જુગલ જોડી (પ્રકરણ-૩)

09 August, 2023 07:36 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

ડોરબેલના રણકારે આસિતાએ દરવાજો ખોલ્યો. સામે મધુરું મલકતા સોહામણા જુવાનને તે પળવાર તો મુગ્ધપણે તાકી જ રહી.

ઇલસ્ટ્રેશન

‘અમદાવાદમાં ગોઝારો કાર-અકસ્માત! અમીર નબીરાએ બેફામ ઝડપે કાર હંકારી એકસાથે ૧૨ લોકોને રહેંસી નાખ્યા!’

અખબારનું મથાળું આશ્રયના હૈયે વાગ્યું.

ગયા અઠવાડિયાનો ઍક્સિડન્ટ સાંભરી ગયો. માન્યું, રિયાનો સંસ્કારભેદ મારાથી અજાણ નહોતો, પણ એક તો દારૂ પીને કાર ઠોકવી ને ઘાયલ જુવાનને મરવાની હાલતમાં છોડીને ભાગી જવું. -  વાગ્દત્તાની આ વર્તણૂક તેના મૂલ્યહીન હોવાની ગવાહી પૂરે છે, પાછી જુવાનની મદદમાં મને જતો રોકી તે મને તેના જેવો નિમ્ન બનાવવા માગે છે કે બીજું કાંઈ!

અકસ્માતની બીજી સવારે અખબારમાં એને લગતા કોઈ સમાચાર ન ભાળી રાહતને બદલે ઉચાટ જ થયો હતો ઃ એ જુવાન બચી તો ગયો હશેને! નહીં તો હું ખુદને માફ નહીં કરી શકું.

ન રહેવાતાં રવિની સાંજે તે સીધો રિયાને મળવા ઘરે પહોંચ્યો. પોતે કોઈને મોતના મુખમાં પહોંચાડ્યો છે એનો પસ્તાવો કે ઉચાટ પણ તેનામાં દેખાયા નહીં.

‘વાય યુ સો વરી!’ ટકોરી તેણે કહેલું, ‘એ જુવાન જીવે છે. લાગે છે કે તેને ટાઇમસર મદદ મળી ગઈ હોવી જોઈએ. ખેર, મેં રાતે જ પપ્પાને વાત કરેલી ને તેમણે બધું ગોઠવી કાઢ્યું છે. કાર ચોરાયાની ફરિયાદ બૅક ડેટમાં નોંધાવાઈ ગઈ છે અને છતાં કંઈક ઊલટપુલટ થયું તો મારો ડ્રાઇવર જતીન ગુનો ઓઢી લેશે, પપ્પાએ તેને હૅન્ડસમ ઑફર આપી અને તેણે એ સ્વીકારી... સો વી આર ફ્રી, ઇન ઍની કેસ. ઇન ફૅક્ટ પપ્પાનો મૅનેજર સોનાવણે જુવાનને મોંમાગ્યા દામ આપીને ફરિયાદ પાછી ખેંચવાય મનાવી લેશે.’

મતલબ આવી પરિસ્થિતિમાં આપણા દેશના અમીર પિતા જે કરતા હોય છે એ જ સસરાજીએ કર્યું!

અત્યારે પણ નિઃશ્વાસ નખાઈ ગયો આશ્રયથી. જોડી સ્વર્ગમાં બનતી હોય છે એવું સાંભળેલું, પણ અમારું તો કજોડું છે!

‘નિસાસો સરી જાય એવું જ બન્યું છે, દીકરા.’

હીંચકે બેસીને માળા ફેરવતાં વિદ્યાબહેને દીકરાના નિસાસાનો ભળતો જ અર્થ કર્યો ઃ એકસાથે ૧૨-૧૨ જણને કચડનારાને કાનૂન સજા આપે તો પણ જે માબાપે સંતાન ગુમાવ્યાં છે તેમના ઘરદીવડા ઓછા પાછા આવવાના! આટલું થયા પછી પણ ગુનેગારના બચાવમાં ઊતરનારને એ માવતરનાં આંસુ લૂંછવાનું સૂઝે છે?

માને સ્વાભાવિકપણે અકસ્માતની જાણ નથી કરી. રિયાને છોડ, તું કેમ જુવાનની મદદે ન ગયો? આવા તો અમારા સંસ્કાર નહોતા... કહીને એ જીવ સંતાપે એ કેમ સહન થાય!

-પણ અત્યારે તેમના શબ્દોમાં મને દિશાસૂચન તો છે. એક વાર બિચારા જુવાનને મળી લઉં, શક્ય બને તો માફી માગી લઉં... આટલું તો મારે કરવું જ જોઈએ!

lll

‘જે થાય એ સારા માટે!’

બિરજુના ઉમંગ સામે આસિતાએ હોઠ કરડ્યો.

ગયા શનિવારે પોતે આખી રાત બિરજુની રાહ જોવામાં વિતાવી, રવિની મોડી સવારે હૉસ્પિટલમાંથી ખબર મળતાં બધી રીસ ઊતરી ગઈ ઃ બિરજુને રાતે અકસ્માત નડ્યો હતો!

પોતે હૉસ્પિટલ દોડી આવી. સદ્ભાગ્યે રાઉન્ડ પર નીકળેલી પોલીસ-વૅને બિરજુને સમયસર હૉસ્પિટલ પહોંચાડતાં તે ઊગરી ગયેલો અને હોશમાં પણ હતો. તેણે જ નર્સને ખબર આપવા કહેલું જાણી ગદ્ગદ થવાયું.

‘તેમને સંપૂર્ણ સાજા થવામાં મહિનો તો લાગશે જ...’ ડૉક્ટરે કહેલું.

પછી જોકે કૅબિનમાં લઈ જઈ ડૉક્ટરે જે કહ્યું એ ધારણા બહારનું હતું ઃ પેશન્ટની ઇન્જરીઝ એવી છે કે મારે આખી બૉડી સ્કૅન કરવી પડી, એમાં તેમના ગુદામાર્ગમાંથી હીરાની પોટલી મળી છે... તે કોઈ આડા ધંધામાં તો નથીને? અફકોર્સ, ઍક્સિડન્ટનું રિપોર્ટિંગ તો કર્યું જ છે, બટ... શુડ આઇ ટેલ ધિસ ટુ પોલીસ?

‘નો, નો, તે પોતે હીરાનો આંગડિયો છે. જોખમને કારણે તેણે હીરા આમ સંતાડ્યા હશે...’ કહીને પોતે ડૉક્ટરને તો મનાવી લીધા, પણ પછી બિરજુની શોલ્ડરબૅગ ચકાસતાં પાસપોર્ટ-ટિકિટ જોઈને ખેલ સમજાઈ ગયો. સવાર-સાંજ તેનું ટિફિન લઈને હું દરરોજ હૉસ્પિટલ આવું, પણ બંદો આજેય મોંમાંથી ફાટતો નથી કે હું તો તને અંધારામાં રાખીને હીરા સ્મગલ કરી દુબઈ ઊપડી જવાનો હતો! આવી વ્યક્તિ સાથે જોડી કેમ જામે?

અને આસિતાએ ઊંડો શ્વાસ લઈ બિરજુના કથનની પૂર્તિ કરી ઃ ‘તમે સાચું કહ્યું બિરજુ, જે થાય એ સારા માટે. આ અકસ્માત ન થયો હોત તો હું જાણી જ ન શકત કે ૨૦ કરોડના હીરા ગપચાવી તું દુબઈ જતો રહેવાનો છે!’

‘હેં...’ બિરજુ સહેજ આંચકો ખાઈ ગયો.

શૌચાલયમાં જઈને હીરાનું પડીકું સંતાડી ઍરપોર્ટનો રસ્તો ક્રૉસ કરતી વેળા પૂરપાટ આવતી કારે પોતાને ઉડાડી મૂક્યો, આંખ ખૂલી ત્યારે પોતે હૉસ્પિટલના બિસ્તર પર હતો. ‘હાશ, હું મર્યો તો નથી! બે પાંસળી તૂટી ગયેલી, હાથ–પગ ભાંગ્યા હતા, લકીલી હેડ ઇન્જરી સિરિયસ નહોતી. ડૉક્ટરે ફૅમિલી બાબતે પૂછતાં પોતે આસિતાને કૉલ કરાવ્યો. હીરા બાબતે કોઈને પુછાય એમ નહોતું. હીરા હજીય શરીરની અંદર રહેલા હોય તો ઝેર તો નહીં ફેલાવેને! 

એની દ્વિધા સાંજે ટળી ગઈ. પેઢીથી શેઠે મૅનેજરને ખબર કાઢવા મોકલ્યો, તે વધાઈ દઈને ગયો ઃ હીરા બચી ગયા એનો આનંદ!

ડૉક્ટર પાસેથી મળેલા હીરા આસિતાએ મૅનેજરને આપ્યા છે એ જાણી સુરક્ષા માટે અમારે હીરા ક્યાં-ક્યાં છુપાવવા પડે છે એવો મલાવોય પોતે આસિતા આગળ કરેલો... ત્યારે પણ દુબઈની વાત નહોતી થઈ. તેણે ક્યાંથી જાણ્યું?

‘તમારી બૅગમાં તમારી ઍરટિકિટ અને પાસપોર્ટ મળ્યાં..’ ભીતર ઊકળતું હોવા છતાં આસિતાએ સ્વરમાં ટાઢક રાખી, ‘હું તો એ પણ જાણું છું બિરજુ કે અકસ્માતની ફરિયાદ પાછી ખેંચવા માટે સમવન સોનાવણે સાથે તમારી પાંચ કરોડની ડીલ થઈ છે.’

બિરજુ સહેજ ઝંખવાયો ઃ ફ્રેન્કલી પોતે કઈ કે કોની કાર સાથે ટકરાયો એની ગત નહોતી. પોલીસની પૂછપરછમાં એટલે તો પોતે સંતોષકારક જવાબ આપી નહોતો શક્યો. આમાં ત્રણ દિવસ અગાઉ, સંધ્યા વેળા આધેડ વયનો કાબો દેખાતો આદમી આવી ચડ્યો, પોતાની ઓળખ મિસ્ટર સોનાવણે તરીકે આપી તેણે સીધી ઑફર મૂકી ઃ ‘અકસ્માતની ફરિયાદ પાછી ખેંચવાના બદલામાં તમને મોંમાગ્યું મળશે.’

‘મતલબ!’ મારા ડોળા ચકળવકળ થયેલા ઃ ‘મારો અકસ્માત તમે કર્યો! યુ... યુ... સ્પોઇલ માય પ્લાન!’

કયો પ્લાન એવું તેને કહેવાનું ન હોય, તેણે જાણવું પણ નહોતું, ‘લિસન, હું તો કેવળ મિડલમૅન છું. તમે ઍક્સિડન્ટમાં ઊગરી ગયા છો, કોઈ ડિસેબિલિટી નથી એ હિસાબે આમ પણ મારા ક્લાયન્ટ પર મોટી સજાનું જોખમ નથી, છતાં તમને તકલીફ પડી એના સેટલમેન્ટ તરીકે કરોડ-બે કરોડ ચૂકવવાની તેમની તૈયારી છે.’

‘પાંચ કરોડ...’ પોતે એમ જ તીર માર્યું ને તે માની પણ ગયો, ‘ડન!’ 

ત્યારે અફસોસ પણ થયેલો કે હજી મોટો આંકડો બોલ્યો હોત તો એય કદાચ મળી જાત! હશે. મને તો પાંચ કરોડ પણ ઓછા નથી. અઢી કરોડનો હવાલો મળી ગયો છે. આજે સવારે મેં ફરિયાદ રફેદફે કરવા બાબતે મારું નિવેદન આપી દીધું એટલે પોલીસનેય નિરાંત. થોડી વારમાં સોનાવણે બીજા અઢીનો હવાલો આપી જશે. બન્ને હવાલા દુબઈ જઈને વટાવવાનો છું, પછી ત્યાં જ વસી જવું છે!

માન્યું, આમાં ક્યાંય આસિતા નહોતી, પણ બધું જાણતી તે મારા મર્ગમાં વિઘ્ન તો નહીં નાખેને!

‘રૂમમાંથી નીકળી સોનાવણે લૉબીમાં તેના સાહેબને મીટિંગનો અહેવાલ આપતો હતો એ મેં કાનોકાન સાંભળ્યું. આમાંનું કંઈ જ તમે મને ન કહ્યું બિરજુ, પછી નામની સગાઈ રાખવાનો શું અર્થ!’ આસિતાએ જમણા હાથમાંથી વીંટી ઉતારીને પેશન્ટના પલંગ પડખેના સ્ટૂલ પર મૂકી દીધીઃ હું એટલું જાણું છું બિરજુ કે જેને કોઈ નીતિનિયમ સ્પર્શતા નથી, જેની લાગણીમાં કેવળ સ્વાર્થ છે તેની સાથે કોઈ પણ કારણે, કોઈ પણ મજબૂરીએ ભવોભવની જુગલ જોડી નહીં જમાવાય.’

આસિતાના તેજ સામે બિરજુની ગરદન આપોઆપ ઝૂકી ગઈ.

‘ગુડબાય બિરજુ...’

ટિફિનના વાસણ સમેટીને આસિતા રૂમમાંથી નીકળે એ પહેલાં ક્યારનો દ્વારે આવી તેમની વાતચીતનો સાક્ષી બનેલો આશ્રય દરવાજેથી જ સરકી ગયો ઃ થૅન્ક્સ આસિતા, તારા નિર્ણયે મને પણ માર્ગ દેખાડી દીધો!

lll

‘તમારો આભાર...’ - સોનાવણેએ રજા લીધી, ‘અને આપણો હિસાબ ચૂકતે.’

બિરજુએ ડોક ધુણાવી. થોડી વાર અગાઉની આસિતાની મુલાકાતનો ખટકો ખંખેરી નાખ્યો ઃ પાંચ કરોડનો હવાલો મળી ગયો. આસિતા જેવી તો હજારો મળી રહેશે!

રંગરેલિયાંનાં ખ્વાબ જોનારને મોત દરવાજે આવી ઊભું છે એની ક્યાં જાણ હતી?

lll

‘ડન...’

સોનાવણેએ કહેતાં શશિકાંતભાઈએ રાહતનો શ્વાસ લીધો.

ના, દીકરીએ અકસ્માતમાં કોઈને ઉડાડ્યાનું જાણી શશિકાંતભાઈ તેને વઢ્યા નહોતા, બલકે વકીલની સલાહ લઈને એ મુજબ પગલાં લીધાં. તેમની પાસે લાયઝનિંગની ટીમ હતી, એમાં સોનાવણે એકદમ કાબો હતો. અકસ્માત રિયાથી થયો છે એવું જતાવવાને બદલે જમાનાના ખાધેલ શશિભાઈએ જમાઈને આગળ કરેલોઃ  ‘અમારો થનારો જમાઈ આશ્રય... એક તો પીને ગાડી ચલાવે ને ભીનું મારે સંકેલવાનું!’

ખેર,  એક કિસ્સોય ખતમ! 

lll

‘ગુડ મૉર્નિંગ, એવરીવન!’

રવિની સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર ગોઠવાયેલાં શશિભાઈ-શર્મિલાબહેન અને રિયાને સવાર-સવારમાં આશ્રયનું આગમન સહેજ અચંબિત કરી ગયું. તેના વદન પર ઉલ્લાસ છે, અવાજમાં ગજબનો આત્મવિશ્વાસ!

‘કામ રિયાનું હતું, પણ તમારી હાજરીય જરૂરી હતી એટલે અહીં જ આવવું મુનાસિબ માન્યું.’

તે રિયા તરફ ગયો, ગજવામાંથી વીંટી કાઢી ટેબલ પર મૂકી, ‘તારી અમાનત. હું આપણું સગપણ - આઇ મીન ડીલ - ફોક કરું છું... ’

‘હેં!’ રિયા સમસમી ગઈ, શર્મિલાબહેન ડઘાયાં, શશિકાંતભાઈ ત્રાડ પાડી ઊઠ્યા ઃ ‘હાઉ ડેર યુ ટૉક લાઇક ધિસ! સગાઈ તોડવી જ હોય તો એ હક રિયાને, હૂ ધ હેલ આર યુ!’

‘મને મારું કદ માલૂમ છે સાહેબ...’ સહેજેય ડગ્યા વિના આશ્રય બોલતો હતો એ પણ રિયાને મન કોયડારૂપ હતું. એકાએક મગને પગ કેમ ફૂટ્યા?

‘રિયા સાથે સગપણ કર્યું ત્યારની મને દ્વિધા તો હતી જ... પણ હવે સ્પષ્ટ છું કે જેને કોઈ નીતિનિયમ સ્પર્શતાં નથી. જેની લાગણીમાં કેવળ સ્વાર્થ છે તેની સાથે કોઈ પણ મજબૂરીએ ભવોભવની જુગલ જોડી નહીં જમાવાય.’

સ્તબ્ધતા છવાઈ ગઈ. આશ્રયનું તેજ આજે રિયાને માત આપતું લાગ્યું.

‘ડોન્ટ વરી, તમારા રૂપિયા વ્યાજ સાથે ચૂકતે કરી દઈશ. બાકી લાગણીની ખાતાવહી તો તેં ક્યાં ખોલવા જ દીધી?’

વિજેતાની ચાલે બહાર નીકળતા આશ્રયને નિહાળતી રિયા ચિલ્લાઈ, ‘તેં મને ઠુકરાવીને જિંદગીની બહુ મોટી ભૂલ કરી છે આશ્રય, યુ વિલ પે ફૉર ધિસ!’

તેણે ટેબલ પર રહેલું વાઝ પછાડ્યું ને કાચ તૂટવાનો ખણખણાટ ઘરમાં પ્રસરી ગયો.

lll

‘રૂડું કર્યું, દીકરા!’ વિદ્યામાએ આસુનાં ઓવારણાં લીધાં.

ઘરે આવી આશ્રયે મા સમક્ષ હૈયું ઠાલવી દીધું. મા રિયા માટે આમેય ઢચુપચુ હતાં. દીકરાના સંદર્ભ હવે સમજાયા. તેના આજના નિર્ણયને પોંખવાનો જ હોય.

દેવાની ચુકવણીનું હવે નવેસરથી વિચારવાનું હતું. શશિકાંતભાઈ-રિયા મને નબળો પાડવા આડીતેડી સઘળી રમત રમશે, પણ મારે ડગવાનું નથી. 

ઍન્ડ બિફોર ઍનીથિંગ, મને પ્રેરિત કરનારનો આભાર તો માનવો જ રહ્યો!

lll

ડોરબેલના રણકારે આસિતાએ દરવાજો ખોલ્યો. સામે મધુરું મલકતા સોહામણા જુવાનને તે પળવાર તો મુગ્ધપણે તાકી જ રહી.

‘મારું નામ આશ્રય. તમારો આભાર માનવા આવ્યો છું.’

‘જી?’ આસિતાની કીકીમાં અચંબો ઘૂંટાયો.

lll

‘માય ગૉડ!’ ડ્યુટી પરની નર્સ ચમકી, ઇમર્જન્સીનું અલાર્મ વગાડ્યું ઃ પેશન્ટ ઇઝ સિન્કિંગ!

સ્પીડી રિકવર થતું પેશન્ટ અચાનક જ ડાઉનફોલ બતાવે એવું ક્યારેક બનતું હોય છે. રવિની સાંજથી બિરજુને તાવ હતો. એનો અર્થ એ કે અંદર ક્યાંક ઇન્ફેક્શનના ચાન્સિસ ખરા... સોમની સવારે લોહીની ઊલટી થઈ એટલે સ્ટાફ સમજી ગયો કે ઇટ્સ નાવ સિરિયસ. બિરજુ પણ ચકળવકળ થતો હતો ઃ ‘ડૉક્ટર, મને કોઈ ખતરો તો નથીને! હજી તો મને જોઈતો પૈસો હમણાં આવ્યો... મારે મરવું નથી ડૉક્ટર!’

ડૉક્ટરના શ્રેષ્ઠ પ્રયત્નો છતાં મંગળની સાંજે બિરજુ જિંદગીનો જંગ હારી ગયો. ૨૦ કરોડના હીરા લઈને ભાગી ન શક્યો, પાંચ કરોડનો હવાલો વટાવી ન શક્યો, કદાચ એ જ તેની નિયતિ!

lll

અકસ્માતમાં ઘાયલ યુવાનનું મોત!

બુધની સવારે અખબારમાં ખૂણેખાંચરે છપાયેલા ખબરે તન્મયને ખીલવી દીધો ઃ અબ કુછ બાત બની!

 

આવતી કાલે સમાપ્ત

columnists Sameet Purvesh Shroff