મેરી ક્રિસમસ જિંગલ બેલ, જિંગલ બેલ (પ્રકરણ ૪)

26 December, 2024 10:50 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

નુકસાનની વાત નથી ભાભી, હું તો છેતરાયો; આંખ મીંચીને જેના પર ભરોસો કર્યો એ ચીટર નીકળ્યો

ઇલસ્ટ્રેશન

નમસ્કાર આન્ટી.’

આગંતુકને ભાળીને વંદનાબહેનના મુખ પર મલકાટ પ્રસરી ગયો, ‘દલજિત બેટા તુમ, આવ... આવ...’

તેમનું હિન્દી-ગુજરાતીનું મિક્સ્ચર મલકાવી જાય, પણ દીવાનખંડના બીજા સોફા પર બેઠેલી જૂલી અક્કડ જ રહી. હજી હમણાં જ ચર્ચથી પાછી આવી તે તાજી લાવેલી ભાજી ચૂંટતી હતી એમાં દલજિતનું આગમન તેને ખાસ રુચ્યું હોય એવું લાગ્યું નહીં.

‘બાકી જુવાન છે મીઠાબોલો... પંજાબીઓને હોય એવા ઊંચા-પહોળા કદકાઠીને કારણે લાગેય સોહામણો.’

આશ્રિત વિનાના આ સમયગાળામાં વેપારમાં એક બદલાવ આવ્યો છે. માએ હવાઈ જહાજની યાત્રા પર પ્રતિબંધ મૂકી દીધો છે. બિઝનેસ માટે કૅનેડા ગયા વિના ચાલે નહીં. એ તો વિમાન વિના કેમ સંભવ બને?

યશવીરમાં બિઝનેસની સૂઝ હતી, આખરે આશ્રિતે તેને ઘડ્યો હતો. માએ મૂકેલી મર્યાદાએ શક્ય હતું ત્યાં સુધી ઑનલાઇન મીટિંગમાંથી કામ ચલાવ્યું. અનિવાર્ય બનતું ત્યાં તે કંપનીના એક્ઝિક્યુટિવને મોકલતો.

એ એક્ઝિક્યુટિવ પર મદાર રાખવાનું મોંઘું પડ્યું. બદમાશે વિદેશમાં કંપનીના નામે ઉધારી કરીને કૅનેડામાં પોતાનો જ બિઝનેસ કરી નાખ્યો. એ ખોટ ખમ્યા પછી યશવીરે કૅનેડાથી નજર વાળી દેશમાં તક તરાસવા માંડી. એમાં આ દલજિતનો ભેટો થઈ ગયો.

ખરેખર તો આઠેક મહિના અગાઉ દિલ્હીના ઇન્ડસ્ટ્રિયલ એક્સ્પોમાં ભટકાઈ ગયેલો કૅનેડાનું નાગરિકત્વ ધરાવતો દલજિત પંજાબ સરકારના એજન્ટ જેવો છે.

યશને એટલી તો ખબર હતી કે રાજ્યના ડેવલપમેન્ટ માટે દરેક સરકાર ઇન્વેસ્ટર્સ માટે લાલ જાજમ બિછાવતી હોય છે. તેમના પ્રોજેક્ટની મંજૂરીમાં કરોડોની કટકી ખવાય એ લોભે પણ નેતાલોગ લોટતા હોય છે. એક રાજ્યમાં ચર્ચાતો પ્રોજેક્ટ બીજું રાજ્ય ખૂંચવી જાય એ બધું વચેટિયા વિના સંભવ નહીં જ હોય...

‘ટ્રુ. કૅનેડાના ઇન્વેસ્ટર્સને પંજાબનો રસ્તો ચીંધવાનું કામ હું કરું છું, અ કાઇન્ડ ઑફ લાયઝેનિંગ, યુ નો. એ હિસાબે તમારી સરકાર પણ મને પોષે છે અને ઇન્વેસ્ટર તરફથી કમિશન મળે એ જુદું.’

આવું કહેનારો દલજિત
નિખાલસ લાગ્યો. ત્રણ દિવસના એક્સ્પોમાં રોજ મળતો રહ્યો એમાં દોસ્તી જેવી થઈ ગઈ.

‘દિલ્હીનો એક્સ્પો બહુ મોટો ગણાય છે. ફૉરેનથી પણ ઇન્વેસ્ટર્સ અહીં આવતા હોય છે. ધૅટ્સ વ્હાય હું ખાસ કૅનેડાથી આવ્યો છું.’

યશને દલજિત પહોંચેલો લાગ્યો.

‘મારે બિઝનેસમાં ડાયવર્ઝન લેવું છે. કોઈ બહુ સારી, સિક્યૉર્ડ સ્કીમ હોય તો કહેજો...’ યશવીરે દાણો
ચાંપી જોયો.

દલજિતને શું વાંધો હોય? બેઉનો સંપર્ક વધતો ગયો. દલજિતની ભલામણે પ્રમાણમાં નાના ગણાય એવા પ્રોજેક્ટમાં નાણાં રોક્યાં, એમાં બધું સમુંસૂતરું પાર ઊતર્યા પછી યશને પાકો ભરોસો બેસી ગયો. દલજિત ઇન્ડિયા આવ્યો હોય તો મળ્યા વિના જાય નહીં એવી યારી જામી ગઈ.

- ને બસ ત્યારથી, પાછલા ત્રણેક મહિનાથી, દોસ્તીદાવે બંદો છાશવારે ઘરે ટપકી પડે છે!

જૂલી મનોમન ધૂંધવાઈ ઃ કોણ જાણે કેમ મને તેના માટે પૉઝિટિવ વાઇબ્સ જ નથી આવતા. એક તો વધુપડતું મીઠું બોલે. શકરા જેવી તેની નજર કેવી ચારેકોર ફરતી હોય છે. તે આવે એટલે ડિનર લીધા વિના જાય નહીં. એ તો ઠીક, પણ શરૂ-શરૂમાં ડિનરની પ્લેટ લેવા-મૂકવાના બહાને તે ‘ભાભી, મૈં કુછ હેલ્પ કર દૂં’ કરતો સાવ લગોલગ આવી જતો ત્યારે જૂલીએ સહેજ અણગમાથી કહી દીધેલું ઃ મહેમાનની શોભા દીવાનખંડમાં છે. તમે ત્યાં જ બેસો.

આને છંછેડવામાં માલ નથી એવું સમજી ચૂક્યો હોય એમ જૂલીથી તે દૂર રહેતો, પણ કાજલ...

ખડખડાટ હાસ્યએ જૂલીને વિચારવમળમાંથી ઝબકાવી દીધી. ચમકાવી દીધી. માસ્ટર્સનું ભણતી કાજલ બેઠકમાં આવી છે અને દલજિતના કોઈક જોક પર હસી રહી છે... કાજલ તો નાદાન છે, દલજિત સરખા રૂપાળા, કુંવારા જુવાન તરફ ખેંચાવાની તેની મુગ્ધ ઉંમર છે, પણ મા કેમ તેને સાવચેત કરતાં નથી? અરે, મા પોતે કેમ ચેતતાં નથી! યશનો દોસ્ત હોય તો તેની હાજરીમાં આવે. હમણાંનો દલજિત યશ ઘરે આવતાં પહેલાં આવીને આમ કાજલ જોડે ઠઠ્ઠા-મશ્કરી કરતો રહે છે એમાં જૂલીને કંઈ ઠીક નહોતું લાગતું.

જૂલી ભાજી મૂકવાના બહાને કિચનમાં ગઈ. આમ તો માને કારણે તેને યશ-કાજલ સાથે ઝાઝું બોલવાનું થતું નથી અને પોતે ટોકે તો કોને ખબર મા એવુંય સંભળાવી દે કે ભાઈ ખ્રિસ્તીને પરણી શકતો હોય તો બહેન સિખને ચાહે એમાં તને પેટમાં શું કામ ચૂક આવવી જોઈએ?

અંહ, મા સાથે દલીલબાજીનો અર્થ નથી એમ અણગમતી આત્મસ્ફુરણાને અવગણાય નહીં... એમ વિચારીને જૂલીએ યશને ફોન જોડ્યો, ‘તમારો મિત્ર આજે ફરી પેંધો પડ્યો છે.’ તેણે સીધી જ શરૂઆત કરી, ‘મારું બોલવું તમને કદાચ નહીં ગમે યશવીર, પણ તારી ગેરહાજરીમાં આવી તે કાજલ સાથે ખાખાખીખી કરતો રહે એ મને બિલકુલ પસંદ નથી. વેપારવર્તુળમાં આશ્રિતનાય મિત્રો હશે, પણ તેઓ કદી કોઈને ઘરમાં નથી લાવ્યા. ઘરનો ઉંબરો ઓળંગીને કોને પ્રવેશવા દેવા એની સૂઝ તને હવે હોવી ઘટે યશ.’

જવાબમાં યશવીર ફિક્કું હસ્યો.

‘તમારા બોલમાં મને આશ્રિતભાઈ પડઘાય છે ભાભી, તેઓ મને આમ જ શીખવતા.’

યશવીરનો કંઠ રૂંધાતો હોય
એમ લાગ્યું. જૂલીને થયું વાત માત્ર આટલી નથી.

‘આશ્રિતભાઈ કેમ ગયા ભાભી! હું તેમનું સામ્રાજ્ય જાળવી ન શક્યો. મેં બધું લૂંટાવી દીધું.’ યશવીરથી ધ્રુસકું નખાઈ ગયું. જૂલી ધ્રૂજી ગઈ, પણ અવાજમાં દેખાવા ન દીધું, ‘ખબરદાર ફરી આવું બોલ્યા તો. તમે, કાજલ અને મા સલામત છે ત્યાં સુધી કશું જ લૂંટાયું નથી. વેપારમાં તો નફો-નુકસાન ચાલતાં રહે.’

‘નુકસાનની વાત નથી ભાભી, હું તો છેતરાયો. આંખ મીંચીને જેના પર ભરોસો કર્યો એ ચીટર નીકળ્યો.’

જૂલીની નસેનસ તંગ થઈ, ‘એ ચીટરનું નામ દલજિત હોય તો મને નવાઈ નહીં લાગે.’

‘તમે બિલકુલ સાચું પારખ્યું ભાભી.’ સામેથી ધગધગતો નિ:સાસો સંભળાયો, ‘તમે ઘેરબેઠાં જેને મૂલવ્યો તેનું મન હું વારંવાર મળવા છતાં પામી ન શક્યો...’

‘ઠીક છે યશ, અનુભવમાંથી શીખ મેળવીને નવેસરથી આગળ વધવાનું. પહેલાં તો તમે ઘરે આવો. આજે તો કેટલું મોડું થયું.’

‘ઘરે!’ યશવીરના સ્વરમાં ઉદાસી ઘૂંટાઈ, ‘હું નાલાયક કયું મોઢું લઈને ઘરે આવું ભાભી? સારું થયું તમે ફોન કર્યો. રૂબરૂ કંઈ જ કહેવાની હામ નહોતી, પણ જતાં પહેલાં ફોન પર બધું કહીને હળવો થઈ જઈશ.’

યશવીરના બોલવામાં ભેદ લાગ્યો. જૂલીનું હૃદય ધબકારો ચૂકી ગયું.

‘તું ક્યાં છે યશ? ફોન ચાલુ રાખીને વહેલામાં વહેલી તકે ઘરે આવ.’

‘મારાથી નહીં અવાય ભાભી, ઇટ્સ ઑલ ઓવર.’

‘તું છે ક્યાં એ બોલ યશ.’

‘આપણા ઑફિસ બિલ્ડિંગની ટેરેસ પર. બસ આ પાળ કુદાવું એટલે ખેલ ખતમ. છેલ્લી વાત તમારી સાથે થવાની લખાઈ હશે. માને કહેજો કે યશ નાદાન નીકળ્યો. તે તમને ગમે એટલાં મહેણાં મારે, તમે તેને સાચવી લેશો એની તો મને ખાતરી છે. કાજલને કહેજો કે તારો ભાઈ તને બહુ વહાલ કરતો હતો, બસ લાયક નીવડી ન શક્યો.’

તે બોલતો રહ્યો ત્યાં સુધીમાં જૂલીએ ગેટકીપરને મેસેજ કરીને ટેરેસ પર પહોંચી જવા કહ્યું. પોતે પણ કારની ચાવી લઈ ભાગી.

તેનું આમ દોડી જવું દલજિતને વિચિત્ર લાગ્યું. કાજલને સમજાયું નહીં, માજીએ બબડી લીધું ઃ ‘ક્રિસમસ આવે છેને, એની ઉજવણીની દોડાદોડી હોવી જોઈએ!’

આશ્રિત ગયા પછી પણ જૂલી દરેક તહેવાર તેની હાજરી, હયાતી હોય એ રીતે મનાવે છે એ વંદનામાને ગળે નથી ઊતરતું : ગમે એવું વઢું, બોલું-બબડું, ધરાર જો વહુને ફેર પડતો હોય. ખરી નફ્ફટ છે.

સાસુમા જેને નફ્ફટ સમજતાં હતાં એ વહુ પૂરઝડપે ઑફિસ તરફ કાર ભગાવી રહી છે. સાથે યશને વાતોમાં મશગૂલ રાખ્યો છે. તેના કહેવા પરથી એટલું સ્પષ્ટ છે કે પોતાને પંજાબ સરકારનો લાયઝનિંગ એજન્ટ ગણાવતો કૅનેડાનો દલજિત વાસ્તવમાં લેભાગુ છે. હથેળીમાં ચાંદ બતાવીને તેણે એવી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું છે જે કેવળ કાગળ પર છે!

‘રૂપિયાનું ફ્રૉડ તો હું સમજી ગઈ યશ...’ જૂલીની નજર રસ્તા પર હતી. ઑફિસ હવે એક જ વળાંક જેટલી દૂર હતી. ‘નકલી કંપની ઊભી કરીને દલજિત કરોડો રૂપિયા ઉસરડી ગયો એ સમજાયું...’

‘વાત માત્ર આટલી નથી ભાભી, આમ તો મારા ગજવામાં મૂકેલી આખરી નોંધમાં બધું જ લખ્યું છે ભાભી, પણ તમે કૉલ જોડ્યો જ છે તો કહી પણ દઉં...’ યશવીરને હવે ખ્યાલ આવ્યો, ‘ભાભી, આ હૉર્નના અવાજ કેમ આવે છે? તમે અહીં આવો છો? નો... મારે કોઈને મોઢું બતાવવું નથી ભાભી, તમે આવો એ પહેલાં...’

‘સ્ટૉપ ધેર યશ...’ જૂલીએ બ્રેક મારી. પોતે પાર્કિંગમાં પહોંચી ચૂકી હતી. વૉચમૅન દેખાયો નહીં એટલે જરૂર ટેરેસ પર પહોંચી ચૂક્યો હશે, હોપફુલી! બસ, આ બે-ચાર મિનિટ સચવાઈ જવી જોઈએ.

‘એક ડગલું પણ આગળ વધ્યો યશ તો તને તારા આશ્રિતભાઈના સોગંદ!’

જૂલીના સોગંદે તાત્પૂરતો તો પાળ પરથી પડતું મૂકવા જતા યશવીરને રોકી રાખ્યો.

‘યુ વર ટેલિંગ મી યશ...’ જૂલીએ તેને વાતોમાં રાખવાની તરકીબ અજમાવી, ‘બીજી શું વાત છે?’

‘બીજી વાત!’ યશવીરની પીડા છલકાઈ, ‘દલજિતે કાળું કામ કર્યું ભાભી, યાદ છે ગયા મહિને અમે
વીક-એન્ડમાં ખંડાલા-લોનાવલા ગયેલા? હું તો ડ્રિન્ક્સ લેતો નથી, પણ તેણે કોણ જાણે મને પાણીમાં કેવું ઘેન પીવડાવી દીધું – બેહોશીમાં મારા ન્યુડ ફોટો લઈ લીધા અને...’

‘અને તે હવે તને બ્લૅકમેઇલ કરે છે?’ છેલ્લા માળે લિફ્ટમાંથી નીકળીને ટેરેસનાં બબ્બે પગથિયાં સાથે ચડતી જૂલીથી બોલી જવાયું, ‘ધિસ મેક્સ સેન્સ... આઇ મીન, ખંડાલાની વિઝિટ પછી જ તને તેના ફ્રૉડની ખબર પડી હશે અને તું તેની વિરુદ્ધ પોલીસમાં નહીં જાય એ માટે તેણે તારા ફોટો આગળ કરી દીધા, રાઇટ?’

‘ઇટ્સ વર્સ્ટ ધૅન ધૅટ. ભાભી, રૂપિયાના ફ્રૉડ વિશે કેસ થવાની તેને પરવાહ જ નથી. તે કહે છે કે તમારો ભારતીય કાયદો કૅનેડાના નાગરિકનું શું બગાડી લેવાનો?’ યશે આખરી પત્તું ખોલી દીધું, ‘બદમાશની નજર કાજલ પર છે ભાભી! મને આર્થિક રીતે ખુવાર કરી ચૂકેલો તે ઇચ્છે છે કે હું મારી બહેનને તેની હવસ માટે હો...ટે...લ...માં...’

યશે ધ્રુસકું નાખ્યું. ધારણા બહારનું સાંભળીને જૂલી પણ સ્તબ્ધ બની. મૂલ્યહીન દલજિતને એટલી તો ખબર હોય કે પોતાનું સ્કૅમ યશથી ઝાઝો સમય છૂપું નથી રહેવાનું. એની તેને પરવાહ પણ નથી. તેણે તો કાજલનું જોબન માણવું છે. એટલે યશની જાણ બહાર તેના નિરાવૃત્ત ફોટો પાડી તેને બ્લૅકમેઇલ કરે છે ઃ તારી બહેનને મારી સાથે રાત ગાળવા હોટેલ પર મોકલ, નહીંતર તારા ફોટો વાઇરલ કરી દઈશ! બધું ગુમાવી બેઠેલા યશ માટે એક બાજુ કૂવો ને બીજી બાજુ ખાઈ છે. કોઈ પણ ભોગે બહેનની આબરૂ તો જાળવવાની જ હોય, પણ પછી પોતાની તસવીરો ફરતી થઈ જાય એ જોવું નથી, વેપારમાં ખુવાર થયાના ખબર પણ ઘરનાને દેવાય એમ નથી એટલે આપઘાતનો જ માર્ગ દેખાયને!

‘મારો તો મૃત્યુમાં જ છુટકારો છે ભાભી, સૉરી ટુ એવરીવન.’ યશવીરે કૉલ કટ કર્યો. પાળી પરથી નીચે જોયું ત્યારે મોત એક છલાંગ જેટલું જ દૂર હતું.

એ પાળ પર ઝૂક્યો એ જ ક્ષણે જૂલી ટેરેસનો દરવાજો ખોલીને પ્રવેશી. બરાબર સામે જ પાળી પર ઝૂકતો યશવીર દેખાયો.

જિંદગી અને મોત વચ્ચે આમ જુઓ તો જૂલીની એક દોટ જેટલું જ અંતર હતું, પણ એ કપાશે કે નહીં એનો આધાર તો જે-તે વ્યક્તિના ભાગ્યને જ આધીન હોય છેને!

કોના નસીબમાં શું લખ્યું હોય છે એની કોને ખબર હોય છે?

 

(આવતી કાલે સમાપ્ત)

columnists gujarati mid-day Sameet Purvesh Shroff