની બાજુએ ઊભી હતી. એનું બૉનેટ ખુલ્લું હતું અને આધેડ વયનો એક સૂટેડબૂટેડ માણસ આમતેમ આંટા મારી રહ્યો હતો. યસ, આ જ મિસ્ટર મધુસૂદન કાબરા હોવા જોઈએ. સંજયે તેની કાર ધીમી પાડીને ઊભી રાખી.

‘ઍની પ્રૉબ્લેમ? કૅન આઇ

હેલ્પ યુ?’

‘ઓહ યસ,’ પેલા સજ્જને કહ્યું, ‘અહીં મારે એક જમીન જોવા જવાનું છે. ચાંગોદર તરફ. જો તમે મને...’

‘શ્યૉર...’ સંજયે તરત જ કહ્યું, ‘હું પણ એ જ તરફ જઈ રહ્યો છું.’ તેણે કા૨નો દરવાજો ખોલ્યો.

પેલો માણસ અંદર બેઠો. સંજયનું દિલ જોરજોરથી ધડકવા માંડ્યું... હવે શું કરવાનું? સંજયને પરસેવો વળી રહ્યો હતો. તેને થયું કે જો આ મધુસૂદન કાબરાને સહેજ પણ શક પડી જશે તો તે અધવચ્ચે જ ઊતરી જશે. સંજયે માંડ-માંડ પોતાના દિલ પર કાબૂ રાખ્યો. તેને થયું કે બેસ્ટ રસ્તો એ છે કે આ માણસ સાથે વાતો કરતા રહેવું.

‘બહુ ગરમી છે નહીં?’ સંજયે વાત શરૂ કરી.

‘હા જુઓને, કદાચ એને કારણે જ મારી કાર ઓવરહીટ થઈ ગઈ.’

‘ઘણી વાર એમાં કૂલન્ટ બદલવાનું રહી જાય તો પણ એવું

થાય છે.’

‘ના, કૂલન્ટ તો મેં ગયા

મહિને જ ચેન્જ કરાવ્યું હતું; પણ

હવે શું થાય... ગાડીઓનો કોઈ ભરોસો નહીં.’

‘સાચી વાત છે...’ સંજયે કહ્યું.

પછી શાંતિ છવાઈ ગઈ. હવે શું વાત કાઢવી? સંજયના હોઠ સુકાઈ રહ્યા હતા. આ જ માણસને તેણે થોડી જ મિનિટો પછી શૂટ કરી નાખવાનો હતો અને તે જ માણસ સાથે તે ‘નૉર્મલ’ વાતચીત કરવાની કોશિશ કરી રહ્યો છે? કેવી વિચિત્ર સિચુએશન હતી?

‘બહુ ગરમી છે નહીં?’ સંજયે ફરી એ જ વાક્ય રિપીટ કર્યું.

પછી મનમાં ને મનમાં પોતાની જાતને જ ગાળ દીધી! હું ઇડિયટ છું અને ઇડિયટ જ રહેવાનો! સંજના જરાય ખોટું કહેતી નથી. પણ પેલો માણસ બોલ્યો:

‘સાચી વાત છે. બહુ ગરમી છે.’

‘અમદાવાદ શહેર જ આખું ગરમ છે. હું તો મુંબઈ રહું છું. અહીં જમીન લેવાનો વિચાર છે... પણ આ ગરમી...’ સંજયે વાત ચલાવી.

‘જુઓ.’ પેલા માણસે કહ્યું ‘અમદાવાદમાં જમીનના ભાવ આજકાલ બહુ ઊંચા છે, પણ મુંબઈની કમ્પૅ​રિઝનમાં સાવ સસ્તું કહેવાય. હું તો છેલ્લાં પંદર વરસથી અમદાવાદમાં રહું છું. મને આ શહેર ફાવી ગયું છે. હા, આમ બહાર નીકળીએ ત્યારે જરા ત્રાસ થાય, પણ આપણા ઘરમાં અને ઑફિસમાં એ.સી. હોય તો ખાસ વાંધો નથી આવતો.’

‘ઓહો... અચ્છા... એમ...’ સંજયે તેની વાતમાં સૂર પુરાવ્યો.

પછી અચાનક તેને ટ્યુબલાઇટ થઈ! ‘એક મિનિટ, તમે શું બોલ્યા? તમે પંદર વરસથી અમદાવાદમાં જ રહો છો?’

‘હાસ્તો?’

આ સાંભળતાં જ સંજયે પોતાનું કપાળ કૂટ્યું! તેણે તરત જ પૂછ્યું, ‘હલો, તમારું નામ શું કહ્યું તમે?’

‘મેં ક્યાં હજી નામ

કહ્યું જ છે?’

તે માણસ

હસ્યો. ‘ઍનીવે, મારું નામ

નવનીત મહેતા છે અને તમે?’

તે માણસે હાથ મિલાવવા માટે હથેળી આગળ કરી, પણ સંજયે તરત જ કારને બ્રેક મારતાં કહ્યું, ‘તમે ઊતરી જાઓ! હમણાં ને હમણાં ઊતરી જાઓ!’

પેલો માણસ ડઘાઈ ગયો. સંજયે બૂમ પાડી...

‘તમને એક વાર કહ્યું એ સંભળાતું નથી? ગેટ ડાઉન! નીકળો મારી કારમાંથી!’

પેલો માણસ હજી ડઘાયેલો હતો. તે દરવાજો ખોલીને જેવો ઊતર્યો કે તરત જ સંજયે કારને યુ-ટર્ન મારીને ભગાવી મૂકી... ‘ધત્તેરેકી! આ તો કોઈ ભળતો જ માણસ ભટકાઈ ગયો...’

ત્યાં તો ફોનમાં ​રિંગ વાગી. અવાજ સુનિધિનો હતો, ‘મળી ગયા મિસ્ટર કાબરા?’

‘ક્યાંથી?’ સંજય બગડ્યો. ‘એ બગડેલી એસ્ટીમ કારમાં તો કોઈ નવનીત મહેતા નામનો માણસ હતો!’

‘સાવ ઇડિયટ છેને તું!’ સુનિધિની પણ છટકી. ‘તેં નંબરપ્લેટ ચેક કરી હતી?’

‘નંબરપ્લેટ?’

‘મેં તને અડધો કલાક પહેલાં એ કારનો નંબર સાદા SMS વડે મોકલ્યો હતો.’

‘અરે યાર...’ સંજય બોલવા ગયો, ‘તારે મને ફોન તો...’

‘હવે શોધ એ નંબરવાળી કારને...’

સુનિધિએ ફોન કટ કરી નાખ્યો. સંજયને પોતાની જાત પર, પોતાની બાઘાઈ પર અને પોતાની મૂર્ખાઈ પર ગુસ્સો આવી રહ્યો હતો.

એટલો જ ગુસ્સો તેને સુનિધિ પર પણ આવી રહ્યો હતો. યાર, અડધો કલાક પહેલાં SMS કરીને પેલી એસ્ટીમ કારનો નંબર મોકલ્યો છે તો એ જ વખતે ફોન ન કરાય? અને ​શિટ! આ વખતે પણ ફોનમાં કહેવાનું રહી ગયું કે પેલા જગમોહન કાબરાનો ફોટો તો મોકલ?

જોકે સંજય ગુપ્તાને એ વાતની નવાઈ પણ લાગી રહી હતી કે દિલ્હીમાં બેઠાં-બેઠાં સુનિધિ કેવાં-કેવાં પ્લાનિંગો કરી શકતી હતી! મુંબઈમાં મને રિવૉલ્વર પણ તેણે જ અપાવી... મતલબ કે તેને કોઈ અન્ડરવર્લ્ડ સાથે કનેક્શન તો હશે જને? ચલો, ડાયરેક્ટ નહીં તો વાયા-વાયા પણ તેણે કેવી ફટ કરતાંકને ગન મૅનેજ કરી નાખી!

એ જ રીતે અહીં છેક અમદાવાદમાં હાઇવે પર કાબરાની કાર બગડી જાય એનું સેટિંગ પણ તેણે શી રીતે પાર પાડ્યું હશે?

‘યાર... કમાલની ઔરત મળી છે આ સુનિધિ...’ સંજય મનોમન વિચારતો થઈ ગયો. ‘અને હા, તેણે મારી પત્નીને પણ પતાવી જ નાખીને? એ કામ તેણે કોની પાસે કરાવ્યું હશે? અને સાલું, કેટલી સિફતથી કરાવ્યું હશે કે હજી સુધી મારી વાઇફની ડેડ-બૉડી પણ પોલીસને મળી નથી! ઍનીવે, હવે મળે તોય શું? હું તો આખી વાતમાં નિર્દોષ જ છુંને?’

...પણ અહીં હવે સંજયે પોતે એક ખૂન કરવાનું હતું! થશે કે નહીં?

એક તો પેલા ભળતા જ નવનીત મહેતાને કાબરા સમજીને લિફ્ટ આપી દીધી! આ તો સારું થયું કે તે પોતાનું નામ બોલી ગયો, નહીંતર કેટલી મોટી જફા થઈ ગઈ હોત?

એ જ જફામાં ઑલરેડી અડધો કલાક બગડી ચૂક્યો હતો. ટેન્શન હવે એ હતું કે પેલા મિસ્ટર કાબરા ત્યાં હશે કે નહીં? ક્યાંક તેણે બીજાની કારમાં લિફ્ટ લઈ લીધી હશે તો? સાલાને એ પછી શોધવો ક્યાં?

સંજય પોતાના જ કપાળે

પોતાની જ મુઠ્ઠીઓ મારી રહ્યો હતો. બે ઘડી માટે તો થયું કે ભાડમાં જાય આ બધું!

સંજય આવા વિચારોમાં હતો ત્યાં જ તેની નજર રોડ પર પડી! ઓત્તારી... આ તો... વાહ નસીબ!

એ જ નંબરપ્લેટ ધરાવતી સફેદ રંગની એક એસ્ટીમ કાર હાઇવેની સાઇડમાં ઊભેલી દેખાઈ! બાજુમાં એક ઊંચો સરખો ચશ્માંવાળો,

વાઇટ સફારી સૂટ પહેરેલો માણસ ઊભો હતો.

સંજયે કાર ઊભી રાખીને પહેલાં જ પૂછી લીધું : ‘આર યુ જગમોહન કાબરા?’

‘યસ, બટ હાઉ ડૂ યુ નો?’

સંજય પાસે આનો પણ જવાબ નહોતો! પણ હા, શિકાર તેની સામે જ હતો...

 

(ક્રમશઃ)

columnists