24 December, 2024 12:46 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
સાસરામાં જૂલીની પહેલી ક્રિસમસ, પિયરમાં તો કેટલી ધમાલ હોય, અહીં ઉજવણીનાં કોઈ નિશાન નહીં
મારા આશ્રિત!
બાલ્કનીમાંથી સામે ઘૂઘવતા સાગરને નિહાળતી જૂલી મુગ્ધપણે પતિને સાંભરી રહી :
‘ખાસ તો નાના ભાઈને વેપારમાં ઘડવા વેકેશન માણવા ઊપડી જતા આશ્રિત ગોવા આવ્યા, તેમની નજરમાં હું સમાઈ, એ લેખ બદલ હું વિધાતાની ભવોભવની ઓશિંગણ! ગોવાના દરિયાકાંઠે મારા ખોળામાં માથું મૂકીને આશ્રિતે અંગત વહેંચ્યું એ પળો હું ભૂલી નથી. મા-ભાઈ-બહેન માટે સાવકાપણાનો ભાવ રાખ્યા વિના આશ્રિતે જે કર્યું એમાં નહોતી અહેસાન જતાવવાની ભાવના, નહોતી ગામગજવણીની તમન્ના. હતો કેવળ પોતાના માટે કંઈક કરી છૂટ્યાનો આત્મસંતોષ. તોય એક સવાલ તો રહે છે કે કુટુંબીજનો માટે આટઆટલું કરનારને માની આળપંપાળ ન સાંપડ્યાની અણખટ પણ કેમ રહેવી જોઈએ?’
જૂલીએ અનુમાનના રસ્તે પૃચ્છા કરેલી : ‘ત્યારે તો મા-યશ-કાજલ તમને બહુ માનતાં હશે.’
‘માએ મને પારકો તો માન્યો જ નથી, યશ-કાજલ મારી પૂરતી અદબ જાળવે; બટ સ્ટિલ... માને એ બેમાં રમમાણ જોઉં ને મને થાય કે મારા માટે માની મમતામાં આટલું જ ખૂટે છે!’ આશ્રિતે નિખાલસપણે કહેલું.
‘ઓહ...’ જૂલીને ગડ બેઠી : સાવકા મા-દીકરા વચ્ચે કોઈ અણબનાવ નહોતો, લડાઈ-ઝઘડા નહોતા. કાળજી પણ હતી; ગેરહાજર હતું તો મમત્વનુ તત્ત્વ જે આશ્રિતને અપેક્ષિત હતું ને વંદનામાને એનો કદાચ અહેસાસ પણ નહીં હોય... કેમ કે મા જાણીને એ કરતાં હોત તો આશ્રિત તેમના વિશ્વથી ક્યારના જુદા થઈ ગયા હોત!
‘ત્યારે તો તેં મને, માને બરાબર જાણ્યાં!’
‘આઇ હોપ, તમે બિનહિન્દુ કન્યાને પરણો એનોય માને ખાસ વાંધોવચકો નહીં હોય.’
જોકે વંદનામાને વાંધો તો પડ્યો, પણ જરા જુદી રીતનો.
lll
મુંબઈગમન પછી એક સાંજે આશ્રિત જૂલીને માને મળવા બંગલે લઈ આવ્યો. વરંડાની બેઠકે ભાઈ-બહેન વચ્ચે ધમાચકડી મચી હતી. તેમને શાંત પાડવા મથતાં વંદનાબહેન છેવટે થાકીને ખુરસી પર બેસી ગયાં : તમારે પોતાનું ધાર્યું જ કરવું છે તો કરો!
પંચાવન-સાઠની વય, ગોરો વાન, કંકુ વિનાનો લંબગોળ ચહેરો, હીરાના દાગીના સાથે ક્રીમ કલરની સાડીની સાદગીભરી સજાવટમાં ગરવાઈભર્યું વ્યક્તિત્વ... જૂલી દૂરથી તેમને નિહાળતી રહેલી. ત્યાં કાજલનું ધ્યાન ગયું : મૉમ...
તેણે ચીંધેલી આંગળીની દિશામાં જોતાં વંદનાબહેન ટટ્ટાર થયાં. યશ-કાજલ પણ મસ્તી ભૂલીને થોડી ઉત્સુકતાથી, થોડા કુતૂહલથી ભાઈ સાથે આવેલી રૂપાળી કન્યાને તાકી રહ્યાં.
‘મા, મેં તમને કહેલુંને... તે આ જૂલી!’
‘જૂલી!’ નામ સાંભળીને વંદનાબહેન જરા ચમકી ગયાં. ગોવાથી પાછા આવેલા આશ્રિતમાં દેખીતો ફેર હતો. પહેલાં કરતાં વધુ ખુશમિજાજમાં જોવા મળે, કોઈ મીઠું લવસૉન્ગ ગણગણતો હોય કે પછી મોબાઇલમાં કોઈ જોડે વાતોમાં રત હોય... તે સમજી ગયાં કે આમાં છોકરીનું જ ચક્કર હોવું જોઈએ!
વંદનાબહેન સંકુચિત નહોતાં. એક પુત્રના પિતા એવા બીજવરને પરણવામાં તેમની કોઈ મજબૂરી નહોતી, પાત્રની યોગ્યતા તરાસી તેમણે હામી ભરી હતી. આશ્રિતને તેમણે સાવકો ગણ્યો જ નહોતો. યશ-કાજલ પણ તેની આમન્યામાં કદી ચૂક્યાં નથી.
બે દિવસ અગાઉ જ આશ્રિતે સહેજ સંકોચભેર રુદિયાનો ભેદ કહેતાં વંદનાબહેને કન્યાને ઘરે લાવવા કહેલું. જોકે તે વિચારે તો ચડેલાં જ : છોકરી રૂપનો અંબાર છે, આશ્રિતને ગમી છે એટલે તેના સંસ્કારમાં પણ કહેવાપણું નહીં જ હોય, બટ જૂલી?
વંદનાબહેને કન્યા બાબતે પૂછપરછ માંડતાં આશ્રિત સહેજ શરમાયેલો, ‘તમે મળવાનાં હો ત્યારે જાતે જ જાણી-પૂછી લેજોને...’
જૂલીને મીઠો આવકાર આપી તે આશ્રિતને રૂમમાં દોરી ગયાં.
‘આ શું આશ્રિત? જૂલી ખ્રિસ્તી છેને?’ વંદનાબહેનની અણખટ ઊઘડી આવી, ‘મેં તને બેચાર કહેણ વિશે કહેલું ત્યારે તું ના-ના કરતો રહ્યો અને હવે ગમાડી તો પરધર્મી છોકરી! આપણા ઘરમાં માંસાહાર રંધાશે? તારા પગલાને કારણે યશ-કાજલના સગપણમાં તકલીફ થઈ શકે એય ન વિચાર્યું તેં?’
જિંદગીમાં કદાચ પહેલી વાર માની વઢ ખાતા આશ્રિતને ઝંખવાતો ભાળીને વંદનાબહેન ઓછપાયાં. આશ્રિતનું દિલ દુખ્યું છે જાણી દિલગીરે થયાં, ‘બળી મારી જીભ! મારું બોલેલું મન પર ન લેતો’ કહી માથે હાથ ફેરવ્યો, ‘બાકી, આ ઘરનો મોભ તું છે, તેં બધું વિચારીને જ નિર્ણય લીધો હશે, મારા એમાં આશીર્વાદ છે.’
ત્યારે આશ્રિતના ચહેરા પર ખિલાવટ આવી, ‘તમે જોજોને મા, જૂલી ખરા અર્થમાં ગૃહલક્ષ્મી, સંસ્કારલક્ષ્મી પુરવાર થશે...’
આશ્રિતના એ વેણ સાચા પાડવાના સંકલ્પ સાથે જૂલીએ આ ઘરમાં કંકુપગલાં પાડ્યાં... પરણ્યાના આ વર્ષમાં આશ્રિત તરફથી તો તેને સુખ જ સુખ સાંપડ્યું છે. આશ્રિત જોડે બહુ અદબથી વર્તતાં યશ-કાજલ જૂલીની પણ એટલી જ આમન્યા જાળવે છે, પણ જૂલીને સવાલ થતો કે વંદનામાનું મન હું જીતી શકી છું ખરી?
જૂલીએ ઊંડો શ્વાસ લીધો : ના, વંદનામાએ કદી કડવાં વેણ નથી કહ્યાં કે નિરર્થક સાસુપણું નથી દાખવ્યું... અને છતાં જાણે એક અદૃશ્ય અંતર રહેતું. કદાચ તેમના અને આશ્રિત વચ્ચે હતું એવું જ. મા આશ્રિતની પૂરતી દરકાર રાખે. ઑફિસે તેનું ટિફિન બરાબર પહોંચે છે કે નહીં કે તેની તબિયતમાં કચાશ દેખાય તો તરત ડૉક્ટરને તેડાવી લે - એમાં તેમનાં કાળજી-સ્નેહ પડઘાય, પણ બીજી બાજુ ઑફિસથી પરત થતા યશ માટેની તેમની આળપંપાળ જુઓ : ‘તેને માટે જાતે લાઇમ જૂસ બનાવી રાખ્યું હોય, બાથટબમાં ગરમ પાણી તૈયાર હોય, તેના માથે મસાજ કરી આપે. એવાં જ અછોવાનાં મા કાજલને પણ કરે. આવા લાડ આશ્રિતને તો નહીં જને!
આશ્રિતને અનુભવાતી ઊણપ વધારે સ્પષ્ટતાથી જૂલીને કળાતી, માને એ કેમ દેખાડવી એ જોકે સમજાતું નહીં.
આશ્રિત-યશ ઑફિસ જાય. આશ્રિતે તો મહિને-બે મહિને કૅનેડાની બેચાર દિવસની વિઝિટ પણ કરવાની થાય. બિઝનેસમાં એક્સપર્ટનું બહોળું કામકાજ કૅનેડા સ્થિત કંપનીઓ સાથે રહેતું. ત્યાંની કોઈ કંપની સાથે જૉઇન્ટ વેન્ચર કરવાની પણ વાતો હતી એટલે એક-બે વાર આશ્રિત યશને પણ સાથે લઈ ગયેલા - કાજલ કૉલેજ ગઈ હોય ત્યારે સાસુ-વહુ ઘરમાં એકલાં પડે.
એવા સમયે તેઓ સાથે કુકિંગ-શો જુએ, ગામગપાટા હાંકે, પણ પછી કોઈ સાંજે જૉનઅંકલ-સોફિયાઆન્ટી જૂલીને મળવા આવે ને આન્ટી બિચારાં હોંશે-હોંશે જૂલીને ભાવતી એગ કેક લઈ આવ્યાં હોય એ જોઈજાણી માનો જીવ મહેમાનોમાંથી ઊઠી જાય, ‘તમે વાતો કરો. હું મારી રૂમમાં જરા આડે પડખે થાઉં છું. બપોરથી કમર જરા દુખે છે. જૂલી, અંકલ-આન્ટીને જમાડ્યા વિના ન મોકલીશ...’ કહીને તે રૂમમાં જતાં રહે.
આમાં અંકલ-આન્ટીને તો કશું ગંધાય પણ કેમ? તેમના જતાં જ મા આયાને કહીને કેક બહાર ફગાવી દે, ગંગાજળ છાંટીને રસોઈ પવિત્ર કરે એ જોઈ જૂલીને ધરતીમાં સમાવા જેવું લાગે.
‘આયૅમ સોરી મા, આન્ટીને બિચારાંને જાણ નહીં એટલે તેઓ ઈંડાની આઇટમ લઈ આવ્યાં, પણ મેં તેમને સમજાવી દીધાં છે, ફરી આવી ભૂલ નહીં થાય.’
‘તારે માફી માગવાની જરૂર નથી જૂલી, બસ એટલું યાદ રાખજે કે મારા જીવતાજીવ તો હું અમુક નીતિનિયમોનું ઉલ્લંઘન નહીં જ થવા દઉં. મારા મર્યા પછી કરજો તમારે જે કરવું હોય એ!’
બાપરે... આટલું સાંભળ્યા પછી મા સામે જીભ જ કેમ ઊપડે! આશ્રિત દર રવિવારે જૂલીને ચર્ચ લઈ જાય એ પણ માને બહુ નથી રુચતું એ જૂલી જાણતી હતી. દીકરાને તે કહી ન શકે, પણ સાસુની બૉડી-લૅન્ગ્વેજ વહુને તો બરાબર સમજાયને! આશ્રિતને આ વિશે કહીને જૂલી ઘરમાં દરાર ઊભી નહોતી કરવા માગતી. માનાં મન-મરજી સામે દલીલ ન હોય. જૂલીનાં મમ્મી-પપ્પા આવે તો તેમનો આદર-સત્કાર કરે, દિવાળીમાં ખાસ તેડાવેલાંય ખરાં; પણ પછી નાતાલની રાતે આશ્રિતે પપ્પાને સૅન્ટા ક્લૉઝ બનીને આવવાની સરપ્રાઇઝ યોજી એ તેમને નહોતું ગમ્યું.
સાસરામાં જૂલીની એ પહેલી ક્રિસમસ. પિયરમાં તો કેટલી ધમાલ હોય, અહીં ઉજવણીનાં કોઈ નિશાન નહીં. ક્રિસમસ પર મમ્મીને ત્યાં જઈશું? જૂલીએ એવું પૂછ્યું તો આશ્રિતે બહુ મોળો પ્રતિસાદ આપેલો : જોઈશું! આમાં ને આમાં તહેવાર આવી ઊભો. પણ હશે, અહીં દિવાળી તો ધામધૂમથી મનાવી જ હતીને એમ વિચારીને જૂલી મન મનાવી પડખાં ઘસતી હતી ત્યાં રાતે ૧૨ વાગ્યે ડોરબેલ રણકી. આશ્રિતે જ જૂલીને મોકલી : જો તો, કોણ આવ્યું?’
બગાસું ખાળતાં જૂલીએ દરવાજો ખોલ્યો ને આભી બની ગઈ. સામે સૅન્ટા ક્લોઝ ઊભો હતો!
‘યૉર ગિફ્ટ્સ...’ તેમણે થેલો ધર્યો ને અવાજની ઓળખે તે ચિલ્લાઈ : પ...પ્પા!’
એ સાથે જ વરંડાની લાઇટ થઈ ને રંગબેરંગી રોશનીવાળું ક્રિસમસ-ટ્રી ઝળહળી ઊઠ્યું. જોડે મા, જૉનઅંકલ-આન્ટી પણ હતાં. લુચ્ચું હસતો આશ્રિત દેખાયો : મેરી ક્રિસમસ!
‘બધું ભૂલીને જૂલી તેમને વળગી પડી : ‘ઓહ, તમે તો તમે જ આશ્રિત!’
ત્યાં જૂલીનું ધ્યાન ગયું. પાછળ જ રૂમની બારીમાંથી મા તેમને નિહાળતાં હતાં. સંકોચભેર જૂલી અળગી થઈ. આશ્રિતે ઉપરની રૂમમાંથી ડોકિયું કરતાં યશ-કાજલને નિમંત્ર્યાં. માને સાદ દેતાં તેઓ આવ્યાં ખરાં, પણ વધુ બેઠાં નહીં. જૂલીને કહેતાં ગયાં, બહુ શોર ન કરશો; આપણે નાતાલની ઉજવણી કરીએ છીએ એનો ઢંઢેરો આજુબાજુમાં પીટવાની જરૂર નથી!
સાંભરીને જૂલીએ અત્યારે પણ હળવો નિ:સાસો નાખ્યો : ‘કદાચ હું ખ્રિસ્તી ન હોત, હિન્દુ હોત તો માએ સાવ સહજપણે મને અપનાવી લીધી હોત - એ સહજતાનો અમારા સંબંધમાં આજે પણ અભાવ છે, જે મેં આશ્રિતને કદી દેખાડ્યો નથી. મે બી, પોતાના પ્રત્યેના અલગાવપણાને કારણે મા મને પૂર્ણત: અપનાવી લે એવું તેમને અપેક્ષિત પણ નહીં હોય એટલે પણ આશ્રિતના ધ્યાન પર આ બધું નહીં બેઠું હોય...’
એવામાં આશ્રિતની આજની કૅનેડાની ટૂર. ચાર દિવસના કામે નીકળેલા આશ્રિત પચીસમીની સવારે મુંબઈ ઊતરશે...
અને ફોનની રિંગે તેને ઝબકાવી. વિચારમેળો સમેટીને વર્તમાનમાં આવી જવું પડ્યું.
‘અરે આ તો આશ્રિતનો ફોન!’
જૂલી ચમકી : આ સમયે તો આશ્રિત ફ્લાઇટમાં હશે. અફકોર્સ, ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસમાં નેટ સર્વિસ કૉમ્પ્લીમેન્ટરી હોય છે, પણ એથી તેમણે આમ વૉટ્સઍપ-કૉલ કર્યો હોય એવું અગાઉ તો બન્યું નથી... તેણે ઉચાટભેર કૉલ રિસીવ કર્યો અને સામેથી આશ્રિતનો ધ્રૂજતો સ્વર સંભળાયો ઃ ‘થૅન્ક ગૉડ, કૉલ લાગી ગયો જૂલી... લિસન. અમારી ફ્લાઇટમાં યાંત્રિક ખામી સર્જાઈ છે, આગળ-પાછળ અફાટ દરિયો છે અને અમે ઇમર્જન્સી લૅન્ડિંગ કરી રહ્યા છીએ.’
‘ઓહ ગૉડ... હિંમત રાખો આશ્રિત.... તમને કંઈ નહીં થાય, કોઈને કંઈ નહીં થાય. હલો-હલો...’
જૂલી ચિલ્લાતી રહી, પણ કનેક્શન કટ થઈ ચૂક્યું હતું... કદાચ જિંદગીનું પણ!
‘મા... યશ...’ પાગલની જેમ જૂલી ચીસો નાખતી દોડી.
ઘર જાગી ગયું. ખબર જાણી હાયકારો નાખી ગયું. વંદનાબહેને પૂજાઘરમાં ઠાકોરજીને જગાડ્યા, અખંડ દીવો પ્રગટાવ્યો. લતા મંગેશકરના કંઠે મઢ્યા મહામૃત્યુંજયના જાપ વગાડવાનું શરૂ કર્યું, ‘મારા આશ્રિતની રક્ષા કરજો પ્રભુ! મારો આશ્રિત.’
માના મોઢે પહેલી વાર ‘મારો આશ્રિત’ સાંભળીને જૂલી સ્તબ્ધ થઈ : કાશ, આ સાંભળવા આશ્રિત અહીં હોત! માની મમતા જાગી તો ક્યારે...
અને ટીવી પર બ્રેકિંગ ન્યુઝ ઝબક્યા : કૅનેડા જતી ફ્લાઇટ ઇમર્જન્સી લૅન્ડિંગ દરમ્યાન દરિયામાં તૂટી પડી! કોઈના બચાવની શક્યતા શૂન્યવત્!
‘નહીં!’ સમાચાર સાંભળીને છાતી કૂટતાં વંદનાબહેન જૂલી તરફ ધસી ગયાં, બે હાથે તેના ખભા ઝાલી હચમચાવી : ‘કાળમુખી, તારા પગલે મેં મારો દીકરો ખોયો...’
સાવકી સાસુનાં વેણ બેહોશ થતી વહુના કાળજે કરવતની જેમ ફરી ગયાં!
(ક્રમશઃ)