08 November, 2024 07:38 AM IST | Mumbai | Lalit Lad
ઇલસ્ટ્રેશન
‘સ્ટર્લિંગ DNA લૅબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ...’ રઘુનાથ ચૌહાણે એ બોર્ડ જોઈને પોતાની કાર એ બિલ્ડિંગ નીચે પાર્ક કરી. લૅબોરેટરી ત્રીજા માળે હતી. લિફ્ટમાંથી નીકળ્યા પછી રઘુનાથે રિસેપ્શન પર જઈને કહ્યું,
‘એક મોટી બિઝનેસ ઇન્ક્વાયરી માટે આવ્યો છું. તમારા સાહેબ છે અંદર?’
રિસેપ્શનિસ્ટે ઇન્ટરકૉમ પર વાત કરીને રઘુનાથને અંદર મોકલ્યા. કૅબિનમાં દાખલ થઈને ચહેરા પરનાં ગૉગલ્સ ઉતારતાં રઘુનાથે કહ્યું,
‘એક સ્પેશ્યલ રિક્વાયરમેન્ટ હતી. પૈસા તમને મોંમાગ્યા મળશે.’
‘બોલોને...’ સામે બેઠેલા ફાર્માસિસ્ટ ડૉ. જુનેજાએ વિવેકથી તેમને બેસવા કહ્યું.
‘વાત એમ છે કે તમે જો એક DNA-રિપોર્ટ મને અનુકૂળ આવે એવો બનાવો તો હું તમને ૫૦ લાખ જેટલી રકમ આપી શકું, કૅશ.’
ડૉ. જુનેજા આ રકમ સાંભળીને જરા અલર્ટ થયા. રઘુનાથે કહ્યું, ‘કેમ કે મામલો બહુ મોટી મિલકતના વારસાનો છે. સમજોને કે લગભગ સવાસો કરોડનો... એટલે...’
રઘુનાથે અવાજ ધીમો કર્યો, ‘તમારે પૂરેપૂરી સીક્રસી રાખવી પડે. તમે કહેતા હો તો રકમ વધારીને બે કરોડ સુધી જઈ શકે, શરત એટલી કે તમારો રિપોર્ટ બીજી કોઈ લૅબમાં ચૅલેન્જ ન થઈ શકે એવો પર્ફેક્ટ હોવો જોઈએ.’
‘સૉરી સર,’ ડૉ. જુનેજાએ હળવું સ્માઇલ આપતાં કહ્યું, ‘અમે માત્ર એક જ પ્રકારના DNA-રિપોર્ટ આપીએ છીએ અને એ સાચા જ હોય છે.’
‘તમે સમજ્યા નહીં...’ રઘુનાથ ગૉગલ્સ ટેબલ પર મૂકતાં જરા આગળ ઝૂક્યા. ‘જસ્ટ મને કહેશો કે તમે એક DNA-રિપોર્ટના કેટલા ચાર્જ કરો છો?’
‘ડિપેન્ડ્સ... જો પૅટરનિટી એટલે પિતૃત્વ અથવા માતૃત્વ સાબિત કરવાનું હોય તો મિનિમમ સાઠ હજારથી શરૂ થાય. પછી જેવું સૅમ્પલ... ક્યારેક માત્ર વાળ કે નખ જ હોય તો મહેનત વધી જાય છે.’
‘મહેનતને?’ રઘુનાથ હસ્યા, ‘મહેનત કરી-કરીને તમે પંદર-વીસ વર્ષમાં કેટલું કમાશો? જો એકઝાટકે માત્ર બે રિપોર્ટ આપવાથી તમને પાંચ કરોડ રૂપિયા મળતા હોય તો?’
‘સાહેબ, તમે ખોટી જગ્યાએ આવ્યા છો. મારે આ લૅબ બંધ નથી કરવાની. અમારી લાઇનમાં વિશ્વાસ બહુ મોટી ચીજ છે.’
‘ઠીક છે?’ રઘુનાથે ટેબલ પર આંગળાં વડે ટકોરો મારતાં નવો આંકડો પાડ્યો, ‘દસ કરોડ?’
ડૉ. જુનેજા જરા ચોંકી ગયા. તેઓ બોલ્યા, ‘સર, લાલચ બહુ બૂરી ચીજ છે.’
‘એક્ઝૅક્ટલી!’ એવું બોલતાંની સાથે જ રઘુનાથ ચૌહાણે પોતાના ખિસ્સામાંથી બે વિઝિટિંગ કાર્ડ કાઢીને ટેબલ પર મૂક્યાં. એક તેમની પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સીનું અને બીજું એક્સ-પોલીસ ઑફિસર તરીકેનું.
ડૉ. જુનેજાના કપાળે પરસેવો વળી ગયો, ‘સર, મેં તમને પહેલાં જ કહ્યું કે અમે આવું ખોટું કામ કરતા નથી.’
‘એ તો મારાં આ વિઝિટિંગ કાર્ડ જોયાં એટલે તમે સ્પષ્ટતા કરી! બાકી...’ રઘુનાથે જે રીતે વાક્ય અધૂરું મૂક્યું એનાથી ડૉ. જુનેજાના કપાળે વધારે પરસેવો વળી ગયો.
હવે લોઢું ગરમ થયેલું જોઈને રઘુનાથે ઘા કર્યો, ‘ડૉ. જુનેજા, બિલકુલ મારા જેવી ઑફર લઈને છેલ્લા થોડા દિવસોમાં અહીં કોણ આવ્યું હતું?’
જુનેજાના હોઠ ધ્રૂજવા લાગ્યા. તરત જ રઘુનાથે મોબાઇલમાંથી રાકેશનો ફોટો બતાવીને પૂછ્યું, ‘આ હતો એ માણસ?’
‘ના...’ ડૉ. જુનેજાએ હથેળી વડે પરસેવો લૂછતાં કહ્યું, ‘આ નહીં, એ તો ખાસ્સો આધેડ વયનો માણસ હતો. કપડાં પરથી તો સાવ સાધારણ લાગતો હતો, પણ તેણે ૧૫ કરોડ સુધીની ઑફર આપી હતી.’
‘અને તમે ના પાડી હતી, રાઇટ?’
ડૉ. જુનેજા માંડ-માંડ બોલ્યા, ‘જી, રાઇટ.’
lll
આ બાજુ ઇન્ક્વાયરી-રૂમમાં ઍડ્વોકેટ રમેશચંદ્ર નાણાવટીનું નામ પડતાં જ ધનસુખરાય ચમક્યા.
‘અરે ઍડ્વોકેટ નાણાવટી? તેમને તો હું બહુ સારી રીતે ઓળખું છું, પણ તેમણે મને ક્યારેય આ વાત કરી જ નથી!’
અચાનક રાકેશ ઊભો થઈ ગયો, ‘સૉરી, મને એક કામ યાદ આવી ગયું. મારે જવું પડશે.’
તે ઝડપથી ઊભો થઈને જતો રહ્યો. બીજી જ મિનિટે રઘુનાથ ચૌહાણ પણ ઊભા થઈ ગયા, ‘મારે પણ એક અર્જન્ટ કામે જવાનું છે.’
ઇન્સ્પેક્ટર જાડેજા સમજી ગયા કે રઘુનાથ ચૌહાણ રાકેશનો પીછો કરવા જ જતા રહ્યા હશે.
થોડી વાર પછી રઘુનાથ ચૌહાણનો ફોન આવ્યો કે તરત જાડેજાએ પૂછ્યું, ‘કંઈ મળ્યું?’
‘ના, પણ ઍડ્વોકેટ નાણાવટીની આજુબાજુ કડક જાપ્તો ગોઠવી દો. તેમનું ખૂન થવાનું છે!’
જાડેજા ચોંકી ગયા, ‘યાર રઘુનાથ, કંઈ ભેજામાં ઊતરે એવી વાત તો કરો?’
‘બિલકુલ ભેજામાં ઊતરે એવી વાત છે, એ વ્યક્તિ મોહનને કાયદેસરનો વારસ નથી બનવા દેવા માગતી. તે વારાફરતી હત્યાઓ કરી રહી છે. પહેલાં સરિતાબહેન, પછી પેલી મંછા જે તેનો ચહેરો જોઈ ગઈ હતી અને હવે આ ઍડ્વોકેટ નાણાવટીનું પણ ખૂન થશે.’
‘શું વાત કરો છો?’
‘મને તો લાગે છે કે આજે રાત પહેલાં જ ખૂની નાણાવટીનું ખૂન કરવાનો પ્રયાસ કરશે. તમે એક કામ કરો જાડેજા, ઍડ્વોકેટ નાણાવટીના ઘરની આસપાસ સાદાં કપડાં પહેરેલાં હથિયારધારી પોલીસમેનોની વૉચ ગોઠવી દો. હું પેલા રાકેશની પાછળ જ છું. એ છોકરા પાસે બે બૉડીગાર્ડ છે અને એ બન્ને પાસે લાઇસન્સવાળાં હથિયાર પણ છે!’
lll
જાડેજાએ હવે ઝડપ કરી. સૌથી પહેલાં તો તેમણે ઍડ્વોકેટ નાણાવટીને ફોન કરીને કહી દીધું, ‘તમે જ્યાં પણ હો ત્યાં જ રહેજો. તમારી જીવને ખતરો છે. હું તમારી પાસે આવું છું.’
પછી તરત જ ત્રણ હથિયારધારી પોલીસમેનને સાથે લીધા. ચારે જણ ‘પ્લેન ક્લોથ્સ’માં નાણાવટીને ત્યાં પહોંચી ગયા. ઘરના તમામ નોકરોની ઝડતી લઈ લીધી. ઘરમાં દાખલ થઈ શકાય એવા તમામ એન્ટ્રી-પૉઇન્ટ્સ પર ચારેય જણ ગોઠવાઈ ગયા.
પેલી તરફ રઘુનાથ રાકેશ પર નજર રાખીને બેઠા હતા. કૉલેજના બીજા વર્ષમાં ભણતા રાકેશની હિલચાલ ખરેખર શંકાસ્પદ હતી. તે પોતાની ઉઘાડી જીપમાં તેના બૉડીગાર્ડ્સ સાથે એક રેસ્ટોરાંમાં ગયો, પણ થોડી જ વારમાં પાછો બહાર નીકળ્યો. થોડી વાર સુધી ડ્રાઇવ કર્યા પછી તેની જીપ બીજી એક રેસ્ટોરાં પાસે ઊભી રહી. આ વખતે તે રેસ્ટોરાંમાં જવાને બદલે બહાર આવેલા એક ટેલિફોન-બૂથમાંથી કોઈકને ફોન કરી રહ્યો હતો. રઘુનાથને નવાઈ લાગી, ‘રાકેશ પબ્લિક ફોનનો ઉપયોગ શા માટે કરી રહ્યો છે? તેની પાસે પોતાનો મોબાઇલ તો છે!’
ખેર, ફોન કર્યા પછી રાકેશની જીપ ફરી ઊપડી. રઘુનાથ પોતાની મોટરસાઇકલ પર બરાબર અંતર રાખીને તેનો પીછો કરી રહ્યો હતો. રસ્તાઓ પર જીપ ફરતી રહી. આમ
કરતાં-કરતાં ખાસ્સો કલાક વીતી ગયો. રઘુનાથને હવે શંકા પડી, ‘આ રાકેશ શા માટે એકના એક રસ્તા પર આંટા માર્યા કરે છે? ક્યાંક તે મને તો નથી ફેરવી રહ્યો?’
રઘુનાથ ચૌહાણના મગજમાં અચાનક એક ઝબકારો થયો, ‘માય ગૉડ! એનો મતલબ એમ થયો કે ખૂની...’
તેમણે ઝડપથી જાડેજાનો મોબાઇલ નંબર લગાડ્યો, ‘જાડેજા, આ રાકેશ તો મને ગોળ-ગોળ ફેરવી રહ્યો છે, પણ ત્યાં કોઈ આવ્યું?’
‘ના, પણ તમે મોકલેલો માણસ આવી ગયો.’
‘વૉટ?’ રઘુનાથ ભડક્યા, ‘મેં કોઈને મોકલ્યો નથી!’
‘અરે, તમારી ચિઠ્ઠી હતીને? મારા સબ-ઇન્સ્પેક્ટરે તમારી ચિઠ્ઠી જોઈને તો તેને અંદર જવા દીધો!’
‘જાડેજા દોડો! તે જ ખૂની છે!’ રઘુનાથે ફોનમાં ચીસ પાડી. જાડેજાએ પણ આ તરફ ચીસ પાડી, પણ એકદમ ધીમી!
એટલી ધીમી કે બહારના
એન્ટ્રી-પૉઇન્ટ્સ પર ઊભેલા હથિયારધારી પોલીસોને જ સંભળાય.
તરત જ ચારે તરફથી હાથમાં પિસ્તોલ સાથે તેઓ દબાતા પગલે અંદરની તરફ ધસ્યા. ખેલ હવે મિનિટોનો નહીં, સેકન્ડોનો હતો.
જો તેઓ બે સેકન્ડ પણ મોડા પહોંચત તો નાણાવટીનો ખેલ ખતમ થઈ જવાનો હતો.
પણ જાડેજાની ટીમ ચિત્તા જેટલી જ ઝડપ અને ચુપકીદીથી ઍડ્વોકેટ રમેશચંદ્ર નાણાવટીના ઘરમાં ફરી વળી.
પેલી બાજુ અંદરની રૂમમાં એક માણસ ઍડ્વોકેટ નાણાવટીની પીઠ પાછળથી પ્લાસ્ટિકની દોરડીનો ગાળિયો નાખીને તેમનું ગળું ટૂંપી દેવા ત્રાટક્યો કે તરત જ જાડેજાની પિસ્તોલ ગર્જી ઊઠી, ‘ખબરદાર!’
lll
એ માણસ બીજો કોઈ નહીં, પણ ધનસુખરાયનો જૂનો અને વિશ્વાસુ નોકર રામુકાકા હતો!
રામુકાકા? ખૂની? શી રીતે? અને શા માટે?
આ તમામ પ્રશ્નો ઉકેલવા માટે ઇન્સ્પેક્ટર જાડેજાનો દંડો કાફી હતો. રામુકાકાએ અડધા જ કલાકમાં કબૂલાત કરી લીધી.
‘વર્ષો પહેલાં ધનસુખરાયનો દીકરો રાકેશ જ્યારે ત્રણ વર્ષનો હતો ત્યારે તેને કોઈ ગુંડાઓ ઉપાડી ગયા હતા, પણ પછી ગુંડાઓમાં અંદરોઅંદર ઝઘડો થયો કે ગમે તે કારણસર રાકેશનો કોઈ પત્તો મળ્યો નહીં. ત્રણ-ત્રણ વર્ષ સુધી ધનસુખરાય તેને શોધતા રહ્યા. આખરે બનારસના એક આશ્રમમાંથી ૬ વર્ષનો
ડરેલો-ગભરાયેલો રાકેશ મળી
આવ્યો હતો.
હકીકતમાં તે રાકેશ નહોતો, પણ મારો પોતાનો જ દીકરો ભીખુ હતો! વાત એમ હતી કે ગામડે રહેતા મારા દીકરાને ક્યારેય ધનસુખરાયે જોયો નહોતો. હકીકતમાં મેં જ આખો કારસો ગોઠવ્યો હતો કે બનારસમાં કોઈકે રાકેશ જેવા છોકરાને જોયો છે એવા ખબર આવ્યા છે. મારા રાખેલા ભાડૂતી માણસોએ બાવાનો વેશ ધરીને પાકું નાટક કર્યું. ધનસુખરાય પણ પુત્રની ઘેલછામાં એટલા પાગલ થઈ ગયા હતા કે મારા ભીખુને તે રાકેશ માની બેઠા.
આટલાં વર્ષો સુધી મારો ભીખુ રાકેશ બનીને ‘નાના શેઠ’ બનીને બંગલામાં રાજ કરતો રહ્યો, પણ કોણ જાણે ક્યાંથી આ મોહન ફૂટી નીકળ્યો? ધનસુખરાય પણ ઘેલા થઈને તેમની પહેલી પત્ની સરિતાને મળવા દોડ્યા અને મારા પેટમાં તેલ રેડાયું... બસ, પછી મેં જેકાંઈ કર્યું એ મારા દીકરાને ખાતર કર્યું.
lll
બીજા દિવસે જાડેજા મૂડમાં હતા. ગરમાગરમ ચાની સાથે ટેબલ પ૨ ફાફડા અને જલેબી પણ હાજર હતાં, ‘યાર રઘુનાથ, એવાં સજ્જડ કેસપેપર્સ તૈયાર કર્યાં છે કે હવે આપણી ટ્રાન્સફર ક્રાઇમ બ્રાન્ચમાં થઈ જાય તો નવાઈ નહીં હોં?’
રઘુનાથ ચૌહાણ ચાની ચૂસકી લેતાં મૂછમાં મલકાયા, ‘પછી ત્યાં ક્રાઇમ બ્રાન્ચમાં તમારા ઓપન ઍન્ડ શટ કેસ ઉકેલવા કોને બોલાવશો?’
જાડેજા હસવા લાગ્યા અને પછી જલેબીનું બટકું મોંમાં પધરાવતાં બોલ્યા,
‘અરે હા, એક વાત ન સમજાઈ.’ આજુબાજુ જોઈને તેઓ જરા ધીમે અવાજે બોલ્યા, ‘આ નાણાવટીને બધી ખબર હતી તો તેણે કોઈ દિવસ ધનસુખરાયને કશી વાત કેમ નહીં કરી હોય?’
‘ક્યાંથી કરે?’ ડિટેક્ટિવ રઘુનાથે એનાથીયે ધીમા અવાજે જાડેજાને કાનમાં કહ્યું, ‘નાણાવટી તો મારું ગોઠવેલું છટકું હતું!’
‘એટલે?’
‘મેં જ મોહનને ઍડ્વોકેટ નાણાવટીનું ગપ્પું મારવાનું કહ્યું હતું!’ રઘુનાથ ચૌહાણે રકાબીમાં ચા રેડીને મોટો સબડકો લીધો.
(સમાપ્ત)