શિખાઉને મળી સોપારી - ગફલતોના ગુણાકાર ભાગાકાર (પ્રકરણ ૨)

23 July, 2024 07:23 AM IST  |  Mumbai | Lalit Lad

પોતાની પત્નીના ત્રાસમાંથી છૂટવા માટે સંજયને આવી જ કોઈ ચાલાક ઔરતની જરૂર હતી

ઇલસ્ટ્રેશન

‘નો. આઇ ઍમ જસ્ટ અ વુમન...’ તે સ્ત્રી હળવેકથી હસી, ‘પણ એક પર્ફેક્ટ વુમન છું. પુરુષ માત્રને એક જ નજરમાં ઓળખી શકું એવી પર્ફેક્ટ વુમન.’ ગુલાબી બંગડીઓવાળો હાથ તેના હાથ પર મૂકતાં તે બોલી, ‘તમારી પત્ની અતિશય પૈસાદાર છે. અત્યંત પાવરફુલ છે. રોજના કદાચ લાખો રૂપિયા કમાય છે અને તે તમને પોતાની પથારીની નજીક પણ આવવા દેતી નથી. રાઇટ?’

‘માય ગૉડ! કમાલની ઔરત હતી આ!’ સંજયને ગળામાં શોષ પડવા લાગ્યો, ‘આટલી બધી ઝીણવટથી તમે કઈ રીતે કહી શકો છો?’

‘કારણ કે હું પણ તમારા જેટલી જ પીડામાંથી પસાર થઈ રહી છું.’ એ સ્ત્રીએ તેની આંખોમાં આંખો પરોવતાં કહ્યું, ‘ફરક ફક્ત એટલો જ છે કે મારો હસબન્ડ મને બધું જ આપે છે. તેના સમય અને શરીર સિવાય.’

કોણ જાણે કેમ, પણ સંજયને પહેલી વાર લાગ્યું કે તેને કોઈ

સમજી શકે છે. એ સ્ત્રીની આંખોની ભીનાશ જોઈને તેના પોતાના દિલનાં બંધ દ્વાર ખૂલી ગયાં. તે ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો.

પેલી સ્ત્રીએ તેને થોડી વાર તો રડવા દીધો. પછી પોતાનો પેગ એક જ ઘૂંટડે ગળામાં ઉતારીને તેણે બિઅરનો મગ ઉપાડીને તેના હાથમાં પકડાવ્યો, ‘કમ ઑન. નાવ ફિનિશ ધિસ. પછી આપણે ક્યાંક જઈએ. અહીંથી બહાર. આ ચહલપહલ અને ઘોંઘાટથી દૂર.’

એકાદ કલાક પછી સંજય દિલ્હીથી દૂર એક ફાર્મહાઉસના બેડરૂમમાં હતો. એ અજાણી સ્ત્રી સાથે સેક્સ કરતાં પહેલાં તે ખૂબ રડ્યો હતો, પણ હવે તેનું હૃદય હળવું થઈ ગયું હતું. તેણે સિગારેટનો ઊંડો કશ લેતાં પૂછ્યું, ‘શું નામ છે તારું?’

‘સુનિધિ કાબરા.’ સ્ત્રીએ સાવ સપાટ અવાજમાં કહ્યું, ‘આપણે એક સોદો કરીએ. હું તારી પત્નીને મારી નાખીશ. બદલામાં તારે મારા હસબન્ડનું ખૂન કરવું પડશે.’

સંજય ડઘાઈ ગયો હતો, પણ પેલી સ્ત્રીએ ઠંડકથી કહ્યું, ‘ડોન્ટ વરી. મારી પાસે એક પર્ફેક્ટ પ્લાન છે.’

‘શું છે એ પ્લાન?’ સંજયે ડરતાં-ડરતાં પૂછ્યું.

‘જો...’ સુનિધિ કાબરાએ તેની આંખોમાં આંખો પરોવતાં કહ્યું, ‘તેં મારા હસબન્ડને કદી જોયો નથી. તું તેને ક્યારેય મળ્યો નથી. તું તેને ઓળખતો પણ નથી. એ જ રીતે હું તારી પત્નીને નથી ઓળખતી. હું તેને ક્યારેય નથી મળી અને મેં પણ તેને કદી જોઈ નથી.’

‘તો?’ સંજયે પૂછ્યું, ‘તો શું?’

‘એ જ પ્લાનની માસ્ટર કી છે.’ સુનિધિના ગુલાબી હોઠો પર સ્મિત આવ્યું.

‘કેવી રીતે?’

‘સિમ્પલ. પોલીસ હંમેશાં ખૂન પાછળનો હેતુ શોધે છે. મારા પતિનું ખૂન કરવામાં કોને રસ હોય? તેના કોઈ દુશ્મનને? તેના કોઈ દોસ્તને? તેની પત્નીને? તેની પત્નીના કોઈ પ્રેમીને? કોને રસ હોય?’ સુનિધિએ વાઇનનો નાનકડો પેગ બનાવ્યો અને એક ચૂસકી લીધી, ‘મારા હસબન્ડનું ખૂન થતાંની સાથે પોલીસ એ તમામ લોકો પર શંકા કરશે જેને મારા હસબન્ડ સાથે સંબંધ હોય. સૌથી વધુ શંકા મારા પર જશે, પણ જ્યારે એ વાતના પુરાવા મળશે કે ખૂનના સમયે હું સેંકડો કિલોમીટર દૂર એક પાર્ટીમાં હતી અને કમસે કમ ૫૦ જણ મારી હાજરીની ખાતરી આપવા તૈયાર હોય તો મારા પર કઈ રીતે શંકા જાય?’

‘પણ હું... આપણે...’

‘આપણે હમણાં બે કલાક પહેલાં જ મળ્યાં છીએ અને એ હોટેલના બારમાં માંડ ત્રણચાર જણ હાજર હતા. ડીમ લાઇટને કારણે તને કે મને કોઈ યાદ રાખી શકે એવા ચાન્સિસ ઓછા છે... અને...’

સુનિધિએ વાઇનનો પેગ પૂરો કર્યો, ‘અને આજ પછી આપણે એકબીજાને ક્યારેય નહીં મળીએ. કમસે કમ જ્યાં સુધી આ બન્ને ખૂન અને એની ઇન્ક્વાયરી પતી ન જાય ત્યાં સુધી તો હરગિજ નહીં.’

સંજયને ખૂબ ડર લાગી રહ્યો હતો. ‘જો સુનિધિ, હું બહુ બાઘો છું. મારાથી આવડું મોટું કામ નહીં થાય.`’

‘થશે. હું તને શીખવાડીશ...’ સુનિધિની આંખોમાં ચમક હતી.

‘હું તને મોબાઇલથી ફોન

કરતી રહીશ.’

‘પણ મોબાઇલના નંબરનો રેકૉર્ડ રહેતો હોય છે.’

‘મને ખબર છે એટલે હું તને જુદા-જુદા મોબાઇલથી ફોન કરીશ. મારા જેવી ખૂબસૂરત ઔરત માટે આ સાવ સહેલું છે. ઍરપોર્ટ, રેસ્ટોરાં, પાર્ટી કે ગમે ત્યાં હું કોઈને પણ રિક્વેસ્ટ કરું કે જુઓને, મારા મોબાઇલની બૅટરી ડાઉન થઈ ગઈ છે. પ્લીઝ, તમારા મોબાઇલ પરથી એક ફોન કરી શકું? તો મને કોઈ ના નહીં પાડે!’

ગજબની ચાલાક ઔરત હતી આ!

અને પોતાની પત્નીના ત્રાસમાંથી છૂટવા માટે સંજયને આવી જ કોઈ ચાલાક ઔરતની જરૂર હતી, કારણ કે સંજય બિચારો સંજનાનો નામ માત્રનો જ પતિ હતો. સંજના ચાર-ચાર કંપનીઓની માલિક હતી અને તે સંજય સાથે એક મામૂલી ક્લાર્ક તો ઠીક, એનાથીય ખરાબ વર્તાવ કરતી હતી. કહેવા ખાતર તે સંજનાનો પતિ હતો. બાકી સંજના તેની પાસે અત્યંત ગુપ્ત બિઝનેસના સોદા કરાવડાવતી.

જોવાની ખૂબી એ હતી કે સંજયને એક વાક્ય પણ બોલવાની છૂટ નહોતી. મુંબઈથી દિલ્હી ભલે તે વિમાનમાં આવે, ભલે તેની બૅગમાં લાખો રૂપિયા હોય, પરંતુ જે સરકારી અફસરને પૈસા પહોંચાડે તેની સામે પણ કશું જ બોલવાની મનાઈ હતી. માત્ર તેના મોબાઇલ વડે સંજનાનો નંબર જોડીને ઑફિસર સાથે વાત કરાવી આપવાની રહેતી.

બહારથી કોઈને એમ જ લાગે કે સંજય ફાઇવસ્ટાર લાઇફ જીવી રહ્યો છે, પરંતુ સંજના તેની

પાઈ-પાઈનો હિસાબ રાખતી. તેની પાસે માત્ર બે જોડી શર્ટ હતાં અને છેલ્લાં પાંચ વર્ષથી તેને નવું પેન્ટ સિવડાવવાની પણ છૂટ નહોતી મળી.

દિલ્હીની એક ફાઇવસ્ટાર હોટેલના બારમાં જ્યારે તેણે ખિસ્સામાં બચેલા પરચૂરણ વડે બિઅરની એક બૉટલ ખરીદી ત્યારે જ સુનિધિની ચબરાક નજરમાં તે વસી ગયો હતો. સુનિધિએ માત્ર બે જ કલાકમાં સંજયને પોતાની મોહજાળમાં ફસાવી લીધો હતો. અત્યારે તે દિલ્હીથી ૧૨ કિલોમીટર દૂરના એક ફાર્મહાઉસના બેડરૂમમાં હતો અને સુનિધિ તેને ડબલ મર્ડરનો માસ્ટર પ્લાન સમજાવી રહી હતી.

‘મારી વાત સમજ, સંજય.’ સુનિધિ કહી રહી હતી, ‘પહેલું પગલું હું ભરીશ. તારી પત્નીનું ખૂન હું કરી નાખીશ. ક્યારે, કઈ રીતે, ક્યાં એ હું તને પણ નથી કહેવાની. તારી પત્નીનું ખૂન થતાંની સાથે જ પોલીસ તારી પાછળ પડી જશે. તારું માથું ખાઈ જશે. તને હેરાન-પરેશાન કરી નાખશે, પણ જ્યારે પોલીસને ખાતરી થશે કે ખૂનમાં તું ક્યાંય સંડોવાયેલો નથી ત્યારે તને જવા દેશે. બસ, એ પછી જ હું તને મારા હસબન્ડનો મર્ડર-પ્લાન સમજાવીશ.’

lll

અને લગભગ એક મહિના પછી આજે એ દિવસ આવી ગયો હતો.

કારણ કે આજે જ પોલીસની ત્રણ-ત્રણ દિવસની ઇન્ક્વાયરી પછી તેને છોડી મૂકવામાં આવ્યો હતો. આજે જ સુનિધિનો મોબાઇલ પર સંદેશો પણ આવી ગયો હતો,

‘સંજય, મેં તારી પત્નીને પતાવી નાખી છે. હવે તારે મારું કામ પતાવી આપવું પડશે!’

સંજયના દિલની ધડકનો વારંવાર વધી જતી હતી. તે ખૂબ નર્વસ હતો. તેણે જિંદગીમાં કોઈનું ખૂન કરવાનો વિચાર સુધ્ધાં નહોતો કર્યો, પણ હવે તેણે દિલ્હીના કોઈ મધુસૂદન કાબરા નામના માણસનું ખૂન કરવાનું હતું! કઈ રીતે કરી શકશે? તેને આખી રાત ઊંઘ ન આવી.

સવારે અચાનક તેનો મોબાઇલ રણકી ઊઠ્યો. સામેથી સુનિધિનો અવાજ સંભળાયો, ‘સંજય, ધ્યાનથી સાંભળ... આજે તારે મુંબઈમાં મગન અંબાલાલ નામના આંગડિયાની ઑફિસ જઈને એક કવર લઈ આવવાનું છે. આખો પ્લાન એ કવરમાં છે!’ તરત જ ફોન કટ થઈ ગયો.

સંજય સ્તબ્ધ થઈ ગયો.

મર્ડર-પ્લાન હવે ઍક્શનમાં મુકાઈ રહ્યો હતો! ‘પણ આ મગન અંબાલાલ નામનો આંગડિયો છે ક્યાં? તેની ઑફિસ ક્યાં છે? આવડા મોટા મુંબઈમાં એક મામૂલી આંગડિયાની ઑફિસ શી રીતે શોધવી?’ તે બેચેન બનીને ફ્લૅટમાં આંટા મારતો રહ્યો.

કલાક પછી મોબાઇલ રણકી ઊઠ્યો. સુનિધિનો જ અવાજ હતો, ‘શું કરે છે? આંગડિયાની ઑફિસ પહોંચ્યો કે નહીં?’

‘પણ...’ સંજય બોલ્યો, ‘એ આંગડિયાનું સરનામું શું છે?’

‘ઇડિયટ, આટલી સમજ ન પડે? ગૂગલ-મૅપમાંથી શોધી કાઢ! એટલી અક્કલ નથી ચાલતી?’ સુનિધિએ ફોન કાપી નાખ્યો.

ઇડિયટ. યસ, તેની પત્ની સંજના પણ તેને આ જ રીતે ઇડિયટ કહેતી હતી. તે હતો જ ઇડિયટ. આટલી સમજ ન પડે? ગૂગલમાંથી જૂના આંગડિયા મગન અંબાલાલનો

ફોન-નંબર અને સરનામું શોધતાં તેને છેક હવે ટ્યુબલાઇટ થઈ,

‘યસ, સુનિધિ ધારત તો કુરિયર દ્વારા પણ મને પ્લાન મોકલી શકત, પણ જો કુરિયર ઘરે ડિલિવરી કરવા આવે તો તે મારો ચહેરો જોઈ જાય. મારી સહી લઈને જાય અને ફોન-નંબર, સરનામું ઘણુંબધું બહાર પડી જાય. જ્યારે અહીં તો...’

તેણે વિચાર કર્યો કે જ્યારે તે આંગડિયાની ઑફિસ જશે ત્યારે સંજય ગુપ્તા નહીં, પણ તેના માણસ તરીકે જશે અને કહેશે કે ‘સંજય ગુપ્તાના નામનું કોઈ આંગડિયું આવ્યું છે, દિલ્હીથી? તેમને ત્યાંથી આવું છું.’

અને બરાબર એમ જ થયું. આંગડિયાવાળાએ તેની સામે જોયું પણ નહીં. ફટ દેતાંકને કવર પકડાવી દીધું. તે ઝડપથી બહાર નીકળી ગયો. નીચે ઊતરતાંની સાથે જ તેને કવર ખોલીને પ્લાન વાંચવાનું મન થઈ આવ્યું, પણ તેણે કાબૂ રાખ્યો. તે ચાલીને બૉમ્બે સેન્ટ્રલ રેલવે-સ્ટેશન ગયો. અહીં ભરચક ભીડ હતી. તે પ્લૅટફૉર્મ-ટિકિટ લઈને અંદર ગયો. ખાસ્સા દૂરનો એક બાંકડો પસંદ કરીને બેઠો અને પછી તેણે નિરાંતે કવર ખોલ્યું.

તેને એમ લાગ્યું કે કવરમાં સુનિધિના હસ્તાક્ષરમાં લખેલો પ્લાન હશે, પણ ના, સુનિધિ ખરેખર ચાલાક હતી. આ કાગળ કમ્પ્યુટરનાં પ્રિન્ટઆઉટ હતાં. અને જાણે કોઈ નવલકથાનાં વચ્ચેનાં પાનાં હોય એમ અમુક વર્ણન પછી લખ્યું હતું,

‘સંજુને સુનીતાએ કહ્યું, ‘આખો પ્લાન બહુ સહેલો છે. આજથી બરાબર ચાર દિવસ પછી મનમોહન કાબરા દિલ્હીથી અમદાવાદ જશે. ત્યાં તેમણે એક ફૅક્ટરી માટેની જમીનનો સોદો કરવાનો છે. સ્વાભાવિક છે કે આ જમીન શહેરથી ખાસ્સી દૂર છે. ત્યાં જવાનો રસ્તો પણ ખાસ્સો વેરાન છે.’

‘મનમોહન કાબરા કઈ હોટેલમાં ઊતરશે, ત્યાંથી તે કઈ કારમાં

બેસીને ફૅક્ટરીની જમીન જોવા જશે એ હું તને ફોન કરીને કહી દઈશ.

એ વખતે હું તને કારનો નંબર,

મૉડલ તથા કલર પણ કહીશ. હવે ધ્યાનથી સાંભળ...’

સંજયના ધબકારા વધી ગયા. હવે જે લખાણ હતું એમાં જ મર્ડરનો પ્લાન હતો.

( ક્રમશ:)

columnists