જંગ (પ્રકરણ - ૨)

03 January, 2023 08:10 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

નેહાલીને એય નહોતું રુચ્યું: વાહ, અંશુએ ક્યારે કોને સાચવવાનાં એય દીદી જ નક્કી કરે? અંશુ મને સાચવે એ તો ગમે જ, દીદીના કહ્યાથી સાચવે એનો અવશ્ય વાંધો!

જંગ (પ્રકરણ - ૨)

‘રેવા, ભાઈને પરણાવવાનાં ખૂબ વધામણાં!’
આશ્રય-વિદુલામાના આગમને રેવા ઝંકૃત થઈ. પોતે ખાસ અંશુનાં લગ્ન નિમિત્તે આપેલી શેરવાનીમાં આશ્રય સોહામણા લાગ્યા, માએ પણ મેં દીધેલું સેલું પહેર્યું! રેવા દોડીને માને ભેટી પડી. ચારેક દિવસથી તેમને તાવ હતો. અત્યારેય શરીર થોડું ધગે છે તોય મારી ખુશીમાં સામેલ થવા આવી પહોંચ્યાં! વિદુલામમ્મીની નાદુરસ્ત તબિયતને કારણે તો પોતે તેમને જાનમાં જોડાવાનો આગ્રહ નથી રાખ્યો, બલકે આશ્રયને માની સંભાળમાં રોકાવા મનાવી લીધેલા. લગ્નના દિવસે ઘર બંધ રખાય નહીં એટલે આશ્રય મા સાથે અહીં રોકાઈ વરઘોડિયાના સ્વાગતની તૈયારી કરશે એવું ગોઠવાયું હતું. 

પાટણના મોંઘા પટોળામાં અત્યંત સુંદર દેખાતી રેવાને આશ્રય મન ભરી નિહાળી રહ્યો, મા મલક્યાં – અંશુ થાળે પડવાનો, રેવા, હવે તો તું ઇશારો કરે કે અમે જાન લઈને આવ્યાં સમજ!
રેવાનું હૈયું ધડકી ગયું. ત્યાં અંશુએ દેખા દીધી.
જાંબુડિયા રંગના જોધપુરી સૂટમાં અસલી હીરાનાં ચમકદાર બટન, માથે ગુલાબી રંગનો સાફો.
‘એકદમ રાજકુમાર જેવો લાગે છે રેવા, તારો ભાઈ!’ વિદુલામાએ ઓવારણાં લીધાં.
અંશુ તેમને પગે લાગ્યો, આશ્રયના ચરણસ્પર્શ કરવા વળ્યો કે આશ્રયે તેને ગળે વળગાડ્યો, ‘નવા આરંભની ખૂભ શુભેચ્છાઓ, અંશુ!’
પાંપણ લૂછતી રેવાએ સાદ પાડી ફોટોગ્રાફર તેડાવ્યો, ‘અમારો એક ફોટો લોને!’
વરરાજાની આજુબાજુ રેવા-આશ્રય ઊભાં રહ્યાં, રેવાની પડખે વિદુલામા.
‘આવો જ એક ફોટો રાત્રે નેહાલીવહુનું આગમન થાય ત્યારે લેવાનો છે-’ ફોટોગ્રાફરને સૂચના આપી રેવા બાકીનું મનમાં બોલી : મારા માટે તો એ તસવીર પ્રસંગનું સૌથી મહામૂલું સંભારણું રહેવાની!

ખરેખર તો અંશુમાનનાં લગ્નની કોઈ વિધિમાં રેવાએ ધામધૂમમાં કસર નહોતી છોડી. અંશુએ કામમાં મહિનાનો બ્રેક લીધો હતો. સુપરસ્ટાર પરણી રહ્યો છે એવા કોઈ તેવર તેનામાં નહોતા, બલકે ગામના જૂના મિત્રો જોડે એટલી જ સહજતાથી ભળી જતો. હા, યુરોપના હનીમૂન પછી કામે ચડતાં પહેલાં ઉદયપુરના પૅલેસમાં પ્રેસ-કલીગ્સ માટે ગ્રૅન્ડ પાર્ટી રાખી છે ખરી... મને તો ભઈલો એની મનગમતી કન્યાને વરી રહ્યો છે એનો વિશેષ આનંદ!
રેવા વાગોળી રહી : 
અંશુમાને નેહાલી ગમતી હોવાનો હવાલો આપતાં રેવાએ ચક્રો ગતિમાન કર્યાં. આશ્રયે પૂરતી તપાસ બાદ ગ્રીન સિગ્નલ આપતાં પોતે વિધિવત્ કહેણ મૂક્યું, નેહાલીનાં માવતર પણ રાજી હતાં. અંધેરીના ઘરે પહેલી વાર નેહાલીને જોવા-મળવાનું બન્યું... ખરેખર એક નજરમાં ગમી જાય એવી મીઠડી નીકળી નેહાલી. પણ પોતાના ‘આઇ લવ યુ’ની સામે ‘મારાં લગ્નનો નિર્ણય દીદી કરશે’ આવું સાંભળનારી મારા માટે કેવું માનતી હશે! 
રેવાને આનો જ ધ્રાસકો હતો. અંશુને સુપરસ્ટાર બન્યાનું ગુમાન તો નથી જ, એમ મારાથી દૂર રહીને પણ તે અળગો નથી બન્યો. મારો આદેશ તેના માટે આજે પણ સર્વોપરી છે એ વાત નવી આવનારી સમજી શકશે ખરી! 
 નેહાલી સાથે એકલાં પડવાનો મોકો ઝડપી આ વિશે પૂછતાં તે મીઠું મલકી હતી, ‘તમે અંશુ માટે આદરેલું તપ મારાથી છૂપું નથી દીદી. તમારા આશીર્વાદ તો અમારી અદકેરી મૂડી છે, દીદી... એની તે અણખટ હોતી હશે!’

હા..શ. આ એક જ જવાબે નેહાલીએ મને જીતી લીધી... હવે ઘરે તેનાં કંકુપગલાં થાય, સંસારમાં બન્ને થાળે પડે એટલે મારે આશ્રયના તપનો અંત આણવો છે. સરપંચ તરીકે મારી ટર્મ ત્રણેક મહિનામા પૂરી થાય છે, આવતી ટર્મમાં હું ઊભી નહીં રહું એવું મે ઉપસરંપચ ઠાકોરકાકાને તો કહી જ રાખ્યું છે... સ્ત્રી માટેની અનામત એ બેઠક પર ભીમજી ખેડુની પુત્રવધૂ મિતાલી બધી રીતે યોગ્ય છે, ભણેલીગણેલી, સંસ્કારી કુટુંબની કન્યા-વહુ પાછલી ટર્મમાં મારા હાથ નીચે ઘડાઈ પણ છે. તેના નામની ભલામણ ઠાકોરકાકાને સ્વીકૃત પણ છે.
પણ એ બધું પછી, આજે મારા ભઈલુનાં લગ્ન, બસ, એનો જ આનંદ!

lll આ પણ વાંચો :  જંગ (પ્રકરણ - ૧)

અને મંગળ ચોઘડિયે અંશુમાન સાથે હસ્તમેળાપ થતાં નેહાલીએ રોમાંચનો સંચાર અનુભવ્યો. હવે અંશુ વિધિવત્ મારા થયા!
મુંબઈમાં સ્થિતિ સંપન્ન પરિવારમાં ઊછરેલી નેહાલી સ્માર્ટ હતી, પાછી રૂપનો અંબાર. અલબત્ત, મૉડર્ન એજના આંધળા અનુકરણમાં એકની એક દીકરી અટવાઈ ન જાય એની સાવધાની મા-બાપ તરીકે શ્રેયાંશભાઈ-જ્યોત્સ્નાબહેને રાખેલી, એટલે પણ સારા-નરસાની સમજ નેહાલીને ખરી. એની કોરીકટ હૈયાપાટી પર પહેલો અક્ષર પાડ્યો અંશુમાને!
ઑબ્વિયસલી રીજનલ ફિલ્મ તો નેહાલીના રડારમાં ન જ હોય, પણ ગયા વરસે માસ્ટર્સ પત્યા પછી મામાને ત્યાં લૉન્ગ વેકેશનમાં અમદાવાદ રહેવાનું બન્યું, એમાં કઝિન્સ પરાણે ગુજરાતી મૂવી જોવા લઈ ગયા - મેગા હિટ મૂવી છે, શું હીરોની ઍક્ટિંગ છે!

હીરો. એ પણ ગુજરાતી મૂવીનો! જરૂર માથે ફેંટાવાળો બળદગાડું હંકારતો કોઈ જણ હશે... બટ માય, માય! ચોથી મિનિટે હીરોની એન્ટ્રી પર જ નેહાલી ખુરશીમાં ટટ્ટાર થઈ ગઈ. સિનેમાહૉલમાં સીટીઓ જ સીટીઓ. શું તેની સ્ટાઇલ, શું તેનું શરીરસૌષ્ઠવ ને ફાઇટ હોય કે ઇમોશનલ સીન કે પછી રોમૅન્ટિક દૃશ્ય - શું તેનો સહજ અભિનય! અરે ભાઈ, છે કોણ આ અંશુમાન નાયક?
‘વલસાડનો છે, ગુજરાતી ફિલ્મોમાં તેનું રાજ ચાલે છે આજકાલ.’
ત્રેવીસની એ ઉંમરે નેહાલીથી નહીં પુછાયેલો પ્રશ્ન હતો - પરણેલો છે?
ના, નથી પરણ્યો... પછી તો ખુદ નેહાલીએ ખાંખાંખોળા કરી તેના વિશે વિગતો એકઠી કરવા માંડી. તેની વૅલ્યુઝ આકર્ષતી. તેની ક્લીન ઇમેજ, યુવાઓ ગેરમાર્ગે દોરાવાય એવાં કોઈ કૅરૅક્ટર નહીં.. જેટલું જાણતી ગઈ એમ તે હૈયે ઘર કરવા માંડ્યો.
અંશુમાનને શૂટિંગ દરમ્યાન સ્ટુડિયોમાં રૂબરૂ મળ્યા પછી ક્રશ પ્રણયમાં બદલાઈ ગયો એ કેવળ ગ્લૅમરના આકર્ષણે નહીં, બલકે વ્યક્તિ તરીકે અંશુમાન સ્ટાર કરતાંય વેંત ઊંચેરો લાગ્યો, એટલે. 

‘તમને બૉલીવુડ-હૉલીવુડનું ખેંચાણ નથી?’
છોકરી પોતાનાથી ઇમ્પ્રેસ છે એ અંશુમાનને પરખાતું હતું. ફીમેલ ફૅન્સના ક્રશનો અનુભવ હતો, પણ નેહાલીમાં સામાને આકર્ષવાનો તણખો પણ હતો.
‘મને નિસબત અભિનયની છે અને માતૃભાષામાં કામ કરવાનું તો ગૌરવ હોયને! આવું મારી દીદી કહેતી હોય છે.’ 
દીદી.
અત્યારે પણ એની અણખટ અવગણી નેહાલીએ વાગોળ્યુ : 

અંશુની એ પહેલી મુલાકાત પછી અમે નિયમિત સંપર્કમાં રહેતાં. બે વાર તો અંશુ ઘરે પણ આવી ગયા. તેમનું હૈયું મને પરખાતું. તે પણ મને પ્રેમ તો કરે જ છે - મને જોતાં જ ખીલી ઊઠે છે, ક્યારેક બેચાર દિવસ વાત ન થાય તો સામેથી તેમનો ફોન આવી જાય...  અને પ્રણયનો સ્વીકાર તે ન કરે તો હું કરી લઉં... હામ ભીડી પોતે આઇ લવ યુ કહી દીધું... 
જવાબમાં એક ચુંબન સાથે પ્રણયનો એકરાર અપેક્ષિત હતો, પણ શ્રીમાન અંશુમાન ઉવાચ કે મારા લગ્નનો - મારી જિંદગીનો સૌથી અગત્યનો નિર્ણય મારી દીદી કરશે!
દીદી, દીદી.
ના, એવું નહોતું કે અંશુમનને પ્રીતના સ્વીકાર ટાણે અચાનક દીદી સાંભરી હોય... અમારી દરેક મુલાકાતોમાં, તેની વાતોમાં હરીફરીને તેની રેવાદીદી તો આવી જ જાય! દીદીએ જ મને મોટો કર્યો, મને ઉછેરવા પાછળ ભેખ ધર્યો ઍન્ડ બ્લા બ્લા!
બેશક, નેહાલી કપટી કે સ્વાર્થી નહોતી, તેના સંસ્કારઘડતરમાં કહેવાપણું નહોતું, અંશુ માટે રેવાએ આદરેલા તપ વિશે જાણી પોતે દીદીના ઓશિંગણ થવાનું હોય એવી સમજ છતાં એ બન્યું નહીં. શું કામ?

રેવા માટે તેને બીજો વાંધો નહોતો, પણ પોતે જેને અફાટ ચાહતી તે પુરુષ પોતાની માને જ કેમ ન વખાણે, એ સહન કરવું દુષ્કર હોય છે. અંશુ માટેની નેહાલીની ઝંખના, તેની પઝેવનેસ તેને દીદી પ્રત્યે આકરાં થવા પ્રેરતી. ધીરે-ધીરે એ અભાવ નેહાલીનીયે જાણબહાર ઘેરો અને ગહેરો થતો ગયો. એમાં વળી લગ્નનો ફેંસલો દીદી કરશે એવું જાણ્યા પછી તો રેવા સાવ જ અસ્પૃશ્ય બની ગઈ. નો રિગ્રેટસ ફૉર ધૅટ. 
રેવા મારા માટે કેવળ એક હર્ડલ છે... એને પાર કર્યાથી જ અંશુ મારા બને એમ છે! તો ભલે, એક વાર અમારો હથેવાળો થઈ જાય, પછી એ હર્ડલને લાત મારી દૂર કરતાં કેટલી વાર!  ફેંસલો ઘડાઈ ગયો. પછી આપોઆપ ભૂમિકા ભજવાતી ગઈ, અમારી પહેલી મુલાકાતમા એકાંત મેળવી તેમણે માગેલી ચોખવટમાં હું ઊણી શું કામ ઊતરું!
 ‘હું એટલું તો જાણું છું કે મુંબઈની છોકરીને ગામડાગામમાં નહીં ફાવે... જ્યોત્સ્નાઆન્ટી, તમે એની ચિંતા ન કરશો, મારો અંશુય મોટા ભાગે અમદાવાદ રહેતો હોય છે, નેહાલી તેની સાથે જ રહેશે.’

(મારો અંશુ - દીદી કેવો અધિકાર જતાવે છે! ના, હોં, હવે અંશુ કેવળ મારો!) 
મનમાં અણખટ ઘૂંટતી નેહાલીએ મોં મલકાવી મીઠાશ ઘોળી હતી, ‘દીદી, હું તો તમારા ભેગી રહીશ. કેટલું કંઈ શીખવાનું છે તમારી પાસેથી.’
‘તેં મારા મનની વાત છીનવી લીધી, નેહાલી. આપણામાંથી એકે તો દીદી સાથે જ તેમની સંભાળમાં રહેવાનું. હવે દીદીને કોઈ કામ કરવા ન દેતી.’ 
(લો કર લો બાત! દીદીના ભગત બોલ્યા. તે તમને પત્ની જોઈએ છે કે દીદીની કૅરટેકર?) 
 ‘બસ, હં મારા વીરા,’ રેવાએ હસીને જાળવી લીધેલું, ‘તારી દીદી લાકડી લઈને ચાલવા જેટલી ઘરડી થાય, ત્યારે મોકલજે તારી વહુને મારી સેવામાં. બાકી મારાથી પહેલાં તારે નેહાલીને સાચવવાની, શું સમજ્યો!’
નેહાલીને એય નહોતું રુચ્યું : વાહ, અંશુએ ક્યારે કોને સાચવવાનાં એય દીદી જ નક્કી કરે? અંશુ મને સાચવે એ તો ગમે જ, દીદીના કહ્યાથી સાચવે એનો અવશ્ય વાંધો! 
અને મારા કોઈ પણ વાંધાને હું મારા સંસારમાં તો ન જ રહેવા દઉં! 

ખેર, વેવિશાળથી લગ્ન સુધીમાં આદર્શ વહુની જેમ વર્તીને દીદીનું મન અને વિશ્વાસ જીતી લીધાં છે. અરે, લગ્ન પછી હું ગામ જ રહેવાની એય પાકું ઠેરવ્યું છે - દીદીને અમારા સુખની હદપાર કરવાય પહેલાં નજીક રહેવું જરૂરી છે... અને ગામ મારું અજાણું પણ નથી હવે તો. અમારું વેવિશાળ ગામના ઘરે થયેલું. ત્યાર પછી બે-ત્રણ વાર દીદી સાથે ઘરે રહેવા પણ ગઈ છું. આખું ગામ દીદીની આરતી ઉતારે છે. તેમના સખાવતી સ્વભાવનાં ગુણગાન ગાય છે! પણ આખરે એ પૈસા તો અંશુના જ ને! 
અને રેવાને ગણતરીબાજ ઠેરવવાનું સધ્ધર કારણ નેહાલીને મળી ગયું :  દાનધરમ કરી વાહવાહી લૂંટવાની પ્રથા પુરાણી છે. અંશુના પૈસે દીદી મહાન ઠરી બેઠાં એ ભોળા અંશુને કોણ સમજાવે! એક તો તેમણે અંશુને ફાર્મિંગના બિઝનેસમાં પગપેસારો કરવા ન દીધો, ગામનુ ઘર-ખેતર બધું તો દીદીના નામે છે! તમને ઉછેર્યાનાં દસ-બાર વરસ તો ક્યારનાં વસૂલાઈ ગયાં, અંશુમાન, આ બધું મારે જ તમને સમજાવવું પડશે!

- પણ ના, લગ્ન પહેલાં નહીં. નેહાલી ખુદને રોકી રાખતી.
-પણ હવે... વિચારમેળો સમેટી નેહાલીએ દમ ભીડ્યો. 
પરણીને રેવાને પગે લાગતાં વરઘોડિયાને ગળે વળગાડતી રેવા રડી પડી. એમાં માવતરનું સંભારણું હતું, ભાઈને થાળે પાડ્યાના કર્તવ્યની પૂર્તિનો હરખ પણ હતો.
નેહાલીના ચિત્તમાં ત્યારે જુદો પડઘો પડ્યો - થોડાં અશ્રુ બચાવીને રાખો, દીદી, બહુ જલદી તમારે અમારા સંસારમાંથી ફંગોળાવાનું બનશે ત્યારે આ અશ્રુ કામ લાગશે!
આપણી વચ્ચેના જંગની આજથી શરૂઆત થાય છે! 

lll આ પણ વાંચો : દર્દ-બેદર્દ (પ્રકરણ - ૨)

‘અંશુ-નેહાલી, આશ્રય-વિદુલાઆન્ટીને પગે લાગો.’
મુંબઈથી પરત થયેલી જાનનું ગામમાં ભવ્ય સ્વાગત થયું. આશ્રયની ગોઠવણીમાં જોવાનું હોય જ નહીંને! ગદ્ગદ થતી રેવાએ વરઘોડિયાની આરતી ઉતારી, વહુનાં કંકુપગલાં પાડી માતા-પિતા, મંદિરના ઇષ્ટદેવને પગે લગાવી રેવાએ આશ્રય-વિદુલામાના આશિષ લેવાનું કહેતાં નેહાલીના દિમાગમાં ટીકટીક થવા માંડ્યું.
આ...શ્રય. આ તો એ જ પુરુષ જેણે રેવાદીદીને અંશુમાનને ફિલ્મોમાં કામ કરવા બાબત સમજાવી હતી! વિવાહ સમયે પણ મા-દીકરો હાજર હતાં, ત્યારે તો પોતે બહુ ધ્યાન નહોતું આપ્યું, કેમ કે બીજાંય કેટલાંક સગાંસ્નેહી ફંક્શનમાં મોજૂદ હતા. ફરી વારના રોકાણ દરમ્યાન પણ તેમનો ઉલ્લેખ નહોતો થયો, પણ આજે તો નોટિસ કરવું પડે એ રીતે વર્તી રહ્યાં છે દીદી. આશ્રય-આન્ટીને પગે લાગવાનું કહ્યું એ તો ઠીક, ફોટોગ્રાફર તેડાવી તેમની સાથે ફોટોય પડાવડાવ્યો. સામા પક્ષે આશ્રય-આન્ટીનો વહેવાર પણ કેવો મોટો. આશ્રયે અંશુને સોનાની ચેઇન પહેરાવી, આન્ટીએ મને સોનાની વીંટી આપી... કયા સંબંધે?
અનાયાસ સ્ફુરેલો પ્રશ્ન નેહાલીમાં ચમકારાની જેમ ફેલાઈ ગયો.

વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff