જોગ-વિજોગ... સંબંધોનું જમાઉધાર (પ્રકરણ ૪)

30 May, 2024 07:18 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

અમે તારિકા સાથે કોઈ સંબંધ રાખ્યો નથી, તે ભલે ઇન્ટરવ્યુમાં અમારા માટે જે કહેતી રહે

ઇલસ્ટ્રેશન

તેનો ફોન રણક્યો. સ્ક્રીન પર ઝબૂકતું નામ જોઈને ગંદી ગાળ સરી ગઈ.

‘ક્યા હુઆ સાબ?’

રિઅર વ્યુ મિરરમાંથી માલિક સાથે આંખ મિલાવીને ડ્રાઇવરે પૂછ્યું.

રંગીન મિજાજ શેઠનાં પત્નીથી છાનાં કેટલાં લફરાં ચાલે છે એની વિગતો રણમલને મોઢે અને ક્યાંક કોઈ લફરામાં પ્રેગ્નન્સીનો લોચો થયો તો બાઈને ગાયનેક પાસે લઈ જઈને ભાર હળવો કરાવી આવે એવો વફાદાર. બદલામાં વિવાન શેઠ પણ બક્ષિસથી તેનું ગજવું ભરેલું રાખતા પછી રણમલ નમકહલાલીમાં શું કામ ચૂકે!

મલબાર હિલમાં આલીશાન વિલા ધરાવતો પાંત્રીસેક વરસનો વિવાન મૂળે વેપારી. મુંબઈના ડાયમન્ડ-કિંગ ગણાતા સુધાકર શાહની એકની એક દીકરી સુલેખાને પરણીને આર્થિક દૃષ્ટિએ વધુ જાયન્ટ બન્યો. બ્લૅકનો રૂપિયો શ્વશુરજી ફિલ્મ-ફાઇનૅન્સમાં રોકતા. એમાંથી વિવાનને લફરાની લાઇન સાંપડી.

પોતે અમીર અને હૅન્ડસમ એટલે રાગની લત તો જવાનીના ઉઘાડના સ્તરથી. લગ્ન પછી થોડો સમય વૃત્તિ કાબૂમાં રહી, પણ શ્વશુરજીના દેહાંત બાદ સુલેખાના માથેથી મહિયરનું છત્ર ગયું ને તેમના વેપારમાં પોતાને એકહથ્થુ સત્તા મળતાં પ્લેબૉયપણું બંધાયેલું રહ્યું! ખાસ તો ફિલ્મ-ફાઇનૅન્સના બદલામાં ​હિરોઇન સાથે શૈયાસુખ માણવાનું ફાવી ગયું. પત્ની-પ્રેસથી બચવા વેપારના બહાને વિદેશની ધરતી પર સંગ માણતો. એકથી મન ભરાય કે વિવાન તેને છોડીને નવી તિતલી ઝડપી લે.

એમાં વરસેક દહાડાથી શેઠ તારિકાના મોહવશમાં છે એની બૉલીવુડમાંય કોઈને ભલે ગંધ ન હોય, રણમલથી છૂપું નહોતું.

અત્યારે શેઠની નારાજગીનું કારણ તારિકા જ હોવી જોઈએ એ સમજતાં ડ્રાઇવરને વાર ન લાગી.

‘શું થયું સાહેબ? મૅડમને સ્વિટ્ઝરલૅન્ડની ટ્રિપ ઓછી પડી?’

હજી ગયા અઠવાડિયે શેઠ તારિકા સાથે ચાર દિવસ વિદેશમાં ગાળી આવ્યા. ઍરપોર્ટ પર લેવા-મૂકવા જનારો તો રણમલ જને.

‘એ ​ટ્રિપમાં જ મોકાણના સમાચાર આપ્યા.’

વિવાને હોઠ કરડ્યો. ટોચની ​હિરોઇનો પણ લાઇનમાં ટકી રહેવા ફાઇનૅન્સર્સને રીઝવવા રાજી થઈ જતી હોય છે એવો વિવાનને અનુભવ હતો. બૉલીવુડની ટૉપ ઍક્ટ્રેસ ગણાતી તારિકા ઘણા વખતથી રડારમાં હતી. તેને ઇશારા આપતો રહેતો. એક તબક્કે તારિકાએ પણ સામાં સિગ્નલ આપવા માંડ્યાં. પોતે પરિણીત હતો તો તારિકા પણ વ​ર્જિન નહોતી જ. મૉ​રિશ્યસના પ્રાઇવેટ બીચ પર બે રાત્રિ સાથે ગાળ્યા પછી તારિકાનું જાણે બંધાણ થઈ ગયું. તારિકા પણ એવું જ જતાવતી રહી જાણે વિવાન જેવી મર્દાનગી તેણે બીજે ભાળી નથી!

તેનો ઇરાદો સ્વિટ્ઝરલૅન્ડની તાજેતરની ટ્રિપના છેલ્લા દિવસે ઊઘડ્યો.

‘ડાર્લિંગ, તારે લૉયરને મળવું પડશે.’ સવાર વેળા સોડમાં ભરાઈને તેણે વિવાનની ઊંઘ ઉડાડી દીધેલી.

‘મારે વકીલને કેમ મળવું પડે?’

‘કેમ, સુલેખાને ડિવૉર્સ દેવાનાં કાગળિયાં વકીલ જ તૈયાર કરશેને.’ કેવી ટાઢકથી તે બોલી હતી.

‘સુલેખાને ડિવૉર્સ! ગાંડી થઈ છે?’

ના, છૂટાછેડાનો ઇનકાર કરવામાં પત્નીપ્રેમ નહોતો. પતિને પૂજનારી સુલેખાનો ડર તો હોય જ નહીં. આ તો શ્વશુરજી વિલમાં ડિવૉર્સ થાય તો તેમનો તમામ હિસ્સો સુલેખાના ફાળે જાય એવી જોગવાઈ મૂકીને ગયા છે. પત્ની તરીકે વિવાનની મિલકતનો અડધો હિસ્સો પણ સુલેખાને મળે. એવા ડિવૉર્સ કોઈ કાળે નહીં પરવડે એટલે તો લફરાં અતિ ગુપ્ત રાખવાં પડે છે. તારિકા માટે વિવાનને એવી લાગણીયે નહીં કે તેના કારણે સુલેખાને રસ્તામાંથી હટાવવાનું વિચારાય!

‘પણ તારી બેવફાઈ હવે છાની નહીં રહે. આઇ ઍમ પ્રેગ્નન્ટ.’

વિવાન માટે આ સાવ નવું નહોતું.

‘અબૉર્ટ ઇટ. લુક સ્વીટી, આપણું રિલેશન ફિઝિકલ પ્લેઝર્સ પૂરતું. એમાં લવ કે મૅરેજનું કમિટમેન્ટ નહોતું, યુ નો ધૅટ. શૈયાસુખ ઉપરાંત પણ મેં તને ઘણું આપ્યું. તારી ફિલ્મને ફાઇનૅન્સ, બે-ત્રણ કરોડની ગિફ્ટ...’

‘ઍન્ડ મોર ઇમ્પોર્ટન્ટ્લી, મારા ગર્ભમાં તારું બીજ. હવે તું જવાબદારીમાંથી છટકી નહીં શકે.’

તેની ઢબમાં ધમકી નહોતી, ધાક જરૂર વર્તાઈ. અચાનક વિવાને અનુભવ્યું કે પોતે તારિકાને પલોટી શક્યો એ વાત જ મિથ હતી, ખરેખર તો પોતાની ગણતરીથી પ્રેરાઈને તારિકા મને

રમાડી રહી હતી. શ્રીમંત પુરુષને પરણવાની ગણતરી!

આ સ્ત્રી અબૉર્શન માટે નહીં માને. પ્રેગ્નન્સીને વેપન તરીકે વાપરી તે મને પરણીને સેટલ થવાનો દાવ અધૂરો

નહીં છોડે...

અને એવું જ થઈ રહ્યું છે. સ્વિટ્ઝરલૅન્ડથી આવ્યા પછી સવાર, બપોર, સાંજ ફોન કરીને તે એક જ રાગ આલાપે છે : ડિવૉર્સનું કેટલે પહોંચ્યું?

આજે તો એવુંય બોલી ગઈ કે તારાથી સુલેખાને ન કહેવાતું હોય તો

હું મીડિયામાં મારી પ્રેગ્નન્સીની જાહેરાત કરીને DNA ટેસ્ટની માગણી પણ

મૂકી દઉં...

એ તો થવા જ નથી દેવું. તારિકા તેની પ્રેગ્નન્સીને રામબાણ હથિયાર તરીકે વાપરવા માગે છે, ધારો કે એ ગર્ભ જ ન રહે તો!

વિવાન ટટ્ટાર થયો : અલબત્ત, ગર્ભપાત માટે ડૉક્ટર કહે એ દવાનો ડોઝ તેને છળથી આપવો પડે અને એ કામ જાતે તો ન જ કરાય, આ રણમલ પણ ન ચાલે. કદાચને પોલીસતપાસ આવે તો ફસાઈ જવા જેવું થાય.

‘રણમલ, એક આદમીની જરૂર છે.’ વિવાને નક્કી કરી લીધું, ‘જે ગર્ભવતી મહિલાનો ગર્ભ પાડી નાખે.’

રણમલ થોડામાં ઘણાની જેમ સમજી ગયો.

‘થઈ જશે શેઠ.’

તેના રણકાએ વિવાન શેઠ નિ​શ્ચિંત બન્યા. તારિકા, એમ તો તને હું ફાવવા નહીં જ દઉં!

lll

 ‘ખૂની હુમલો!’ તારિકા ચમકી ગઈ.

ફિલ્મસ્ટાર તરીકે તારિકાનું માર્કેટ ગરમ હતું. છેલ્લે સરોગસી પર આધારિત ફિલ્મની જ્વલંત સફળતા બાદ તેની બીજી ફિલ્મ રિલીઝ માટે તૈયાર હતી. વિવાને ફાઇનૅન્સ કરેલી તેની નવી ફિલ્મ મર્ડર મિસ્ટરી હતી જેની રિલીઝ-ડેટ પહેલાં પબ્લિસિટી ઇવેન્ટ્સનું પ્લાનિંગ થઈ રહ્યું હતું. પ્રોડ્યુસરની ઑફિસમાં આયોજિત મીટિંગમાં ફાઇનૅન્સર તરીકે વિવાન પણ મોજૂદ હતો. તેણે કે તારિકાએ પણ કોઈને જતાવ્યું નહીં કે અમારી વચ્ચે પ્રેગ્નન્સીનો તનાવ છે!

તારિકા પોતાના હથિયાર પર મુસ્તાક હતી. વિવાન મહિનોએકમાં માને તો ઠીક, બાકી તો મીડિયામાં DNA ટેસ્ટની માગણી રજૂ કરીને ન્યાયની દુહાઈ માગવાની પણ તેની માનસિક તૈયારી હતી. દરમ્યાન વિવાન પોતાના ગર્ભને નુકસાન પહોંચાડી શકે એટલી સૂઝ તો હતી એટલે તો તે પાણીની બૉટલ સુધ્ધાં ઘરેથી લઈને નીકળતી.

વિવાન માટે પણ એ થોડું અઘરું હતું. રણમલના ધ્યાનમાં એક આદમી છે, પણ તારિકાના ખોરાક-પાણીમાં ગર્ભપાતની દવા ભેળવવાની તક મળે નહીં ત્યાં સુધી ભાડૂતી આદમી હાયર પણ કેમ કરવો!

આમાં આજની આ મીટિંગ.

આજકાલ ફિલ્મની સ્ટોરી કરતાં એના પબ્લિસિટી-કૅમ્પેન બાબત વધુ બ્રેઇન-સ્ટૉર્મિંગ થતું હોય છે. ‘કાતિલ કૌન’ માટે પ્રચારટીમ નવો જ સુઝાવ લઈ આવી : ધારો કે તારિકામૅમ ફિલ્મની પબ્લિસિટી-ઇવેન્ટ માટે મૉલ જેવા કોઈ સ્થાને ગયાં હોય, દર્શકો-મીડિયાની ભીડ હોય એમાં કોઈ અજાણ્યો આદમી આવીને છાતીમાં ગોળી મારતાં મૅમ ઢળી પડે તો ઘડીભરમાં ન્યુઝ વાઇરલ થઈ જવાના... દરમ્યાન પોલીસની વરદીમાં હીરો પ્રવેશીને કાતિલને પકડી લે અને મૅમ હસતાં-હસતાં ઊભાં થઈને જાહેર કરે કે આ તો કતલની કેવળ મૉક ડ્રિલ હતી, ફિલ્મમાં આનાથી પણ દિલચસ્પ મર્ડર મિસ્ટરી છે એ જોવા જરૂર જજો...

બાત મેં દમ હૈ! પબ્લિસિટી માટે આવો આઇડિયા અગાઉ ક્યારેય વપરાયો નથી. તારિકાએ પણ સહમતી પુરાવી. પ્રોગ્રામનો દિવસ-સમય નક્કી કરીને મીટિંગ બરખાસ્ત થઈ ત્યારે વિવાનના દિમાગમાં જુદી જ ગણતરી ચાલતી હતી : વરલીના મૉલમાં ચાર દિવસ પછી, શનિવારની સાંજે તારા પર હુમલો થવાનો તારિકા; પણ એ મૉક ​ડ્રિલ નહીં હોય...

મૉક ​ડ્રિલની આડમાં મારો આદમી તારા પેટમાં ચાકુ મારીને ગર્ભ પાડી દેવાનો!

બાદમાં ઘાયલ શેરનીની જેમ તું ગમે એટલી ત્રાડ નાખે, એનાથી મારા ઘરસંસારની કાંકરીયે નહીં ખરે.

મીટિંગમાંથી નીકળતાં તેણે રણમલને કહી દીધું : તારા આદમી જોડે ડીલ ફાઇનલ કરી દે!

lll

‘હમકો ભી ગમને મારા...’

ઘર નજીકના દારૂના અડ્ડે ગોઠવાઈને હાથમાં જામ રમાડતા તેના ચિત્તમાં લતાનું ગીત ઝબક્યું ને હોઠ વંકાયા : કેટલાક ગમ હોય છે જ એવા જેમને ભીતરના ભેદની જેમ સહેવા પડે...

‘ક્યોં ઐસે ઉદાસ બૈઠા હૈ!’

અકબરના અડ્ડા પર પોતે ત્રણેક મહિનાથી નવો-નવો આવતો થયો એમાં આ રણમલ સાથે દોસ્તી જેવું થઈ ગયું છે. તે જોકે એવું સમજે છે કે મને બેરોજગારીની પરેશાની છે... મને શું પજવે છે એ તો તેને પણ કેમ કહેવું!

‘સુન, મેરે સેઠ કા એક કામ હૈ... કરેગા?’

તેની આંખો ઝીણી થઈ.

lll

 ‘આ ફિલ્મવાળાઓને કોઈ ન પહોંચે!’

આજે શનિની રજાના દિવસે મૈત્રી સવારથી આવી ગઈ હતી. એમ તો પાડોશમાં નંદિનીદીદી સાથે પણ વૈદેહીને ફાવી ગયેલું. તેની સાથે જોકે તારિકા વિશે ચર્ચા કરવાનું ટાળતી. દી પણ ક્યાં તેને સાંભરતાં હોય છે?

આમાં મૈત્રીનો ટેકો હતો. આજે પણ જમી-પરવારીને બન્ને નંદિની સાથે રૂમમાં ગોઠવાઈને ગપ્પાં હાંકતાં હતાં ત્યાં મૈત્રીને સાંભર્યું, ‘વીતેલા જમાનાની સેક્સ-સિમ્બૉલ ગણાતી ઍક્ટ્રેસે સોશ્યલ મીડિયામાં લિવ-ઇનની તરફેણ કરી. તેના મૉડર્ન અભિગમ સામે તેની જ સમકાલીન અભિનેત્રીએ એવું કહ્યું કે કૂલ આન્ટી બનવાના ચક્કરમાં કોઈએ યંગસ્ટર્સને મિસગાઇડ ન કરવા જોઈએ, બોલો!’

‘સેલિબ્રિટીના લવારાનો સૌથી વસમો અનુભવ મને થયો છે. સાવ સહજપણે વૈદેહીનો જખમ ખૂલી ગયો, ‘અને એમાં તમારી નાની બહેન તારિકા નિમિત્ત બની છે, નંદિનીદી!’

હેં!

વૈદેહીની વીતક જાણીને નંદિની ડઘાઈ.

‘તારિકામાં કપટ ન હોત તો કદાચ મિસ ઇન્ડિયા પહેલાં હું બની હોત.’ નંદિનીએ પણ ભૂતકાળનાં પડ ઉખેળી નાખ્યાં : અમે તેની સાથે કોઈ સંબંધ રાખ્યો નથી. તે ભલે તેના ઇન્ટરવ્યુમાં અમારા માટે જે કહેતી રહે.

પોતાની સગી બહેનને છેતરનારીને હું આદર્શ માનતી રહી! વૈદેહી સ્તબ્ધ હતી.

પહેલાં મૈત્રીને કળ વળી.

‘છતાં તમે મુંબઈ શિફ્ટ થયાં છો એવું બતાવવું હોય દી તો આજે તારિકાને મળવાનો મોકો છે. વરલીના મૉલમાં તે નવી ફિલ્મની પબ્લિસિટી માટે આવવાની છે.’

- તારિકાને તો મારે મળવું છે! વૈદેહીના દિમાગમાં ટિક-ટિક થવા લાગી : તારિકાને અનુસરવાની પોતે બહુ મોટી સજા ઓઢી, તેણે મૂલ્યોનો દંભ આચર્યો ન હોત તો હું ઓછી તેને આંધળીની જેમ અનુસરત! અને તો આતુર સાથે વિજોગનો જોગ ન સર્જાત... નહીં, તારિકાને આ ગુનાની સજા તો જાહેરમાં તેનો ગાલ લાલ કરીને આપવી જોઈએ...

અલબત્ત, એથી મારું સત્ય ઉજાગર નથી થવાનું, આતુર માટે હું ક્ષમાપાત્ર નથી બનવાની. આતુર બહુ-બહુ તો આને રાંડ્યા પછીનું ડહાપણ કહેશે, પણ બીજી કોઈ વૈદેહીનો ભરમ ભાંગે એ પૂરતું છે! જાણું છું કે તારિકાની આગળ-પાછળ ગાર્ડ્સની ફોજ હશે, પણ આજે હું દરેક અવરોધ તોડીને તારિકાની રૂબરૂ થઈ મારો ઊભરો ઠાલવવાની!

અને વૈદેહી વરલી જવા નીકળી ત્યારે...

lll

જિમમાં આતુરની કૅબિનનો દરવાજો ખોલી મંગળાએ દોડીને આતુરના પગ પકડી લીધા : ‘આતુરભાઈ, મારા પતિને બચાવી લો!’

એક સમયના પોતાના મુખ્ય મદદનીશ વિશ્વાકની પત્નીને અચાનક આવી ચડેલી જોઈને આતુર ડઘાયો. તેને આશ્વસ્ત કરી : વિશ્વાકને હું કંઈ થવા નહીં દઉં. પહેલાં મને કહે તો ખરી કે થયું શું?’

તેની નિશ્રામાં રાહત અનુભવતી મંગળાએ અશ્રુ ખાળ્યાં, ‘વિશ્વાક વરલીના મૉલમાં પેલી ફિલ્મ-નટી તારિકાને ચાકુ હુલાવવાનો છે!’

હેં! ધારણા બહારનું સાંભળીને આતુર ડઘાયો.

ત્યારે પોતાની આલીશાન ઑફિસમાં મૉલનું લાઇવ ટેલિકાસ્ટ નિહાળવા વિવાન તૈયાર બેઠો છે : તારિકા, તારો હુકમનો એક્કો આજે ખરી પડવાનો!

શું થવાનું હતું એની તો વિવાનને પણ ક્યાં ખબર હતી?

 

(આવતી કાલે સમાપ્ત)

columnists Sameet Purvesh Shroff