શિખાઉને મળી સોપારી - ગફલતોના ગુણાકાર ભાગાકાર (પ્રકરણ ૩)

24 July, 2024 07:30 AM IST  |  Mumbai | Lalit Lad

એ નંબર પર ફોન કરીને કહેજે કે મૅડમ ચિટનીસને જો કૌવા ભેજા હૈ વો લેને કબ આઉં?

ઇલસ્ટ્રેશન

સંજય ગુપ્તાના હાથ ધ્રૂજી રહ્યા હતા. હવે એ ઘડી આવી પહોંચી હતી જ્યારે તેણે એક ખૂન કરવા માટેની તૈયારી શરૂ કરવાની હતી. તેણે પોતાના હાથમાં પકડેલા પ્રિન્ટ-આઉટમાં આગળ વાંચ્યુ :

‘મનમોહન કાબરા કઈ હોટેલમાં ઊતરશે, ત્યાંથી તે કઈ કારમાં બેસીને ફૅક્ટરીની જમીન જોવા જશે તે હું તને ફોન કરીને કહી દઈશ. એ વખતે હું તને કારનો નંબર, મૉડલ તથા કલર પણ કહીશ. હવે તારે શું કરવાનું છે એ ધ્યાનથી સાંભળ.

સંજુએ સિગારેટનો ઊંડો કશ લીધો અને સુનીતાની વાત ધ્યાનથી સાંભળવા લાગ્યો. સુનીતાએ કહ્યું, ‘તું મુંબઈથી રાતની ટ્રેનમાં બેસીને સવારે અમદાવાદ પહોંચી જઈશ. ત્યાં તું કોઈ મામૂલી હોટેલમાં રૂમ લઈ લેજે. બપોર પછીના સમયમાં મનમોહન કાબરા એ જમીન જોવા માટે નીકળશે. તારે પણ એ જ તરફ જવાનું છે.’

‘પણ શેમાં? કઈ રીતે?’ સંજુએ પૂછ્યું.

‘સમજાવું છું...’ સુનીતાએ કહ્યું, ‘તું શાહીબાગમાં આવેલી એક સ્ટર્લિંગ કાર રેન્ટલ સર્વિસ નામની કંપનીમાં જજે. એ લોકો અપ-ટુ-ડેટ કાર જાતે ચલાવીને જ્યાં ફરવું હોય ત્યાં ફરવા માટે ભાડે આપે છે. જોકે ડિપોઝિટ પેટે વીસેક હજાર રૂપિયા લેશે, પણ એ ખૂબ સેફ રહેશે.’

‘ઓકે... કાર ભાડે લઈને મારે શું કરવાનું?’

‘એ કાર લઈને શહેરની બહાર હાઇવે પર જતા રહેવાનું. પછી ત્યાં કોઈ એકાંત સ્થળ શોધીને પહેલાં તો કારની નંબર-પ્લેટ બદલી નાખવાની. નકલી નંબર-પ્લેટ તારે મુંબઈથી જ બનાવીને લઈ જવી પડશે.’

‘ઓકે, સમજી ગયો... પછી?’

‘પછીની એક નાનકડી ગોઠવણ મેં કરી હશે. તું જ્યારે એ ફૅક્ટરીના રસ્તા પરથી પસાર થતો હશે ત્યારે મિસ્ટર મનમોહન કાબરાની કાર અચાનક બગડી જશે!’

‘અચાનક બગડી જશે? શી રીતે?’

‘મેં કહ્યુંને, એ મારી ગોઠવણ હશે.’

‘મને સમજાતું નથી, પણ પછી?’

‘બસ, પછી તારે મનમોહન કાબરાની બગડેલી કાર પાસે તારી કાર ઊભી રાખીને પૂછવાનું, ‘એની પ્રૉબ્લેમ? હું તમને કોઈ મદદ કરી શકું?’ સ્વાભાવિક છે કે મનમોહન કાબરા સામે ચાલીને તારી પાસે લિફ્ટ માગશે. તારે તેમને લિફ્ટ આપવાની... અને પછી હાઇવે પર એકાંત વિસ્તાર જોઈને તેમને કહેવાનું કે જો તમને વાંધો ન હોય તો જરા આ જમણી બાજુએ એક જમીન મારે પણ જોવાની છે. એ પહેલાં જોતા જઈએ? માત્ર ૧૦ મિનિટ લાગશે.’

‘અને મનમોહન કાબરા

હા પાડશે?’

‘તેને છૂટકો નથી. બસ, આ જ મોકો છે કે તારે હાઇવે પરથી કોઈ સૂમસામ ખેતરમાં કાર ઊભી રાખીને મનમોહન કાબરાને શૂટ કરી દેવાનો છે!’

lll

આટલું વાંચતાં-વાંચતાં તો સંજયને પરસેવો વળી ગયો હતો. હજી તે કંઈ આગળ વાંચે ત્યાં તો મોબાઇલ રણકી ઊઠ્યો. સુનિધિનો સ્પષ્ટ અને સપાટ અવાજ સંભળાયો, ‘પ્લાન મળી ગયો? હવે અમલમાં મૂકવાની તૈયારી કર.’ તરત ફોન કટ થઈ ગયો.

સંજયનું હૃદય ફરી બે ધબકારા ચૂકી ગયું, ‘હું ઇડિયટ છું. એક નંબરનો ઇડિયટ, શું મારાથી ખૂન થઈ શકશે?’

પણ સંજયના પગ અત્યારથી ઢીલા થઈ ગયા હતા. તેણે કદી મધુસૂદન કાબરાને જોયો નહોતો. મધુસૂદન કાબરા સાથે તેનો કોઈ સંબંધ નહોતો. મધુસૂદન કાબરાએ તેનું કાંઈ જ બગાડ્યું નહોતું છતાં તેણે દિલ્હીના

આ અજાણ્યા બિઝનેસમૅનનું ખૂન કરવાનું હતું.

ખૂન કરવા પાછળનું કારણ માત્ર એટલું જ હતું કે એક વાર, માત્ર એક જ વાર તેને મધુસૂદન કાબરાની પત્ની સુનિધિ સાથે સૂવાનું થયું હતું અને એ જ વખતે સુનિધિએ તેની સાથે એક સોદો કર્યો હતો, ‘હું તારી પત્નીને મારી નાખીશ. બદલામાં તારે મારા હસબન્ડનું ખૂન કરવું પડશે.’

સુનિધિએ તેનું કામ ક્યારનું પતાવી દીધું હતું. સંજય જેના ત્રાસથી છેક આપઘાત કરવાની હદે પહોંચી ગયો હતો એવી તેની પત્ની સંજનાનું ખૂન થઈ ગયું હતું. પોલીસે સંજયની ત્રણ-ત્રણ દિવસ સુધી પૂછપરછ કર્યા પછી તેને નિર્દોષ છોડી મૂક્યો હતો એટલે જ હવે સુનિધિનો બદલો ચૂકવવાનો સમય આવી પહોંચ્યો હતો.

સંજય સ્વભાવે સાવ બાઘો અને બીકણ હતો, પણ આ વખતે તેણે જબરી હિંમત એકઠી કરી હતી. જાતે જ જઈને મુંબઈથી અમદાવાદની ટ્રેનની રિટર્ન ટિકિટ કરાવી હતી. જાતે જ માથાકૂટ કરીને એક નકલી નંબર-પ્લેટ બનાવડાવી હતી. બસ, સવાલ હતો રિવૉલ્વરનો.

‘આ રિવૉલ્વર કઈ દુકાનમાં મળતી હશે?’ સંજયે માથું ખંજવાળ્યું. પછી તેને યાદ આવ્યું... ‘યસ, યલો ગૂગલમાં શું ક્યાં મળે છે એની તમામ માહિતી હોય છે!’ તે મોબાઇલ લઈને મચી પડ્યો. પૂરા અઢી કલાકની મહેનત પછી પણ તેને રિવૉલ્વરની કોઈ દુકાન ન મળી.

ત્યાં જ મોબાઇલની રિંગ આવી, ‘ટિકિટનું પતાવ્યું?’ સુનિધિનો અવાજ હતો.

‘હા, ટિકિટનું થઈ ગયું અને

નંબર-પ્લેટ પણ કરાવી લીધી, પણ સુનિધિ, આ રિવૉલ્વરની દુકાન મુંબઈમાં ક્યાં છે?’

‘ઇડિયટ!’ સુનિધિ ફોન પર બબડી, ‘આ કંઈ ચૉકલેટ-પીપરમિન્ટ છે કે દુકાનમાં મળે?’

‘તો ક્યાં મળે?’ સંજયે હજી એ જ નિર્દોષતાથી સવાલ કર્યો.

‘એને માટે જ મેં તને ફોન કર્યો છે. સૌથી પહેલાં આ એક મોબાઇલ-નંબર લખી લે.’ સુનિધિએ એક નંબર લખાવ્યો અને કહ્યું, ‘એ નંબર પર ફોન કરીને કહેજે કે મૅડમ ચિટનીસને જો કૌવા ભેજા હૈ વો લેને મૈં કબ આઉં?’

સંજય હજી કંઈ પૂછે એ પહેલાં તો સુનિધિએ ફોન કાપી નાખ્યો. બિચારા સંજયની હાલત કફોડી હતી. સુનિધિની સ્પષ્ટ સૂચના હતી કે ફોન તે પોતે જ કરશે, સંજય નહીં. સુનિધિ આવા ટૂંકા ફોન કોઈ બીજાના મોબાઇલ બે મિનિટ માટે ઉછીના માગીને કરતી હતી. ખેર, સંજયે સુનિધિએ લખાવેલા નંબર પર ફોન કર્યો, ‘હેલો, મૅડમ ચિટનીસને જો કૌવા ભેજા હૈ વો લેને મૈં કબ આઉં.’

‘અભી...’ સામેથી ભારે અવાજ સંભળાયો.

‘મગર કહાં?’

‘તાજ હોટેલ કે સામને,

ગેટવે-ઑફ-ઇન્ડિયા પે મિલો, બીસ મિનિટ મેં.’

‘બીસ મિનિટ?’ સંજય ગભરાયો, ‘યાર, હજી તો મારે કપડાં બદલવાનાં પણ બાકી છે.’

‘પજામા પહનકર આઓ.’

પેલો ફોન કાપી જ નાખત, પણ સંજયને સૂઝ્‍યું, ‘અરે, મગર મૈં આપકો પહચાનુંગા કૈસે?’

‘રેડ શર્ટ, બ્લુ પૅન્ટ, કાલા ચશ્માં, ઠીક હૈ?’

‘મગર તુમ મુઝે કૈસે પહચાનોગે?’

‘બોલા ના? પજામા પહનકર આના!’ ફોન કટ થઈ ગયો. હવે સંજયને ખરેખર પાયજામો પહેરીને ગયા સિવાય છૂટકો નહોતો. તે ઝટપટ ફ્લૅટમાંથી નીચે ઊતર્યો. ટૅક્સી રોકી. બેસવા જતો હતો ત્યાં જ યાદ આવ્યું કે પેલો રિવૉલ્વરના પૈસા માગશે તો? ટૅક્સીવાળાને ઊભો રખાવીને તે હાંફળો-ફાંફળો ઉપર આવ્યો. કબાટ ખોલીને રોકડા ૩૦,૦૦૦ રૂપિયા કાઢ્યા. બૅગ કાઢી. એમાંનાં કાગળિયાં બેડ પર ઠાલવીને અંદર રૂપિયાનાં બંડલ ગોઠવ્યાં. બૅગ બંધ કરીને તરત નીચે દોડ્યો, ટૅક્સીવાળો ઊભો હતો. બેસતી વખતે સંજયે પૂછ્યું, ‘પાંચસો કા છુટ્ટા હોગા ના?’

કારણ કે પાંચસો-પાંચસોનાં બંડલ લીધાં એ વખતે બીજા છૂટા પૈસા લેવાનું પણ તે ભૂલી ગયો હતો! ખેર, ટૅક્સીવાળાએ ગેટવે-ઑફ-ઇન્ડિયા આગળ તેને ઉતારીને બાકીના પૈસા તો આપ્યા, પણ તે સંજયને ધારીધારીને જોતો રહ્યો, કેમ કે સંજય ખરેખર કાર્ટૂન લાગતો હતો. ચોળાયેલો પાયજામો, નવું શર્ટ, પગમાં બૂટ અને હાથમાં એક્ઝિક્યુટિવ બૅગ!

ગેટવે-ઑફ-ઇન્ડિયાની બરોબર સામે પેલો માણસ ઊભો હતો. લાલ શર્ટ, બ્લુ પૅન્ટ અને કાળાં ચશ્માં. તેણે જઈને કહ્યું, ‘મૅડમ ચિટનીસને જો કૌવા ભેજા હૈ વો લેને આયા હૂં.’

‘ઠીક હૈ, માલ લાઓ... કિતના હૈ?’

‘તીસ હજાર... ના ના સૉરી, ઓગણત્રીસ હજાર પાંચસો છે. ટૅક્સીના પૈસા છૂટા નહોતાને એટલે..’

‘યે લો...’ પેલાએ બૅગ હાથમાંથી લઈ લીધી અને પૅન્ટના ખિસ્સામાંથી રિવૉલ્વર કાઢીને આગળ ધરી. સંજય ડઘાઈ ગયો! ‘આમ આ રીતે ખુલ્લેઆમ?’

‘લે લે? દેખતા ક્યા હૈ?’

સંજયે ઝડપથી રિવૉલ્વર લઈ લીધી અને પાયજામાના ખિસ્સામાં મૂકી દીધી. પેલો બોલ્યો, ‘છહ ગોલી હૈ. દેખ લેના. ઠીક હૈ?’ એમ કહીને તે ચાલતો થયો. સંજયના પગ પાણી-પાણી થઈ રહ્યા હતા. ગળામાં શોષ પડવા લાગ્યો. માંડ-માંડ એક ટૅક્સી ઊભી રખાવીને તે ઘરભેગો થયો.

મુંબઈથી અમદાવાદની મુસાફરી ટેન્શન વિનાની રહી. સવારે અમદાવાદ સ્ટેશને ઊતરીને તેણે બિલકુલ સામે દેખાતી એક મામૂલી હોટેલમાં રૂમ લીધી.

હવે જવાનું હતું શાહીબાગ, સ્ટર્લિંગ કાર રેન્ટલની ઑફિસે. તેણે હોટેલની બહાર નીકળીને એક રિક્ષા કરી, ‘શાહીબાગ લે લો.’

રિક્ષા શાહીબાગમાં આંટા મારી રહી હતી. છેલ્લી ૪૫ મિનિટથી તે ‘સ્ટર્લિંગ કાર રેન્ટલ’ સર્વિસની ઑફિસ શોધી રહ્યો હતો, પણ કોઈને આ જગ્યાની ખબર નહોતી. તડકાને લીધે તેનું માથું ભમી રહ્યું હતું. ત્યાં જ મોબાઇલની રિંગ રણકી, ‘ક્યાં છે તું? શું કરે છે?’ સુનિધિએ પૂછ્યું.

‘અરે, ક્યારનો આ સ્ટર્લિંગ કાર રેન્ટલ શોધું છું.’

‘ઇડિયટ, તારામાં ક્યારે અક્કલ આવશે?’ સુનિધિ બોલી, ‘તને કોણે કહેલું કે સ્ટર્લિંગ કાર રેન્ટલમાં જવાનું છે?’

‘પણ તેં જે કાગળો મોકલેલાં એમાં તો...’

‘એમાં એક વાર્તા છાપેલી હતી...’ સુનિધિ અકળાઈને બોલી, ‘એમાં બધાં જ નામ બદલાયેલાં હતાં. એમાં ‘સંજુ’ હતો. ‘સુનીતા’ હતી અને ‘મનમોહન કાબરા’ હતો. આ બધાં જ નામ નકલી હોય તો ‘સ્ટર્લિંગ’ અને ‘શાહીબાગ` ક્યાંથી અસલી હોય?’

સંજયે કપાળ કૂટ્યું, ‘તો હવે?’

‘હવે ધ્યાનથી સાંભળ...’ સુનિધિએ કહ્યું, ‘તું શ્યામલ ચાર રસ્તા પાસે આવેલી શ્રીનિધિ ટ્રાવેલ્સ ઑફિસે જા. એ લોકો આ રીતે કાર જાતે ચલાવીને લઈ જવા માટે ભાડે આપતા નથી, પણ તું તેમને કન્વિન્સ કર, સમજ્યો?

ચલ બાય!’

સુનિધિએ ફોન કાપી નાખ્યો.

સંજય હવે ચિડાઈ ગયો. હદ કરે છે આ સુનિધિ! છેલ્લી ઘડી સુધી મને કંઈ કહેતી નથી અને શાહીબાગના તમામ રસ્તા ખૂંદી લીધા પછી સાલી મને કહે છે કે હવે શ્યામલ ચાર રસ્તા જા. હવે સુનિધિ જેમ કહે છે એમ કર્યા વિના છૂટકો પણ નહોતો. મધુસૂદન કાબરાને પતાવી દીધા પછી તમામ ઝંઝટનો અંત આવી જશે અને સુનિધિ સાથે...

સંજય કલ્પનાઓમાં ખોવાઈ ગયો. હાશ. તે થોડા જ દિવસોમાં સંપૂર્ણપણે મુક્ત થઈ જશે. પછી તે દિલ્હીમાં સુનિધિ સાથે કેવી-કેવી મજા કરશે! અને એ પછી જ્યારે તે પોતે ખરેખર અબજોપતિ થઈ ગયો હશે ત્યારે તો...

પણ રંગીન કલ્પનાઓ કરવાનો આ સમય નહોતો. હજી ઘણી જફાઓ બાકી હતી.

(ક્રમશઃ)

columnists