મેરી ક્રિસમસ જિંગલ બેલ, જિંગલ બેલ (પ્રકરણ ૩)

25 December, 2024 05:08 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

માહિમ ચર્ચના છેલ્લા બાંકડે બેઠેલી જૂલીની આંખો કોરીધાકોર છે, પણ અંતર અશ્રુવર્ષાથી ભીનું-ભીનું છે.

ઇલસ્ટ્રેશન

‘હું શ્વસું છું એનો અર્થ જ એ કે આશ્રિત ક્યાંક તો શ્વસે છે. જે હયાત છે તેનાં ક્રિયાપાણી ન કરાય મા...’

બે વર્ષ....

માહિમ ચર્ચના છેલ્લા બાંકડે બેઠેલી જૂલીની આંખો કોરીધાકોર છે, પણ અંતર અશ્રુવર્ષાથી ભીનું-ભીનું છે. આશ્રિતના વિમાન-અકસ્માતને આજે બે વર્ષ થવાનાં, હજી કેટલો વિજોગ લખ્યો છે તેં મારા તકદીરમાં ઈસુ?

હળવો નિ:સાસો સરી ગયો.

બહુ ગોઝારો અકસ્માત હતો એ. દરિયાના પેટાળમાંથી મળી આવેલા પ્લેનના બ્લૅક-બૉક્સમાં કૅપ્ટનનો છેલ્લો સંદેશો હતો. એમાં સેફ્ટી-ફીચર્સના અમુકતમુક સિગ્નલને અવગણીને ફ્લાઇટ ટેક-ઑફ કરવાના પોતાના નિર્ણય બદલ તેણે સૌની માફી માગી હતી.

‘તારી માફી અમને શું કામની?’

પેપરમાં-ટીવીમાં હોનારતને લગતા ન્યુઝ જોઈને વંદનામાએ ટલ્લા ફોડેલા, ‘અમારી ભાષામાં આને રાંડ્યા પછીનું ડહાપણ કહેવાય.’

માને આક્રોશ હતો, પીડા હતી. પહેલી વાર યશને ખખડાવી નાખ્યો : તું આમ રડ્યા શાનો કરે છે? ઊભો થા, મિનિસ્ટર્સ પર પ્રેશર આણ... વિમાનમાં તું હોત ને તારા બદલે મારો આશ્રિત અહીં હોત તો અત્યાર સુધી ડાઇવિંગ-સૂટ પહેરીને તારી ખોજમાં દરિયો ખોળતો હોત...

અરે, મા પપ્પા-જૉનઅંકલનેય વઢતાં : તમે આખો દહાડો દોડાદોડી કરો છો, પણ મારા આશ્રિતને કેમ કોઈ લાવતું નથી?

મારો, મારો, મારો આશ્રિત!

જૂલી અત્યારે પણ ફિક્કું મલકી : મા તમને કેટલું ચાહે છે. એ જોવા-જાણવા પણ તમારે પાછા આવવું રહ્યું આસુ!

જોકે વંદનાબહેન વહુ પ્રત્યે તો અકસ્માતના દિવસથી આળા જ રહ્યાં છે.

‘કાળમુખી, તું મારા દીકરાને ખાઈ ગઈ...’

પ્લેન-ક્રૅશના ન્યુઝે બેહોશ થતી જૂલીને વંદનામાના શબ્દો હૈયે અંગારાની જેમ ચંપાયેલા. ખબર સાંભળીને જૂલીનાં પિયરિયાં દોડી આવેલાં. વંદનાબહેને તેમનીયે શરમ નહોતી રાખી : તમારી દીકરીના સતમાં જ ઊણપ... બાકી તેનું સૌભાગ્ય તપતું હોત તો આશ્રિત પર આવી મુસીબત આવી જ કેમ?

સાંભળીને જોસેફ-લિલિયન તો ગમ ખાઈ ગયાં, પણ સોફિયાથી ન રહેવાયું : ‘જૂલીના સૌભાગ્યને દોષ દેતાં પહેલાં અરીસામાં એટલું તો જુઓ કે કપાળ તો તમારું પણ કોરું છે!’

વંદનાબહેનને બહુ આકરું લાગ્યું. હોશમાં આવેલી જૂલીએ દરમ્યાનગીરી કરવી પડી : ‘માને કોઈ કંઈ નહીં કહે. તેમનો મુદ્દો તો સાચોને. અને મને વિશ્વાસ છે કે મારી પ્રીત સાચી હોય, મારા પ્રેમમાં શક્તિ હોય તો આસુને કંઈ નહીં થાય.’

દિવસો વીતતા ગયા એમ એ સંભાવના પણ પાતળી થવા માંડી. તપાસ-ટુકડીને ક્ષત-વિક્ષત દેહના અવશેષો જ સાંપડતા હતા. બ્લૅક-બૉક્સ મળી આવ્યા પછી વિશેષ જહેમતનો અર્થ ન હોય એમ તપાસકાર્ય પૂર્ણ જાહેર થયું. વિમાનમાં સવાર તમામેતમામ ૩૯૨ જીવો મૃત્યુ પામ્યાનું સ્વીકારી ઍરલાઇન અને વીમા-કંપનીએ વળતરની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી...

આના મહિના પછી એક સુખદ ચમત્કાર સર્જાયો. વિક્ટર હ્યુજ નામના કૅનેડિયન નાગરિકે પ્રેસ-કૉન્ફરન્સ યોજીને ધડાકો કર્યો : ‘તાજેતરના પ્લેન-ક્રૅશમાં સર્વાઇવ થનારો હું કદાચ એકમાત્ર નસીબવંતો છું!’

તેના કહેવા મુજબ ક્રૅશની થોડી મિનિટ પહેલાં સ્ટાફે ઇમર્જન્સી ડોર ખોલીને પૅસેન્જર્સને પૅરૅશૂટથી કૂદવાનો વિકલ્પ આપ્યો હતો. અમે ચારેક જણ કૂદ્યા, એમાં મારો નંબર છેલ્લો હતો. હું કૂદ્યો એની સાથે જ વિમાન તૂટી પડ્યું હતું. ગૉડ ઓન્લી સેવ્ડ મી. હું એક ટાપુ પર ઊતર્યો. થોડા દિવસ બેભાન રહ્યો. છેવટે અહીં સુખરૂપ પહોંચતાં જ આપ સૌ સમક્ષ જાહેર કરું છું કે હું સહીસલામત છું!’

આ ખબરે બાકીના તમામ પ્રવાસી-ક્રૂમેમ્બર્સની ફૅમિલીમાં ઉત્તેજનાની લહેર પ્રસરી ગઈ : જો અકસ્માતમાંથી કૂદનાર એક વ્યક્તિ બચી શકતી હોય તો બીજા ત્રણ કેમ નહીં?

કમનસીબે વિક્ટર પાસે પૅરૅશૂટ લઈને કૂદનારા પૅસેન્જર્સનાં નામ-સરનામાંની વિગત નહોતી. કોઈ ચહેરો સુધ્ધાં તેને યાદ નહોતો. ઍરલાઇન પાસે કે બ્લૅક-બૉક્સમાં પૅરૅશૂટ લઈને ચાર જણ કૂદ્યાની કોઈ વિગત નહોતી; પણ હા, ૩૬ વર્ષનો વિક્ટર એ જ ફ્લાઇટમાં હતો અને બચ્યો હતો એ હકીકત હતી.

વિક્ટર સાથે યશે ગોઠવી આપેલી ઑનલાઇન મીટમાં જૂલી બહુ કરગરી હતી. આશ્રિતના ફોટો-વિડિયો દેખાડી વારંવાર પૂછ્યું હતું : ‘તમારા અગાઉ આશ્રિત કૂદ્યા હતાને?’

વિક્ટરની ભૂખરી કીકીમાં રંજ ઊપસેલો : ‘આયૅમ સૉરી મૅડમ, પણ મને તેમના ચહેરા યાદ નથી, એમાં કોઈ સ્ત્રી પણ હોય તો મને ખબર નથી...’

‘શક્ય છે તે સાચું જ બોલતો હોય. શક્ય એ પણ છે કે બાકીના ૩૯૧ જણના સ્વજનોનું હૈયું ન ભાંગે એ માટે તે બધાને જ ઇનકાર ફરમાવતો હોય!’

જૂલી નિરાશ થયેલી, પણ આશા મૂકી નહોતી. તેની સવાર ઉમ્મીદ સાથે ઊગતી, દિવસ ઉમ્મીદમાં વીતતો ને રાતે જીવને ઉમ્મીદ બંધાવીને તે સૂતી હતી.

દીકરીની હાલતે માનો જીવ કપાતો. એમાં વંદનાબહેનની જૂલી પરત્વેની રુક્ષતા કાળજું ચીરતી.

‘તું આપણા ઘરે ચાલ દીકરી, અહીં તારું કોઈ નથી...’ રૂમના એકાંતમાં એક વાર તેમનાથી બોલાઈ ગયું એવી જ જૂલી છેડાઈ પડી : ‘ફરી આવું કહીશ નહીં મા. આ મારા આસુનું ઘર છે. આશ્રિતના મા, ભાઈબહેન સૌ મારાં છે.’

સાંભળીને લિલિયનનો માતૃજીવ ચચરતો રહેતો : ‘યશ-કાજલ હમણાં તો જૂલીનું ધ્યાન રાખે છે, પણ વંદનાબહેનનો વર્તાવ ઊખડેલો જ રહ્યો તો એ લોકો પણ ક્યાં સુધી માની વિરુદ્ધ રહેવાનાં?’

અને ખરેખર વહેતા સમય સાથે અંતર વધતું જ રહ્યું.

દિવસો મહિનાઓમાં પરિવર્તિત થતા ગયા એમ આશ્રિતનું અમંગળ સ્વીકારી લીધું હોય એમ વંદનાબહેન વધુ ઉદાસ, આળા થતાં ગયાં. નોકરોને ઉતારી પાડે, યશ-કાજલને ખખડાવી નાખે, જૂલીને તો ખાઈ જવાનાં હોય એમ ઘૂરતાં રહે.

તેઓ કૂણા પડે આશ્રિતની તસવીર આગળ, ‘ક્યાં ગયો તું આશ્રિત! મારે તો ઘરનો મોભ ગયો, અમે અનાથ થઈ ગયાં...’ તેમની અશ્રુધારા વહી નીકળતી.

પણ જેવી જૂલી પાણીનો પ્યાલો ધરે કે અશ્રુ વરાળ બની જાય, થાપટ મારીને ગ્લાસ ફગાવતાં તેઓ બરાડી ઊઠે : ‘એક તો મારા જુવાનજોધ દીકરાને ખાઈ ગઈ, ઉપરથી મને કાલી થવા આવે છે?’

‘મને વઢી લો મા, એક વાર બરાબરનું ઝઘડીને બધો ઊભરો ઠાલવી નાખો, પણ જાતને આમ પીંજો નહીં. આશ્રિતને કશું નથી થયું, તે જરૂર પાછા આવશે. તમારી હાલત જોઈને મને વઢશે કે તારાથી માનું ધ્યાન ન રખાયું?’

જૂલીના શબ્દો સ્પર્શતા હોય એમ તેઓ ઘડીક તેનો પહોંચો પસવારીને ધગધગતો નિ:સાસો નાખતાં : એ તો નિર્મોહીની જેમ ગયો વહુ!
તારી-મારી ચિંતા હોત તો આટલા વખતમાં આવી ગયો હોત... મેં ગોરમહારાજને પણ પૂછ્યું. તેમનોય મત એવો છે કે આશ્રિતનાં ક્રિયાપાણી આપણે કરાવી દેવાં જોઈએ, નહીં તો તેનો જીવ અ...વ...ગ...તે...’ કહેતાં તેઓ રડી પડતાં.

જૂલી એટલી જ મક્કમ રહેતી : ‘હું શ્વસું છું એનો અર્થ જ એ કે આશ્રિત ક્યાંક તો શ્વસે છે. જે હયાત છે તેનાં ક્રિયાપાણી ન કરાય મા...’

એવો જ તેનો હાથ ઝાટકીને વંદનાબહેન આનોય અવળો અર્થ કાઢતા: ‘હાસ્તો, તમારા ધરમમાં આવું કંઈ હોતું નહીં હોય એટલે તું શાની ક્રિયાપાણીમાં માને?’

જૂલી વિચારતી : મા કોઈ પણ રીતે મને વાંકમાં મૂકવા માગે છે. મારે એનું ખોટું લગાડવાનું નથી. દીકરો ગુમાવનારી મા વહુનાં પગલાંનો દોષ ગાય એમાં મારે હરખાવા જેવું એટલું જ કે વંદનામા આશ્રિતને પેટનો જણ્યો જ માને છે. કાશ, માએ પહેલેથી એ જતાવ્યું હોત, યશ-કાજલ જેટલી આસુની પણ આળપંપાળ કરી હોત! પરંતુ માની મમતા પણ કદાચ ક્યારેક ઠોકર ખાધા પછી જ ઊઘડતી હશે.

બીજી કોઈ વહુઆરુ હોત તો માનું મોં તોડી લીધું હોત : ‘હવે આશ્રિતના નામની માળા કેમ જપો છો, યશ જેવાં અછોવાનાં તેને ન કર્યાં એ પાપનું પ્રાયશ્ચિત્ત કરો છો?’

જૂલીને આવું કહેવામાં ક્રૂરતા લાગતી. ‘માને આમેય સંભાળવાં મુશ્કેલ છે, આશ્રિતનો પક્ષ સાંભળી તેમને વધુ વસમું લાગશે.’

એટલે પછી જૂલી કાયદાનો આશરો લઈને વંદનામાને સમજાવતી : ‘જેનો મૃતદેહ ન મળ્યો હોય તે વ્યક્તિને કાયદો પણ ૭ વર્ષ સુધી મૃત નથી માનતો... કમસે કમ કાયદા જેટલી રાહ તો આપણે પણ આશ્રિતની જોઈ જ શકીએ.’

જૂલીના રણકાની દૃઢતાએ વંદનાબહેનને નરમ પાડી દીધાં. ક્રિયાપાણીની વાત તેમણે પડતી મૂકી, પણ જૂલીને જાણે-અજાણે એકલીઅટૂલી પાડતાં ગયાં.

‘ભાભી, તમે ઑફિસ જૉઇન કેમ નથી કરતાં?’

આશ્રિત જીવિત હોવાની આસ્થા સાથે, તે ક્યારેક તો પાછો આવશે એ ઉમ્મીદ સાથે જીવતી જૂલી જાતને વ્યસ્ત રાખતી. ઘરનાં કામ સાથે તે યશ સાથે બિઝનેસ અને કાજલ સાથે તેની કૉલેજ ડિસ્કસ કરતી. એ બન્ને પણ આશ્રિત જેટલી જ તેની અદબ રાખતાં એ જોકે વંદનાબહેનને બહુ ગમતું નહીં. જૂલી માટે તેમને અભાવ જ રહ્યો હતો.

વેપારની ચર્ચા દરમ્યાન જૂલીના ઇન્પુટ્સથી યશ પ્રભાવિત થતો. એમાં એક વાર તેણે જૂલીને ઑફિસ રિઝ્‍યુમ કરવાનો સુઝાવ આપતાં વંદનાબહેન ચિડાઈ ગયાં : ‘કેમ, તારાથી વેપાર નથી સંભાળાતો? મારો આશ્રિત તો કૉલેજમાં હતો ત્યારનો બિઝનેસ ચલાવતો થઈ ગયેલો. તેને કોણ શીખવનારું હતું? વેપારનો આવડો મોટો વિસ્તાર તેણે એકલા હાથે ફેલાવ્યો અને તારાથી ભાભીનો પાલવ છૂટતો નથી?’

બિચારો યશ એવો તો ઓછપાયેલો.

‘ભાભી, ચાલોને મારે શૉપિંગ કરવું છે. તમારી ડ્રેસિંગ-સેન્સ બહુ સરસ છે. મને હેલ્પ રહેશે...’ આવું કંઈક કાજલ કહે એવાં જ વંદનાબહેન તાડૂકે : અલી, તને તારા ભાઈથી અલગ સમજાવવી પડશે? એ શું ભાભી-ભાભીનો રાગ આલાપ્યા કરે છે? તમારી વહાલી ભાભલડી જ આ ઘરના મોભને ભરખી ગઈ છે એટલું તો સમજો નાદાનો!’

આનું પરિણામ એ આવ્યું કે ન ઇચ્છવા છતાં યશ-કાજલ દૂર થતાં ગયાં. જૂલી ઘરની પ્રવૃત્તિઓમાં પોતાને વ્યસ્ત રાખતી. રોજનીશીમાં આશ્રિતને સંબોધી ઘેલી-ઘેલી વાતો લખતી. દિવસભર માનાં મહેણાંટોણાં સાંભળતી, ખમતી રહેતી. રાતે બાલ્કનીમાંથી સમુંદરને નિહાળીને આશ્રિત સાથેની યાદોને વાગોળતી. ક્યારેક ચર્ચ કે મમ્મીના ઘરે જાય ખરી, પણ પિયરમાંય રાત રોકાવાનું નહીં : ‘આશ્રિત આવી પડ્યા તો? તે પહેલાં અમારા ઘરે જશે, એ ઘડીએ હું બીજે હોઉં એ ન બને!’

અત્યારે, દમ ભીડતી જૂલીએ ઈસુની મૂર્તિ પર નજર ખોડી : ‘આજકાલ કરતાં આશ્રિતને ગયે બે વર્ષ થયાં... ફરી ક્રિસમસ ઢૂંકડી છે. આ વખતે સૅન્ટા ક્લૉઝ મારા દ્વારે આશ્રિતને લઈને આવે એવો ચમત્કાર સંભવ છે ખરો પ્રભુ?’

‘હા’-‘ના’માં જવાબ દેવાને બદલે ઈસુની મુખાકૃતિ કેવળ કરુણા જ વરસાવતી રહી.

lll

બે વર્ષ!

પોતાના ડેસ્ક પર મૂકેલી આશ્રિતની ફોટોફ્રેમને નિહાળીને યશે કપાળમાં મૂઠી ઠોકી : તમે ગયા ને બધું ગયું ભાઈ! પાછલા છ-આઠ મહિનામાં હું વેપારમાં એવી સંગતમાં ફસાયો છું ભાઈ કે બધું ગીરવી મૂકવાની નોબત આવી છે. એટલું જ નહીં, પણ...

યશવીર અટકી ગયો. તારાજી ઉપરાંતનું તો ભાઈને પણ કહેવાય એવું નથી. તેણે ડોક ધુણાવી : ‘નહીં ભાઈ, મારી પાસે એક સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી.’

અને એ વિકલ્પ એટલે આત્મહત્યા!

સાંજ ઢળી ચૂકી છે. ઑફિસ ખાલી થઈ ચૂકી છે. પોતાની આખરી નોંધની ગડી કરીને શર્ટના ગજવામાં મૂકી યશવીરે ઊંડો શ્વાસ લીધો, ‘નો, મારી પાસે બીજો કોઈ જ વિકલ્પ નથી!’

તેણે આશ્રિતની તસવીર પર નજર ફેરવી : ‘સૉરી ભાઈ...’

અને નજર વાળીને તે સડસડાટ ઑફિસની બહાર નીકળી ગયો.

(ક્રમશ:)

columnists Sameet Purvesh Shroff gujarati mid-day exclusive mumbai